साहित्यकारनो विद्वेष

ભોળાભાઈ પટેલ
08-10-2018

કલાકારોની અર્થાત્‌ સાહિત્યકારોની, સંગીતકારોની, ચિત્રકારોની, અભિનેતાઓની પોતાના સમકાલીન કલાકારો માટે અસહિષ્ણુતા આમ તો પ્રત્યેક યુગમાં, પ્રત્યેક દેશમાં જાણીતી બાબત છે. સામાન્ય જન કરતાં કલાકારોમાં ‘અહં’ વધારે જાગ્રત હોતો હશે, એ પણ કારણ હોઈ શકે. સાંભળ્યું છે કે સંગીતમાર્તંડ પંડિત ઓમકારનાથ ઉસ્તાદ ફૈયાઝખાંને સહન કરી શકતા નહિ. ‘પારકે પીંછે રળિયામણો’ કહી યુનિવર્સિટીમનીષી નાટકકાર માર્લોએ અલ્પ ભણતરવાળા શેક્‌સ્પિયર માટે પોતાના સાથીઓને અસૂયાભાવથી ચેતવ્યા હતા. ‘કહ્યું કથે તે શાનો કવિ, શીખી વાત તે શાની નવી ?’ − કહી શામળે પ્રેમાનંદની ભર્ત્સના કર્યાનું કહેવાય છે. પ્રસિદ્ધ નાટકકાર દ્વિજેન્દ્રલાલ રાયે રવીન્દ્રનાથની ‘ગીતાંજલિ’ની કવિતાઓને બાળી નાખવા જેવી કહી હતી. આપણે ત્યાં પંડિતયુગના સાક્ષરોની અહમહમિકા પરિચિત છે. ચંદ્રકાન્ત બક્ષી, સુરેશ જોષી જીવતા હતા ત્યારે પણ એમને ‘મરહુમ સુરેશ જોષી’ કહેતા ! આવાં તો અસંખ્ય ઉદાહરણો હોય.

વિભિન્ન સાહિત્યિક કે કલાવિષયક રુચિ અને મૂલ્યોને કારણે બે પેઢીઓ વચ્ચે અને સમકાલીનો વચ્ચે મતભેદ થવાના જ, પ્રામાણિક મતભેદની વાત જુદી છે. પરંતુ જ્યારે વિદ્વેષમાં પરિણમે છે, ત્યારે વાત જરા જુદી બની જાય છે.

સ્પર્ધા, ઇર્ષ્યા કે દ્વેષ માનવ માત્રમાં હોય એ તો સમજ્યા. પણ કલા જે મનુષ્યને ઉન્નત કરે છે, જે રુચિને પરિષ્કૃત કરે છે, જે બ્રહ્માનંદના ભ્રાતા સમો આનંદ આપે છે, તેના ઉપાસકોમાં પણ દ્વેષ હોય એટલું જ નહિ, વકરેલી સ્થિતિમાં જોવા મળે ત્યારે ગ્લાનિ થાય છે. કલાકારોમાં ઇર્ષ્યા, દ્વેષ આદિ હોય તેને અતિક્રમી જવું એ એમના સર્જનના પ્રયોજનનો પણ એક ભાગ છે. જે સર્જન કરે છે, તેનામાં વિદ્વેષ ? અને તે પણ રુચિની માઝા મૂકીને પ્રકટ થાય ? અને તે પણ ‘શબ્દ’ના માધ્યમ દ્વારા, જે શબ્દ-બ્રહ્મને પોતાનો ઉપાસ્ય માને છે ?

છાપાવાળા તો સમજ્યા. એમને તો સનસનાટી ફેલાઈ જાય એવી લખાવટમાં વધારે માફક આવે. પણ સાહિત્યકાર, શબ્દોપાસક ?

આમ તો હું બાંધ્યાભારે વાત કરું છું, પણ હમણાં ગુજરાતી વર્તમાનપત્રોના સાહિત્યવિભાગના સ્તંભ જાણે વ્યક્તિગત વિદ્વેષનું વિષવમન કરવા ‘વપરાઈ’ રહ્યા છે. કડક સમાલોચના જુદી બાબત છે, પણ લખનારની લઘુતા કે ક્ષુદ્રતાની એ લખાણો ઉઘાડી ચાડી ખાતાં હોય છે.

ત્યારે પ્રશ્ન થાય કે સાહિત્યનું અધ્યયન, પરિશીલન કરી કે સાહિત્યનું સર્જન કરી આ લેખક શું આટલું જ પામ્યો છે ? એ સાહિત્યસર્જનનું મૂળભૂત પ્રયોજન જ નષ્ટ કરતો હોય છે અને પછી સતત વિદ્વેષમાં ક્યાંક ભીતરથી પોતે જ નષ્ટ થતો હોય છે.

રવીન્દ્રનાથની એક વાર્તા છે, જેમાં એક પ્રધાન સાથે એક કલાકારને અણબનાવ થાય છે. આ કલાકાર સુંદર પ્રતિમાઓ, મૂર્તિઓ ઘડે છે. એક વાર એની પાસેથી એક નાનો કિશોર મૂર્તિ ખરીદવા માગે છે. એ એને ગમી ગઈ હતી. કલાકારને ખબર પડી કે આ તો પેલા પ્રધાનનો પુત્ર છે, એટલે એકદમ એણે પેલી મૂર્તિ લઈ લીધી અને કહ્યું કે તેને વેચવાની નથી. કિશોરને એ મૂર્તિ લેવી જ હતી, એ રડ્યો પણ ખરો, પણ કલાકારે એને મૂર્તિ ના જ આપી. ઘણા દિવસ પછી કલાકારને પ્રધાન સામે વેર લેવાનો આનંદ મળ્યો હતો.

થોડો સમય વીત્યો, પછી એ કલાકાર સ્વયં પ્રધાનને ઘેર ગયો અને પેલી મૂર્તિ નાના કિશોરને આપવાની ઇચ્છા બતાવી. એણે કહ્યું, ‘આ મૂર્તિ લઈ લો, પણ મને મુક્ત કરો,’ પ્રધાન તો અવાક્.

કલાકારે કહ્યું, જે દિવસથી તમારા પુત્રને તમારા પ્રત્યેના દ્વેષથી મૂર્તિ આપવાની ના પાડી છે ત્યારથી સતત તમારા પર વેર લીધાના વિચાર આવે છે અને પછી જે જે મૂર્તિ બનાવું છું, તેનો ચહેરો તમારા જેવો જ ઘડાય છે ! હવે આ મૂર્તિ તમારા પુત્રને આપી દઈ વિદ્વેષથી મુક્ત થવા માંગું છું.

સાહિત્યકાર એક સર્જક તરીકે માનવજીવનના તમામ ભાવોની અભિવ્યક્તિ કરી શકે છે, જેમાં વિદ્વેષનો ભાવ પણ આવી જાય. શેક્‌સ્પિયરે ઈયાગોના ચરિત્ર દ્વારા ‘અૉથેલો’ નાટકમાં વિદ્વેષના ચિત્રણને પરાકાષ્ટાએ પહોંચાડ્યો છે. પણ એ પોતે તો વિદ્વેષથી મુક્ત છે, કેમ કે એ સાચો કલાકાર છે.

02 જુલાઈ 1991

સૌજન્ય : “પરબ”, વર્ષ - 32 : અંક - 7; જુલા ઈ 1991; પૃ. 01-02

Category :- Opinion / Literature