એ રેવલા, તું જો હખણો રે’તો ઓય તો!

બકુલા ઘાસવાલા
05-10-2018

 

એ રેવલા,
તું જો હખણો રે’ તો ઓય ને,
ને દાઈદોસ્તારમાં ખાજણપીજણના ખોટા ખરચા ની’ કરતો ઓય તો !
તો આપણાં ખોરડે હાંલ્લાં કુસ્તી ની’ કરતાં ઓય!
ને મને બે વેર રાંધવાનો લા’વો મલતો ઓતે!
પણ …..

રેવલા,
આ તારી વખતકવખત જોયા વગર ઢીંચવાની ટેવે તો
આપણને બરબાદ કરી કેથેના ની’ રાયખા!
પોયરાં બચાડાં નિમાણાં થેઈને ફરે,
છનિયો તો ઘરમાં ટકે જ ની’
ને મંગી તો તારાથી કેટલી બીતી ફરે!
તું ઢીંચીને આવે ને એવો લવારે ચડે કે
ઉં તો હરમથી કોકડું વરી જાઉં!
ને તારા ગોલાપા કરતાં તો એવો પારો ચડે કે
કોઈવાર થી આવે કે લાવની ઉં જ ચહકો કરી મેલું!
મને થાય, લાવ તને હારોહરખો ધબેડી કાડું!
ની તો ઘરમાંથી જ આંકી( હાંકી) કાડું!
પણ પછી થાય કે તું છે તો માથે છત્તર છે ને
પોયરાંના માથે બાપની ઓથ છે!
ઉં તો ઉપરવાળા હાથે બી’ લડી લડીને થાકી!
એ વરી આપણાં જેવાં ગરીબડાંને હારું કા પરવારતો છે?
    
હેં રેવલા!
પે’લા તો તું કેટલા હારો ઉતો,
આપણે મેળે મા’લતાં ને ભજિયાં ને ચાની જાફત ઓ કરતાં.
સિનેમા જોવા ઓ જતાં ને હગેવા’લે કારવે’વારમાં ઓ જતાં કે’ની?
આપણાં પોયરા તો મારી વાત માને જ ની’!
એમ કે’ય કે માય તો ગાંડી ગાંડી વાત કરતી છે!
અમે તો બાપાને અખ્ખણ ઢીંચતા જ જોયેલો!
    
હેં રેવલા,
તુ ની’ જ સુધરવાનો કે?
ચાલ ની, મે તને પેલે તાં -
એ હું કે’વાય જે?
એ યાદ આઈવું,
નસા મુક્તિ કેન્દ્રમાં લેઈ જાઉં.
ને પછી તું પેલા જેવો થેઈ જાય!
હેં રેવલા તું, હખણોપાધરો રેહે ને?
જો તું હીધો થેઈ જાય તો આપણું ઘર ઘર બની જાય કે’ની?
ચાલની રેવલા, આપણે ઘર બનાવીએ!

Category :- Poetry