સ્વતંત્રતા

બ્રિજેશ પંચાલ
08-10-2018

તાજી ... તાજી ... સ્વતંત્રતા ...
ચાખીને લ્યો, ચાખીને!
હે! સ્વતંત્રતા ચાખવાની?
પણ, કેવી રીતે?
મને ફાવે એવી રીતે? તમને ગમે એવી રીતે? એમને ગમે એવી રીતે?
મને ગમે એવી રીતે? કે, આ ... બધાંને ગમે છે એમ કરીને?
સમજાતું જ નથી સ્વતંત્રતા લેવાની તો લેવાની કંઈ રીતે?
રડીને? હસીને? ખરીને? ઊગીને? ઉછીને? આગળથી? પાછળથી? ઉપરથી? નીચેથી?
વાંકેથી? સીધેથી, આજથી? કાલથી? વાંચીને? ગોખીને? બોલીને? ખોલીને?
દાબીને? હળવેકથી કે પછી. ખાલી ... ખાલી ... ચૂપ થઈને?
હા ... હા ... બાપુએ એવું જ તો કીધું હતું, ચૂપ થઈને પણ, અહિંસાથી!
બાપુને કહો, હવે તો એમની અહિંસાની જડીબૂટ્ટીની -
લોકોએ મળીને એક્સપાયરી ડેટ જાહેર કરી દીધી છે.
અને શપથ લીધા છે કે,
અમે બધાં મળીને ભારત દેશના કલ્યાણ અને સમૃદ્ધિનું ખૂન કરી નાખીશું!
કેમ? તો કે અમને આ દેશે સ્વતંત્રતા આપી છે,
જેમ ગમે એમ કરવાની! ને એટલે જ તો અમે ...
વિચાર્યા વિના, બુદ્ધિના લઠ્ઠની જેમ ... સમય અને સ્થળ જોયા વગર નીકળી જઈએ છે,
આપણી જાતનું જ ફૂલેકું કાઢવા!
આવા લોકોને એક સલાહ છે, ખાલી સલાહ હો,
સ્વતંત્રતાનો એટલો જ નશો ચડ્યો છે તો,
જેણે જે કરવાનું ગમતું નથી, એને એ કરવાથી મૂક્ત કરાવોને -
એટલે સ્વતંત્રતા અપાવોને!
બાને પપ્પાની રાહ જોવાની ગમતી નથી!
છોટુંને રોજ વાડકો લઈને એનાથી વધારે,
ચહેરાથી ગરીબ દેખાતા લોકોની પાસે જઈને,
“આપોને ...” કહેવાનું ગમતું નથી!
ઇરછાને અધૂરી રહેવાનું ગમતું નથી! ઈર્ષાને ઘટવાનું ગમતું નથી!
પ્રેમને એકદમ થવાનું ગમતું નથી! ને વ્હેમને થયા વગર રહેવાતું જ નથી!
સરહદે એકલા લઢતા -
સિપાહીને દેશની અંદર ચાલી રહેલું છમકલું ગમતું નથી!
આટલું અમથું નથી, હજુ કહું તો ...
મને તો મૂઈ સ્વતંત્રતા જ ગમતી નથી!
મને કોઈ બાંધીને રાખો, ક્યારેક સાંધીને રાખો,
ક્યારેક રાખવા માટે રાખો, તો ક્યારેક ખાલી-ખાલી રાખો!
પણ રાખો ... મને મારાથી સ્વતંત્ર થવું છે!
એવી કોઈ જગાએ જવું છે,
જ્યાં ખાલી હોય, હું અને સ્વતંત્રતા!
કેમ ખબર છે? કારણકે મારે સમજવું છે,
કાલે મેં -
દિલ પર પથ્થર મૂકીને પાંજરું ખોલ્યું છતાં,
પંખી કેમ ઊડ્યું ના?

E-mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2018; પૃ. 16

Category :- Poetry