કોમી એકતાની જાળવણી પ્રાર્થના અને સંગીતના માધ્યમથી

આશા બૂચ
29-10-2018

ગાંધી - એક વિશ્વ માનવ શ્રેણી : મણકો - 2

ગાંધીજીના જીવન કાળ દરમ્યાનનું ભારત ધર્મ અને જ્ઞાતિના વાડાઓમાં ઠેકઠેકાણે ખંડિત થયેલું હતું. પ્રજામાં સર્વધર્મ સમભાવની ભાવના જન્મે તો કોમી એખલાસ પેદા થાય અને સ્વતંત્ર ભારતના તમામ નાગરિકોની સુખાકારી અને સલામતી માટે એ અત્યંત આવશ્યક પણ છે એ હકીકતની જાણ ગાંધીજીને હતી. તે માટેના તેમનાં અનેક પગલાંઓમાંનું એક, તે આશ્રમની સવાર-સાંજની સર્વધર્મ પ્રાર્થના. તેમાં બોલાતા શ્લોક, ગવાતાં ભજનો અને ધૂનનો સંગ્રહ તે ‘આશ્રમ ભજનાવલી’. આ ‘ભજનાવલી’નો વિકાસ કેવી રીતે થયો એ વાત સ્વ. કાકાસાહેબ કાલેલકરે લખી છે તે જાણવાલાયક છે.

ગાંધીજીના સમૂહ જીવનના પ્રયોગો દક્ષિણ આફ્રિકામાં શરૂ થયા, અને ત્યારથી તેમણે સાયં પ્રાર્થના દાખલ કરી. એ વખતે ગવાતાં ભજનોનો સંગ્રહ ‘નીતિનાં કાવ્યો’ નામે પ્રકાશિત થયેલ. ગાંધીજી અને તેમના આશ્રમવાસીઓ દક્ષિણ આફ્રિકાથી કાયમ માટે ભારત આવ્યા, ત્યારે આશ્રમ પરિવારનાં સભ્યો ‘શાંતિ નિકેતન’માં રહ્યાં અને તે સમયે તેમની પ્રાર્થનાઓમાં બંગાળી ભજનો ઉમેરાયાં. કાકાસાહેબ કાલેલકરે સવારની પ્રાર્થનાનો ચાલ શરૂ કર્યો અને થોડા શ્લોકો ઉમેર્યા. કોચરબ આશ્રમમાં સંગીતાચાર્ય શ્રી નારાયણ ખરે, મામા સાહેબ ફાળકે, શ્રી વિનોબાજી અને બાલકોબાના આગમનથી હિન્દુસ્તાની સંગીત અને મહારાષ્ટ્રના સંત કવિઓની વાણી તેમાં ઉમેરાઈ. આમ હિન્દુ ધર્મના વિવિધ ભાષાઓનાં ભજનોએ પ્રાંત અને ભાષાભેદ હળવો કર્યો.

આફ્રિકાના રહેવાસ દરમ્યાનથી જ ગાંધીજીનો આગ્રહ રહેતો કે જેમ ભોજનમાં દરેકને પોતાની રુચિ પ્રમાણે ખોરાક મળવો જોઈએ, તેમ પ્રાર્થનામાં હરેકને પોતાની રુચિ અને શ્રદ્ધાનો ખોરાક મળવો જોઈએ. આથી બે તામિલ ભાષી બાળકો  જોડાયાં, તો તમિલ ભજન પ્રાર્થનામાં ઉમેર્યું. તે ઉપરાંત રામાયણ, ઉપનિષદ અને ગીતાના પાઠ પણ થતા. આમ છેવટ પ્રાર્થનામાં  ઉપનિષદ, રામાયણ, મહાભારત, કુરાન અને સંત સાહિત્યની પસંદગી કરવામાં આવી. આમ અનેક પ્રાંતીય ભાષાઓ પણ આપોઆપ પ્રવેશ પામી. સમય જતાં ઈશાવાસ્યમ ઈદમ સર્વમ શ્લોકથી શરૂ થતી પ્રાર્થનામાં ઇસ્લામ, જરથોસ્તી અને બૌદ્ધ ધર્મની પ્રાર્થનાઓમાંથી એકેક બબ્બે પંક્તિઓ ઉમેરાઈ. તમામ આશ્રમવાસીઓ અને મુલાકાતીઓમાં સર્વધર્મ સમભાવની ભાવના આ રીતે આપોઆપ દ્રઢ થઇ. પછી તો અનેક આશ્રમો અને આશ્રમશાળાઓ ખૂલી જ્યાં આ પ્રાર્થના ગવાતી થઇ. કેટલાંક કુટુંબોએ પોતાના ઘરમાં પણ પારંપરિક દેવ દેવીઓનાં સ્તવનને સ્થાને આ પ્રાર્થનાને રોજિંદા જીવનમાં અપનાવી જેનાથી બાળકોને અલગ અલગ સમુદાયના લોકોને જોવા-સમજવાની અનોખી દ્રષ્ટિ સાંપડી જેની હું સાક્ષી છું.

કોઈ પણ બે કે તેથી વધુ કોમ વચ્ચે પરસ્પર માટેનો વિશ્વાસ જતો રહે, તેમની વચ્ચે વૈમનસ્ય પેદા થાય અને છેવટ એ સંઘર્ષમાં પરિણમે ત્યારે દેશને એકત્રિત રાખવા ઘણું મોડું થઇ ગયું હોય છે. ઉત્તમ રીત તો એ છે કે એક ગામમાં અલગ અલગ કોમના લોકો એક જ લત્તામાં રહે, એક નિશાળમાં બાળકો ભણે, એક બીજાના તહેવારોની ઉજવણીમાં ભાગ લે અને સાથે મળીને પ્રાર્થના કરે જેથી વિનોબાજીએ કહેલું નામ લઈએ ત્યારે બૉમ્બ પડ્યો હોય તેમ લોકો વિરુદ્ધ દિશામાં ભાગવા ન માંડે. દુઃખની વાત એ છે કે ગાંધીજીને ભારતની મોટા ભાગની પ્રજાએ સ્વતંત્રતા અપાવનાર એક રાજકારણી તરીકે જોયા. આઝાદી પછી એમની હત્યા થઇ ત્યારે એક ‘મહાત્મા’ના મૃત્યુ પાછળ આંસુ સાર્યાં, પણ તેમણે ચિંધેલ સામાજ ઉત્થાન માટેના માર્ગોને સગવડતા ખાતર અભેરાઈ પર ચડાવી દીધા. આપણે મનને એમ કહીને મનાવી દીધું કે “આઝાદી મેળવવા કોમી એકતા હોવી જરૂરી હતી. હિન્દુ-મુસ્લિમ વચ્ચે ઝઘડાઓ થતા ત્યારે સર્વધર્મ પ્રાર્થના જેવાં પગલાં લેવાં ઠીક હતું, હવે તો બે દેશ જુદા થયા, હવે રોજ રોજ એવી પ્રાર્થનાઓ ગાવાની શી જરૂર?” કોમી વૈમનસ્ય માપવાની પારાશીશી ઉપલબ્ધ હોત તો વીસમી સદીના પહેલા પાંચ દાયકા કરતાં એકવીસમી સદીના પહેલા દસકાનો આંક જરૂર ઊંચો આવત.

પ્રાર્થના દ્વારા કોમી ઐક્ય સ્થાપવાના બીજા એક પ્રયાસની વાત અહીં કરવી છે. ગાંધીજીના જીવનકાળ દરમ્યાન આફ્રિકા અને ભારતમાં સર્વધર્મ પ્રાર્થના કરવાનો ચાલ શરૂ થયાને લગભગ અર્ધીથી વધુ સદી વીતી ચૂકી હતી અને ભારતથી યોજનો દૂર એક નાના શહેરમાં એવી જ એક ચિનગારી પ્રગટી.

વાચકોને કદાચ બોસ્નિયા હરઝગોવિનિયામાં 1992ની આસપાસ થયેલ સામૂહિક માનવ હત્યા વિષે જાણ હશે. ત્યાર બાદ તે દેશના પાટનગર સારાયેવોને ફરી બેઠું કરવું એક મહા મુશ્કેલ કામ હતું. ત્રણેક વર્ષો સુધી સશસ્ત્ર આક્રમણથી આહત થયેલ શહેર ભાંગી પડેલું. તૂટેલી ઇમારતો હત્યાકાંડમાં બચી જવા પામેલ પ્રજાને થયેલ માનસિક આઘાતનો પડઘો પાડી રહી હતી. જોવાનું એ છે કે સદીઓથી એ મુલ્કમાં જુદા જુદા ધર્મના લોકો આપસ આપસમાં શાંતિથી રહેતા હતા; જેમ ભારતમાં અનેક ધર્મ અને પંથના લોકો વચ્ચે સુમેળ હતો. હવે સવાલ એ હતો કે આવી ક્રૂર લડાઈ બાદ સારાયેવોના રહેવાસીઓ થાકી અને હારી ગયેલા હતા તેમને કોણ એકજૂટ કરી શકે?

બોસ્નિયામાં ક્રોએટ્સ કે જેઓ કેથલિક ધર્મ પાળે, સર્બિયન પ્રજા કે જે ઓર્થોડોક્સ ક્રિશ્ચિયન ધર્મને અનુસરે અને બોસ્નિયાક કે જેઓ ઇસ્લામ મઝહબને પાળે એ બધા સદીઓથી સાથે રહેતા, કામ કરતા અને એકબીજા સાથે લગ્ન કરીને જીવન ગુજારતા રહ્યા. પરંતુ ગ્રેટર સર્બિયાની મહાત્ત્વાકાંક્ષા સેવનારા રાજકારણીઓએ ધર્મને નામે મુસ્લિમો વિરુદ્ધ ઝેર ફેલાવ્યું અને બાર વર્ષથી ઉપરના મોટા ભાગના મુસ્લિમ છોકરાઓ અને પુરુષોની નિર્દય કત્લેઆમ કરી.

1996માં એ માનવ સંહારનો અંત આવ્યો, જાહેર કરાયો. પરંતુ બોસ્નિયાની આમ પ્રજાએ ભયાનક જાનહાનિનો અનુભવ કરેલો. એક કેથલિક ફ્રાંસિસકન સાધુ Father Ivo Markovic એ જ શહેરમાં રહે, એટલે વિનાશનાં દ્રશ્યો અને લોકોની પીડા જોઈ તેમનું હૃદય દ્રવી ગયું.  ઇસ્ટરનો તહેવાર નજીક આવતો હતો, તેમની પાસે ચર્ચ હતું, પણ ઈસ્ટર સમયે ગાવા માટે કોઈ નહોતું આવતું.  Ivo Markovicને આંતર ધર્મી ક્વાયર રચવાની સ્ફુરણા થઇ. પોતાના એક સાથી જોસેફને કહ્યું, ‘જાઓ જઈને લોકોને સંગીત ગાવાં બોલાવી લાવો.” એ સાથીદારે આવીને કહ્યું, “આ શહેરમાં કોઈ કેથલિક નથી.” ફાધરે કહ્યું, “કેથલિક ન હોય તેવા લોકોને, ઓર્થોડોક્સ ક્રિશ્ચિયનને, નાસ્તિકને, અરે, મુસ્લિમ લોકોને બોલાવી લાવો.” છેવટ એમ જ થયું.

એકત્રિત થયેલ લોકોએ પહેલાં જૂનાં જુઇશ ગીતો ગાવાં શરૂ કર્યાં, જે થોડાં આસાન હતાં. સર્બિયન અને ઇસ્લામિક ગીતો શીખવવાં ઘણા કઠિન પુરવાર થયાં કેમ કે એ બે જૂથો વચ્ચે લડાઈ થયેલી. પોતાની દુશ્મન જમાતનાં ગીતો ગાવાં ઘણાં કબૂલ ન થયાં કેમ કે તેમ કરતાં એકમેક પ્રત્યે ઘૃણાની લાગણી અનુભવતાં હતાં. પરંતુ બે-ત્રણ મહિના બાદ એ જ લોકોએ કહ્યું, એ ગીતો ખૂબ સુંદર છે! અને આમ એ ક્વાયર દ્વારા અલગ અલગ કોમ વચ્ચે બંધાયેલ વિભાજનની દીવાલમાં છિદ્ર પડ્યાં અને સુમેળની શરૂઆત થઇ.

તો સંગીતમાં આ શક્તિ ભરી પડી છે. એ લોકોના મનને વિશુદ્ધ કરે છે. સારાયેવોના કેથલિક ચર્ચમાં પ્રથમ વખત ‘અલ્લાહ હો અકબર’ ગવાયું ત્યારે ભારે મુશ્કેલી સર્જાઈ, કેટલાક લોકો એ બિલકુલ સ્વીકારી ન શક્યા. ઇસ્લામ ધર્મની કેટલીક માન્યતાઓ સમજવી અઘરી છે, પણ Ilahiyasના શબ્દો અને સંગીત ખૂબ કોમળ ભાવો રજૂ કરનાર અને સમજી શકાય તેવા હોય છે. સારાયેવોના આ ક્વાયરમાં એકઠાં થયેલ ગાયકોમાંના જુઇશ લોકો એમ માને કે તેઓ ભગવાનના ખાસ પસંદ કરેલ લોકો છે, એટલે તેમનાં ગીતો ખૂબ આનંદ ભરપૂર હોય અને તેઓ ભગવાન સામે નર્તન પણ કરે. તો ઓર્થોડોક્સ ક્રિશ્ચિયન્સ એમ માને છે કે જીસસ પુનર્જીવન મેળવીને ઊંચે સ્વર્ગમાં વાસ કરે છે અને તેમના ધર્મનાં ગીતો ગાનારા એન્જલ્સ છે. જ્યારે કેથલિક પંથના લોકોની માન્યતા એવી છે કે સ્વર્ગ આ પૃથ્વી પર છે, કુદરતમાં અને ફૂલોમાં અને ખાસ કરીને માનવોમાં સ્વર્ગ વસે છે. હવે આવી વિવિધ માન્યતાઓ ધરાવનાર ક્વાયરનું નામાભિધાન મુશ્કેલ હોય જ. આથી Ponta એટલે કે પૂલ અને anima એટલે આત્મા; એ બે શબ્દો મળીને Pontanima નામ રાખ્યું જેનો મતલબ થાય, આત્માઓ વચ્ચેનો પૂલ.

કહે છે ને કે કોઈ વૃક્ષ કે ફૂલોના છોડનું બીજ હવાની લહેરોથી ક્યારેક દૂર સુ દૂર ઊડીને પડે અને ખાસ્સા સમય પછી તેમાં અંકુર ફૂટે. સત્ય અને અહિંસાની જ્યોત આફ્રિકા અને ભારતમાં પ્રગટી, જેનાથી Father Ivo Markovic અને બોસ્નિયાની પ્રજા કદાચ સાવ અનભિજ્ઞ હોઈ શકે, પરંતુ એ વિચારની કૂંપળ છેવટ ફૂટી અને એક ક્ષત વિક્ષત થયેલ પ્રજાને એકસૂત્રે બાંધવામાં મદદરૂપ થઇ એ જાણીને ધન્ય થઇ જવાય.

વધુ જાણકારી માટે નીચેની લિંક ઉપયોગી થશે :

https://www.bbc.co.uk/news/av/stories-43472897/sarajevo-s-choir-that-bridged-the-ethnic-divide

e.mail : [email protected]

Category :- Gandhiana