નાટકોને શ્વસતા રંગકર્મી નટુભાઈ પટેલનું સન્માન

વલ્લભ નાંઢા
10-11-2017

‘ગુજરાતી સાહિત્ય અકાદમી'એ ચાળીસ વર્ષની મજલ પૂરી કરી છે. અકાદમી સાથે સંકળાયેલા સૌ સાહિત્યકર્મીઓ અને સાહિત્યરસિકો માટે આનંદરૂપ ઘટના જ ગણાય! અને અકાદમી માટે આ વર્ષ એક ખૂબ જ મહત્ત્વનું વર્ષ બની રહે; તે બાબત ધ્યાનમાં રાખીને ગુજરાતી સાહિત્ય અકાદમીએ એવી પાંચ વ્યક્તિઓનું બહુમાન કરવાનું ઉચિત ગણ્યું જેમાંથી બહુમાનના ત્રણ અવસર તો અકાદમીના નેજા હેઠળ આ અગાઉ  ઉજવાઈ પણ ગયા, અને આ ચોથો અવસર છે, જેઓ અકાદમીના સૂર્યોદયથી અકાદમી સાથે એક મજબૂત ટેકણસ્થંભ બનીને પડખે રહ્યા છે, તેવા રંગકર્મી નટુભાઈને સન્માનવા ગુજરાતી સાહિત્ય અકાદમીના નેતૃત્વ હેઠળ રવિવાર, તા 6 ઓગસ્ટ 2017ના સ્ટેનમોરમાં આવ્યા ‘ધ કેનન્સ હૉલ[The Cannons Hall, Stanmore]માં બપોરે 3:00 કલાકે એક સન્માન સમારંભનું આયોજન ગોઠવાયું હતું. આશરે દોઢસો જેટલા શ્રોતાઓની હાજરી હતી. મુખ્ય મહેમાન તરીકે ભારતથી પધારેલાં જાણીતા પત્રકાર લેખિકા નંદિનીબહેન ત્રિવેદી અને વિલાયતના મુખ્ય પ્રવાહના જાણીતા રંગકર્મી ભાસ્કરભાઈ પટેલ હતાં. વળી, અન્ય નાટ્યકર્મીઓની ઉપસ્થિતિ પોરસાવનારી હતી.

કાર્યક્રમનું સંચાલન અકાદમી પ્રમુખ વિપુલ કલ્યાણીએ કર્યં હતું, અને અકાદમીના સહમંત્રી વિજ્યા ભંડેરીએ આભારદર્શન દ્વારા કાર્યક્રમને તેના અંતિમ તબક્કા સુધી પહોંચાડ્યો હતો.

કાર્યક્રમમાં જે વક્તાઓ નટુભાઈ વિશે બોલવાના હતા, તેમાં પ્રથમ વક્તા હતા વ્યોમેશ જોશી. માઈક હાથમાં લેતાં એમણે કહ્યું: “હું કોઈ વક્તા નથી. વિપુલભાઈએ જ્યારે જણાવેલ કે નટુકાકા વિશે મારે બોલવાનું છે ત્યારે લાગ્યું આ જવાબદારી ન સંભાળું તો મારે માટે શરમ કહેવાય. કોઈ કહે કે, તમારા પિતા વિશે કંઈક કહો, તો શું કહો? કેટલું કહો? નટુકાકા તો ઘરના માણસ અને ઘરના માણસ વિશે કહેવાનું હોય ત્યારે તમે શું કહો? એટલે નટુકાકાને મેં જે રીતે જોયા છે તે વિશે થોડી વાત કરીશ. નટુકાકા અત્યંત લાગણીશીલ, ઉષ્માભર્યા, એકદમ પ્રેમાળ અને માયાળુ. એમની પાસેથી ઘણું શીખ્યો છું. એમનાં સંસ્મરણો તો એટલાં બધાં છે કે ક્યાંથી શરૂ કરું એ સમજાતું નથી.

1978ની એ સાલ હતી. મેં કોઈ છાપામાં એક ટચુકડી જાહેરખબર વાંચેલી: “નાટ્ય પ્રવૃત્તિમાં રસ ધરાવતી કોઈ પણ વ્યક્તિને નાટકમાં કામ કરવું હોય તો ભારતીય વિદ્યા ભવનમાં પધારે.’’  બીજા દિવસે હું પહોંચી ગયો. બીજાયે ઘણા કલાકારો ભવનમાં ભેળા થયા હતા.

આજે અનેકવિધ કળાઓ, નૃત્યો, નાટક અને સાંસ્કૃિતક પ્રવૃત્તિઓથી ધમધમતું ભવન 70મા દસક્ના આરંભ કાળમાં એક ખંડેર જેવું ચર્ચ જ હતું. આ જગ્યાએ અમે 10-15 જણા ભેગા થયા હતા. બધા ખુરશીઓ પર બેઠા હતા. હર્ષાબહેન, તરુબહેન, શશીભાઈ - કેટલાં નામ આપું, બધા હાજર હતા, પણ હું કોઈથી પરિચિત નહિ. પછી પરિચયવિધિ ચાલી. એક પછી એક કલાકરો પોતાનો પરિચય આપવા લાગ્યા. અને છેલ્લી વ્યક્તિનો વારો આવ્યો, ત્યારે તેણે પોતાના પરિચયમાં જણાવ્યું: “મારું નામ નરેશ પટેલ છે. ‘કલોરમા લેબ’ ચલાવું છું.’’ બસ, આટલો જ ટૂંકો પરિચય, તેનાથી વધારે કંઈ નહીં.

એ પછી નટુકાકા ઊભા થયા. એ બોલ્યા, “મારું નામ નટુભાઈ ચતુરભાઈ પટેલ’’ કહી, તેમણે વિસ્તૃત પરિચયમાં પોતાના પ્રોડક્શનની વિગતે વાત કરી, ભારતીય વિદ્યાભવનમાં ક્યારથી નાટકો પ્રોડ્યુસ કરવાની શરૂઆત કરી તેનો અછડતો અણસારે આપ્યો. એ સમયે ટોટનહામ કોર્ટ રોડ પર આવેલા ભારતીય વિદ્યા ભવનના જૂના મકાનમાં નાટકો તૈયાર થતાં. નાટકો માટેનું પ્લેટફોર્મ અહીંથી તૈયાર થયેલું અને વિકસ્યું પણ અહીંથી જ. ‘અમે બરફનાં પંખી’, નાટક ભજવાયેલું ત્યારે હું નહોતો. પણ ‘ઝેર તો પીધાં જાણી જાણી’, અને બીજા તૈયાર થયેલાં નાટકોમાં અમે ખભેખભા મિલાવીને કામ કરેલું. અમે બધા કલાકારો એક ફેમિલી જેવા બની ગયા હતા.

એક નાટકમાં નટુભાઈએ કાકાનો રોલ કરેલો ત્યારથી અમે એમને નટુકાકા કહેતા થયા. અને ઉષાબહેન મમ્મીનો રોલ કરતાં એટલે ઉષાબહેનને મમ્મી કહેવા લાગ્યાં. ત્યાર પછી તો ભવન ખૂબ ફૂલ્યું ફાલ્યું. પછી તો મેં બે દુકાનો કરી, ફેમિલીની સમસ્યાઓ આવી અને એ સાથે મારી વ્યસ્તતા પણ વધી. પંદર વર્ષનો સમયગાળો જાણે આંખના પલકારામાં પસાર થઈ ગયો. ત્યાં એક દિવસ નટુકાકાનો ફોન આવ્યો: “વ્યોમેશ છે? અલ્યા ક્યાં છે, તું? શું કરે છે? મને મળી જા, તારું કામ છે.’’ પછી, હું મળવા ગયો. ખૂબ વાતો કરી. જૂનાં સ્મરણો તાજાં કર્યાં. પછી તેમણે ધીમે રહીને કહ્યું, “વર્ષો પહેલાં ભવનમાં આપણે નાટ્યપ્રવૃત્તિ શરૂ કરી હતી એ કામ પાછું ઉપાડવું છે. કોઈ જુવાનિયો મારી સામે આવીને ઊભો રહે ને કહે કે બે જુવાનિયા હતા, એક ઊંચોને એક નીચો, જેમણે આ પ્રવૃત્તિ શરૂ કરી હતી. કહેવાનો મતલબ એટલો જ કે જે વ્યક્તિ નટુકાકા સાથે જોડાય છે તેને તે પોતાનું માણસ જ ગણી એમની સાથે લઈ લે છે. મારું અહોભાગ્ય ગણું છું કે તમારા વિશે બે શબ્દ બોલવા માટે આજે મને આ પ્લેટફોર્મ મળ્યું છે. નટુકાકા, તમારી પાસેથી હું ઘણું બધું શીખ્યો છું. મારા પિતાશ્રીના અવસાન પછી જો હું કોઈ બીજી વ્યક્તિને આદર આપતો હોઉં તો એ તમે છો.’

ત્યાર પછીના વક્તા હતાં ઉષાબહેન પટેલ જેમણે નટુભાઈ સાથે ઘણાં નાટકોમાં મહત્ત્વની ભૂમિકાઓ ભજવી છે.

ઉષાબહેન પટેલે આરંભે જ કહ્યું, “મને વાત કરવાનો બહુ અનુભવ નથી. એટલે સંક્ષિપ્તમાં બોલું તો ક્ષમા કરજો. બાકી, મને નાટક કરવાનું કહો તો હમણાં જ કરી આપું. વિપુલભાઈએ મને કહેલું, ઉષાબહેન, તમારે નટુભાઈ વિશે બોલવાનું છે ત્યારે પળેક હું ગભરાઈ ગયેલી. ઘરના માણસ વિશે આપણે શું બોલી શકીએ? છતાં આજે મને બોલવા માટે તક આપી છે તો, I’ll take it as duty. આ સુંદર અવસરમાં નટુભાઈ વિશે બોલવાનું મને વિપુલભાઈએ ઈજ્જન આપ્યું એથી આનંદ તો થયો, પણ સાથે થોડી મૂંઝવણે મને ઘેરી લીધી હતી. નટુભાઈ વિશે બોલવું? શું બોલવું? ક્યાંથી શરૂ કરું? કારણ કે નટુભાઈનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાઓને કેન્દ્રમાં મૂકીને બોલવું એટલે સૂરજ સામે દીવો બતાવવા જોવું છે. નટુભાઈ એટલી બધી ફિલ્ડ્ઝના માહેર છે કે તેને પૂરેપૂરા વ્યક્ત કરવા એ દુષ્કર કાર્ય બની રહે.

નટુભાઈ સાથે મારો પરિચય કંપાલામાં થયો હતો. કંપાલામાં તેઓ બહેનોની એક સંસ્થા ચલાવતા હતા. દર વર્ષે આ સંસ્થા દ્વારા એક નાટ્યસ્પર્ધાનું આયોજન થતું. આ સ્પર્ધા માટે બધેથી નાટકો આવતાં. આ વખતે નટુભાઈ એક નાટકનું આયોજન હાથ ધરવાની વિચારણા કરી રહ્યા હતા. પાત્રોની વરણી પણ લગભગ થઈ ગઈ હતી. પણ એક પાત્રની શોધ હજુ ચાલતી હતી. એમાં વાસણ વેચવાવાળી બાઈ વાસણનો કોથળો લઈને આવે તેવું પાત્ર ભજવી શકે તેવું સ્ત્રીપાત્ર પર તેમની આંખ હજી ઠરી નહોતી.  પણ મને જોઈને એ લોકોને થયું કે આ રોલ માટે આ છોકરી આ નાટકમાં ફિટ થાશે અને એ રોલ મને મળી ગયો. બસ, નટુભાઈ સાથે ત્યારથી પરિચય.

એક તરફ નટુભાઈનો વેપાર ધંધો અને બીજી તરફ સાહિત્ય, સંગીત અને નાટ્યપ્રવૃત્તિ! બીજાં બધાંમાં પણ એટલી જ રુચિ. અને અહીં આવ્યા પછી  ભારતીય વિદ્યા ભવનમાં નાટ્યપ્રવૃત્તિનો આરંભ કરી દીધો. વિદ્યા ભવનના ઝંડા નીચે, એમના માર્ગદર્શન હેઠળ, “અમે બરફનાં પંખી’ જેવાં અનેક નાટકો અને નૃત્યનાટિકાઓનાં મંચન-શો થયા. નાટકો તૈયાર તો થાય પરંતુ આ નાટક પબ્લિકને ગમશે કે નહિ, એ વિચાર કરીને નાટકોની પસંદગી કરતા. નાટકો ભારતથી પસંદગી કરીને લાવતા. લંડનમાં જે નાટકો રજૂ થયાં તેને સફળતા અપાવવાનું શ્રેય નટુભાઈને જાય છે. આ નાટકોની પ્રેક્ટિસ નટુભાઈને ઘેર થતી. નટુભાઈનાં વાઈફ લીલાબહેન પણ અમારું કલાકારોનું ખૂબ ધ્યાન રાખતાં. અત્યારે ગુજરાતી સાહિત્ય અકાદમી નટુભાઈને સન્માને છે તેથી ખૂબ આનંદ થાય છે અને નટુભાઈને હાર્દિક અભિનંદન આપું છું.’’ આમ કહેતી વખતે ઉષાબહેન ગળગળાં થઈ ગયાં હતાં. આમ નટુભાઈમાં કેટલાંક ડાયસ્પોરાનાં સ્પંદનોને પકડીને નાટકો તૈયાર કરવાની નટુભાઈમાં જે દૃષ્ટિ હતી તેનો ઉલ્લેખ કરી ઉષાબહેને પોતાનું વકતવ્ય સમેટ્યું હતું.

ઉષાબહેન પછી બીજા જે નારીવક્તાને મંચ પર આવી બોલવા જણાવ્યું હતું તે હતાં મનીષાબહેન અમીન. કામ પ્રત્યે પૂરી નિષ્ઠાવાળાં, સ્પષ્ટ નજરવાળાં અને ઉત્તમ વક્તા હતાં. તેમણે સ્ટેજ પર આવી પોતાનાં સંભાષણની આ પ્રમાણે રજૂઆત કરી હતી:

મારી આગળના બે ચાર વક્તા બોલી ગયાં કે હું વક્તા નથી તેમ મારે પણ કહેવું જોઇએ કે હું પણ વક્તા નથી. વિપુલભાઈને હું મામા કહું છું. અને ઘણાં વર્ષોથી ઓળખું છું. એમણે મને કહ્યું કે, નટુકાકાનું બહુમાન કરવાનું છે, ને તારે બોલવાનું છે ત્યારે ગુજરાતી ભાષાના વિશેષજ્ઞો સમક્ષ વકતા તરીકે રજૂ થાઉં છું, ત્યારે યુનિવર્સીટીની અંતિમ એક્ઝામ આપવાની હોય તે સહેલી હશે એવું માની લઉં છું. અને  આ અવસર પર જો હાજર ના રહું તો મામાએ જે રીતે મને રિક્વેસ્ટ કરી અને તેમાં ભાગ ના લઉં તો ચોક્કસ પાછી પડું. એટલે મારી રીતે રજૂઆત કરું છું.

નટુકાકાનું વીસેક વર્ષ પહેલાં ઓળખાણ થયું. એ પહેલાં મને એટલી જ ખબર હતી કે તેઓ નાટકો કરે છે. હું પાટીદાર સમાજમાં નૃત્યની તાલીમ આપવા જતી, ત્યારે અલપઝલપ એક- બે વખત એમને મળેલી. અને પછી એમના આગ્રહથી હું એમની નાટ્યસંસ્થામાં સંચાલક તરીકે એમને મદદરૂપ થવા જોડાઈ હતી.

નટુકાકાએ ઘણી બધી જાણીતી વ્યક્તિઓ પાસેથી તાલીમ મેળવી હતી. પી. એલ. સંતોષી, પી.એસ. લુહાર, યોગેનભાઈ દેસાઈ જેવા સંગીતકારો, નૃત્યકારો પાસેથી એમણે 15 વર્ષની ઉંમરે નાટયસર્જનની દીક્ષા લીધી હતી. માટે આવી મોટી વ્યક્તિ વિશે બોલવું એ પર્વત આરોહણ કરવા જેવી વાત છે. અહીં મારે એમની સાથે થયેલા મારા એક્સ્પિરિયન્સની વાત માંડવી છે.

ફેડરશનમાં સંગીત અને નૃત્યની તાલીમ ચાલતી હતી. નટુકાકાને એક જ ધૂન, નવી પેઢીને કોઈ પણ રીતે આમાં જોડવી જોઇએ. આ વિચારબિંદુને સાકાર કરવા નટુકાકાએ એન.સી. એકેડેમી સ્થાપી. કાકા અનેક ખૂબીઓ અને વિશેષતાઓ પણ ધરાવે. તમને એક જ વખત મળ્યા હોય અને લાંબા સમય પછી તમે એમને પાછા મળો તો તરત તમારા નામ સાથે તમને ઓળખી પાડે. એટલું નહીં તમારામાં રહેલી શક્તિઓનો પણ અંદાજો મેળવી લે. તમારામાં શું છે, શી કળા છે, તમારામાં કામ કરવાની કેટલી શક્તિ છે, અને આ સ્વાધ્યાયમાં કેટલો સમય આપવાની ક્ષમતા ધરાવો છો, તેનું પરીક્ષણ કરી લે.

એક વાર મારા મામાના દીકરાના લગ્નમાં અમે સાથે હતાં, ત્યારે નીકળતી વખતે વેન્યૂના પગથિયાં ઊતરતાં મને કહે, “તું મને કાલે આવીને મળજે. હું મળવા ગઈ ત્યારે વર્ષા અડાલજાની ‘અણસાર’ નવલકથા વિશે ચર્ચા કરી, મને કહે કે મારે આ નવલકથા પરથી એક નાટક તૈયાર કરાવવું છે. પછી તેનું કથાવસ્તુ મને ટૂંક્માં સમજાવ્યું. આ કથાવસ્તુ આધારિત એમણે તેનું નાટ્ય રૂપાંતર પણ કર્યું હતું, અને પછી મને કહે, મારે આ નાટક તૈયાર કરવું છે.

ગુજરાતમાં એક ડોક્ટરની પત્નીને રક્તપિતનો રોગ થાય છે ત્યારે તેની કેવી કરુણ દશા થાય છે? પરિવાર અને સમાજ તેને સમાજમાંથી સાવ ફેંકી દે છે, ઉપેક્ષા કરે છે તે નારીની હૃદયવિદારક કથાને જીવંત બનાવી શકે, એવું સ્ત્રીપાત્ર કોને સોંપવું, નટુકાકા તેની મૂંઝવણમાં હતા. પછી એમની એ શોધ પૂરી થઈ.એક સ્ત્રી પાત્ર પર નજર ઠારી. એવી સ્ત્રી કે જેણે મંચ પર કદી પગ પણ મૂક્યો ના હતો. આ સ્ત્રીને એક્ટિંગનો કોઈ અનુભવ નહિ. બધાંને એમ હતું કે, નટુભાઈએ પોતાને અપેક્ષિત એવું આ સ્ત્રી પાત્રની પસંદગી કરી મોટું જોખમ વહોરી લીધું છે. પણ કાકાની જિદ હતી ના, મારે એ વ્યક્તિને જ રોલ આપવો છે. નાટ્યકલાથી અભિનેત્રી સાવ અજ્ઞાત, સામે કાકાની શ્રદ્ધા પણ એટલી જ મજબૂત. અને વિશ્વાસ એટલો જ અટલ!

છેવટે કાકાના પ્રોત્સાહનથી એ નાટક રહ્યું અને તેના ઘણા બધા શો થયા. જો, કાકાની આગેવાની હોય તો નાટક સફળ થાય જ. ઊગતા કલાકારમાં એટલો બધો આત્મવિશ્વાસ પેદા કરે કે તેને પણ શ્રદ્ધા બેસી જાય કે હું આ કામ કરી શકીશ, જો નટુકાકા પડખે હશે તો! નટુભાઈના આ નાટકનો શો જોવા એક વાર નાના પરદાના જાણીતાં કલાકાર કેતકી દવે આવ્યાં હતાં. ત્યારે એમણે કહેલું - આવું નાટક કરવાની હિંમત તો અમે ભારતમાં પણ નથી કરતા. વિદ્યા ભવનમાં અનેક નાટકો કર્યાં હતાં, જેમાં નટુકાકાએ નારી શક્તિને ધ્યાનમાં રાખી હતી. ભારતની નારીને જેટલો અન્યાય થયો છે તેટલો અન્યાય બીજા કોઈ દેશની નારીને નહીં થયો હોય. આ નારી કેન્દ્રવર્તી વિચારને ધ્યાનમાં રાખીને એમણે “દ્રૌપદી’’ નાટક રચ્યું હતું. કાકાના સંપર્કો અને ઓળખાણો એટલાં બધાં હતાં કે એમની નાટ્ય પ્રવૃત્તિ કાયમ ધમધમતી રહેતી. જ્યારે કોઈ નવા નાટકની તૈયારી ચાલી રહી હોય, ત્યારે બીજાં ચાર પાંચ નાટકો હારેહારે ચાલતાં હોય. ‘એન.સી. એકેડેમી’ના બેનર નીચે ઘણાં બધાં નાટકો કર્યાં, નૃત્યનાટિકાઓ રજૂ કરી, અને મૌલિક શાહ જેવા કલાકારોને બોલાવીને અહીંથી 150 જેટલા છોકરાઓને નાટ્યતાલીમ આપી તૈયાર કર્યા અને એમની પાસેથી કામ કરાવ્યું.

સમાપનમાં એટલું કહીશ કે ગુજરાતી સાહિત્ય અકાદમી આવા કાર્યક્રમો યોજીને ગુજરાતનું ઋણ ઉતારે છે, ખૂબ નાની સંસ્થા હોવા છતાં ખૂબ મોટાં કામ કરે છે. ખૂબ ખૂબ અભિનંદન નટુકાકાને અને ગુજરાતી સાહિત્ય અકાદમીને.

“1976ના દિવસો હતા એ વખતમાં ઇન્ડો બ્રિટિશ કલચરલ એક્સચેન્જ હેઠળ “રામયણ” નૃત્યનાટિકાની સાથે સાથે નટુભાઈએ એક બીજું મજબૂત કામ કર્યું હતું અને તે હતું પાટીદાર સમાજને જોડવાનું! તે વિશે વાત કરવાની હોય તો કોણ કરે? મારી જાણ મુજબ આ દેશમાં પટેલોના ઇતિહાસની જાણકારી રમેશભાઈ સિવાય બહુ ઓછા લોકો પાસે હશે. તો આવો, રમેશભાઈ, અને નટુભાઈ વિશે બોલો.’’ આટલી ભૂમિકા બાંધી આપી, વિપુલ કલ્યાણીએ રમેશભાઈને બોલવા સ્ટેજ પર પેશ કર્યા હતા.

નટુભાઈ વિશે શું કહેવું? સવાલ કરી રમેશભાઈ પટેલે માંડણી કરી, મારી આગળના વક્તાઓએ એમના વિશે ઘણું બધું કહી દીધું છે, એટલે નટુભાઈ વિશે બોલવું એ મારા માટે મોરના ઈંડાં ચીતરવા જેવું છે. હું 1954માં યુગાન્ડા ગયો. 1956માં નટુભાઈ જ્યારે યુગાન્ડા આવ્યા, ત્યારે અમે સાથે ખૂબ ફર્યા છીએ. ખૂબ સાથે કામ કર્યું છે. પણ એમને નાટ્યપ્રવૃત્તિમાં રસ એટલે એ એકેડેમીમાં ચાલ્યા ગયા. આ દેશમાં તો એ મારી પહેલાં આવેલા, પરંતુ 1977માં જ્યારે યુનાઇટેડ કિંગ્ડમમાં પાટીદાર સમાજનું સંમેલન થયેલું તેમાં અમે એક નાનકડું એકાંકી કર્યું હતું. એ દિવસોમાં નટુભાઈ પાસે બીજી કોઈ ખાસ પ્રવૃત્તિ હતી નહિ. પણ ભારતીય વિદ્યા ભવન સાથે એમને સંપર્ક ખરો. અમે નટુભાઈને ત્યારે વિનંતી કરેલી કે, તમે સંમેલનમાં આવો અને આ નાટક જુઓ. એટલે એ આવ્યા હતા. નાટકમાં ભાસ્કર તો હતો જ. બીજા કલાકારો ય હતા. અમારો આ પ્રયાસ જોઈ એ ખુશ થઈ જતાં બોલેલા: “મેં જોયું કે, આ દેશમાં પણ નાટક થઈ શકે એમ છે. પણ આપણે તેમાં ભારતીય ભાવના લાવવી હોય તો?’’ મેં કહ્યું, “તમારે જે કરવું હોય તે કરવાની છૂટ છે.’’ અને એમણે આ બધા કલાકારોને કેળવીને નાટકોની શરૂઆત કરી.

ભવનમાં અનેક નાટકો થયાં પછી ફેડરેશનનું મકાન તૈયાર થયું, ત્યારે એ ફેડરેશનની અંદર પણ ઘણાં નાટકો કર્યાં. ફેડરેશનમાં બેલે અને નૃત્યનાટિકાઓની અદ્દભુત પ્રસ્તુિતઓ પણ થઈ. આ દિશામાં નટુભાઈએ ઘણું મોટું કામ કર્યું છે. નટુભાઈના બહુમાનના પ્રસંગે હું એમને હાર્દિક અભિનંદન પાઠવું છું.

એ પછી વિપુલભાઈએ સુરેન્દ્રભાઈ પટેલના પરિચયમાં જણાવ્યું હતું કે ઇન્ડો બ્રિટિશ કલચરલ એક્સચેન્જમાં પ્રફુલ્લ પટેલ મુખ્ય માણસ હતા. સુરેન્દ્રભાઈ અને સી.બી. પટેલ એના મિત્રો હતા. એટલે આપણને સહેજે એ જાણવાની જિજ્ઞાસા રહે કે ઇન્ડો બ્રિટિશ કલ્ચરલ એક્સચેન્જ આટલું આગળ ગયા પછી, તેનું શું થયું એ વિશે હવેના વક્તા થોડો પ્રકાશ પાડે એમ કહી સુરેન્દ્રભાઈને માઈક આપ્યું હતું.

નટુભાઈ વિશે કહેવું હોય તો તમે કલાકોના કલાકો સુધી બોલી શકો. પણ પાંચ મિનિટમાં એમના વિશે બોલવાનું કહો તો બહુ અઘરુ. એમને માટે તો કલાક પણ ઓછો પડે, કારણ  કે હી ઇઝ અ ઓલરાઉન્ડર, સુરેન્દ્રભાઈ કહેતા રહ્યા.

મારો 1961થી લંડનમાં વસવાટ રહ્યો હોવાથી, નટુભાઈએ પાટીદાર સમાજની સ્થાપના કરી ત્યારથી એમને હું ઓળખું. નટુભાઈ ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા છે. એક વાત ઇન્ડો-બ્રિટિશ કલચરલ એક્સચેન્જ [Indo- British Cultural Exchange] વિશે કહી દઉં. પ્રફુલ્લભાઈ પટેલ ખૂબ એબલ પરસન, એટલે કોઈ પણ કાર્ય કરી શકે, પણ સમાજમાં તે બહુ પોપ્યુલર ન હતા. એટલે એકલા હાથે બધી સંસ્થાઓને ભેગી કરવી, તે તેમના વશની વાત ન હતી. પણ નટુભાઈ આ કામ કરી શકે એમ હતા. નટુભાઈની સહાય માગી.

મુંબઈથી એક પાટીદાર સ્ત્રી-સમાજનું નાટક – વાંસલડી વાગી - નાટક યુનાઇટેડ કિંગ્ડમ લાવવામાં સફળ થયા. આ નૃત્યનાટિકાને અસાધારણ સફળતા પ્રાપ્ત થઈ. તેના અનેક શો થયા, અને સફળમાં સફળ નૃત્યનાટિકા બની. પછી અહીંથી નાટકો બનાવવાનું શરૂ થયું. ત્યાર પછીની બીજી નૃત્યનાટિકા “રામાયણ’’ તેના પણ અનેક ખેલ થયા અને ખૂબ સક્સેસફૂલ રહી. એ પછી નટુભાઈએ ભારતીય વિદ્યા ભવનમાં રહીને ઘણાં મંચનો કર્યાં. જેમાં આમ્રપાલી, શકુંતલા, મીરાં શ્યામ દુલારી જેવાં નાટકો સફળતાની દૃષ્ટિએ ખાસ ઉલ્લેખનીય ગણાય.

નટુભાઈનો સ્વભાવ જ ક્રિયેટિવ એટલે નાટ્યસર્જનને સ્પર્શતી બધી જ ટેકનિક બાબતોનો એમને અનુભવ. દેશમાંથી દિગ્દર્શકોને બોલાવે અને નાટકોનાં રીહર્સલો કરાવે. મને પોતાને પણ એમ હતું કે સાંસ્કૃિતક ક્ષેત્રમાં થતાં કામને ટેકો આપવો જોઇએ અને મને બેકગ્રાઉન્ડ કામ કરવામાં મજા પડતી, આથી, શોના બુકિંગ અને એવાં બીજાં કામોમાં નટુભાઈને સાથ આપું. 

એમના ખૂબ જ જૂના મિત્ર ત્રિકમભાઈ કંપાલામાં ફાઈનેન્સર હતા. પછી તો નરેશભાઈ, પ્રવીણભાઈ, ઉષાબહેન, તરુબહેન, પી.આર., વગેરે નટુભાઈના બેન્ડમાં જોડાયાં અને એક સફળ ટીમ બની ગઈ. આમ નટુભાઈ ખરા અર્થમાં નાટ્યકલાના પ્રણેતા હતા! સંજીવકુમારને બોલીવુડમાં લાવનાર નટુભાઈ જ હતા. એમણે જ સંજીવકુમારને “કલાપી’માં રોલ આપ્યો હતો, જેના બદલામાં સંજીવકુમારે માત્ર એક રૂપિયો ટોકનરૂપે લીધો હતો.

નટુભાઈ ઉદ્યોગપતિ હતા. અહીં ગોલ્ડર્સગ્રિનમાં ચોવીસ કલાક ફાર્મસી ચાલતી હતી, તેના તેઓ માલિક હતા અને વળી, ભારતમાં પોતાના ફાર્મમાં ખેતીકામ સંભાળે. આંબા, ચીકુ, વગેરે વાવે. પોર્ટુગલમાં પણ એમણે એક ફાર્મ રાખ્યું છે, જેમાં તેઓ ગુજરાતી શાકભાજી વાવે છે. ફેમિલી મેન હોવાથી બધાં સાથે મૈત્રી જાળવી શકે છે. મારે પાંચ જ મિનિટ બોલવાનું હતું, થોડો વધુ સમય લેવાઈ ગયો માટે ક્ષમા માગું છું. વિપુલભાઈ, તમે આ રીતે બધાંને ભેગા કર્યાં એ માટે આભારી છું.

નાટ્યકલામાં પૂરી રીતે તૈયાર હોય, એવા કેટલાક માણસો દેશમાંથી આવ્યા હતા. અને નટુભાઈએ આ કલાકારોને ભવનમાં તેમ જ એન.સી. એકેડેમીમાં સામેલ કર્યા હતા. તેમાં સૌથી પહેલું નામ એ કિરણ પુરોહિતનું. એ ભવનમાંના સાથીદાર હતા. સુરેન્દ્ર પટેલ પછી કિરણ પુરોહિત મંચ પર આવ્યા હતા.

નટુભાઈને 1971માં સૌ પ્રથમ ‘ભાઇદાસ’ અને એ પછી ‘બેલાડ પોઇન્ટ’માં મળવાનું થયું હતું, તેમ કિરણ પુરોહિત જણાવતા હતા. ડિસેમ્બરમાં નટુભાઈ ભાઈદાસ અને બેલડ પોઈન્ટ નાટકો જોવા આવે. અને ભવન માટે સારા સારા નાટકો પસંદ કરે. એ વખતે હું એક નાટક કરું. શૈલેષ દવે અને સરિતા ગૃપનું “રમતશીલ ચોકડી’’. નટુભાઈ “રમતશીલ ચોકડી” જોવા આવ્યા હતા. પ્રીતમભાઈ- ઉષાબહેન પણ સાથે હતાં. નટુભાઈ શૈલેષ દવેને કહે: “આને  લંડન લઈ જાઉં.’’ પાછા 1983માં આવ્યા. પાછા કહે “આને લંડન લઈ જાઉં.’’ પછી 1985માં આવ્યા ત્યારે તો એમને ખરેખર નાટકમાં જરૂર હતી, એટલે પાછી જૂની માગણી કરી. સુરેશભાઈએ કહ્યું, “કિરણ પુરોહિતને લઈ જજો.’ ’સુરેશભાઈ તરફથી મને કહેવામાં આવ્યું, તારે લંડન જાવાનું છે. મારું કુટુંબ પાંચમાં પૂછાય, એમાં વળી ઘરમાં હું સૌથી નાનો; ઘરમાં વાત કેવી રીતે કરવી તેની મૂંઝવણ હતી. પણ મને અણધારી મદદ મળી ગઈ. એ દિવસ આજે પણ મને યાદ છે. તે દિવસે પ્રીતમભાઈ, ઉષાબહેન અને ઘણુ ખરું યાદ આવે છે કે ભાભી પણ સાથે હતાં. નટુભાઈ કારમાં નીચે ઊભા હતા. મારા મમ્મીને અને મારા માસા - માસીને પ્રીતમભાઈ અને ઉષાબહેને વચન આપ્યું કે, આ છોકરાને અમે લઈ જઈએ છીએ. અમે તેનું ભવિષ્ય બનાવીશું. અને તમે કોઈ ચિંતા નહીં  કરતા. અમે કિરણને ઘરના છોકરા તરીકે રાખીશું.’’ અને મને રજા મળી ગઈ.

નટુભાઈ એક એવા મહનુભાવ છે કે સમાજને શું આપવું, તેનો સતત વિચાર કરતા રહે છે, એટલું જ નહિ, તેનો અમલ પણ કરે છે. નાટક અને નૃત્યનાટિકા માટે એમણે ભેખ લીધો છે. બિઝનેસમેન તો ખરા, પણ એમની સાથે કામ કરતાં મેં જોયું છે કે એમનાંમાં એક એકટર, એક ડિરેકટર અને એક શોમેન પણ છુપાયેલો છે. Creativity  & Entertainment એવું હોવું જોઈએ કે જેમાં નવી પેઢી સતત સંકળાયેલી હોય, ને માર્ગદર્શક નીચે જમીન ઉપર બેસીને સફળતાની સુખડી હસતાં હસતાં દરેક કલાકારની વચ્ચે વહેંચીને ખાતો હોય. નટુભાઈ પ્રોડક્શનના દરેક ડિપાર્ટમેન્ટના જાણતલ હતા. સાહિત્ય - કલા - સંગીત અને નાટ્યલક્ષી પ્રવૃત્તિઓમાં તો આખી લાઈફ તેઓ ઓતપ્રોત રહેનારા આર્ટિસ્ટ હતા. કલાકારો સાથે વિગતે નાટ્યચર્ચા કરતા અને રીહર્સલોમાં તદ્રુપ બની જતા, અને દિગ્દર્શન કરતી વખતે એમની અસાધારણ સૂઝ અને સમજને મેં પ્રત્યક્ષ જોયા છે.

એમની છત્રછાયા નીચે કામ કરવાની મને અનેક તકો મળી છે, અને મેં જોયું છે ત્યારે તેઓ કેટલો બધો સમય સમર્પિત કરી દેતા હતા. એક દાખલો આપું. વિદ્યા ભવનમાં જ્યારે  ‘શાકુન્તલ’ બનતું હતું ત્યારે હું તેનું ડિરેકશન કરતો હતો. તે દિવસે રીહર્સલ રાતે 12:00 વાગ્યે પૂરું થયેલું. બે વાગે હું સડબરી પહોંચું છું ને  ત્રણ વાગ્યે પથારી ભેગો થાઉં છું, ત્યાં નટુભાઈનો ફોન આવ્યો. અરે, કિરણ! આ થિમ છે તેમાં આ રીતે ફેરફાર કરીએ તો? નાટકને કેટલા લેવલ સુધી લઈ જવું એ નટુભાઈની એક ખાસિયત છે.

આટલી ઉઁમરે પહોંચે ત્યારે ઘણા લોકો તો નિવૃત્ત થવાનું વિચારતા હોય, જ્યારે નટુભાઈને ઉંમરનો કોઈ બાધ નડે નહિ; સદૈવ સ્ફૂિર્તલા અને ઉત્સાહી જણાય. એમનામાં છુપાયેલા એક ખેડૂતને મેં જોયો છે. ભારતીય વિદ્યા ભવનનો એક 33 દિવસીય વર્કશોપ કરવા હું પોર્ટુગલ ગયો હતો. ત્યારે નટુભાઈએ તૈયાર કરેલું ફાર્મ પ્રત્યક્ષ જોયું. દેશી શાકભાજી ઊગાડીને એમણે રણ જેવી ભૂમિને ઉપવન બનાવી હતી. ટૂંકમાં કહેવાનું હોય તો એમ જ કહી શકાય, આ માણસ જે કાર્ય કરે છે પછી તે કાર્ય કલાકીય હોય કે કલારહિત હોય; દરેક કામને આ માણસે શક્ય કરી દેખાડ્યું છે. એમણે નાટકોનાં નિર્માણ દ્વારા એક લિગસી ઊભી કરી. એટલું જ નહીં, પરંતુ આ લિગસી અખંડ દીવાની જેમ ચાલુ રાખવા પોતાનાં સંતાનોને આ પ્રવૃત્તિમાં રસ લેતાં કરી દીધાં.

નટુભાઈ, આવું યોગદાન આપવા માટે અમે તમારા ઋણી છીએ. બોલીએ તો નટુભાઈ વિશે ઘણું બધું બોલી શકાય, પણ સમયની પાબંધી છે માટે એમના જ શબ્દોમાં કહી મારી વાણીની પણ લગામ તાણીશ.

બુકાની છોડવા બેસું તો વર્ષોનાં વર્ષો લાગે
મારું સદ્દભાગ્ય કે શબ્દો મળ્યા આપણે મારગ જેવા.

આ પછીના વક્તા હતાં મીનુબહેન પટેલ. મીનુબહેન ખુદ એક કલાકાર છે અને નટુભાઈનાં પુત્રી પણ છે. મીનુબહેન પોતાના કુટુંબને રજૂ કરવા સ્ટેજ પર આવ્યાં હતા.ં

‘આ દેશમાં મને 54 વર્ષ થયાં. પપ્પા પાસેથી શીખેલી કે લેંગવેજ એક માધ્યમ છે અને પપ્પાએ નાટ્યપ્રવૃત્તિને એક માધ્યમ દ્વારા પ્રયોજી નવી પેઢીને સંસ્કારવાનું એક બીડું ઝડપ્યું છે. નવી પેઢીમાં આપણા સંસ્કાર દૃઢીભૂત કરવા માટે એક માધ્યમ તરીકે નાટકનો વિનિયોગ કર્યો છે. મને થાય, નાટકમાં કંઈ નવીન્ય હોય તો નવી પેઢીને જરૂર આકર્ષણ થાય. મ્યુિઝક હોય, ડાન્સ કરવા મળે, જુવાનિયાઓ અને છોકરા-છોકરીઓ મળે, એટલે રિસ્પોન્સ ઘણો મળે. એમનું એક જ મિશન હતું કે આ દેશમાં આપણા સંતાનોમાં આપણી સંસ્કૃિતનાં પીયૂષ પાવાં હોય તો આપણી વિચારસરણી આકર્ષક રીતે એમની સમક્ષ મૂકવી જ પડે.

પપ્પા કાર્યક્રમ ગોઠવે ત્યારે અમે બધાં ભાઈબહેનો જઈએ. તેઓ નાટક માટે એવો વિષય સિલેક્ટ કરે, આપણી સાંસ્કૃિતક પરંપરાથી નવી પેઢીને પોષણ મળી શકે. આજનાં બાળકોમાં ધાર્મિક જ્ઞાનનો બિલકુલ અભાવ જોવા મળે છે. અમારાં નાટકોમાં જોડાતાં બાળકોને મહાભારતનાં પાત્રો વિશે પૂરી જાણકારી હતી. દ્રૌપદી કોણ છે? યુધિષ્ઠિર કોણ છે? અર્જુન કોણ છે?  બધી જ માહિતી હતી. તે માનતા કે આપણી પાસે જે જ્ઞાન છે તે નવી પેઢીમાં વહેંચતાં રહેવું જોઈએ; નહીં વહેંચો તો નવી પેઢી ખોવાઈ જશે. આ જ્ઞાન મ્યુિઝક સાંભળવાથી કે ગુજરાતી જમણ જમવાથી કે સરસ કપડાં પહેરવાથી નથી આવવાનું. આપણો સાંસ્કૃિતક વારસો પણ આત્મસાત થયો હોય તો જ આ જ્ઞાન ઊતરે.

નટુભાઈને આ દેશ પ્રત્યે ખૂબ જ માયા. અહીં રહેવાનું બહુ ગમે. અહીં રહેવા માટે પપ્પાએ ભેખ લીધો છે. અને ચોક્કસપણે કહી શકું કે અમારાં ચાર ભાઈબહેનોનાં કુટુંબોનો પણ અહીં વસવાટ કરાવ્યો છે. મારા મોટા ભાઈ તો આ દેશમાં 1962થી વસેલા છે, પણ એમના કુટુંબની રહેણીકરણી જોઈ આવો; એમના બાળકોની વિચારશ્રેણી જૂઓ તો લાગશે કે એ પૂરા ઇન્ડિયન છે અને ગુજરાતીતા જાળવી રાખી છે. અને મને કહેતાં ગૌરવ થાય છે કે આ સંસ્કાર રેડનાર મારા પપ્પા છે. પપ્પાએ ભવનનો એક પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કર્યો, જ્યાં પોતાની પ્રિય એવી નાટ્યપ્રવૃત્તિને ખીલવવાની ઘણી ઑપોર્ચૂનિટી સાંપડી. ફેડરેશનમાં પણ તકો મળી. એ જે ફિલ્ડમાં ઝંપાલવે તેમાં ડૂબી જતા હતા. નવા નવા ચહેરાઓને એમના નાટકોમાં ઇન્ટ્રોડ્યૂસ કરતા; તન, મન અને ધન આ પ્રવૃત્તિમાં ખર્ચી નાખતા, પણ તેનો યશ બધામાં વહેંચતા.

દરેક સાથે તટસ્થ અને સકરાત્મક વલણ રાખે. એમના ચહેરા પર નકારત્મક ભાવ કદી જોવા ના મળે. એમણે નાટકો કર્યાં તે અનેકોના દિલો-દિમાગને સ્પર્શી ગયાં અને એમના જીવનમાં પરિવર્તન લાવી દીધું. આજે એમને પૂછીએ છીએ નવું કંઈક કરીએ, નવી પેઢીને કશુંક આપીએ તો તેઓ કહે છે - તમે ભેગા થઈને કંઈક ગોઠવી-વિચારીને આવો. ઉષાબહેને પછી એક વાર્તા લખી. એ વાર્તાને અમારા થ્રૂ ડિવેલોપ કરાવીને છ મહિના પછી “સપને અપને’’ નાટક પ્રોડ્યૂસ કર્યું.

વિપુલભાઈએ સૂચવ્યું તેમ થાય છે એમની નૃત્યનાટિકાઓ વિશે એક ડોક્યુમેન્ટેશન તૈયાર કરાવીએ, પણ પપ્પાની  “ઓકે”  નથી થતી. એની “ઓકે” જોઇએ. એમનો રાજીપો હોય તો જ આ કામ થાય. જો એ ઓકે આપે, તો છ જ મહિનામાં આ ડોક્યુમેન્ટેશન તૈયાર થઈ શકે એમ છે. I  feel  very  proud ..’’

મીનુબહેને નાટ્યકાર પિતાનાં સંસ્મરણો તાજાં કર્યા અને વાત પૂરી કરતાં, નટુભાઈનાં એક જૂનાં સાથીદાર, તરુબહેન દેવાણી મંચ પર બોલવા રજૂ થયાં હતાં.

નટુભાઈ પટેલ એ નામ બોલાય છે, ત્યારે કોઈને પણ પૂછવું ન પડે કે તે કોણ છે. તરુબહેને રજૂઆત માંડી : આજે બધાએ એમના વિશે વાતો કરી અને મારે એમના માટે એક ગીત ગાવાનું છે. વિપુલભાઈએ મને મોકો આપ્યો અને સાથેસાથે મારે બોલવાનું પણ છે એવું આમંત્રણ પણ આપ્યું. તે માટે વિપુલભાઈની હું ઋણી છું. નટુભાઈ માટે જેટલું બોલું તેટલું ઓછું છે. મારે મારા એમની સાથેના વ્યક્તિગત સંબંધો વિશે થોડું કહેવું છે.

મને યાદ આવે છે બેલે ડાન્સ માટે અમે અમેરિકા ગયાં હતાં. મીનુબહેન, ઋતા અને બીજા છોકરાઓ પણ સાથે હતાં. અને ખૂબ અદ્દભુત રજૂઆત થઈ હતી. Never ever and no one ever has done such a marvellous performance! He took the whole group to America to perform the show. રાત્રે અમે બધાં બેસતાં અને ગીતો ગાતાં, નટુભાઈ અમને દોરવણી આપતા. આમ મારો નટુભાઈ સાથે તો ચાલીસ વર્ષથી પરિચય.

1977માં અમારું ઓરિજિનલ ગ્રુપ, “આનંદ એન્ટરપ્રાઈઝ’’ જેમાં પ્રામુખ્યે નરેશ પટેલ, પ્રવીણભાઈ આચાર્ય, શશી દેવાણી અને હું. “મારા વરની વહુ કોણ?’’ અને એવાં બીજાં ઘણાં નાટકો અમે કરેલાં. નટુભાઈએ અમને પાંચે જણાને ભારતીય વિદ્યા ભવનમાં જોડાવા આમંત્રણ આપ્યું. “અમે બરફનાં પંખી’’થી નટુભાઈ સાથે મારી ઓળખાણ આરંભાઈ હતી. “એન.સી. એકેડેમી’’ના સ્થાપક અને વર્ષોથી અમારા પિતાતુલ્ય જેવા એક અખંડ છત્ર જેવા વડીલ માટે તો જેટલું કહું તેટલું ઓછું પડશે. We have gathered here to honour Natubhai & I am sure everybody will agree with me he is an evergreen evidence. Vipoolbhai, we would like to thank you and your team for organising such a wonderful function to honour our Rishi, Natubhai Patel. સાથેસાથે અકાદમીના સ્થાપનાકાળને આજે 40 વર્ષ થયાં. મને એ દિવસ પણ બરાબર યાદ છે, એ દિવસ જ્યારે ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્થાપના માટે એક મિટિંગ કરી હતી. તે વખતે મારી સાથે નરેશ, શશી અમે બધાં હાજર હતાં. અને આજે હવે અકાદમીને 40 વર્ષ થાય છે ત્યારે હું અહીં ઉપસ્થિત છું.

અમે નાટકની રજૂઆત પછી બધા ગ્રીનરૂમમાં ભેગા થતાં ત્યારે નટુકાકા મને આગ્રહ કરતા, કહેતા: ‘તું એક ગીત સંભળાવ’. અમે બેસતાં, ગીતો ગાતાં, જોક્સ કરતાં, રજૂ થયેલા નાટકની ચર્ચા કરતાં. પ્રીતમ પંડ્યા નાટકમાં કયુ ગીત ક્યાં મૂકવું તેની પસંદગી કરતા. આજે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા, પણ મધુરાં સંભારણાં છોડી ગયા છે. તેમને બહુ મિસ કરું છું. જે રીતે સૂર્યનારાયણ આ પૃથ્વી પર તેજ પાથરીને સૃષ્ટિને તેજોમય બનાવે છે, એ જ પ્રમાણે નટુભાઈ પટેલ આપણા જીવનમાં પ્રકાશ પાથરી આપણું જીવન સમૃદ્ધ બનાવતા રહ્યા છે.’ આ પછી તરુબહેને એક ગીત ગાયું હતું અને તે ગીત નટુભાઈને સમર્પિત કરી પોતાનું સંભાષણ સમેટ્યું હતું.

આ અવસરના એક અતિથિ, ભાસ્કરભાઈ પટેલે મંચ પર આવી સૌ પ્રથમ સહેજ મોડા પડવા બદલ શ્રોતાજનોની માફી માગી, પોતાની વાતની રજૂઆત કરતા જ્ણાવ્યું : ‘મને આ દેશમાં 17 વરસ થયાં. દેશમાં મારા ગામમાં નાટકો તો ઘણા કરેલાં. શોખ પણ બહુ હતો, પણ નાના ગામમાં પ્રોત્સાહન આપવાવાળું કોઈ ન હતું. પિતાજી આફ્રિકામાં હતા. કોઈને કદર પણ નહીં કે આ છોકરાને નાટકોનો આટલો ચસકો છે તો તેનો હાથ ઝાલીએ. ગામમાં બે ત્રણ મંદિરો હતાં. એક મંદિરમાં હાર્મિનિયમ હતું. હું એ લોકોને કહું, “હાર્મોનિયમ વગાડવાનો મને શોખ છે. મને વગાડવા આપો.’’ પણ કોઈ વગાડવાનું કહેતું નહિ.

પછી મહેફિલો કરવાનું શરૂ કર્યું અને ગામમાં નાટકો ભજવાય ત્યારે એમાં હું ભાગ લેવા લાગ્યો. મેટ્રિક સુધી ગામની નિશાળમાં ભણેલો. હિન્દી, ગુજરાતી, સંસ્કૃત વગેરે દેશમાં પ્રચલિત ભાષાઓ ઉપર કાબૂ ખરો પણ અંગ્રેજી બોલવું લખવું બહુ ફાવે નહિ. અમારા ગામમાં દર વર્ષે જે મિટિંગો થતી તેમાં અમે પ્રોગ્રામ કરીએ. દર ત્રણ મહિને પત્રિકા કાઢતા, તે પણ હસ્તલોખિત! અને પછી તેની ફોટો કોપી કરાવી ગામમાં વહેંચતા. એમાં બે ત્રણ વાક્યોમાં લખ્યું હોય કે, જો બાવીસ વર્ષના કોઈ પણ છોકરા - છોકરીને મ્યુિઝકમાં કે નાટકમાં રસ હોય તો નટુકાકાનો સંપર્ક કરો. આ વાંચી મને થાય સંપર્ક કરું, ના કરું. મનમાં અવઢવ રહ્યા કરે. પછી નટુકાકાએ મને પૂછ્યું: “તારે શું કરવું છે?’’ મે કહ્યું: “મારે સંગીત શીખવું છે.’’ નટુભાઈએ મારી રુચિ પારખી લીધેલી. આ પહેલાં હું નાટકો કરતો. હું નાટકો તૈયાર કરું, ડિરેક્ટરને બોલાવું અને થાય એ બધું કરું. આમ એક વાર સ્પર્ધા ગોઠવાયેલી તેમાં જાણીતા સાહિત્યકાર ચં.ચી. મહેતા પણ આવેલા અને ચં.ચી.એ મારો વાંસો થાબડેલો.

ત્યાર પછી લંડનમાં જ્યારે નટુકાકાએ નાટકો કરવા માંડ્યાં ત્યારે હું એમાં જોડાઈ ગયો. નટુકાકાની એક ખાસિયત ખાસ નોંધપાત્ર છે. એમને કોઈ પણ કલાકાર ઉપર કદી ગુસ્સે થતા નથી જોયા. બધા સાથે સમભાવ ને મમત્વ રાખે અને સાચવે. એક વાર આઈ.ટી.ટીવીવાળા મારી પાસે પ્રસ્તાવ લઈને આવ્યા. મને કહે ‘તું એક વર્સેટાઈલ એક્ટર છે. અમારી કંપની તરફથી તારે માટે ઓફર લઈને આવ્યા છીએ. સાત રોલ ભજવવાની ઓફર છે’ મેં જવાબ આપ્યો: “ના, ભાઈ હું તો એક જ રોલ કરતો આવ્યો છું. હું નાટકોમાં ભાગ લઉં છું અને તે પણ નટુકાકાને લીધે. મારે એમને પૂછવું જોઈએ. I cannot pull out like that’ કલાકારોનું આવું હતું ડેડિકેશન! અને ડેડિકેશન પણ કેવું? નાટકમાં કામ કરનારા બધા જા કલાકારોમાં કોઈ નોકરી કરતું હતું તો કોઈને પોતાનો બીઝનેસ હતો. નરેશભાઈ, સુરેન્દ્રભાઈ, પી.આર., વ્યોમેશ બધા બીઝી હતા. અમે બધા રાતના કામ કરીને રીહર્સલો કરતા. ચા બનાવતા, ક્યારેક ચા-નાસ્તો બહારથી મંગાવી લેતા. જ્યારે નૃત્ય નાટિકાનો શો ‘રામાયણ’ને ભારત લઈ જવાની યોજના ઘડાઈ રહી હતી, ત્યારે બધાને આ એક મોટું સાહસ લાગ્યું. આ નાટિકા ઇન્ડિયા કેવી રીતે લઈ જઈ શકાશે? બધા ગભરાતા હતા. પણ નટુકાકાએ “લોર્ડ માઉન્ટબેટન ફંડ’’ની આર્થિક સહાય મેળવીને એ કામ પણ પાર પાડ્યું.

અત્યારે હું જે પાયરીએ પહોંચ્યો છું તે પાયરી સુધી મને નટુકાકાએ પહોંચાડ્યો છે. I am here because of Natukaka. Natukaka never ever bullied some one. He never blackmailed  any body.’’ આમ કહેતાં કહેતાં ગળગળા થઈ જતાં ભાસ્કર પટેલે ભાષણ સમેટ્યું હતું.

એમના પછી બીજાં અતિથિ નંદિનીબહેન ત્રિવેદીનો વારો આવ્યો. ગુજરાતી સાહિત્ય અકાદમી સાથે જયંત પંડ્યાનો સારો ઘરોબો હતો. એમના પુત્રી નંદિનીબહેન આ પ્રસંગે અતિથિ તરીકે ઉપસ્થિત હતાં. પત્રકારત્વની દુનિયામાં નંદિની ત્રિવેદીનું મોટું નામ છે. ઉપરાંત “મેરી સહેલી’’ સામયિકના સંપાદક છે. સભા સંચાલકશ્રીએ નંદિનીબહેનનો ટૂંક પરિચય કરાવી એમને બોલવા નિમંત્ર્યા હતા.

‘હું પ્રવાસે નીકળી છું. જ્યારે વિપુલભાઈ સાથે વાત થઈ ત્યારે એમણે કહેલું કે, અમારો પ્રોગ્રામ છે અને તું જરૂર આવજે. મેં કોઈ પણ લાંબોચોડો વિચાર કર્યા વગર હા પાડી દીધી.

વિપુલભાઈએ હમણાં કહ્યું કે તેઓ મારા પપ્પાની હાજરી અનુભવે છે. તમારા બધાંની સાથે હું પણ મારા પપ્પાની ઉપસ્થિતિ અનુભવું છું. અત્યારે મારે નટુભાઈ વિશે બોલવાનું છે, પણ એ વિષય પર આવું તે પહેલાં મારે વિપુલભાઈ વિશે બે શબ્દ કહેવા છે. પણ ઘણા વકતાઓ બોલી ગયા કે, જે વ્યક્તિ આપણી તદ્દન નજીક હોય તેના વિશે શું બોલવું? તે સવાલ મૂંઝવણ ઊભી કરતો હોય છે, તેમ મારા પપ્પા પણ વિપુલભાઈના એટલા બધા સાંનિધ્યમાં કે એમના વિશે કેવી રીતે બોલી શકીએ. કહેવાનું ઘણું હોય પણ બોલવા ટાણે કશું યાદ ન રહે. અત્યારે મારી સ્થિતિ એવી છે. હું નટુભાઈ વિશે બોલું? વિપુલભાઈ વિશે બોલું? મારા પપ્પા વિશે બોલું? મારા વિશે વાત કરું? વિપુલભાઈ, અકાદમીને 40 વર્ષ થયાં, અભિનંદન. અહીંયા પણ ખૂબ સરસ કામ થઈ રહ્યું છે. મારા પપ્પા અકાદમી સાથે ખૂબ સંકળાયેલા હતા.

પત્રકારત્વ સાથે સંકળાયેલી છું. સંગીત પણ મારો રસનો વિષય છે. એટલે મુંબઈના લગભગ દરેક થિયેટર, કલાકાર અને સંગીતકારની એટલી બધી નજીક છું કે આ કલાકારો સાથે હું સાથે બેસીને ગાઉં, સાથે બેસીને અમે સંગીતવિષયક ચર્ચા કરીએ, અત્યારે મુંબાઈમાં થિયેટરની જે જનરેશન છે તે ખૂબ કામ કરી રહી છે. અને તમે બધાંએ અત્યારે અહીંની પ્રવૃત્તિઓની વાત કરી ત્યારે મને જણાવતાં ખુશી થાય છે કે આવી પ્રવૃત્તિઓ મુંબઈમાં પણ થાય છે. અને આ નટુભાઈનું સન્માન કરવાની બહુ સરસ તક ઝડપી લીધી છે. અને મને આ પ્રસંગે હાજર રહેવાની તક આપી એ બદલ વિપુલભાઈ,હું ખૂબ આભારી છું.

નટુભાઈને હું પહેલી જ વાર મળું છું, અને તેમના વિષે અહીં જે રજૂઆત થઈ તેનાથી હું ખૂબ પ્રભાવિત થઈ છું. ગુજરાતી ડાયસ્પોરા પ્રજાએ વિદેશમાં રહીને સાહિત્ય, સંગીત અને સંસ્કૃિતનું જતન કરી, એક પ્રકારની યુનિવર્સિટી વસાવી દીધી છે. ઉષાબહેન (પટેલ), પ્રવીણભાઈ (આચાર્ય), તમે બધા મારા પરિવાર જેવાં થઈ ગયાં છો. નટુભાઈની બે વાતો મને બહુ જ સ્પર્શી ગઈ. એમનું determination અને professionalism. એમણે વિદેશમાં નાટકોનું જે સ્થાપન કર્યું તે ખરેખર કાબિલે દાદ છે. આ વિદેશની ધરતી પર રહીને આ કરવું તે ખૂબ જ ડિફિકલ્ટ છે.

વિપુલભાઈએ ઉલ્લેખ કર્યો તેમ ગુજરાતી ભાષા અને સાહિત્યથી આપણે દૂર થતાં જઈએ છીએ. ગુજરાતી ભાષા કેટલી બધી સમૃદ્ધ છે! ગુજરાતી ભાષાના આધારે થિયેટરોમાં કેટલું બધું કામ થયું છે, સંગીતક્ષેત્રે થયું છે. પરંતુ આમાંથી નવી જનરેશન કંઈક એડપ્ટ કરે એની જવાબદારી નટુભાઈએ લીધી, નટુભાઈનાં સંતાનોએ લીધી અને બીજાં વકતાઓ પણ બોલ્યાં કે આ ચાલુ રાખજો. નવી પેઢીમાં આ વારસો ઊતરી આવે એ માટે મારા પ્રયાસો પણ ચાલુ રહ્યા છે. એ માટે હું મુંબઈમાં નૃત્યોના પ્રોગ્રામો કરું છું. ક્લાસિકલ મ્યુિઝક્ની બેઠકો ગોઠવું છું, નવી પેઢીને કેવી રીતે આકર્ષવી, તેવા હંમેશાં મારા પ્રયાસ રહ્યા છે.

અત્યારે મારે તમને એક વાત કહેવી છે. નટુભાઈનું જે પ્રદાન છે, તેનું Documentation કરવાની વાત. મેં પોતે ગુજરાતી સુગમ સંગીત વિશે બે પુસ્તકો લખ્યાં છે. અને આ પુસ્તકોનું વિમોચન થયું ત્યારે વિપુલભાઈ પણ હાજર હતા. સુગમ સંગીત વિષેનાં પુસ્તકોનું કામ ક્યાં ય નથી થયું. આવાં પુસ્તકોનો સમાવેશ પાઠ્યપુસ્તકોમાં પણ થવો જોઇએ. નટુભાઈનાં પ્રદાન વિશે આવું કંઈક ડોક્યુમેંટેશન થાય તો તે કામમાં હું મદદરૂપ બનવા તૈયાર છું. એમનું પ્રદાન ગુજરાતના ખૂણેખૂણે પહોંચવું જોઇએ.

એક બીજી વાત પણ કરવી છે મારા પપ્પાના પુસ્તક ”સ્મરણો દરિયાપારના’’ વિશે. એક તબક્કે મારા પપ્પા નર્વસ થઈ ગયા હતા. એ વખતે વિપુલભાઈએ મારા પપ્પાને સાચવી લીધા હતા. વિપુલભાઈએ મારા પપ્પાને ત્રણ મહિના માટે લંડન બોલાવ્યા હતા. લંડન જવા રવાના થવાના હતા તે વખતે મનુભાઈ પંચોળી ‘દર્શક’એ પપ્પાને એમ કહ્યું હતું, “તમે લંડન રહેવાના છો. ત્યાંના જે આફ્રિકાના ગુજરાતીઓ છે એમના વિશે થોડું લખજો.” એટલે પપ્પાએ આ પુસ્તકમાં અહીંના ગુજરાતીઓનાં વ્યક્તિચિત્રો ખૂબ સરસ રીતે વ્યક્ત કર્યાં છે. આ બધું તૈયાર થઈ ગયું અને રક્ષાબંધનનો દિવસ હતો અને સડનલી હી પાસ્ડ અવે ડયુ ટુ હાર્ટએટેક. એટલે મેં આ સંપાદનનું કામ કર્યું.

નટુભાઈ તમને પ્રણામ! વિપુલભાઈ તમને પણ પ્રણામ!’’ કહી નંદિનીબહેને પોતાની વાત પૂરી કરી હતી.

એ પછી નટુભાઈને સન્માનિત કરવાનો તબક્કો આવ્યો અને નંદિનીબહેન ત્રિવેદી અને ભાસ્કરભાઈ પટેલે નટુભાઈને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. વળી, ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી નટુભાઈને એક સન્માન-પદક એનાયત કરવાનું હતું, ઉષાબહેન પટેલે અને પ્રવીણભાઈ આચાર્યએ નટુભાઈને પદક એનાયત કરી સન્માનિત કર્યા. પદક પર અંગ્રેજીમાં લખાયેલા શબ્દોમાં નટુભાઈ પટેલની સમાજ પ્રત્યેની વિવિધ સેવાઓની કદરનોંધ કોતરવામાં આવી હતી.

ગુજરાતી સાહિત્ય અકાદમીનું અભિવાદન કરી, બહુમાનનો પ્રતિભાવ આપતા નટુભાઈ પટેલે કહ્યું કે આજથી 75 વર્ષ પહેલાં, જ્યારે મારી ઉંમર 13 વરસની હતી, ત્યારે વિલે પાર્લામાં ગોકળીબાઈ સ્કૂલમાં રમણલાલ દેસાઈની નવલકથા “શંકિત હૃદય’’ ઉપરથી એક અર્ધા કલાકનો એપિસોડ રસિકભાઈ વીરભાઈ તૈયાર કરાવી રહ્યા હતા, ત્યારે મને પહેલી વાર એકટિંગ કરવા માટે એમણે મને સ્ટેજ પર મૂક્યો. પછી મેટ્રિક થયો અને કોલેજમાં દાખલ થયો. કોલેજના કંપાઉન્ડમાં એક તરફ ચાદરનો પરદો કરી જમીન પર મિત્રો સાથે નાટકોના અનેક રીહર્સલો કર્યાં. અને આ રીતે નાટકો કરવાનું શરૂ કર્યું. અમારી આ કામગીરી જોઈને વડીલોએ પાટીદાર હોલમાં નવરાત્રી ઉત્સવ કરવા માટે તક આપી. અને ઉત્સાહ વધતો રહ્યો.

આ દરમિયાન મનમાં જે સપનું હતું તેને સાકાર કરવા રમણલાલ દેસાઈની બીજી એક નવલકથા – ભારેલો અગ્નિ - પરથી એક બીજો એપિસોડ તૈયાર કર્યો. એ અનુભવે મને સ્ક્રિનપ્લે બનાવવાનું શીખવ્યું. એ પછી ‘ગુજરાતી મંડળ’માં “પ્રણય” નાટક્નું મંચન કર્યું. વળી અમારા ઘરમાં ફિલ્મોનું એટમોસ્ફિયર રહેતું. અમારા ઘરની બાજુમાં જાણીતા ફિલ્મ નિર્માતા પી.એલ. સંતોષી રહેતા હતા. અને બીજી ફિલ્મી હસ્તીઓની અવરજવર પણ ઘરમાં રહેતી એટલે મારા પર ફિલ્મી વાતાવરણની થોડી ઘણી અસર પણ હશે, એટલે મારા નાટકોમાં Cinematic effectsની અસર આવવા લાગી. અને મને યાદ છે અમદાવાદમાં જ્યારે “ભવની ભવાઈ’’ ભજવેલું, ત્યારે મેં દીનાબહેન પાઠકને પૂછેલું, નાટક સિનેમેટિક થાય તો સ્ટેજ પર કેમ ગવાય નહીં? એ વખતે દીનાબહેને એ બાબતમાં કોઈ ખાસ ચોખવટ કરેલી નહિ, પણ વીસ વરસ પછી મેં એમની જોડે જ નાટક કરેલું અને સ્ટેજ પર ગવડાવ્યું પણ ખરું!

પછી નાટકો કરતાં કરતાં કોણ જાણે કેમ પણ મને એમ.એ. કરવાની ધૂન જાગી અને થોડું વોલન્ટરી વર્ક પણ કર્યું, અને યુગાન્ડાના “કંપાલા’ શહેરમાં રહેવાનું થયું. નાટકો કરવાની ધૂન મન પર સવાર હતી. અહીં કલા કેન્દ્રમાં  ઉષાબહેન, પ્રીતમભાઈ અને થોડાં બીજાં નાટકોમાં રસ ધરવાતાં કલાકારો મળ્યાં અને ઘણાં નાટકો કર્યાં. મોટા ભાગના નાટકો જે કંપાલામાં કર્યા હતાં તેમાં ઉમાશંકર, સ્નેહરશ્મિ અને રમણલાલની વિચારશૈલીની અસર રહેતી. એમાં બે નાટકો મારા જીવનના માઈલ-સ્ટોન જેવા બની રહ્યાં. પણ લોકોને થાય અમે આ પ્રવૃત્તિ પૈસા કમાવા ખાતર કરીએ છીએ. નામ દીધા વિના કહી શકું કે એમાંનું એક નાટક ટિકિટબારીની દૃષ્ટિએ ફેઈલ ગયેલું. 25 શિલિંગની ટિકિટ લઈને કેવળ 15 પ્રેક્ષકો જોવા આવેલા.

1975 –1976માં લંડનમાં જે નાટકો થયાં તેમાં એક નૃત્યનાટિકા “રામાયણ’’ વેમ્બલી કોન્ફરન્સ હોલમાં રજૂ કરેલી. નૃત્યનાટિકાની વેશભૂષા, અભિનય, બેકગ્રાઉન્ડ સંગીત, અભિનિવેશ, લાઈટિંગ ઇફેકટ્સ બધું જા સુપર્બ! શરૂઆતમાં લોકોને ભરોસો આવતો ના હતો. બધાને લાગતું હતું કે આ નાટકને પ્રેક્ષકો તરફથી બહુ રિસપોન્સ નહીં મળે! કેટલીક ટિકિટો ય પાછી આવેલી. પણ જ્યારે “રામાયણ” નૃત્યનાટિકાની પ્રસ્તુિત થઈ ત્યારે અડધા જ કલાક પછી ટિકિટબારી પર “હાઉસ ફૂલ’’નું પાટિયું ચડાવવું પડેલું. આમ નિરાશામાં ઘેરાયેલા હોઈએ ત્યારે કોઈને કોઈ દોરનારું મળી જતું હોય છે.

રમણભાઈ દેસાઈની નવલકથાઓ તરફ મને પહેલેથી જ ઘણું આકર્ષણ રહ્યું છે! પિનાકીને મને “મીરા”ના જીવન આધારિત નૃત્યનાટિકા કરવાનું સૂચન કર્યું. મારી પહેલી નજર રમણલાલની “બાલા જોગણ’’ તરફ ગઈ. પણ એ ચોપડી આઉટ ઓફ પ્રિન્ટ હતી, ક્યાંથી મળે? પછી ગમે તેમ એ ચોપડી હાથવગી થઈ. ત્યારે 350 પાનાંની નવલકથા નિરાંતે બે ચાર વાર વાંચી ગયો, ને ત્યાર પછી તેના પર કામ શરૂ કરી દીધું. પટકથા, નૃત્યશૈલી, સંગીત, સેટસ, ડ્રેસિસ, બધું તૈયાર થયું. મહિનાઓની અમારી મહેનત સફળ રહી, અને એ નાટક ટિકિટબારીએ ખૂબ જ સક્સેસ્ફુલ રહ્યું, એટલું નહીં, તે નાટક ટોરોન્ટો, શિકાગો વગેરે વિદેશમાં જ્યાં પણ ભજવાયું ત્યાં ધૂમ મચાવી દીધેલી. ઓડિયન્સ નાટક જોડે એટેચ થાય તો નાટક સક્સેસફુલ જાય. અને હું જ્યારે કોઈ પણ વિષય પર કામ કરતો હોઉં છું ત્યારે મારું ફોકસિંગ પોઇન્ટ ઓડિયન્સ હોય છે. અને મારા “આમ્રપાલી” અને “શકુંતલા” જેવાં નાટકોને સફળતા મળવાનું રહસ્ય પણ એ જ છે. “આમ્રપાલી”એ 17થીયે વધારે શો લંડનમાં કર્યા અને ટોરોન્ટો અને અમેરિકામાં પણ તેના ઘણા શો થયા.

હવે તો મીનુ (પટેલ) પણ તૈયાર થઈ ગઈ છે. કિરણ (પુરોહિત) સારામાં સારો ડિરેકટર છે, અદાકારી પણ સારી કરે છે, અંતમાં, નાટકની દુનિયામાં પ્રવેશનાર કોઈ પણ વ્યક્તિને મારે આટલી શીખ દેવી છે - નાટ્યજગતમાં સફળતા મેળવવા માટે ખૂબ પરિશ્રમ કરવો આવશ્યક છે. બધું ભૂલી જવું પડે, તેમાં ડૂબી જવું પડે, અને ફના થઈ જવાની તૈયારી હોય તો જ સફળતા નાટકની ધરતી ઉપર પગ મૂકનાર વ્યક્તિના કદમ ચૂમે છે.

જગદીશ દવેએ સમગ્ર કાર્યક્રમનું સમાપન કરતાં જણાવ્યું હતું: “થોડા દિવસો પહેલાં વિપુલભાઈનો ફોન આવ્યો હતો - આ જે કાર્યક્રમ કરવાનો છે તેનું સમાપન તમારે કરવાનું છે અને તમારા વિચારો પણ આપવાના છે. સમાપનમાં તો માત્ર મુદ્દાની જ વાત કરવાની હોય. અકાદમીએ આ કાર્યક્રમમાં મને ગોઠવ્યો એ માટે આભારી છું.

પચીસ વર્ષથી હું અકાદમી સાથે જ છું અને અત્યારે અકાદમી જે કક્ષાએ પહોંચી છે તે માટે તેને અભિનંદન આપું છું. તેને ચાલીસ વર્ષ થયાં, એ કંઈ મોટી ઉંમર તો ન કહેવાય, અને હજી બીજાં ઘણાં વર્ષો સુધી આ કાર્ય ચાલુ જ રહેવાનું છે, તેવું હું માનું છું અને તમે બધાં પણ મારા મંતવ્ય સાથે સહમત થશો.

હવે આ સમાપનની વાત કરવી છે, પણ હું ઝાઝું લખી શકતો નથી એટલે જેટલું લખાયું છે તેના આધારે રજૂ થઈશ. “અમે બરફનાં પંખી’ નાટકથી એમણે આરંભ કર્યો. જે નાટક અત્યંત જાણીતું બન્યું. આ પ્રકારનાં જ નાટકો થઈ શકે એવો ઉષાબહેને અને પ્રવીણભાઈએ અભિપ્રાય વ્યકત કર્યો. વ્યોમેશે નટુભાઈને આદર્શ નાટકોના પ્રણેતા અને દૃઢમનોવાળા સક્ષમ નાટ્યવિદ્દ તરીકે બતાડ્યા, મનીષાબહેને કહ્યું હતું કે આટલી સરસ રજૂઆત કરી શકે તે પછળ કોઈ શક્તિ કામ કરી રહી હોય તો તે શક્તિ છે - નટુભાઈ! નહીં તો આ કામ આ કક્ષાએ પહોંચ્યું જ ન હોત. એ વખતે મને જરા શંકા થયેલી. આ નાટક ઓડિયન્સને ગમશે ખરું? પણ નટુભાઈએ મારી શંકાને ખોટી પાડી હતી. મરાઠીમાં રજૂ થતાં નાટકો કરતાં પણ આ નાટક ઉત્તમ તરીકે પુરવાર થયું. સુરેન્દ્રભાઈએ પણ કહ્યું કે, નટુભાઈ વિશે બોલવાનું આવે તો સવાર પડી જાય! એમણે નૃત્યનાટિકા “રામાયણ’’ની સફળતાની પણ વાત કરી અને સંજીવકુમારને ફિલ્મ “કલાપી’માં હીરો તરીકે ઈન્ટ્રોડ્યૂસ કરનાર નટુભાઈ હતા, તેનો પણ અછડતો અણસાર આપી દીધેલો. મીનુબહેને પપ્પા નટુભાઈને જે પરિપ્રેક્ષ્યમાં જોયા હતા તેની વાત કરતાં કહ્યું કે પપ્પાનો હંમેશાં પોઝિટિવ અભિગમ રહેતો. દરેક વ્યક્તિમાં રહેલી સારામાં સારી શક્તિને જોઈને તેને આગળ વધારી શકાય એવું એ દૃઢપણે માનતા. અત્યારે જે વકતાઓએ વાત કરી એ બધા પણ એમ જ કહી ગયા – તમે અમારા વડીલ છો! નટુભાઈની નેતાગીરીમાં જે નાટકો થયાં તેનો હું બત્રીસ વર્ષથી સાક્ષી છું. એમની સાથે કામ કરનારાંઓને હંમેશાં લાગ્યંુ છે, નટુભાઈ જો ન હોત તો અમે આ સ્થિતિએ આજે પહોંચ્યા જ ન હોત! નંદિનીબહેનના પિતાશ્રી સાથે પણ મારે ઘણો જૂનો સંબંધ હતો. નંદિનીબહેનને સાંભળવા મળ્યાં અને જયંતભાઈની યાદ તાજી કરાવી દીધી.

75 વર્ષથી નાટકો સાથે પાનારો પાડનારા નટુભાઈ વિશે મારે પણ કંઈ કહેવું હોય. ભારતીય વિદ્યા ભવનમાં આજથી 25 વરસ પહેલાં આ દેશમાં આવ્યો ત્યારે નટુભાઈ સાથે પરિચય થયો. એમની ગોલ્ડર્સગ્રિનમાં દુકાન હતી ત્યાં મને બોલાવ્યો. ફટાફટ મારી સાથે કરેલી વાતચીતમાંથી એ પામી ગયેલા કે, આ માણસ પાસેથી કશુંક મેળવી શકાશે. મને કહે કે, અમે બધાં નાટકો કરીએ છીએ અને તેના વર્ગો ચાલુ કરવા છે. અને આ વર્ગોનું સંચાલન તમે કરો અને સાથે સાથે આ નાટકની પ્રવૃત્તિ છે તેમાં પણ જોડાયેલા રહો. એ વખતે સેક્રેટરી તરીકેની જવાબદારી પણ હું સંભાળતો. શિસ્ત બધાંમાં ઊતરે અને માણસને કેવી રીતે એમાં ઢાળવો અને રજૂ કરવો તેની બરાબર સૂઝ નટુભાઈમાં હતી. નૃત્યનાટિકાઓ કરી, નાટકો કર્યાં, તેના વર્ગો કર્યા એ વખતે પણ એમની સાથે રહેવાનું થયું. એકાંકીઓની સ્પર્ધા શરૂ કરી, ત્યારે પણ તેની વ્યવસ્થા મારે ઉપાડવાની હતી. આમ એક કાર્ય એમના મનમાં ઊગે અને મને તે મારી સામે મૂકતા જાય.

ગુજરાતી સાહિત્ય અકાદમીએ પણ નાટકોના ક્ષેત્રમાં થોડુંક કામ કર્યું છે. ત્રણ નાટકો આ દેશમાં ભજવ્યાં છે. અને નટુભાઈને પણ સાહિત્ય સાથે નાતો રહ્યો હતો. આજે અહીં આટલી મોટી સંખ્યામાં નટુભાઈના મિત્રો હાજર રહ્યા છે, અને એમણે જે વાત કરી તે હું દોહરાવવા માગતો નથી. પણ ઇચ્છું છું અકાદમી આવી જાતના કાર્યક્રમો કરતી રહે, અને આ કાર્યક્રમ યોજવા માટે અકાદમીનો હું ફરીથી આભાર માનું  છું. નટુભાઈ 100માં પહોંચવાના જ છે. અને આજે કાને ઓછું સંભળાય છે તો પણ એ જ ઉત્સાહથી નાટકોની વાતો કરે છે. નાટકોને શ્વસ્તા આ રંગકર્મીને બહુમાન પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન.

અને છેલ્લે, ગુજરતી સાહિત્ય અકાદમીનાં સહમંત્રી વિજ્યાબહેન ભંડેરીના આભારદર્શન પછી સન્માન સમારંભ પૂરો થયો હતો. અવસરને અંતે દરેક માટે પ્રીતિભોજનની વ્યવસ્થા કરાઈ હતી.

***

07 November 2017

e.mail : [email protected]

Category :- Opinion / Opinion