નીરુભાઈ દેસાઈ સન્માનપુરસ્કૃત ઉર્વીશ કોઠારી

ચંદુ મહેરિયા
19-04-2018

નીરુભાઈ દેસાઈ સન્માનપુરસ્કૃત પત્રકાર, લેખક, હાસ્યલેખક, સંશોધક, બ્લોગર, પ્રકાશક અને હવે અધ્યાપક એવી બહુમુખી પ્રતિભા ધરાવતા ઉર્વીશ કોઠારી ન માત્ર ગુજરાતી પત્રકારત્વની, ગુજરાતના નાગરિકસમાજની અને એકંદર જાહેરજીવનની એક વિરલ જણસ છે.

૪ ફેબ્રુઆરી, ૧૯૭૧ના રોજ ખેડા જિલ્લાના મહેમદાવાદમાં જન્મેલા ઉર્વીશ કોઠારીએ પોણા પાંચ દાયકાની જિંદગીમાં જે સવા બે દાયકાનું લેખન-પત્રકારત્વ કર્યું છે; તેણે આપણને, ગુજરાતને મળતાં મળે એવા લેખક-પત્રકારનો અહેસાસ કરાવ્યો છે.

“પત્રકારત્વના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી જોઈએ કે બનાવી શકાય”, એવો વિચાર ઊંડે-ઊંડે પણ જેમને કદી આવ્યો નહોતો, એવા કૅમેસ્ટ્રીમાં સ્નાતક ઉર્વીશભાઈએ પત્રકારત્વની વિધિવત્‌ તાલીમ વિના, ૧૯૯૫માં, ’અભિયાન’ મારફત ગુજરાતી પત્રકારત્વમાં પગરણ માંડ્યાં હતાં. મોટા ભાઈ બીરેન કોઠારીના અને કુટુંબના વાચન-સંસ્કાર તો હતા જ. મહેમદાવાદની સોનાવાલા હાઈસ્કૂલના બાયોલોજીના શિક્ષક અને જાણીતા ગઝલકાર હનીફ ‘સાહિલ’ પાસેથી બાયોલૉજી નહિવત્‌ અને રદીફ-કાફિયા ઠીકઠીક પ્રમાણમાં એ શીખ્યા. એમના હાસ્યવ્યંગલેખનની અનૌપચારિક શરૂઆત ૧૯૮૭માં બારમા ધોરણના અંતે સ્કૂલમાં યોજાયેલા વિદાય-સમારંભમાં ફિશપૉન્ડની તર્જ પર તેમણે ગુરુજનો અને સહપાઠીઓ વિશે કરેલા લખાણથી થયેલી. જેમ જૂનું ફિલ્મ-સંગીત એમ હાસ્યલેખન પણ ઉર્વીશભાઈની લેખન માટેની પહેલી પસંદગી. વીસેક વરસ (૧૯૯૯થી ૨૦૧૬) તેમણે નિયમિત અઠવાડિક હાસ્યલેખનની કૉલમ લખી. એમાંથી હાસ્યલેખનનાં ત્રણ માતબર પુસ્તકો પણ નીપજ્યાં છે : ‘બત્રીસે કોઠે હાસ્ય’ (૨૦૦૮), ‘જ્યાં જ્યાં હસે એક ગુજરાતી’ (૨૦૧૫) અને હાસ્ય લઘુનવલ ‘ભદ્રંભદ્ર અનામત આંદોલનમાં’ (૨૦૧૬). તેમના બ્લૉગ પર અંગ્રેજીમાં હાસ્ય-વ્યંગનાં લખાણો ‘ઓરિજિનલી ફૅકન્યૂઝ’ પણ થોડા સમય માટે આવ્યાં. ૨૦૦૮માં તેમના પુસ્તક ‘બત્રીસ કોઠે હાસ્ય’ના પ્રાગટ્ય નિમિત્તે મિત્રો સાથે મળીને તેમણે યોજેલો પોતાની મોક કોર્ટ(હાસ્ય-અદાલત)નો કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય-લેખનનાં ત્રણ પેઢીનાં તેમનાં પ્રિય એવાં નામોને એકસાથે મંચ પર રજૂ કરીને અભૂતપૂર્વ બની રહ્યો હતો.

રજનીકુમાર પંડ્યા, વિનોદ ભટ્ટ, અિશ્વની ભટ્ટ, નગેન્દ્ર વિજય જેવાં ગુરુજનોની સાખે દૈનિક અને સામયિક પત્રકારત્વમાં ઉર્વીશ કોઠારીએ ગુણવત્તાને લગીરે આંચ ન પહોંચે એવું ‘ચોંપ અને ચુસ્તીવાળું’ જથ્થાબંધ લેખન કર્યું છે. જ્ઞાન-વિજ્ઞાનના માહિતીપ્રદ લેખો, રાજકીય, સામાજિક, આર્થિક વિશ્લેષણાત્મક લેખો, સિટી-પ્રોફાઇલ, સંશોધનાત્મક લેખો, સાંપ્રત ઘટનાઓ અંગેનું લેખન અને ‘ગુજરાત સમાચાર’ તથા ‘દિવ્ય ભાસ્કર’ના તંત્રીલેખો જેવાં બૃહદ્ ‌સ્તરે તેમનું પત્રકારત્વ-લેખન વિહરી ચૂક્યું છે. ગુજરાતનાં ત્રણેય મુખ્ય અખબારો ’ગુજરાત સમાચાર’, ‘દિવ્ય ભાસ્કર’ અને ‘સંદેશ’ ઉપરાંત ‘અભિયાન’, ‘સિટીલાઈફ’, ‘આરપાર’, ‘દલિતશક્તિ’ અને ‘વૈશ્વિક માનવવાદ’માં તેમણે લેખન-સંપાદન કર્યું છે. ‘સમકાલીન’, ‘જન્મભૂમિ’, ‘ફૂલછાબ’, ‘કચ્છમિત્ર’ અને ‘ગુજરાત ટાઇમ્સ’માં કૉલમલેખન કરનાર આ લેખક-પત્રકારે રીડિફ.કોમ અને ‘ધ પ્રિન્ટ’માં અંગ્રેજીમાં થોડું લેખન કર્યું છે. તો મિત્ર વિસ્તસ્પ હોડીવાલાએ તેમના થોડા લેખોનો અંગ્રેજી અનુવાદ પણ કર્યો છે. ૨૦૦૮થી ‘ગુજરાતી વર્લ્ડ’ નામે એમણે બ્લૉગ લખવાનો શરૂ કર્યો, જેમાં આજે જાતભાતની આશરે ૧૪૦૦ પોસ્ટને હજારો વાચકો મળ્યા છે.

૧૯૯૬માં ‘અભિયાન’ છોડ્યા પછી ‘સંદેશ’માં પૂર્તિના સંપાદક તરીકે જોડાયા. ૨૦૦૧માં ‘સંદેશ’ની ફુલટાઈમ નોકરી છોડ્યા પછી કન્ટ્રીબ્યૂટર તરીકે થોડો સમય ઑફિસે જવાનું હોય એ રીતે છાપાં-સામયિકો-પ્રકાશનો સાથે એ જોડાયા ... અને હવે તો એટલા પૂરતું પણ મીડિયાની ઑફિસમાં ગયા વિના, માત્ર ફ્રીલાન્સ લેખન-સંશોધન-અધ્યાપન કરવાનું નક્કી કર્યું છે. તેમની સામાજિક નિસબત અને ભીતરી સંવેદનાને માર્ટિન મૅકવાનના પરિચયે વધુ સંકોરી. એટલે ગુજરાતના કર્મશીલ જગતનો અને દલિત - સમસ્યાનો પરિચય થયો. ... ૨૦૦૩થી ૨૦૧૪ સુધી તે ‘દલિતશક્તિ’ સામયિકના સંપાદક રહ્યા. ૧૯૩૦થી આરંભાયેલી ગુજરાતી દલિત પત્રકારત્વની યાત્રામાં ‘દલિતશક્તિ’નો દાયકો સીમાચિહ્નરૂપ છે. એંશી વરસના ગુજરાતી દલિત પત્રકારત્વમાં એક સર્વાંગસંપૂર્ણ દલિત સામયિકના જ્ઞાતિનાં ચોકઠાની રીતે, જન્મે બિનદલિત સંપાદક તરીકે ઉર્વીશ કોઠારીનું હોવું બહુ ગૌરવપ્રદ છે. ‘દલિતશક્તિ’ મારફત તેમણે ન માત્ર દલિત પત્રકારત્વને, દલિતસાહિત્યને ઊંચાઈ અને ઊંડાણ બક્ષ્યાં હતાં; ‘દલિતશક્તિ’ના એકાધિક વિશેષાંકોમાં આભડછેટ, અનામત અને આંબેડકર પરના વિશેષાંકો તો હોય જ પણ, હિંદી ફિલ્મો અને દલિતો કે ક્રિકેટમાં આભડછેટ અને જાતિભેદ જેવા દલિત પત્રકારત્વમાં ઓછા જાણીતા વિષયો પર પણ એમણે વિશેષાંકો કર્યા હતા.

ઉર્વીશ કોઠારી એક નોખા-અનોખા એટલા જ અભ્યાસુ લેખક-પત્રકાર-સંશોધક છે. ૨૦૦૨નો ‘આરપાર’નો હોળી હાસ્ય-વિશેષાંક એમણે એક પણ ગુજરાતી હાસ્યલેખકના હાસ્યલેખ વિના કર્યો હતો. ‘દલિતશક્તિ’ની જેમ ‘આરપાર’ના દશેક વિશેષાંકો આપણી સામયિક વિશેષાંકોની દુનિયામાં નવી ભાતના છે. સરદાર, ગાંધી અને જ્યોતીન્દ્ર દવે વિશેષાંકો તો ખરા જ. પણ જાહેરખબર, ફિલ્મ-સંગીત, પત્રલેખન, આત્મકથા અને ૨૦૦ યાદગાર પુસ્તકો વિશેના વિશેષાંકનાં સંપાદનો તેમણે કર્યાં હતાં. જ્યારે પત્રકાર તરીકે તે કારકિર્દીના મધ્યાહ્ને હતા, ત્યારે તેમણે પત્રકારત્વના વિદ્યાર્થી બનવું પસંદ કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં ૨૦૧૨થી ૨૦૧૪ સુધી ભણીને તે પત્રકારત્વના અનુસ્નાતક થયા. આજે ગાંધીજીની ગૂજરાત વિદ્યાપીઠમાં એ પીએચ.ડી. કરી રહ્યા છે અને તેમનો વિષય છે : ‘ગાંધીજીના નવજીવનનાં લખાણોમાં હિંદુ-મુસલમાન સંબંધોનું નિરૂપણ’. જ્યોતીન્દ્ર દવેના જીવન અને તેમના અગ્રંથસ્થ સાહિત્ય વિશેનું દોઢ દાયકાથી ચાલતું એમનું સંશોધન, એમને વગર માંગે પીએચ.ડી.ની ડિગ્રી આપવી જોઈએ, તે બરનું હોવાનું છે. ઉર્વીશ કોઠારીના અનોખાપણાનો એક વધુ પુરાવો ભારતમાં કદાચ ક્યાં ય ન ચાલતો હોય, તેવો ‘સેપ્ટ’ યુનિવર્સિટીની સમર સ્કૂલનો એમનો ત્રણ વીકનો કોર્સ, જેનો વિષય હતો, ‘રાજકીય કાર્ટૂનો દ્વારા ભારતના રાજકીય ઇતિહાસની સફર’. આ અનોખો કોર્સ, શીખનાર અને શીખવનાર-બેઉ માટે ‘મનમાં શિક્ષણનો જેવો ખ્યાલ હતો એવું શિક્ષણ આપવાનું શક્ય છે અને આપી શકાય છે એ વાતના સંતોષનો’ હતો. આવું જ કંઈક તે બેએક વરસથી હસિત મહેતાની સંગતમાં નડિયાદની જર્નાલિઝમ કૉલેજના અધ્યાપક તરીકે કરી રહ્યા છે.

પૂર્વી ગજ્જરના સહલેખનમાં લખાયેલું, ગુજરાતના દલિતોની અવદશા અને તેની સામે નવસર્જનના સંઘર્ષના સરવૈયાના દસ્તાવેજનું તેમનું  પુસ્તક ‘નોખા ચીલે નવસર્જન’ (૨૦૦૨) એ કોઈ પણ સ્વૈચ્છિક સંસ્થાનાં કાર્યોના દસ્તાવેજીકરણનો ઉત્તમ નમૂનો છે. ઉર્વીશ કોઠારીનું પ્રથમ પુસ્તક ‘સરદાર : સાચો માણસ, સાચી વાત’ (૨૦૦૫) અનેક અર્થોમાં અરૂઢ કહી શકાય તેવું છે. સરદાર વિશેની અનેક ઓછી જાણીતી સામગ્રીને કારણે વિપુલ સરદારસાહિત્યમાં આ પુસ્તક નોખું તરી આવે છે. સાહિત્ય પરિષદ અને અકાદમી દ્વારા તેમનાં પુસ્તકો પુરસ્કૃત થયાં છે. એપ્રિલ, ૨૦૧૩થી ઉર્વીશભાઈએ મિત્રો દીપક સોલિયા, ધૈવત ત્રિવેદી અને કાર્તિક શાહ સાથે મળીને સાર્થક પ્રકાશન શરૂ કર્યું છે. સાર્થક પ્રકાશનનાં પુસ્તકો ઉપરાંત તેનું અર્ધવાર્ષિક ‘સાર્થક જલસો’ પણ ઉર્વીશભાઈના સંપાદનનો અને સામયિક માટેની તેમની દૃષ્ટિનો નમૂનો છે.

પત્રકારત્વમાં પ્રવેશ્યા ત્યારથી ઉર્વીશભાઈનો સ્પષ્ટ અને દૃઢ ખ્યાલ હતો કે “પત્રકાર ઍન્ટિ એસ્ટાબ્લિશમેન્ટ હોવો જોઈએ”. એ ખ્યાલ કોઈ ઠાલો આદર્શ ન બની રહ્યો પણ તેમના લેખનમાં બરાબર ઊપસ્યો છે. “રાજકારણમાં હજુ પણ રસ તો નથી જ પડતો. લખવાનું મોટે ભાગે નાગરિકી ફરજના ભાગ રૂપે થાય છે.” અને એ નાગરિકી ફરજ એટલે શું? ઉર્વીશભાઈ લખે છે, “૨૦૦૨થી ન-છૂટકે રાજકારણ વિશે લખવાનું થયું. કારણ કે એ વરસોમાં સામાજિક ધિક્કાર મુખ્ય રાજકીય એજન્ડા હતો. એ વખતે ગુજરાતમાં મોદીયુગનું વાતાવરણ એટલું ધિક્કારયુક્ત હતું અને તેની વિરુદ્ધમાં લખવું મને ધર્મરૂપ લાગ્યું અને એ લખી શક્યો, એનો મને બહુ આનંદ છે.”

“અનુચર, ભક્ત કે ફોલ્ડર નહીં એવા સમરસિયા, સજ્જ અને દરેક ઉંમરના વાચકો” જેમને મળ્યા છે, પ્રેમાળ મિત્રો સતત મેળવતા રહેવાની બાબતમાં જે પોતાને અતિસમૃદ્ધ ગણે છે, અને જેમને “વાંચનારની સમજ સંકુચિત નહીં, વ્યાપક બને તેમાં રસ છે તેવા પ્રહરી” પત્રકાર ઉર્વીશ કોઠારીનો આ આનંદધર્મ ક્યારેય સમાપ્ત ન થાવ, તેવી અપેક્ષા સાથે નીરુભાઈ દેસાઈ પત્રકારત્વ ઍવૉર્ડ નિમિત્તે અભિનંદન!

Email : [email protected]

[તા. ૨૫ માર્ચ, ૨૦૧૮ના રોજ નીરુભાઈ દેસાઈ સન્માન વખતે વિતરિત બ્રોશરમાંથી સંપાદિત]

સૌજન્ય : “નિરીક્ષક”, ૧૬ અૅપ્રિલ 2018; પૃ. 14-15 

Category :- Opinion / Opinion