મૌલાના પાંડોર

દીપક બારડોલીકર
15-10-2018

હસું હસુંં થતો લંબગોળ ચહેરો, નજર નીચી, ચાલ મધ્યમ, ઓષ્ઠ ઉપર ‘હસબુનલ્લાહ’-નું રટણ અને મધ્યમ કદકાઠું એટલે બીજું કોઈ નહીં, બારડોલીના મૌલાના મહમૂદ સાલેહ પાંડોર.

એ બે ભાઈ, મહમદ અને મહમૂદ. મહમદ મોટા. તેમના હોઠે પણ કુરઆને કરીમનું આ વાક્ય − હસબુનલ્લાહુ વનિઅમલ વકીલ -નું રટણ રહેતું.  એમના પિતાને પણ મેં એ વાક્યનું રટણ કરતાં જોયેલા.

મૌલાના મહમૂદ, હાફિઝે કુરઆન હોવા સાથે કારી પણ હતા. કલામે પાકની તિલાવત કરતા ત્યારે તેમનો મિષ્ટ - દર્દીલો અવાજ અને પઠનશૈલી શેરીમાંથી આવતાજતા માણસોના પગોમાં ઝંજીર નાખી દેતા. લોકો ઊભા રહી જતા. તિલાવત સાંભળવામાં નિમગ્ન થઈ જતા !

અને તેમનો જુમ્આમો ખુત્બો એટલે ખુત્બો !બસ, સાંભળ્યા કરો ! તેમને કેટલા ય ખુત્બા કંઠસ્થ હતા. ખુત્બાના સમયે મિમ્બર પર તેમના હાથમાં, આભલે મઢેલ સોનેરી અસો હોય, મિષ્ટ દર્દીલો અવાજ, મનહર પઠનશૈલી અને સ્મિતઝરતો ચહેરો ! જમાતખાનામાં એક એવું અજબ વાતાવરણ છવાઈ જતું કે નમાઝીઓ ડોલ્યા કરે ! અલ્લાહની યાદમાં લીનતલ્લીન !

આવી જ તાસીર ધરાવતો, પણ કંઈક જુદી ઢબનો, એક બીજો ખુત્બો હતો મોટા મિયાં સાહેબનો, જેનું વર્ણન એક અલગ લેખમાં કરાયું છે. આ બે તાસીરમય ખુત્બાથી ઉત્તમ એવો ખુત્બો પઢનાર અન્ય ઈમામ, બારડોલીમાં પાક્યા નથી.

મૌલાના પાંડોરે તાલીમ ખાસ કરીને ડાભેલના જામીઆમાં લીધી હતી. ઉસ્તાદ તો ત્રણચાર હતા, પણ મુખ્ય, ઉપખંડના વિખ્યાત આલિમે દીન મૌલાના શબ્બીર અહમદ ઉસ્માની. ઉસ્તાદની દુઆ હતી કે તેઓ દીની જ્ઞાનમાં સારુ નૈપુણ્ય મેળવી શક્યા હતા. તેઓ સારા પ્રવક્તા પણ હતા.  વઅઝ - પ્રવચન આત્મવિશ્વાસસહ એવી તર્કપટુતાથી કરતા કે શ્રોતાઓની શંકાઓનું, ગૂંચવણોનું નિવારણ થઈ જતું. તેમની પાસે પોતાના વિચારો હતા, વર્ણનની આવડત હતી, સમજૂતીની સૂઝ હતી; અને હતું ભાષાનું ભાથું તથા કુરઆને કરીમ અને અહાદીસે નબવી(સલ્અમ)નો અભ્યાસ.

તેમનું પ્રત્યેક પ્રવચન, નાનું હોય કે મોટું, વૈજ્ઞાનિક ઢબે થતું. માત્ર શ્રદ્ધા નહીં, જ્ઞાનનો ઉજાશ તથા બુદ્ધિચાતુરી તેમાં દૃશ્યમાન થતાં. આવા પ્રવક્તા ગુજરાતી આલિમોમાં કેટલા ? આવી સિદ્ધિ છતાં, તેમને મોટાઈનો મોહ ન હતો. સાદગી હતી, વિનમ્રતા હતી.

ખોલવડ તથા તડકેશ્વરના મદ્રસાઓમાં સેવા આપ્યા પછી, વરાછાવાળા જાદવત શેઠના પ્રેમાગ્રહથી, તેઓ બર્મા ગયા હતા, જ્યાં મૌલમીન શહેરની સુરતી મસ્જિદના ખતીભ તથા ઈમામ તરીકે નિયુક્ત થયા હતા. કહે છે કે અહીં મસ્જિદ - મદ્રસાની જવાબદારી તેમના શિરે હતી એ દરમિયાન, જમીઅતે ઉલેમાએ બર્માના મંત્રી અને પછી પ્રમુખ તરીકે તેમની વરણી થયેલી, અને કહે છે કે મૌલમીનમાં તેમણે એક યતીમખાના - મદ્રસાની સ્થાપના પણ કરેલી. − બાદમાં તેઓ મયમો શહેર ચાલ્યા ગયા હતા, જ્યાં દીની સેવા બજાવતાં, ઘણું કરીને 1961-62માં, તેમનો જીવનદીપ બુઝાઈ ગયો હતો.

તેઓ રાજકારણમાં સક્રિય હતા. તેમના ઉસ્તાદ શબ્બીર અહમદ ઉસ્માનીની જેમ તેઓ ય લીગી ખ્યાલ ધરાવતા હતા. બારડોલી તાલુકા મુસ્લિમ લીગનું પ્રમુખપદ તેમણે સંભાળ્યું હતું. એ સમયે હું લીગનો મંત્રી તથા નેશનલ ગાર્ડનો કેપ્ટન હતો.

મૌલાના મહમૂદ સાલેહ પાંડોરના દાંપત્યજીવન વિશે નોંધી શકાય છે કે તેમની બે જીવનસંગિની હતી. પહેલા લગ્ન મારાં મોટાં બહેન ખદીજા સાથે થયાં હતાં. મારાં બહેનનાં પાંચ સંતાનો. ત્રણ દીકરી : ફાતેમા, આયેશા, હફસા (છોટી) અને બે દીકરા : અહમદ, ઈસ્માઈલ.

બીજી પત્ની હતી ખોલવડની આયેશા ડંગોર. એમનો એક દીકરો : યુનૂસ, જે હાલ કેનેડામાં છે.

મૌલાનાની જમીનો હતી, પરંતુ એ ઈલ્મી આદમી, એની વાવણી − લણણીની ઝંઝટમાં પડ્યા ન હતા. એ બધું મારાં બહેન સંભળાતાં. ભેંસો ય પાળી હતી. અને છેવટ સુધી એ બધું સંભાળ્યું હતું.

એમની, જિન્નાત સાથેની મૈત્રીના કિસ્સા પણ છે, પણ એ મને બુદ્ધિગમ્ય લાગતા નથી. બર્મામાં કોઈક છોકરીને વળગેલા જિન્નને કાઢ્યાનો ઢંગધડા વિનાનો કિસ્સો ય છે. પણ સવાલ આ છે કે માનવદેહમાં કોઈ અન્ય મખ્લૂક પ્રવેશી વસવાટ કરી શકે ખરી ?

ગમે એમ, પણ મૌલાના પાંડોરનાં પ્રથમ પત્ની તે મારાં મોટાં બહેન ખદીજાએ એક વાર મને કહેલું, ‘તારા બનેવી રાત્રે કુરઆનની મિલાવત કરે છે ત્યારે જિન્નાત તેમની પાસે આવે છે. વાતચીત કરે છે !’

જો કે મૌલાના માત્ર મારા બનેવી નહીં, મિત્ર પણ હતા. અને તેમણે એવી કોઈ ચમત્કારિક વાત મારી, આગળ કરી નહોતી. અને સાચું પૂછો તો તેમની મોટાઈ તેમની વિદ્વતામાં, તિલાવતે કુરઆનમાં ને વ્યાખ્યાનોમાં હતી ! જિન્નાત સાથેની મૈત્રીના કે વળગેલા જિનને કાઢવાના કિસ્સામાં ન હતી. તેઓ એવા નબળા અને ચમત્કારિક કિસ્સાઓની કાંખઘોડીના આધારે ચાલનારા આલિમ હતા જ નહીં.

11, Croston Terrace, Ayres Road, Old Trafford MANCHESTER M16 7FD [U.K.]

Category :- Profile