ગુજરાતી ડાયસ્પોરા અને માતૃભાષાઃ એક સેલ્ફ નેરેટિવ

રંજના હરીશ
29-11-2017

'મારો પહેલો ધણી જમ જેવો હતો. અને મારી સાસુ એનાથી ય ભૂંડી. ડોસી તો મૂઈ ડાકણ જ હતી.' એક હાઈ પ્રોફાઈલ લગ્ન સમારંભના વિશિષ્ટ મહેમાનોના એક્સલુઝીવ ટેબલ પર હું બેઠી હતી અને ત્યાં જલતરંગના લાઈવ સંગીતની મધ્યે મને આ સંવાદ કાને પડ્યો ! અહીં આવા સુસંસ્કૃત માહોલમાં આવી કર્ણકટુ વાત કોણ કરી રહ્યું છે તે જોવા મેં આસપાસ નજર કરી. મારી સાવ પાડોશમાં બેઠેલ ફ્રાન્સથી આવેલ ફેશનેબલ સ્ત્રી સેલમા આ વાત કરી રહી હતી ! તેની પાડોશમાં કદાચ તેની નાનપણની બહેનપણી બેઠેલી હતી. આ ઘઉંવર્ણી, રૂપાળી, ફેશનેબલ સ્ત્રીને મેં બે દિવસથી તેના પતિ, પુત્ર તથા અન્ય ફ્રેન્ચ મિત્રો સાથે ફ્રેન્ચમાં જ બોલતી સાંભળી હતી. અમારો ઉતારો એક જ હોટલમાં હતો. તેથી પ્રસંગના સ્થળેથી ઉતારા પર જવા આવવા માટે અમે એક જ કાર 'શેર' કરી રહ્યા હતા. તેને અંગ્રેજી નહિવત આવડતું હતું એટલે અમારો સંવાદ સાવ મર્યાદિત રહ્યો હતો. તેના વર્ણ પરથી હું એટલું સમજી શકી હતી કે આ સ્ત્રી કદાચ ભારતીય મૂળની હશે. વળી 'સેલમા' નામ પણ ફ્રેન્ચ નહોતું. તેનો ડોક્ટર પતિ તથા 17 વર્ષનો દીકરો બંને શ્વેત હતા. આ દ્વિરંગી પરિવારની નેશનાલિટી અને ધર્મ શો હશે તેના વિશે હું વિચારી રહી હતી. પણ જ્યારે સેલમાને ઉપર પ્રમાણે તળગુજરાતી બોલતી સાંભળી ત્યારે મારા મનનો કોયડો વધુ ગુંચવાઈ ગયો. તે પોતાની સહેલીને કહી રહી હતી, '16 વર્ષની ઉંમરે મારા બાપે મને પૈણાવી દીધી. અને પછી પાછું વળીને જુએ તો હરામ. મારી સાસુ ને ધણી બંને કમજાત. પૈણી તે વરસમાં તો મારા ધણીએ મને મારી મારીને અધમૂઈ કરી નાખેલી ... પણ આ બધું તું નો જાણે. તારા બાપે તને પૈણાવીને ઇન્ડિયા મોકલી દીધેલી.' તળગુજરાતીમાં ઠલવાતી સેલમાની હૈયાવરાળે મને વિચાર કરતી કરી મૂકી. સંપન્ન ડોક્ટર પતિ તેમ જ સોહામણા પુત્ર સાથે હાઈપ્રોફાઈલ ફ્રેન્ચ સુખી પરિવારનું ચિત્ર પ્રસ્તુત કરતી સેલમાનો તેના ગુજરાતીમાં બોલાયેલ સંવાદ સાથે કોઈ મેળ ખાતો નહોતો.

બીજે દિવસે સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર સેલમાને એકલા મળવાનું થયું. આજે પ્રમાણમાં નિરાંત હતી. સમારંભો પતી ગયા હતા અને બપોર પછી મહેમાનોએ વિદાય થવાનું હતું. એટલે મેં વાત શરૂ કરી. 'તમે ગુજરાતી છો ? મેં તમને કાલે રાત્રે ગુજરાતી બોલતાં સાંભળ્યાં તો આશ્ચર્ય થયું !' સેલમાએ ઉમળકાથી જવાબ આપ્યો, ‘હાસ્તો, ગુજરાતી જ છો.'

પછી તો વાતોનો દોર ચાલ્યો અને મને જાણવા મળ્યું કે, સેલમાનાં મા રૂબીના કચ્છ પાસેના કોઈ નાનકડા ગામની હતી. આફ્રિકાના મડાગાસ્કરથી પુત્રવધૂની શોધમાં આવેલા સમૃદ્ધ સસરાજીની પસંદગી પામીને 16 વર્ષની ઉંમરે તે મડાગાસ્કર પહોંચી હતી. અને તેના લગ્ન મડાગાસ્કર ખાતે થયેલા. વતનમાંથી રૂપાળી વહુ લાવ્યાનું સસરાજીને ગૌરવ હતું. કચ્છથી વિદેશ આવેલી વહુ રૂબીના સાસરીના ખોજા પરિવારમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગઈ હતી. 'મારી મા 16 વર્ષની ઉંમરે મડાગાસ્કર આવી તે આવી. સાસરીવાળાઓએ તેને ક્યારે ય ભારત ન આવવા દીધી.' એટલું જ નહીં સમગ્ર પરિવારના બધા જ લોકો મડાગાસ્કરના થઈને જ રહી ગયા. ત્યાં જ જીવ્યા અને ત્યાં જ મર્યા.

મડાગાસ્કરમાં વસતી ગુજરાતી કમ્યુિનટીની જીવન પદ્ધતિ કંઈક વિચિત્ર હતી. ત્રણ પેઢી પહેલાં ભારત છોડીને વિદેશમાં આવીને સ્થિર થયેલ આ ગુજરાતી વેપારી પ્રજાએ જાણે કે તે દેશમાં નાનકડું ગુજરાત વસાવી દીધું હતું. ભાષા, પહેરવેશ, ખોરાક, જીવન પદ્ધતિ તેમ જ મૂલ્યો સઘળુંએ ત્રણ પેઢી પહેલાં અહીં આવીને વસેલ લોકોના પરિવારોએ અકબંધ જાળવી રાખ્યું હતું. ઘરની બહારે ય આ બધા ગુજરાતીઓ મડાગાસ્કરની રીત પ્રમાણે વર્તતા. પણ જેવા દેશી વિસ્તારમાં આવે કે તરત તેઓ નોખી રીતે વર્તતા. 'અમે નાના હતા ત્યારે આ બધું સમજાતું નહીં અને અમે મડાગાસ્કર પદ્ધતિથી જીવવા કજિયો કરતા. અને ત્યારે મા-બાપ કહેતાં, આપણે તો દેસી લોકો છીએ અને આપણે દેસી રીતે જીવવાનું હોય.'

આ દેશીપણાના ભાગરૂપે અન્ય છોકરીઓની જેમ સેલમાને પણ તેના બાપે કોઈ અજાણ કચ્છી ખોજા મૂરતિયા સાથે પરણાવી દીધી. તે બંનેમાં ક્યાં ય કોઈ મેળ નહોતો. સંપન્ન સંયુક્ત કુટુંબમાં રહેલી સેલમા માટે વિધવા માના એકલપેટા, તુંડમિજાજી દીકરા એવા પતિ સાથે રહેવું આકરું હતું. વાતવાતમાં તેને પત્નીને ઢોર માર મારવાની ટેવ હતી અને વળી પતિના ગુસ્સામાં અદેખી સાસુ અગ્નિમાં ઘી હોમવાનું કામ કરતી. પાંચેક વર્ષ સહન કર્યા બાદ સેલમાએ કોઈક રીતે પોતાના પતિને મડાગાસ્કરમાંથી નીકળીને અન્યત્ર ક્યાંક વસવા માટે સમજાવ્યો. અંતે સેલમાનો પતિ પોતાની મા અને પત્નીને લઈને ફ્રાન્સના પેરિસ નગરમાં આવીને સ્થિર થયો. વિશ્વભરના સંસ્કૃિતધામ સમા પેરિસ નગરમાં આવીને વસવા છતાં પતિ મહાશયનું પિતૃસત્તાક વલણ ન જ બદલાયું. પરંતુ એક વાત સારી એ થઈ કે તેમણે પેરિસના ખર્ચાને પહોંચી વળવા પત્ની સેલમાને નાની-મોટી નોકરી કરવાની પરવાનગી આપી. અને આ નોકરીએ સેલમાને પેરિસની સ્વસ્થ અને મુક્ત આબોહવા સાથે પરિચય કરાવ્યો. સાથે કામ કરતી સ્ત્રીઓનાં મુક્ત જીવને તેને પોતાના પીંજરમાં પૂરાયેલ જીવન વિશે સભાન કરી. અને એકાદ વર્ષમાં જ પેરિસના રંગમાં રંગાયેલી સેલમાએ પતિ તથા સાસુની ખોટી દાદાગીરી નહીં સહી લેવાનો નિર્ણય કરી લીધો. ઘણા વાદ-વિવાદ અને ઝઘડા બાદ તેણે પતિથી છૂટાછેડા લઈ લીધા.

નરાધમસમા પતિના સકંજામાંથી છૂટેલ સેલમાએ નર્સિંગના કોર્સ માટે એડમિશન લઈ લીધું. અને કોર્સના એ ગાળા દરમિયાન તેનો પરિચય એક યુવા પેરિસવાસી શ્વેત ડોક્ટર સાથે થયો. આ ફ્રેન્ચ પુરુષની કુલીનતા અને સ્ત્રી દાક્ષિણ્ય જોઈને સેલમાને આશ્ચર્ય થયું. ગુજરાતથી ત્રણ પેઢી પૂર્વે મડાગાસ્કરમાં આવીને વસેલ પુરુષો તથા તેમના પુત્ર-પૌત્રોમાં આ સ્ત્રીએ લેશમાત્ર સ્ત્રીદાક્ષિણ્ય જોયું નહોતું. એ લોકોને મન તો સ્ત્રી તેમની માલિકીની સંપત્તિસમી હતી. જેને ગમે તે રીતે વાપરી શકાય. પરંતુ આ શ્વેત ડોક્ટર તદ્દન જુદો હતો. સેલમાના પૂર્વ જીવન વિશે બધું જ જાણવા છતાં તેણે સેલમાને લગ્ન માટે પ્રપોઝ કર્યું. સેલમાના જીવન માટે આ ધન્ય ક્ષણ હતી. આવા જીવનસાથીની કલ્પના તો તેણે સપનામાં પણ નહોતી કરી. અને બંને પ્રેમીઓ પરણી ગયાં !

પેરિસના સુંદર પરગણામાં આવેલ ડોક્ટરના વૈભવી મકાનમાં નવયુગલે પોતાના નવજીવનનો પ્રારંભ કર્યો. 'લગ્નનાં પહેલાં પાંચ વર્ષમાં જ અમારે ત્યાં બે બાળક જન્મ્યાં. એક દીકરી જે દેખાવે મારા જેવી શામળી છે, અને બીજો દીકરો કે જે મારા પતિ જેવો ધોળો છે.' ઘરસંસાર અને હોસ્પિટલની જવાબદારી નભાવતી સેલમા હવે પૂરેપૂરી ફ્રેન્ચ બની ચૂકી હતી. ઘર અને ઘરની બહાર ફ્રેન્ચ ભાષા સિવાય કશું જ બોલાતું નહોતું. આટલા સુખની વચ્ચે સેલમાને પોતાની માતૃભાષા ગુજરાતી ગુમાવવાનો વસવસો રહેતો.

પણ ત્યાં જ ચારેક વર્ષ પહેલાં પત્ની સાથે મડાગાસ્કરથી પેરિસ આવીને વસેલા સેલમાના પિતાએ આઘાતજનક વર્તન કર્યું. તેમણે 50 વર્ષ પહેલાં ગુજરાતથી મડાગાસ્કર લવાયેલ પત્નીને અચાનક તલાક આપી દીધા ! પેરિસની હવા તેમને એવી લાગી કે તેમણે કોઈ રૂપાળી પેરિશીયન યુવતી સાથે બીજા લગ્ન કરી લીધા. મા સાવ એકલી પડી ગઈ. પરણીને મડાગાસ્કર આવી ત્યારથી તે ઘરમાં રહેવા જ ટેવાયેલી હતી. તેને ગુજરાતી સિવાય કોઈ ભાષા આવડતી નહોતી. પતિની ઇચ્છાવશ પેરિસ આવેલી તેણે પેરિસની દુનિયા ગમતી નહોતી. પરંતુ હવે તે મડાગાસ્કર પાછી જઈ શકે તેમ પણ નહોતી કેમ કે ત્યાં કોઈ સગું નહોતું. આવા વખતે બીચારી મા ક્યાં જાય ?

પત્નીના પરિવારમાં બનેલ આ અઘટિત ઘટનાની ગંભીરતા સેલમાના પતિએ બરાબર સમજી. તેણે એકલી-અટૂલી સાસુને પોતાના ઘરે લઈ આવવાનો નિર્ણય કર્યો, પરંતુ તે પહેલાં પોતાના બંગલાના ગાર્ડનમાં તેમણે એક નાનકડું આઉટહાઉસ બનાવડાવ્યું જેમાં બેડરૂમ, નાનકડા પૂજારૂમ તેમ જ કિચન હતાં. ઘરડા સાસુજીને ડોક્ટર જમાઈએ આજીવન આઉટહાઉસમાં રાખવાની તૈયારી બતાવી.

'માના આવતાંની સાથે જાણે મારી ભાષા મને પાછી મળી ... મારું ગુજરાતી ખાણું મને પાછું મળ્યું. મેં મારા ધણીને પ્રેમથી કહ્યું, 'મને મારી મા અને માતૃભાષા ગિફ્ટમાં આપવા માટે આભાર.' મા ગુજરાતી સિવાય કશું જ બોલતી નથી. તેના રસોડામાં ગુજરાતી ખાવાનું બને છે - ખીચડી, કઢી, આંઢવો, ઢોકળા, રાબ, ઉકાળો હું ને મારો ધણી તેમ જ છોકરાઓ આ બધું ખાવા તેમના રસોડે પહોંચી જઈએ છીએ. મારી સાથોસાથ મારો ધણી અને બાળકો પણ તૂટુંફૂટું ગુજરાતી બોલતા શીખી ગયા છે.'

'મારો આ ધણી તો દેવ છે, દેવ. મારવાનું તો જવા દો એણે મને કદી કાઠા વેણ પણ કહ્યા નથી. અમારા લગનને આજકાલ કરતાં 25 વર્ષ થયાં.' સેલમા લાગણીના પૂરમાં તણાય તે પહેલાં મેં તેને પૂછ્યું, 'તારે ઈશ્વરનો આભાર માનવો હોય તો શું કહીશ ?' એ બોલી, 'દેવ જેવા ધણી મારફત મા અને માતૃભાષા મારા જીવનમાં આજે ય જીવે છે તેને માટે ગોડને થેન્કયુ.'

પેરિસ નગરની એક ફેશનેબલ રજિસ્ટર્ડ નર્સના મોંએ આ શબ્દો સાંભળીને હું મુગ્ધ થઈ ગઈ. હું વિચારી રહી, આ છે ડાયસ્પોરિક જીવનની વાસ્તવિકતા. તથા મલ્ટીપલ ડાયસ્પોરિક પ્રજાનો માતૃભાષા પ્રેમ. ભલેને પછી જે ભાષા સેલમા બોલી રહી હતી તે ત્રણ પેઢી પહેલાંની જૂની પુરાણી ગુજરાતી ભાષા જ કેમ ન હોય !!

તા.ક.

ગમે તેટલા માતૃભાષા અભિયાન, સંમેલનો કે ગોષ્ઠીઓ ભલેને થાય પરંતુ આવા અભિયાનની સફળતા તો સેલમા જેવી એકલપંથી માતૃભાષા પ્રેમી વ્યક્તિઓના પ્રયત્નોમાં જ છે.

e.mail : [email protected]

સૌજન્ય : ‘અંતર્મનની આરસી’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, જુલાઈ 2017  

Category :- Diaspora / Features