તારાબહેન પટેલ : ગુજરાતના ઉચ્ચ શિક્ષણમાં સમાજશાસ્ત્ર વિષયના એક આધારસ્તંભ સમાં અધ્યાપક

સંજય શ્રીપાદ ભાવે
23-02-2018

શતાબ્દી વર્ષની માસિક  વ્યાખ્યાનમાળાનું પહેલું વ્યાખ્યાન બુધવારે યોજાશે

ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગે તાજેતરમાં તેના પહેલાં અધ્યક્ષ તારાબહેન પટેલ(૧૯૧૮-૨૦૦૭)ના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીની શરૂઆત એક સ્મરણ-વંદન કાર્યક્રમથી કરી. સમાજશાસ્ત્રના મૂર્ધન્ય અધ્યાપક તારાબહેનની કારકિર્દીમાં વર્ગશિક્ષણ અને વિદ્યાર્થી વાત્સલ્ય, વિષયના સંશોધન અને વિભાગના વ્યવસ્થાપનનો ઉત્તમ સુમેળ હતો. ગુજરાતમાં અનામત બેઠકોની જોગવાઈ અંગે રચાયેલાં બક્ષીપંચની કાર્યવાહીમાં તેમણે નિર્ણયાત્મક ભૂમિકા ભજવી હતી. આદિવાસી મહિલા શિક્ષણ વિશે પણ તેમણે નોંધપાત્ર સંશોધન કર્યું . તેમનું વ્યક્તિગત જીવન પરોપકારી, અને એક અર્થે અરુઢ પણ હતું.

સદી પહેલાંના રૂઢિવાદી ચરોતર પાટીદાર સમાજના હોવા છતાં તેમણે પરદેશ જઈને શિક્ષણ લીધું, કારકિર્દી બનાવી, અપરિણિત રહ્યાં. તેમનાં ઘડતરની હકીકતો પણ તેમના જમાનાના સંદર્ભે  રસપ્રદ છે. તેમના પિતા ખેડા જિલ્લાના સુણાવ ગામના વતની, પણ વ્યવસાયાર્થે ભારત-આફ્રિકા વચ્ચે અવરજવર કરતા એટલે તારાબહેનનો જન્મ યુગાન્ડાના કમ્પાલા શહેર નજીકના નાના ગામમાં થયો, પણ ઉછેર મોસાળમાં પીજ ગામે થયો. તેમણે ગુજરાતી અને અંગ્રેજી સાથે બી.એ. ઑનર્સની પદવી ૧૯૪૧માં અને ત્રણ વર્ષ બાદ એમ.એ.ની પદવી ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષયો સાથે વડોદરાની યુનિવર્સિટીમાંથી મેળવી. પછી બે વર્ષ તારાબહેન  સુણાવની હાઇસ્કૂલમાં માનદ શિક્ષક રહ્યાં. ગામમાં મોખરાનું સ્થાન ધરાવતાં તેમનાં ઘરે એક વખત સરદાર વલ્લભભાઈ પટેલ આવ્યા હતા. ત્યારે તેમની સામે ગામના વડીલોએ તારાબહેનને શાળાનાં આચાર્ય બનાવવાની ઇચ્છા બતાવી. પણ બહેને આગળ અભ્યાસ માટે અમેરિકા જવાની ઇચ્છા વ્યક્ત કરી. સરદારે કહ્યું, ‘હા દીકરી, જરૂર જા.’ સરદાર સાહેબના આ એક વાક્યે તારાબહેનનાં પરદેશ ભણતરનાં દરવાજા ખૂલી ગયા.

પરદેશ જવાનું, વિશ્વયુદ્ધ પછીના એ દિવસોમાં કપરું હતું. કોલકાતાથી ઊપડતાં, પૅસેન્જર જહાજમાં ફેરવવામાં આવ્યું હોય તેવાં એક માલવાહક જહાજમાં, છસો પાદરીઓ તેમ જ  છસો વિદ્યાર્થીઓ સાથે તારાબહેન અઠ્ઠ્યાવીસ દિવસે સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યાં. તારાબહેને ન્યૂયૉર્કની કોલમ્બિયા યુનિવર્સિટીમાં ૧૯૪૬-૪૮ દરમિયાન સમાજશાસ્ત્ર વિષય સાથે એમ.એ. કર્યું. એમાં તેમણે ‘સોશ્યલ સ્ટડી ઑફ રુરલ ગુજરાત’ વિષય પર શોધ નિબંધ રજૂ કર્યો. પી.એચડી. તેમણે લંડનની બેડફર્ડ કૉલેજમાંથી મેળવી. છ વર્ષ અભ્યાસથી લખેલો મહાનિબંધ હતો ‘ધ્ સોશ્યલ સ્ટેટસ ઑફ ઇન્ડિયન વિમેન ડ્યુરિન્ગ ધ લાસ્ટ ફિફટી યર્સ : ૧૯૦૦-૧૯૫૦’.

તેઓ ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટીમાં નવા જ શરૂ થયેલાં સમાજશાસ્ત્ર વિભાગમાં રીડર અને અધ્યક્ષ નીમાયાં. બે તપ બાદ ૧૯૭૮માં ત્યાંથી નિવૃત્ત થયાં બાદ સહજ નિર્લેપ વૃત્તિથી ફરીથી ત્યાં ગયાં નહીં. અધ્યક્ષ તરીકે તેમણે વિભાગને લોકશાહી ઢબે દોરવણી આપી. નિવડેલાં અધ્યાપકો દ્વારા નિયમિત વર્ગોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ, વિદ્યાર્થીઓને સ્વઅધ્યયન-સંશોધનની કડક તાલીમ, સમયાનુરૂપ પ્રસ્તુત અભ્યાસક્રમો, વિવિધ ઍકેડેમિક કાર્યક્રમોનું આયોજન જેવી અનેક બાબતો થકી તારાબહેને સમાજશાસ્ત્ર વિભાગને ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાન અપાવ્યું. તદુપરાંત એમના વિષય માટેની અધ્યયન સામગ્રી ગુજરાતી ભાષામાં નહીંવત્‌ હતી. એટલે તેમણે અંગ્રેજી ગ્રંથોનો નિચોડ આપતાં સમાજશાસ્ત્રનાં પાઠ્યપુસ્તકો ગુજરાતીમાં લખ્યાં, જેમાંથી કેટલાંક આજે પણ ઉત્તમ ગણાય છે. તેમણે સમાજશસ્ત્રની ગુજરાતી પરિભાષા તૈયાર કરવામાં પણ ઘણો રસ લીધો. ક્ષેત્રકાર્ય આધારિત સંશોધન નિબંધને તેમણે અભ્યાસનો ફરજિયાત ઘટક બનાવીને સમાજશાસ્ત્રમાં ફીલ્ડ વર્કની જરૂરિયાત અને અગત્યતાને ઉજાગર કરી. ખુદ તારાબહેને અમદાવાદના ભીક્ષુકો પર કરેલાં સંશોધનમાં શહેરના વિસ્તારોમાં અલગ અલગ દિવસે અને સમયે વંચિતોની મોટી સંખ્યામાં લીધેલી રૂબરુ  મુલાકાતોનો સમાવેશ હતો. આ અભ્યાસ ભિક્ષુકોને લગતા કાયદાના ઘડતરમાં ઉપયોગી નીવડ્યો. તારાબહેનનાં અન્ય સંશોધનમાં સાડા ત્રણસો વ્યવસાયી બહેનોની બેવડી ભૂમિકા અને બારસો દંપતીઓનાં કુટુંબજીવન તરફનાં વલણોના અભ્યાસોનો સમાવેશ થાય છે. સાથી અધ્યાપક વિમળભાઈ પી. શાહ જોડે રહીને તેમણે કરેલાં ‘હુ  ગોઝ ટુ કૉલેજ?’ અને ‘સોશ્યલ કૉન્ટેક્સ્ટ્સ ઑફ ટ્રાઇબલ એજ્યુકેશન’ અભ્યાસ મહત્ત્વના ગણાય છે. સ્ત્રીઓની આત્મહત્યાની સમસ્યા અંગે રાજ્ય સરકારે નીમેલી સમિતિમાં તેમ જ નિવૃત્તિ બાદ જ્યોતિસંઘની પ્રવૃત્તિઓમાં પણ તારાબહેને નોંધપાત્ર કામગીરી બજાવી હતી.

‘તારાબેન : સ્મરણાંજલિ’ નામે સ્મરણિકા પાંચેક વર્ષ પૂર્વે પ્રસિદ્ધ થઈ છે. મોટાં કદનાં સવાસો પાનાંની આ સચિત્ર સ્મરણિકામાં તારાબહેન વિશેનાં અઠ્ઠાવન લખાણો છે. તેમનાં વિદ્યાર્થીઓ, સાથી અધ્યાપકો, સમાજશાસ્ત્રીઓ, સંબંધીઓ, સ્નેહીઓ, પાડોશીઓ અને સેવકોએ તેમને ઉચિત રીતે સાંભર્યાં છે. પૂરી તૈયારી સાથે સ્વચ્છ ગુજરાતીમાં થતાં તેમના વર્ગવ્યાખ્યાનોને તેમનાં વિદ્યાર્થીઓએ  યાદ કર્યાં છે. વિદ્યાર્થી ગ્રંથાલયમાં જઈને પુસ્તકો શોધે, તેની યાદી બનાવે અને પછી તેનો સમજપૂર્વક ઉપયોગ કરે તે (હવે લગભગ ખતમ થઈ ગયેલી) પ્રક્રિયા પર તારાબહેન ઘણો ભાર મૂકતાં એમ વિદ્યાર્થીઓએ નોંધ્યું છે. ભણવા-ભણાવવાની બાબતે કડક તારાબહેન વિદ્યાર્થીઓ તરફ ઊંડી મમતા ધરાવતાં. છેલ્લાં વર્ષનાં વિદ્યાર્થીઓને પોતાના ઘરે પાર્ટી ગોઠવીને વિદાય આપતાં. વિદ્યાર્થીઓને ભેદ કે અહેસાનના ભાવ વિના હંમેશાં મદદ કરતાં. તેમણે વિદ્યાર્થીઓની ફી ભરી હોય, વિદ્યાર્થિનીને તેમણે અમદાવાદના પોતાનાં કે જરૂર પડ્યે વડોદરમાં માતુશ્રીનાં ઘરે રહેવાની સગવડ આપી હોય, નાનું-મોટું કામ અપાવ્યું હોય, વિદ્યાર્થીની જરૂરિયાતવાળું પુસ્તક પોતાનાં અમદાવાદનાં ઘરમાં ક્યાં છે તે અમેરિકાથી પત્ર લખીને જણાવ્યું હોય, પરદેશ ગયેલા વિદ્યાર્થીને ભારતમાં બેઠાં બેઠાં ચલણી નાણાં માટે જોગવાઈ કરી હોય, ઘર વસાવવામાં સહાય કરી હોય – આવા કિસ્સા સ્મરણિકામાં નોંધાયાં છે.

તેમાં એમ પણ જોવા મળે છે કે એક તબક્કે ગુજરાતમાં સમાજશાસ્ત્રના લગભગ બધાં અધ્યાપકો તારાબહેનના વિદ્યાર્થીઓ હતાં. ‘યોગ્ય વિદ્યાર્થીની યોગ્ય જગ્યાએ માત્ર ભલામણ જ નહીં ગોઠવણ પણ તારાબહેને કરી જ હોય’ એમ પીઢ સમાજશાસ્ત્રી વિદ્યુત જોષી લખે છે. તારાબહેને કોઈને ઑપરેશનમાં મદદ કરી હોય, હેમખેમ સુવાવડ કરાવી હોય, લાંબા-ટૂંકા ગાળા માટે કોઈનાં છોકરાં સાચવ્યાં હોય, સગાંને ઘરમાં રાખ્યાં હોય એવાં હવે ઓછાં થતાં પરગજુ કામ પણ છે. સમાજશાસ્ત્રના વરિષ્ઠ અધ્યાપક-અભ્યાસી વિમળ પી. શાહનું આખું જીવન તેમણે કેટલી હદ સુધીની મદદ કરીને ઘડ્યું તે વિમળભાઈએ પોતે જ સ્મરણિકામાં વિગતે વર્ણવ્યું છે. તારાબહેને ઘરના સેવક વર્ગને પોતાનાં બંગલાના પરિસરમાં સમાવી લીધાં હતાં, એટલું જ નહીં પણ તેમની પછીની પેઢીને ભણાવવા ઉપરાંત ઘર પણ માંડી આપ્યાં હતાં.

અમદાવાદના સ્ટેિડયમ વિસ્તારમાં આવેલી પ્રજ્ઞા સોસાયટીના ‘મનીષા’ બંગલાનો ઉલ્લેખ ઘણી વાર આવે છે. તેનો ફળ-ફૂલ અને શાકભાજીથી હર્યોભર્યો બગીચો તારાબહેને કુદરત માટેના લગાવ અને મહેનતથી સીંચ્યો હતો. ‘મનીષા’ તારાબહેનનાં સગાસંબંધીઓ ઉપરાંત અમદાવાદમાં આવતાં દેશપરદેશના અનેક વિદ્વાનો-અભ્યાસીઓ માટે આતિથ્યસ્થાન હતો. અલબત્ત, તારાબહેને આતિથ્ય કે ઉપકાર કરતાં હોવાનો ભાવ અને ભાર ક્યારે ય ઊભો થવા દીધો ન હતો એમ પણ બધાએ લખ્યું છે. વિદ્યુતભાઈ લખે છે : ‘ખેડા જિલ્લાના ધનિક કુટુંબમાં જન્મેલાં તથા પરદેશ રહીને ભણેલાં તારાબહેન ‘અલ્ટ્રા મૉડર્ન’ હશે,  એવી પૂર્વછાપથી જો એમને મળીએ તો ભોંઠાં પડીએ. ગુજરાતી સાડી, ચાંદલો, સાવ સાદી ફ્રેમનાં ચશ્માવાળાં તારાબહેન ગૃહિણી લાગે. હસીને પૂછે : કેમ છો ?’ સમાજશાસ્ત્રના જાણીતા અધ્યાપક ગૌરાંગ જાની નોંધે છે : ‘ગુજરાતમાં સમાજશાસ્ત્રના ઉદ્દભવ અને વિકાસનો ઇતિહાસ તારાબહેનનાં પ્રદાનની ચર્ચા કર્યા વિના લખી જ ન શકાય.’

++++++++

૨૨ ફેબ્રુઆરી ૨૦૧૮

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 23 ફેબ્રુઆરી 2018

Category :- Samantar Gujarat / Samantar