હાઉ ઇઝ લાઇફ ?

ચિરાગ ઠક્કર
20-03-2013

વિરાજ એ વિશાળ ગારમેન્ટ સ્ટોરની ઇન્ડિયન કોમ્યુિનટીનો BBC રેડિયો હતો. મુખ્ય દરવાજા પાસે જ એનું કામ હતું એટલે આવતાં-જતાં બધાની ખબર પૂછતો રહેતો અને ખાસ તો બધાને ખબર આપતો રહેતો. બુધવારનો દિવસ ઓછામાં ઓછો વ્યસ્ત રહેતો હોવાથી તેને બધા જોડે વાતો કરવાનો અચ્છો સમય મળી રહેતો.

બપોરે સાડા બારે ક્લોક ઈન કરીને તે શોપ ફ્લોર પર આવ્યો. પોતાનો નેઇમ-બેજ સરખો જ કરતો હતો અને તેણે સ્વામીજીને જોયા. નકુલ પટેલ શાંત પ્રકૃતિનો માણસ અને સ્વામિનારાયણનો સગવડિયો અનુયાયી, એટલે સ્ટોરમાં તેને બધાં સ્વામીજી કહેતાં. ‘જય સ્વામિનારાયણ, સ્વામીજી. હાઉ ઇઝ લાઇફ?’ વિરાજે તેમને પૂછ્યું.

‘બસ હાલે છે.’ સ્વામીજીએ મિરાજ તમાકુને નીચલા હોઠ વચ્ચે દબાવતાં કહ્યું, ‘તમે ક્યો ..’

‘આપણું તો તમને ખબર જ છે. જિંદગી ઝંડવા, ફિરભી ઘમંડવા.’ વિરાજે જવાબ આપ્યો. જિંદગી પ્રત્યે તેને હંમેશાં ફરિયાદ રહેતી. ‘M.Sc. Biotech કરીને હેંગર પર કપડાં લટકાવીએ છીએ.’

‘ઇ તો એમ જ હોય, માલિક. બેંકમાં પાઉન્ડ પડવા જોઇએ.’ સ્વામીજીએ તમાકુનો રસ લેતાં-લેતાં પ્રેક્ટિકલ વાત કરી, ‘હારી નોકરી ના મળે ત્યાં હુધી આંયા કુટાવું જ પડે ને?’

એક વાગે મિતુલની શિફ્ટ શરૂ થતી. જેવો તે શોપ ફ્લોર પર આવ્યો કે વિરાજે તેને ઝડપી લીધો. વિરાજ પૂણેમાં ફિઝિયોથેરાપિસ્ટ હતો. અહીં આવીને તે એ ક્ષેત્રમાં આગળ પણ ભણ્યો, પણ એ જ ક્ષેત્રની નોકરી મેળવવામાં પાસપોર્ટનો રંગ આડો આવતો હતો એટલે એ પણ ન છૂટકે આ કપડાંની દુકાનમાં લાગી ગયો હતો. બધા તેને ‘ડૉકટર સાહેબ’ કહીને જ કટાક્ષ કરતા. ‘શું ડૉકટર સાહેબ! આવી ગયા કપડાંને કસરત કરાવવા?’ વિરાજે આદત મુજબ વ્યંગબાણ છોડ્યું.

‘આવવું જ પડેને, ડિયર?’ મિતુલે નાક પર નીચે સરકી આવેલાં ચશ્માંને દર્શિકાથી ઉપર ચડાવ્યા, ‘તમારું હજું પણ જિંદગી ઝંડવા, ફિરભી ઘમંડવા?’

‘એક્ઝેટલી. હવે તું બી શીખી ગયોને? તું જ કોઈ ઉપાય બતાવને યાર. આખો દિવસ નીચે પડેલાં કપડાં ઊઠાવીને તો આ કમરનો કૂચો થઈ ગયો છે. શું કરવું?’ વિરાજે ફરિયાદ કરી.

‘એ બધું તો ચાલ્યા કરે હવે. મને એમ કહે કે આપણો ઇંગ્લિશ બાબુ કેમ નથી દેખાતો?’ મિતુલે વાત બદલીને બાજુમાં આવીને ઉભેલા સ્વામીજીને પૂછ્યું. આવા ઘણા દર્દીઓને તેણે સાજા કર્યા હતાં પણ અહીં આ પરિસ્થિતિમાં તેનો ઉલ્લેખ થતાં એ નિસહાયતાની લાગણીથી ઊભરાઈ જતો. તેને ફિઝિયોથેરાપિસ્ટના બદલે આવું કામ કરવું પડતું, તેની નાનમ લાગતી.

‘ઇ કે’દુનો એચ.આર.માં ગ્યો છે. ગમે ત્યારે ટપકી પડશે.’ સ્વામીજીએ કહ્યું. મેનેજર પણ ભારતીય જ હતો, ત્રણ-ચાર વર્ષ લંડનમાં રહ્યાં બાદ તે લંડનના નામે મોટા ઘરની છોકરીને પરણી લાવ્યો હતો. મોટા ઘરમાં ઉછરેલી એ છોકરીએ કદી ય કામ નહોતું કર્યું એટલે લગ્ન પછી પણ સુહાસને જ ઘરના બધાં કામ કરવાં પડતાં. એક વાર પે-ડે પાર્ટીમાં બે-ત્રણ પેગ વધારે પીને એ પોતાના મનની વાત બકી ગયો અને કૂથલીકારોને તો જાણે ખજાનો મળી ગયો. ત્યારથી સુહાસની પીઠ પાછળ તેને ‘ઇંગ્લિશ બાબુ, દેશી મેમ’ ફિલ્મ યાદ કરીને ઇંગ્લિશ બાબુ તરીકે ઓળખવામાં આવતો. ધીરે-ધીરે સામાન્ય વાતચીતમાંથી કૂથલી શરૂ થઈ અને થોડી વારમાં એ ત્રણેય, બધા જ ઇમિગ્રન્ટ્સની જેમ, નોકરી-વિઝા-ઘરની વાતો કરવા લાગ્યા.

‘હાલો, હાલો, કામે વળગો. ઇ આવતો જ લાગે છે કોઈ ગોરીને લઈને.’ અડધા કલાક બાદ મરાઠી મેનેજર સુહાસને આવતો જોઈને સ્વામીજીએ ટહુકો કર્યો અને બિલાડીને જોઈને સરકી જતાં ઉંદરોની જેમ ત્રણેય સરકી જઈને કામે વળગ્યા. કોઈ નવી છોકરી આવી હશે એટલે સુહાસે તેને બધુ સમજાવતો હશે, તેવું ત્રણેયને લાગ્યું પણ અજીબ વાત એ હતી કે નવી છોકરી જોડે એક ઊંચો, કોકેશિયન ચહેરો ધરાવતો આદમી પણ ફરતો રહેતો હતો. તેની પીઠ આ લોકો તરફ રહેતી એટલે એ શું કરે છે તે સમજાતું નહીં પણ જ્યાં-જ્યાં નવી છોકરી ગઈ, ત્યાં-ત્યાં એ આદમી પણ ગયો. સુહાસે ફરી-ફરીને આખો સ્ટોર અને તેને લગતી વિવિધ વ્યવસ્થાઓ નવી છોકરીને બતાવી. એકાદ કલાક બાદ સુહાસે આખી ટીમને લોડિંગ-બેમાં ભેગી કરી.

વિરાજ, નકુલ, મિતુલ, મોહમ્મદ, મુમ્બા, ઓક્સાના અને સેન્ડ્રા – બધા જ આવી ગયાં એટલે મેનેજર સુહાસે કહ્યું, ‘ગાઇસ, મિટ દનીસા. તે આજે જ આપણા સ્ટોરમાં જોડાઈ છે.’ કહીને તેણે નવી છોકરીનો પરિચય કરાવ્યો. દનીસાએ નાનું છોકરું બોલે તેમ ખૂબ પ્રયત્ન પછી ઘોઘરા અવાજે ‘હાઇ ..’ કહ્યું અને પછી તેના હાથના ઊપયોગથી કંઈક ઇશારો કર્યો. તરત જ તેની બાજુમાં ઉભેલા પેલા કોકેશિયન પુરુષે કહ્યું, ‘હાઇ, હું દનીસા, ઇસ્ટોનિયાથી આવેલી છું.’ ત્યારે બધાના દિમાગમાં બત્તી થઈ. દનીસા બધીર હતી અને તેને કામમાં મદદ કરવા તેની જોડે ઇન્ટરપ્રિટર આવ્યો હતો. ‘હું સાંભળી નથી શકતી કારણ કે મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે.’ ઇન્ટરપ્રિટર બોલ્યો એટલે દનીસા હસી, પણ બીજો સ્ટાફ અવઢવમાં હતો કે હસવું કે નહીં. ઇન્ટરપ્રિટર પોતાની તરફ અંગૂઠો કરીને દનીસાના શબ્દો બોલ્યો, ‘આ મારો ઇન્ટરપ્રિટર છે, માઇકલ, જે અહીં બે અઠવાડિયા મને મદદ કરશે. પછી હું જાતે જ તમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ. ધીરજથી મને સમજવાનો પ્રયત્ન કરજો અને કંઈ પણ કામ પડે, તો તમારી મદદે હું હાજર જ છું.’

બધા ફોર્મલી ‘હાઇ .. હલ્લો …’ કરીને પાછા કામમાં પરોવાઈ ગયા પણ વિરાજથી રહેવાતું નહીં. તે વારે-વારે પાછો ફરીને દનીસાને કામ કરતી જોઈ લેતો. તે વાંકી પડીને શોપ-ફ્લોર પર પડેલાં કપડાં ઊઠાવતી, અસ્તવ્યસ્ત થઈ ગયેલાં કપડાંને સરખા ગોઠવતી, આડીઅવળી જગ્યાએ પડેલાં કપડાંને તેની યોગ્ય જગ્યાએ ગોઠવતી અને તેના ઇન્ટરપ્રિટરની મદદથી ગ્રાહકો જોડે વાત કરતી. લંચ સુધી એમ જ ચાલ્યું. લંચ ટાઇમમાં વિરાજે સ્વામીજીને પૂછ્યું પણ ખરું, ‘શું લાગે છે આ દનીસાનું? કેટલી ટકશે આ કામમાં?’ અને જવાબમાં સ્વામીજીએ બંને ખભાને કાન સુધી ઊંચા કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું. દનીસા આખો દિવસ વાંકી પડીને કપડાં ઊઠાવતી રહી અને ઇન્ટરપ્રિટરની મદદથી બધું સમજવાનો પ્રયત્ન કરતી રહી.

સાંજે જ્યારે વિરાજની શિફ્ટ પૂરી થવાની હતી, ત્યારે બધાને ‘બાય’ કહી તે છેલ્લે દનીસા જોડે ગયો. કઈ રીતે વાત કરવી એની અવઢવ હતી, છતાં તેણે આદત મુજબ પૂછી નાખ્યું, ‘દનીસા, હાઉ ઇઝ લાઇફ?’ દનીસાએ બંને હાથની મુઠ્ઠીઓ વાળીને અંગૂઠા ઊંચા કરીને ‘થમ્બ્સ અપ’ વાળી મુદ્રા બનાવી અને તેનો ઇન્ટરપ્રિટર બોલ્યો, ‘આઇ એમ ફાઇન. યુ?’

વિરાજ તેનો ‘જિંદગી ઝંડવા …’ વાળો ડાયલોગ બોલવા જ જતો હતો અને તેણે દનીસા તરફ જોયું, તેના ઇન્ટરપ્રિટર તરફ જોયું અને …

e.mail : [email protected]

('અોપિનિયન", 26 માર્ચ 2013)

Category :- Opinion Online / Short Stories