ખાક હો જાયેંગે હમ, તુમ કો ખબર હોને તક

દીપક બારડોલીકર
28-02-2013

અાજે હું ઉદાસ છું ! અને અત્યારે ઉર્દૂના એક પ્રતિષ્ઠ શાયર નાસિર કાઝમીનો અા શેર સાંભરી રહ્યો છે :
દિલ તો મેરા ઉદાસ હય ‘નાસિર’
શહર ક્યૂં સાઈં - સાઈં કરતા હય
નાસિર કહે છે કે મારા હૃદયને સુખ - સુવાણ નથી, એ ઉદાસ છે, ગમગીન છે. હું અસ્વસ્થ, વ્યાકુળ બેઠો છું. પરંતુ અા શહેરને શું થયું છે ? એની હવા કેમ સૂસવી રહી છે ? સાઈં − સાઈં કરી રહી છે ! હીબકાં લઈ રહી છે ! એને કયું દુ:ખ છે ?!
હા, મન ઉદાસ, જીવ ગમગીન તો બધું ઉદાસ, બધું ગમગીન. શરબત પણ કડવો લાગે. અને યારની ચિર વિદાય હોય તો … … ?
સહરા ઉદાસ છે
          ને ચમન પણ ઉદાસ છે
હું છું ઉદાસ
          અાજે ગગન પણ ઉદાસ છે
હૈયું રડે નહીં તો
          પછી શું કરે, કહો
છે યારની વિદાય
          જીવન પણ ઉદાસ છે
હા, એ મારો, અમારો યાર હતો. મૈત્રીની કદર કરનારો મિત્ર હતો. હયદરઅલી જીવાણી હતો. અા જીવાણી જ્યાં કદમ ધરે ત્યાં જડ પણ ચેતનમય બની જતું. પરંતુ અાજે તે નિશ્ચેતન થઈ ગયા છે ! અમેરિકામાં તેમનું નિધન થયું છે ! અને વિશેષ દુ:ખ અા કે મારા એ પાંત્રીસ વર્ષના સંગાથીના જનાઝામાં હું શરીક થઈ શકતો નથી.
હયદરઅલી જીવાણી, જેમને અમે હયદરભાઈ કહેતા, એક કાબેલ પત્રકાર હતા તો સાથે જ એક સિદ્ધહસ્ત લેખક અને કવિ પણ હતા. તેમનાં કાવ્યો બચુભાઈ રાવતના “કુમાર” માસિકમાં પ્રગટ થતાં. સંસ્કૃત વૃત્તોના તેઅો જાણકાર હતા. પાકિસ્તાનમાં એમના જેવી વૃત્તોની, અક્ષરમેળ છંદોની જાણકારી ધરાવનારા એક બીજા કવિ તે ઉમર જેતપુરી. એ કવિ ‘સુંદરમ્’ના શિષ્ય. એમનાં કાવ્યો “દક્ષિણા” માસિકમાં છપાતાં.
હયદરભાઈ કરાચીના એક અાગેવાન અખબાર “ડોન - ગુજરાતી”ના સમાચારતંત્રી હતા. અંગ્રેજી અને ગુજરાતી બન્ને ભાષાના માસ્ટર - પારંગત. અને અનુવાદની કળાના માહિર. પત્રકારત્વની કળા, હુનરમંદી તથા અાંટીઘૂંટીઅોના  સારા જ્ઞાતા એવા અા કલમકારે “ડોન - ગુજરાતી”ના સમાચાર વિભાગનું ઉચ્ચ ધોરણ જાળવી રાખવામાં તેમના સહકારીઅો અમીર કિસત, શફી મન્સૂરી તથા હબીબ લાખાણી સાથે મળીને અગ્ર ભાગ ભજવ્યો હતો. સમાચાર એટલે નક્કર હકીકત પર અાધારિત ને સમર્થન સહિતના સમાચાર એવો તેમનો અાગ્રહ રહેતો. વળી, અહેવાલ લેખનમાં પૂરેપૂરી ચોકસાઈ તથા ભાષાશુદ્ધિ માટે પણ ખંતપૂર્વક કલમ ચલાવવાની તેમની સૂચના રહેતી. અામ છતાં, તેઅો કહેતા કે સમાચાર એ રીતે અને એવી શુદ્ધ છતાં સાદી ભાષામાં લખો કે વાચકોને સમજવામાં તકલીફ ન પડે.
હયદરભાઈએ ‘નૂર’ભાઈ, સાદીક તથા ગુલામનબી મન્સૂરી જેવા તંત્રીઅોના હાથ નીચે કામ કર્યું હતું. અને એ સૌ તેમના પ્રશંસક હતા. તેઅો સપ્તાહમાં ફક્ત એક દિવસ દિવસની ડ્યૂટી પર અાવતા, બાકી હંમેશાં રાતની ડ્યૂટી. એ ડ્યૂટી ઘણી અગત્યની અને ઘણી કઠિન હોય છે. અગત્યના સમાચારો ઘણે ભાગે રાત્રે જ અાવે છે અને એ વખતે ઝટ, તાબડતોબ નિર્ણય લેવાના હોય છે − સમાચારો વિશે. વિલંબ ચાલે નહીં. વિચારવાનો સમય હોતો જ નથી. ખટાખટ તેલિપ્રિન્ટરો ચાલતાં હોય, રિપોર્ટરોની સ્ટોરીઅો હોય, સિલેક્શન કરવાનું હોય, તરજુમા કરાતા હોય અને સામે પ્રેસનો ફોરમેન ઊભો હોય : ‘સાહેબ ! મેટર અાપો … ! મેટર અાપો !’ − કડકડતી ટાઢમાં ય પ્રસ્વેદ કરાવી દે એવી સ્થિતિ હોય છે ! અાવી નાજુક સ્થિતિમાં હયદરભાઈએ પાંત્રીસથી વધુ વરસો સુધી એક કામિયાબ સમાચાર તંત્રી તરીકે સેવા બજાવી હતી.
અાવા પત્રકારો ગુજરાતમાં, પાકિસ્તાનમાં ય બીજે ક્યાંયે મુસ્લિમ ગુજરાતીઅોમાં થયા હોવાનું મારી જાણમાં નથી. એમના સિવાય સાદીક, ફખ્ર માતરી, ‘નૂર’ભાઈ અને ગુલામનબી મન્સૂરીની પણ કોઈ જોડ મુસ્લિમ ગુજરાતીઅોમાં જન્મી નથી. એ સૌ કુશાગ્રબુદ્ધિ ધરાવનારા કાબેલ પત્રકારો હતા.
હયદરભાઈ સમાચાર વિભાગ સંભાળવાની સાથે “ડોન - ગુજરાતી”માં ત્રણ કોલમો લખતા : ‘રંગતરંગ’, ‘હું હુસૈનખાં ને હાજી સાહેબ’ અને ‘સવાલ - જવાબ’. તેમનાં પ્રસિદ્ધ પુસ્તકોમાં ‘રંગતરંગ, ‘હું હુસૈનખાં ને હાજી સાહેબ’, ‘ઝરણું’ તેમ જ ‘Never Too Up, Never Too Down’નો સમાવેશ થાય છે.
મેં એમના હાથ નીચે કામ કર્યું હતું, ઘણું શીખ્યો હતો અને પ્રગતિ કરીને એડિશન ઇન્ચાર્જ સુધી પહોંચ્યો હતો. તેમના સૂચનથી “ડોન - ગુજરાતી” માટે મેં અાઠ જેટલી ઉર્દૂ નવલકથાઅોના અનુવાદ કર્યા હતા. “ડોન” માટે લખેલી બે નવલકથા પણ તેમના સૂચન અને મુલવણી[appreciation]નું પરિણામ હતું. મારી જેમ ઘણા જણ તેમનાથી ઘણું શીખ્યા હતા. એ માંહેના એક ભાઈ હારૂન જમાલ હતા. અા મેમણ યુવાન બાદમાં “ડોન”ના સમાચાર વિભાગમાં જોડાઈ ગયા હતા. બહુ તેજસ્વી હતા. પણ યુવાનીમાં જ તેમનું અવસાન થઈ ગયું હતું.
હયદરભાઈ ઘણું કરીને નેવું [1990] પહેલાં નિવૃત્ત થઈ કરાચીથી અમેરિકા ચાલ્યા ગયા હતા. તેમની સાથે મારી છેલ્લી મુલાકાત, સન 2005ના એપ્રિલ - મે માસ દરમિયાન લંડનમાં “અોપિનિયન” માસિકની દશવાર્ષિકી અને ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સાતમી ભાષા-સાહિત્ય પરિષદ વેળા થઈ હતી. તેઅો અા પ્રસંગોમાં ભાગ લેવા અાવ્યા હતા.
તેમના નિધનથી ગુજરાતી ડાયસ્પોરાએ એક બહુમૂલ્ય રત્ન ગુમાવ્યું છે. તેમની પાસે ઘણું હતું. તેમણે કરાચીની “ડોન”ની કચેરીમાં બેઠાં બેઠાં ઘણું જોયું હતું, વિચાર્યું હતું, વાંચ્યું હતું ને ઘણી ચર્ચા કરી હતી. એમ કહીએ કે તેમની પાસે પાકિસ્તાનનો એક રાજકીય, સામાજિક ઇતિહાસ હતો તો એ ખોટું નહીં હોય. કાશ, તેમની એ જાણકારીઅોનો લાભ અમેરિકાસ્થિત સાહિત્યિક સંસ્થાઅોએ લીધો હોત ! તેમના ઇન્ટરવ્યૂ કરાયા ને અૉડિયો - વીડિયોમાં સંગ્રહાયા હોત ! … કાશ ! કાશ !
પણ અાપણે સ્વથી અાગળ જઈએ ત્યારે ને ?
…, અને અંતે મિર્ઝા અસદુલ્લાહખાં ગાલિબનો એક શેર છે :
હમને માના કે તગાફૂલ ન કરોગે લેકિન
ખાક હો જાયેંગે હમ તુમ કો ખબર હોને તક 

http://never_too_up__never_too_down.pdf

[136, Stamford Street, Old Trafford, MANCHESTER M16 9LR]

("અોપિનિયન", 26 ફેબ્રુઅારી 2013)

Category :- Profile