શું ખરું, શું ખોટું ?

દીપક બારડોલીકર
20-10-2017

‘નિરીક્ષક’ (૧૬-૯-૨૦૧૭)માંના [તેમ જ “ઓપિનિયન મેગેઝિન”માંના, 03 સપ્ટેમ્બર 2017 − http://opinionmagazine.co.uk/details/2883/muslim-ummah-etale-shun-?--bharatiya-muslimomaan-vyaapel-saamajik-stareekaran-ane-saamaajik-cadavado] વૃત્તાંતલેખ ‘મુસ્લિમ ઉમ્માહ એટલે શું?’-માં ઘણા ગંભીર હકીકતદોષો છે. હેરોમાં યોજાયેલી એ વિવાદસભાના મુખ્ય વક્તા જનાબ શારીક લાલીવાલાએ, લેખમાં નોંધાયું છે, એવું કહ્યું હશે કે કેમ એ એક સવાલ છે.

એ લેખની શરૂઆત જ ખામીભરી છે. મથાળામાં પ્રયોજાયેલો શબ્દ ‘ઉમ્માહ’ સાચો નથી. ઉમ્મહ હોવું જોઈએ. એને ઉમ્મત પણ કહે છે. એ એક અરબી શબ્દ છે અને એનો અર્થ પેગમ્બર (સલ્અમ)ના અનુયાયીઓનો સમૂહ યા જમાત થાય છે. આંતરરાષ્ટ્રીય કોમ નહીં.

મુસ્લિમોની ઓળખ આપતાં, એ લેખમાં નોંધાયેલું વિધાન યોગ્ય નથી. કુરઆને કરીમ તથા અહાદીએ નભવી (સલ્ચમ) અનુસાર કોઈ પણ વ્યક્તિનું મુસલમાન હોવા માટે જરૂરી છે કે તે એકેશ્વરવાદ-અલ્લાહના એકત્વમાં યકીન રાખે, હઝરત મુહમ્મદ(અલ્અમ)ને અલ્લાહના પેગમ્બર અને બંદા માને, કયામત, ફિરસ્તાના અસ્તિત્વ, જન્નત-જહન્નમ તથા  કિતાબે ઇલાહી પર શ્રદ્ધા રાખે. એ સિવાય રોઝા, નમાઝ, ઝકાત, હજનું પાલન કરવું તથા ચારિત્ર્યશીલ હોવું પણ આવશ્યક છે.

ઝકાત, એ લેખમાં નોંધાયા પ્રમાણે, પાંચ ટકા નહીં, અઢી ટકાના હિસાબે પોતાની માલમિલકત કે માયામૂડી પર, વરસ વીત્યે દર વર્ષે આપવી માલદારો પર ફરજ છે. અને એના હકદાર ગરીબો, જરૂરતમંદો, મુસાફરો વગેરે હોય છે.

ઈસ્લામે સાતમી સદીમાં ભારતમાં પ્રવેશ કર્યો હોવાનું કથન સર્વથા ખોટું છે. ‘હિસ્ટ્રી ઑફ ઇસ્લામ’ અનુસાર સાતમી સદીમાં તો ઇસ્લામનો પ્રાદુર્ભાવ થયો હતો. ભારતમાં એનો પ્રવાહ ઇસુની આઠમી સદીમાં, ખલીફા અલ-વલીદના રાજ્યકાળમાં પ્રવેશ્યો હતો અને સિંધના દેબલ બંદરથી લઈને મુલાકાત, ખૈબરઘાટ તથા કાબુલ-કન્દહાર સુધીના પ્રદેશ ઉપર તે ફરી વળ્યો હતો.

સૂફીવાદી(Sufism)ની બાબતમાં વક્તા યા વૃત્તાંતકાર ખરેખરા ગૂંચવાયા લાગે છે. અને દિલ્હીપતિ યુગલોને સૂફી બનાવી ગયા છે ને દરગાહોને દેવસ્થાનો સાથે મેળવી ગયા છે! જાણ્યે-અજાણ્યે સર્જાયેલો આ ગૂંચવાડો દૂર થાય છે એ ખાતર નોંધવું રહ્યું કે સૂફી પ્રણાલી એ કોઈ સંપ્રદાય નથી. કુરઆને કરીમના બોધ અનુસારની એક સુધારક હિલચાલ છે. યાદે ઇલાહીને સદાચરણ દ્વારા અલ્લાહ સુધી પહોંચવાનો એક તરીકો છે. આઠમી સદીમાં એનો આરંભ થયો, ત્યારે એનાં મુખ્ય કેન્દ્રો કુફા, બરસા અને ખુરાસાનમાં હતાં અને એ સમયના મુખ્ય સૂફી અબૂ હાશિમ હતા.

ભારતમાં ઇસ્લામનો પ્રચાર-પ્રસાર ૧૨મી સદીથી બહુ પહેલાં શરૂ થઈ ગયો હતો અને તેનો પ્રવાહ ખૈબરઘાટ સુધી પહોંચી ગયો હતો, જે આપણે ઉપર જોઈ ગયા. એ સિવાય ‘તારીખે ગુજરાત’ પ્રમાણે નવમી સદીમાં ગુજરાતમાં ખંભાતથી ચેમૂર સુધી મુસ્લિમ આબાદી હતી. લાટ તથા અણહિલવાડમાં પણ મુસ્લિમોની વસતી હતી. એ હતા બસરા, બગદાદ તરફના અરબ સોદાગરો. મલબારમાં પણ એ જ સ્થિતિ હતી.

આ અરબ સોદાગરોએ સ્થાનિક બિનમુસ્લિમ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં અને તેમની અહીં જન્મેલી ઔલાદ બયાસરા નામે ઓળખાતી હતી.

ભારતમાં, મધ્યપૂર્વીય દેશોમાંથી સૂફીઓનું આગમન ૧૨મી નહીં, ૧૧મી સદીથી શરૂ થયું હતું. હઝરતઅલી અલ-હજવેરી-દાતા ગંજબક્ષ એક મહાન સૂફી હતા. તેઓ ૧૧મી સદીમાં પંજાબ આવ્યા હતા. ઈસવી સન ૧૦૯૨માં તેમની વફાત થઈ હતી. તેમની મઝાર લાહોરમાં છે. તેમનો એટલો પ્રભાવ હતો કે લાહોર આજે પણ ‘દાતા કી નગરી’ તરીકે ઓળખાય છે.

એ લેખમાં દર્શાવાયું છે કે સૂફીઓ ભારતમાં આવ્યા, દરગાહો બંધાવી, ઇસ્લામ ભારતમાં પ્રવેશ્યો, મુસ્લિમોએ હિન્દુધર્મનાં ઘણાં તત્ત્વો સ્વીકાર્યાં, ધર્માંતર કરનારા દેવી-દેવતાઓમાં માનતા રહ્યા અને દરગાહો હિન્દુઓની માન્યતાઓની ઇસ્લામ પરની અસરનું પરિણામ છે - આ વાતો ધર્મ તથા ઇતિહાસની જાણકારીના અભાવ તથા કન્ફ્‌યુઝ્‌ડ માનસનું પરિણામ હોય એમ લાગે છે. સૂફીઓ દ્વારા આવેલી દરગાહ હિન્દુઓની માન્યતાઓની ઇસ્લામ પરની અસરનું પરિણામ શી રીતે હોઈ શકે? વળી, ઇસ્લામ કંઈ એવો નબળો કે ઊણો ધર્મ નથી કે અન્યની અસર સ્વીકારે. એ એક માત્ર સર્વસંપૂર્ણ મઝહબ છે.

ધર્માંતર કરનારા હિન્દુઓ દેવી-દેવતાઓમાં માનતા રહ્યા એમ કહેવું એ નરી બાલિશતા છે, મુસલમાન માટે એવી માન્યતાની કોઈ ગુંજાઈશ છે જ નહીં. ઇસ્લામ સ્વીકારે તેણે સૌ પ્રથમ દેવ-દેવીઓને રદ કરી અલ્લાહના એકત્વનો સ્વીકાર કરવો પડે છે. ધર્માંતર, બાધા તથા દેવ-દેવીઓનાં વર્ણન સાથે દરગાહોને ભેળવવા પાછળ કોઈક છાનો ઉદ્દેશ કામ કરી રહ્યો લાગે છે. - વક્તાના આ મંતવ્યને શું કહેવું કે જિન્નાહસાહેબ ધર્મે શીઆ ફિરકાના હોય, પણ રાજકીય નુકસાન થવાના ભયે તેમણે એ હકીકત છુપાવી હતી! અહીં સવાલ આ છે કે એ સમયે જમિયતે ઉલેમાએ હિન્દુ, જમાતે ઇસ્લામી, એહચર, કૉંગ્રેસ વગેરે પક્ષોનું જોર હતું અને શું તેઓ એટલા બેખબર હતા કે જિન્નાહસાહેબ શીઆ છે, એની તેમને ખબર જ ન હતી! - કહતા ભી દીવાના, સુનતા ભી દીવાના!

અને ઇસ્લામમાં ઊંચ-નીચના ભેદનો તો કોઈ સવાલ જ નથી. મસ્જિદોમાં - ‘એક હી સફ મેં ખડે હો ગયે મહમૂદો - અયાઝ’- વાળો મામલો હોય છે. અલબત્ત સમાજની વાત જુદી છે. ત્યાં ધનિકોને મારતે મિયાં છવાયેલા હોય છે. અને તે ફક્ત મુસ્લિમ સમાજમાં નહીં, દરેક જ્ઞાતિ-સમાજમાં હોય છે. સામાજિક બુરાઈઓ, ધર્મના માથે લાદી ન શકાય. મુસ્લિમ સમાજમાં વ્યવસાય માટે, ધંધારોજગાર વિશે નિયમો હોવાની વાત વિચિત્ર લાગે છે. હું મુસલમાન છું અને મેં એવો કોઈ નિયમ જોયો નથી. આવડત, જ્ઞાન અને આર્થિક સગવડ ધરાવતો કોઈ પણ મુસ્લિમ કોઈ પણ હલાલ વ્યવસાય કરી શકે છે તથા ઇચ્છે તેની સાથે પોતાનું હિત બક્ષી રાખીને, કોઈ પણ વ્યક્તિ સાથે લેવડદેવડ કરી શકે છે. રહી કોમો અને કુળની વાત તો એ ખુદાસર્જિત છે. કુરઆને કરીમમાં એ વિશે ફરમાને ઇલાહી છેઃ

‘હે લોકો! અમે તમને એક પુરુષ અને એક સ્ત્રી (આદમ અને હવ્વા) થકી પેદા કર્યા અને તમારાં કોમો ને કબીલા બનાવ્યા, કે જેથી (તમે) એકબીજાને ઓળખી શકો ...’ (૧૩) સુરએ હુજુરાત.

અને ‘દલિત મુસ્લિમો’ને એ ભાઈ ક્યાંથી લઈ આવ્યા ? ઇસ્લામમાં એવું કશું છે જ નહીં. આપણા વિદ્વાન લેખક કરીમ મુહમ્મદ માસ્તરે પણ તેમના અભ્યાસપૂર્ણ પુસ્તકનું ‘ગુજરાતનાં મુસલમાનો’માં એવો કોઈ ઉલ્લેખ કર્યો નથી.

વિવાદસભાના મુખ્ય વક્તા જનાબ લાલીવાલા કહે છે કે મુગલો સૂફી હતા. પણ હું કહીશ, ઇતિહાસ કહે છે, જમીનની હકીકત કહે છે કે મુગલો સૂફી નહીં, ખરા તલવારબાજ હતા અને તલવારના બળે, ફરઘાનાથી નીકળીને તેઓ દિલ્હીપતિ બની ગયા હતા અને પ્રલંબકાળ સુધી ભારત ઉપર શાનદાર સત્તા ચલાવી હતી. તેમનાં પરાક્રમો ને સિદ્ધિઓથી ઇતિહાસ ભર્યા પડ્યા છે. અગર તેઓ સૂફી હોત, તો તેમની સિદ્ધિનાં ખાતાંમાં દરગાહો કે સૂફીઓના ડેરા-ડાયરા હોત!

અલીગઢ યુનિવર્સિટી રૂઢિચુસ્ત મુસ્લિમોએ નહીં, પ્રગતિશીલોએ, સર સૈયદ અહમદખાન જેવા દૂરંદેશી નેતાની આગેવાની હેઠળ બંધાવી હતી. રૂઢિચુસ્તો, મૌલવીઓ તો એના વિરોધી હતા! દરગાહ પર જવું એ રૂઢિચુસ્તો માટે કે પ્રગતિશીલો માટે હરામ નથી. ત્યાં ફાતેહા ખાની કરી શકાય છે, ફૂલો ચઢાવી શકાય છે, બુઝુર્ગના વસીહાથી દુઆ કરી શકાય છે અને મોટે ભાગે એમ જ થાય છે. દેવ-દેવીની પૂજા દેવસ્થાનોમાં થાય, દરગાહમાં નહીં.

એ લેખમાં બીજી પણ કેટલીક અર્થહીન, વિકૃત વાતો છે. પણ સવાલ આ છે કે એવા અધ્ધરતાલ લેખ ‘નિરીક્ષક’માં શુ ંકામ છપાવા જોઈએ? શો ફાયદો?

અને અંતે મારા મરહૂમ મિત્ર મુનીર નિયાઝીનો એક સુંદર શેરઃ

  ‘દુશ્મની રસ્મે જહાં હૈ,
   દોસ્તી હર્ફે ગલત
  આદમી તન્હા ખડા હૈ,
   ઝાલિમોં કે સામને ?’

11, Croston Terrace, Ayres Road, Old Trafford, Manchester, M 16 7FD (U.K.)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2017; પૃ. 16-17 

Category :- Opinion / User Feedback