સાંપ્રત સમયગાળાથી રાજી ન હો તો ગાંધીને વાંચવો

શીલા ભટ્ટ
16-10-2018

મહાત્મા ગાંધીની મહત્ત્વપૂર્ણ આત્મકથાની નવી ટિપ્પણી કરેલી આવૃત્તિના સંપાદક ડો. ત્રિદીપ સુહૃદ કે જેઓ સેપ્ટ યુનિવર્સિટીની આર્કાઈવ્ઝના પ્રોફેસર અને ડિરેક્ટર છે તેમનો પત્રકાર શીલા ભટ્ટ સાથેનો સંવાદ અહીં પ્રસ્તુત છે.

Sabarmati Ashram Preservation and Memorial Trustના ભૂતપૂર્વ ડિરેક્ટર અને સંપાદક રહી ચૂકેલા ડો. ત્રિદીપ સુહૃદ ગાંધી આર્કાઈવ્ઝને આગળ લઈ જવા માટે પ્રશંસનીય કાર્ય કરી ચૂક્યા છે. ડો. ત્રિદીપ સુહૃદહાલ સેપ્ટ યુનિવર્સિટીની આર્કાઈવ્ઝના પ્રોફેસર અને ડિરેક્ટર તરીકે કાર્યરત છે. ગાંધીજીની આત્મકથા અથવા સત્યના પ્રયોગોની નવી આલોચનાત્મક આવૃત્તિ માટે લખેલા પરિચય અને વિવરણ વિશેની ડો. ત્રિદીપ સુહૃદ અહીં વાત કરે છે. આ નવી આવૃત્તિ માટે ડો. ત્રિદીપ સુહૃદે ઊંડાણપૂર્વકનું સંશોધન કરીને જે નોંધ લખી છે તે ગાંધીજીના આ હંમેશાં વધુ વેચાતા પુસ્તકનાં મૂલ્યોમાં વધારો કરે છે. આ એકવીસમી સદીના ગાંધીજીના નવા વાચકો માટેના ડો. ત્રિદીપ સુહૃદના આ પુસ્તકમાં ગાંધીજીની આત્મકથાના સંદર્ભો અને પાત્રોને એકદમ સ્પષ્ટરીતે સમજાવવામાં આવ્યા છે. ગાંધીજીની આત્મકથાની આ આલોચનાત્મક આવૃત્તિ અનન્ય છે અને ગાંધીજીના જીવન અને સમય માટેનું એક મૌલિક સલાહકાર જેવું આ પુસ્તક છે.

1. ગાંધીજીની આત્મકથાની આ તમારી નવી આલોચનાત્મક આવૃત્તિ એ તે પ્રકારનું પ્રથમ પુસ્તક છે. તેના વિશે જણાવો.

ગાંધીજીએ તેમની આત્મકથા ગુજરાતી ભાષામાં લખી હતી અને તે નવજીવનમાં શ્રેણીબદ્ધ પ્રકાશિત થઈ હતી અને તે દરમિયાન જ સાથે-સાથે મહાદેવભાઈ દેસાઈ દ્વારા આ આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. આ અંગ્રેજી અનુવાદ ગાંધીજી દ્વારા અધિકૃત કરવામાં આવ્યો હતો. માટે પ્રયાસ એ છે કે ગાંધીજીની આત્મકથાની એવી આલોચનાત્મક આવૃત્તિ કરવી કે જે સંદર્ભો, શબ્દ કે લખાણનો પૂર્વાપર સંબંધ અને વ્યાખ્યાત્મક નોંધ પૂરી પાડે. અગાઉ અનુવાદને લઈને કેટલીક ચર્ચાઓ થઈ ચૂકી છે અને આ એક એવી વસ્તુ છે કે જેના સાથે હું જોડાવવા માગતો હતો. કુલ બે મુદ્દાઓ છે - એક, આત્મકથા લખવાનું કાર્ય કરવું, તે ક્યારે ય પુસ્તકની જેમ લખવામાં નહોતી આવી. આ આત્મકથા નવજીવનમાં એક પછી એક અઠવાડિયે શ્રેણીબદ્ધપૂર્વક પ્રકાશિત થઈ હતી. આ પ્રક્રિયાના ભાગરૂપે તે સમજવું જરૂરી છે કે આ પુસ્તક કેવી રીતે લખવામાં આવ્યું, કારણ કે, ગાંધીજી જ્યારે તેમની આત્મકથા લખી રહ્યા હતા ત્યારે લોકો તેમને પ્રતિક્રિયા આપી રહ્યા હતા. લોકો તેમને આ સંદર્ભે લખી રહ્યા હતા, જેમ કે શું તમે આ કેટલોક ભાગ ઉમેરશો, શું તમે આ મુદ્દો વિગતે સમજાવશો વગેરે.

ખરેખર આ એક એવું પુસ્તક છે કે જે વાચકની સાથે વાતચીત કરતા સ્વરૂપમાં લખવામાં આવ્યું છે અને તે સમજવું જરૂરી છે. આ એક સમકાલીન પુસ્તક છે કે જાણે કોઈ બ્લોગ લખવામાં આવી રહ્યો હોય અને ખરા સમયમાં કોઈ તેને પ્રતિસાદ આપી રહ્યું હોય. બીજુ, સૌથી મહત્ત્વની તે આ લખાણની પ્રક્રિયા છે. અને અનુવાદમાં જે દર વખતે જોવા મળે છે કે વિવિધ વસ્તુઓ તેમાં સંક્રમિત થઈ જાય છે. અનુવાદના કાર્યમાં કેટલીક એવી બાબતો હોય છે કે જે ધ્યાનમાં હોવા છતાં પણ પકડી શકાતી નથી, તેને ભાષાના એક અલગ પ્રકારમાં જ પકડવી પડે છે - વધારે સાર્વત્રિક ભાષામાં. ઉદાહરણ તરીકે, ગુજરાતી ભાષા કે જે ગાંધીજી માટે આધારભૂત હતી, તેઓ કહેતા હતા કે અમુક વસ્તુ આત્મામાં ઊગે છે અને આત્મામાં ક્ષમે છે અને આત્મામાં જાણી લેશે. આ વાતને અંગ્રેજીમાં એ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે કે કેટલીક વસ્તુ હું અને મને રચનાર વ્યક્તિ જ જાણી શક્યા છીએ. જ્યારે, અહીં રચનારની વાત તો ગુજરાતી લખાણમાં ક્યાં ય છે જ નહીં. ગાંધીજીના ઈશ્વર તે નથી કે જેઓ રચના કરે છે, ગાંધીજીના ઈશ્વર તો સત્ય છે. માટે હવે જરૂરી છે કે અંગ્રેજી વાચકો માટે આ લખાણના મૂળ આરોહ-અવરોહ પરત લાવી આપવા. માટે આ આલોચનાત્મક કૃતિની બે આવૃત્તિ પ્રકાશિત થઈ છે, એક ગુજરાતીમાં અને બીજી અંગ્રેજીમાં.

2. આ બંને આવૃત્તિ તમે તૈયાર કરી છે?

હા, આ બંને આવૃત્તિ મેં તૈયાર કરી છે. અંગ્રેજી આવૃત્તિમાં એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે અંગ્રેજી અનુવાદ સાથેની ચર્ચામાં ગુજરાતી લાવવું કે જે મેં પૂરું પાડ્યું છે, કેટલાક ઉદાહરણોમાં વૈકલ્પિક અનુવાદ કરવામાં આવ્યો છે અને મેં કહ્યું તે પ્રમાણે આ કેટલાક એવા ભાગ છે કે જે અંગ્રેજી અનુવાદમાં ઉમેરવામાં આવ્યા છે અને આ કેટલાક ભાગો કે જે અંગ્રેજી અનુવાદમાં બાકી રહી ગયા હતા. માટે, જે વાચકને ગુજરાતીનો માર્ગ નથી મળ્યો તે આ આવૃત્તિ થકી ગુજરાતીમાં વાંચનનો અનુભવ કરી શકશે. આ સિવાય આ આવૃત્તિમાં વ્યક્તિઓ અને ઘટના વિષયક વિવરણાત્મક નોંધ પૂરી પાડવામાં આવી છે.

3. શું તમે કેટલાક ઉદાહરણ આપી શકો?

એક એવું મહત્ત્વનું ઉદાહરણ જણાવુ તો તે દક્ષિણ આફ્રિકાના સમયની વાત છે, ત્યાંના એફ.ઈ.ટી ક્રાઉસ નામના એટર્ની જનરલે ગાંધીજીને આમંત્રણ આપ્યું હતું, ત્યાં તેઓ વચ્ચે વાતચીત થઈ હતી. આ વ્યક્તિએ ભારતીયોના સંઘર્ષમાં મોટો ભાગ ભજવ્યો હતો, પણ મોટા ભાગના લોકો આ વ્યક્તિ કોણ હતી તે જાણતા નથી અને તેમના ગાંધીજીની સાથે કેવા સંબંધ હતા તે પણ જાણતા નથી. જ્યારે લોકો તેમના સંસ્મરણો અથવા તેમની સફર વિશેની વાત કરે છે ત્યારે તેમને મદદ કરનાર લોકોનો ઉલ્લેખ કરવાનું ભૂલી જાય છે, બાદમાં જ્યારે કોઈ ઇતિહાસકાર આ પ્રકારના પુસ્તકનો ઝીણવટપૂર્વકનો અભ્યાસ કરે છે, ત્યારે તેઓને તેમાં આ પ્રકારની મહત્ત્વપૂર્ણ વાત કદાચ જોવા જ નથી મળતી. મેં આ પ્રકારની નોંધનો આ પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે.

માન્ચેસ્ટરમાં જે નો બ્રેકફાસ્ટ મંડળ શરૂ કરવામાં આવ્યું હતું તે વિશે ગાંધીજીએ વાત કરી હતી. અને જ્યારે આપણે વિગતો જોવાની શરૂ કરીશું ત્યારે આપણને એ વાતનો ખ્યાલ નહીં આવે કે આ નો બ્રેકફાસ્ટનો વિચાર આખરે ક્યાંથી આવ્યો હતો. પણ, જ્યારે આપણે તેમાં પાછા જઈશું તો આપણને ખ્યાલ આવશે કે ખરેખરમાં આવું કોઈ મંડળ અમેરિકામાં શરૂ કરવામાં આવ્યું હતું અને તે પછીથી માન્ચેસ્ટરમાં ખસેડવામાં આવ્યું હતું. એક એવી મહત્ત્વપૂર્ણ અને શક્તિશાળી સોસાયટીની રચના કરવામાં આવી હતી કે જેમાં આહારનો કેવી રીતે વપરાશ કરવો અને આહારનો આપણા શરીરની સાથે શું સંબંધ છે તેની વાત કરવામાં આવતી હતી. આ પુસ્તકમાં આ પ્રકારના અનેક સંદર્ભો વાચકોને પૂરા પાડવામાં આવ્યા છે કે જે અત્યાર સુધી ક્યાંય ઉપલબ્ધ નહોતા. ગાંધીજીની આત્મકથા એ વિશ્વનું સૌથી વધુ વંચાયેલા પુસ્તકો પૈકીનું એક છે. તે દર વર્ષે અનેક ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવે છે. માટે આ પુસ્તકથી ઘણી મદદ મળશે.

4. આ પુસ્તક અત્યારે જ કેમ?

ગાંધીજીએ વર્ષ 1927થી 1929 દરમિયાન પ્રકાશનનું કાર્ય આરંભ્યું હતું, કે જ્યારે તેમની આત્મકથાના બંને ભાગો ગુજરાતી ભાષા સહિત પ્રકાશિત થઈ ચૂક્યા હતા. અત્યારે તે ઘટનાના લગભગ 90 વર્ષ થઈ ચૂક્યાં છે. પણ, હું વિચારુ છું કે ગાંધીજીની વાર્તા અને જીવનના પડઘા દિવસે ને દિવસે સતત અર્થપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. અને તે સંદર્ભમાં આ પ્રકારના પુસ્તકની પુન:શોધ કરવી પણ તેટલી જ અગત્યની છે. મને લાગે છે કે બુદ્ધિજીવી પરંપરાનું પ્રથમ કાર્ય એ છે કે યોગ્ય મૂળ લખાણ મેળવવું. માટે, આ પાયાના પુસ્તકની આલોચનાત્મક આવૃત્તિ અમારા માટે જરૂરી છે. ગાંધીજીનાં મહત્ત્વનાં બે પુસ્તકો છે કે જે અમને લાગે છે કે મૂળભૂત પુસ્તકો છે. પ્રથમ તો તેમની આત્મકથા અને બીજુ હિંદ સ્વરાજ. મેં 10 વર્ષ પહેલાં હિંદ સ્વરાજની આલોચનાત્મક આવૃત્તિ પર કામ કર્યું હતું, કે જે બે ભાષામાં પ્રકાશિત થયું હતું. જો ગાંધીજીનો અભ્યાસક્રમ, રાજકીય અથવા સાંસ્કૃિતક વિચારો અને સિદ્ધાંતોને ગંભીરતાથી લેવા હોય તો આ મૂળભત પુસ્તકોને ફરી વખત ખોલવા જરૂરી છે. માટે આ પુસ્તકો ફરી વખત ખોલવાનું આ એક કાર્ય છે.

5. જો કોઈ વ્યક્તિએ મૂળ ગુજરાતીમાં સત્યના પ્રયોગો પુસ્તક વાંચ્યું હોય તો તમારું પુસ્તક કેમ વાંચે? શું ગાંધીજી વિશેનો મારો વિચાર બદલાશે?

હું નથી જાણતો કે કોઈનો વિચાર બદલાશે કે નહીં પણ, ચોક્કસપણે તેના સ્તરોમાં વધારો થશે. અને મારું માનવું છે કે આલોચનાત્મક આવૃત્તિની ભૂમિકા એ છે કે અર્થના સ્તરોમાં વધારો કરવો અને પુસ્તકને વધારે બુદ્ધિગમ્ય બનાવવું. હું સમજાવું, દાખલા તરીકે ગાંધીજી ઉપવાસની ક્રિયા વિશે બોલી રહ્યા છે, આપણે જાણીએ છીએ કે ઉપવાસ કરવો તે ગાંધીજીનું મૂળ તત્ત્વ હતું. તો આપણે ગુજરાતીમાં કહીશું કે મેં ઉપવાસ કર્યો. પણ આપણે જાણીએ છીએ કે આ ઉપવાસના પણ અનેક પ્રકારો છે જેમ કે ફળાહારવાળા ઉપવાસ, આહાર વિનાનો ઉપવાસ, પાણી વિનાનો ઉપવાસ અને એવો ઉપવાસ કે જેમાં એક ટંકનું જમવા માટેની પરવાનગી હોય. ગાંધીજીએ લાંબા સમયના ઉપવાસ પણ કર્યા હતા. સરળ દેખાતી ઉપવાસની પ્રક્રિયા અને ગાંધીજી સાથેના સંબંધ વિશે જાણવું હોય તો તેમની દૈનિક નોંધ જાણવી જરૂરી છે, કે જેમાં તેઓ ઉપવાસ વિશે ચર્ચા કરતા હતા. એવો ઉપવાસ કે જેમાં તેઓને પાણી પણ આપવામાં નહીં આવે, એવો ઉપવાસ કે જેમાં તેઓ એક ટંક જમતા હતા, એવો ઉપવાસ કે જેમાં પાણી આપવામાં આવતું હતું પણ લીંબું પાણી ગ્રાહ્ય નહોતું. ગાંધીજી પાસે આ તમામ પ્રકારની જાણકારી હતી અને આ પુસ્તક વાંચનારને આ પ્રકારની વિગતોનો ખ્યાલ કેમ નથી?

6. તમે આત્મકથાની અંગ્રેજી અને ગુજરાતી એમ બંને આવૃત્તિઓ વાંચી છે. શું તમને લાગે છે કે તેની અંગ્રેજી આવૃત્તિમાં ઘણું બધું ચૂકાઈ ગયું છે કારણ કે ગાંધીજી ખૂબ જ સારા ગુજરાતી લેખક હતા.

હું અનુવાદના ઇતિહાસમાં ગાંધીજીની આત્મકથાના અંગ્રેજી અનુવાદને શ્રેષ્ઠ અનુવાદ માનું છું. મારા મતે આ એક એવો અનુવાદ છે કે જે પ્રકાશ સાથે પ્રેરિત કરે છે. ઘણી વખત એવું થતું હોય છે કે અનુવાદ તેના મૂળ લખાણથી અલગ થઈ જાય છે અને ઘણી વખત અનુવાદ તેના મૂળ લખાણમાં અર્થનો ઉમેરો પણ કરી આપે છે. મહાદેવભાઈએ શું કર્યું, તેઓ એક વખત અંગ્રેજી રૂઢિપ્રયોગોથી પરિચિત થયા અથવા સાહિત્યિક સંદર્ભોનું જ્ઞાન મેળવ્યું કે જે તેમની પાસે એટલું વિશાળ હતું કે જે તેમની ગુજરાતી ભાષાની ખાસ લાક્ષણિક શૈલી મુજબનું કહી શકાય - ગાંધીજીનું ગુજરાતી પણ ભાષાની રૂઢ શૈલી મુજબનું હતું, મહાદેવભાઈ તે અંગ્રેજીમાં પકડી શક્યા. તેઓ હોમરની મદદથી અનુવાદ કરી શક્યા હોત, તેઓ શેક્સપિયરની મદદથી અનુવાદ કરી શક્યા હોત, બાઈબલના વિશિષ્ટ શબ્દસમૂહો અનુવાદનો ભાગ છે. મહાદેવભાઈ દેસાઈ અસાધારણ અક્ષરજ્ઞાન ધરાવતા હતા. તેમણે બોમ્બેમાં વકીલાતની તાલીમ મેળવી હતી, તેમને સાહિત્યમાં ઊંડી રુચિ હતી, તેઓ ટાગોરને ગુજરાતીમાં અનુવાદ કરનાર પ્રથમ વ્યક્તિ હતા. માટે તેમનો સાહિત્યનો શોખ અને કલ્પનાશક્તિ બહોળાસ્તરે વિસ્તર્યા હતા. તેમણે યુરોપિયન સાહિત્યનો પણ અસાધારણ અભ્યાસ કર્યો હતો. તેમણે શેક્સપિયરને પણ વાંચ્યા હતા. તેમણે ગાંધીજીની સાથે બાઈબલ પણ ઝીણવટપૂર્વક વાંચી હતી, માટે તેમના કાર્યમાં બાઈબલના સંદર્ભો જોવા મળે છે. તેમણે ગ્રીક ક્લાસિક્સ પણ વાંચી હતી પણ અનુવાદમાં પ્રોમેથિયસ અનબાઉન્ડમાંથી સંદર્ભો લીધા હતા. માટે તમને ત્યાં હોમરની કૃતિમાંથી પણ સંદર્ભો જોવા મળશે અને તેના ઉપયોગથી એ વાત સ્પષ્ટ થાય છે કે તેઓ આ તમામ સાથે વધારે પરિચિત હતા. આ કાર્ય આટલી સરળતાથી કરવું તેમાં તમારે એવો કોઈ દાવો કરવાનો રહેતો જ નથી કે આ કેટલી સુંદરતાથી સંમિશ્રણ થયેલું છે.

7. ઘણાં લોકો કહી શકશે કે તમે ગાંધીજીના હિસાબની તપાસણીનો આ નીડર પ્રયાસ કર્યો છે.

આ એક નીડર પ્રયાસ છે, પણ હું ગાંધીજીના હિસાબની તપાસણી નથી કરી રહ્યો. મને લાગે છે કે હું ગાંધીજીને વધારે ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરી રહ્યો છે. હું જ્યારે ઊંડાણપૂર્વક કહું છું, મારો મતલબ છે કે ઘણી વખત આપણે તે ગાંધીજીને જાણી નથી શક્યા કે જેઓ બહોળા સ્તરે બે ભાષામાં વિચારતા વિચારક હતા, અને તેમણે તે પોતાના વિચારો ગુજરાતીમાં પ્રસ્તુત કર્યા છે. ઘણી વખત તેઓ ગુજરાતીમાં વિચારતા હતા અને તે વાત અંગ્રેજીમાં પ્રસ્તુત કરતા હતા. અને આ ગાંધીજીની ગુણવત્તા હતી કે જેના સહયોગી બનવું એ આપણે આવશ્યક માનતા નથી - આપણે કદાચ તે ગાંધીના સહયોગી નથી બની શક્યા કે જેઓ બંને ભાષાના વિચારક હતા અને અંગ્રેજી ભાષા પર અસામાન્ય પ્રભુત્વ ધરાવતા હતા. મારી તો માત્ર એક જ દલીલ છે કે ગાંધીજીને વાંચવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેમને બંને ભાષામાં વાંચો. હું પણ એક હિસાબ રાખનાર વ્યક્તિ તરીકેનું જ કાર્ય કરી રહ્યો છું. હું ભૂતકાળમાં જઈને દરેક ઉદાહરણ આંકી રહ્યો છું, તેને ચકાસી રહ્યો છું, અને એક સારા ઇતિહાસકારનું કાર્ય છે અથવા ઇતિહાસકારની સંવેદનશીલતા સેવતા કોઈ વ્યક્તિની વાત છે. ભૂલો તરફ આંગળી ચિંધવાનો મતલબ એ નથી કે પુસ્તકમાંથી કશું લઈ લેવું. હું તે તરફ આંગળી કરી રહ્યો છું કે જેમાં સ્મરણશક્તિમાંથી કશુંક ચૂકાઈ ગયું હોય કે જે રેકોર્ડમાં છે, અથવા આ ખરેખરમાં એવું કાર્ય છે કે જેમાં પુસ્તકમાં ઉમેરો કરવામાં આવી રહ્યો છે નહીં કે પુસ્તકમાંથી કશું પરત લઈ રહ્યા છીએ.

8. અત્યારના સમયમાં આ પુસ્તક કેવી રીતે ઉપયોગી બનશે, કે જ્યારે ભારત વિભાજિત છે.

ગાંધીજી એ એક એવી ભૂમિ છે કે જેના થકી મેં આધુનિક ભારત સાથે જોડાવવાનો પ્રયાસ કર્યો છે. મને એવું લાગે છે કે ગાંધીજી એવું કહી શકે કે ભારત કદાચ વિભાજિત થઈ શકે પણ ગરીબીના મુદ્દે તો તે એક છે. આ પ્રકારની આંતરસૂઝ આપણને ગાંધીજી આપે છે, આપણી વિપદા આપણને એક કરે છે, આપણી ગરીબી આપણને એક કરે છે, આપણું હિંસા પ્રત્યેનું વલણ આપણને એક કરે છે. જો આપણે આ તમામને જીતવું હોય તો આપણે સમાજ તરફ આગળ વધવું પડશે કારણ કે તે વધારે માનવીય છે, વધારે નૈતિક છે. આપણને સંદર્ભોની જરૂર છે. આપણને આપણી જાત કરતાં મોટા સંદર્ભોની જરૂર છે અને મારા માટે તો ગાંધી સંદર્ભ છે. મને એવું નથી લાગતું કે આ એક માત્ર સંદર્ભ છે, તમારે અન્ય લોકોને પણ આ પિક્ચરમાં લાવવાની જરૂર છે. આપણે આ ચર્ચામાં બે કે ત્રણ વ્યક્તિઓને લાવવી જોઈએ તેવું હું વિચારી શકું છું. તે પૈકી એક ડો. આંબેડકર અને બીજા ટાગોર હોઈ શકે. તમે તમારા સમય સાથે ખુશ નથી તો ગાંધીજીને વાંચો, દુ:ખી થવાની કોઈ સૂઝ આપણા સમાજ તરફથી આપણને છે, અને આપણો સમાજ હોઈ શકે અથવા કોઈ અન્ય સમાજ હોઈ શકે. કારણ કે અહીં એવી વ્યક્તિ છે કે જે તેના સમયથી સખત કંટાળી ગઈ છે, તેને તેના સમયથી કોઈ સંતોષ નથી અને તે આ સમય બદલવા માંગે છે. જો કોઈ વ્યક્તિ વિશ્વ બદલવા ઇચ્છતી હોય, કે જેમાં તેઓ રહે છે. તો તેઓ ગાંધીજીને મિત્ર બનાવી શકે છે. માત્ર સલાહકાર તરીકે જ નહીં પણ એક સારા મિત્ર તરીકે.

અનુવાદક : નિલય ભાવસાર ‘સફરી’

મૂળ મુલાકાતની લિન્ક અહીં આપી છે :-

https://www.sundayguardianlive.com/culture/read-gandhi-unhappy-times 

Category :- Gandhiana