સાહિત્ય એક જાતની ગપસપ છે ! વાર્તા એક જાતનું આરમ્ભથી અન્ત લગીનું સાદ્યન્ત ગપ્પું !

સુમન શાહ
26-05-2018

ટૂંકીવાર્તા લખનારા મિત્રો માટે આજે થોડીક વિચારપ્રેરક વાતો કરું.

વાર્તાને ટૂંકી, દીર્ઘ કે લાંબી જે રાખવી હોય એ રાખો, એમાં ‘અન્ત' હંમેશાં મુશ્કેલ હોય છે. નાનો કે મોટો કોઇ પણ સર્જક મૂંઝાઇ જાય છે કે હવે આમાંથી નીકળી જવું કઇ રીતે. ખાસ તો, કલાત્મક અન્ત સાધીને નીકળવું કઇ રીતે, એને બહુ પજવે છે. જે વાર્તાકારોએ ચોટ માટે અન્તને ગજવામાં સંતાડી રાખ્યો હોય, એમને આ નડતર નથી. અન્યથા કેવું કેવું કહેતા હોય છે, સાંભળો : હું તો અન્ત મળી જાય પછી જ વાર્તા શરૂ કરું છું - કેવો ધીરજવાન ! ત્યાં લગી શું બારીએ બેસી ચણામમરા ખાતો હશે? : હું તો અન્તની ચિન્તા વિના બસ લખું છું ને અન્ત મને એની મૅળે મળી આવે છે - કેવો પ્રમાદી ! અન્ત જાણે રસ્તે રઝળતું કુરકુરિયું હોય ! કોઇ કોઇ કીમિયાગર તો એવા કે બે-બે અન્ત કાંતી કાઢે છે - એમ કે જે ગમે એ રાખો ! વાચકને સર્જકતાના ચાળે ચડાવે છે. આ નિર્દેશોનો સાર એ છે કે જ્યારે પણ અન્ત લવાશે ત્યારે ગોઠવી કાઢેલો હશે કે આવી પડેલો હશે, મતલબ, વત્તેઓછે અંશે બનાવટી હશે. છેલ્લી બાજી ય હારી જવાશે એવી બીક હોય ને હુકમનો એક્કો દેખાઇ જાય એ ખેલાડીની આંખો કલ્પો, સમજાઇ જશે. ડૂબવામાં જરાક જ વાર હોય ને કશુંક ટેકણ હાથ લાગી જાય એ ભાયગશાળીનો ચ્હૅરો કલ્પો, સમજાઇ જશે.

ભલે, કદી આપણે ટૂંકીવાર્તાના આરમ્ભ વિશે વિચાર્યું છે? વાર્તા શરૂ થઇ એ પહેલાં નાયકના જીવનમાં શું કશું બન્યું જ ન્હૉતું? કેટલુંયે બનેલું. એ પુરાકથા તો ત્યાં-ને-ત્યાં જ રહી ગઇ ! તો પછી આરમ્ભ પણ આડેધડનો જ ગણાય, ખરું કે નહીં? પહેલી પંક્તિને કવિઓ ‘ઈશ્વરદત્ત' કહેતા હોય છે. ઈશ્વરે મોકલી એટલે સાચી એવો ભરોસો સેવતા હોય છે. કેટલાક જાતભરોસો દાખવે છે કે બાકીની જે પોતે સરજી એ સાચી છે. ઈશ્વર પર કે જાત પર ભરોસો ભલે રાખે, વાતમાં માલ નહીં. કાવ્યનો આરમ્ભ પણ આવી પડેલો કે ગોઠવી કાઢેલો હોય છે - એટલે કે વત્તેઓછે અંશે બનાવટી હોય છે.

આમ, આરમ્ભ પણ બનાવટી અન્ત પણ બનાવટી. અડસટ્ટે શરૂ થયું હોય. ગમે ત્યારે પૂરું કરી પાડે. આપણા કેટલા ય અછાન્દસકારોએ એ જ કર્યું છે. આમાં વ્યવહારુ કારણો પણ મદદ કરતાં હોય છે. અછાન્દસની લાંબીટૂંકી લાઇનો માટે તન્ત્રીઓ ફાળવી ફાળવીને કેટલી જગ્યા ફાળવે? શબ્દોના ય માપમાં રહેવાનું હોય છે. તન્ત્રીએ છાપી રાખ્યું હોય - વાર્તા ૨૦૦૦ શબ્દમાં હોવી જોઇએ, અન્યથા અસ્વીકાર્ય ઠરશે. એવાતેવા કે કોઇપણ કારણસર વાર્તાકારો વાર્તાને ટૂંકી કરીને જંપે. પથારો પાથરીને બેઠા હોય પણ ચુંકાતા મને હંકેલો કરવા માંડે. સાહિત્યને વ્યવહારુ કારણો હંમેશાં આંતરે છે. નાટકે મધરાત પછી તો અમુક વાગ્યે પૂરું થવું ઘટે છે. કવિને ધરવ ભલે ન હોય પણ કવિસમ્મેલનને છેડો હોય છે. વીડિયોગ્રાફરના ટાંટિયા તૂટતા હોય. જૂના વખતમાં નવલકથાને અન્તે ‘સમાપ્ત' આવતું. એ લખ્યા પછી લેખકને હાશ થતી. સિનેમામાં The End આવતું જેથી ગરાડીઓને હમજ પડે કે હવે ઘરે જઇને વહુભેગા થવાનું છે.

આમ તો પ્લેટોએ સાચું કહેલું - કલા તો સત્યથી બે પેઢી દૂર છે. ટેબલનો ખયાલ સાચો, ટેબલેય સાચું પણ ટેબલની કવિતા બનાવટનીયે બનાવટ છે. ભાષાવિજ્ઞાન કહે છે કે શબ્દ પણ આમ જ આવી પડેલો છે. આને ‘બિલાડી' અને આને ‘કૂતરું' શા માટે કહીએ છીએ? પૂર્વજો ‘માર્જારી' અને ‘શ્વાન' કેમ કહેતા? પેલાઓ ‘cat' અને ‘dog' શા કારણે કહે છે? બસ આમ જ ! મરજી ! ઈચ્છા ! બધી વાતમાં ઈશ્વરને કારણભૂત ગણીએ છીએ પણ એઓશ્રીને પણ આની ખબર નથી. તો પછી એવા શબ્દોના બનેલા વાર્તા-અન્તને અને વાર્તા-આરમ્ભને પણ ‘બસ આમ જ' શું કામ ન ગણવા? સમજીએ તો સમજાય કે આ વાત વાર્તા કે કાવ્ય ઉપરાન્તની કોઇ પણ શબ્દસૃષ્ટિને લાગુ પડે છે. કેમ કે એ ‘આમ જ' હોય છે. લોકો સાહિત્યને એટલે તો ગપસપ કહે છે.

ચેખવે (1860-1904) કદાચ એ જ કારણે વાર્તાકારોને કહેલું કે એક વાર વાર્તા લખાઇ જાય પછી એના આરમ્ભને અને એના અન્તને છેકી નાખજો. કેમ કે એ, એ જગ્યાઓ છે, જ્યાં આપણે લેખક-લોકો જૂઠ ચલાવતા હોઇએ છીએ. એમણે ઉમેરેલું - આ હું મારા પોતાના અનુભવથી કહું છું.

પણ મારો સવાલ એ છે કે આરમ્ભ અને અન્તને છેકી નાખીએ પછી જે બચે એમાં સચ્ચાઇ હશે ખરી -? મારો જવાબ એ છે કે ના, વચ્ચે જે બચ્યું એ પણ ન-સાચું હોય છે. એ પણ બનાવટમાંથી પ્રગટેલી બનાવટ હોય છે. વાર્તામાં જ શું કામ, દરેકે દરેક લેખનમાં પહેલું વાક્ય લખીને આગળ ચાલવાનું હોય છે. ક્યારેક વળી એને જતું કરીને એને સ્થાને બીજું લખીએ છીએ. ક્યારેક એ બીજાને જતું કરીને ત્રીજું લખીએ છીએ. એનો અર્થ એ કે અગાઉનાં બન્ને વાક્યો બરાબર ન્હૉતાં. ચોરનો ભાઇ ઘંટીચોર ! પણ એ રીતે તો લખાણના કોઇપણ વાક્યને નપાસ થવાનો વારો આવી શકે ! કશો સુખદ પાર આવે જ નહીં.

બે રસ્તા છે : ચેખવ કહે છે એમ છેકી નાખો એ બરાબર છે પણ છેકીને બેસી રહો એ બરાબર નથી. છેકભૂસ કરતા રહો ને જાહેરમાં એ વિશે નિખાલસ એકરાર પણ કરતા રહો. આજે તો કમ્પ્યૂટરમાં એવી વ્યવસ્થા છે કે હું લખાયેલી લાઇન પર એની બરાબર વચ્ચે જતી રનિન્ગ લાઇન દોરી શકું છું. ખોટી છે એમ તરત જોઇ શકાય. હું કાગળ પર લખતો ત્યારે જેવો પહેલો ફકરો નકામો લાગે, ડૂચો વાળીને ફૅંકી દેતો. વ્યાખ્યાનમાં સ્વીકારું છું કે - એ શબ્દ મેં ખોટો વાપર્યો. કહું છું કે - એ લેખમાં એ મારી ભૂલ હતી. ન હોય તો કહું છું - ના, એ મારી ભૂલ ન્હૉતી. બીજો રસ્તો એ કે તમે પોતે જ કહી દો કે સાહિત્ય એક જાતની ગપસપ છે અને વાર્તા એક જાતનું આરમ્ભથી અન્ત લગીનું - સાદ્યન્ત- ગપ્પું છે. લોક ભલેને અમુઝાયા કરે કે સાહિત્ય, એક જાતની એટલે કઇ જાતની ગપસપ … વાર્તા, એક જાતનું એટલે કેવી જાતનું ગપ્પું … કલાપારખુઓ ઓળખાવશે એ જાતને પણ આ લેખ ગપ્પું નથી. તો પછી આમ ગોળ ગોળ કેમ ફર્યા કરું છું? કેમ ચાલે? તો શું કહેવું? એ કે મને આ વાતમાં એક નવો સંદેશ દેખાય છે : તમારા લખાણ પર મુસ્તાક રહેવાનું છોડી દો. લેખનમાત્ર એક મથામણ છે, શુભાશયી યત્ન કે પ્રયત્ન છે, એમ માનીએ તો બસ છે. સંદેશ એ પણ ખરો કે - શબ્દાખ્ય જ્યોતિ સદા પ્રકાશે છે. શબ્દોથી પ્રગટેલો ન-શરીરી ધ્વનિ ચિરંજીવી હોય છે. કોડિયાં ન જોવાય, દીવાની જ્યોત પણ ન જોવાય, ભલે. પણ પ્રકાશ તો જોવાય. પ્રસરેલા પ્રકાશને આંખો મીંચીને હૃદયચિત્તમાં સંઘરી લેવાય …

સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 26 મે 2018

Category :- Opinion / Literature