ગધના − ગધનીનાં ગીત …

દીપક ત્રિવેદી
27-02-2013

ગધનાની આંખોમાં છલકે સરવરિયા બે-ચાર, 

ગધની એમાં ડૂબી જાય ...
ગધનો ખીલે સોળ કળાએ નદિયુંની મોઝાર,
ગધની એમાં ડૂબી જાય ...

કમળ એટલે ગધનો
ગધની કમળપાંદડી જેવી !
વમળ એટલે ગધનો
ગધની ગતિશાસ્ત્રની દેવી !!

ગધનો ઝીલે ઝરમર ઝરમર વરસે અનરાધાર,
ગધની એમાં ડૂબી જાય ...

કોઈ બગીચો ગધનો
ગધની એના ફરતી વંડી !
મઘમઘ જંગલ ગધનો
ગધની એની તો પગદંડી !!

ગધનો ફુગ્ગો ફૂલણશીનો ફૂટે પારાવાર,
ગધની એમાં ડૂબી જાય ...

શબદ એટલે ગધનો
ગધની થાતી કાનો માતર !
પવન એટલે ગધનો
ગધની એના ફરતી ચાદર !!

ગધનો અરધો પાણી જેવો અરધો છે પગથાર,
  ગધની એમાં ડૂબી જાય ...
ગધનાની આંખોમાં છલકે સરવરિયા બે-ચાર, 
ગધની એમાં ડૂબી જાય ...


°

 

ગધના પાસે ગધની બેઠી                 

 

ગધના પાસે ગધની બેઠી સોળ કળાએ ખીલવા !

ગધનો પણ બેઠો છે એવો શ્રાવણ – ભાદર ઝીલવા !

 

ગધનો પૂછે ગધનીને આ સાત સમંદર પાર …

હોડી નૈ, હલ્લેસું નૈ, બસ તું અમને ઉતાર …

 

ગધનો ખોલે પ્રેમગઠરિયાં ગધની માંડે હીલવા !

ગધના પાસે બેઠી સોળ કળાએ ખીલવા !

 

ગધનો ઝીંકે આડાઅવળી પ્રેમ-બ્રેમની વાત !

ગધની જાણે બનતી જાતી મેઘધનૂષી જાત !

 

કોઈ દિવસ આજે ગધની માંડી સપના છીલવા …

ગધના પાસે ગધની બેઠી સોળ કળાએ ખીલવા …

 

http://deepakgtrivedi.wordpress.com/2013/01/24/ગધના-ગધનીનાં-ગીતો/

 

Category :- Poetry