भाई हो तो ऐसा हो

અાશા બૂચ
09-04-2013

ઇસ્વી સન ૧૯૬૯ની આ વાત છે. મારા પિતાશ્રી દિવંગત નરેન્દ્ર્ભાઈ અંજારિયા (હવે પછી, ‘ભાઈ’ના સંબોધનથી ઉલ્લેખ કરીશ) પોતાના કામ સબબ તેવાકમાં ભાવનગર ગયા હતા. ત્યાં તેમની ઓળખાણ મિસ્ટર જોહ્ન વુડ સાથે કરાવવામાં આવી. તેઓ ‘The Political Integration of British and Princely Gujarat’ − વિષય પર મહાનિબંધ લખવા માટે ફિલ્ડ વર્ક (ક્ષેત્ર અધ્યયન) કરતા હતા. અને પછી બન્ને વચ્ચે સેતુ બંધાયો. અામ ૧૯૬૯થી તેઓ અમારા પરિવારના અંતરંગ મિત્ર બની ગયા છે. જોહ્નભાઈને ૧૯૭૨માં પી.એચડી.ની ઉપાધિ મળી.

કેનેડાના એ યુવાન ભારત ભૂમિ પર કેવી રીતે પહોંચ્યા, એ ય ઘટના રસપ્રદ છે. ૧૯૬૨માં સારાવાક – મલેશિયા કામ કરવા માટે જવા ઉપડેલા જોહ્નભાઈને, તેને બદલે જૂનાગઢ નજીક શારદાગ્રામ જવાનું કહેવામાં આવ્યું. ગુજરાત રાજ્ય હજુ ૧૯૬૦માં અસ્તિત્વમાં આવેલું એટલે નકશામાં ક્યાં ય જોવા ન મળે ! એટલે મુંબઈ ઉતર્યા. ત્યાં સુધી ક્યાં જવાનું છે, અને ત્યાં શું હશે તેની કોઈ જાણકારી વિના જોહ્નભાઈ પહોંચ્યા શારદાગ્રામ. ટોરોન્ટોથી લંડન એરોપ્લેઇનમાં, અને લંડનથી મુંબઈ પેસેન્જર શીપમાં (ઉતારુ જહાજમાં) પોર્ટ સાઈદ, ઈજિપ્ત અને એડન થઈને, પંદર દિવસની રોમાંચક મુસાફરી કરીને ભારત આવ્યા ! એ દરમ્યાનમાં જોહ્નભાઈએ ગાંધીજીની આત્મકથા, નહેરુનું ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ અને ઈ.એમ.ફોરેસ્ટરનું ‘પેસેજ ટુ ઇન્ડિયા’ વાંચી લીધેલાં. (આપણામાંથી આ ત્રણ પુસ્તકો કેટલા લોકોએ વાંચ્યાં હશે, એ પૂછવાની હિંમત નથી થતી !) ભાથામાં હિન્દી લિપિની કક્કાવારી અને થોડા શબ્દપ્રયોગો લઈને અમદાવાદ ઊતરેલા જોહ્નભાઈ એમના મિત્ર સ્ટીવ વુલ્ક્મ, કે જેને ગુજરાતીનું થોડું જ્ઞાન હતું, તેમની સલાહથી, ગુજરાતી શીખવા માટે તત્પર થઈને, કેશોદથી શારદાગ્રામ પહોંચ્યા. જોહ્નભાઈના શબ્દોમાં કહું તો, ‘I thought I'd reached the end of the world.’

ટોરોન્ટોથી બહાર જઈને દુનિયા જોવા નીકળેલા એ યુવાનને ગરીબ દેશોની શકલ બદલાવી નાખવાના ઓરતા જાગેલા, જે ભારત આવતાં શમી ગયા. ભારતીય લોકોનો ઉષ્માભર્યો વર્તાવ અને મહેમાનગતિ માણ્યા પછી, એમને ભારતના ઇતિહાસ અને સંસ્કૃિત જાણવા પ્રત્યે રુચિ થઈ. શારદાગ્રામમાં ગૃહપતિ તરીકે કામ કરવા મળ્યું, પણ ગુજરાતીના પૂરતા જ્ઞાન વિના અંગ્રેજી શીખવવાનું કામ ન મળે. એક શિક્ષક પાસેથી ‘મને કામ કરવું ગમે છે’, એ શબ્દપ્રયોગ શીખી લીધો. અને નજીકના ખેતરમાં કામ કરતા ખેડૂત શિવાભાઈ રબારી પાસે તેનો ઉપયોગ કર્યો. શિવાભાઈએ જોહ્નભાઈને પાવડો પકડાવી દીધો, પણ સાથે સાથે શિક્ષક બનવા માટે જરૂરી ગુજરાતીનું શિક્ષણ પણ આપી દીધું ! ત્યારથી શિવાભાઈ પણ જોહ્નભાઈના દોસ્ત બની ગયા.

માંગરોળમાં રહેતા, ત્યારે તેમના મગજને પણ ખોરાક મળી રહેવા લાગ્યો. જૂનાગઢના નવાબના રાજ્યને ભારતમાં સામેલ કરવા લશ્કરે દરમ્યાનગીરી કરવી પડી; એ વિષે અને નવાબની શોષણખોર નીતિ વિષે ખેડૂતો પાસેથી ઘણી માહિતી મેળવી. તેવે સમયે તેમને ખ્યાલ આવ્યો કે ભારતમાં વિકાસને લગતા બધા નિર્ણયો પાછળ રાજકારણ કામ કરે છે, તેથી રાજકારણનો અભ્યાસ કરવો જરૂરી છે. એ બે વર્ષો દરમ્યાન, જોહ્નભાઈ દિલ્હીમાં જવાહરલાલ નહેરુ અને સર્વપલ્લી રાધાકૃષ્ણન્, તેમ જ ગુજરાતમાં જયપ્રકાશ નારાયણ, બળવંતભાઈ મહેતા અને વજુભાઈ શાહ જેવા રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના નેતાઓને મળેલા. આ તબક્કે રાજકારણને સમજવા રાષ્ટ્રીય ચળવળ વિષે જાણવું અને માત્ર આર્થિક જ નહીં, પણ સામાજિક અને રાજકીય વિકાસ વિષે પણ જાણવું અત્યંત જરૂરી છે, એમ તેમને ભાસ્યું. આથી જ તો ન્યુયોર્ક જઈ, તેઓએ ભારતના ઇતિહાસ, રાજકારણ, નૃવંશશાસ્ત્ર, હિન્દી અને ઉર્દૂનો અભ્યાસ આદર્યો. ભારત છોડ્યું, ત્યારે મોગલ સ્થાપત્ય અને જ્ઞાતિ પ્રથાથી માંડીને, ભારતની વિદેશ નીતિ સુધીની ઘણી જાણકારી મેળવેલી. પરંતુ એ બધું અપરિપક્વ દશામાં હતું. એમ.એ અને તે પછી પી.એચડી.ના અભ્યાસથી એને અધિકૃત ઓપ મળ્યો. અને ખરું જોતાં, એ માટેની ભૂખ ઉઘડી, જે જીવનપર્યંત પ્રજ્વળિત રહી છે.

અહીં મારે નમ્રતાપૂર્વક મારા પિતાશ્રીના જોહ્નભાઈના અભ્યાસમાં આપેલ યોગદાનનો ઉલ્લેખ કરવો રહ્યો. તેમના જ શબ્દોમાં કહું તો સ્વાતંત્ર્યની ચળવળમાં ભાગ લીધેલા અને તે પછીથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણમાં આગેવાની લીધેલા નેતાઓ તથા કાર્યકરો ભાઈને ખૂબ આદર આપતા, અને તેમના પર અડગ વિશ્વાસ મૂકતા. ભાઈના તટસ્થ અને વસ્તુલક્ષી દ્રષ્ટિકોણ અને ઘટનાઓના સ્પષ્ટ અર્થઘટનને કારણે, જોહ્નભાઈ રાજકોટના ૧૯૩૮ના સત્યાગ્રહનો વિગતે અભ્યાસ કરી શક્યા. રસ ધરાવનારાઓ Robin Jeffery લિખિત Princes, People and Paramount Powerમાં જોહ્નભાઈનો રાજકોટ સત્યાગ્રહ પરનો લેખ વાંચી શકશે.

ભાઈ સાથે પરિચય થયો, ત્યારે જોહ્નભાઈ પોતાનો અભ્યાસ પદ્ધતિસર શરૂ કરી ચુક્યા હતા. તેથી રાજકોટ આવીને કેટલાક આગેવાન સ્વાતંત્ર્ય સેનાનીઓની મુલાકાત લેવા માગતા હતા. ‘રાજકોટમાં ક્યાં ય રહેવાની સુવિધા ન થાય, તો મારે ઘેર અવશ્ય રહી શકશો.’ એવું આમંત્રણ ભાઈએ આપ્યું હતું. જેનો સ્વીકાર કરીને, ૧૯૬૯માં જોહ્નભાઈ અમારે ઘેર આવ્યા.

હું નાની હતી ત્યારે ઘણા વિદેશી મુલાકાતીઓને જોવાની/સાંભળવાની તક મળેલી, પરંતુ પોતાના જ ઘરમાં એકથી વધુ દિવસ માટે રહેવા આવનાર જોહ્નભાઈ પહેલા જ હતા. તે વખતે મારા માતુશ્રી સરોજબહેનને (હવે પછી ‘બેન’ના સંબોધનથી ઉલ્લેખ કરીશ) ટાઈફોઇડ થયો હોવાને કારણે ગૃહ સંચાલનની જવાબદારી મારે શિરે હતી. પણ બેનના માર્ગદર્શનથી ઘણી સરળતા રહેતી હતી. મહેમાન અને તેમાં ય વિદેશીની જરૂરિયાતો અને ખાવા-પીવાની અનુકુળતાઓ જાણવી એ અમારી ફરજ હતી. પરંતુ ‘મને ખીચડીથી માંડીને ખીર સુધી બધું ભાવે છે’ (તે પણ શુદ્ધ ગુજરાતીમાં) જણાવીને જોહ્નભાઈએ પોતાની રુચિ-અરુચિ વિષે અમને તદ્દન નિશ્ચિંત  કરી દીધાં. એટલું જ નહીં બ્રેડ-બટર જેવો નાસ્તો એક બાજુ રાખીને, ઘરના બનાવેલ ખાખરા-રોટલી પર ઘરમાં ઉતારેલ માખણ ‘હું માખણ લગાવું છું’ જેવા રૂઢ પ્રયોગ સાથે આનંદે અારોગવા લાગ્યા.

રાજકોટના ગણમાન્ય નાગરિકોની મુલાકાત લઈને સાંજે ઘેર આવતાં જોહ્નભાઈ બેન માટે ફૂલોનો ગુચ્છ અથવા એ સહેલાઈથી ન મળે તો છેવટ વેણી લાવે. (કેમ કે દર્દી માટે ફૂલો લઈ જવાની વિદેશમાં પ્રથા ખરીને?) અને તબિયતના ય ખબર પૂછે. મારી નાની બહેન સાથે એના અભ્યાસ વિષે, નાની મોટી પ્રવૃત્તિઓ વિષે અને એને ગમ્મત પડે એવી ઘણી વાતો કરે. મારા કોલેજના અભ્યાસની રસપૂર્વક ચર્ચા કરે, મને રસોઈમાં મદદ કરે અને ક્યારેક મારી મજાક પણ કરી લે. જમતી વખતે ભાઈ સાથે સૌરાષ્ટ્રના રાજકારણની, રચનાત્મક કાર્યોની તથા વિવિધ સંસ્થાઓના સંચાલનની છણાવટ કરતા અને કેટલીક જાણીતી હસ્તીઓની કાર્ય પદ્ધતિઓનું વિશ્લેષણ ચાલતું. વળી જમ્યા પછી ફળો ખાવાની અને કોફી પીવાની આદત ખરી, તો અધિકારપૂર્વક એ પણ માગી લેતા.

આમ અમારે ઘેર માત્ર બે-ત્રણ અઠવાડિયા રહીને, પોતાના સંશોધનને વેગ આપવા આવેલ જોહ્નભાઈ, કાયમ માટે કુટુંબના અવિભાજ્ય અંગ બની ગયા. તેમનાં પત્ની મેરીબહેન અમારા ભાભી તરીકે સરખો જ અધિકાર પામ્યાં. પોતાના અભ્યાસકાળ દરમ્યાન જોહ્નભાઈ અવારનવાર રાજકોટ આવ્યા, અને ત્યારે અમારું ઘર તેમનું થાણું બની રહેતું. મેરીબહેન તેમની સાથે આવે, અમારી પાસે સાડી પહેરતાં શીખે, બીજા શિષ્ટાચાર અપનાવે, ગુજરાતી રસોઈ કરતાં શીખે અને અમારી મીઠી મશ્કરી માણે. આ સંબંધ એટલો તો ઘનિષ્ઠ થયો કે તેમનાં માતા-પિતા અમદાવાદ આવ્યાં, ત્યારે એમને પણ જોહ્નભાઈ અમારે ઘેર લઈ આવેલા.

પી.એચડી.ની ઉપાધિ મેળવ્યા પછી, જોહ્નભાઈ કેનેડા ગયા. અને વાનકુવરની બ્રિટિશ કોલમ્બિયા યુનિવર્સિટીમાં ‘ઇન્ડિયન પોલિટીક્સ’ના કોર્સીસ ભણાવવાની જવાબદારી ગ્રહણ કરી. ભારતના રાજકારણ અને શિક્ષણ સાથે તેમનું આદાન-પ્રદાન ચિરંજીવી બન્યું. ‘Shastri Indo-Canadian Institute’ – દિલ્હીના રેસિડેન્ટ ડાયરેક્ટર તરીકે તેઓએ ’૭૩-’૭૫, ’૮૯-’૯૦ અને ’૦૪-૦૬માં સેવાઓ આપી. તેમની નિમણૂક  થતી ત્યારે ભાઈ અવારનવાર તેમને ઘેર દિલ્હી જતા. મારાં માસી અને અમે સપરિવાર દિલ્હીમાં જોહ્નભાઈ-મેરીબહેનની ચાર દિવસ માટે મહેમાનગતિ માણી આવ્યાં.

અમને પોતાની નાની બહેનો ગણીને જોહ્નભાઈ રાખડી બાંધતા, ભેટ આપતા અને અમારા અભ્યાસ તથા કાર્યની બાબતમાં સક્રિય રસ લેતા. મારા પહેલા પુત્રનો જન્મ થયો, પછી અમે લિવરપૂલ રહેતાં. હું હજુ ભારત તેને લઈને નહોતી જઈ શકી. જોહ્નભાઈને તે અરસામાં ભારત જવાનું થયું, તો જપાન તરફથી જવાને બદલે અમને મળીને ગયા. એટલું જ નહીં, તેને માટે અને મારે માટે ભેટ લાવ્યા, ખાસ બ્લેક એન્ડ વ્હાઈટ રોલ નાખીને ફોટા પાડ્યા, જેથી મારા પરિવારના લોકો તરત જોઈ શકે. એવી જ રીતે થોડા વર્ષો પછી મારી બહેનના તેની નવજાત પુત્રી સાથેના ફોટા પણ જોહ્નભાઈએ જ પહેલાં મોકલ્યા !

જોહ્નભાઈનો અમારા કુટુંબ સાથે અતૂટ સંબંધ બંધાયો એથી જ તો જ્યારે મારી નાની બહેનનું અકાળે અવસાન થયું, મારા પિતાશ્રીને પાર્કિન્સનની વ્યાધિ લાગુ પડી અને તેમનું અવસાન થયું, ત્યારે જોહ્નભાઈ ખૂબ જ વ્યથિત થયા અને મારી કે મારી મા સાથે વાત કરવાની હિંમત ન કરી શક્યા. સદ્દનસીબે એ તંતુ ફરી જોડાઈ ગયો છે. ૨૦૦૫માં પોલિટીકલ સાયન્સ શીખવવામાંથી નિવૃત્તિ લીધી, પરંતુ બ્રિટિશ કોલમ્બિયા યુનિવર્સિટીમાં ‘Institute of Asian Research’માં માનદ્દ પ્રોફેસર તરીકે પદ ગ્રહણ કર્યું. લગભગ ૭૦ની ઉમરે પહોંચવા આવ્યા છે, ડાયાબિટીસ અને બીજી વ્યાધિઓથી શરીર પીડાય છે, છતાં ભારત પ્રત્યેનો એમનો અનુરાગ એટલો જ ઘનિષ્ઠ છે. અને ડોક્ટરોની મનાઈ હોવા છતાં, Community Natural Resource Management in Gujarat and Madhya Pradesh વિષય પર એક પ્રકલ્પ કરવા માટે ગ્રાન્ટ મેળવીને અમદાવાદમાં કામ કર્યું. કહે, ‘આ મારી છેલ્લી ઇચ્છા હતી, ભારત માટે કામ કરવાની.’

નોંધવાની વાત તો એ છે કે પોતાના જીવનમાં આવેલા ચડાવ-ઉતાર વિષે પણ, અંગત કુટુંબીજન હોઈએ એટલી નિખાલસતાથી વાત કરે છે.

આવા વિદેશી યુવાન કે જે અભ્યાસાર્થે ગુજરાતમાં આવી ચડ્યા, એમની સાથે આવો ઘરોબો થાય, અને સાડાચાર દાયકા સુધી માત્ર અમારી સાથે જ નહીં, અમારા બાળકો સુધી ટકી રહે, ત્યારે ઋણાનુબંધ જેવી કોઈ ચીજ છે એમ માનવાનું મન થાય.

e.mail : [email protected]

Category :- Profile