કિમ-ટ્રમ્પ સમજૂતી ટકે એવા કોઈ આસાર દેખાતા નથી

રમેશ ઓઝા
13-06-2018

સમજૂતી માત્ર બે મુદ્દાની છે અને એ બે મુદ્દામાં બધું જ આવી જાય છે, માત્ર માળખું નથી આવતું.

કમાલ છે, ગયા અઠવાડિયાના અંતે ગ્રુપ ઑફ સેવન(જી-૭ જેમાં અમેરિકા, કૅનેડા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટલી અને જપાન સભ્યો છે)ની શિખર પરિષદમાં સભ્યદેશોના ડાહ્યા નેતાઓને ગાળો આપીને ગાંડપણ બતાવનારા અમેરિકન પ્રમુખ આ ધરતી પરના સૌથી ગાંડા માણસને મળવા સીધા સિંગાપોર ગયા હતા. મંગળવારે સિંગાપોરમાં અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન વચ્ચે શિખર પરિષદ યોજાઈ હતી. એ પરિષદ ઘડિયાં લગ્ન જેવી હતી. ૫૦ મિનિટ ટ્રમ્પ અને કિમ વચ્ચે વાતચીત થઈ હતી અને બે કલાક બે દેશોના વિદેશ પ્રધાનો અને અધિકારીઓ વચ્ચે વાતચીત થઈ હતી અને ચપટી વગાડતાં સમજૂતી થઈ ગઈ હતી.

સમજૂતી માત્ર બે મુદ્દાની છે અને એ બે મુદ્દામાં બધું જ આવી જાય છે, માત્ર માળખું નથી આવતું. પહેલો મુદ્દો છે કે નૉર્થ કોરિયા એના અણુ કાર્યક્રમ સમેટી લેશે અને બીજો મુદ્દો છે અમેરિકા નૉર્થ કોરિયાનું જરૂર પડ્યે રક્ષણ કરશે. સમજૂતી પછી પત્રકારો સાથે વાતચીત કરતી વખતે અમેરિકન પ્રમુખ જ વધારે બોલતા હતા, જ્યારે કિમે ખાસ નહીં બોલવાનું પસંદ કર્યું હતું. સ્વાભાવિકપણે અમેરિકાએ નૉર્થ કોરિયા સામે લાદેલા પ્રતિબંધોનો અંત આવી જશે. સમજૂતીમાં જે ખૂટે છે એ વિગતો. નૉર્થ કોરિયા કઈ રીતે અને કેટલા સમયમાં અણુકાર્યક્રમ સમેટી લેશે એની કોઈ વિગત આપવામાં આવી નથી અને અમેરિકા નૉર્થ કોરિયાને કઈ રીતનું રક્ષણ આપશે એની પણ કોઈ વિગત આપવામાં આવી નથી. મોટા ભાગના રાજકીય નિરીક્ષકોનું અનુમાન છે કે આ સમજૂતી ટકવાની નથી.

કોરિયા ચીન, રશિયા, જપાન અને અમેરિકાના વિસ્તારવાદી રાજકારણનું શિકાર છે. જ્યારે રશિયા અને ચીન નિર્બળ હતા, ત્યારે જપાને કોરિયા પર કબજો જમાવ્યો હતો અને કોરિયાને જપાન દ્વારા રક્ષિત દેશ તરીકેનો દરજ્જો આપ્યો હતો. બીજા વિશ્વયુદ્ધમાં જપાનનો પરાજય થયો હતો અને રશિયા અને અમેરિકાનો વિજય થયો હતો. કોરિયાનાં બે ફાડિયાં કરવામાં આવ્યાં હતાં; નૉર્થ કોરિયા રશિયાના પ્રભાવ હેઠળ હતું અને સાઉથ કોરિયા અમેરિકાના. પાછળનાં વર્ષોમાં નૉર્થ કોરિયા પર રશિયા કરતાં ચીનનો અને સાઉથ કોરિયા પર જપાનનો પ્રભાવ વધતો ગયો હતો એનું મુખ્ય કારણ હતું ભૌગોલિક નજદીકી.

૧૯૫૦થી ૧૯૫૩નાં વર્ષોમાં નૉર્થ અને સાઉથ કોરિયા વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં સાઉથ કોરિયા વતી અમેરિકા મુખ્ય પક્ષકાર હતું. નૉર્થ અને સાઉથ કોરિયા વચ્ચે સરહદ નિર્ધાર્ર્યા વિનાની સંદિગ્ધ છે અને એનો લાભ લઈને નૉર્થ કોરિયાએ સાઉથ કોરિયા પર કબજો જમાવ્યો હતો. ૧૯૫૩માં કોરિયન યુદ્ધનો અંત આવે એ માટે ભારતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ પ્રયત્નો કર્યા હતા. સાઉથ કોરિયા અમેરિકા અને જપાનની પાંખમાં હોવાના કારણે અને મૂડીવાદી ઢાંચો અપનાવ્યો હોવાના કારણે નૉર્થ કોરિયા કરતાં આર્થિક રીતે અનેકગણું સમૃદ્ધ છે. આ સ્થિતિમાં નૉર્થ કોરિયા પાસે ટકી રહેવા માટે નઠારાપણું બતાવવા સિવાય કોઈ છૂટકો નહોતો અને એમાં કિમ વંશની તોલે કોઈ ન આવી શકે.

નૉર્થ કોરિયાના વર્તમાન શાસક કિમ જોંગ ઉન ત્રીજી પેઢીના રાક્ષસ છે અને એ પહેલાં તેના પિતા અને દાદા કોરિયન પ્રજાને અને જગતને રાક્ષસી શાસનનો પરિચય કરાવી ચૂક્યા છે. નઠારાપણું અને સંહારક શક્તિ ટકી રહેવા માટેની મુખ્ય શક્તિ છે એ નૉર્થ કોરિયાના શાસકોને કોરિયન યુદ્ધ વખતે જ સમજાઈ ગયું હતું. નૉર્થ કોરિયાએ ૧૯૫૦ના દાયકાથી જ રશિયાની સહાય સાથે અણુ કાર્યક્રમ હાથ ધર્યો હતો. દરમ્યાન ચીન આર્થિક અને લશ્કરી રીતે શક્તિશાળી બનવા લાગ્યું. રશિયા, ચીન અને નૉર્થ કોરિયાની ધરી રચાવાને કારણે હવે અસ્તિત્વનું સંકટ સાઉથ કોરિયા સામે અને કેટલેક અંશે જપાન સામે પેદા થયું હતું. અમેરિકા પણ નૉર્થ કોરિયાથી ભયભીત હતું.

સાઉથ કોરિયામાં આર્થિક વિકાસ અને સુખાકારી અને નૉર્થ કોરિયામાં લોખંડી શાસન, પ્રચંડ લશ્કરી તાકાત; પણ અંદરથી ખોખલું. ૧૯૮૫માં રશિયામાં મિખાઇલ ગોર્બાચોફ સત્તામાં આવ્યા એ પછીથી તેમણે શીતયુદ્ધનો અંત લાવ્યો. રશિયાએ જગતકાજી બનવાની જગ્યાએ ઘરઆંગણાને વિકટ પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ચીનમાં માઓના અવસાન પછી ડૅન્ગ ઝિયાઓ પિંગે મૂડીવાદી આર્થિક ઢાંચો અપનાવીને ચીનના લશ્કરી કરતાં આર્થિક વિકાસ પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું. આ સ્થિતિમાં નૉર્થ કોરિયાના શાસકો સામે પ્રશ્ન ઉપસ્થિત થયો કે તેમણે નઠારાપણામાં વધારો કરવો જોઈએ કે પછી કૂણા પડવું જોઈએ.

બસ, ૧૯૮૫થી આજ સુધી નૉર્થ કોરિયા બન્ને પરસ્પર વિરોધી માર્ગ અપનાવી રહ્યું છે. ૧૯૮૫માં નૉર્થ કોરિયાએ અણુ બિનપ્રસારણ સંધિ પર સહી કરી હતી અને એ પછી અંચઈ કરીને નીકળી ગયું હતું. ૧૯૯૪માં અમેરિકન પ્રમુખ બિલ ક્લિન્ટનના સમયમાં સમજૂતીનું એક માળખું (ઍગ્રીડ ફ્રેમવર્ક) વિકસાવવામાં આવ્યું હતું, જે પણ નૉર્થ કોરિયાએ તોડી નાખ્યું હતું. ક્લિન્ટનના અનુગામી જ્યૉર્જ બુશે કિમને આ જગતના ત્રણ રાક્ષસોમાંના એક તરીકે ઓળખાવ્યો હતો અને નૉર્થ કોરિયાને નામશેષ કરવાની ધમકી આપી હતી ત્યારે એના જવાબરૂપે નૉર્થ કોરિયાએ ૨૦૦૬માં અણુધડાકા કર્યા હતા. બરાક ઓબામા પ્રમુખ બન્યા પછી તેમણે પણ દોસ્તીનો હાથ આગળ કર્યો હતો. ડોનલ્ડ ટ્રમ્પ મારી નાખું કાપી નાખુંવાળો મિજાજ ધરાવે છે એટલે ૨૦૧૭માં ટ્રમ્પ પ્રમુખ બન્યા એ પછીથી નૉર્થ કોરિયાએ અણુ પરીક્ષણોનો મારો ચલાવ્યો હતો.

ગભરાયેલા બન્ને છે. નૉર્થ કોરિયા પણ ગભરાયેલું છે અને અમેરિકા પણ ગભરાયેલું છે. અમેરિકા કરતાં વધુ સાઉથ કોરિયા અને જપાન ગભરાયેલા છે અને એ બન્ને દેશો નૉર્થ કોરિયા સાથે સમજૂતી કરવા માટે અમેરિકા પર દબાણ લાવે છે. નૉર્થ કોરિયાને એ વાતનો ડર છે કે શસ્ત્રોના ભંડાર છે, પણ કોઠલા ખાલી છે ત્યારે પ્રજાને દબાવી રાખીને ક્યાં સુધી નભાવી શકાશે? બીજી બાજુ કિમ જોંગ ઉનને જો જરાક ઢીલ છોડે તો તેના હાલ અમેરિકા લિબિયાના કદ્દાફી જેવા કરશે એ વાતનો ડર છે. ઓછામાં પૂરું અમેરિકાના વિદેશ પ્રધાને લિબિયા ફૉર્મ્યુલાની મહિના પહેલાં વાત કરી હતી, જેને કારણે કિમે ટ્રમ્પને મળવાની ના પાડી દીધી હતી. ટૂંકમાં કિમને હાથમાંની તલવાર ફેંકી દેતાં ડર લાગે છે, કારણ કે તલવાર તેની તાકાત છે. બીજી બાજુ તલવારના ભરોસે કેટલા દિવસ ટકી શકાશે એ વાતનો પણ તેને ડર લાગે છે. આ બાજુ ડોનલ્ડ ટ્રમ્પમાં ઓબામાના મુત્સદ્દીગીરીના ગુણોનો અભાવ છે, એ જોતાં સમજૂતી ટકે એમ લાગતું નથી.

આમ છતાં પહેલ થઈ એ સારી વાત છે. અઘરા કેસોમાં અનેક નિષ્ફળતા પછી સફળતા મળતી હોય છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 13 જૂન 2018

Category :- Opinion / Opinion