ટોળાં

બકુલા ઘાસવાલા
12-10-2018

ટોળાંને ટેવ હોય છે કે જુદું ભાળોને ટોળે વળો!
તમને શું લાગે છે?
ટોળાંને કાન હોય છે?
ટોળાંને આંખ હોય છે?
ટોળાંને મગજ હોય છે?
ટોળાંને સાન હોય છે?
ટોળાંને ભાન હોય છે?
ટોળાંને તો ફક્ત હાથ હોય છે!
એ હાથમાં પથ્થર હોય છે!

તમે -
ટોળાંનો હિસ્સો છો?
કોઈ ગુનો ન કર્યો હોય તેવો કિસ્સો છો?
ટોળાંશાહીમાં ઠોકશાહી!
ટોળાં  સામે મૂકશાહી!
એ તે કેવી લોકશાહી!
કાયદાની ઐસીતૈસી ને
ટોળાંની મનમાની!

બસ,
એક કાંકરીચાળો ને
માણસાઈનો ઉલાળિયો!
એ તે કેવી લાચારી!
બેબુનિયાદ,
બેધ્યાન,
બેહિસાબ,
બેશરમ,
બેરહમ,
બેકાબૂ ટોળાંની
બિન જવાબદારી
નોતરે બેહાલી!
એ તે કેવી લોકશાહી!

Category :- Opinion / Opinion