છેલ્લા દાયકામાં માત્ર ક્રોની કૅપિટાલિઝમનો ઉદય

ઇન્દિરા હિરવે
02-08-2018

ગુજરાત મૉડલ(આ શબ્દસમૂહ આજકાલ ગુજરાતના ૨૦૦૨-’૧૨ દરમિયાનના વિકાસ માટે વપરાય છે)ની થતી ખરી-ખોટી ચર્ચાઓની તટસ્થતાથી સમીક્ષાની જરૂર લાગતાં કેટલાક અર્થશાસ્ત્રીઓએ અને સમાજશાસ્ત્રીઓએ ગયે વર્ષે બે દિવસના સેમિનારનું આયોજન કર્યું, જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતા તજ્‌જ્ઞોએ, જેમણે ગુજરાતની અર્થવ્યવસ્થા પર ઘણું કામ કર્યું છે, તેમણે, ગુજરાતના અર્થતંત્રનાં જુદાં-જુદાં પાસાંઓ પરનાં સંશોધન-પેપરો રજૂ કર્યાં. આ પેપરો ઉપર અન્ય તજ્‌જ્ઞોએ સૂચનો આપ્યાં અને તે પેપરોમાં જરૂરી સુધારા-વધારા થયા. આ બધાં સંશોધનો હવે ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા એક પુસ્તકમાં પ્રકાશિત થઈ રહ્યાં છે.

આ સંશોધનોનાં તારણો આજે ઘણાં પ્રસ્તુત હોવાથી આ લેખમાં તે રજૂ કરાયાં છે. આ પુસ્તકનું એક મહત્ત્વનું તારણ એ છે કે ગુજરાત ’૭૦ના દાયકાથી ભારતનું વિકસિત રાજ્ય રહ્યું છે. પરંતુ ૨૦૦૨-૨૦૧૨ દરમિયાન આવકની વૃદ્ધિની દૃષ્ટિએ તેણે કૂદકો માર્યો છે, જેને લીધે રાજ્યનો આવકવૃદ્ધિનો વાર્ષિક દર છેલ્લા દાયકામાં ૯-૧૦ ટકા વચ્ચે રહેલો છે, ખેતીના વિકાસનો દર ૩-૫ ટકા રહ્યો છે, જે સરકારના દાવા કરતાં ઓછો છે, પરંતુ ચોક્કસ સારો ગણી શકાય. જો કે આ દરોમાં છેલ્લાં ૨-૩ વર્ષથી નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. એ સ્પષ્ટ છે કે ગુજરાત સરકારે ઉદારીકરણની નીતિઓનો ઉપયોગ કરીને, ખાસ તો ૨૦૦૨ પછી આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ કરી છે.

૨૦૦૨-૨૦૧૨ દરમિયાન ગુજરાતના અતિ ઝડપી વિકાસનું પહેલું કારણ રાજ્ય સરકારનો મૂડીરોકાણ આકર્ષવા માટેનો વહીવટ (GOVERNANCE), જે ઘણો કાર્યક્ષમ અને આક્રમક રહ્યો છે અને તેને લીધે રાજ્યમાં મૂડીરોકાણ માટે એક જ બારીમાંથી ટૂંકા ગાળામાં બધી પરવાનગીઓ મળી જાય છે. બીજું કારણ માળખાકીય સુવિધાઓ-રસ્તા, વીજળી (ઊર્જા), ઍરપોર્ટ, બૅંકો, નાણાકીય સંસ્થાઓ, બજારો વગેરે. ગુજરાત સરકારે આ માટે પણ આક્રમક નીતિ અપનાવી છે. પરંતુ આ બંને કરતાં સૌથી મહત્ત્વનું કારણ ગુજરાત સરકારે કૉર્પોરેટ જગતને આપેલી સબસિડીઓ, પ્રોત્સાહનો અને છૂટાછાટો છે. ઉપરાંત ઉદ્યોગોને જમીન, પાણી, દરિયાકિનારો વગેરે સંસાધનો માટે પણ અનેક સવલતો અને સબસિડીઓ અપાય છે. છેલ્લાં ૧૫ વર્ષની અને ખાસ તો છેલ્લાં ૧૦ વર્ષની ઔદ્યોગિક નીતિઓને તપાસીએ, તો જણાય છે કે ગુજરાતમાં ઉદ્યોગનું એકમ જેમ મોટું, તેમ સબસિડીના દર ઊંચા રખાયા છે. બીજા શબ્દોમાં કહીએ તો છેલ્લા દાયકામાં ગુજરાતમાં ક્રોની કૅપિટાલિઝમનો ઉદય થયો છે, જેમાં મુક્ત બજારમાં પરિબળો નહીં પરંતુ મૂડીવાદીઓને અપાતી સવલતો મૂડીનો (અને ઉત્પાદનનાં સાધનોનો) ઉપયોગ નક્કી કરે છે.

ક્રોની કૅપિટાલિઝમની અર્થતંત્ર પર દૂરગામી અસરો થઈ છે : પહેલું તો મૂડી બીજાં સાધનોના પ્રમાણમાં સસ્તી થઈ છે, જેથી મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિઓને ઉત્તેજન મળ્યું છે અને શ્રમ ઘણો હોવા છતાં શ્રમનો ઉપયોગ ઓછો રહ્યો છે, આથી રાજ્યમાં ઉત્પાદનનાં સાધનોનો મહત્તમ રીતે ઉપયોગ થતો નથી. બીજું, આ નવા વાતાવરણમાં નાના ઉદ્યોગને વિકાસની સમાન તકો નથી. કુલ સબસિડી/ પ્રોત્સાહનોના ફક્ત ૫ ટકા આવા ઉદ્યોગોને મળે છે. ત્રીજું, ક્રોની કૅપિટાલિઝમને લીધે સરકાર-મૂડીવાદીઓની દોસ્તી થઈ છે, જે ગુજરાતની રાજકીય નીતિઓ પર પણ અસર કરે છે. મહત્ત્વના નિર્ણયોમાં સરકાર મૂડીવાદીઓના હિત તરફ વધારે ધ્યાન આપે છે. અને ચોથું, ક્રોની કૅપિટાલિઝમને લીધે સરકાર પાસે લોકોનાં આરોગ્ય, શિક્ષણ, સવલતો અને સગવડો અને સામાજિક, ક્ષેત્રો માટે પૈસા બચતા નથી. ભારતનાં મુખ્ય ૨૦ રાજ્યોમાં આજે ગુજરાતનો ક્રમ પ્રતિ વ્યક્તિ સામાજિક ખર્ચમાં સૌથી નીચો છે.

આ પુસ્તકના બધા તજ્‌જ્ઞોએ નોંધ્યું છે કે ગુજરાતમાં આર્થિક વૃદ્ધિ અને લોકોના વિકાસ વચ્ચેનો સંબંધ ઉત્તરોત્તર નબળો થતો ગયો છે, એટલે કે રાજ્યની આવક વધે છે, પણ તંદુરસ્ત રોજગારી (જેમાં યોગ્ય વેતન, સામાજિક સુરક્ષા, કામ કરવાનું અને રહેવાનું ધોરણ વગેરે સુયોગ્ય હોય), શિક્ષણનું સ્તર, આરોગ્ય અને પોષણ ખાસ તો સ્ત્રી-બાળકોનું પોષણ વગેરેમાં રાજ્ય અન્ય રાજ્યોની તુલનામાં પાછું પડતું દેખાય છે. માનવવિકાસના આંકમાં ગુજરાતમાં છેલ્લા દાયકામાં થયેલો વધારો દેશનાં મુખ્ય રાજ્યોમાં સૌથી ઓછો (હા, સૌથી ઓછો) છે. સામાન્ય રીતે જ પ્રશ્ન થાય છે કે સરકારમાં રહેનારાઓ આ વિષે શું વિચારે છે ? એનો જવાબ એ છે કે આજે ઉદારીકરણના વાતાવરણમાં એવી માન્યતા પ્રવર્તે છે કે રાજ્યનો આવકવૃદ્ધિનો દર  ઊંચો તે સફળ રાજ્ય છે.

જો કે બધાં રાજ્યો આમ માનતાં નથી. ગુજરાત સરકારની મહેચ્છા, સરકારના જ શબ્દોમાં કહીએ તો (૧) ગુજરાતને વિશ્વમાં સૌથી વધુ ઝડપી વિકસતું રાજ્ય બનાવવું, (૨) ગુજરાતને કૉર્પોરેટ ક્ષેત્રની મૂડી માટે સૌથી વધુ આકર્ષક રાજ્ય બનાવવું અને (૩) ગુજરાતમાં દુનિયાની સૌથી અદ્યતન ટૅક્‌નોલૉજી લાવવી એ છે. આ બધાંમાં રોજગારી, પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણ, સમાનતા વગેરે લક્ષ્યોની અવગણના થઈ છે. ખેતીનો વિકાસ થયો છે, પણ નાના ખેડૂતો તેમાંથી મોટે ભાગે બહાર છે અને આ વિકાસ ટકાઉ નથી, કારણ કે તે મુખ્યત્વે ભૂગર્ભજળને ખેંચીને જ થયો છે! ખેતમજૂરોનાં વેતન પણ ભારતનાં મુખ્ય ૨૦ રાજ્યોની તુલનામાં ઘણાં નીચાં છે, પરંતુ શહેરની સુંદરતા પર જ વધુ ધ્યાન અપાયું છે. લોકોની તેમ જ ગરીબોની પ્રાથમિક જરૂરિયાતોની મોટે ભાગે અવગણના થઈ છે. રોજગારીના ક્ષેત્રમાં પણ લગભગ ૯૪-૯૫ ટકા શ્રમ અસંગઠિત ક્ષેત્રમાં છે, જ્યાં ઓછું વેતન મળે છે. ટૂંકમાં, આ બધા તજ્‌જ્ઞોનું માનવું છે કે આ મૉડેલથી ગુજરાતને ખાસ ફાયદો થયો નથી. આ મૉડલ પર્યાવરણ, રાજકીય અને આર્થિક રીતે ટકાઉ અને તંદુરસ્ત નથી. આ મૉડલની બાબતમાં પુનર્વિચારણા કરવાની તાતી જરૂર છે.

[દિવ્ય ભાસ્કર - ૨૦૧૪માંથી]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2018; પૃ. 04

Category :- Samantar Gujarat / Samantar