ગઝલ
દેિવકા ધ્રુવ
11-04-2018
લગાવ એવા, કહો કેવા, કે વારંવાર ધક્કા દે,
અરે, લાગ્યું ન લાગ્યું દિલ, ને પારાવાર ઝટકા દે!
પડો, વાગે, ને નીકળે લોહી, ઊંડો ઘા ઘણો ચચરે,
પછી થોડા, સમજ કેરા મલમના એ લસરકા દે.
પરોવાયા સમયની સોય ને શ્વાસોના દોરે જીવ,
ગજબનું પોત રેશમનું, વળી મખમલના ભપકા દે.
ભલે કશ્મીરી ટાંકો લો, ભરો સોનેરી સાંકળી પણ,
ન જાણે વસ્ત્ર રુદિયાના, કે ક્યારે ક્યાંથી કટકા દે ..
ધીરે આસ્તે ભણાવી દે, પલકમાં તો ગણાવી દે.
શીખી લીધું, તમે માનો, નવા ત્યાં કોઈ કક્કા દે.
અને મંદિર, મસ્જીદો, ગુરુદ્વારે ફરી આવો,
પછી ઘર પહોંચતા, જુઓ ઘડીભર, ત્યાં એ મક્કા દે!
કદી ગૂંચળા વળે, ગાંઠો પડે મુશ્કેલ, હાથોથી.
અગર ઝટકો, જરા મલકો, પછી રસ્તા તો પક્કા દે!
https://devikadhruva.wordpress.com/2018/04/10/
Category :- Poetry