એંશી વર્ષનાં વહાણાં વાયાં : શું આપણે જરીકે બદલાયા ?

અાશા બૂચ
26-04-2013

“શાશ્વત ગાંધી”માં આવતાં સાહિત્ય વાંચનારને, એ માસિકના સૂત્ર ‘ગાંધી વિચાર અતીત, સાંપ્રત અને અનાગત સંદર્ભે સર્વથા પ્રસ્તુત છે’, એવી પ્રતીતિ થયા વિના ન રહે એવો મને વિશ્વાસ છે. તેના એક અંકમાં, ‘ગાંધી વાણી’ શીર્ષક હેઠળ, ગાંધીજીના દાંડીયાત્રાના પ્રવચન પરથી સંકલિત લખાણ વાંચ્યા પછી, એક સવાલ મનમાં ઉઠ્યા જ કરે છે – ૧૯૩૦થી ૨૦૧૦, એંશી વર્ષનાં વહાણાં વાયાં, શું આપણે જરા પણ બદલાયા ? એ લેખમાંની ગાંધી વાણીનું અવતરણ ટાંકીને તેમાંના એક એક મુદ્દાની છણાવટ પ્રસ્તુત કરું છું.

‘જે રાજ્યમાં ગેરઈન્સાફ થાય, જેની અંદર મીઠા જેવી આવશ્યક વસ્તુ ઉપર ગરીબ અને તવંગર પાસેથી સરખો કર લેવામાં આવે ...’ વિદેશી સરકાર દ્વારા ગેરઇન્સાફ થતો, તેનું કારણ ભારતવાસીઓ ગુલામ હતા, શાસકો માટે પરાયા હતા એ હતું. આજે સ્વનું રાજ્ય છે, તો સરકાર પોતાની પ્રજાના હિતમાં રાજ્ય કરે એવી અપેક્ષા રહે. દુ:ખની વાત એ છે કે સામાજિક, આર્થિક, રાજકીય અને કાયદાકીય ગેરઇન્સાફીનું સ્વરૂપ અને તે ઠોકી બેસાડનારા બદલાયા છે, એ અદ્રશ્ય નથી થઈ. શાસકોને ઘી-કેળા અને બહુસંખ્યક જનતાને ભાગે ફાકા, એ પરિસ્થિતિ નથી બદલાઈ. આવશ્યક વસ્તુઓના ભાવ અને તેની ઉપરના કર દિન બદિન વધતા જ જાય છે પરંતુ એને માટે મીઠાના સત્યાગ્રહ જેવું જલદ પગલું કોણ ઉઠાવે છે ?

‘જેમાં લશ્કર માટે લખલૂટ ધન ખર્ચાઈ જતું હોય ....’ આજે લશ્કર પાછળ ભારત સરકાર રૂ. ૧.૯૩ ટ્રીલિયન ખર્ચે છે, શિક્ષણ પાછળ ૫૨૦ બિલિયન અમેરિકન ડોલર અને સ્વાસ્થ્ય પાછળ ૨૬૭ બિલિયન અમેરિકન ડોલર ખર્ચે છે. આ હકીકત પૂરવાર કરે છે કે સરકારને પોતાની પ્રજાના શરીર અને બુદ્ધિ સશક્ત કરવાને બદલે, દેશની સરહદોની રક્ષા કરવાનું વધુ મહત્ત્વનું છે. ભારતે કદી બીજા દેશ પર આક્રમણ કે શાસન નથી કર્યું, એ તેનો ગુણ છે. તેથી આપણને આક્રમણ કરવા માટે શસ્ત્રોની જરૂર ન રહે. રહી વાત દેશની સીમાઓના સંરક્ષણની. પડોશી દેશો સાથે દુશ્મનાવટ ન થાય, તેવા સંબંધો વિકસાવીને અસ્ત્રો-શસ્ત્રો પાછળ આ લખલૂટ ધન ખર્ચાતું જરૂર અટકાવી શકાય.

‘વાઇસરોયનો પગાર રૂ. ૨૧,૦૦૦થી વધુ છે. હિન્દુસ્તાનની સરેરાશ આવક કરતાં પાંચ હજાર ગણો ભાગ તે લે છે ......’ - આજે આપણા રાષ્ટ્રપતિ મહોદયનો પગાર રૂ. ૧.૫ લાખ છે. તેની સામે હિન્દુસ્તાની નાગરિકની સરેરાશ આવક માસિક ગ્રામીણ રૂ. ૬૭૩ અને શહેરી રૂ. ૮૬૦. (તેંદુલકર પદ્ધતિ પ્રમાણે કરેલ ગણતરી) છે. એટલે કે ૧૯૩૦માં પાંચ હજાર ગણો તફાવત સામાન્ય પ્રજાજન અને રાષ્ટ્રના વડાની આવક વચ્ચે હતો, તે આજે ગ્રામ્ય વિસ્તારના લોકોની આવકથી ૧૫૦ ગણો છે, તો શહેરી વિસ્તારના લોકોની આવકથી ૧૧૬ ગણો વધારે છે ! રાષ્ટ્રપતિ ઉપરાંત અસંખ્ય સરકારી હોદ્દેદારો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને અમલદારો કરોડોના ધણી બની બેઠા છે. વધતી જતી અસમાનતાને કેમ વ્યાજબી ઠરાવી શકાય ?

‘સ્વતંત્રતાના જમાનામાં સરકારી નોકરો વધારે નહીં હોય .....’ ગાંધીજીની આ શ્રદ્ધા વિફળ નીવડી. આપણે તો એ સંખ્યામાં અનેક ગણો વધારો કરીને લોકશાહીને બદલે તુમારશાહી ઊભી કરી. સરકાર=જનતાની સેવા કરનારું વહીવટી તંત્ર એવું સમીકરણ છોડીને સરકાર=સત્તાનો થાય એટલો દુરુપયોગ કરીને પોતાનો આર્થિક લાભ શોધતી નોકરિયાતોની સેના, એવું વરવું સમીકરણ લાવ્યા. લાનત છે આવા સ્વાર્થી શાસનને.

‘અફીણ અને શરાબમાં ૨૫ કરોડ ખર્ચાતા હોય, એવા રાજ્ય સામે રાજદ્રોહ કરવો એ મારી ફરજ છે .......’ ૨૧મી સદીમાં ભારતની સરકારને આ બંને નશીલા પદાર્થોના વેચાણથી કેટલી આવક થાય છે, એના આંકડા માંડવા જેવા નથી. જે ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા સતત વધુને વધુ ધન કમાઈને ધનિકો, શાસનકર્તાઓની માફક ખર્ચાળ જીવન પદ્ધતિ અપનાવવી અને શરાબ પીને કહેવાતા ‘ઉચ્ચ સમાજ’માં ભળી શકે, એની જ ઝંખના કરતી હોય તે પ્રજા આવા રાજ્યનો રાજદ્રોહ કેવી રીતે કરી શકે ? 

રહી વાત રાજ્યના ખોટા કાયદાઓનો વિરોધ કરવાની. થોડા સમય પહેલાં પ્રકાશ ન. શાહે હેન્રી થોરો ડેવિડ વિષે વક્તવ્ય આપ્યું, એના અનુસંધાને થોરોના વ્યાખ્યાનના અંશો “નિરીક્ષક”માં આપ્યા, એનો સાભાર ઉલ્લેખ કરું. જગતભરમાં શાસન કરનાર બ્રિટિશ સરકારના પાયા હચમચાવનાર શસ્ત્ર તરીકે ગાંધી પ્રેરિત સત્યાગ્રહ અને અસહકાર આંદોલનને સફળ થતું જોઇને દુનિયા દંગ થઇ ગયેલી. પરંતુ ગાંધીજીને સવિનય કાનૂન ભંગની પ્રેરણા થોરોના એ વ્યાખ્યાનમાંથી મળેલી. થોરોને અહેસાસ થયો કે લશ્કર અને રાજ્યસત્તા અવિભાજ્ય છે અને એ બંનેને રૈયતે જ ચૂંટીને સત્તા સ્થાને બેસાડી છે. લોકશાહી એટલે ઘણા માણસોને માટે ચાલતી રાજ્ય પદ્ધતિ નહીં, પણ સાચી વાતનો અમલ કરતી વહીવટી પદ્ધતિ એવી વ્યાખ્યા એને ગમી. કાયદાને માન આપવાને બદલે ખરાને માન આપવાની વાત કરનાર કદાચ એ પહેલો હતો. રાજ્ય એની પ્રજા પર જુલમ કરે તો તેની સામે થવાનો માણસ જાતને હક છે, એમ માનનાર થોરોએ જંગખોરી અને ગુલામીના વેપારમાં રચનાર રાજ્યને વેરો ભરવાની ના પાડી અને સવિનય કાનૂન ભંગ સબબ જેલવાસ વહોર્યો. આજે હજુ અમેરિકા અને અન્ય સાથી દેશો જંગખોરી અને વેપારના નામે અપ્રત્યક્ષ ગુલામી અને શોષણ કર્યે જ રાખે છે, છતાં કેટલા નાગરિકો ના કરની લડત ઉપાડી શકે ? થોરોના અનુગામી ગાંધીજીએ અસંખ્ય કાયદાઓનો ભંગ કરી, અનેક વખત કારાગાર વેઠ્યો અને હજારોની સંખ્યામાં પ્રજા એમની સાથે જોડાઈ. વાત એમ છે કે વિદેશી સરકારો જુલમ કરે તો વિરોધ કરાય, પણ સ્વદેશી સરકાર જુલ્મી અમલ કરે, તો પૂંછડી દબાવીને, માથું નીચું રાખી, તેનો અમલ કરવો એ મર્દાનગી છે ?

‘૧૯૨૧થી હું બે શબ્દો કહેતો આવ્યો છું : પાકીઝગી અને કુરબાની : આત્મશુદ્ધિ અને બલિદાન. એ વગર સત્યાગ્રહનો જય થાય નહીં‘ -  આજે વિરોધ પક્ષો અને કેટલાક કહેવાતા કર્મશીલો સરકારના અન્યાયો સામે વિરોધ, ધારણાઓ અને ઉપવાસો કરે છે. સમગ્ર જનતાને તેઓ સાથે નથી લઈ શકતા. એમની ચળવળ ઇચ્છિત પરિણામ નથી લાવી શકતી. આઝાદીના ૬૫ વર્ષ પછી પણ પરિસ્થિતિમાં સુધારો થવાને બદલે વણસતી જાય છે, એનું કારણ એ છે કે નેતાઓ અને પ્રજામાં આત્મશુદ્ધિ અને બલિદાનની ભાવનાનો છાંટો ય નથી રહ્યો.

‘આપણામાં ભેદભાવ ન હોવો જોઈએ. હિંદુ, મુસલમાન, અંત્યજ અને ખ્રિસ્તી આપણે બધા ય એક ઝાડનાં પાંદડાં જેવા છીએ.’ અરે, સાડાછ દાયકા સુધી ધર્મ, કોમ, જાતિ અને જ્ઞાતિને આધારે ધિક્કારની એવી તો ઊંડી ઘોર ખોદી છે કે તેમાં અમન, ચમન, શાંતિ, કોમી એખલાસ બધું જ દટાઈ જાય તેમ છે. 

આમ એંશી વરસમાં આપણે તટસ્થ ન્યાયતંત્ર ઊભું કરવું, ન્યાયી કરવેરા લાવવા અને જીવન જરૂરિયાતની કીમત પર કાબૂ મૂકવો, સંરક્ષણને બદલે શિક્ષણ અને સ્વાસ્થ્ય પર વધુ ખર્ચ કરવો, ઉત્પાદન અને આવકનું સમાન વિતરણ કરવું અને કોમી એખલાસ વધારવા પગલાં લેવાં જેવા પુણ્યના કામ કરવાના હતા તે નથી કર્યાં. લાગે છે કે ગાંધીજીનું એ વ્યાખ્યાન ફરી દરેક જવાબદાર નાગરિક, કર્મચારીગણ અને શાસનકર્તાઓ વાંચીને તાત્કાલિક અમલના ઉપાય કરશે તો જ સાચી દિશામાં પ્રગતિ થશે.

e.mail : [email protected]

Category :- Gandhiana