ભાડમાં જાય અા વાર્તા

ચિંતન શેલત
27-03-2013

'વિમર્શ, હું વિચારું છું કે મારું કોઈ આ કવિઓની જેમ તખલ્લુસ રાખી દઉં.'  બાથરૂમમાંથી હળવા થઈ નીકળતાં, સિંક નીચે હાથ ધરતાં મેં કહ્યું. 'આ મારું નામ લેખક તરીકે ચાલે નંઈ, ચિંતન શેલત, ના, આ નામ વાંચીને જ હું ચોપડી પાછી મૂકી દઉં.'

વિમર્શનું શીર્ષાસન ડોલ્યું નહીં

'શબ્દાર્થ ....' મેં કહ્યું, 'કેવું લાગે ? લેખક શબ્દાર્થ.'

વિમર્શ એકદમ ઊભો થઈ ગયો, અને એકદમ ચક્કર આવતા પાછો સુઈ ગયો.

'એક ઈમેજ છે મગજમાં, એવી ધારદાર છે કે જોવાવાળાને લોહી નીકળી આવે,' વિમર્શે પગ લંબાવતા કહ્યું.

ગણીને ૭ મહિના થયા, વિમર્શે એક સારી કવિતા નથી લખી. એમ ભેદી મગજ છે, ગલીનાં નાકે છોકરાઓ રમતા જોઈને એને ભયંકર ગુસ્સો ચડે છે. કહે છે, 'આ એક્કેક છોકરો મરી જવાનો છે થોડાં વર્ષોમાં. આ એમના મા-બાપ ક્યારેય જુવાન હતાં જ નહીં, બાળકમાંથી સીધેસીધા ડોસા થઈ ગયેલાં. માણસ ૨૦ વર્ષનો થાય એ પહેલાં ફરજિયાતપણે પોતાને સવાલ પૂછવા જ જોઈએ કે 'પોતે કોણ છે?, શેના માટે છે? આ એની જાતનું, જીવવું શું છે?, હોવું શું છે?, આ છાતી ધમણની માફક ચાલ્યા કરે છે તો કોઈ કારણ તો હશે ને?'. બસ, જો આટલા સવાલ પૂછતા આવડી જાયને, તો તમને જોતાં આવડી જાય. આ દરેક માણસને બદલે, માનસ દેખતા આવડી જાય. તુ જો આ શબ્દ જ જો, માણસ અને માનસ. આ કવિતા છે ચિંતન, આ કવિતા છે.', પણ આ મૂર્ખો છે વિમર્શ એની કવિતાથી સમાજસેવા કરવા નીકળ્યો છે. જ્યારે પણ આમ લવારીએ ચડે કે હું એક અડબોથ ઝીંકી દઉં ઉઊંધા હાથની એટલે બેસી જાય થોડીવાર.

'કેવી ઈમેજ?'  મેં પૂછ્યું.

'જો, આમ રસ્તા ઉપરથી કીડીઓનો રાફડો જઈ રહ્યો છે, એકદમ કતારબંધ, પેલા એન.સી.સી.વાળા જતા હોય ને એમ. હું બેઠો છું પગથિયે. મારી એક બાજુ એક બહેન બેઠાં છે. વાસણ ઘસે છે, અને બીજી બાજુ એક કૂતરો છે, એક કૂતરી પર ચડેલો.'

'તું ય એક કામ કર, તારું નામ બદલી કાઢ.'

'શું?'

'દુર્બોધ રાખી દે.'

'એ ચલ ચલ, પાંચ વાગ્યા, રીવર ફ્રન્ટ. ટ્રાફિક વધે એ પહેલાં પહોંચી જઈએ. મારે આ કીડીઓની લાઈનને પછીથી થોડી કેઓટિક બનાવવી છે. ત્યાં જઈને થોડું વધુ ખબર પડશે.' , વિમર્શે ઊભા થઈ જીન્સ ચડાવતા કહ્યું.

'અરે, ના યાર, હું પેલી વાર્તા પર કામ કરું છું, આજે ગમે તેમ કરીને પતાવી નાખવી છે.'

'તું ચલ તો ખરો, તને તારું મડદું ય રીવર ફ્રન્ટથી જ મળી જશે.'

વિમર્શે બાઈકની કીક મારતાં જ મને મારા વિચારોમાં ગુમાવી દીધો. એમ મારી વાર્તાનો પ્લોટ આધુનિક છે, પણ મને સારું આગળ કરવું શું એ ખબર નથી પડતી. એક જીનિયસ માણસ છે, સખત બુદ્ધિશાળી. ખૂબ ક્રિયેટીવ. દુનિયાભરનું વાંચન કરેલું છે. પણ એક દિવસ ઉકળાટમાં આવીને એ કોઈકને મારી નાખે છે. બસ આ કોઈક કોણ હોવું જોઈએ? એની સગી મા? ના ના કામવાળી હોઈ શકે ઘરની. એની કોઈ સ્ટુડન્ટ હોઈ શકે? કોઈ મિત્ર પણ હોઈ શકે. પણ આ માણસ એમ છે હોંશિયાર. એ મારી તો નાખે છે કોઈકને અને આખી દુનિયા જોઈ શકે, પણ સમજી ના શકે, એમ બસમાં મૂકી આવે છે, મડદું. અને તમામ લોકો આખો દિવસ બસમાં આ મડદાને જાણે જીવતું હોય એમ જ વાત કરે છે. કો'ક જરા જગ્યા કરવાનું કહે છે. કન્ડક્ટર ટિકીટ પણ માંગે છે. વળી કો'ક માજી પોતાનું વહુપુરાણ પણ સંભળાવી દે છે. પણ કોઈને ખબર નથી પડતી કે આ મડદું છે. પણ મને એ સમજાતું નથી કે પછી ખબર કેવી રીતે પડશે કે આ મડદું છે? હા, એક કામ થાય, રાત પડે આ બસ છેલ્લી શીફ્ટ પતાવી ઊભી રહે ત્યારે બધાને ખબર પડે તો? ના, ના, કોઈને ખબર પાડવી જ નથી. આ મડદાને વર્ષો સુધી ચલાયે રાખો, આ બસમાં. પણ આ મ્યુિનસિપાલિટીની બસોનું કહેવાય નંઈ. ગમે ત્યારે ખોટકાઈને ભંગારમાં જતી રહે, પછી શું? પણ કેમ, મારે બસ જ રાખવી? ટ્રેન રાખું તો? અરે, પણ પછી આ વાંચવાવાળા, હોંશિયાર, ઓપન ટુ ઈન્ટરપ્રીટેશનમાં લટકી જશે. આ ટ્રેન સર્વત્ર છે, આ ટ્રેન યુનિવર્સલ છે. બસ જ રાખો. એકદમ લોકલ, અહીંની, અત્યારની વાત. મિલ મજૂરની વાત. કોલેજિયનની વાત. અમદાવાદની બહાર માંડ જાય.

રીવર ફ્રન્ટ પર બાઈક પાર્ક કરતાં વિમર્શ ઝગડી પડ્યો, સિક્યોરિટી ગાર્ડ જોડે. વિમર્શે ચોખ્ખી ના પાડી કે એ બાઈક લાઈનમાં પાર્ક નહીં કરે. 'કહે છે, બધા ઘેટામાંનો હું ઘેટો નથી. હું આ ચાલાકી જોઉં છું તમારી, હરામખોરો,', આખરે મારે વચ્ચે પડી ગમે તેમ બાઈક પાર્ક કરાવવી પડી. આમ તો કોઈ દિવસ વિમર્શ ઝગડ્યો નથી, આવી રીતે. હશે, કદાચ પેલી કવિતા હેરાન કરતી હશે. એમ વિમર્શ એક જીનિયસ માણસ છે, સખત બુદ્ધિશાળી. ખૂબ ક્રિયેટીવ. દુનિયાભરનું વાંચન કરેલું છે.

પગથિયાં ઊતરતાં, જાણે કંઈ થયું જ નથી એમ એ બોલ્યો,

'જો, મને મારી ઈમેજનું શું કરવું એ ખબર પડી ગઈ. કીડીઓની કતાર છે, કૂતરો-કૂતરી છે, એક બે'ન છે, વાસણ ઘસ્યા કરે છે. અને બીજી જ ક્ષણે ગલુડિયાં થાય છે કૂતરીને, અને તરત જ એ ગલુડિયાં ભરખાઈ જાય છે. કીડીઓ ભરખી જાય છે. પેલા બહેન એમની ધૂનમાં જ વાસણ ઘસ્યે જાય છે, જોરથી, પછાડી પછાડીને. છેવટે બધાં વાસણ ભાંગીને ભૂક્કો. તો ય ઘસ્યા કરે છે કશુંક, કશાક વડે. જરાય ડિસ્ટર્બ થયા વિના. વિચાર્યા વગર. હું બેઠો છું, જોયા કરું છું.'

'તો પછી આ કૂતરીએ કંઈ કર્યું નંઈ એના ગલુડિયાં ભરખાઈ ગયાં તો?'

'નોનસેન્સ, શું કામ કરે? કેવા સવાલો પૂછે છે? આનો જવાબ આપતા મારે અહીં આખી જિંદગી નથી કાઢી નાખવી.'

'ઓકે ચલ, છોડ. આ મારી વાર્તાના પ્લોટનું કંઈક કર યાર.' , મેં પાળે બેસતાં કહ્યું. 'ચલ, જો એક કામ કરું, પેલો જીનિયસ છે ને એ કોઈ પ્રોફેસર છે અને એની કોઈ સ્ટુડન્ટ છે એને એ મારી નાખે છે. અને પછી બસમાં એનું મડદું મૂકી આવે છે, આ કેવું છે?'

'કોપી છે આ તો,', વિમર્શે રુક્ષતાથી કહ્યું.

'શેની કોપી? ગુજરાતીમાં કોઈએ ક્યાં લખ્યું જ છે?'

'યુજીન આયોનેસ્કો, એનું જ એકાંકી છે, 'ધ લેસન' સેમ પ્લોટ છે.'

'હા, પણ એમાં તો એક સ્ટુડન્ટને મારી નાખે છે અને નવો સ્ટૂડન્ટ આવે છે, ત્યાં પ્લે પૂરો, હું તો એનેય આગળ લઈ જાઉં છું.'

આ વિચાર તો વિમર્શને ના ગમ્યો. એ સાચો છે મારે કંઈક તો બદલવું જ જોઈએ. આ વિમર્શ કેટલું સરળતાથી બે લાઈનની વચ્ચેની વાત સમજી જાય છે? મને હું સાવ અભણ રહી ગયો હોઉં એવું લાગ્યું.

પણ સૌથી વધારે ચિંતા મને વિમર્શની છે. બે દિવસથી વાતે-વાતે ગુસ્સે થઈ જાય છે મારવા ઉપર તો ઊતરી જ આવે છે. આ કવિતા જ એને હેરાન કરતી લાગે છે. બસ, એકવાર પતે, એટલે કદાચ એ પાછો નોર્મલ થઈ જશે.

'થઈ ગઈ, થઈ ગઈ મારી ઈમેજ પૂરી.', ધાબેથી ઊતરીને સીધો આવીને બેસી ગયો ટેબલ પર લખવા માટે, વિમર્શ. 'આ આખા ય સમય દરમિયાન હું બેઠો છું, પગથિયે, અને અંતે મારા હાથ લોહી રંગ્યા છે, કદાચ ચાકુ છે હાથમાં અને હાથમાંથી રેલો દડી જાય છે. કીડીની કતાર તૂટે છે, પણ કીડીઓ બ્રિજ બનાવી લે છે, અને લોહી બધું જ નીચેથી પસાર થઈને રસ્તાની પેલી બાજુ, પગ નીચે ..'

'કોના? પગ નીચે?', મેં ડરતા ડરતા પૂછ્યું, ગુસ્સે ના થઈ જાય.

'કોના વળી? તારા જ તો?', વિમર્શે સામે જોયા વગર જવાબ આપ્યો.

એની કવિતા પતી ગઈ પણ ફરક તો પડ્યો નહીં એનામાં, એ વધુ ને વધુ હિંસક થઈ રહ્યો છે. જીનિયસ, વિમર્શ જેવો જીનિયસ આમ વેડફી દેશે એનું ટેલેન્ટ તો? મને થાય છે એની જોડે વાત કરું, પણ એને વધુ ગુસ્સો અપાવવો નથી. એ કંઈ પણ કરી નાખે. એની કવિતા પતી ગઈ, કોઈએ ગણકારી પણ નહીં, મારી વાર્તા, વાર્તા તો અધૂરી જ છે, એણે હજી કોઈનું ખૂન નથી કર્યું, કરશે ખરો. કોનું ખબર નહીં. કોણ હોય? કોઈ છોકરી? કોઈ ભીખારી? કોઈ દુશ્મન? ના, કોઈ નજીક નું હોઈ શકે? કોણ? કોઈ મિત્ર? હોઈ શકે. જે પણ થાય, ભાડમાં જાય આ વાર્તા. 

https://www.facebook.com/#!/cdshelat?fref=ts

Category :- Opinion Online / Short Stories