ગીત

હરીશ મીનાશ્રુ
08-10-2018

તાલુકે પેટલાદ, આશી મુકામ પોસ્ટ, ઊભા ગફુરમિયાં ખેતરે
માટીની મહેરબાની લૂમેઝૂમે તો એને કેળાંની લૂમ કહી છેતરે

ઓણસાલ વરસાદે સોળ આની, ઉપરથી
પાંદડે પરોઢભરી ઓસ
કૂવાનાં હેત એવાં ઊંડાં કે આઘેનાં
એક એક તરણાને તોષ

શબરીનાં બોર જેમ ચાખી, મીઠાશ બધી એંઠી કરી છે એક તેતરે
ઘોડિયામાં ઘેર ઝૂલે ભાણેજું, ભગરીએ પાડી જણી છે પહેલા વેતરે

અક્કેકી કેળ પરે કેળાંની ગેડ જાણે
ગોઠવણી કાફિયા રદીફની
સોદો પતાવી ગફુરમિયાં ઊપડશે
જાતરાએ મક્કા શરીફની

હાજર જો હોત અહીં ગોરજી, તરન્નુમમાં સાધુવાણિયાની કથા કહેત રે
ટોળે વળે જ્યાં ચાર લીલુડાં પાન, સત્યનારાયણ માંડ એક વેંત રે
હે જી છેટે રહીને દાદ દેત રે

સૌજન્ય : “નવનીત - સમર્પણ”, સપ્ટેમ્બર 2018; પૃ. 10

Category :- Poetry