ગુજરાત વિધાનસભામાં દલિતોના સવાલો અને દલિત પ્રતિનિધિઓ

ચંદુ મહેરિયા
17-10-2018

ગુજરાત વિધાનસભાનું બે દિવસનું વર્ષાસત્ર ૧૮-૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ મળ્યું હતું. પ્રથમ દિવસની કાર્યવાહી પૂર્વવડાપ્રધાન અટલબિહારી વાજપાઈને અંજલિ આપીને મોકૂફ રખાઈ. એટલે છ મહિને મળેલી આ વિધાનસભાએ પ્રજાના પ્રશ્નો માટે માત્ર એક જ દિવસ કામ કર્યું. ૧૯મી સપ્ટેમ્બરે વિધાનસભાની બે બેઠકો મળી હતી. આ બંને બેઠકોની તારાંકિત પ્રશ્નોત્તરીની  પુસ્તિકા અને આ સત્રમાં ગૃહમાં મુકાયેલી અતારાંકિત પ્રશ્નોની પુસ્તિકાના આધારે ગુજરાત વિધાનસભાના દલિત ધારાસભ્યોની કામગીરી આલેખવાનો અને તેની સમીક્ષા કરવાનો અહીં પ્રયાસ કરાયો છે.

ગુજરાત વિધાનસભાની દલિતો માટેની ૧૩ અનામત બેઠકો પૈકી સાત બેઠકો પર ભારતીય જનતાપક્ષના, પાંચ બેઠકો પર કૉંગ્રેસના અને એક બેઠક પર કૉંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર વિધાનસભ્ય છે. ભારતીય જનતા પક્ષના બારડોલી દલિત અનામત બેઠક પરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર વર્તમાન સરકારના પ્રધાનમંડળમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી હોઈ અહીં છ શાસકપક્ષના અને છ વિરોધપક્ષના ધારાસભ્યોની, વિધાનસભા પ્રશ્નોત્તરીને આધારે,  ધારાસભાકીય કામગીરી મૂલવવાનો પ્રયત્ન કર્યો છે.છેલ્લે ગુજરાત વિધાનસભાની બેઠક ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં બજેટસત્ર રૂપે મળી હતી. તે પછી છ મહિને મળેલી વિધાનસભામાં વીત્યા છ મહિનામાં ગુજરાતના દલિતોના સવાલો, તેમનાં આંદોલનો આ પ્રશ્નોત્તરીમાં જોવા મળે છે કે કેમ તે પણ નાણવાનો અહીં પ્રયત્ન કરીશું.

ચૌદમી ગુજરાત વિધાનસભાના બીજા સત્રની પહેલી બેઠકમાં કુલ ૩૭૫ તારાંકિત પ્રશ્નો રજૂ થયા હતા. તેમાં દલિત અનામત બેઠકો પર ચૂંટાયેલા ધારાસભ્યોએ ૩૨ પ્રશ્નો રજૂ કર્યા હતા. છ કૅબિનેટ અને ત્રણ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓના વિભાગને લગતા ૩૭૫ સવાલજવાબ રજૂ થયા છે. બીજી બેઠકમાં પાંચ કૅબિનેટ અને એક રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી, એમ કુલ છ, મંત્રીઓના વિભાગોના ૩૪૩ પ્રશ્નો અને જવાબો રજૂ થયા હતા. તેમાં દલિત ધારાસભ્યોના ૩૦ સવાલો હતા. બંને બેઠકોના તારાંકિત પ્રશ્નોની કુલ સંખ્યા ૭૧૮ હતી. તેમાં દલિત ધારાસભ્યોના પ્રશ્નો ૬૨ હતા. તેનો અર્થ એ થયો કે દલિત  ધારાસભ્યોનું પ્રતિનિધિત્વ લગભગ ૧૧ ટકા જેટલું હતું. ૫૦ અતારાંકિત પ્રશ્નોમાં બે જ દલિત ધારાસભોના પ્રશ્નો હતા. એટલે કે ચાર ટકા પ્રતિનિધિત્વ હતું.

જે ૧૨ ધારાસભ્યોએ ૬૨ તારાંકિત પ્રશ્નો પૂછ્યા, તેમાં પાંચ ધારાસભ્યો(પ્રદીપ પરમાર, શૈલેષ પરમાર,મોહનભાઈ વાળા, કરસનભાઈ સોલંકી અને હિતુ કનોડિયા)એ છ-છ, ચાર ધારાસભ્યો (જિજ્ઞેશ મેવાણી, પ્રવીણ મુસડિયા, મનીષા વકીલ અને લાખાભાઈ સાગઠિયા)એ પાંચ-પાંચ, ત્રણ ધારાસભ્યો (પ્રવીણ મારુ, માલતી મહેશ્વરી અને નૌશાદ સોલંકી)એ ચારચાર પ્રશ્નો પૂછ્યા હતા.સૌથી વધુ છ છ પ્રશ્નો પૂછનારમાં ત્રણ બી.જે.પી.ના અને બે કૉંગ્રેસના હતા. તો સૌથી ઓછા ચાર-ચાર પ્રશ્નો પૂછનાર ધારાસભ્યોમાં બે કૉંગ્રેસના અને એક ભા.જ.પ. હતા.

એક જ દિવસની બે બેઠકોની તારાંકિત પ્રશ્નોત્તરીમાં  ૧૫ મંત્રીઓના ૬૦ વિભાગોના પ્રશ્નો હતા, પરંતુ દલિત ધારાસભ્યોએ ૨૪ વિભાગોને લગતા જ પ્રશ્નો પૂછ્યા છે. અર્થાત્‌ અડધા કરતાં વધુ વિભાગોને દલિત ધારાસભ્યોના પ્રશ્નોનો લાભ મળ્યો નથી!! જે વિભાગને લગતો એક પણ પ્રશ્ન દલિત ધારાસભ્યોએ વિધાનસભામાં પૂછ્યો નથી તે વિભાગો છે : આદિજાતિ વિકાસ, માર્ગ અને મકાન, નર્મદા, પાટનગરયોજના, ગ્રામવિકાસ, મત્સ્યોદ્યોગ, કુટિરઉદ્યોગ, ગ્રામ ગૃહનિર્માણ, વાહનવ્યવહાર, પોલીસ-હાઉસિંગ, નશાબંધી અને આબકારી, કલ્પસર, પર્યાવરણ, ડિઝાસ્ટર મૅનેજમેન્ટ, ગોસંવર્ધન, નાગરિક-ઉડ્ડયન, વૈધાનિક અને સંસદીય બાબતો, બંદરો, પેટ્રોકૅમિકલ્સ, ક્લાયમેન્ટ ચૅન્જ, આયોજન, સાયન્સ ઍન્ડ ટૅક્‌નોલૉજી અને અન્ય. રાજ્યના મુખ્યમંત્રી મત્રીમંડળમાં ૧૧ વિભાગોનો હવાલો ધરાવે છે. એટલે સ્વાભાવિક રીતે દલિત ધારાસભ્યોના ૬૨ પ્રશ્નોમાં સૌથી વધુ ૧૦ પ્રશ્નો મુખ્યમંત્રી હસ્તકના પાંચ વિભાગોના હતા. તેમાં ગૃહવિભાગના છ પ્રશ્નો હતા. જેની સાથે દલિત ધારાસભ્યોને સીધો સંબંધ છે, તેવા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગને લગતા નવ પ્રશ્નો પુછાયા હતા. તેમાં નોંધપાત્ર બાબત એ છે કે ભા.જ.પ.નાં બંને મહિલા ધારાસભ્યો મનીષા વકીલ (વડોદરા શહેર) અને માલતી મહેશ્વરી(ગાંધીધામ)એ એક પણ પ્રશ્ન સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગને લગતો પૂછ્યો નથી! એ જ રીતે કૉંગ્રેસના મોહનભાઈ વાળા (કોડિનાર), પ્રવીણ મારુ (ગઢડા) અને પ્રવીણ મુસડિયા(કાલાવાડ)એ પણ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગને લગતો એક પણ પ્રશ્ન પૂછ્યો નથી! સત્તાપક્ષના કાલાવાડના ધારાસભ્ય લાખાબાઈ સાગઠિયા અને કડીના કરસનભાઈ સોલંકીએ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રીને બે-બે, જ્યારે એ જ પક્ષના પ્રદીપ પરમાર (અસારવા અમદાવાદ) અને હિતુ કનોડિયા(ઈડર)એ એક એક સવાલ પૂછ્યો હતો. કૉંગ્રેસના શૈલેષ પરમાર (શહેરકોટડા, અમદાવાદ), નૌશાદ સોલંકી (દસાડા) અને અપક્ષ જિજ્ઞેશ મેવાણીએ પણ આ વિભાગને લગતો એક-એક પ્રશ્ન પૂછ્યો હતો.

દલિત ધારાસભ્યોના પ્રશ્નોમાં અને મંત્રીઓના જવાબોમાં દલિત પ્રશ્નો વિશેની નિસબત છતી થાય છે. વીત્યા છ-બાર મહિનામાં દલિત - અત્યાચારો, દલિત-અત્યાચાર પ્રતિબંધક ધારાનો વિવાદ, અનામત અને શિક્ષણના સવાલો, જમીનનો પ્રશ્ન, બજેટ-ફાળવણી અને તે માટેનો જુદો કાયદો, સફાઈ-કામદારો અને બેરોજગારો જેવા સવાલો દલિત - આંદોલનોમાં પડઘાતા રહ્યા છે, પણ તેનું પ્રતિબિંબ દલિત ધારાસભ્યોની ધારાસભાની કામગીરી પડઘાય છે કે કેમ તેવા સવાલનો જવાબ બહુ નિરાશાજનક છે. બી.જે.પી.ના દલિત ધારાસભ્યોએ સરકારની દલિતોને લગતી યોજનાઓની બહુ નબળી માહિતી આ પ્રશ્નોત્તરી દ્વારા ઉજાગર કરી છે તો વિપક્ષના સભ્યોએ સરકારને સકંજામાં લેવાનો થોડો પ્રયત્ન કર્યો હતો. જિજ્ઞેશ મેવાણીએ પાટણ દલિત આત્મવિલોપનનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમના તારાંકિત પ્રશ્નક્રમાંક ૧૧,૩૩૫માં ગ્રૃહવિભાગ સંભાળતા મુખ્યમંત્રીએ કબૂલ્યું હતું કે ભાનુભાઈ વણકર આત્મવિલોપનના બનાવની તપાસ માટે રચાયેલ સીટે તા.૩૧મી માર્ચ, ૨૦૧૮ સુધીમાં તેની તપાસ પૂર્ણ કરવાની હતી, પરંતુ તેની  મુદ્દત સરકારે તા.૩૦-૦૯-૨૦૧૮ સુધી લંબાવી છે. (અત્રે એ પણ નોંધવું જોઈએ કે ઊંઝાના કૉંગ્રેસનાં ધારાસભ્ય ડૉ. આશાબહેન પટેલના પ્રશ્નના જવાબમાં પણ સરકારે કબૂલ્યું છે કે નલિયા સેક્સકાંડની તપાસ માટેના જસ્ટિસ દવે કમિશનની રચના તા. ૧૬-૩-૨૦૧૭ના રોજ કરવામાં આવી હતી, તેની પાછળ કુલ રૂ.૪૦,૭૨,૯૮૦નો ખર્ચ થયો છે. આ કમિશને પણ ૩૦-૯-૨૦૧૮ સુધીમાં તેનો અહેવાલ આપવાનો હતો). કૉંગ્રેસના સિનિયર દલિત ધારાસભ્ય શૈલેશભાઈ પરમારના, રાજ્યમાં અનુસૂચિત જાતિ આયોગની રચના બાબતના તારાંકિત પ્રશ્નક્રમાંક ૧૧,૧૮૦ના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અનુસૂચિત જાતિઆયોગની રચના કરવામાં આવી નથી, પરંતુ આવા આયોગની રચના કરવાનો મુદ્દો રાજ્ય સરકારની સક્રિય વિચારણા હેઠળ છે. પાંચેક બિનદલિત ધારાસભ્યોના પ્રશ્ન જવાબમાં વિધાનસભામાં સરકારે બિનઅનામત આયોગની રચના કે તે માટેના કોઈ ખર્ચની બાબત નકારી હતી. પણ વાસ્તવિકતા એ છે કે સરકારે આવા આયોગની રચના પણ કરી છે અને તેને નાણાં ફાળવણી કરી કાર્યાન્વિત પણ કરી દીધું છે. જે સરકાર બંધારણ અમલમાં આવ્યું, ત્યારથી જ અસ્તિત્વમાં આવેલી અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રાજ્યમાં કોઈ આયોગની રચના કરતી નથી, તે બિનઅનામત આયોગની ઝટપટ રચના કરી દે છે. આ બાબતમાં ગુજરાતમાં કૉંગ્રેસ અને ભા.જ.પ. બંને સરખા છે, તે પણ નોંધવું રહ્યું.

ભા.જ.પ.ના દલિત ધારાસભ્યોના પ્રશ્નો જોઈએ, તો મનીષા વકીલે કુલ પાંચ પ્રશ્નો પૂછ્યા હતા.  તેમાં ચાર પ્રશ્નો વડોદરા શહેર અને જિલ્લાને લગતા (નવું કોર્ટ-બિલ્ડિંગ, હકપત્રકની નોંધો, જર્જરિત પંચાયતઘરો અને વડોદરા શહેરમાં કામગીરી દરમિયાન ખસેડેલ વીજવાયરો અને થાંભલા) હતા. રમતગમતમંત્રીને વડોદરાના આ ધારાસભ્યે, જૂનાગઢ જિલ્લામાં સ્પર્ધામાં ભાગ લીધેલ યુવક-યુવતીઓ સંબંધે સવાલ પૂછ્યો હતો. માલતીબહેન મહેશ્વરીએ મહેસૂલ, પંચાયત, જળસંપત્તિ અને કૃષિ વિભાગને લગતા ચાર સવાલો પૂછ્યા હતા. તે તમામ કચ્છને લગતા હતા. કચ્છનાં જર્જરિત પંચાયતઘરો, તળાવો ઊંડા કરવા કે ખેડૂત તાલીમ શિબિરોને લગતા પ્રશ્નો તો હતા પણ મહેસૂલમંત્રીને તેમણે કચ્છ જિલ્લામાં ખેતીની જમીન બિનખેતીમાં કરવાની કુલ મળેલી દરખાસ્તો, પડતર દરખાસ્તો અને તેનો ક્યારે નિકાલ આવશે તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જ્યારે કચ્છના દલિતો સરકારી પડતર જમીન અંગે આક્રમક આંદોલન કરતા હોય અને વહીવટીતંત્ર પણ તે દિશામાં પ્રયત્નશીલ હોય ત્યારે તે વિસ્તારના દલિત પ્રતિનિધિ બિનખેતીની જમીનની પરવાનગીની ચિંતા કરે તે અકળાવે છે.

અમદાવાદની અસારવા બેઠકના બી.જે.પી.ના ધારાસભ્ય પ્રદીપ પરમારે કુલ છ સવાલો રજૂ કર્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં હકપત્રકની નોંધો અને અમદાવાદ જિલ્લામાં દસ્તાવેજોની નોંધોની ફિકર આ ધારાસભ્યના મહેસૂલ વિભાગના પ્રશ્નમાં જોવા મળે છે. સહકારમંત્રીને તેઓ પાટણબજાર સમિતિને આધુનિક બજારો સ્થાપવાની યોજના હેઠળ કેટલી રકમ મંજૂર કરી અને કેટલી ચૂકવી તે પૂછે છે, રાજ્યમાં છેલ્લા બે વરસમાં માહિતી ખાતા દ્વારા કોઈ ટી.વી. શ્રેણીનું નિર્માણ અને તેનાં નામો પૂછે છે (જવાબ-પ્રગતિશીલ ગુજરાત અને વિકાસવિશેષ), તો ઘનિષ્ઠ પશુસુધારણા યોજના અન્વયે અમદાવાદ જિલ્લામાં પશુઓના કેટલા જાતીય આરોગ્ય સારવારકૅમ્પ થયા અને કેટલાં પશુઓને સારવાર મળી તે પણ જાણવા માંગે છે. (જવાબ કૅમ્પો - ૧૩૯, પશુઓ ૧૭,૩૩૮) પ્રદીપભાઈ વિધાનસભા પ્રશ્નોત્તરી દ્વારા તેમની સરકારે પાલક માતાપિતા યોજનાની ૨૨૬માંથી ૧૫૪ અરજીઓ (આશરે ૬૦ ટકા) મંજૂર કરી અને તે માટે અધધ રૂ. ૩૪,૦૮,૦૦૦/- સહાય ચૂકવી હોવાની મોટી સિદ્ધિ ઉજાગર કરવામાં સફળ રહે છે.

ફિલ્મી તખ્તેથી રાજકારણમાં પ્રવેશેલા હિતુભાઈ કનોડિયાએ કાયદા, સામાજિક ન્યાય, શિક્ષણ, ઊર્જા, જળસંપત્તિ, અન્ન અને નાગરિક પુરવઠા એમ ૬ વિભાગના મંત્રીઓને ૬ પ્રશ્નો કરીને પોતાની સક્રિયતા દર્શાવી હતી. જો કે તેમાં દલિતોને સંલગ્ન એક જ પ્રશ્ન હતો તો પોતાના મતવિસ્તાર કે મતવિસ્તારના જિલ્લા કરતાં અન્યના પ્રશ્નો વધુ હતા. અરવલ્લી જિલ્લામાં દીનદયાળ આવાસ યોજનાના લાભાર્થીઓ અને તે માટેના ખર્ચ, સાબરકાંઠા જિલ્લામાં અનાજના જથ્થાનું વિતરણ તથા અરવલ્લી જિલ્લામાં ડ્રૉપઆઉટ રેટ ઘટાડવા સંબંધી પ્રશ્ન કરી તેમણે સરકારની વાહવાહી કરાવવામાં સફળતા મેળવી છે. તો છેક વંથલી અને થરાદ તાલુકામાં જિલ્લા ન્યાયાધીશ કોર્ટની સ્થાપનાની મંજૂરી અંગે પણ તેમણે સવાલ કર્યો છે, બનાસકાંઠામાં નવાં ખેતીવાડી વીજજોડાણો અને તે માટે ખર્ચનો સવાલ પણ તેમણે ઉઠાવ્યો છે.

કડીના બી.જે.પી.ના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીએ મહેસાણા જિલ્લામાં સરકારે ગત વરસે પ્રિ-મૅટ્રિક સ્કૉલરશિપ કેટલા વિદ્યાર્થીઓને કુલ કેટલી ચૂકવી (જવાબ - લાભાર્થી વિદ્યાર્થીઓ ૨,૬૧,૨૩૪ અને રકમ રૂ. ૧૭,૭૨,૬૭,૧૦૦/-) તે તથા સરસ્વતી સાધનાયોજનાનો કેટલી કન્યાઓને લાભ મળ્યો, તે જાણવા માંગ્યું હતું. પ્રદીપભાઈની જેમ કરશનભાઈને પણ સહકારમંત્રીને મહેસાણા જિલ્લાના ખેરાલુની બજાર સમિતિને કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ કેટલી રકમ મંજૂર કરી અને ચુકવાઈ તે સવાલ કેમ પૂછવાનું થયું હશે, તે સમજાતું નથી. રાજકોટ ગ્રામના બી.જે.પી. એમ.એલ.એ. લાખાભાઈ સાગઠિયાના પાંચ પ્રશ્નોમાં ૨ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના, તો એક-એક ઊર્જા, કૃષિ અને પશુપાલન વિભાગના હતા. સાત ફેરા સમૂહલગ્ન અને નિરાધાર વૃદ્ધ સહાયની રાજકોટની માહિતી તેમણે માગી હતી. રાજકોટની ઝૂંપડપટ્ટીના વીજળીકરણના લાભાર્થીની વિગતો માંગનાર આ ધારાસભ્યસાહેબ ટ્રૅક્ટરસહાયની માહિતી તો માંગે છે રાજકોટમાં પશુઓની જાતીય આરોગ્ય સારવારની પણ માહિતી માંગતો પ્રશ્ન કરે છે.

વિપક્ષના સભ્યોમાં શૈલેષ પરમારના છએ છ પ્રશ્નોમાં તેમના ધારાસભ્ય તરીકેના અનુભવ જોવા મળે છે. તેમણે ખૂબ જ સાર્થક માહિતી માંગતા અને સરકારની નીતિ ખુલ્લી પાડતા પ્રશ્નો પૂછ્યા છે. રાજ્યના નાણામંત્રીને તે રાજ્યનું જાહેર દેવું અને તે પરના વ્યાજનો પ્રશ્ન પૂછી રાજ્યની આર્થિક સ્થિતિ ઠીકઠાક નથી, તે હકીકત લોકો સમક્ષ લઈ આવે છે. ઇજનેરી શિક્ષણના આજકાલ વળતા પાણી છે, તે માન્યતાને ઇજનેરી કૉલેજોમાં છેલ્લાં બે વરસોથી કેટલી જગ્યાઓ ખાલી રહે છે, તેવો સવાલ કરીને તેનો જવાબ મેળવી માન્યતાને હકીકતમાં બદલે છે.(છાપેલો જવાબ - ૨૦૧૭-૧૮માં સરકારી ઇજનેરી કૉલેજોમાં ૬૫૨ અને ખાનગી/સ્વનિર્ભર કૉલેજોમાં ૩૩,૦૩૩ જગ્યાઓ ખાલી હતી.) અદાણી, એસ્સાર અને બીજી ત્રણ ખાનગી કંપનીઓ પાસેથી સરકારે ૨૦૧૬-૧૭માં રૂ. ૩૮૭ કરોડ અને ૨૦૧૭-૧૮માં રૂ. ૩૮૨ કરોડની વીજળી ખાનગી કંપનીઓ પાસેથી ખરીદી હોવાની વિગતો તારાંકિત પ્રશ્નક્રમાંક ૧૦,૯૯૪ના જવાબમાં મેળવે છે. આ ધારાસભ્ય બેરોજગારીની અને ગુનાઓની પણ બહુ જ ઉપયોગી માહિતી પોતાના સવાલોના જવાબોમાં મેળવી શક્યા છે. નૌશાદ સોલંકીના ચાર પ્રશ્નોમાં બે મુખ્યમંત્રી હસ્તકના ઉદ્યોગ અને ખાણખનિજ વિભાગના હતા. એક સામાજિક ન્યાય વિભાગના પ્રશ્નમાં તેઓ રાજ્યમાં સફાઈ-કામદારો માટે તા.૨૦-૮-૧૬ની સ્થિતિએ કેટલા આવાસો બનાવવામાં આવ્યા તેની માહિતી માંગીને જવાબ મેળવે છે કે માત્ર ૩,૩૬૦ આવાસો બે વરસમાં ૧૦ કરોડના ખર્ચે બનાવ્યા છે. પોતાના મતવિસ્તારના જિલ્લામાં ખનિજ ચોરીના બનાવોની માહિતી એક અન્ય પ્રશ્નના જવાબમાં તેમણે માંગી હતી. ગુજરાત મૉડેલની પોલ ખોલતી હકીકતો પણ આ ધારાસભ્યશ્રી તેમના પ્રશ્નોના જવાબમાં મેળવી શક્યા છે. તારાંકિત પ્રશ્નક્રમાંક ૧,૧૦,૦૦૨ના જવાબમાં સરકારે જણાવ્યું છે કે ૨૦૧૪માં ચીનના રાષ્ટ્રપ્રમુખની બહુચર્ચિત અમદાવાદ મુલાકાત  વખતે રાજ્યમાં ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક સ્થાપવાનો કરાર થયો હતો, પણ આજે ચાર વરસે આ કરાર જમીન મેળવવાના તબક્કે જ ચાલે છે. રાજ્યમાં રણોત્સવ, પતંગોત્સવ અને નવરાત્રિ-મહોત્સવ પાછળ થયેલા ધૂમ ખર્ચાની વિગતો પણ આ ધારાસભ્ય કઢાવી શક્યા છે. કાશ! આ બધી વિગતો માધ્યમોમાં ઉજાગર કરવાનું કામ તેમણે અને તેમના પક્ષે કર્યું હોત!

કોડિનારના કૉંગ્રેસી ધારાસભ્ય મોહનભાઈ વાળાએ ૬ પ્રશ્નો પૂછ્યા પણ સામાજિક ન્યાય વિભાગનો એક પણ ન પૂછ્યો. તેમના બધા જ પ્રશ્નો તેમના વિસ્તારને સંબંધિત છે. તેમણે ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાનાં કુપોષિત બાળકોની સારી વિગતો માંગી હતી. વીજ-ઉત્પાદનમાં કોલસાની જરૂરિયાતની માહિતીમાં તેમણે સરકાર પાસે એ હકીકત કઢાવી છે કે ૨૦૧૭-૧૮ અને ૧૮-૧૯માં કેન્દ્રએ રાજ્યની માંગણી કરતાં ઓછો કોલસો ફાળવ્યો છે. ૨૦૧૪ પૂર્વે જે સરકાર ગુજરાતને કેન્દ્રના અન્યાયની બુમરાણ કરતી હતી. તે હવે પોતાના પક્ષની કેન્દ્ર સરકારે માંગણી કરતાં ઓછો કોલસો ફાળવવા અંગે કેમ મૌન છે ? તેવો સવાલ આ જાણીને કોઈ પણ મતદારને થઈ શકે. કાલાવાડના પ્રવીણ મુસડિયા અને ગઢડાના પ્રવીણ મારુ બંનેએ સામાજિક ન્યાય વિભાગના મંત્રીને કોઈ સવાલ પૂછ્યો નથી. પણ પોતાના મતવિસ્તાર અને જિલ્લાના પ્રશ્નો પૂછ્યા છે. જો કે મોટા ભાગના પ્રશ્નો રૂટિન લાગે તેવા છે. વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી જે પાંચ પ્રશ્નો પૂછ્યા, તેમાં અમદાવાદ અને સુરતના શહેરી ગરીબોને માત્ર ૨૩,૨૯૬ મકાનો ફાળવાયાની માહિતી મેળવી છે. બનાસકાંઠા અને અમદાવાદ જિલ્લામાં આંતરજ્ઞાતીય લગ્નોની વિગતો માંગતા સવાલના જવાબમાં જે જાણવા મળે છે, તે હકીકતો જાતિનિર્મૂલન માટે આંતરજ્ઞાતીય લગ્નોનો ઉકેલ કેટલો મુશ્કેલ છે, તે જણાઈ આવે છે. નવા તાલુકા અને જિલ્લા તો રચી દીધા, ગુજરાત મૉડૅલની દુહાઈ દેતાં ગુજરાતના આંતરમાળખાકીય વિકાસના ઢોલ પણ બહુ પિટાય છે. પણ જિજ્ઞેશ મેવાણીના તારંકિત પ્રશ્ન ક્રમાંક ૧૧,૩૧૬ના જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે બનાસકાંઠાના સુઈ ગામ અને લાખણી તાલુકાપંચાયતોને પોતાનું કોઈ મકાન નથી. હજુ આટલાં વરસે તે માટેના અનુદાનની વહીવટી મંજૂરી મળી છે.

આ નાનકડી હકીકતો એ પુરવાર કરે છે કે સત્તાપક્ષના અને વિપક્ષના દલિત ધારાસભ્યોએ તેમના દલિત પ્રતિનિધિ હોવાની હકીકત ભૂલ્યા વિના તેમના મતવિસ્તાર અને સમગ્ર ગુજરાતના પ્રશ્નો ઉઠાવવાના છે. તેમનું યોગદાન અને સક્રિયતા વિસ્તારવાની છે. આ વખતે તો કદાચ તેમનો દેખાવ સરેરાશ છે, પણ ભવિષ્યમાં વધુ મહેનત કરશે, તેવી આશા રાખી શકાય.

E-mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2018; પૃ. 13-15

Category :- Samantar Gujarat / Samantar