મુનશીની અમરકૃતિ : “પૃથિવીવલ્લભ’’ — મારી નજરે

વલ્લભ નાંઢા
03-10-2018

મારી ઉંમર દસેક વર્ષની હશે, ત્યારે પિતાજી મારી આંગળી પકડીને મને એક દિવસ અમારા મ્વાંઝા ગામના ‘કેપિટલ’ સિનેમાઘરમાં લાગેલી બ્લેક એન્ડ વાઈટ મૂવી “પૃથ્વીવલ્લભ’’ જોવા લઈ ગયેલા. આવડી કાચી ઉંમરે ફિલ્મના સંદર્ભો પકડવાની બૌદ્ધિકક્ષમતા કે તેના કથાપ્રવાહમાં તદ્રુપ થઈ તણાઈ જવા જેટલી સૂઝબૂઝ પણ ક્યાંથી હોય? પરંતુ મુંજનું પાત્ર ભજવતા સોહરાબ મોદી, મૃણાલના પાત્રને આત્મસાત્ કરતી એ જમાનાની જાજરમાન અભિનેત્રી દુર્ગા ખોટે અને તૈલબનો અભિનય ઝીલતા ફનમૌલા કે.એન. સિંઘનાં છાયાચિત્રો મારી ચિત્તમંજૂષામાં એ વખતે કેદ થઈ ગયેલાં, જે આજે પણ મારી ચિતમંજૂષામાં યથાતત રહ્યાં છે. પણ એ વખતે મને સહેજ પણ ખ્યાલ નહોતો કે જે નવલકથા પરથી આ ફિલ્મ બની હતી, તે નવલકથાનું કથાલેખન ગુજરાતી ભાષના યુગધર નવલકથાકાર મુનશીજીએ કર્યું હતું. 

મુનશીએ સાહિત્યજગતમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે ગોવર્ધનરામની મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ સમગ્ર ગુજરાતમાં છવાઈ ગઈ હતી. મુનશી પણ ગોવર્ધનરામની મહત્તા અને પ્રજાપ્રીતિથી અજાણ ન હતા. મુનશી ‘મારી કમલા’ વાર્તાથી સાહિત્યક્ષેત્રમાં શ્રીગણેશ કરે છે. જો કે, ‘મારી કમલા અને બીજી વાતો’’ એ મુનશીનો એકમાત્ર 1912માં પ્રગટ થયેલો વાર્તા સંગ્રહ. પછી ‘વેરની વસૂલાત’ જેવી સામાજિક નવલકથા ‘ઘનશ્યામ’ તખુલ્લસથી લખવાની શરૂઆત કરી. ઇતિહાસને સાહિત્ય સાથે જોડવાની કાળવેધી દ્રષ્ટિ તેમને હાથવગી હતી. વળી મુનશી પોતે બહુ બારીકાઈથી જોનારી વ્યક્તિ, એટલે સમજી ગયા કે ‘સરસ્વતીચંદ્ર’ના પ્રભાવ વચ્ચે સામાજિક નવલકથામાં ગજું કાઢવું તલવારની ધાર પર ચાલવા જેવું કઠિન બનશે માટે વિષયની પસંદગી બદલવી પડશે. આ કોઠાસૂઝે મુનશીને સભાનપણે ઐતિહાસિક નવલકથા તરફ વાળ્યા અને નવલકથા ક્ષેત્રે એમણે પોતાનું અનોખાપણું સ્વમાનભેર સિદ્ધ કરી દેખાડ્યું. ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજા ધિરાજ’ - આ નવલત્રયી ઉપરાંત મુંજની શૌર્યગાથાથી ધબકતી તખ્તાક્ષમ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’નો સૌ પ્રથમ પ્રયોગ કરનાર પણ મુનશી જ હતા.

‘પૃથિવીવલ્લભ’ એ મુનશીની નાટ્યાત્મક ને રંગદર્શી લઘુનવલ છે. મૂળ ટૂંકા ઐતિહાસિક વસ્તુને મુનશીએ પોતાની કલ્પનાના અવનવા રંગો પૂરી તેમાં પોતાની આગવી કલાભાવનાનો પૂટ આપીને એક ઉત્તમ કૃતિનું સર્જન કર્યું છે. કથાનો મર્યાદિત વિસ્તાર આ પ્રમાણે ઊઘડે છે : કથાનું મુખ્ય પાત્ર માલવપતિ મુંજે તૈલંગણના રાજવી તૈલપને સોળ સોળ વાર હરાવ્યા પછી, મુંજ તૈલપના સરસામંત ભિલ્લમના હાથે પકડાય છે. મુંજની સાથે તેનો ભત્રીજો ભોજ (રસનિધિ) અને રાજ્યના બીજા કવિઓને પણ કેદ કરી લેવામાં આવે છે. તૈલેપ પોતાને અનેકવાર પરાજય આપનારા આ શત્રુનું પૂરું વેર લેવા માગે છે. પણ મુંજ સ્વાભિમાની નરપુંગવ છે- પોતાની જાતને પૃથ્વીપતિ માને છે. મુનશીએ મુંજનું પાત્રઘડતર ઘડવામાં તેની વીરતાને પ્રગટ કરવા નિત્શેની અતિમાનવ (Superman)ની કલ્પના મુંજમાં પૂરી ઊતારી હોય એમ સહેજે લાગે. તૈલપની આધેડ વયની વિધવા અને સહેજ ઓછી દેખાવડી બહેન – મૃણાલવતીનો રાજસત્તા પર કાબૂ છે. એણે સમસ્ત પ્રજાને સાત્ત્વિક માર્ગે પ્રેરવા રાજ્યમાં ઉત્સવ, જલસા, નૃત્ય, નાટ્ય અને મોજશોખ પર પ્રતિબંધ મૂક્યો છે.

મુંજ મૃણાલવતીના સંપર્કમાં આવે છે. નગરમાં કેદી છતાં હસતે ચહેરે પ્રવેશેલા મુંજનું ગર્વ ભાંગવા ને ભાઈના પરાજયનો બદલો લેવા મૃણાલ એને તુરંગ જેલમાં અનેકવાર મળે છે. મુંજને અપમાનિત કરવા મૃણાલ અને તૈલપ એને લાકડાના પાંજરામાં પૂરી કોઇ હિંસક વનપશુનું પ્રદર્શન દેખાડવું હોય એમ નગરની વચ્ચે જાહેર સ્થળે મૂકે છે. અને તો ય નરપુંગવ મુંજનો ચહેરો તો એ વખતે પણ હસતો જ રહે છે. આટલું બાકી હોય તેમાં મૃણાલ એનું વિશેષ અપમાન કરવા એના હાથ પર ચોકીદાર પાસે ધગધગતા સળિયાના ડામ દેવડાવે છે અને છતાં બળતાં માંસની પીડાથી પણ જાણે પ્રસન્ન થતો હોય એમ એ કહે છે, “અરે તમારી! આટલેથી તમે રાજી થાત એમ જાણ્યું હોત તો ઊભો ઊભો હું જ હાથ બાળત.’’ મૃણાલ મૂંઝવણમાં પડી જાય છે. શો જવાબ દેવો એ પણ સૂઝતું નથી. એટલે ફાળ ભરતી એ ત્યાંથી જતી રહે છે. પાછળ મુંજ બોલે છે, “મૃણાલવતી!  આ ડામની દવા દેવા કાલે આવજો, હોં!’’ અને મૃણાલને બીજા દિવસે ખરેખાત આવવું પડે છે. એ જીતવા માગતી હતી મુંજને ને જાતે એનાથી જીતાઈ જાય છે. શરૂશરૂમાં મૃણાલની અરસિક વૈચારિક વિભાવના મુંજની રંગદર્શી વિચારધારા સામે ટકરાય છે પણ અંતે તેમાંથી જ પ્રચ્છન્ન  અનુરાગની માધુરી વરસી રહે છે.

કથામાં એક બીજી નાનકડી ઘટનાનું પણ નિરુપણ છે. આ ગૌણ ઘટના એટલે રસનિધિ ઉર્ફે ભોજ અને ભિલ્લમપુત્રી વિલાસની પ્રણયગાથા. મૃણાલની કઠોર વિચારછાયામાં ઊછરેલી વિલાસ પ્રથમ તો પ્રેમ એટલે શું એ જાણતી નથી પણ કવિ રસનિધિના પરિચયમાં આવતાં અને તેના પ્રભાવની અસર તળે તેની સાથે નાસી જવા તૈયારી સુધ્ધાં કરે છે.

આ પ્રયોજન અગાઉ રસનિધિ ઉર્ફે ભોજ તુરંગમાં પોતાના કાકા મુંજને મળે છે અને તેની સાથે નાસી છૂટવા વિનંતી કરે છે. પણ મુંજ એ રીતે નાસી છૂટવાનો ઇનકાર કરે છે. છેવટે ભોજ અને વિલાસ નાસી છૂટે છે પણ અગાઉ વિલાસ જેની સાથે વરવાની હતી એ સ્ત્યાશ્રય પીછો પકડે છે. માર્ગમાં એની અને ભોજની વચ્ચે ઝપાઝપીમાં ભોજ જીતે છે પણ એ વિલાસવતીને ગુમાવે છે. સત્યાશ્રય વિલાસવતીને લઈને જીવતો પાછો ફરે છે અને માર્ગમાં વિલાસવતીનું માથું કાપી નાખે છે. ગુસ્સે ભરાયેલો તૈલપ મુંજનું જાહેર અપમાન કરવા તેને હાથીના પગ નીચે ચગદાવી નાખે છે.

અલેક્ઝાંડર ડૂમા મુનશીના પ્રિય નવલકથાકાર હોવાથી એમની આરંભની નવલકથા મુનશીનો આદર્શ બને છે. કેટલાક વિવેચકો મુનશીના સર્જન પર એૅલેક્ઝાન્ડર ડૂમાની અને જર્મન દાર્શનિક નિત્શેએ કલ્પેલા વૃત્તિવિલાસમાં અપૂર્વ એવા ‘બ્લોન્ડ બીસ્ટ’ની અસર હોવાનું તારણ કાઢે છે. એ તારણોમાં થોડું વજૂદ પણ જણાય છે. કારણ કે, ખુદ મુનશીએ ‘જય સોમનાથ’ની પ્રસ્તાવનામાં વિવેચકોના મંતવ્યનો સ્વીકાર કરતાં આમ લખ્યું છે : “સાહિત્યસર્જનના સ્વરૂપની શોધમાં મેં ઘણા પ્રયત્નો કર્યા છે. કથાકાર શિરોમણી અલેક્ઝાન્ડર ડૂમાની છાપ કંઈક અંશે રહી ગઈ છે.

‘પૃથિવીવલ્લભ’નું વિષયવસ્તુ ગુજરાતમાં 9 મી કે 10મી સદીમાં અપભ્રંશ લખાયેલાં કાવ્યોના આધારે તેમ 15મી સદીમાં એક જૈન સાધુએ લખેલા પ્રબંધમાંથી લીધું છે. મુનશીએ એક પત્રમાં આમ લખ્યું છે : “એ સમયે એટલે કે 1914-15માં યોગ ક્ષેત્રે કલ્પેલા વૈરાગ્યપ્રધાન સુપરમેન અને જર્મન તત્ત્વજ્ઞાની નિત્શેએ કલ્પેલા વૃતિવિલાસમાં અપૂર્વ એવા ‘બ્લોન્ડ બેસ્ટ’ની ભાવનાઓ વચ્ચે હું ઝૂલતો હતો. આમ ઝૂલતાં ઝૂલતાં મુંજ અને મૃણાલનાં વ્યક્તિત્ત્વ જન્મ્યાં હતાં.” આ ઉલ્લેખ પણ મુનશીએ એ પત્રમાં કર્યો છે. પછી આગળ એ લખે છે: “પણ મારે તો મારી સર્જકતાના ધોરણે બદલાવું જ જોઈએ ને?”

એ પછી મુનશીની લેખનશૈલી આગવી મૌલિકતા તરફ વળે છે અને 'જય સોમનાથ’ પછીની એમની નવલક્થાઓમાં મુનશીની આગવી મૌલિકતા તરત ધ્યાન ખેંચનારી બની રહી છે. આને પણ મુનશીની નવલસર્જકતાનું એક ઉજ્જ્વલ પૃષ્ઠ જ  ગણવું રહ્યું.

આજથી 90 વરસ પહેલાં 1921ની સાલમાં ‘પૃથિવીવલ્લભ' પ્રગટ થઈ હતી, ત્યારે તેને વિદ્વાનોની આકરી આલોચનાઓના ભોગ થવું પડ્યું હતું. એમાં નિરૂપાયેલી નીતિભાવનાએ સમાજમાં સારી એવી ચર્ચા જગાડેલી અને જેને શમતાં ખાસો સમય લાગ્યો હતો.

એટલું જ નહીં, ગાંધીજીની કડક આલોચનામાંથી પણ તે બચી શકી નહોતી. નવલકથા વાંચ્યા પછી ગાંધીજીએ મુનશીને પત્ર લખી પોતાની નારાજગી આ શબ્દોમાં બતાવી હતી: ‘પૃથિવીવલ્લભ’ રસપૂર્વક વાંચી ગયો છું. તેમાનું એક્કે ય પાત્ર મને ગમ્યું નહીં. મુંજ જેવા થવાની ઇચ્છા પણ ન થઈ. એમ કેમ? પાત્રોને હોય એવાં તમે ચીતર્યાં છે એમ કહો તો એ બરાબર બંધ નહીં બેસે. આ પચરંગી દુનિયામાં કોઇક તો સારા હશે, દંભ વિનાના હશે. મૃણાલના તમે ચૂરા કર્યા. વિલાસ બિચારી રસનિધિ આગળ મીણ થઈ ગઈ. પુરુષો એવા ધૂર્ત ને ચાલીસ વર્ષની કદરૂપી સ્ત્રી પણ પુરુષની મોહક વાતમાં અને તેના ગળામાં પોતાના હાથ હેઠા નાખી દે. કાલિદાસે એવું ન લખ્યું, શેક્સપિયરની છાપ મારી ઉપર એવી ના પડી. તેઓ પાસેથી કાંઈક શિખ્યો. તમારી પાસેથી કેમ નહિ? તમારી જે સારામાં સારી કૃતિ ‘પૃથિવીવલ્લભ’ ગણાય છે ને?  તેમાં હું કેમ તમારું દર્શન ન કરી શક્યો? હવે થોડો વિનોદ કરી લઉં. તમારું છેલ્લું વાક્ય કાંઈક આમ છે: “મુંજનું શબ હાથીના પગ તળે છુંદાઈ રોટલો બની ગયું.” રોટલો શબ્દ તો સારો લાગ્યો, પણ શરીરનો રોટલો બની જ ના શકે એ વિચાર્યું છે? “છુંદો થઈ રહ્યું” તો ચાલે. શરીરનો મુરબ્બો થાય, ચૂર્ણ થાય, રોટલો બનવો અશક્ય છે.”

જો કે, ગાંધીજીની આ આલોચનાનો મુનશીજીએ આ શબ્દોમાં ખુલાસો કર્યો હતો: “કાલિદાસ કે શેક્સપિયર જેવું હું લખી શકું તો પછી હું ગાંગો તેલી શા માટે રહું? બીજું ‘પૃથિવીવલ્લભ’ ‘Literature of inspirationનો નમૂનો નથી; Literature of Escape’નો છે; શીખવવાનો કે પ્રેરવાનો હેતુ એમાં નથી. કલ્પનાવિલાસી લેખકના મનમાં ઉદ્દભવતાં ચિત્રોને શબ્દદેહ આપવાનો છે.  મુંજ કંઈક અંશે અવાસ્તવિક છે; તો તે જ પ્રમાણે કૈવલ્યપદ પામેલો યોગી પણ અવાસ્તવિક લાગી જાય છે. જો બન્ને રીતે દુ:ખનો આત્યાંતિક –પરમ આનંદ – મળી શકે તો એ બે પ્રયોગો સરખા થઈ રહે. - એટલે મારો મુંજ – જેમાં રાગ છે પણ ભય ને ક્રોધ નથી- એ તો સસલાંનું શૃંગ જ બની ગયો .. આ સર્જકતાને મેં સ્વધર્મ માન્યો છે. કલ્પના જ સરસ વસ્તુ સર્જે. તેને સાહિત્યમાં સ્થાન પામવાનો સંપૂર્ણ અધિકાર છે. સાહિત્યપ્રવૃત્તિમાં હું કલ્પનાવિલાસી છું. મને ધૂન થાય, વિચાર આવે કે આદર્શ આકર્ષે તે વસ્તુ અને પાત્ર બની બહાર પડે છે. અને પછી તેમને લખી નાખું છું. એટલે મેં સારાંનરસાં માણસો ને પ્રસંગો આલેખ્યાં છે. શીખવવાના કે પ્રેરવાના હેતુથી નહીં -પણ સર્જકતાની ધૂનમાં અને આત્મકથનની અણદબાતી વૃત્તિથી.’’ આટલી ચોખવટા પછી પત્રની નીચે તા.ક. ટાંકતા મુનશી લખે છે: ‘’શરીરનો દબાઈને રોટલો કેમ ના થાય - ચપ્પટ બની જાય તો? એ ભરુચી ઇડિયમ છે’’. આનંદ લેવા જેવી બાબત એ છે કે મુનશીએ કરેલા ખુલાસા પછી એ વિવાદ આગળ વધ્યો નહોતો.

ઝવેરચંદ મેઘાણીએ મુંજના પાત્ર વિશે આમ લખ્યું હતું: “મને તો મુંજ અને મૃણાલનું વર્તન મેળ વિનાનું લાગે છે . આ બધું નાટકિયું છે. આ તો કોઇ માથાભારે કાઠી જેવું છે. ગામડામાં એવો માણસ કોઇ વાર શરત કરે કે ગામની કોઇ મોટી સતી સાધ્વી છે જેને હું ના ફસાવી શકું? મુંજ આવો કોઈ માથાભારે વિલાસી કાઠી જેવો છે. મને તો આમાં કોઇ મહાન કૃતિનું લક્ષણ જણાયું નહિ.’’

પ્રસિદ્ધ સાહિત્યકારના આવા મતદર્શન પછી ‘પૃથિવીવલ્લભ’ વતી દલીલ કરવી એ કઠણ કામ. ટિપ્પ્ણી કરવી હોય તો કરી શકાય, પણ એમાં કલાકારને અન્યાય કરવા જેવું છે. આમાં કશું અવાસ્તવિક નથી, કલાદ્રષ્ટિએ વિઘાતક પણ નથી. અને સાહિત્યકાર રતિલાલ સાં. નાયક અને સોમાભાઈ વી. પટેલ ‘જીવન અને સાહિત્ય’ નામના પુસ્તકમાં ‘પૃથિવીવલ્લભ’ નવલકથા વિષયક ઉક્ત ચર્ચાના સંદર્ભમાં નોંધે પણ છે: “મેઘાણીભાઈ, ‘પૃથિવીવલ્લભ’ની સમસ્યા એ રસશાસ્ત્રીય સમસ્યા છે, એ બહુ સૂક્ષ્મ મીમાંસા માગી લે છે.’’ ‘પૃથિવીવલ્લભ’ના નીતિસંદેશની ચર્ચાસ્પદ બાજુને એક બાજુએ મૂકીએ તો કોઈ પણ તટસ્થ વિચારકને ‘પૃથિવીવલ્લભ’ ઉચ્ચ કોટિનું સર્જન જણાશે.

બીજી તરફ ‘પૃથિવીવલ્લભ’ જેટલી વખોડાઈ હતી એટલી વખણાઈ પણ હતી. ચર્ચાના મહાનળમાં તપ્યા પછી ય તેની લોકચાહના ઘટી નથી. ‘પૃથિવીવલ્લભ’ની 11 આવૃતિઓ ગુજરાતીમાં તેમ એકાધિક આવૃતિઓ હિન્દી, મરાઠી, બંગાળી, તમિળ, કન્નડ, સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ થઈ અને તેનાં ગુજરાતી અને સંસ્કૃતમાં નાટ્યાંતરો પણ થયાં, જે તખ્તાક્ષમ બની રહી ગ્રંથસ્વરૂપે પ્રગટ થયાં; એ બાબત જ ‘પૃથિવીવલ્લભ’ની લોકપ્રિયતા સિદ્ધ કરી આપે છે.

મુનશી પાસે પાત્રાલેખનની અદ્દ્ભુત કળા હતી. કથાપ્રવાહને સુસંગત સુરેખ અને સજીવ પાત્રાલેખન, ક્રમિક પાત્રવિકાસ સાથે સુશ્લિષ્ટ વસ્તુસંકલના, અને નવલકથાનાં અભિન્ન અંગો જેવા આદર્શને નજર સમીપ રાખીને પાત્રોને વિક્સાવવાની હથોટી મુનશીને હસ્તગત છે. ‘પૃથિવીવલ્લભ’નું દરેક પાત્ર કોઈ ને કોઈ આદર્શને વરેલું છે. પછી ‘પૃથિવીવલ્લભ’નો કથાનાયક મુંજ હોય કે પછી ઉંમર વળોટી ગયેલી રાજકન્યા મૃણાલ હોય, દરેક પાત્ર અહીં કોઈને કોઈ આદર્શવાદને વરેલું છે.

મુંજની પડછે મૃણાલનું પાત્ર પણ સારું ઉપસ્યું છે. એની સત્તાપકડ, એનો સંયમ અને સદાચાર માટેનો જડ આગ્રહ અને આખરે મુંજ આગળ થતું તેનું ગર્વખંડન એના વ્યક્તિત્વને એક નવું પરિમાણ આપે છે. નારીના પાત્રને આરંભમાં તેજસ્વિ બનાવવું અને પછી એ પાત્રનું ગર્વખંડન કરવું મુનશીનો એ ટેકનિક મૃણાલના પાત્રઘડતરમાં સફળ બન્યો છે. એના સદાચારી સંયમનું જીવનના ઉલ્લાસ આગળ થતું પતન મૃણાલનાં વ્યક્તિત્વની ઘેરી કરુણતા છે. મૃણાલનું પાત્રલેખન બાબતમાં મુનશી લખે છે: “મૃણાલમાં બાર વર્ષની નવોઢાનું અજાણપણું હતું, સત્તર વર્ષની રસિકાનો અસંતોષ હતો, પ્રૌઢાથી પણ વધારે મસ્તી હતી, વૃદ્ધાનું કલ્પનાહીન, અનુભવી, સ્વાર્થી મગજ હતું. બ્રહ્મચારિણીનું શરીરબળ હતું, ને ઉગ્ર તાપસીની કાર્યસાધકતા હતી.’’ ગમે તેમ પણ આ ગુણવિશેષો મૃણાલના પાત્રને જિવંત બનાવે છે.

રસનિધિ - વિલાસનું પાત્રયુગ્લ આપણા હૃદયસિંહાસનનો સહેજે કબજો લઈ લે છે. વિલાસના પિતા ભિલ્લમ તૈલંગણના સરસામંત છે. સત્તા ટકાવી રખવાના મોહમાં સરસામંત ભિલ્લમે રાજકુંવર સત્યેશ્વરનો હાથ વિલાસના હાથમાં સોંપવા રાજવી તૈલપને વચનબદ્ધ કર્યા હતો. પણ વિલાસે પોતાનું દિલ રસનિધિને સમર્પિત કરી દીધું હોવાથી તે એની સાથે નાસી જાય છે. વિલાસના જીવનનો જે કરુણ અંજામ આવ્યો તે આપણાં હૈયાં ભીંજવી જાય છે.

તૈલપના પાત્રનું પણ યોગ્ય જ લેખન થયું છે. તૈલપ પોતે મહાન વિજેતા હતો. તે ચાલુક્ય વંશનો હતો. માન્યખેટમાં તેણે પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. કલચૂરીના લક્ષ્મણરાજની પુત્રી જક્કલાદેવીને પરણ્યો હતો. તેણે ચોલા, ચેદી, પાંચાળ, અને ગુજરાત આદિ દેશો જીતી આખરે મુંજને હરાવી માળવા પર વિજયપતાકા ફરકાવી હતી. તેના પુત્રનું નામ અકલંક્ચરિત અથવા સત્યાશ્રય હતું. આટલો પરાક્રમી હોવા છતાં તે સત્તાલોલુપ, ક્રોધી, અદેખો અને નિર્દય હતો. માનવસહજ આ દૂર્બળતાભાવને મુનશીએ તૈલપના પાત્રઘડતર દ્વારા આબાદ વ્યક્ત કર્યો છે.

ગૌણ પાત્રોમાં સ્યૂન દેશનો રાજા ભિલ્લમ તૈલબ જેણે પોતાના યુદ્ધકૌશલથી મુંજને પરાજિત કર્યો હતો. ભોજ, ધનંજય, જક્કલા, લક્ષ્મીદેવી ઇત્યાદિ પાત્રોનું પણ શંખેડાઊતાર ચરિત્રચિત્રણ થયું છે આ પાત્રોને જીવંત અને તેજસ્વી વ્યક્તિઓ તરીકે સર્જીને વાચકની કલ્પના સૃષ્ટિમાં શ્રેષ્ઠ નરવીર કે વીરાંગના રૂપે ઉપસાવ્યાં છે. મુનશીની પાત્રસૃષ્ટિમાં સરળતા, પ્રભાવિતા, ઓજસ્વિતા, અને વીરતા જોવા મળે છે. આ પાત્રો સર્જકની પ્રણયભાવનાનું વિશિષ્ટપણે નિર્વહણ કરે છે. મુંજ જે પ્રણયને ખાતર હાથીના પગ નીચે હસતે મુખે ચગદાઈ જાય છે. એ પ્રણય એટલે સ્ત્રી અને પુરુષ વચ્ચેનું અદમ્ય આકર્ષણ. આવા પાત્રોનાં દ્વંદ્વના પરસ્પર સંઘર્ષને નિરૂપતી મુનશીની સર્જકતા સોળે કલાએ ખીલે છે. મુંજ, રસનિધિ અને ભિલ્લમ જેવા પુરુષપાત્રોની અસાધારણ શૂરવીરતાની જેમ સ્ત્રીપાત્રોની ખરી કસોટી પુરુષ સામે પોતાનો પ્રતાપ બેસાડવાના પ્રયાસમાં તેમને સહેવા પડતાં માનસિક મંથનોમાં જોવા મળે  છે. મુંજ અને મૃણાલ તેનું પ્રામાણ છે.

નિર્ભયતા એ આ મહાપાત્રોનો સૌથી મોટો ગુણ છે. રાજકીય, સામાજિક, કે ધાર્મિક ક્ષેત્રે ખેલાતા જીવનસંગ્રામમાં એ નિર્ભયતાનું આવિષ્કરણ વીરત્વરૂપે પ્રગટ થાય છે. તેમાં પુરુષો જેટલું સ્ત્રીઓનું પણ શૌર્ય પ્રગટે છે. લગ્નની બાબતમાં આ કથાના ંબધાં જ સ્ત્રીપાત્રો સ્વેચ્છાના આગ્રહી છે. આ પ્રતાપી નારીઓ પોતાની અંગત સ્વતંત્રતાની રક્ષા માટે પોતાનાં જીવનને હોડમાં મૂકે છે. આ બાબતમાં મૃણાલ, વિલાસ, લક્ષ્મીદેવી, જક્કલા - બધી કક્ષાની નારીઓ એક પંક્તિમાં સ્થાન પામ્યાં છે. નવલકથાના પ્રવાહને આ પાત્રો મુનશીની અન્ય નવલકથાઓમાં રાજાઓ, યુદ્ધો, સંધિ, વિગ્રહો, વિગ્રહો, રાજદરબારની ખટપટો મોખરે રહે છે તેમ ‘પૃથિવીવલ્લભ’માં પણ યુદ્ધો, વિગ્રહો, ઈત્યાદિ મેલું રાજકારણ અને કૂટનીતિ મુખર રહ્યાં છે.

ભષા, વર્ણન, સંવાદ, પાત્રાલેખન, શૈલી, અને ભાષાકીય સજ્જતાના ધોરણે મુનશીની કલમ આ નવલકથામાં સર્વાંશે વિશિષ્ટ રહી છે. ઐતિહાસિક નવલકથામાં મુનશીએ ઇતિહાસનાં મૂલ્યોનું દસ્તાવેજી આલેખન ટાળી ઇતિહાસ સાથે થોડી છૂટછાટ લઈને પુરવાર કરી આપ્યું છે કે: Historian records and Artist creates. કંઇક નવી ચીજનું સર્જન કરવું એ સર્જકનો કલાધર્મ છે. મુનશી એ સિદ્ધાંતને વરેલા તટસ્થ સર્જક હતા.

આ નવલકથાનો કથાપ્રવાહ રસળતો, ધસમસતો, સુગ્રથિત વસ્તુસંકલનાવાળો અને લાંબા સમય સુધી યાદ રહી જાય તેવા પરિસ્થિતિગત સંઘર્ષો અને સંવાદોથી ખચિત, ચિંતનભાર વિનાનો, આનંદલક્ષી હેતુવાળો રંગદર્શી પ્રકૃત્રિવાળા સર્જક મુનશીની ‘પૃથિવીવલ્લભ’ નવલકથાનું એક અખંડ શિલ્પ રચી આપે છે.

આજે 90 વર્ષ પછી પણ મુનશીની બહુચર્ચિત નવલકથા ‘પૃથિવીવલ્લભ’ વિશે આપણે ચર્ચા કરીએ છીએ એ જ આ નવલકથાની વિશિષ્ટતા દર્શાવે છે.

[વિલાયતની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની ‘વાર્તાવર્તુળ’ નામક બેઠકમાંની રજૂઆત; વર્ષ : 2017]

e.mail : [email protected]

Category :- Opinion / Literature