રણમાં આવેલા એક ઘરની વારતા

નંદિતા મુનિ
30-04-2013

હજી તો ભળભાંખળું પણ નહોતું થયું ને બિન્ના એકદમ ઝબકીને જાગી ગઈ. છાતી ધકધક, અને કૂબાની બધી હવા તો જાણે કોઈ ચૂસી ગયું હોય. ફરી પાછું એ જ કાળમૂવું સપનું ... કે રેગીસ્તાને એનો કૂબો ભરખી લીધો. પથારીમાં હાથ ફેરવવા ગઈ ને યાદ આવ્યું કે રેવાત તો ગામતરે ગયો હતો. હોત તો ય એ શું કરત? આશ્વાસનના એકબે બોલ કહીને પીઠે હાથ ફેરવત. તો ય સારું કે મિજાજ બગડેલો હોત તો બાંવળી! શું છે આ વારે વારે? એમ કહીને હાંસી કરત કે ગુસ્સે થાત. સારું જ છે રેવાત નથી. આ બિન્નાનું એકનું જ સપનું હતું અને એને એકલીને જ આખ્ખા રણ સાથે લડવાનું હતું. રોજ રોજ, રાત ને દી’.

‘લી બિન્ના! તારા કૂબામાં એવા તે શું હીરા ટાંક્યાં છે કે આવું મોટું રણ જાણે અજગર થઈને તારા જ ખોરડાને ગળવા આવશે? ઈ તો આખાં ને આખાં શે’ર ગળીને બેઠું છે. એમાં તારી મઢીની શી વિસાત? ભૂખ્યું નહીં રે’ એના વિના ‘લી!

દરવાજા સામે જરા ડરીને જોયું બિન્નાએ. લાકડાની ફાટમાંથી થોડુંક આકાશ ઓળખાયું. મોંસૂઝણું થઈ ગયું’તું. છાતીનો થડકારો’ય થોડો હેઠો બેઠો’તો. બિન્ના ઊભી થઇને પથારી ખંખેરી - ક્યાંક રેતી તો નથી આવી ગઈ ને એમાં, રાતના વાયરાની સાથે? પણ કંઈ નહોતું. વાળીને ખૂણામાં મૂકી. પ્યાલામાં થોડુંક પાણી કાઢીને બહાર આવીને કોગળા કર્યા. બિન્નાના મોંનું અજીઠું એ પાણી રણ તરત પીઈ ગયું. બિન્નાએ એ સામે પીઠ ફેરવી ને ખજૂરીનું ઝાડૂ પકડ્યું. ફળિયામાં રેત ઊડી’તી જ્યાં ને ત્યાં. કેટલા હાથપગ હશે રણને! એક હાથ ઝાંપેથી અંદર નાખ્યો’તો. કાંડાલગણ એક પેલ્લા ખૂણામાં. પેલી બાજુ આંગળીઓ. ઝનૂનથી બિન્નાએ રણને આઘું ખસેડ્યું ને ફળી ચોખ્ખીચંદન કરી. જરી હાશકારો કરીને બેઠી ત્યાં રાણીએ સાદ કર્યો. બિન્નાએ માટલું જોયું તો અડધું જ હતું. ગાગર લઈને બિન્ના રાણીની સાથોસાથ ચાલી. તડકો ચડે ઈ પહેલાં જ જઈ આવવું સારું.

નવો કૂવો સૂરજ માથોડાભર ચડે પછી આવે એટલો દૂર હતો. નકરી ગિરદના ટીલા પરથી જવાનું! રાતભર ઠરેલી ગિરદ ઠંડી હતી હજી તો. પણ બિન્નાને ઘૂંટીએ રેત અડી ત્યાં ત્યાં દઝાયું. છેક મોજડીની અંદર ઘૂસી જઈને રેત જાણે એની હાંસી કરતી’તી. જૂનો કૂવો તો વાસની નજીક હતો પણ એક દિવસ રણ એને ગળી ગયું’તું. તો ય પાછું તરસ્યું ને તરસ્યું. લાખ કૂવા ગળી ગ્યું હશે અત્યાર લગીમાં મૂવું! નવા કૂવે જતાં એક દી’ રેત ઊડીને એક ટીલો ખસ્યો હશે ત્યાં કોઈ વટેમારગુનું કંકાલ મળી આવેલું. હાથમાં ચાંદીનું કડું એમનેમ, તે રાણીએ ભગવાનને યાદ કરી ઉતારીને ચુંદરીના છેડે બાંધી દીધું’તું. ગીધડાંને ચાંદી સાથે શું? પણ ગીધે તો પછી ભરખ કર્યો હશે, પે’લાં તો રણને થાળ ચડ્યો હશે. બધી વાતનું ભૂખ્યું મૂવું. ને બીજે દી’ તો ભૂખ્યું રેગીસ્તાં પાછું કંકાલને ગળી ગયું’તું.

પાણી કરીને બિન્નાએ પાછી કૂબામાં નજર કરી. કમાડ નીચેથી છાનામાના આંગળી લંબાવી’તી રણે. ઝાડૂ લઈને તરત બિન્નાએ રણને કાઢી મૂક્યું. બીનેલા ગલૂડિયાની જેમ બહાર ભાગી ગયું એ. પણ બિન્ના જાણે છે કે આ બધો દેખાવ છે. તક મળે એટલે તરત કૂબામાં આવી જશે પાછું. ટાંપીને જ બેઠું છે. બિન્નાના ઘરની આજુબાજુ મંડરાયા કરે છે. ક્યારે લાગ મળે ને ક્યારે બિન્નાનું ઘર ગળી જાઉં! બિન્નાની પણ જિદ છે કે રણમાં ઘર છે તો શું થયું. ઘરમાં તો રણને નહીં જ નહીં જ રહેવા દઉં. ઝાડૂવાલી બિન્ના પર બસ્તી હસે છે પણ બિન્ના રોજ રોજ રણ સાથે લડે છે. દિવસે રણ બિન્નાની આણ માને છે પણ રોજ રાતે બિન્નાને સપનામાં આવીને ડરાવે છે. આખ્ખેઆખ્ખા ઘર સાથે બિન્નાને રોજ રાતે અંધારો અજગર બનીને રણ ગળી જાય છે.

ગનીમત છે બિન્ના, હજી ઉનાળો નથી આવ્યો. રેતની ડમરીનું ઘોર ઘૂમર શરૂ થાય ત્યારે બિન્ના શું કરશે? શું કરશે, રણમાં ઘરવાળી બિન્ના?

http://thismysparklinglife.blogspot.co.uk/2013/04/blog-post_28.html?spref=fb

Category :- Opinion Online / Literature