એક મોમાં બબ્બે જુબાં ! ડાયસ્પોરા જીવનની વાસ્તવિકતા

રંજના હરીશ
11-11-2017

કલ્પના કરો કે મનુષ્યના મોમાં બબ્બે જુબાં હોય તો ? જુબાં એટલે જીભ, જુબાં એટલે ભાષા પણ – બબ્બે જીભ અને બબ્બે ભાષા. મોમાં એક જુબાંવાળા મનુષ્યને જુબાં આપીને ફરી જતાં વાર નથી લાગતી. અંગ્રેજીમાં મુહાવરો છે, 'ટુ ટોક વિથ ફોર્કડ ટંગ.' જેનો શબ્દાર્થ છે વહેંચાયેલી જીભે બોલવું. એટલે કે છદ્મ કરવો કે પછી 'મુખ મેં રામ બગલ મેં છૂરી.' મનુષ્યના મોમાં બબ્બે જુબાં હોય ત્યારે તો જોવા જેવી થાય. તો પછી બે નહીં પરંતુ ઘણીબધી જુબાં બોલતાં ડાયસ્પોરિક પ્રજાના શા હાલ હશે.

એક મોમાં બબ્બે જુબાંનું રૂપક ઉજળા ભવિષ્યની શોધમાં સ્વદેશ છોડીને સાત દરિયા પાર વસતા વિશ્વભરની ડાયસ્પોરિક પ્રજા માટે ઉપયુક્ત છે. આ પ્રજાઓ એક મોમાં બબ્બે જુબાં લઈને જીવી છે. આવી પ્રજાઓએ પોતે અપનાવેલ દેશની રહેણી-કરણી, સંસ્કૃિત તેમ જ ભાષા અપનાવ્યા વગર છૂટકો ન હોય તે સ્વાભાવિક છે. સુખદ ભવિષ્યના સ્વપ્ન સાથે અર્થોપાર્જનનો તથા નોકરી-ધંધાનો ગાઢ સંબંધ. અને જેની પાસેથી ધંધો મેળવવો છે તેની ભાષા ન બોલવી તે સ્થળાંતરિત થયેલ ડાયસ્પોરિક પ્રજાને ન જ પોસાય. અપનાવેલા દેશની ભાષાનો સ્વીકાર એ ડાયસ્પોરિક પ્રજાના જીવનની નક્કર વાસ્તવિકતા છે. પરંતુ પારિવારિક સંદર્ભે કે દેશી મેળાવડામાં આવી ડાયસ્પોરિક પ્રજાઓ પોતાની માતૃભાષા ટકાવી રાખતી હોય છે. આમ દરેક ડાયસ્પોરિક પ્રજા ઓછામાં ઓછી બે ભિન્ન સંસ્કૃિતઓ તેમ જ ભાષાઓને લઈને જીવી છે.

ડાયસ્પોરિક પ્રજાની ભાષાકીય વિમાસણની ચર્ચા આજે એક ગુજરાતી મૂળ ધરાવતાં ડાયસ્પોરિક કવયિત્રીની કવિતા થકી કરવી છે. કવયિત્રીનું નામ છે સુજાતા ભટ્ટ (જ. 1956) મૂળ વતન અમદાવાદ. ભાવનગરવાસી સુવિખ્યાત ગાંધીવાદી શિક્ષણકાર તથા પૂર્વ મંત્રી સ્વ. નાનાભાઈ ભટ્ટનાં તેઓ પૌત્રી. સુજાતાનું નાનપણ અમદાવાદમાં વીત્યું. ઉચ્ચ શિક્ષણ પૂનામાં તથા અમેરિકા તેમ જ ઇંગ્લેન્ડમાં. અને હવે તેઓ જર્મનીમાં વસે છે. છેલ્લા ચાર દાયકાથી તેઓએ કવિતાના માધ્ચમથી સ્વદેશ સાથે સંકળાયેલ રહ્યાં છે. હાલમાં સુજાતા ભટ્ટ હોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર ઓફ ક્રિયેટીવ રાઈટિંગ તરીકે સેવાઓ આપી રહ્યાં છે. સાતેક કાવ્યસંગ્રહો આપનાર સુજાતા ભટ્ટ 'કોમનવેલ્થ પોએટ્રી પ્રાઈઝ' ઉપરાંત અન્ય ઘણાં ઈનામો મેળવી ચૂક્યાં છે. તેમની કવિતાની વિશેષતા, તેમનો ડાયસ્પોરિક અનુભવ તથા અંગ્રેજી અછાંદસ પદ્યમાં ગુજરાતી લિપિમાં પ્રયોજાયેલ શબ્દો, મુહાવરાઓ તેમ જ કાવ્યપંક્તિઓનું મિશ્રણ રહ્યાં છે. તેમના અંગ્રેજી કાવ્યો ગુજરાતી પ્રચૂર રહ્યાં છે. બે ભાષા તથા બે લિપિઓનું મિશ્રણ તેમને વાચકો માટે યાદગાર બનાવી દે છે. તેમની આવી ભાષાકીય પ્રયોગશીલતા વિશે વિવેચકોમાં મતમતાંતર હોવા સ્વાભાવિક છે. પરંતુ સુજાતાના પોતાના મતે તેમના વ્યક્તિત્વ તેમ જ કૃતિત્વના મૂળ તેમની માતૃભાષા ગુજરાતીમાં છે જેનો પ્રયોગ અંગ્રેજી કાવ્યોમાં કરવો તેમના માટે સ્વાભાવિક તેમ જ ગૌરવપૂર્ણ છે.

આવાં ડાયસ્પોરિક કવયિત્રી સુજાતા ભટ્ટનું એક જાણીતું કાવ્ય છે, 'ઈન સર્ચ ઓફ માય ટંગ.' અર્થાત્ 'મારી જુબાંની શોધમાં.' કવયિત્રી શ્વેત વાંચકને સંબોધીને કહે છે કે, તમે મને પૂછ્યું છે કે હું જ્યારે એમ કહું છું કે મેં મારી જુબાં ગુમાવી દીધી છે ત્યારે હું શું કહેવા માગું છું? મારે તમને સામો પ્રશ્ન કરવો છે કે જો તમારા મોમાં બબ્બે જુબાં હોય તો તમે શું કરશો.

તમે શું કરશો, જો તમને સમજાય કે
એ બે જુબાંમાંની એક, માતૃભાષા, તમે ગુમાવી ચૂક્યાં છો
અને બીજી, જે છે પરદેશી ભાષા, તે તમને આવડતી નથી ?
ઇચ્છો તો ય બંને જુબાં એકસાથે નહીં વાપરી શકો ...
તમારી માતૃભાષા મોમાં જ સડીને મરી જશે
તમારે તેને થૂંકી દેવી પડશે     

                                                   - (અનુ. રંજના હરીશ)

ઉપરોક્ત પંક્તિઓ કવયિત્રી અંગ્રેજીમાં લખે છે અને ત્યારબાદ તે ગુજરાતી લિપિમાં ગુજરાતી ભાષા સાથે આગળ વધે છે. અને પોતાની વાત કરે છે. તે કહે છે,

'મેં કદાચ મારી માતૃભાષા રાત્રિના સ્વપ્નમાં જ થૂંકી નાખી છે
પરંતુ રાત્રે સ્વપ્નમાં મારી ભાષા પાછી આવે છે
ફૂલની જેમ મારી ભાષા, મારી જીભ મહોરી ઉઠે છે.
ફૂલની જેમ મારી ભાષા, મારી જીભ
મોંઢામાં પાકે છે.
એ ફરી ઊગે છે કૂંપળ થઈને.
વધે છે લાંબી, ભીનાશ સાથે સશક્ત
અને તે અન્ય જુબાંને બાંધે છે ગાંઠની જેમ.
કળી ખીલે તેમ ખીલે છે મારા મોમાં
અને પેલી બીજી જુબાંને બહાર હડસેલે છે.
જ્યારે જ્યારે મને લાગે છે કે હું તેને ભૂલી ગઈ છું
જ્યારે જ્યારે હું અનુભવું છું કે મેં તેને ગુમાવી દીધી છે
ત્યારે ત્યારે મારી માતૃભાષા મારા મોંમાં પાંગરી ઉઠે છે.

ચાર ચાર દાયકા વિત્યાં તો ય સુજાતા ભટ્ટની માતૃભાષા આજે ય કૂંપળ થઈને તેમના મોમાં ફૂટે છે. 'નાનાભાઈ ઈન પ્રિઝન' તથા 'અ ડિફરન્ટ હિસ્ટરી' જેવાં તેમનાં કાવ્યોમાં પણ કવયિત્રી પોતાની ભાષાકીય સભાનતા અભિવ્યક્ત કરે છે. બ્રિટિશરાજ સામેની લડતના ભાગરૂપે જેલમાં જનાર તેમના દાદા નાનાભાઈ ભલે માતૃભાષાના સમર્થક હતા, પરંતુ જ્યારે તેઓને જેલમાં લઈ જવા પોલીસ આવી ત્યારે તેઓ અંગ્રેજી કવિ ટેનિસનનું કાવ્ય વાંચી રહ્યા હતા ! તો વળી શાસકોની ભાષા તેવી અંગ્રેજી પ્રત્યેના ભારતીય ડાયસ્પોરાના લગાવને કવયિત્રી અન્ય એક કાવ્યમાં છાવરે છે. અંગ્રેજી શાસકોની ભાષા થઈ તેથી શું થયું ? 'વીચ લેંગ્વેજ હેઝ નોટ બિન ધ અપ્રેસર્સ લેંગ્વેજ ?' કવયિત્રી પૂછે છે કે શાસકોને ધિક્કારનારાઓની ઓલાદો કયા અકળ કારણસર અંગ્રેજી ભાષાના પ્રેમમાં પડતી હશે ? અર્થાત્ સ્વભાષા પ્રત્યે પ્રેમ ચોક્કસ. અપનાવેલ દેશની ભાષા પ્રત્યે પ્રારંભિક રોષ, ક્રમશઃ કમને તેનો સ્વીકાર અને અંતે તે ભાષા(એટલે કે અંગ્રેજી)નું સ્વાગત એ ડાયસ્પોરિક પ્રજાની ભાષાકીય નિયતિ છે, પરંતુ આ સમગ્ર તબક્કાઓ દરમિયાન ડાયસ્પોરિક પ્રજાના મોમાં પોતાની માતૃભાષા તો અકબંધ રહે છે જ. આમ પ્રત્યેક ડાયસ્પોરિક પ્રજા મોમાં બબ્બે જુબાં લઈને જીવતી રહી છે અને જીવતી રહેશે.

તા.ક. આનું નામ છે એક મોમાં બબ્બે જુબાં - ડાયસ્પોરિક જીવનની વાસ્તવિકતા.

E-mail : [email protected]

સૌજન્ય : ‘અંતર્મનની આરતી’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 19 જુલાઈ 2017 

Category :- Diaspora / Literature