સાત પૂંછડિયા ઉંદરડીની વાર્તા

સ્વાતિ મેઢ
28-02-2013

[આ બાળવાર્તા નથી, પરંતુ આધુનિક રૂપકકથા છે. પંચતંત્રના પાત્રો જેવા કે ચકા-ચકી, ઉંદરડી, કૂકડી, કૂતરો વગેરેને લઈને આધુનિક સમાજની સમસ્યાઓનું તેમાં નિરૂપણ કરીને સ્વાતિબહેને એક અનોખી શૈલીનું સાહિત્ય ગુજરાતી ભાષાને આપ્યું છે. અત્રે પ્રસ્તુત તેમની વાર્તા ‘ઊડી ઉગમણે દેશ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવી છે. આ વાર્તા ખૂબ લોકપ્રિય રહી છે અને તેનું ઘણી જગ્યાએ પઠન પણ થયું છે.
કુલ પાન : 198. કિંમત રૂ. 120. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ. ‘દ્વારકેશ’, રૉયલ ઍપાર્ટમૅન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]


એક હતી ઉંદરડી. રાજી એનું નામ. રાજી ઉંદરદેશમાં રહેતી હતી. ઉંદરદેશમાં બધાં ઉંદરો જ રહે. નાના, મોટા, જાડા, પાતળા, ધોળા, કાળા, ભૂખરા, જાતજાતના ને ભાતભાતના. આ ઉંદરદેશમાં એવું કે બધા ઉંદરોને અનેક પૂંછડીઓ હોય. ઉંદરદેશમાં રિવાજ જ એવો કે બધાં ઉંદરોને એક કરતાં વધારે પૂંછડીઓ હોવી જ જોઈએ. જેને જેટલી વધારે પૂંછડીઓ એટલો એ ઉંદરનો વટ વધારે.
ઉંદર દેશના ઉંદરોને માટે પૂંછડીઓ જ એમની આન, બાન અને શાન. પૂંછડીઓ જ એમનું માન અને પૂંછડીઓ જ એમની આબરૂ. કોઈ કોઈ ઉંદરને એક પૂંછડી હોય, પણ એવા ઉંદરનું જરાય માન ન હોય. કોઈ કોઈ ઉંદર પોતાની પૂંછડીઓ કપાવી ય નાખે, પણ એવું કરવું હોય તો પોતાના હિસાબે ને જોખમે કરવાનું. વટવ્યવહારમાં એવા ઉંદરને કોઈ ન ગણે. બાકી બધા ઉંદરો પૂંછડીઓ થકી વટ મારે. પૂંછડીઓને સાચવે, સંભાળે, પૂંછડીઓના ઇતિહાસો યાદ કરીને એકબીજાને સંભળાવે. એમાં ય વળી ઉંદરડીઓ માટે તો પૂંછડીઓનું બહુ જ મહત્ત્વ. એક-બે પૂંછડીવાળી ઉંદરડીઓ બિચારી શિયાવિયાં થઈને ફરે અને વધારે પૂંછડીઓવાળી ઉંદરડી કાંઈ ગુમાન કરે, કાંઈ ગુમાન કરે કે વાત જ પૂછો મા.
આવા ઉંદરદેશની રાજી ઉંદરડીને સાત પૂંછડીઓ હતી. નાની અમથી હતી રાજી. એનું શરીર ન દેખાય એટલી એની પૂંછડીઓ દેખાય. લોકો કહે, ‘વાહ ભૈ વાહ, રાજીનો તો કાંઈ વટ્ટ છે, સાત સાત પૂંછડીઓ !’ રાજી ય ખુશ થાય અને ગાય,

‘હું તો રાજી ઉંદરડી મારે સાત સાત પૂંછડીઓ
           

હું તો રાજી રાજી થાઉં મારે સાત સાત પૂંછડીઓ
           

હું તો વટ્ટ મારતી જાઉં મારે સાત સાત પૂંછડીઓ,
           

મારે સાત સાત પૂંછડીઓ’

સમય વીતતો ગયો અને રાજી મોટી થઈ.

રાજીને ફરવું બહુ ગમે. દોડવું બહુ ગમે. પણ એમાં એને એની પૂંછડીઓ નડવા માંડી. એનાથી જલદી દોડાય નહીં, સાંકડી જગ્યામાં ઘૂસી શકાય નહીં. કૂદકો ય મરાય નહીં. રાજીને પૂંછડીઓનો કંટાળો આવે. એણે એની માને પૂછ્યું :
‘મા, મારે આટલી બધી પૂંછડીઓ કેમ છે ?’
મા કહે : ‘એ તો હોય જ ને, બધાયને હોય. તું નથી જોતી ?’
રાજી પૂછે : ‘પણ શું કામ ? એક પૂંછડીથી ન ચાલે ?’
‘હોવે, એમ તો વગર પૂંછડે બાંડા ય રહેવાય. તારામાં અક્કલ નથી ? સાત પૂંછડીઓથી તારો વટ કેવો પડે છે ? એ નથી જોતી ? માએ વડછકું ભરીને કહ્યું. રાજી બોલકી હતી. એને દલીલો કરવી ગમતી’તી. એણે કહ્યું :
‘મારે વટ નથી પાડવો. મારે છૂટથી ફરવું છે.’
‘કાંઈ જરૂર નથી છૂટથી ફરવાની. આ તો તારા દાદા, મોટા બાપા, બાપુજી, મામા એ બધાના નામની પૂંછડીઓ છે. એને લઈને તારું માન છે, વટ છે, સમજી ? સમજ જરા, સમજ. હવે તું મોટી થઈ.’ માએ રાજીને લંબાણથી સમજાવ્યું. રાજીને આ ન ગમ્યું. માનું ભાષણ પણ ન ગમ્યું ને બાપા, દાદા, મામાના નામની પૂંછડીઓ છે એ વાતે ય ન ગમી. એણે વિચાર કર્યો, ‘આ પૂંછડીઓ કપાવી નખાય તો કેવું ?’
એણે એની માને પૂછ્યું : ‘મા, આ પૂંછડીઓ કાપી નાખીએ તો ?’
‘હાય હાય શું કહે છે તું ? તને ભાન છે કે નહીં ?’ માને ધ્રાસકો પડ્યો.
‘પણ કોઈ કોઈ ઉંદરડા તો કપાવી નાખે છે પૂંછડીઓ !’ રાજીએ દલીલ કરી.
‘ઉંદરડાના વાદ કરે છે ભૂંડી ? બહુ બોલીશ તો પાંજરે પુરાવું પડશે. છાની રહે !’ માએ રાજીને ચેતવી. રાજી આ વાતે હઠે ચડી. ‘મારે મારી જ એક પૂંછડી જોઈએ, બીજી એકય નહીં.’ એણે નક્કી કર્યું. પૂંછડી કઈ રીતે કપાવવી એ વિષે એ વિચાર કરવા માંડી. પણ રાજીને પૂંછડી કાપી કોણ આપે ? આમ તો રાજીના દાંત તીણા હતા. ધારે તે કાપી શકે, પણ એને એની પોતાની પૂંછડી કાપતાં ન ફાવે. એણે એની એક બહેનપણીને પૂછ્યું :
‘એય, એક ખાનગી કામ કહું ? મને મારી પૂંછડી કાપી આપને !’
બહેનપણી કહે : ‘શું ઉંઉંઉં ? હાય હાય, તું તો કેવું કેવું કહે છે, લી ? મને કહ્યું તે કહ્યું, બીજા કોઈને ના કહેતી. આવું તે કાંઈ કરાય ?’ એમ કહીને રાજીની બહેનપણી એનાથી દૂર ભાગી ગઈ.
રાજી એકલી પડી. એને પોતાની પૂંછડીઓ કાપવા કોઈની મદદ તો લેવી જ પડે. કોની મદદ લેવાય ? એ વિચારવા માંડી. પૂંછડીઓનો ભાર લઈને ફરવાનો એને કંટાળો આવતો હતો. એટલે એ એક ખૂણામાં બેસી ગઈ. ઉંદર દેશનાં ઉંદરડા-ઉંદરડીઓ ચારે તરફ દોડાદોડ કરે છે. પોતાના દર ભરવા માટે વસ્તુઓ-ચીજો કાપવી, કાતરવી, ટુકડા દર ભણી ખેંચી જવાની મથામણમાં સૌ મશગૂલ છે. આ દોડાદોડમાં બહુપૂંછડિયાળા ઉંદરડાઓ, ઉંદરડીઓની પૂંછડીઓ એકબીજાની અંદર અટવાઈ જાય છે, ઉંદરડા-ઉંદરડીની પૂંછડીઓ વચ્ચે ગૂંચો પડે છે, ખેંચતાણ ચાલે છે, માંડ પૂંછડીઓ છૂટે છે અને છૂટાં થઈને બધાં પાછા દોડાદોડ શરૂ કરી દે છે. આ ભીડ, દોડાદોડ, ધમાચકડી વચ્ચે રાજી ઉંદરડી એકલી ખૂણામાં બેઠી છે. વિચાર કરે છે કે મારે બહુપૂંછડિયા નથી રહેવું, પૂંછડીઓ કપાવી નાખું. કોણ કરશે મને મદદ ? રાજીને એકદમ યાદ આવ્યું, ‘વાળંદકાકા.’ વાળંદાકાકા નરેણી લઈને ધીમેથી પૂંછડી કાપી આપે તો ?
‘ચાલ ત્યાં જાઉં’, કહીને રાજી વાળંદકાકા પાસે ગઈ. આમે ય વાળંદકાકાને એના દાદા, કાકા, બાપા, મામાની મૂછો સમારતા, પૂંછડીઓ સરખી કરી આપતા એણે જોયા હતા. વાળંદકાકા એને વહાલથી બોલાવતા ય ખરા. રાજી વાળંદકાકા પાસે પહોંચી.
‘વાળંદકાકા, વાળંદકાકા … મારે તમારું કામ છે.’ રાજીએ કહ્યું.
‘શું કામ છે ?’ વાળંદકાકાએ પૂછ્યું.
‘મારે છે ને, મારી પૂંછડીઓ કપાવવી છે, કાપી આપશો ?’ રાજીએ ખૂબ નમ્ર અવાજે કહ્યું.
‘હેં શું ? શું બોલી ?’ વાળંદકાકા ઘૂરક્યા.
‘મારે મારી પૂંછડીઓ કપાવવી છે !’ રાજીએ ફરીથી કહ્યું.
‘શું બોલે છે મૂરખ ? ભાન છે તને ?’ વાળંદકાકાએ કરડા અવાજે કહ્યું.
‘વચ્ચે નડે છે મને આ પૂંછડીઓ.’ રાજી બોલી.
‘જા જા હવે, ચાલતી પકડ. આજ દી સુધી કોઈ કરતાં કોઈ ઉંદરડીએ આવી વાત નથી કરી.’ વાળંદકાકાએ રાજીને ધમકાવી.
‘પણ તમે કોઈ કોઈ ઉંદરડાને પૂંછડી કાપી આપો છો, મને ખબર છે.’ રાજીએ દલીલ કરી.
‘બહુ દોઢડાહી ના થા. ઉંદરો જે કરે તે બધું તારાથી ન કરાય. તું ઉંદરડી છું. જા અહીંથી, મારાથી તારી પૂંછડી ન કપાય !’ વાળંદકાકાએ મોં ફેરવી લીધું.
રાજી નિરાશ થઈ ગઈ. એ આઘી જતી તો રહી પણ વાળંદકાકાનો ઓટલો ન ઊતરી. ત્યાં જ વિચાર કરતી ઊભી રહી. એ ઊભી હતી તેવામાં એને કોઈ અવાજ સંભળાયો ‘એય ઈસ, ઈસ, એય રાજી, આમ જો.’ રાજીએ અવાજ તરફ જોયું તો બારણા પાસે વાળંદકાકી ઊભા’તાં. એને બોલાવતાં’તાં. રાજી એમની પાસે ગઈ. કાકી બોલ્યાં :
‘મેં તારી વાત સાંભળી. હું કાપી આપું તારી પૂંછડીઓ ?’
‘તમે ? તમને આવડે ?’ રાજીએ પૂછ્યું.
‘કેમ વળી, તારા વાળંદકાકાને આવડે તે વાળંદકાકીને ન આવડે ?’ વાળંદકાકીએ પૂછ્યું.
‘હા, એ મને ન સૂઝ્યું. પણ તમે શું કામ મારી પૂંછડી કાપી આપો ? કાકા તો ના પાડે છે.’ રાજીએ પૂછ્યું.
‘મને સમજણ પડે છે. પૂંછડીઓનો ભાર કેવો લાગે છે, એટલે’ કાકીએ કહ્યું. એમનો અવાજ ધીમો પણ ચોખ્ખો હતો. ‘પૂંછડી એવી રીતે કાપીશ કે કાપ્યાનું નિશાન પણ નહિ દેખાય, કોઈને ખબર જ નહીં પડે.’
‘તમે મને બધી પૂંછડીઓ કાપી આપશો ?’ રાજીએ પૂછ્યું, ‘કાકા ના પાડશે તો ય ?’
‘હા, ને જો, એક વાત કહું ? તું થોડા થોડા વખતે એક એક પૂંછડી કપાવતી જા.’ કાકીએ સલાહ આપી.
‘સામટી જ કાપી નાખોને ! છૂટી જવાય !’ રાજીને ઉતાવળ હતી.
‘હું કહું એમ કર !’ વાળંદકાકીએ કહ્યું, ‘એ બરાબર રહેશે.’ રાજીને ય શી ખબર કેમ પણ એ વાતમાં વિશ્વાસ પડ્યો. એ માની ગઈ અને વાળંદકાકીએ નરેણી લઈને રાજીની એક પૂંછડી કાપી નાખી. થોડું દરદ થયું, પણ પૂંછડીનો ભાર ઓછો થયો. એને ગમ્યું. રાજીએ પોતે પૂંછડી કપાવી એ કોઈને કહ્યું નહીં ને કોઈને ખબર ન પડી. થોડા દિવસ રહીને રાજીએ બીજી પૂંછડી કપાવી તો ય કોઈને ખબર ન પડી. પછી ત્રીજી પૂંછડી ને ચોથી પૂંછડી પણ ગઈ.
હવે રાજીને ત્રણ પૂંછડીઓ રહી. ત્યાં એક દિવસ એની માનું ધ્યાન ગયું. એના બાપને ય ખબર પડી ગઈ. રાજીએ દાદા, કાકા, મામાના નામની પૂંછડીઓ કપાવી નાખી એનો તો બહુ વાંધો નહીં પણ બાપના નામની પૂંછડી ય કપાવી એ વાતથી બાપા અને મા બે ય બહુ ખિજાયાં. બહુ દબડાવી, ધમકાવી, પાંજરે પૂરી દેવાની ચેતવણી આપી : ‘હવે કાંઈ કર્યું છે તો પાંજરે પૂરી દઈશું.’ પણ રાજી તો કાંઈ બચ્ચું નહોતી કે મારીવઢીને એને રોકી શકાય. માબાપ વઢતાં રહ્યાં, રાજી ત્યાંથી ભાગી ગઈ. પૂંછડીઓનો ભાર હળવો થયો એટલે રાજી તો છૂટથી દોડાદોડ કરવા માંડી. નાની, સાંકડી જગ્યાઓમાં જાય, દૂર દૂર સુધી દોડી જાય. પૂંછડીઓ ગઈ, ભાર ગયો એટલે થાક ઓછો લાગેને ? આમ હરવા-ફરવાથી રાજીની હોશિયારી વધવા માંડી, એણે વળી એક પૂંછડી કપાવી નાખી.
‘હવે તારી બે જ પૂંછડીઓ રહી !’ વાળંદકાકીએ પાંચમી પૂંછડી કાપી આપીને કહ્યું.
‘હા. એક મારી અને બીજી મારા ….’ રાજી બોલતી અટકી ગઈ, ‘એ તો હું રાખીશ.’ હાસ્તો, હવે રાજી યુવાન થઈ ગઈ હતી અને એને સરખેસરખો એક સાથીદાર મળી ગયો હતો. એક પૂંછડી એના નામની ય હતી રાજીને. સૌ ઉંદરડીઓને હોય એમ જ રાજીને ય હતી. રાજી ખુશ હતી એની સાથે.
‘તારા સાથીદારના નામની પૂંછડી છે ને ?’ વાળંદકાકીએ મરમમાં મલકીને પૂછ્યું.
‘હા, બહુ સારો છે એ.’ રાજીએ હસીને જવાબ આપ્યો ને દોડી ગઈ. રાજીને વાળંદકાકીના મલકવાનો અર્થ ન સમજાયો. એને લાગ્યું, વાળંદકાકી એની ખુશીમાં ખુશ છે. રાજી તો હરખાતી, હરખાતી, નાચતી, કૂદતી ફરવા માંડી.
રાજીની બહેનપણીઓને હવે ખબર પડી ગઈ કે રાજી પૂંછડીઓ કપાવે છે. એમનામાં તો કોઈમાં આવી હિંમત નહોતી. રાજીના દાદા, બાપા, કાકા, મામા, ભાઈ, બહેનપણીઓ સૌ ટોળામાં બોલવા માંડ્યાં. ‘નવી નવાઈ કરીને કાંઈ ?’, ‘બહુ હરખ થાય છે ને કાંઈ ?’, ‘રાજી તો ભૈ રાજી છે, એની તો કાંઈ વાત થાય ?’ રાજી પર સૌ ખિજાયાં. એમને લાગ્યું કે રાજી કુટુંબનું નાક કપાવે છે, આબરૂની ધૂળધાણી કરે છે, ને કાંઈ કાંઈ. પણ રાજી કોઈને ગણકારતી નહોતી. એ તો હવે બે પૂંછડીઓ લઈને મજાથી, ઠાઠથી દોડાદોડ કરે છે, કૂદકા મારે છે, થાંભલે ચડી જાય છે અને સીડીઓ ય ટપી જાય છે, સરરર …. ટપટપટપ …..
રાજીનો સાથીદાર પણ ઉંદરદેશનો જ હતો. એને ય તો પૂંછડીઓનો ભાર હતો. એણે જોયું કે રાજીએ પૂંછડીઓ કપાવી નાખી છે. તે ખિજાયો : ‘તારી આવી હિંમત ચાલી ? તેં કોને પૂછીને કપાવી તારી પૂંછડીઓ ? જવાબ આપ મને !’
એક દિવસ ગુસ્સાથી ધૂંઆપૂંઆ થતાં એણે રાજીને પૂછ્યું.
‘મારી મરજીથી. બીજા કોની મરજી ?’ રાજી બોલી.
‘મને પૂછ્યું ય નહિ ?’ રાજીનો સાથીદાર બોલ્યો.
‘પૂંછડીઓ મારી હતી, મેં કપાવી નાખી, એમાં કોઈને શું કામ પૂછવાનું ?’ રાજીએ નિખાલસતાથી જવાબ આપ્યો.
‘શુંઉંઉંઉં ?’ રાજીના સાથીદારે બૂમ પાડી, ‘મને તો પૂછવું જોઈએ ને ?’
‘શું કામ પૂછું ? હું તો કહું છું તું ય કપાવી નાખ પૂંછડીઓ, બહુ સારું રહેશે.’ રાજીએ વણમાગી સલાહ આપી.
‘હોવે, ને મારા બાપા, દાદા, પરદાદાની આબરૂનું શું ? અમારા ભવ્ય ઇતિહાસનું શું ? પૂંછડીઓ તો અમારું ગૌરવ છે, વટ છે, આન, બાન, શાન, માન છે, અભિમાન છે.’ રાજીના સાથીદારે ગળું ફુલાવીને કહ્યું.
રાજી આ સાંભળીને હસી પડી. એને હસતી જોઈને રાજીનો સાથીદાર ખિજાયો. એણે પૂંછડે પૂંછડે રાજીને ધીબેડી નાખી. એને પૂંછડીઓ ય ઝાઝી હતી ! દાંત ને નખોરિયાં ય ભર્યાં. ‘મને પૂછ્યા વિના પૂંછડી કપાવી જ કેમ ?’ એક જ સવાલ. આ વખતે રાજીને થયું કે એને પૂંછડીઓ હોત તો એ પણ સામી થાત. પણ પૂંછડીઓ હોત તો આવો માર ખાવાનો વખતે ય ન આવ્યો હોત ને ! રાજીએ માર ખાઈ લીધો, પણ એને ખૂબ ગુસ્સો ચડ્યો. ‘બધાનાં નામની પૂંછડીઓ કપાવી નાખી. અલ્યા, એક તારા નામની રાખી છે તે નથી જોતો ? બેવકૂફ !’ રાજી મનમાં બોલી, ‘જોઈ લે હવે હું શું કરું છું.’ તરત જ રાજી દોડી. વાળંદકાકી પાસે ગઈ.
‘મને છઠ્ઠી પૂંછડી કાપી આપો, કાકી.’ રાજીનો ગુસ્સો માતો ન હતો.
વાળંદકાકી ફરીથી મરમમાં મલકાયાં, ‘આ પૂંછડી તો તું રાખવાની હતી ને ? ખરેખર કાપી આપું ?’ એમણે હસીને પૂછ્યું.
હવે રાજીને વાળંદકાકીના એ દિવસના મલકવાનો અર્થ સમજાયો. એમને ખબર હતી કે પૂંછડીઓ કપાવવાની જિગર દેખાડનારી ઉંદરડીનો આવો વારો આવે જ. ‘એવો એ’ ગમે તેટલો સારો હોય, આ વાત એનાથી ન ખમાય. એમણે રાજીને વાગેલા દાંતિયાં-નખોરિયાં પર હળવેકથી ફૂંકો મારી. રાજીને સારું લાગ્યું. એનો ગુસ્સો જરા શમ્યો પણ નિશ્ચય અફર હતો તે એમને સમજાયું. નરેણી લઈને હળવેથી વાળંદકાકીએ રાજીની છઠ્ઠી પૂંછડી કાપી નાખી. દરદ તો થયું, રાજીને છઠ્ઠી પૂંછડી કપાયાનું. બહાર જ નહીં, અંદર ઊંડે ઊંડે પણ દરદ થયું. પૂંછડી કપાયાનો ઘા અને દાંતિયાં-નખોરિયાંનાં ઘા, બેયનું દરદ હતું, જલદી ન મટે એવું દરદ, છેક અંદરથી થતું દરદ ! તો ય રાજી રાજી થઈ, અને પછી તો રાજી બસ રાજી ને રાજી જ રહી.
એક પૂંછડીવાળી, બહુ પૂંછડિયા ઉંદરોના ઉંદરદેશની એક પૂંછડીવાળી રાજી.
ખરેખર રાજી, ખરેખરી રાજી, માત્ર રાજી ! રાજી ! રાજી અને રાજી !

સૌજન્ય : http://www.readgujarati.com/2012/04/17/saat-undardi/

("અોપિનિયન", 26 ફેબ્રુઅારી 2013)
 

Category :- Opinion Online / Short Stories