પહેલી ગુજરાત રાજકીય પરિષદ — ગોધરા : ૧૯૧૭

અરુણ વાઘેલા
17-11-2017

કોઈ પણ દેશના સ્વતંત્રતા-આંદોલનમાં પ્રજામતને સંગઠિત કરવાનું કાર્ય રાષ્ટ્રવાદી સંસ્થાઓ કરે છે. ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં રાષ્ટ્રીય કક્ષાએથી લઈ સ્થાનિક સ્તર સુધીની સંસ્થાઓની ભૂમિકા તેનાં ઉમદાં ઉદાહરણો છે. ૨૦મી સદીમાં થયેલાં ભારતીય આંદોલનમાં અખિલ હિંદ કક્ષાએ રચાયેલાં સંગઠનોની સાથે પ્રાદેશિક સંગઠનોની પણ ખાસ ભૂમિકા હતી. ઉદાહરણ તરીકે ગુજરાતમાં હિંદી રાષ્ટ્રીય મહાસભા (૧૮૮૫) પૂર્વે પ્રજાઉપયોગી કાર્યો અમદાવાદ એસોસિયેશન (૧૮૭૨) અને ગુજરાત સભા (૧૮૮૪) જેવી સંસ્થાઓ કરતી હતી. ૨૦મા સૈકાની શરૂઆતમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક કક્ષાનાં સંગઠનોની સંખ્યા અને ગુણવત્તામાં ઘણો વધારો થયો હતો. આ શૃંખલામાં ગુજરાતમાં યોજાયેલી રાજકીય પરિષદો (૧૯૧૭-૧૯૨૬) એ ઘણું અગત્યનું સ્થાનિક સંગઠન હતું. અત્રે નવેમ્બર ૧૯૧૭ માં ગોધરા ખાતે યોજાયેલી પહેલી રાજકીય પરિષદના ઐતિહાસિક મહત્ત્વ વિશે વાત કરવામાં આવી છે, જેમાં પરિષદની પ્રવૃત્તિઓ, તેની પ્રવૃત્તિઓને પરિણામે ગુજરાતમાં આવેલી પ્રજાકીય જાગૃતિ, ગાંધીજી, સરદાર પટેલના નેતૃત્ત્વનો વધેલો વ્યાપ, પછાત પંચમહાલમાં આવેલી રાજકીય જાગૃતિ વગેરે મુદ્દાઓ ચર્ચાના ખાસ કેન્દ્રમાં લીધા છે.

પ્રાસ્તાવિક :

પહેલી ગુજરાત રાજકીય પરિષદ ૩, ૪, ૫ નવેમ્બર ૧૯૧૭ના દિવસોમાં પંચમહાલના પાટનગર ગોધરા મુકામે મળી. પરિષદોના ઇતિહાસમાં અહીં તેનું પહેલું અધિવેશન હતું. તેથી પહેલી પરિષદની પ્રવૃત્તિઓ પર જતાં પહેલાં પરિષદની સ્થાપનાના ઇતિહાસ પર નજર નાખવી જરૂરી બનશે :

“સૌપ્રથમ તો ગોધરાના કેટલાક ગૃહસ્થોનો એવો વિચાર હતો કે મુંબઈ ઇલાકાની પ્રાંતિક કૉન્ફરન્સ ભરવી, પરંતુ એ સંબંધમાં મતભેદ પડતાં એ વિચારને બાજુ પર મૂકવાની ફરજ પડી. એ પછી હિંદી સેવક - સમાજવાળા રા. અમૃતલાલ વિ. ઠક્કર(ઠક્કરબાપા)ની સૂચનાને અનુસરી બધા જિલ્લાઓને ગુજરાત રાજકીય પરિષદ ભરવાના સંદર્ભમાં તેમનો શો અભિપ્રાય છે, તે પૂછવામાં આવ્યું. સુરત સિવાયના અન્ય જિલ્લાઓએ તેમ કરવા તરફ પસંદગી દર્શાવી, પછી પ્રાંતિક સમિતિને પૂછવામાં આવ્યું. તેનો એ કમિટીએ એવો જવાબ આપ્યો કે . . . કૉંગ્રેસના બંધારણના ધારાધોરણમાં કોઈ નિયમ નહીં હોવાથી તેઓ એવી રીતે ગુુજરાત રાજકીય પરિષદ ભરવાની છૂટ આપી શકે નહીં. એ વિશે કેટલોક પત્રવ્યવહાર ચાલ્યા પછી પ્રાંતિક કૉંગ્રેસ કમિટીના સેક્રેટરી રા. નારાયણ મહાદેવ સમર્થને મળીને પરિષદ ભરવાની ગોઠવણ કરવામાં આવી.” આમ, પ્રારંભિક અવરોધો પછી રાજકીય પરિષદનું અસ્તિત્વ નક્કી થયું. ગોધરામાં પરિષદ ભરવા પાછળ અહીંના સ્થાનિક આગેવાનો વામનરાવ મુકાદમ અને મણિલાલ મહેતાનો ઉત્સાહ જવાબદાર હતો.

ગુજરાત રાજકીય પરિષદનું કાર્યક્ષેત્ર ગુજરાત પૂરતું સીમિત રહેવાનું હતું, છતાં પહેલી પરિષદમાં લોકમાન્ય ટિળક, વરાડના રાજા કહેવાતા ખાપરડે અને મહંમદઅલી ઝીણા જેવા અખિલ હિંદ સ્તરના નેતાઓ ઉપસ્થિત હતા. તેઓની હાજરીમાં ગાંધીજી પહેલી રાજકીય પરિષદના પ્રમુખ બન્યા. ગાંધીજીનું પ્રમુખ બનવું એ સવિશેષ ઉલ્લેખનીય છે, કારણ કે તેમની દક્ષિણ આફ્રિકાની સફળતાની વાતો હજુ પૂરા ગુજરાતના કાને પહોંચી ન હતી. આ સમયે તેમની પાસે એક માત્ર ભાથું કહી શકાય તેવી બાબત ૧૯૧૭માં ચંપારણના સત્યાગ્રહની સફળતા હતી. એ સંદર્ભમાં પરિષદ ગાંધીજીના રાજકીય વિચારોના ફેલાવા માટે મદદરૂપ નીવડી શકે તેમ હતી અને બન્યું પણ તેવું જ.

* ગુજરાત રાજકીય પરિષદની કાર્યવાહી :

તા. ૩ નવેમ્બર, ૧૯૧૭ના બપોરે બે વાગ્યે ૫૦૦ સ્ત્રીઓ સહિત ૧૦,૦૦૦ ના જનસમૂહ વચ્ચે ગાંધીજીએ પરિષદનું પ્રમુખસ્થાન સંભાળ્યું. વૈચારિક નમ્રતા અને અડગતા સાથે પ્રમુખીય ભાષણમાં કહ્યું કે “મને આ ઉચ્ચ પદ આપ્યું તેને સારું હું આપ સહુનો આભાર માનું છું. અહીંના રાજકારણમાં હું અઢી વર્ષનું બાળ છું. (ગાંધીજી ૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ ભારત આવ્યા. તે સંદર્ભમાં આ વાત કહેવાઈ છે). દક્ષિણ આફ્રિકાના મારા અનુભવ ઉપર હું અહીં વ્યાપાર નથી કરી શકતો. આવી સ્થિતિમાં મારે આ પદ સ્વીકારવું કેટલેક અંશે ઉદ્ધતાઈ ગણાય એમ જાણું છું, છતાં આપની અનહદ પ્રીતિને વશ થઈ મેં આ પદનો સ્વીકાર કર્યો છે ... મારી જવાબદારી હું સમજુ છું. આ પરિષદ ગુજરાતમાં પહેલી જ છે, સમસ્ત હિન્દુસ્તાનને સારુ આ સમય ઘણો બારીક છે. સામ્રાજ્યને કદી ન હતી તેવી ભીડ છે. (આ સમયે પ્રથમ વિશ્વયુદ્ધ (૧૯૧૪-૧૮) ચાલી રહ્યું હતું. આ વિધાનમાં ગાંધીજીની બ્રિટિશ રાજભક્તિ સ્પષ્ટ જણાય છે). મારા વિચારો સામાન્ય પ્રવાહની તદ્દન વિરુદ્ધ વહેતા નથી. કેટલાક વિરુદ્ધ દિશામાં વહેતા હોય એવો આભાસ મને આવે છે . . . મારા વિચારોને સારુ એટલું જ કહીશ કે તે આજકાલના નથી, પણ ઘણાં વર્ષો થયા બંધાયેલા છે. તેની ઉપર મોહિત છું ને અઢી વર્ષના અનુભવે તેમાં ફેરફાર નથી.”

પ્રમુખ તરીકેનું ગાંધીજીનું ભાષણ સર્વગ્રાહી કક્ષાનું હતું. સાંસ્થાનિક સ્વરાજ્ય (Dominion Status)ની માંગણીના ભાવ સાથે ગોવધની ચિંતા, ગૌરક્ષાની મહત્તા, સ્વદેશી-પ્રચાર, ધર્મ-કર્મની સ્વચ્છતા, કેળવણી વગેરે મુદ્દાઓ પર પોતાના વિચારો મૂકવા સાથે તેમણે સ્વરાજ્ય બાદના આશાસ્પદ હિંદુસ્તાનની કલ્પના પણ કરી.

ગોધરાની પરિષદ એ ગુજરાત રાજકીય પરિષદોના ઇતિહાસમાં પહેલી હતી. તેથી તેમાં સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય સમસ્યાઓ અને તેના ભાવિ નિરાકરણને જાહેરમંચ પર મૂકવાનો સુંદર પ્રયત્ન થયો હતો. પરિષદની કાર્યવાહીમાં ૨૫ જેટલા ઠરાવો રજૂ થયેલા. ઇન્દુલાલ યાજ્ઞિકની નોંધ મુજબ બધા ઠરાવો ગાંધીજીની દેખરેખ નીચે તૈયાર થયા હતાં.

પહેલી રાજકીય પરિષદના ઠરાવોનો અભ્યાસ કરતા તેમાં ત્રણ પ્રકારના ઠરાવો મુખ્ય હતા :

૧. રાષ્ટ્રીય ભાવના અને પ્રજાની માંગણીઓ રજૂ કરતા ઠરાવો.

૨. ખેડૂતોના હિતલક્ષી ૧૦ ઠરાવો.

૩. પંચમહાલની સ્થાનિક સમસ્યાઓને અભિવ્યક્ત કરતા ઠરાવો.

આ ઠરાવોના પ્રતિસાદને નિરૂપતા ઇન્દુલાલ યાજ્ઞિક નોંધે છે કે “મુંબઈના મારા વિદ્વાન મિત્રોની વિવિધરંગી વાગ્ધારા પૂરબહારમાં વહી તેનું રસપાન કરતાં હજારો શ્રોતાઓ તાળીઓનાં ગડગડાટથી મંડપ ગજવતા થયા.” ટૂંકમાં, રાજકીય પરિષદની પ્રવૃત્તિઓ ગુજરાતમાં નવજાગરણનો સંદેશ આપતી હતી.

* સંસારસુધારા પરિષદ :

નવેમ્બર-૧૯૧૭માં ગોધરામાં રાજકીય પરિષદની સાથે સંસારસુધારા પરિષદ પણ મળી હતી. રાજકીય પરિષદ સાથે મળેલી સંસારસુધારા પરિષદને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સહાયક સંસ્થા Indian National Social Conference જેવો પ્રયોગ લેખી શકાય. પ્રારંભમાં સંસારસુધારા પરિષદનું વાતાવરણ આશાસ્પદ ન હતું. એ એટલે સુધી કે સ્થાનિક આગેવાનો પરિષદનો મંડપ પણ સંસારસુધારા પરિષદના કામ માટે વાપરવા દેવા તૈયાર ન હતાં.૪-અ પરિષદનાં પ્રમુખ શારદાબહેન મહેતા હતાં. પરિષદમાં ગુજરાતના આજીવન સમાજસુધારકો જેવા કે પ્રાણલાલ કીરપાભાઈ દેસાઈ, રમણભાઈ નીલકંઠ, ગટુભાઈ અને દાક્તર સુમન્ત મહેતા ઉપસ્થિત હતા. સંસારસુધારા પરિષદની ભૂમિકા આપતા ‘સમાલોચક’ માસિક નોંધે છે કે ‘જે પ્રમાણે રાજકીય સુધારાની આવશ્યકતા છે, તે જ પ્રમાણે સામાજિક સુધારાની આવશ્યકતા છે. બંને એકમેકથી જુદા પાડી શકાય તેમ નથી. તેથી તે પ્રસંગનો લાભ લઈને આ બાબતનો વિચાર કરવો, તે હિલચાલને કાંઈક નવીન દિશામાં વાળવા આ સામાજિક પરિષદનો વિચાર કરવામાં આવ્યો છે.’ આ પરિષદમાં લગભગ છથી સાત હજાર શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.૫-અ

ગુજરાતમાં પ્રારંભિક સ્ત્રીઉત્કર્ષ-પ્રવૃત્તિઓના પ્રણેતાઓ પુરુષો હતા, જ્યારે અહીં સ્ત્રીઓના પ્રશ્નો માટે આરંભાયેલી પરિષદમાં એક કેળવાયેલી સ્ત્રી નેતૃત્વ કરી રહી હતી. એ રીતે ‘સ્ત્રીઓનો ઉદ્ધાર સ્ત્રીઓ થકી’ દ્વારા સમાજસુધારણાની પ્રવૃત્તિઓને એક નવી દિશા મળતી જણાય છે. જો કે શારદાગૌરી અને વિદ્યાબહેન નીલકંઠ જેવાં સ્ત્રી-સુધારકોને બાદ કરતાં પુરુષ સુધારકો અહીં પણ બહુમતીમાં હતા. છતાં શારદાબહેનનું પ્રમુખ બનવું સ્ત્રીસમાજ માટે આશ્વાસનરૂપ બનવા ઉપરાંત ભાવિ સ્ત્રીઉત્થાન - પ્રવૃત્તિઓ માટે આશાસ્પદ બની શકે તેમ હતું. પોતાના પ્રમુખીય ભાષણમાં સદીઓથી ગુલામી અવસ્થામાં જીવી રહેલી સ્ત્રીઓની વકીલાત કરતાં તેમણે કહ્યું હતું કે “સામાજિક વ્યવહારમાં સ્ત્રીઓનો હાથ એટલો બધો હોય છે કે પુરુષ એકલે હાથે ગમે તેટલું કરવા માંગે તો પણ થઈ શકે નહીં. વ્યવહારમાં સ્ત્રીનો હિસ્સો ઘણો જ છે, તે વાત ભૂલી જવાય છે અને સ્ત્રીઓને તો માત્ર પ્રજા ઉત્પન્ન કરવાનું સાધન, લાગણીવાળી નોકર અથવા નવરાશનું રમકડું ગણવામાં આવે છે. ... તમારાં ભાષણોમાં આર્યાવર્તની સ્ત્રીને વિશે શાસ્ત્રકારોના શ્લોકો બોલો છો, લોકો તાળીઓ પાડે છે, મનુ ને નેપોલિયનના શબ્દો બોલીને, સાંભળીને થાકી ગયા પણ જેવું તે આદર્શ ગૃહસંસારમાં, વ્યવહારમાં મૂકવાનો વખત આવે છે, ત્યારે વાત બદલાઈ જાય છે. સ્ત્રીઓ કંઈક જાણવા માગે છે, માથું ઊંચું કરે છે, તો તેને દાબી દો છો, સ્ત્રીઓ પણ મનુષ્ય છે, એ વાત તમને યાદ રહેતી નથી, એટલે તેને રહેંસી નાંખવામાં, કચરી નાંખવામાં જ તમે મોટાઈ માનો છો, પરંતુ હવે દિવસો બદલાવા માંડ્યા છે. જેમ તમે તમારી વિવેકશક્તિ પ્રમાણે ચાલવાના હક્ક માંગો છો, તે પ્રમાણે સ્ત્રીઓમાં પણ કુદરતી સ્વમાનની લાગણી રહેલી છે. તેનો પણ વિચાર કરવાનો છે.”

શારદાબહેન મહેતાનું ભાષણ અનેક વિષયોની સ્વતંત્ર ચર્ચા કરનારું અને રાષ્ટ્રવાદી દૃષ્ટિકોણવાળું હતું. તેમણે સ્ત્રીઓની પરાધીન અવસ્થા માટે પુરુષપ્રધાન સમાજ સામે તહોમતનામું મૂકી પોતાના વિચારો મર્યાદિત ન રાખ્યા, પરંતુ સ્ત્રીઓ અને સમાજ સાથે સંકળાયેલી સમસ્યાઓ જેવી કે સ્ત્રી કેળવણી, જ્ઞાતિબંધન, પરદેશગમન, તાત્ત્વિક અને રડવા-કૂટવાનો રિવાજ, લગ્ન-મરણના ખર્ચ, સમાજસેવા જેવી બાબતોની તાત્ત્વિક અને વ્યાવહારિક સ્તરે ચર્ચાઓ કરી. સાથે આશાસ્પદ સ્ત્રીઉત્કર્ષ-પ્રવૃત્તિઓ માટે પત્રિકાઓ, ઑફિસ, મુખપત્રો, વ્યાખ્યાનો વગેરે જેવાં સાધનોનો વ્યાપક ઉપયોગ કરવા પણ સૂચવ્યું. સ્ત્રીઓ પણ સમાજસુધારાની પ્રવૃત્તિઓમાં સંકળાય એ તેમનું અગત્યનું દિશાસૂચન હતું. શ્રી યાજ્ઞિકે શારદાબહેનના ભાષણને બિરદાવતા લખ્યું કે “તેમના (શારદાબહેન) જુસ્સાદાર બોલ જેટલા ખરાવાદી હતા, તેટલા જ સર્વને ચાનકરૂપ હતા, સામાજિક પરિષદના પ્રમુખનાં, સ્ત્રીઓની પરાધીન દશા વિશેનાં આવાં કડવા વચનોથી અને સમાજસુધારા માટે સત્યાગ્રહનો સોનેરી માર્ગ લેવાનો આગ્રહ કર્યો, તેથી આ પરિષદના માહાત્મ્યમાં ઘણો વધારો થયો.” આ સાથે ‘સમાલોચકે’ સંસારસુધારા પરિષદનું કરેલું મૂલ્યાંકન પણ નોંધપાત્ર છે. : “ઠરાવો એકંદરે ગુજરાતની સ્થિતિ ધ્યાનમાં લઈ ઘડવામાં આવેલા હતા તેમ તે ઉપર બોલનાર સ્ત્રીપુરુષોનાં ભાષણો પણ એકંદરે સંતોષ આપે તેવાં હતાં. સામાન્ય રીતે સંસારસુધારા પરિષદ બહુ લોકપ્રિય લેખાતી નથી, છતાં હાજરી ઘણી મોટી હતી.” આમ, રાજકીય પરિષદની જેમ જ પ્રારંભે અવઢવમાં રહેલી સંસારસુધારા પરિષદ પણ સફળતાપૂર્વક સંપન્ન થઈ. હવે તેનું ક્ષેત્ર વધુ વિસ્તરવાનું હતું.

* અંત્યજ-મેળાવડો :

પહેલી રાજકીય પરિષદ પછી સંસારસુધારા પરિષદ અને તેથી આગળ તેનું કાર્યક્ષેત્ર વિસ્તરીને અંત્યજ, પરિષદમાં પરિણમ્યું હતું. જો કે રાજકીય પરિષદના આયોજનમાં અંત્યજોને લગતી કોઈ વાત ન હતી. એ રીતે અંત્યજ પરિષદ એ રાજકીય પરિષદની આડપેદાશ ગણી શકાય. મૂળ તો સંસારસુધારા પરિષદ દરમિયાન તેનાં પ્રમુખ શારદાબહેન મહેતાએ અસ્પૃશ્યતાના એક ઠરાવ ઉપર ગાંધીજીને બોલવા કહ્યું. એના જવાબમાં ગાંધીજીએ એટલું જ કહ્યું કે, “અસ્પૃશ્યતા નિવારણની બાબતમાં મારાથી જે કાંઈ થોડું થાય તે કર્યા કરું છું. મારા વિચારો જેણે વિગતવાર જાણવા હોય તે હું સાંજે અંત્યજવાડામાં જવાનો છું ત્યાં સાંભળવા આવે.”૧૦ આમ, શારદાબહેન મહેતા અને ગાંધીજીના સંવાદમાં અંત્યજ પરિષદનું બીજ પડ્યું હતું.

તા. ૫, નવેમ્બર ૧૯૧૭ની રાત્રે ગોધરામાં મળેલી અંત્યજ-પરિષદની વાત કરતાં પહેલાં તત્કાલીન અસ્પૃશ્યતા અને અસ્પૃશ્ય સમાજની ચર્ચા કરવી જરૂરી ગણાશે, કારણ કે ગુજરાત અને પંચમહાલના અસ્પૃશ્યોની સ્થિતિ સમજાય તો જ અંત્યજ-પરિષદની જરૂરિયાત અને કાર્યક્ષેત્રને સમજી શકાય તેમ છે

૧૯મી સદીમાં ઉજળિયાત વર્ણનું અસ્પૃશ્યો પ્રત્યેનું અમાનવીય વલણ-વર્તન એ એક ઐતિહાસિક હકીકત છે. ૨૦મી સદીના પ્રારંભે પણ અસ્પૃશ્યોની વકીલાત કરનારા આંગળીએ ગણી શકાય તેટલા જ હતા. તેમનાં દુઃખ-દર્દનો હૃદયભેદક ચિતાર એક ગીતમાં વ્યક્ત થયો છે. જેમાં અસ્પૃશ્યતાથી કંટાળેલો, હડધૂત થયેલો અસ્પૃશ્ય કહે છે :

“મનખો આવો તે બાપ ! શેં દીધો રે રામ (૨)
એને પડછાયે દેહ અભડાય,
મારા હૈયાની હાય સાંભળો રે,
અંધારી રાત કાળી મેઘલી રે રામ,
એથી ભૂંડો મારો અવતાર-મારા.
એથી ભલ્લેરી જંતુજમાત-મારા.
સુખદુઃખનું ભાન બાપ ! શેં દીધું રે રામ?
મારા હૈયાની હાય કોઈ સાંભળો રે રામ-મારા.”
૧૧

૧૯મી સદી સમાજપરિવર્તનની સદી ગણાતી હોવા છતાં તે દરમિયાન થયેલા સુધારાઓ અસ્પૃશ્યો સુધી પહોંચી શક્યા ન હતા. આ જ મતલબનું ઇતિહાસકાર મકરન્દ મહેતાનું વિધાન નોંધપાત્ર છે : “સામાન્ય રીતે જ્યારે આપણે સામાજિક સુધારાનું વિશ્લેષણ કરીએ છીએ, ત્યારે આપણે જાણ્યે અજાણ્યે સમાજના ઉચ્ચ વર્ણો અને જ્ઞાતિઓનાં મૂલ્યોને જ લક્ષમાં લઈએ છીએ, અથવા તો આપણે ઉચ્ચ જ્ઞાતિઓનાં રીતરિવાજો અને સામાજિક વલણોમાં થયેલા પરિવર્તનને ‘ગુજરાતના પરિવર્તન’ તરીકે અનુમાની લઈએ છીએ.”૧૨ આમ, ૧૯મી સદીનાં પરિવર્તનો પછી અને ગાંધીયુગના પ્રારંભે પણ ગુજરાતના અસ્પૃશ્યોની સ્થિતિ દયાજનક હતી. મામા ફડકેએ આત્મકથામાં ગોધરાના હરિજનોની દયનીય સ્થિતિને નિરૂપી છે.૧૩

ગોધરાના કપરા સામાજિક વાતાવરણ વચ્ચે, રસ્તે આવેલા હરિજનવાસમાં એક મોટી સભા ભરાઈ. સવર્ણો પોતાના મહોલ્લામાં આવવાના છે, તેવું જાણ્યા પછી હરખાયેલા તેઓએ પોતાના વાસને હાર-પતાકાથી શણગારી દીધો, પરંતુ આગેવાનોનો આવવાનો સમય થયો, ત્યારે તેઓની મૂંઝવણ વધી, અને એ હતી કે ‘આપણે તેમની સાથે ન બેસી શકીએ’. થોડી ચર્ચા-વિચારણા પછી નક્કી થયું કે ‘ઉજળિયાત વર્ણ આપણા મહોલ્લામાં આવે, ત્યારે આપણે બધાએ પોતપોતાના છાપરા પર ચડી જવું અને ગાંધી મહાત્માનું ભાષણ પણ ત્યાં બેસી સાંભળવું.’ તેઓ આવું વર્તન કેમ કરતા હતા, તેનાં કારણો પણ ગોધરાના ઇતિહાસમાં પડેલાં હતાં.૧૪ સામાજિક અત્યાચારો અને પોતાની સદીઓ જૂની માનસિકતા વચ્ચે જીવતાં ગોધરાના અંત્યજો સવર્ણોના આગમન સમયે ‘ઘર (છાપરા) પર ચડી જાય’ તેમાં કશું અજુગતું ન હતું. શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકે ગોધરાના હરિજનવાસમાં ભરાયેલી સભાનું તાદૃશ્ય વર્ણન કર્યું છે. “પ્રજાની સૌથી વધુ કચડાયેલી અછૂત જાતિના ઉદ્ધાર વિશે રાજકીય પરિષદે ખાસ ઠરાવ ન કર્યો પણ તેનો સાક્ષાત સંપર્ક સાધવા છેલ્લા દિવસની રાત્રે મામા ફડકે અને ઠક્કરબાપાના પ્રયાસથી એક ઐતિહાસિક સભા ગોધરા ખાતે ભરવામાં આવી.”૧૫ આ સભા તાત્કાલિક તો મેળાવડા અને ભાષણોની રીતે તો ઐતિહાસિક હતી, કારણ કે ગાંધીજી પૂર્વે કોઈ સમાજસુધારકે ક્ષેત્રકાર્ય (Field Work) દ્વારા અસ્પૃશ્યોની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો ન હતો. ખરેખર આ નવતર શૈલી હતી, જે પાછળથી અનુકરણીય પણ બની હતી.

પરિષદમાં ગાંધીજીનું ભાષણ સૈકાઓથી સમાજના અત્યાચારોના ભોગ બનેલા અંત્યજો પ્રત્યે પ્રાયશ્ચિત્તરૂપ હતું. તેમણે કહ્યું કે, “અંત્યજોનો એક જુદો વર્ગ હોય એ હિંદને માથે કલંક છે, નાત-જાત એ બંધારણ છે, પાપ નથી પણ અસ્પૃશ્યતા એ તો પાપ છે, સખત ગુનો છે અને હિંદુસ્તાન જો આ નાગનો વેળા છતાં નાશ નહીં કરે, તો એ એને ભરખી જશે. અસ્પૃશ્યોને હિંદુ ધર્મથી અળગા હરગિજ ન માનવા જોઈએ. તેમની સાથે હિંદુ સમાજના પ્રતિષ્ઠિત માણસો તરીકે વર્તન કરવું જોઈએ.” માત્ર ભાષણની રીતે નહીં, પરંતુ અંત્યજ-મેળાવડાનું પણ પોતાને મન કેટલું માહાત્મ્ય હતું, તેનો ખ્યાલ તેમના આ શબ્દોમાં આવે છે. : “રાજકીય પરિષદમાં ઈશ્વર હતો કે નહીં તેની ખબર નથી. પણ મને ખાતરી છે કે અહીં તો છે જ. હું અહીં લાંબું ભાષણ કરવા નથી આવ્યો, હું તો એક દાખલો બેસાડવા આવ્યો છું. સમાજસુધારા વિશે આવો દાખલો બીજે નહીં મળે.”૧૬ ક્ષેત્રકાર્ય દ્વારા અસ્પૃશ્યોની સ્થિતિ જાણવાનો પ્રયત્ન અને હિંદુ સમાજના પ્રાયશ્ચિતરૂપ ભાષણ વગેરે અસ્પૃશ્યતા નિવારણના ઇતિહાસમાં ઉત્તમ પગલું હતું. જો કે તેમના આ પ્રયોગની આકરી ટીકા પણ થઈ હતી. ‘ગુજરાતી’ નામના પત્રે ગાંધીજીની ટીકા કરી નર્મદાશંકરની (કવિ નર્મદ) જેમ ગાંધીજીનું પણ હૃદયપરિવર્તન થશે, એવી આગાહી કરી હતી, જેનો જવાબ ગાંધીજીએ આ રીતે આપેલો : “મારી ધાર્મિક જવાબદારી પૂરી સમજીને હું હિલચાલમાં ભાગ લઉં છું. કાળ જતાં નર્મદાશંકરની જેમ વિચારો બદલાય, તેવું ભવિષ્ય મારે વિશે પણ એક ટીકાકારે ભાખ્યું છે. જો તેવો સમય આવે તો તે વેળા મેં હિંદુ ધર્મનો, ધર્મમાત્રનો જ ત્યાગ કર્યો સમજાશે. હિંદુ ધર્મને ઉપર્યુક્ત કલંકમાંથી છોડાવતા આ દેહ પડે તો પણ તેમાં વિશેષ કશું નથી, એવી મારી દૃઢ માન્યતા છે. જે ધર્મમાં નરસિંહ મહેતા ઇત્યાદિ થયા છે, તે ધર્મમાં અસ્પૃશ્યતાને અવકાશ ન હોય.”૧૭ આમ, ક્રાંતિકારી વિચારો, ક્રાંતિકારી કાર્ય અને અસ્પૃશ્યતાનિવારણના આશાસ્પદ ભાવિ સાથે અંત્યજનાં મેળાવડો સંપન્ન થયો.

* પહેલી રાજકીય પરિષદના લેખાંજોખાં :

તા. ૫ નવેમ્બર ૧૯૧૭ના રોજ પહેલી રાજકીય પરિષદ પૂરી થઈ. તેની છાયામાં સંસારસુધારા પરિષદને પણ બળ મળ્યું અને આડપેદાશ રૂપે અંત્યજ-પરિષદનું બીજ નંખાયું. ઉપર્યુક્ત ત્રણે ય પરિષદોના ઠરાવો, કાર્યવાહી નવતર પદ્ધતિનાં હતાં. કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિનું મૂલ્યાંકન તેની અસરો કે પ્રતિસાદમાં જોવાવું જોઈએ. ગુજરાતનાં રાજકારણ અને સમાજકારણમાં રાજકીય પરિષદે લાંબાગાળા અને ટૂંકા ગાળાની ઘણી અસરો મૂકી હતી, જે નીચે મુજબ જોઈ શકાય :

(૧)  પહેલી રાજકીય પરિષદમાં, ગાંધીજીએ રાજનિષ્ઠાના ઠરાવની બાદબાકી કરી. ઈ.સ. ૧૯૧૭ સુધી હિંદમાં કૉંગ્રેસ અને અન્ય મેળાવડાઓની શરૂઆત Long live the Emperory અર્થાત્‌ રાજનિષ્ઠા કે બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યેના વફાદારીના ઠરાવથી થતી. આ શિરસ્તો, ગાંધીજીએ ગોધરામાં તોડ્યો. રાજનિષ્ઠાના ઠરાવનો છેદ ઉડાવતા તેમણે કહ્યું કે “જેના રાજ્યમાં રહીએ છીએ, તેના રાજનિષ્ઠ છીએ, પત્ની પતિને હું વફાદાર છું એવું કંઈ કહેતી હશે ? બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યેની વફાદારીમાં તમારા કોઈના કરતા હું ઊતરું એમ નથી, પણ કશા કારણ વગર એવો ઠરાવ પસાર કરીને આપણે આપણી લઘુતા દેખાડીએ છીએ. અંગ્રેજો કંઈ એમની પરિષદોનો પ્રારંભ આવા ઠરાવથી કરતા નથી.”૧૮ રાજનિષ્ઠાના ઠરાવની બાદબાકીના સંદર્ભમાં ગોધરા પરિષદ પાછળથી રાજકીય પરિષદો અને કૉંગ્રેસનાં અધિવેશનોમાં ઉદાહરણરૂપ બની હતી. એ રીતે ગોધરા પરિષદ ગુજરાત અને ભારતના રાજકીય પરિવર્તનમાં ઉદાહરણરૂપ બની હતી.

(૨) ગાંધીજીના નેતૃત્વને રાષ્ટ્રવ્યાપી બનાવવામાં પરિષદની ખાસ અગત્યતા હતી. ૧૯૧૭માં ગાંધીજીના નેતૃત્વમાં લોકમાન્ય તિલક અને ઝીણા જેવા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ બેઠા હતા. એ રીતે ગાંધીજીની નેતાગીરી માટે આ એક અગત્યનું પગથિયું હતું. શ્રી સુમન્ત મહેતા નોંધે છે કે “સાંસારિક પરિષદમાં ગાંધીજી અસ્પૃશ્યતા પર બોલેલા અને વિષયાંતર કરી તેમણે વિધવાવિવાહના પ્રશ્ન પર કાંઈ ટીકા કરી હતી. ચંદ્રશંકરે પૉઈન્ટ ઑફ ઑર્ડર ઉઠાવ્યાથી પ્રથમ પરાજંપેએ ગાંધીજીને રોકેલા. આ નાની હકીકત હું લખું છું એટલું બતાવવા માટે કે ઈ.સ. ૧૯૧૬ની આખર સુધીમાં ગાંધીજીની પ્રતિષ્ઠા એવી જામી ન હતી કે એ કાંઈ બોલે તે ડહાપણ ને છેલ્લો શબ્દ ગણાય.” આગળ નોંધ્યું છે કે દેશમાં જે ઉત્સાહ અને બળ હતાં તેને ગાંધીજીએ જુદી દિશામાં વાળ્યાં અને પ્રજામાં વધારે બળનો સંચાર થયો.૧૯ ગોધરા-પરિષદમાં ગાંધીજીનું પ્રમુખપદ એ સંદર્ભમાં પણ ઉલ્લેખનીય છે કે ઈ.સ. ૧૯૧૬ સુધી ગાંધીજી ગુજરાતમાં પણ સર્વસ્વીકાર્ય નેતા ન હતા. ઉદાહરણ તરીકે ભરૂચ કેળવણી પરિષદના નિમંત્રક અંબાપ્રસાદ મલજીએ પરિષદના પ્રમુખપદ માટે ગાંધીજીની પસંદગી સામે વિરોધ કર્યો હતો.૨૦ પરંતુ રાજકીય પરિષદમાં પ્રમુખ બન્યા પછી ગુજરાત ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ પણ ગાંધીજીનો સિતારો ઝગમગવા લાગ્યો હતો. પ્રમુખપદેથી તેઓ તિલકને મોડા પડવા માટે ટકોર કરવા સાથે મરાઠીમાં ભાષણ કરવાનો, કરાવવાનો અને જરૂર પડે ગુજરાતી શીખવાનો બોધ પણ આપી શક્યા હતા. આમ, પહેલી રાજકીય પરિષદ ગાંધીજી માટે નેતૃત્વવિકાસનું પગથિયું બની હતી.

(૩) રાજકીય પરિષદમાં વેઠપ્રથાના દૂષણ વિરુદ્ધ ખાસ ઠરાવ પસાર થયો હતો (ઠરાવ નં. ૧૫). વેઠપ્રથા વિરુદ્ધ લડવાની ભૂમિકા ગાંધીજીએ ઊભી કરી હતી. પરિષદ પછી રચાયેલા કાર્યકારી મંડળને તેમણે આહ્‌વાન કરતાં કહ્યું કે, “વેઠનો જે ઠરાવ છે, તેમાં કોઈ કાયદાનો ફેરફાર કરાવવાનો નથી. જો એ વેઠનો રિવાજ કાર્યકારી મંડળ દૂર નહીં કરી શકે, તો બહેતર છે કે આજે જ રાજીનામું આપે.”૨૧ શ્રી યાજ્ઞિક લખે છે કે “વેઠના જુલમ સામે લડત તો ગોધરાની પરિષદના બીજા જ દિવસથી શરૂ થઈ હતી.૨૨ પરિષદ પછી સરદાર પટેલે પ્રસ્તુત મુદ્દે ઉત્તર વિભાગના તત્કાલીન કમિશનર મિ. ફ્રેડરીડ પ્રેટ સાથે પત્રવ્યવહાર કરી, ૧૦ દિવસની મુદ્દત પછી વેઠપ્રથાની ગેરકાયદેસરતાની પત્રિકાઓ ગામડાંઓમાં વહેંચાવી. નરહરિ પરીખે નોંધ્યું છે કે “સરદાર પટેલે ગુજરાતમાં ગામડે-ગામડે વેઠપ્રથા વિરુદ્ધની પત્રિકાઓ ખૂબ વહેંચાવી. પંચમહાલમાં શ્રી વામનરાવ મુકાદમે આખા જિલ્લામાં પ્રવાસ કરી ખૂબ કામ કર્યું. કેટલાક કેસો પણ થયા. વેઠની પ્રથા છેક નાબૂદ તો થઈ શકી નહીં, પણ તેનો ત્રાસ બિલકુલ નીકળી ગયો.૨૩ વેઠપ્રથા વિરુદ્ધની ચળવળે પંચમહાલના ગ્રામીણ સમાજજીવનમાં પણ સંચાર પેદા કર્યો હતો. ‘યુગધર્મ’ સામયિકની નોંધ પ્રમાણે “ગોધરાની પરિષદનો વધારેમાં વધારે મહત્ત્વનો ઠરાવ વેઠ બંધ કરાવવાનો ગણાય. પરિષદ પછી સને ૧૯૧૮માં વેઠ ન કરવાની પહેલી પત્રિકા બહાર પાડી. તેનો પણ ભીલોમાં ખૂબ પ્રચાર થયો. આથી તો રાજકીય ચળવળ ભીલોનાં ગામ અને ઝૂંપડાં સુધી પહોંચી. આજે પણ સ્વરાજ્ય કે અસહકાર કરતાં દૂરદૂરના ભીલો ‘હોમરૂલની કમિટીઓ’ને સંભારીને દુઆ દે છે.”૨૪ વેઠપ્રથા વિરુદ્ધની ચળવળથી પંચમહાલમાં વેઠપ્રથા સદંતર નાબૂદ થઈ ગઈ હોવાનો દાવો થઈ શકે તેમ નથી. ‘વીરગર્જના’ સાપ્તાહિક પ્રમાણે પંચમહાલ જિલ્લાના કાલોલ વગેરે સ્થળે ૧૯૨૯ સુધી વેઠપ્રથાના દૂષણથી ખેડૂતો, વસવાયા કોમો પિસાતી હોવાનાં પ્રમાણો મળે છે.૨૫ છતાં ગુજરાત અને પંચમહાલમાં વેઠપ્રથા વિરુદ્ધ શરૂ થયેલી હિલચાલ અને સરકારી કાયદાઓ વગેરે રાજકીય પરિષદના ઠરાવ અને કાર્યકરોની લડતને આભારી હતાં, તેવું અવશ્ય કહી શકાય.

(૪)  સ્વદેશી ભાષાના સંદર્ભે પણ આ પરિષદ નોંધપાત્ર બનેલી. સ્વદેશી વસ્તુઓના ઉપયોગની સાથે સ્વદેશી ભાષાના પ્રયોગની ગાંધીજીનો હઠાગ્રહ એ સુવિદિત બાબત છે. તેઓની માન્યતા હતી કે, “બહારની ભાષા સુવર્ણમય હોય તો પણ તે ઉપયોગની નથી થઈ શકતી આપણી ભાષા કથીર હોય તો પણ તેને સુવર્ણમય બનાવવી જોઈએ,”૨૬ તેથી પરિષદમાં ઉપસ્થિત વક્તાઓને તેઓએ આગ્રહપૂર્વક ગુજરાતીમાં ભાષણ કરાવ્યું. આ બાબતને ચમત્કારિક ફતેહ ગણાવીને સરોજિની નાયડુએ ગાંધીજીને મુબારકબાદી પાઠવી હતી.૨૭ ગાંધીજીની આ સફળતામાં જ ઝીણા અને ગાંધીજી વચ્ચે વૈચારિક વૈમનસ્યનું બીજ રોપાયું હોવાનું શ્રી રાજમોહન ગાંધી લિખિત Patel : A Life પરથી જણાય છે.૨૮

(૫)  ગાંધીજીની માફક સરદાર પટેલ અને કેટલાક કાર્યકર્તાઓ પણ રાજકીય પરિષદના પ્રભાવ, કાર્યોમાંથી પેદા થયા હતા. સરદાર પટેલને ગુજરાતવ્યાપી નેતા તરીકે ઉપસાવવામાં ગોધરા-પરિષદ મદદરૂપ નીવડી હતી. સરદાર પટેલ પરિષદ પછી રચાયેલા કાર્યકારી મંડળના મંત્રી બન્યા હતા, તેથી વેઠપ્રથા વિરુદ્ધના ઠરાવનો અમલ કરાવવો તેમની જવાબદારી બની હતી. વેઠપ્રથા વિરુદ્ધની હિલચાલ દ્વારા તેઓ ગુજરાતભરમાં પ્રસિદ્ધિ પામ્યા. એ રીતે તેઓના નેતૃત્ત્વ માટે આ પરિષદ steping stone પુરવાર થઈ. ગાંધીજીના રહસ્યમંત્રી તરીકે મહાદેવ દેસાઈ રાજકીય પરિષદ પછી તરત જોડાયા હતા. જ્યારે કાર્યકર તરીકે પોતાની કેફિયત આપતા ભીલસેવક શ્રી લક્ષ્મીદાસ શ્રીકાંત લખે છે કે “મેટ્રિકની પરીક્ષા પછી પૂ. ગાંધીજીની પ્રવૃત્તિના અને ગોધરાની પ્રથમ ગુજરાત રાજકીય પરિષદના પ્રમુખ તરીકેનાં ભાષણ વાંચવાથી, તેમની વિચારધારાના સતત અભ્યાસના પરિણામે ગામડામાં જઈ સેવાકાર્ય કરવાની ઇચ્છા જન્મી.”૨૯ આ જ પ્રક્રિયામાંથી ઇન્દુલાલ યાજ્ઞિક, શંકરલાલ બૅન્કર વગેરે પણ ગુજરાતવ્યાપી નેતા તરીકે ઊભરી આવ્યા હતાં. ટૂંકમાં, ગોધરાની પરિષદ નેતાઓ અને કાર્યકર્તાઓ તૈયાર કરનારી પ્રયોગશાળા પુરવાર થઈ હતી.

(૬)  પહેલી રાજકીય પરિષદે તત્કાલીન રાજકીય કાર્યપદ્ધતિમાં નવો ચીલો પાડ્યો હતો. પહેલી રાજકીય પરિષદ પૂર્વે ભરાતી પરિષદો, મેળાવડા, વાર્ષિક જલસા જેવા બની રહેતી. પરિષદો, મેળાવડાઓના સમયે અને સ્થળે પ્રજા ક્ષણિક ઉત્સાહ અને આવેશમાં આવતી, જ્યારે બાકીનું વર્ષ નિષ્ક્રિયતામાં પસાર થતું. પરંતુ રાજકીય પરિષદ પછી તુરત જ ‘ગુજરાત રાજકીય મંડળ’ ની રચના થઈ, જેના શિરે રાજકીય પરિષદમાં થયેલા ઠરાવોના અમલીકરણની જવાબદારી હતી. એ રીતે આખું વર્ષ કાર્યમાં પ્રવૃત્ત રહેવાનું નિમિત્ત ઊભું થયું. આ પદ્ધતિને નરહરિ પરીખ બિરદાવે છે.૩૦ આમ, પ્રાસંગિક નહીં પણ સતત રાજકીય હિલચાલનો ખ્યાલ પણ ગોધરાના પરિષદમાંથી ઊભો થયો હતો.

(૭) પરિષદમાં થયો હતો. મારું દુઃખ મેં તેમની પાસે મૂક્યું, ને દમયંતી જેમ નળની પાછળ ભમી હતી તેમ જ રેંટિયાની પાછળ ભમવાનું પ્રણ (પ્રતિજ્ઞા) લઈ મારો ભાર તેમણે હળવો કર્યો. ગુજરાતમાં સારીપેઠે ભટક્યા પછી ગાયકવાડના વીજાપુરમાંથી ગંગાબહેનને રેંટિયો મળ્યો.૩૧ આમ, રેંટિયાની શોધ પાછળ પણ ગોધરા પરિષદ નિમિત્ત બની હતી.

(૮)  રાજકીય પરિષદના છેલ્લા દિવસે હરિજનવાસમાં મળેલા મેળાવડાને પાછળથી અંત્યજ-પરિષદનું નામ મળ્યું હતું. ગોધરામાં ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણના ઇતિહાસમાં ક્રાંતિકારી કહી શકાય તેવું કામ કર્યું. તે એ હતું કે ક્ષેત્રકાર્ય દ્વારા અસ્પૃશ્યોની સ્થિતિનો તાગ મેળવવો.૩૨ તેઓની આ નવતર પદ્ધતિ પછીની રાજકીય પરિષદોમાં અનુકરણીય બની હતી. અંત્યજ-પરિષદો, રાજકીય પરિષદોના નેજા હેઠળ જ મળતી. જેની ફલશ્રુતિ રૂપે ઠક્કરબાપા, મામા ફડકે, ઇન્દુલાલ યાજ્ઞિક, જમનાદાસ ભક્ત જેવા ઉચ્ચ કક્ષાના સેવકો પેદા થયા. જો કે આ બધી લાંબા ગાળાની અસરો હતી. તત્કાળમાં તો ગોધરા, ગુજરાતના અસ્પૃશ્યો ઠેરના ઠેર જ હતા.

(૯)  ગોધરા રાજકીય પરિષદમાં ઉપસ્થિત રહેનારાઓમાં ખેડા જિલ્લાના નેતાઓ, કાર્યકરો સારી એવી સંખ્યામાં હતા. પરિષદ પછી જાગેલી ચેતનાના વાતાવરણમાં જિલ્લાના ખેડૂતોએ અતિવૃષ્ટિથી સરકાર પાસે રાહત માંગવાનો વિચાર કર્યો. આની પાછળ ગોધરા રાજકીય પરિષદની પ્રેરણા જવાબદાર હતી.૩૩ એ રીતે ખેડા સત્યાગ્રહ ગોધરા પરિષદની પ્રેરણા જ કહી શકાય.

(૧૦) હોમરૂલના સમયથી ગોધરા પંચમહાલમાં છૂટીછવાયી રાજકીય ગતિવિધિઓ થઈ રહી હતી. રાજકીય પરિષદનું સ્થળ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા હોવાથી રાજકીય જાગૃતિમાં વધારો થયો. એનો ઉલ્લેખ પરિષદના સ્વાગતપ્રમુખ મણિલાલ મહેતા અને સ્થાનિક આગેવાન વામનરાવ મુકાદમે પોતાનાં પ્રવચનોમાં કર્યો હતો. એટલું જ નહીં, ૧૯૩૦માં મલાવના જંગલ-સત્યાગ્રહ સુધી પંચમહાલી નેતાઓ અને પ્રજા પરિષદનાં સંસ્મરણો, કાર્યોને વાગોળતા રહ્યા હતા. પંચમહાલમાં વેઠપ્રથા વિરુદ્ધની હિલચાલ અને રાજકીય જાગૃતિ સ્પષ્ટપણે પરિષદની નીપજ હતાં.

* ઉપસંહાર :

શરૂઆતમાં જેના અસ્તિત્વ વિશે શંકા કુશંકાઓ સર્જાયેલી તે રાજકીય પરિષદ તા. ૫ નવેમ્બર, ૧૯૧૭ના રોજ પૂરી થઈ. તત્કાલીન રાજકીય અને સામાજિક સંજોગોને ખ્યાલમાં રાખી ઠરાવો કરી તેના અમલીકરણની દિશામાં ભૂમિકા ઊભી કરી. રાજકીય બાબતોની સાથે સ્ત્રીઉત્કર્ષ અને અંત્યજ-પ્રવૃત્તિઓનું કામ હાથ ધરી પ્રવૃત્તિઓને ત્રિવિધ દિશામાં વિસ્તારી. પરિણામ સ્વરૂપ વેઠપ્રથા, સ્ત્રીઓની સમાનતાના ધોરણે સમાજ, રાજકીય જીવનમાં ભાગીદારી, અસ્પૃશ્યતા નિવારણ અને અંત્યજોદ્વારના સંદર્ભમાં આશાસ્પદ વાતાવરણ સર્જાયું. ઈ.સ. ૧૯૨૮ સુધી ગુજરાત અને ૧૯૪૭ સુધી પંચમહાલ, રાજકીય પરિષદની પ્રવૃત્તિઓથી પ્રભાવિત રહ્યું. ૧૯૧૭માં ગોધરાથી શરૂ થયેલી રાજકીય પરિષદ ૧૯૨૬ સુધી દર વર્ષે મળતી રહી. પરિણામે સરદાર પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક, ગણેશ વાસુદેવ માવળંકર જેવા નિષ્ઠાવાન અને ઉત્સાહી અને લાંબા ગાળાના આગેવાનો ગુજરાતને પ્રાપ્ત થયા. રાજકીય પરિષદોના માધ્યમથી ગુજરાતમાં કુદરતી આફતો સામે લડવા લોકસેવાની પ્રવૃત્તિઓ આરંભાઈ. એ રીતે રાજકીય નવજાગરણની સાથે સામાજિક ઉત્તરદાયિત્વનો પાયો નંખાયો.

છેલ્લે, ગોધરા પરિષદના માહાત્મ્યને સમજાવવા માટે ઇન્દુલાલ યાજ્ઞિકના શબ્દો વધુ અસરકારક લાગે છે : “ગુજરાતની રાજકીય તવારીખમાં ગોધરાની રાજકીય પરિષદ સિમાચિહ્નરૂપ બની. બંગભંગના કાળમાં સ્વરાજની જે ચળવળ થોડાં શહેરોમાં કેન્દ્રિત થઈ હતી, તે બેસન્ટની હોમરૂલ લીગની મારફત શહેરો અને ગામડાંમાં ફેલાઈ હતી. હવે જાગૃત થયેલી પ્રજાએ અને એના નવા નાયકોએ ગોધરામાં મળીને ગાંધીજીને કુમકુમ તિલક કરીને ગુજરાતની આગેવાની અર્પણ કરી. નવા નેતાને માત્ર લાગણીના ઊભરા ન ખપે. તેમને ઊંડા સ્થિરભાવ જોઈએ, તેમને બુદ્ધિનો વિલાસ કે કલ્પનાનો વિહાર ન ચાલે, પણ વાસ્તવિક જ્ઞાન જોઈએ. તેમણે ચંપારણમાં સત્યાગ્રહ કરીને, આફ્રિકાની ગિરમીટિયા પ્રથા રદ કરાવીને અને વિરમગામની જકાત બંધ કરાવીને ચમત્કાર કર્યો. આવા ત્રિવિધ વિજયથી તેમણે સિદ્ધ કરેલા કર્મયોગનો મંત્ર તેમણે ગોધરામાં સાદી બોલીમાં ફરીફરીને આપ્યો. તેમના ખાંડીબંધ શબ્દો કરતાં રતીભર કાર્ય વધારે પ્રભાવશાળી નીવડ્યું. પોચટ લાગણી અને ઉપલક્રિયા જ્ઞાનની જૂની મનોભૂમિમાં નિઃસીમ, નિર્ભય-નિશ્ચયી અને જાનફેશાનીની તમન્નાનાં બીજ વાવીને ગાંંધીજીએ ગુજરાતનું ઘડતર નવેસરથી કરવા માંડ્યું.૩૪

ઃ સંદર્ભ સૂચિ :

૧. પહેલી રાજકીય પરિષદનો અહેવાલ, ગોધરા, ૧૯૧૮

૨. ગાંધીજીનો અક્ષરદેહ, પુસ્તક ૧૪, અમદાવાદ, ૧૯૬૯, પૃ. ૪૬

૩. પરિષદના ઠરાવોની વિગતવાર માહિતી માટે જુઓ : પહેલી રાજકીય પરિષદનો અહેવાલ.

૪. પરિષદ અગાઉ શ્રી યાજ્ઞિકે ગોધરા તાલુકામાં કેટલેક સ્થળે સભાઓ ભરી લોકમત કેળવવાનું કાર્ય કર્યું હતું. પરિષદની કાર્યવાહીમાં પણ તેઓની સક્રિય ભાગીદારી રહી હતી. જુઓ : યાજ્ઞિક ઇન્દુલાલ, આત્મકથા ભાગ-૨, અમદાવાદ, ૧૯૫૫, પૃ. ૫૨

૪-અ. ગોકળદાસ કુબેરદાસ મહેતા (સંપા.) શ્રીયુત પ્રાણલાલ કીરપાભાઈ દેસાઈ સન્માન અંક, અમદાવાદ, સંવત ૧૯૯૩માં ‘કેટલાંક અંગત સંસ્મરણો’ નામના શ્રી કૃષ્ણલાલ નરભેરામ દેસાઈના લેખમાંથી

૫. સમાલોચક (માસિક) પુસ્તક-૨૨, અંક-૧૨, ડિસે. ૧૯૧૭ પૃ.૬૬૬-સમાલોચકની શરૂઆત ઈ.સ. ૧૮૯૬માં જાન્યુઆરીમાં થઈ હતી. પ્રારંભમાં ત્રૈમાસિક હતું. ૧૯૧૪થી અંત સુધી (૧૯૨૬) માસિક રહ્યું હતું. તેના તંત્રી અંબાલાલ બુલાખીરામ જાની હતા.

૫-અ. ગોકળદાસ કુબેરદાસ મહેતા, પૂર્વોક્ત

૬. સમાલોચક, પૃ. ૬૭૫

૭. એજન

૮. યાજ્ઞિક, પૂર્વોક્ત, પૃ. ૫૬

૯. સમાલોચક, પૃ. ૭૦૫, પરિષદમાં શારદાબહેનનું ભાષણ ઉદ્દામવાદી વિચારોથી ભરેલું હતું. આ ભાષણ સરકારી અમલદારોની સ્થિતિ કફોડી કરી શકે તેમ હતું. તેથી પરિષદના મંત્રી પ્રાણલાલ દેસાઈએ શારદાબહેનને પૂછ્યા વગર અમુક ફેરફારો કરી ભાષણ છપાવ્યું. છતાં પરિષદનું તેમનું ભાષણ વખણાયું અને પરિષદ પછી પ્રાણલાલ મહેતા કે જેઓ ગોધરામાં તે સમયે ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર હતા, તેમના પર પરિષદને કારણે અમલદારોની અવકૃપા ઊતરી અને તેમની ભરૂચ બદલી થઈ. (જુઓ : ગોકળદાસ મહેતા, ઉપર મુજબ)

૧૦. શ્રી મામા ફડકેએ ગોધરાના અંત્યજાશ્રમના વ્યવસ્થાપક તરીકેની જવાબદારી વર્ષો સુધી નિભાવી હતી. મામા ફડકે, મારી જીવનકથા, અમદાવાદ, ૧૯૭૪, પૃ. ૫૬

૧૧. હીરાલાલ પારેખ, અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન, અમદાવાદ, ૧૯૩૫, પૃ. ૧૬૬

૧૨. મકરન્દ મહેતા, હિંદુ વર્ણવ્યવસ્થા, સમાજપરિવર્તન અને ગુજરાતના દલિતો, અમદાવાદ, ૧૯૯૫, પૃ. ૨

૧૩. ફડકે, પૂર્વોક્ત, પૃ. ૧૭૬, ગોધરાના અંત્યજોની કમકમાટી ઉપજાવે તેવી સ્થિતિનું વર્ણન શ્રી કાકા કાલેલકરે પણ કર્યું છે. - જીવન- સંસ્કૃિત, અમદાવાદ, ૧૯૪૬, પૃ. ૫૬૭-૫૬૮

૧૪. પ્રસ્તુત વિગતો માટે જુઓ : ફડકે, પૂર્વોક્ત, પૃ. ૫૭-૫૮, ૬૦, ૬૫, કાલેલકર, પૃ. ૫૭૦

૧૫. યાજ્ઞિક, પૂર્વોક્ત, પૃ. ૫૭

૧૬. અંત્યજ-પરિષદના ગાંધીજીના ભાષણની વધુ વિગતો માટે જુઓ : ગાંધીજીનો અક્ષરદેહ, પૃ. ૧૪, પૃ. ૬૪-૬૫

૧૭. એજન, પૃ. ૬૮

૧૮. રામનારાયણના પાઠક, સ્વતંત્ર ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ, અમદાવાદ, ૧૯૭૫, પૃ.૨૭ : મામા ફડકેએ પણ નોંધ્યું છે કે “મેં આવો મહત્ત્વનો ઠરાવ એકી ઝપાટે ઉડાવી દેનાર આ પહેલો માણસ જોયો (મારી જીવનકથા, પૃ. ૫૬)

૧૯. સુમન્ત મહેતા, સમાજદર્પણ (આત્મકથા), (સંક્ષેપ-સંપાદન : ભોગીલાલ ગાંધી), અમદાવાદ, ૧૯૭૧, પૃ. ૩૧

૨૦. યાજ્ઞિક પૂર્વોક્ત, પૃ. ૧૪

૨૧. સંદર્ભ, ૧ મુજબ, પૃ. ૬૧

૨૨. યાજ્ઞિક, પૃ. ૬૭, વેઠપ્રથા વિરુદ્ધ પંચમહાલના કલેક્ટર મિ. ક્લેટને પોતાના હુકમમાં કહેલું કે, “કોઈ પણ માણસ બજારના દરથી ઓછા દામ લઈને અધિકારીવર્ગની સેવા કરવા બંધાયેલો નથી. અને કોઈ પણ અધિકારી જો લોકોની ઉપર દબાણ અથવા જુલમ કરશે, તો તે સજાને પાત્ર થશે.” (નવજીવન (સાપ્તાહિક) ૭, નવે. ૧૯૧૯, પૃ. ૧૪)

૨૩. નરહરિ પરીખ, સરદાર પટેલ, ભાગ-૧, અમદાવાદ, ૧૯૫૦, પૃ. ૭૩

૨૪. યુગધર્મ (માસિક) પુસ્તક-૪, અંક-૩, સંવત ૧૯૮૦, પૃ. ૧૭૮

૨૫. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના રામેશરા મુકામે તા. ૨૯-૫-૧૯૨૯ના રોજ મળેલી સભામાં વેઠપ્રથા ચાલુ હોવા અંગે ચિંતા સેવવામાં આવેલી. આ પ્રથા સામે પુનઃ હિલચાલ શરૂ કરવા એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવ તથા વેઠપ્રથાને લગતી અન્ય વિગતો માટે જુઓ : વીરગર્જના (સાપ્તાહિક), પુ. ૧, અંક ૪૭, ૬ જૂન ૧૯૨૯, પૃ. ૫૫૯, આ સાપ્તાહિક શ્રી વામનરાવ મુકાદમ ચલાવતા. તા. ૧૨ ઑક્ટો. ૧૯૧૯ના ‘નવજીવન’માં પણ પંચમહાલમાં વસવાયા કોમોના નામોલ્લેખ સાથે તેમને પડેલી તકલીફોનું વર્ણન છે. (પૃ. ૯૪-૯૫).

૨૬. ગાંધીજીનો અક્ષરદેહ, પુ. ૧૪, પૃ. ૬૨

૨૭. નરહરિ પરીખ, પૂર્વોક્ત, પૃ. ૬૨

૨૮.  Gandhi Rajmohan, Patel : A Life, Ahmedabad, ૧૯૯૦, પૃ.; ૪૧૭

૨૯. લક્ષ્મીદાસ શ્રીકાંતે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત પહેલી ગુજરાત રાજકીય પરિષદથી કરેલી. પાછળથી ભીલ સેવામંડળના આજીવન સેવક બની ભીલ સેવામંડળ, દાહોદના પ્રમુખ પણ બન્યા હતા. (શ્રીકાંત લક્ષ્મીદાસ, મારું ગાંધીયુગનું ઘડતર, અમદાવાદ, પૃ. ૩)

૩૦. નરહરી પરીખ, પૂર્વોક્ત, પૃ. ૭૨

૩૧. નવજીવન અને સત્ય, ૨૧ સપ્ટે. ૧૯૧૯, પૃ. ૪૦-૪૧ અને મો.ક. ગાંધી, સત્યના પ્રયોગો અથવા આત્મકથા, અમદાવાદ, ૧૯૨૭, (બીજી આવૃત્તિ)

૩૨. મકરન્દ મહેતાએ ગાંધીપૂર્વે અને ગાંધીયુગીન અસ્પૃશ્યતાનિવારણના પ્રયત્નોની સુંદર તુલના કરતાં લખ્યું છે કે “ગાંંધીજીએ અસ્પૃશ્યતાના પ્રશ્નને વાજતો-ગાજતો કર્યો. એટલું જ નહીં, દેશને ખૂણે-ખૂણે ચર્ચાતો કર્યો. આ બીના અભૂતપૂર્વ હતી. અને તેને માટે ગાંધીજીની વ્યક્તિગત પ્રતિભા જવાબદાર હતી . . . ગાંધીજીએ હરિજન - કલ્યાણની પ્રવૃત્તિઓ કરવામાં સમાજમાં વિધ્વંશક નવાચારી (Disruptive-Innovative) તત્ત્વો વિકસાવ્યાં હતાં. ગાંધીજી પહેલાં હરિજન કલ્યાણ માટે જે કંઈ પ્રવૃત્તિઓ થઈ હતી ને જે કાંઈ વિચારાયું હતું, તેમાં ચોક્કસ રીતે ક્ષોભ સંકોચવૃત્તિ હતી. ગાંધીજીએ પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્તની ભાવનાને સતેજ બનાવી અને સવર્ણોમાં અપરાધની ભાવનાને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો. તેની સાથે સાથે ગાંધીજીએ તેમની પહેલાના શહેરી મધ્યમવર્ગી ‘સોશિયલ રિફોર્મ’ના એથિક્સને બદલીને તેની જગ્યાએ ‘સોશિયલ વર્ક’ અને ‘સોશિયલ સર્વિસ’ના એથિક્સને મૂકી આપ્યું. ગાંધીજી પહેલાના સુધારકો લેખો લખતા, મંડળીઓ ભરતા અને સુધારાનાં ભાષણો કરતા, પણ કેટલાક જૂજ અપવાદોને બાદ કરતાં તેઓ સામાન્ય લોકોમાં બહુ ફરેલા નહીં અસ્પૃશ્યો અને સ્ત્રીઓમાં તો નહીં” (જુઓ : અર્થાત્‌ (ત્રૈમાસિક), સેન્ટર ફોર સોશિલ સ્ટડીઝ, સુરત, પુ.-૯, અંક-૨, એપ્રિલ-જૂન ૧૯૯૦. ગુજરાતમાં થયેલી હરિજન-કલ્યાણની પ્રવૃત્તિઓ, ૧૮૫૦-૧૯૩૫, પુ. ૨૫-૨૬)

૩૩. ગાંધીજીનો અક્ષરદેહ, પુસ્તક-૧૪, પૃ. ૩૨૦

૩૪. યાજ્ઞિક, પૂર્વોક્ત, પૃ. ૬૦

E-mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2017; પૃ. 10-15

Category :- Samantar Gujarat / History