મુસ્લિમ ઉમ્માહ એટલે શું? … ભારતીય મુસ્લિમોમાં વ્યાપેલ સામાજિક સ્તરીકરણ અને સામાજિક ચળવળો

આશા બૂચ
03-09-2017

તાજેતરમાં એક સંવિવાદ બેઠકનું આયોજન હેરો ખાતે થયેલું. તેના મુખ્ય વક્તા તરીકે એક ફાંકડા ઉત્સાહી યુવાન ભાઈ શારિક લાલીવાલા આવેલા.

શારિક લાલીવાલા, સલિલ ત્રિપાઠી અને વિપુલ કલ્યાણી

શારિક હાલમાં કિંગ્સ કોલેજ લંડનમાં અનુસ્નાતક ઉપાધિ મેળવવા ‘જુહાપુરા-અમદાવાદમાં ઇસ્લામિસ્ટ્સ’ વિષય પર નિબંધ તૈયાર કરી રહ્યા છે. અભ્યાસ પૂરો કર્યા બાદ, તેઓ સંસ્થાનનાં અંતિમ વર્ષો અને બ્રિટિશ રાજ ખતમ થયા ત્યાર બાદનાં વર્ષોના અમદાવાદના ઔદ્યોગિક અને રાજકીય ઇતિહાસ પર કામ કરવા ધારે છે.

તેમના વક્તવ્યનો વિષય હતો, ‘મુસ્લિમ ઉમ્માહ એટલે શું? ભારતીય મુસ્લિમોમાં વ્યાપેલ સામાજિક સ્તરીકરણ અને સામાજિક ચળવળો’. મુસ્લિમ સમાજમાં જ્ઞાતિ, વર્ગ અને ગ્રામ્યજન અને શહેરી લોકો વચ્ચેના ભેદભાવને કારણે પેદા થયેલ વિભાજિત સમાજ વિષે તેમણે વાત કરી તેમ જ એ પ્રશ્નને હલ કરવા કઈ કઈ સામાજિક ચળવળો ચાલે છે એ વિષે સમજણ આપી.

પ્રારંભે વિપુલ કલ્યાણીએ પૂર્વભૂમિકા બાંધતા કહ્યું કે આપણે આખર માણસ છીએ જે ઘણી ગ્રંથિઓ-પૂર્વ ગ્રંથિઓ લઈને ફરીએ છીએ. જે કદાચ આપણા અભ્યાસ અને વાંચનની કચાશનું પરિણામ હોઈ શકે. એક જ કોમમાં પણ જ્ઞાતિ-પેટા જ્ઞાતિની આલોચના વધુ થતી જોવામાં આવે પણ તેમના વિષે પૂરતી જાણકારી નથી હોતી. તો બીજા ધર્મ વિષે ગેરસમજ અને ગ્રંથિઓ તો હોવાની જ કેમ કે આપણું તે વિશેનું અભ્યાસનું ચરણ અધૂરું જ રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં વસતા મુસ્લિમો વચ્ચેના વિભાજન અને તેમની ચડતી-પડતી વિષે સામાન્યતયા કોઈને ખાસ ખબર નથી. કમનસીબે આજે વિશ્વમાં ફેલાયેલ આતંકવાદ સાથે મુસ્લિમોને સાંકળવામાં આવે છે, જ્યારે ખરું પૂછો તો તેમાં બધા ધર્મના લોક જવાબદાર છે. યહૂદીઓ, ઇસાઈઓ અને હિંદુઓ પણ તેમાં શામેલ થયેલા છે; એટલું જ નહીં, અહિંસાના અઠંગ પ્રહરી ગણાતા તેવા બૌદ્ધ અને જૈન લોકો પણ ક્યાંક ક્યાંક હિંસાત્મક પ્રવૃત્તિઓમાં પોતાના હાથ લાલ રંગે રંગતા જોવા મળે છે.

આ કાર્યક્રમનું સંચાલન માનવ અધિકારના મશાલચી તરીકે આપણે સહુ જેમને ઓળખીએ છીએ તે જાણીતા વિચારક, પત્રકાર - લેખક સલિલ ત્રિપાઠીએ સુપેરે કર્યું. તેમણે આ બેઠકનો દોર હાથમાં લેતાં મુદ્દાની વાત કરતાં કહ્યું, દરેક ધર્મ કે તેને અનુસરનારા લોકો વિષે આપણે ભાગ્યે જ કઇં જાણીએ છીએ, પણ તેમના વિષે સર્વ સાધારણ માન્યતાઓ સારી પેઠે ધરાવીએ છીએ. સીખ લોકો રંગીલા હોય, બૌદ્ધ લોકો કન્વર્ટ થયેલા હોય અને મુસ્લિમ એટલે એ તો દાઢી રાખે, ઉર્દૂ બોલે અને સ્ત્રીઓ બુરખા પહેરે, બસ એટલું સમજીએ. મુસ્લિમ એટલે કાં તો શહેનશાહ હોય, નહીં તો મિયાં એવો ખ્યાલ સેવતા આવ્યા છીએ. જેમાં હવે મુસ્લિમ એટલે આતંકવાદી એવી ભૂલભરેલી માન્યતા ખૂબ પ્રચલિત થતી જોવા મળે છે. થયું છે એવું કે ભારતમાં બિનસાંપ્રદયિકતાનો વિરોધ કરનારાઓ પાસે આજે સત્તાનો દોર છે. જો ભારતની પ્રજા અને તેમને અનુસરશે તો આપણે પાકિસ્તાનનું પ્રતિબિંબ બની જઈશું. જેમ ગુજરાતીઓની સાત કરોડ (રાજ્યની જનસંખ્યા જેટલી) અસ્મિતા છે, તેમ મુસ્લિમોમાં પણ વિવિધતા છે, વિભાજન છે તે આપણે સમજવું જરૂરી છે. છેક 1968થી શરૂ કરીને ‘84, ‘86, ‘92 અને છેવટ 2002માં ગુજરાતમાં કોમી હુલ્લડો થયાં તેનાથી સમાજમાં શા ફેરફારો થયા તે જાણવું આવશ્યક છે.

મુખ્ય વકતા શારીકભાઈએ ભારતમાં વસતા મુસ્લિમોની ઓળખ આપતા પહેલાં મુસ્લિમ કોને કહેવો તે સ્પષ્ટ કર્યું. મુસ્લિમ તેને કહેવાય જે આર્થિક પરિસ્થિતિ સારી હોય તો જીવનમાં એક વાર હજ કરવા જાય, કુરાન શ્રદ્ધા સાથે વાંચે, પાંચ વખત નમાજ (શિયા હોય તો ત્રણ વખત) પઢે, આર્થિક સ્થિતિ સારી હોય તો પોતાની આવકમાંથી 2.5% જરૂરિયાતમંદ લોકોને દાન કરે - જેને જકાત કહે છે અને શરિયત એટલે કે મુસ્લિમ પર્સનલ લોનું પાલન કરે. હદીસમાં આ ઉપરાંત ઉમ્મા એટલે કે ટ્રાન્સ નેશનલ કમ્યુિનટી(આંતરરાષ્ટ્રીય કોમ)માં માનવાનો આદેશ અપાયો છે. એટલે કે દુનિયાના કોઈ પણ પડમાં રહેતા મુસ્લિમો એક જમાતના છે તેમ માનો. આની પાછળ દરેક દેશના મુસ્લિમને સમાન ગણવાનો હેતુ છે. જો કે આજે કેટલાંક યુવાનો-યુવતીઓ આતંકી પ્રવૃત્તિઓમાં જોડાવા વાસ્તે ‘અમે બધા એક છીએ, સમાન છીએ’ એમ માનીને હિંસા ફેલાવતા સંગઠનોમાં જોડાય છે. કેટલાક મુસ્લિમોએ તેનો એવો પણ અર્થ ઘટાવ્યો છે કે તેમની પહેલી વફાદારી ઉમ્માહ પ્રત્યે છે, પોતે જે દેશના રહેવાસી છે, ત્યાંના કાયદા પ્રત્યે નહીં. હદીસમાં ઉલ્લેખ કરેલ ‘ઉમ્માહ’નો હેતુ હરગીઝ આવો ન હોઈ શકે.

ઈસ્વી સનની સાતમી સદીમાં ઇસ્લામે ભારતની ધરતી પર પગ મુક્યો. તે વખતે સૂફી સંપ્રદાય અસ્તિત્વમાં નહોતો, તેથી 12મી સદી સુધી ઇસ્લામનો પ્રચાર ભારતમાં ન થયો. 12મી સદીમાં કઝાકિસ્તાનથી ખ્વાજા મોયુનુદ્દીન ચિશ્તી અને નિઝામુદ્દીન ઓલિયા જેવા અનેક સૂફી સંતો ભારત આવ્યા. તેમણે દરગાહો બંધાવી. ઇસ્લામ ભારતમાં પ્રવેશ્યો, અને ઘણા ભાગના મુસ્લિમોએ હિન્દુ ધર્મના ઘણાં તત્ત્વો સ્વીકાર્યા. જે લોકોએ ધર્મ પરિવર્તન કર્યું તેઓ સ્થાનિક દેવી-દેવતાઓમાં માનતા, પોતાના બાપ-દાદાઓની માફક બાધા રાખતા અને માનતાઓ માનતા તે ચાલુ રહ્યું અને આ દરગાહો તે હિન્દુઓની માન્યતાઓની ઇસ્લામ પરની અસરનું પરિણામ છે. કાળા જાદુમાં માનવું, અંધશ્રદ્ધા પ્રેરિત ક્રિયાઓ કરવી અને ટ્રાન્સમાં જવું એ કુરાન પ્રબોધિત ધાર્મિક પ્રેક્ટિસ નથી, જે ભારતીય ઇસ્લામમાં જોવા મળે છે. અમદાવાદ તો દરગાહનું નગર બન્યું, ત્યાં શાહ આલમની દરગાહ અને સરખેજના રોજા જેવી અગણિત દરગાહો બંધાઈ.

શિયા અને સુન્નીના ફાંટા આખા જગતમાં મુસ્લિમ કોમ વચ્ચે દરાર બનીને ઊભા છે. શિયા મુસ્લિમોનું સંખ્યા બળ ઓછું છે, પરંતુ તેઓ આર્થિક રીતે સધ્ધર હોય છે. ભારતમાં શિયા મુસ્લિમોની વસતી વધુ છે. લખનૌના નવાબો, હૈદરાબાદના નિઝામ વગેરે તમામ શિયા પંથના મુસ્લિમો. મોહમ્મદ અલી જિન્નાહના પિતા હિન્દુ હતા જેમણે ઇસ્લામ અંગીકાર કરેલો. જિન્નાહ પોતે શિયા મુસ્લિમ હતા, પણ એ જાહેર નહોતું કરેલું કેમ કે સુન્ની લોકો જિન્નાહ શિયા પંથના છે એ જાણ્યા પછી તેમની રાજકીય બાબતો ન સ્વીકારે તેવો ભય હતો. શારિકભાઈ માને છે કે ભારતમાં વસતા મુસ્લિમોમાં શિયા-સુન્ની વચ્ચે ખરું વિભાજન નથી, પરંતુ મુસ્લિમોમાં વ્યાપક થયેલી જ્ઞાતિ પ્રથાએ ખરું વિભાજન ઊભું કર્યું છે. કુરાનમાં જ્ઞાતિ પ્રથાને કારણે અમલમાં મુકવામાં આવતા ઉચ્ચ-નીચના ભેદભાવ જેવી કોઈ રીતભાતનો ઉલ્લેખ નથી. જો કે આરબ દેશોમાં મુસ્લિમોને ખાનદાન, કોમ અને જમાતમાં બાંટીને ઓળખ આપવામાં આવે છે, તે અમુક અંશે જ્ઞાતિ પ્રથા જેવું જ  ગણાય ખરું, પણ તેમાં મુખ્યત્વે ભૌગોલિક મુદ્દાને આધારે વિભાજન થયેલું જણાય છે. આમ છતાં સૈયદ, કે જેઓ મોહમ્મદ પયગંબરના વારસો ગણાય છે તેઓ અને ભારત બહારથી આવીને સ્થાયી થયા તે અશરફ અને શેખ વગેરેને ઉપલી પાયરીના ગણવામાં આવે છે એ પણ હકીકત છે. તેમણે અમુક જ જમાતમાં લગ્ન કરવાં અને અમુક સાથે વ્યાપાર કરવો કે અમુક ખાનદાનના લોકોઈ વિશિષ્ટ પ્રકારના વ્યવસાય કરવા તેવા નિયમો પણ છે. હિન્દુ ધર્મ છોડીને ઇસ્લામ અપનાવનારા ક્ષુદ્ર વર્ણના લોકો અજલફ કહેવાયા જેમને અન્ય મુસ્લિમ લોકો નીચા ગણે છે. વળી હિન્દુ સમાજમાં કસાઈ, ધોબી, નાઈ, ભંગી વગેરે નીચલા વર્ણના લોકોએ ધર્મ પરિવર્તન કર્યું તેઓ દલિત મુસ્લિમ કહેવાયા. તેઓ મુસ્લિમ સમાજમાં પણ સામાજિક-આર્થિક રીતે સહુથી નીચા ગણાયા. એવા લોકોને તો ધર્મ પરિવર્તન કરવા છતાં ક્યાં ય સમાનતા અને ન્યાય ન મળ્યા.

શારિકભાઈ આગળ બોલતાં જણાવ્યું કે બારમીથી અઢારમી સદી દરમ્યાન અરબ દેશના મુસ્લિમોએ સૂફીઓનો વિરોધ નથી કર્યો કેમ કે મોગલો સૂફી હતા અને તેઓ તો ઓટોમન રાજવંશ કરતાં પણ વધુ ધનિક હતા. અહીં રસપ્રદ હકીકત તો એ છે કે અરબ મુસ્લિમો સૂફી મુસ્લિમોને તેઓ અરબસ્તાન અને પર્શિયા છોડીને ગયેલા એટલે નફરતથી જોતા. આ કારણોસર કોઈ મોગલ શહેનશાહ - અકબર કે ઔરંગઝેબ કે નિઝામુદ્દીન ઓલિયા કે મોયીનુદ્દીન ચિશ્તી કોઈ હજ પઢવા નહોતા ગયા. તેમ અકબરે પોતે ખલીફા હોવાનો દાવો પણ નથી કર્યો, ઉલટાનું પોતે મુસ્લિમ સમાજથી અલગ હતો એવો દાવો કરેલ અને એક અનોખો ધર્મ ‘દિને ઇલાહી’ સ્થાપવાની કોશિશ કરેલી.

18મી સદીમાં બ્રિટિશરોના આગમનથી તેમનું વર્ચસ્વ વધ્યું અને સૂફી મોગલોનું વર્ચસ્વ ઘટ્યું. અરબ મુસ્લિમો જ સાચા મુસ્લિમ છે અને સૂફીઓ ખરા મુસ્લિમ નથી એવી માન્યતા પ્રબળ બની. 18મી સદીથી હજનો પ્રચાર વધ્યો. તે વખતે હજ કરનારે મક્કામાં એક વર્ષ રહેવું પડતું એટલે હાજીઓ ભારતમાં આવે ત્યારે અરેબિક ઇસ્લામિક વલણ લઈને આવતા. દર વર્ષે લગભગ દસ હજાર લોકો હજ કરવા જતા. શારિકભાઈએ પોતાના અભ્યાસને આધારે મળેલ માહિતીને ટાંકીને કહ્યું કે ભારતમાં વસતી મુસ્લિમ કોમમાં ઘણાં વિભાજન છે જેની શરૂઆત આપણે જેમને શાંતિપ્રિય માનીએ છીએ તેવા સૂફી સંપ્રદાયના લોકોએ કરી. એવાં વિભાજનોને સાંધવાનું કામ રૂઢિચુસ્ત મુસ્લિમો કરે છે. જો કે ભારતીય હિંદુઓ રૂઢિચુસ્ત મુસ્લિમો એટલે મૌલવી હોય, દાઢી રાખતા હોય તેમ માનીને તેમને ધિક્કારે છે. પણ બ્રિટિશ શાસન દરમ્યાન અને તે પછી પણ ભારતીય મુસ્લિમોની પડતી પાછળનું કારણ સમજવું હોય તો એક વાત જાણવી જરૂરી છે કે સૂફીઓએ મુસ્લિમ લોકો માટે શિક્ષણ આપવા તરફ ધ્યાન નહોતું આપ્યું. તેવે સમયે રૂઢિચુસ્ત મુસ્લિમોએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સ્થાપી.

શારિકભાઈનું કહેવું છે કે રૂઢિચુસ્ત મુસ્લિમોનો સૂફીઓ પ્રત્યેનો વિરોધ માત્ર વિચારધારા પર આધારિત જ નહોતો. તે માટેનાં બે કારણો હતાં : એક તો રૂઢિચુસ્ત મુસ્લિમો માટે દરગાહ જવું હરામ છે કેમ કે ત્યાં દેવી-દેવતાઓની મૂર્તિ પૂજા થાય છે, જે માટે કુરાનમાં માન્યતા નથી ફરમાવી. બીજું કારણ એ છે કે તેઓ માને છે કે સૂફીઓએ સાચા ઇસ્લામિક ઉસૂલોનો પ્રચાર યોગ્ય રીતે નથી કર્યો. રૂઢિચુસ્ત મુસ્લિમો ક્રિશ્ચિયન મિશનરીઓની માફક નૈતિક ખ્યાલો વિકસાવવા માટે જુદી રીતે ઇસ્લામને પ્રસરાવવા માગતા હતા. તેમણે માત્ર સૂફીઓનો જ વિરોધ નથી કર્યો, પરંતુ ખિલાફતની ચળવળનો, ગાંધીના વિચારોનો અને ખુદ અબ્દુલ કલામ આઝાદનાં વલણોનો પણ વિરોધ કરેલો. તેઓએ જિન્નાહને ટેકો એટલા માટે આપેલો કે તેમને પાકિસ્તાન એક થિયોક્રેટિક દેશ બનશે એવી ઉમ્મીદ હતી.

ભારતમાંના મુસ્લિમ સમાજ વિષેની વાત કર્યા બાદ શારિકભાઈએ ગુજરાતની પરિસ્થિતિ પર કેટલીક મુદ્દાની વાત કરી. ગુજરાતમાં સૂફીઓના વિરોધ પાછળ માત્ર વૈચારિક મતભેદ જ કારણભૂત નહોતા, પણ તેની પાછળ રાજકારણ પણ ભળેલું હતું, અને હજુ આજે પણ છે. વાત એમ છે કે રૂઢિચુસ્ત મુસ્લિમો લોકતાંત્રિક છે, જ્યારે સૂફીઓ નથી. જમાતે ઇસ્લામ લોકશાહી ઢબે ચાલે છે, તેઓ દર પાંચ વર્ષે ચૂંટણી કરે, તેમની એક પાર્લામેન્ટ અને બંધારણ પણ છે. તો સામે પક્ષે સૂફીઓ આ રીતે સંગઠિત નથી. 2002ના રમખાણો બાદ ગુજરાતમાં સૂફીઓનું વર્ચસ્વ ઘટ્યું કેમ કે રૂઢિચુસ્ત મુસ્લિમોએ વિસ્થાપિત થયેલ મુસ્લિમ કોમનો પુનર્વસવાટ કરી તેમને આર્થિક રીતે ઊભા કરવાનું કામ કર્યું. તેઓ માટે રિલીફ કેમ્પ અને કોલોની બનાવ્યાં, તેમને કાયદાકીય મદદ આપી. કેમ કે એ રમખાણોમાં જેમને સહુથી વધુ નુકસાન થયું એ અશરફ કોમના નહોતા, OBC અને દલિત મુસ્લિમ હતા, જેઓ સૂફીઓ દ્વારા મોટે ભાગે અવગણના પામતા આવેલા હતા. તબલીઘ જમાતે જે પુનર્વસવાટનાં કાર્યો કર્યાં, તેમાં સૂફી મુસ્લિમ નિષ્ફ્ળ ગયા. મન્સૂરી કહેવાતા (એટલે કે પીંજારા) મુસ્લિમોને સૂફીઓએ ઇસ્લામમાં માન્યતા નહોતી આપી, જ્યારે તબલઘે તેમને ઊંચી પાયરીએ ચડાવ્યા.

એક વાત અહીં નોંધવા જેવી છે, શારીકભાઈએ કહ્યું તેમ રૂઢિચુસ્ત મુસ્લિમો ઉમ્માહ(આંતરરાષ્ટ્રીય મુસ્લિમ કોમ)ની વાત કરે છે અને પોતાને આધુનિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણવાળા ગણાવે છે. એટલે જ તો તેમણે ગુજરાતમાં ઘણી સ્કૂલો, કોલેજો અને હોસ્ટેલો બાંધી. કન્યા શિક્ષણ પર જોર આપે છે અને કહે છે, અલ્લાહ વિષે જ્ઞાન મેળવવું કે વિજ્ઞાનની જાણકારી મેળવવી એ બંને એક જ છે. અત્યાર સુધી અરેબિક દેશોમાંથી મળતાં નાણાંથી મદરેસા અને મસ્જિદો બાંધવામાં આવતાં તે હવે બંધ કર્યું. અમદાવાદની શમા નામની શાળામાં મોટી સંખ્યામાં મુસ્લિમ બાળકોને શિક્ષણ અપાય છે. ત્યાં કન્યાઓએ હિજાબ અને છોકારોએ ટોપી પહેરવી ફરજિયાત છે, ત્યાં આરબિક ભાષા અને કુરાને શરીફ ભણવાનું ફરજિયાત છે. દરેક વિદ્યાર્થી પાંચ વખત નમાજ પઢે છે. અહીં થેન્ક યુ કે હલ્લો કહેવાની મનાઈ છે, તેને બદલે ‘માશાલ્લા’ કહેવું જરૂરી છે. એ લોકો કબૂલ કરે જ છે કે અમે રૂઢિચુસ્ત હોવાનો ઇન્કાર નથી કરતા, માત્ર આધુનિક રીતે ઇસ્લામનો પ્રચાર કરીએ છીએ.

સૂફી મુસ્લિમોના વક્ફ બોર્ડ પાસે ભારતના મોટા ભાગના કબ્રસ્તાન અને મસ્જિદો મળીને લગભગ આઠ લાખ મોટી મોટી અસ્કયામતો છે. તેઓ ભારતના રાજકારણ સાથે જોડાયેલા રહ્યા છે, તેથી જ તો અટલ બિહારી બાજપેયી અને નરેન્દ્ર મોદી અજમેરની દરગાહ પર હર સાલ ચાદર મોકલે છે. આમ કરવા પાછળનું કારણ એ છે કે સૂફીઓ ભાતમાં આવ્યા ત્યારથી હિન્દુ ધર્મ, ભારતીય સંસ્કૃિત અને જીવન પદ્ધતિમાં એકદમ હળીમળી ગયા છે. તેથી આવું રાજકીય ગઠબંધન તેમના સ્થાનને સુરક્ષિત રાખે તે તેઓ બરાબર સમજે છે. આથી જ તો હાલમાં ચર્ચાતા ટ્રિપલ તલ્લાક અને ગોમાંસના વિવાદાસ્પદ મુદ્દે સૂફીઓ બી.જે.પી. સાથે સહમત થયા. એવી જ રીતે સૂફીઓ આખી મુસ્લિમ કોમને અનામત ગણવામાં આવે એવી માંગણી કરે છે જ્યારે રૂઢિચુસ્ત મુસ્લિમો કહે છે, તેમ થવાથી ઊંચી નાતના ગણાતા અશરફ અને સૈયદ તથા બીજા ધનિક મુસ્લિમો તેનો બધો લાભ લઇ જશે, માટે માત્ર દલિત મુસ્લિમોને કે જેઓ સામાજિક-આર્થિક રીતે પછાત છે, તેવાને જ અનામત મળવી જોઈએ. હવે આનાથી વધુ વિભાજિત કોમ બીજી કઈ હોઈ શકે? અહીં સ્પષ્ટ થાય છે કે સૂફીઓ મુખ્યત્વે હિન્દુત્વ પ્રેરિત રાજકારણને ટેકો આપે છે, જ્યારે રૂઢિચુસ્ત મુસ્લિમો સામાજિક સંગઠન કરવા ઈચ્છે છે, કેમ કે તેઓ માને છે કે મુસ્લિમ સમાજને આગળ વધારવા એ કોમની અંદરૂની શક્તિ વધારવી જોઈએ, જે શિક્ષણ અને આરોગ્ય સુધારવાથી થાય. જ્યાં ગુજરાત, અને આમ જુઓ તો ભારત આખાની સરકાર નથી પહોંચતી, ત્યાં આ રૂઢિચુસ્ત મુસ્લિમો કામ કરે છે. જુહાપુરાના પાંચ લાખ મુસ્લિમો પાસે કોઈ પાયાની સુવિધાઓ નહોતી, વીજળી, પાણી, ગટર, સારાં રહેઠાણો, શાળાઓ વગેરે ત્યાં નહોતાં પહોંચ્યાં, ત્યાં દેવબંધે નિશાળો શરૂ કરી.

માત્ર ભારતમાં જ નહીં પણ ઘણા દેશોમાં એક એવો ખ્યાલ પ્રવર્તે છે કે મદ્રેસાઓમાં ફન્ડામેન્ટાલિઝમ અને રેડિકલ વિચારો શીખવાય છે. તે કેટલીક મદરેસાઓ અને મસ્જિદોમાં શીખવાતું હશે. પણ જ્યાં સુધી ભારતની મદરેસાઓને નિસ્બત છે ત્યાં સુધી એ જગ્યાઓમાં રૂઢિચુસ્ત ઇસ્લામ વિષે ભણાવાય છે, પણ ફન્ડામેન્ટાલિઝમ અને રેડિકલ વિચારો નથી શીખવાતા તેવું શારિકભાઈનું કહેવું છે. આમ જુઓ તો ભારતના મુસ્લિમોને દુનિયાના બીજા મુસ્લિમોના પ્રશ્નો કે પરિસ્થિતિ માટે કોઈ સહાનુભૂતિ હોય, તેવું જણાતું નથી. મિડલ ઇસ્ટમાં પ્રવર્તતી અંધાધૂંધી વિષે તેમને પોતાનું કોઈ મંતવ્ય નથી. ખુદ પાકિસ્તાનની ડામાડોળ હાલત માટે પણ જાણે તેઓને કઇં નિસ્બત નથી તેવું મહેસુસ થાય છે. નહીં તો ભારતના મુસ્લિમોએ કાશ્મીરના પ્રશ્નને મહત્ત્વ આપ્યું હોત. કશ્મીરી ઇસ્લામ એ લોકપ્રિય ઇસ્લામનું સ્વરૂપ છે. તેઓ સૂફી ખરા પણ તેમનામાં સ્થાનિક સંસ્કૃિતનાં તત્ત્વો ભળ્યાં છે. ત્યાં જેહાદનો પ્રવાહ અફઘાનિસ્તાનથી આવ્યો છે, ભારતીય મુસ્લિમો તરફથી નહીં, તે તરફ શારિકભાઈએ સહુનું ધ્યાન દોર્યું.

આ વાર્તાલાપને અંતે ટૂંકી પ્રશ્નોત્તરી પણ થઇ. શારિકભાઈએ ભારતીય મુસ્લિમોમાંના વિભાજન અને ઉમ્માહ વિષે સુંદર રીતે સમજણ પૂરી પાડી. તેના પરથી સહેજે વિચાર આવે કે જો હિન્દુ પ્રજામાં ધર્મને નામે પ્રચલિત થયેલ જ્ઞાતિ પ્રથાને પરિણામે ઉચ્ચ-નીચનું સામાજિક સ્તરીકરણ ન થયું હોત, તો સામાજિક-આર્થિક અસમાનતા ઊભી થવાનો સવાલ જ અસ્તિત્વમાં ન આવ્યો હોત. અને જો હિન્દુ સમાજ અંદરોઅંદર ન્યાય અને સમાનતાને આધારે મજબૂત રીતે વિકસતો રહ્યો હોત, તો ઇસ્લામ અને ક્રીશ્ચિયાનિટીના ધર્મ પરિવર્તનના લોભને ટાળી શક્યો હોત. આ તો એવું ભાસે છે કે સૂફી મુસ્લિમો ભારતમાં આવ્યા, હિંદુ ધર્મના આધ્યાત્મ અને તત્ત્વજ્ઞાનની સારપ લીધી અને દૂધમાં સાકરની જેમ ભળી ગયા, તે બંને કોમ માટે સારું જ થયું. પણ સાથે સાથે તેમણે હિન્દુ ધર્મના કલંક રૂપ જ્ઞાતિ પ્રથાના જડ થઇ ગયેલ ઉચ્ચ-નીચના ખ્યાલોને અપનાવ્યા, સ્ત્રીઓ વિશેના વિચારો અમલમાં મુક્યા અને પરિણામે શિક્ષણ-ખાસ કરીને કન્યાઓ માટેનાં શિક્ષણ અને સ્વાસ્થ્ય સુધારવાની બાબતને અવગણી પોતાની જ કોમને અન્યાય કર્યો. સ્વતંત્રતા મળી તે પહેલાં અને ત્યાર બાદ હિન્દુ બહુમતી સમાજે પોતાના જ ધર્મ બંધુ એવા દલિત સમાજને હર પ્રકારના મૂળભૂત અધિકારોથી સદીઓ સુધી વંચિત રાખ્યા, અને જ્યારે તેઓએ ઇસ્લામ કે ક્રીશ્ચિયાનિટીમાં શરણું શોધ્યું ત્યારે સ્વતંત્ર ભારતના નાગરિકો હોવા છતાં તેમના પ્રત્યે દુર્લક્ષ્ય સેવ્યું, એ એક દુઃખદ હકીકત છે જેનાથી બંને, હિન્દુ સમાજને અને વિભાજિત મુસ્લિમ સમાજને બટ્ટો લાગે છે.

આશા રાખીએ કે ભારતમાં વસતી તમામ કોમ આ વિષે જાગૃતિ કેળવશે અને ધર્મ કે કોમને આધારે વિભાજિત થયેલ માનવ સમુદાયને માનવતાને તાંતણે જોડીને એક અખંડ અતૂટ એવી નાગરિક શૃંખલા બનાવશે.

02 સપ્ટેમ્બર 2017

e.mail : [email protected]

Category :- Opinion / Opinion