ચાંદલિયાને કહેજો રે …

મનીષ પટેલ
29-08-2018

ચાંદલિયાને કહેજો કે આજ ધીરે પ્રગટે
           ઉતાવળ શાને કાજે રે !
સમી સાંજે સંધ્યાની રંગોળી બાકી
આજ મારે આંગણે.
          ચાંદલિયા કહેજો કે આજ ધીરે પ્રગટે.

પટલાણીની ભેંસની શેડ બાકી છે આંગણે,
ખોળામાં લીધું છે બાળ સ્તનપાન બાકી.
        ચાંદલિયાને કહેજો કે આજ ધીરે પ્રગટે.

ગોધૂલિ શમી નથી હજુ પાદરે,
ગોવાળના ધણ આવવાના બાકી.
         ચાંદલિયાને કહેજો કે આજ ધીરે પ્રગટે.

ખેડૂતના ડચકારા સંભળાય છે ચોરે ને ચૌટે,
બળદની ઘૂઘરમાળ છોડવાની બાકી.
         ચાંદલિયાને કહેજો કે આજ ધીરે પ્રગટે.

તળાવની પાળે મહાદેવના મંદિરમાં
સંધ્યા આરતી બાકી.
         ચાંદલિયાને કહેજો કે આજ ધીરે પ્રગટે.

શમી ગઈ સંધ્યા ને પોઢઈ ગયાં બાળ,
પોઢી ગયાં જન જનાવર ને જંપી ગયો વનવગડો.
         ચાંદલિયાને કહેજો કે આજ ધીરે પ્રગટે.

આથમતા સૂરજને પી ગયો અંધકાર,
ખેતરોએ ઓઢી પિછોડી ધવલ ચાંદની.
        ચાંદલિયાને કહેજો કે આજ ઝૂમે મારે આંગણિયે …
                                               ઝૂમે મારે આંગણિયે …

e.mail : [email protected]

Category :- Poetry