સમજ્યા-વિચાર્યા વિના ગાંધીજીની નિંદા કરવામાં સમસ્યા રહેલી છે.

અપૂર્વાનંદ
05-10-2018

તારીખ 2 ઓક્ટોબર, 2018ના રોજ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી શરૂ થઈ તે સાથે જ ફરી એક વખત મહાત્મા ગાંધીની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયાથી લઈને રાજનૈતિક દુનિયા સુધીના તમામ મંચો પર થનારી ગાંધીજીની ચર્ચામાં આજકાલ તમામ મર્યાદાઓ ઓળંગીને થઈ રહેલી વિવેચનાઓ પણ જોવા અને સાંભળવા મળી રહી છે.

ઘણી વખત આ પ્રકારની આલોચનાત્મક ચર્ચાઓમાં ખોટી વાતો પણ એટલા પ્રમાણમાં જ સામેલ હોય છે કે તેને આખરે તર્કમાં ખપાવી દેવામાં આવે છે. થોડા સમય પહેલાં લેખક એન્થની પરેલનું ગાંધીયાના નામનું પુસ્તક પ્રકાશિત થયું હતું તો તેની સાથે જ ગાંધીજી પર નવેસરથી ચર્ચા શરૂ કરવા જેવી હતી તેમ મારું માનવું છે. કારણ કે, લેખક એન્થની પરેલે પોતાનું સમગ્ર જીવન ગાંધીજીને સમજવામાં પસાર કરી દીધું છે અને જ્યારે ગાંધીજી પર તેઓ કોઈ નવી પ્રસ્તાવના આપે છે તો તે બાબતે તેઓ પોતાનો કોઈ હક દર્શાવતા નથી.

અજય સ્કારિઆનું Unconditional Equality: Gandhi's Religion of Resistance નામના પુસ્તકમાં સમાનતા, ધર્મ, પ્રતિરોધ જેવાં મૂલ્યો પર તેમના વિચારોના જે સૂત્રો આપવામાં આવ્યા છે તેના પર ચર્ચા થવી જોઈએ. સાથે જ તેઓ યુવા લેખક અને સંશોધક છે, તેમણે ભારતીય ગ્રામીણ અને આદિવાસી જીવનને સારી રીતે જોયું છે.

આ સિવાય લેખક મકરંદ પરાંજપે કે જેઓ સાહિત્યના અધ્યાપક છે અને તેમનું પુસ્તક The Death and After Life of Gandhi પર આપણે વિચારવાનું શરૂ કરવા જેવું હતું કે જેમાં ગાંધીજીના મૃત્યુ બાદ, કે જે ગાંધીજીનું મૃત્યુ નહીં પણ તેમની હત્યા હતી ત્યારે ભારતે ગાંધીજીને કેવી રીતે જીવંત રાખ્યા.

આ તમામ લેખકો ગાંધીજીને એક નવા દ્રષ્ટિકોણથી રજૂ કરે છે. મહાત્મા ગાંધી 100 ખંડોમાં છે, પોતાના લેખોમાં છે, ભાષણ તેમ જ પ્રાર્થના સભાના વક્તવ્યો અને સૌથી વધુ પોતાના પત્રોમાં જોવા મળે છે. ગાંધીજીના આ સમગ્ર લેખનકાર્ય વાંચવામાં ઘણો સમય લાગે છે, તો શું ત્યાં સુધી મહાત્મા ગાંધી પરના પોતાના વિચારોને સ્થગિત કરી દેવા જોઈએ. મહાત્મા ગાંધીનાં પુસ્તકો થકી ચર્ચા શરૂ કરવામાં પણ એક સમસ્યા રહેલી છે, અને તે એ છે કે આ પુસ્તકો સંપૂર્ણ વાંચવા પડે છે અને તે વાંચતા ખૂબ જ સમય લાગે છે. આ પુસ્તકો વાંચતી વખતે જો ક્યારેક કાયદાની વાત આવે તો વાચકની અનેક પૂર્વ માન્યતાઓ પર પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને તેનાથી વાચકનું મન પણ વિચલિત થાય છે. આ પ્રકારનાં પુસ્તકો વાંચવાં અને લખવાં માટે એક પ્રકારની વિનમ્રતા હોવી જરૂરી છે, જ્યારે ગાંધીજી પર નિવેદન આપવા દરમિયાન અને ત્યારબાદ તેના પર કરવામાં આવતી ચર્ચા દરમિયાન આ પ્રકારની વિનમ્રતાની જરૂર નથી.

પરંતુ, રાજનેતાઓમાં આ વિદ્વાનો જેવો વિનય ભાગ્યે જ જોવા મળે છે કારણ કે રાજનેતાઓને કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુને સમજવા કરતાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેમાં જ વધારે રુચિ હોય છે. પરંતુ, દુર્ભાગ્ય એ છે કે સાર્વજનિક ચર્ચાઓ આ વિદ્વાનોથી વધુ આ નેતાઓના માધ્યમોથી શરૂ થાય છે. માટે તેને નજરઅંદાજ કરવાની સુવિધા આપણી પાસે નથી.

ભારતમાં મહાત્મા ગાંધીના વિષયને લઈને સૌથી મોટી સમસ્યા એ છે કે ગાંધીજીના મુદ્દે વાત કરવા માટે કોઈ પણ પ્રકારની તૈયારીની જરૂરિયાત જોવા નથી મળતી. મને મારા એક જૂના કમ્યુિનસ્ટ મિત્રએ એક એવી ફરિયાદ કરી હતી કે 30 જાન્યુઆરીના રોજ તેને એટલા માટે નિમંત્રણ નથી મળતું કારણ કે તે ગાંધીજીની ટીકા કરે છે. મેં મારા તે મિત્રને પૂછ્યું કે તેણે ગાંધીજી વિશેના પોતાના વિચારો કેવી રીતે કેળવ્યા અને શું તે માટે તેણે કોઈ ગાંધી સાહિત્ય વાંચ્યું છે ખરું, તો તેણે મને આ પ્રશ્નનો નકારાત્મક ઉત્તર આપ્યો. પણ, મને સૌથી વધુ ચિંતા એ વાતની થઈ કે ગાંધીજીને સમજવા માટે ગાંધી સાહિત્ય વાંચવાની વાત મારા મિત્રને પાયાવિહોણી લાગી. મારા આ ક્મ્યુિનસ્ટ મિત્રએ ભૂપેશ ગુપ્તા અને હિરેન મુખરજીને વાંચ્યા હતા અને તે દ્વારા તે ગાંધીજીને જાણતો હતો અને મને લાગે છે કે આટલું વાંચન તેના માટે પૂરતું હતું. પરંતુ, હિરેન મુખરજી ડાબેરી હોવા છતાં પણ તેઓ પોતાને ગાંધીજીના પ્રશંસક કહી શકતા હતા અને આ વાત ઈ.એમ.એસ. નંબૂદિરિપાદ માટે પણ તેટલી જ સાચી હતી. ડાબેરીઓ અને ગાંધીજીમાં એક દ્વંદ્વાત્મક સંબંધ હતો છતાં, પણ એસ.એ. ડાંગે, હિરેન મુખરજી અથવા ઈ.એમ.એસ. નંબૂદિરિપાદને ગાંધી આધારિત સુચિંતિત પુસ્તક લખવાનું આવશ્યક લાગ્યું. ત્યારબાદના ડાબેરીઓ માટે ગાંધીજીને જાણવા એટલા જરૂરી નહીં લાગ્યા હોય.

ગાંધીજી ધીરે-ધીરે એક અફવામાં પરિવર્તિત થઈ ગયા. એવી અફવાઓ કે જેના પર વિશ્વાસ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી રહેતો અને સત્યની જેમ પ્રચાર કરવા માટેનો પણ તેનો કોઈ વિકલ્પ નથી રહેતો. ગાંધીજીની છબીને પણ અફવાની જેમ પ્રચારિત કરવામાં આવી છે અને આ તમામમાં ગાંધીજીની સરળતા જોવા મળે છે. 

ગાંધીજીની સાથે ત્રણ પ્રકારનો વ્યવહાર થયો હતો. તેમની હત્યા બાદ ભારતીય રાજ્યએ તેમનું સંપૂર્ણરીતે રાજકીયકરણ કરી દીધું. અને આ ગાંધીજી જેવા અરાજકતાવાદી માટે મોટી વિડંબણાની વાત હતી. ગાંધીજીની હત્યાની શરમ છુપાવવા માટે હત્યાના કારણ પર ચર્ચા કરવાનું બંધ કરીને ગાંધીજીને એક અજાતશત્રુની જેમ પ્રચારિત કરવામાં આવ્યા. ત્રીજુ, ગાંધીજીના રાજનૈતિક પક્ષને સંપૂર્ણરીતે લુપ્ત કરવા માટે તેમને એક ધાર્મિક વ્યક્તિત્વ તરીકેની અથવા સંત તરીકેની પ્રતિષ્ઠા આપવામાં આવી.

ગાંધીજી સાથે આપણો સંબંધ એ એક પ્રકારની વ્યાકુળતા જેવો છે. તમે ગાંધીજીનો આદર કરવાની જરૂરિયાત વિના પણ ગાંધીજીને સમજી શકો છો. તેઓ ટીકાઓથી પર છે, તેમની માત્ર પૂજા કરી શકાય છે. તેમના શિષ્ય અને મિત્ર નહેરુએ યુવા ફિલ્મ દિગ્દર્શક રિચર્ડ એટેનબરોને એવી સલાહ આપી હતી કે તેઓ તેમની ફિલ્મ ગાંધીમાં ગાંધીજીને એક દેવતાની જેમ નહીં પણ એક સામાન્ય વ્યક્તિની જેમ જ તેમનું નિરૂપણ કરે.

ગાંધીજીના જીવનમાં ઘણા અંશ એવા છે કે જેના પર વિવેચનાત્મક વાત કરી શકાય તેમ છે. વર્ણાશ્રમ પ્રત્યેનો તેમનો મત, સ્ત્રીઓની રાજનૈતિક આંદોલનોમાં ભાગીદારીને લઈને અનેક સ્થળોએ તેમણે વ્યક્ત કરેલો સંકોચ, દક્ષિણ આફ્રિકાનાં વર્ષોના આરંભમાં આફ્રિકાના લોકો પ્રત્યેનો તેમનો દ્રષ્ટિકોણ, ભારત પરત ફર્યા બાદ બ્રિટિશ સેનાની ભરતી માટે લોકોને જાગૃત કરવાનો તેમનો નિર્ણય, આમ આ તમામ બાબતે તેમની ટીકા થવી જોઈએ. એક મત એવો પણ છે કે ખિલાફતને ટેકો આપીને અને ભારતમાં તે આંદોલનનો પ્રચાર કરીને તેમણે જ આગળ જતા રાજનીતિ અને ધર્મમાં ઘાલમેલ કરવા માટે તેને આધાર બનાવ્યો. પરંતુ, ગાંધીજીને માત્ર કેટલાંક આ જ ભાગોમાં સમજી શકાય તેમ નથી.

એક વખત ગાંધીજીને આફ્રિકાના લોકો માટે સંદેશો આપવા માટે કહેવામાં આવ્યું હતું અને તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે મારું જીવન એ જ મારો સંદેશ છે. ગાંધીજીના આ ઉત્તરને અહંકારપૂર્ણ કહી શકાય તેમ છે. પણ, ગાંધીજી માત્ર એ પ્રકારનું કહેવા નહોતા માગતા કે તેમનું સમગ્ર જીવન એ પ્રયોગોની એક કડી છે. પ્રયોગ હંમેશાં સફળ નથી થતા, અને પ્રયોગ જે પૂર્વધારણાથી શરૂ કરવામાં આવે છે તે પ્રયોગના કર્મ સંપૂર્ણરીતે નિરસ્ત થઈ શકે છે અને તેને બદલી પણ શકાય છે. જેમ ગાંધીજીનું શરૂઆતથી કહેવું હતું કે ઈશ્વર સત્ય છે અને અંતમાં અહીં પહોંચવાનું સત્ય જ ઈશ્વર છે. પણ, પ્રયોગકર્તાઓને તે સુવિધા નથી કે તેઓ પોતાની ઓળખ પ્રત્યે સંદેહ વ્યક્ત કરીને પોતાનો પ્રયોગ કરે. પ્રથમ તો તે પ્રયોગ પર વિશ્વાસ કરવાનો હોય છે અને પછી ભલે ને તે પ્રયોગનો વિરોધ જે-તે સમયની કોઈ મોટી પ્રતિભા જ કેમ ના કરતી હોય, ગાંધીજી ભારત આવ્યા ત્યારબાદ તિલક અને એની બેસન્ટ જેવી પ્રતિભાઓનો વિરોધ હોવા છતાં તેમણે અંગ્રેજી સેનામાં ભારતીયોની ભરતી થાય તેની હઠ પકડી હતી તેને આ રીતે સમજી શકાય તેમ છે. ગાંધી કેમ ગાંધી બન્યા તેનું સૌથી મોટું કારણ એ હતું કે તેઓ પોતાના શત્રુઓ અને વિરોધીઓને માનતા જ નહોતા. એ વાત સહેજ પણ આશ્ચર્ય પમાડે તેવી નથી કે તેમના સૌથી પ્રિય લોકો જેવા કે ટાગોર અને નહેરુ પણ તેમની ટીકા કરતા હતા.

પરંતુ, આલોચકો અને નિંદકમાં તફાવત છે. ગાંધીજીને તેમના જીવનના ઉત્તરાર્ધમાં નિંદા કરનાર લોકોનો જ સામનો કરવો પડ્યો હતો.

(સત્યાગ્રહ - 2 ઓક્ટોબર, 2018)

અનુવાદ : નિલય ભાવસાર

e.mail : [email protected]

https://satyagrah.scroll.in/article/110240/gandhi-a-rumor-in-his-own-country

Category :- Gandhiana