Love-till it hurts :

રાજ ગોસ્વામી
13-06-2018

દર્દ કા હદ સે ગુજર જાના હે દવા હો જાના

અરુણ, અનિતા અને આદિત્યના દર્દની દાસ્તાન…

ડહાપણ (વિઝ્ડમ) એટલે શું? ડહાપણ એટલે નિજી જીવન અને અનુભવોને માનવ જાતિના અનંત સવાલોના જવાબમાં તબ્દીલ કરવાં તે. એક બાળક છે. એને જીવલેણ બીમારી છે, અને એ ભયાનક કષ્ટમાં છે. કેમ? કારણ કે ઈશ્વર પાસે પીડાને રોકવાનો પાવર નથી એટલે? કે પછી પાવર છે, પણ એને ખબર નથી? કદાચ એને પાવરની ખબર છે, પણ એને એ પીડાની દરકાર નથી, એવું તો નથી ને? કે પછી બાળકે ગયા ભવમાં પાપ કર્યા હતા, એટલે એ સજા ભોગવે છે?

આ અસ્તિત્વવાદી સવાલો અનંત અને યુનિવર્સલ છે. આપણા અથવા આપણા કોઈક ઓળખીતાના પરિવારમાં આવા સવાલ થયા હશે. આમ તો એના કોઈ જવાબ નથી, આપણે આપણી રીતે એનાં સમાધાન શોધ્યાં હશે. જીવનમાં અનિવાર્ય પીડા હોય તો એની સાથે જીવતાં શીખી લેવું પડે છે. કોઈ માણસ આજીવન, અંદરોઅંદર, એકલા હાથે, કષ્ટ સહન કરીને, એની ગહેરાઈ અને પહોળાઈમાં જઈને કોઈક સમાધાન શોધી લાવે, અને એ કોઈક બીજી વ્યક્તિના આવા જ સવાલોને કૈંક અંશે સહ્ય બનાવે તો એ ડહાપણ કહેવાય.

મુંબઈના પત્રકાર-મિત્ર દીપક દોશીએ હમણાં એક વિડીઓ વોટ્સએપમાં મોકલ્યો. મોટાભાગનાં વોટ્સએપ ફોરવર્ડ આમ તો નકામાં કે ફર્જી હોય છે, અને એ ઓપન થયા પહેલાં જ ડિલીટ થઇ જાય છે. આ એક અપવાદ હતો, એટલે એ ઓપન કર્યું. એમાં અરુણ શૌરીનો ઇન્ટરવ્યુ હતો. શૌરી એટલે એક વખતે વર્લ્ડ બેંકના અર્થશાસ્ત્રી, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા-ઇન્ડિયન એક્ષ્પ્રેસના સંપાદક અને વાજપેઈ સરકારમાં માહિતી-પ્રસારણ મંત્રી. ઇન્ટરવ્યુમાં જન્મથી જ સેરેબ્રલ પાલ્સીથી (મગજના લકવાથી) પીડાતા શૌરીના દીકરાની વાતો છે. ઉપર જે સવાલો પૂછ્યા તે આ વિડીઓ જોયા પછી આવ્યા. એમાં શૌરી મધર ટેરેસાનું એક વિધાન ટાંકે છે, જેણે ધ્યાન ખેંચ્યું - લવ, ટીલ ઈટ હર્ટસ ( love, till it hurts).

એટલે શું?

આ ખૂબસુરત વિધાન છે, જે નિજી પીડાને આધ્યામિક સ્તરે લઇ જાય છે. મધરના આ વિધાનને સમજવા માટે મારે શૌરીના દીકરાની બીમારી અને એની સાથે શૌરીની નિજી જીદ્દોજહદને સમજવી પડી. ઘણું બધું વાંચ્યું. ૩૪ વર્ષનો એમનો દીકરો, આદિત્ય, જન્મથી જ પગ પર ઊભો નથી રહી શકતો, જમણો હાથ ઉપયોગમાં લઇ નથી શકતો, એની દ્રષ્ટિ બેઢંગ છે, એ અટકી-અટકીને બોલે છે, અને એનું મગજ નાના બાળક જેવું છે. શૌરી અને એમની પત્ની અનીતાએ ૩૪ વર્ષ આદિત્યની સેવા પાછળ ગાળ્યાં છે. જિંદગી એટલી સરળ નથી કે ઉદાર પણ નથી - અનિતા ખુદ પાર્કિન્સનની બીમારીથી પીડાય છે. શૌરી બંનેની સેવા કરે છે. સર્વન્ટ ઇન ચીફ, એવો શબ્દ શૌરી વાપરે છે.

શૌરીએ આ દર્દની દાસ્તાનનું પુસ્તક લખ્યું છે. મથાળું છે, Does He Know A Mother's Heart? (એને માંનું દિલ ખબર છે?). આ મથાળું વિચારક જે. કૃષ્ણમૂર્તિ સાથેના એક પ્રસંગ પરથી આવ્યું હતું. શૌરી ઇન્ડિયન એક્ષ્પ્રેસમાં રિપોર્ટર હતા હતા, અને એક્ષ્પ્રેસના માલિક રામનાથ ગોયંકાએ દિલ્હીમાં કૃષ્ણાજીનો ઈન્ટરવ્યુ કરવાનું કામ સોંપ્યું હતું. વાત વાતમાં ત્યારે કૃષ્ણમૂર્તિએ સાથે દીકરાને લઈને આવવા કહ્યું. ફરી મળવાનું થયું ત્યારે કૃષ્ણાજી શૌરીની પત્ની વિષે પણ પૂછ્યું. શૌરીએ પત્નીની ગેરહાજરીનું બહાનું કાઢ્યું. પત્ની અનિતાને ગુરુને કે કોઈને મળવામાં રસ ન હતો કારણ કે, "એની આશાઓ વારંવાર બંધાઈને તૂટી પડી હતી."

પણ એક દિવસ, કૃષ્ણમૂર્તિએ એમને બનારસના કેમ્પસમાં બોલાવ્યાં. શૌરીએ પત્નીને પણ સાથે આવવા આજીજી કરી. બંને બનારસ ગયાં. કૃષ્ણાજીએ અનિતાને સોફામાં બાજુમાં બેસાડી, હાથ પકડીને વાતો શરુ કરી. અચાનક, એમણે પૂછ્યું કે, એને એના બાળક માટે કેવું લાગે છે? અનિતાએ કહ્યું કે, એ બહુ આનંદી દીકરો છે. કૃષ્ણાજીએ સવાલ દોહરાવીને કહ્યું કે, એ દીકરો કેવો છે એ નથી પૂછતા.

અનિતાએ કહ્યું, "એ અમારી જિંદગી છે." આ વખતે કૃષ્ણાજીએ જરા જોરથી સવાલ દોહરાવ્યો, અને અનિતા રડી પડી, જાણે મિસાઈલે ડેમ તોડ્યો હોય. પતિ અરુણ શૌરીએ, દીકરો આદિત્ય જન્મ્યો ત્યારથી, અનિતાના આંસુ જોયાં ન હતાં. કૃષ્ણમૂર્તિ શૌરી તરફ ફર્યા અને બોલ્યા, “See, I told you, you don't know a mother's heart” (જોયું, મેં તને કહ્યું હતું ને, તને માંના દિલની ખબર નથી." શૌરી લખે છે, "અને હું એમ માનતો હતો કે - મારામાં મારી માતાનું દિલ છે."

Does He Know A Mother's Heart? પુસ્તક આ ગહેરા, ચિરસ્થાઈ પ્રેમ વિષે છે — જે કઠે પણ છે, અને જીવવા માટે સક્ષમ પણ બનાવે છે. શૌરી, જેને દુનિયા પત્રકાર અને રાજકારણી (અને હવે તો મોદી વિરોધી) તરીકે ઓળખે છે, તે આ પુસ્તકમાં એમના ઘરમાં પીડા, કાળજી અને સ્નેહનું જે અંગત જીવન છે, તેને સાર્વજનિક કરે છે. આ પુસ્તક પ્રેમનું છે, એ પીડાથી શરૂ થઇ પીડામાં અંત પામે છે. અહીં પીડા એટલે કષ્ટ (સફરિંગ), જે અધ્યામિક છે, દર્દ નહીં (જે શારીરિક છે), જેનો ઉપચાર હોય.

૭૦ વર્ષના શૌરી એક સવાલ પૂછે છે, "ઉંમરની સાથે હું કમજોર પડીશ પછી, આદિત્યને કોણ પથારીમાંથી ઊંચકશે? અમે જઈશું પછી કોણ એનું ધ્યાન રાખશે?" આનો જવાબ નથી. શૌરી આ અંગત દર્દમાંથી ઉભરતા 'કેમ?' અને 'કેમ મારી સાથે?' જેવા સંકુચિત સવાલોથી આગળ જઈને, પીડાને ધાર્મિક અથવા યુનિવર્સલ ફિલોસોફીમાં કન્વર્ટ કરે છે, અને કહે છે કે, પીડાને એટલો પ્રેમ કરો કે એ પીડા જ ના રહે.

Love till it hurts. શૌરીએ એ કર્યું છે.

જે લોકો સ્પર્ધાત્મક સ્પોર્ટ્સમાં હશે એને ખબર હશે કે, તમે જેમ જેમ તકલીફ ઉપાડતા જાવ તેમ તેમ તમારું પરફોર્મન્સ બહેતર બનતું જાય. સૈન્યની ટ્રેનીંગમાં ફિઝીકલ પીડા એટલી હોય છે કે માણસ તૂટી જાય. એ તકલીફ તમે સહન કરે રાખો તો, એક થ્રેસહોલ્ડ આવે જ્યાં તકલીફ પરફોર્મન્સમાં તબદીલ થઇ જાય છે. તમે જો ફરહાન અખ્તરની 'ભાગ મિલ્ખા ભાગ' ફિલ્મ જોઈ હોય તો, એમાં પીડાના અંતિમ થ્રેસહોલ્ડ સુધી મિલ્ખા દોડે છે. એની પેલે પાર એ પીડા સમાપ્ત થઇ જાય છે. પ્રેમમાં પણ આવું જ છે, એ અહીં આ બધું વાંચતી વખતે સમજાયું.

જેને આપણે પ્રેમ કહીએ છીએ, તે પરીકથા નથી, સુખ નથી, વૈભવ નથી. પ્રેમ એ યાતના છે, ધીરજ છે, સહનશીલતા છે. પ્રેમ એ પીડા છે, કારણ કે તકલીફોમાં જ પ્રેમ પુરવાર થાય છે. પ્રેમ એ પોતાની જાતને બીજી વ્યક્તિની સામે ધરી દેવાની ક્ષમતા છે. પ્રેમ એ સ્વ-હિતનું બલિદાન છે. પ્રેમ એ સ્ટેટમેન્ટ છે - હું તારા માટે છું, તારી સાથે છું, નો મેટર વોટ.

પ્રેમ એ નિજી પીડાની પાર જવાની તાકાત છે. મધર ટેરેસા રોજ સવારથી સાંજ સુધી પૂરી જિંદગી દુનિયાના સૌથી કંગાળ, કમજોર, રોગીષ્ઠ અને ઉજ્જડ લોકોની વચ્ચે સેવા કરતી હતી. મધર પીડા પકડીને ખાટલામાં બેસી નો'તી જતી. એ વધુને વધુ સેવા કરતી હતી. મધર મિલ્ખા સિંઘની જેમ પીડાના થ્રેસહોલ્ડની પાર જતી રહી હતી, જ્યાં પીડા જ પ્રેમ બની ગઈ હતી. એટલે જ એણે કહ્યું હતું, "I have found the perfect paradox, that if you love until it hurts, there can be no more hurt, only more love." ( મને એક આદર્શ વિરોધાભાસ સમજમાં આવ્યો છે - તમે તકલીફની સીમા સુધી જઈને પ્રેમ કરો તો એની પીડા ના થાય, વધુ પ્રેમ થાય.)

ગાલિબે પણ આવું નો'તું કહ્યું?

ઈશરતે કતરા હે દરિયા મેં ફના હો જાના,
દર્દ કા હદ સે ગુજર જાના હે દવા હો જાના

(ઈશરતે કતરા = ટીપાંની ખુશી)

આ કેવી રીતે શક્ય છે? ઇન્ટરવ્યુમાં અરુણ શૌરી સુંદર જવાબ પૂરો પડે છે, "મેં આખી જિંદગી પત્ની અને પુત્રની સેવા કરી છે. મેં આફતને આરાધનામાં તબદીલ કરી નાખી" (I have converted suffering into service).

આ ઈન્ટરવ્યુ સાંભળીને અને શૌરીની કહાની વાંચ્યા પછી સમજનું (અને અહેસાસનું) એક ઔર પડ ખૂલે છે: તમે તમારી પીડાને બીજાની સેવામાં તબ્દીલ કરી નાખો તો એ પીડા પીડા નથી રહેતી.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’, નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 10 જૂન 2018

Category :- Opinion / Opinion