ગુજરાતી કાવ્યમાં રાધા

જવાહર બક્ષી
27-02-2013

પૂર્વ ભૂમિકા : 
રાધા : સંસ્કૃતનાં પ્રાચીનતમ ગ્રંથ વેદો અને પ્રાકૃત ભાષાના પ્રાચીન ગ્રંથોમાં રાધાનો ઉલ્લેખ નથી. શ્રીકૃષ્ણ વિષે યુગ પ્રવર્તક ગ્રંથ  ‘શ્રીમદ્દ ભાગવત્’ની હસ્તપ્રત આઠમી સદીની પહેલાં મળતી નથી. વેદ જેવી ‘અષ્ટ વિકૃતિવાળી કંઠ પરંપરા પણ પુરાણોની નહોતી. એટલે કે પુરાણોમાં સર્વશ્રેષ્ઠ ગણાતા એવા શ્રીમદ્દ ભાગવતમાં રાધાનું સ્પષ્ટ નામરૂપ જોવા મળતું નથી. છતાં રાધા એ પહેલાં નહોતી એમ પણ ન કહી શકાય.
માત્ર હસ્તપ્રતોના ઇતિહાસને આધારે વિદ્વાનો એમ માને છે કે દક્ષિણ ભારતના અળવારો અને નાયનારો જે ભાગવત પહેલાં હજારેક વર્ષથી ભક્તિ કવિતા લખે છે, તેની અસર શ્રીમદ્દ ભાગવતમાં જણાય છે.
આમ જુઓ તો વૈદિક આર્યોમાં સગુણ શરીરધારી બ્રહ્મના અવતારની કલ્પના નથી. દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની રચના એ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના પુન:સ્થાપિત કરવા જ કરી હતી. એટલે દ્રાવિડ પ્રજાના ‘સંગમ’ કે અળવારોની રચનામાંથી ‘કૃષ્ણસ્તુ ભગવાન સ્વયમ્’  એટલે કે બ્રહ્મ એ જ નારાયણ એ જ વિષ્ણુ અને એ જ કૃષ્ણ છે. એમ મહાભારતની રચના વખતે પ્રતિષ્ઠિત થયું છે અને તે પહેલાંના ગ્રંથોમાં નથી તેમ વિદ્વાનોએ ફલિત કર્યું છે. બ્રહ્મા–વિષ્ણુ–મહેશની ત્રિમૂર્તિ પણ ત્યારે જ પ્રસિદ્ધ થઈ.
અગિયારમી સદીમાં બિલ્વ મંગલ ઉર્ફે લીલાશુકની લાંબી રચના ‘કૃષ્ણ કર્ણામૃત’ પ્રખ્યાત થઈ. તે પછી અતિ પ્રિય અને ભાષા, લય, ભાવ અને વસ્તુ વિષયના અનેક સૌંદર્ય સાથે જયદેવની બારમી સદીમાં રચિત ‘ગીત-ગોવિંદ’ કાવ્ય, રસિકો, વિદ્વાનો અને લોકમાનસમાં ઝડપભેર સન્માનનીય થઈ.
ગુજરાતી ભાષા : તે જ વખતે સંસ્કૃત-પ્રાકૃત અને લોક બોલીઓના સમાગમથી ૨૭ અપભ્રંશો તે સમયના ભારતમાં પ્રચલિત થયા. જેમાં નાગર, ગૌજર અને લાટ અપભ્રંશોથી યુક્ત ગુજરાતી ભાષા જન્મી.
અગિયારમી સદીમાં શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના અદ્દભુત ગ્રંથ ‘સિદ્ધહેમ વ્યાકરણ’માં ગુજરાતી ભાષાનાં મૂળ હશે, પણ તેરમી સદી સુધી તેનું આધુનિક પોત બંધાયું નહોતું. ચૌદ-પંદરમી સદીમાં જૈન અને જૈનેતરના વર્ણનાત્મક અને કથાત્મક કાવ્યો ‘ફાગુ’ અને રાસા’માં ઊર્મિસભર પદ રચના નહોતી. આ પરિસ્થિતિમાં નરસિંહ મહેતાના વૈદાંતિક જ્ઞાન અને આધ્યાત્મિક અનુભૂતિની ત્રીજા નેત્રની પ્રસાદીથી આ ખોટ પુરાઈ.
નરસિંહ મહેતા : નરસિંહના જીવનકાળ ૧૪૦૪-૧૪૧૪ વચ્ચે જન્મ અને ૧૪૬૯માં મૃત્યુ એમ સ્વીકાર્ય થયો છે. તેણે ગુજરાતી ભાષાની શબ્દ ચેતના, લય ચેતના, ભાવ ચેતના અને કાવ્ય ચેતના જગાડી એવી સરિતા વહાવી કે આજ એકવીસમી સદીમાં તે બન્ને કાંઠે લીલીછમ છે.
તેણે વાપરેલા બે પ્રમુખ લયના મૂળ ગીત ગોવિંદમાં મળે છે.
નરસિંહનાં કાવ્યોની મળેલી હસ્તપ્રતોના પદમાં જયદેવનું સ્મરણ છે. તેમ જ તેણે ટાંકેલી પંક્તિ ઝૂલણાં છંદમાં છે. ‘સ્મર ગરલ ખંડનમ્, મમ શિરસિ મંડનમ્ દેહિ પદ પલ્લવમ્ ઉદારમ્’ મળે છે. ફરક એટલો જ કે તેણે દાલદાના ૭ આવર્તનો પછી ગુરુ લઈને ૩૭ માત્રાનો સાડત્રીસિયો ઝુલણા વાપર્યો છે જે આમ છે.
દાલદા દાલદા દાલદા દાલદા, દાલદા દાલદા દાલદા દાલદાદા. 
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું તેહને તે સમે તે જ પ્હોંચે. જાગીને જોઉ તો, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, નિરખને ગગનમાં કે જાગને જાદવા જેવા અનેક પદોમાં આ ઝૂલણાં છે.
જયદેવના ગીતગોવિંદમાં ચરણાકુળને મળતો લય ‘લલિત લવંગલતા પરિશિલન કોમલ મલય સમીરે’ નરસિંહના વૈષ્ણવ જનનો તેને કહીએ કે નારાયણનું નામ જ લેતાં કે ભૂતલ ભક્તિ પદારથ મોટું વગેરેમાં છે.
નરસિઁહનાં કૃષ્ણ : આદિકવિ તરીકે યથોચિત ગણાયેલ નરસિઁહ જ્ઞાન, ભક્તિ અને શૃંગારની રચનામાં ખૂબ ખીલે છે. જ્ઞાન કવિતામાં : ‘નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યા’માં માંડુક્ય ઉપનિષદના ચાર સ્તરની કાવ્યમય રજૂઆત છે.
(૧) નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો – વૈશ્વાનર જાગૃત કે વિરાટ
(૨) ઝળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં – તેજસ કે હિરણ્ય ગર્ભની કે સ્વપ્ન
(૩) હેમની કોર જ્યાં નિસરે મૂલે (તે મૂળમાં) – પ્રાજ્ઞ કે સુષુપ્ત આનંદમય કોશ સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે.
(૪) બત્તી વિણ તેલ વિણ સૂત્ર વિણ જો વળી – તૂર્ય કે આભવ્ય અચળ જળકે સદા વિમળ દીવો
નેત્ર વિણ નિરખવો, રૂપવિણ પરખવો વણ જીહવાએ રસ સરસ પીવો.
આ બ્રહ્મ તે જ અખિલબ્રહ્માંડમાં એક તું શ્રી હરિ.
એટલે પૂર્ણ બ્રહ્મ તે જ કૃષ્ણ.
નરસિઁહની રચનામાં બાલકૃષ્ણની જાગને જાદવાથી લઈ કિશોર અવસ્થાના ‘જળ કમળ છાંડી જાને બાળા’ જેવાં પદો છે.
પરતું તેના પ્રમુખ કાવ્યો રાસ પંચાધ્યાયીના નાયક બંસીધર, નટવર નાગર કૃષ્ણનાં છે. શિવલાલ જેસલપરાએ માન્ય રાખેલાં ૮૦૭ પદોમાંથી ૪ ઝારીનાં પદો, ૯ સુદામા ચરિતનાં પદો, ૬૫ જ્ઞાનનાં પદો, ૧૦૨ આત્મ ચરિતનાં પદો અને બાકીનાં ૬૨૭ પદો કૃષ્ણ લીલાંનાં છે. તેમાં દાણલીલા, વાંસળી, ચાંદલા વગેરે પદો સાથે રતિસુખ, રાસ, ઉપાલંભ, વિરહ વગેરેનાં અદ્દભુત પદો છે.
નરસિઁહની રાધા : ‘જે નિરખને ગગન’માંથી બ્રહ્માંડના મૂળમાં છે તે આકાશને નીલવર્ણ આપનાર શ્યામ એ કૃષ્ણ છે. અને તેની શક્તિ એ શ્યામા છે. તે જ રાધા છે. વૃષભાનની પુત્રી રાધા ગૌરી છે, પણ આધ્યાત્મિક સ્વરૂપે શ્યામા-શ્યામ છે. સંભોગ શૃંગારનાં પદોમાં બે અપવાદ સિવાય ક્યાં ય રાધાનું નામ નથી. તેથી રાધાને કૃષ્ણની આધ્યાત્મિક શક્તિ ગણે છે. જે પ્રેમાનંદ, પ્રેમસખી પ્રેમાનંદ કે દયારામ કરતાં અલગ છે.
આપણે બે પદો દ્વારા તેનો આનંદ લઈએ. ભાગવતમાં ‘અન્યારાધતિ’ શબ્દમાં કથા છે. અનેક ગોપીમાંથી એક પ્રમુખ ગોપી જે કૃષ્ણને અતિપ્રિય છે. તેને રાસલીલામાં એકાંતમાં લઈ જાય છે. તે પરથી ગોપીઓ તેનાં પગલાંને જોઈ અનુમાન કરે છે, તે પછીથી આ જ ‘રાધા’ છે તેમ પ્રચલિત થયું. એમ પણ બન્યું હોય કે રામાયણ પછી એક પત્નીવ્રતની દૃઢતા સમાજમાં સ્થપાઈ એટલે બ્રહ્મા-બ્રહ્માણી, શિવ પાર્વતી અને વિષ્ણુ-લક્ષ્મીની જોડ ઉત્પતી થઈ.
ઋગ્વેદમાં વિષ્ણુનાં માત્ર ૩ સુક્ત છે. એક સુક્ત ‘પુષાન’નું છે. તેનું વર્ણન ગોપાલ, ભરવાડ-કૃષ્ણને મળતું આવે છે. એટલે આ જોડીઓ વેદકાલીન નથી. પદનું ૐની અ+ઉ+મ્ એ ત્રણ શક્તિ સત્વ, રજસ તમસ કે સર્જન શક્તિ, પાલક શક્તિ અને સંહારક શક્તિ એ સંપૂર્ણ સત્ય છે.
જેને આજે Electron, Neutron અને Proton એના કરતાં પણ જડબેસલાક પ્રત્યેક અણુમાં રહેલા શૂન્યાવકાશ (Ground State or Vacuum of Aton)માં જ્યારે પહેલી આણ્વિક ક્રિયા થાય છે, ત્યારે ત્રણ તત્ત્વોના સામૂહિક કાર્ય વિના કશું થઈ શકતું નથી. તે Creating  Operator, Propagator અને Annihilator એ જ બ્રહ્મા–વિષ્ણુ–મહેશ છે, તેનું મૂળ બ્રહ્મ છે અને તે જ કૃષ્ણ છે, તો તેની શક્તિ રાધા છે એમ જનસમૂદાય માને તે સ્વાભાવિક છે.
તો રાસલીલામાંથી એકાંતમાં જનારી રાધાનું પદ નરસિંહના લોકપ્રિય અને લોકપરંપરાથી પ્રાપ્ત છે     
નાગર નંદજીના લાલ .....
રાધાને સમજવા માટે ગોકુળ અને વૃંદાવન સમજવું આવશ્યક છે. ગો એટલે ઇન્દ્રીય અને કુળ એટલે તેનું સંકુલ કે સમૂહ એટલે કે શરીર. ભગવદ્દ ગીતામાં શરીરને ઇન્દ્રીય ગ્રામ કહ્યું છે. તે જ ભાગવતનું ગોકુળ સમજવાનું. ત્યાં બાલકૃષ્ણની વાત્સલ્ય લીલા છે. વૃંદાવનમાં ત્રણ ભાગ છે - કુંજ, નિકુંજ અને નિભૃત. વૃત્તિઓનું વન એટલે વૃંદાવન. એટલે કે મન અથવા આપણી ચેતના. કુંજમાં સર્વ સખીઓને પ્રવેશ છે અને એ private yet public garden party છે. તે જ્યાં થાય છે તે કુંજ એટલે જાગૃત મન. Conscience mind. યોગની ભાષામાં કહીએ તો અન્નમય કોશ અને પ્રાણામય કોશ. કુંજ એટલે મનોમય કોશ. નિંકુજમાં માત્ર અષ્ટ સખીઓને પ્રવેશ છે. તે વધુ ગહન સ્થળ છે. એ વિજ્ઞાનમય કોશ કે sub–conscious mind છે. સૂક્ષ્મ શરીર છે.
    નિભૃત નિકુંજ – એટલે સંપૂર્ણ શાંત એકાંત સ્થળ એટલે કે આનંદમય કોશ કે કારણ શરીર છે. તે subconscious  અને supra - consciousની વચ્ચેનો unconscious સેતુ છે. જ્યારે કૃષ્ણ અનેક ગોપીઓ વચ્ચેથી રાધાને નિભૃત નિકુંજમાં લઈ જાય છે, ત્યારે તેને અહમ્ થાય છે કે આટલામાંથી મને એકને જ પસંદ કરી છે, એટલે ‘હું’ કંઈક છું. આ ‘હું’ ભાવ ‘I’ ness છે. તે પરમાત્માના મિલનમાં બાધારૂપ થાય છે અને કૃષ્ણ તે જ વખતે અંર્તધાન (ગાયબ) થઈ જાય છે. પછી રાધા કલ્પાંત કરે છે અને મિલનમાં વિરહ અને પછી વિરહમાંથી મિલનની અદ્દભુત ગતિ રચાય છે.
લોકપરંપરામાંથી મળેલું નરસિંહનું પદ આ સંદર્ભમાં જોઈએ :
નાગર નંદજીના લાલ, રાસ રમતાં મારી નથણી ખોવાણી, કાના જડી હોય તો આલ.
અહંકારનું, ગર્વનું, પ્રતિક નાક છે અને નાકનો શણગાર નથણી છે. કૃષ્ણના અંર્તધાન થતાં તે નથણી ખોવાઈ જાય છે. કવિતા આગળ વધે છે :
નાની અમથી નથણીને માહે ભરેલા મોતી
નથણી આપોને કાના, ગોતી ગોતી ગોતી.
નાની અમથી નથણી ને માંહે જડેલા હીરા
નથણી ગોતીને આપો સુભદ્રાના વીરા
જયારે ભૌતિક પદાર્થનું સ્મરણ હોય ત્યારે ‘હીરા’, ‘મોતી’ વાળી ચેતનામાં એ ન જ મળે. હજી સમજવું ન હોય તો અદ્દભુત રૂપક આપે છે.
નાનેરી પ્હેરું તો મારે નાકે ના સોહાય
મોટેરી પ્હેરું તો મારા મુખ પર ઝોલાં ખાયા
અહંકાર એવી વિચિત્ર વસ્તુ છે કે સ્વયંને પ્રતિષ્ઠિત થવું જ છે. બહુ સૂક્ષ્મ હોય તો નજર ન ચડે અને બહુ મોટા હોય તો અળખામણો થઈ જાય.
કવિતા આગળ વધે છે. નથણી ક્યાં હશે ? પ્રકૃતિ પોતે જ બ્રહ્મનું સર્જન છે અને તે ભોગ (આનંદ) અને અપવર્ગ (મોક્ષ) માટે સર્જાયેલી છે તેથી જ સંકેત આપે છે.
આંબે બોલે કોયલડી ને વનમાં બોલે મોર
રાધાજીની નથણીનો શામળિયો છે ચોર
જે અહંકાર વિરહનું કારણ બન્યો છે તે પણ કૃષ્ણએ જ આપ્યો છે. આ લીલા અને સંપૂર્ણ સત્વ સંશુદ્ધિ માટેની આવશ્યકતા પૂરી થાય તો નથણી મળે. માટે માન છોડી ને માગ.
નરસિંહ બહુ મોટા ગજાનો કવિ છે. બે વતી બે ચાર ન કરે. છેલ્લે કહે છે
    નથણી આપોને પ્રભુ નંદના કુંવર
    નરસૈયાના સ્વામી ઉપર જાઉં બલિહર.
નથણી આપવી જોઈએ કે નહીં ? આપી કે નહીં એ તમારી ઉપર છોડીને એ કૃષ્ણ પર વારી જાય છે. એટલે જ કહે છે બીજા કાવ્યમાં -
‘વારી જાઉં સુંદર શ્યામ તમારા લટાકને.’
તો આ મારી સમજ પ્રમાણ નરસિંહની રાધા-કૃષ્ણ કવિતાનો આનંદ છે. રાધા એક રૂપક અને રાધાની કાવ્યમય વાસ્તવિકતા અતિ રમણીય છે.
બીજું કાવ્ય છે જેમાં નરસિંહ રાધાને આધ્યાત્મ અને રુક્મિણીને વહેવાર એમ બે ભાગ પાડે છે. બન્ને વાસ્તવમાં ક્યારે ય મળ્યા નથી. સુરદાસની એક કવિતામાં ‘રુક્મિણી રાધા ઐસી ભેટી, જૈસે બહુત દિનનકી બીછરી હુસી એક બાપકી દોઉ બેટી’ જેવી સુંદર વાત કરે છે.
અહીં મામલો જુદો છે રાધાજી રીસાયાં છે.
આજ રે શામળિયે વ્હાલે અમ શો અંતર કીધો રે, 
રાધિકાનો હાર હરિએ રુક્મિણીને દીધો રે.
પરમાત્મા પ્રાપ્તિમાં સંસાર છોડીને આધ્યાત્મમાં પ્રવેશવાનું હોય છે. અહીં નરસિંહ ઊંધી રમત માંડે છે. આધ્યાત્મના કંઠમાંથી આભૂષણ લઈ સંસાર પક્ષને આપે છે. એટલું જ નહીં Plutonic કે આધ્યાત્મિક પ્રેમના પાત્રને નિતાંત સંસારી વાઘા પહેરાવે છે. આ હાર જવાનું દુ:ખ અને ગુસ્સો જુઓ.
શેરીયે શેરીયે સાદ પાડું, હીંડું ઘેર ઘેર જોતી રે, 
રુક્મિણીને કોટે (કંઠમાં) મેં તો ઓળખ્યાં મારાં મોતી રે
ચોરી પકડાઈ ગઈ અને ચોર પકડાઈ ગયો. કૃષ્ણ સિવાય આપે કોણ આ મોતીનો હાર અને તે પણ રુક્મિણીને ! ગુસ્સાની પરાકાષ્ઠા છે.
ધમણ ધમાવું ને ગોળી ધપાવું, સાચા સમ ખવરાવું રે
આજ તો મારા હારને કાજે નારદને તેડાવું રે
૧૦૦º નહીં પણ બસ્સો ડિગ્રી ઉકળતા પાણીની ગોળી પર હાથ રાખીને સોગંદ ખવરાવી સાચું બોલાવું. રામાયણમાં રામ સીતાની અગ્નિ પરીક્ષા કરે છે, ત્યારે નરસિંહ મહેતાની રાધા શ્રીકૃષ્ણની અગ્નિ પરીક્ષા લે છે. એટલું ઓછું હોય તો નારદજીને તેડાવું. આજની ભાષામાં આખું U.N.O.ને ભેગું કરું. એટલું જ નહીં સત્યાગ્રહ કરું. (ગાંધીજી પહેલાં પાંચસો વર્ષની રચના છે.)
   રાધાજી અતિ રોષે ભરાણાં, નેણે નીર ન માય રે
    આપો રે હરિ હાર અમારો નહિ તો જીવડો જાય રે.
હવે નિર્ણયાત્મક ઘડી આવી ગઈ છે. નટવર નાગર કૃષ્ણ શું ખુલાસો આપશે ? શું બહાનાં કાઢશે ? કેમ મનાવશે ?
ગુજરાતી સાહિત્યની અદ્દભુત પંક્તિઓમાંની એક છે.
થાળ ભરી શગ મોતી મગાવ્યાં, અણવીંધ્યાં પરોવ્યાં રે
ભલે રે મળ્યો નરસૈનો સ્વામી, રુઠ્યાં રાધિકા મનાવ્યાં રે.
આ અણવીંધ્યાં મોતીની માળામાં અનેક અર્થ અને અર્થોને અતિક્રમનો ચમત્કાર છે. તમે એનો ‘યોગ : ચિત્તવૃત્તિ નિરોધ’ અક્ષત યોનિ, નિષ્કામ કર્મ જે કરો તે થઈ શકે. પરતું ફરી આધુનિક વિજ્ઞાનની વાત કરીએ તો UNIFIED QUANTUM FIELD એટલે કે પરબ્રહ્મ અખંડ અને અલખ છે જેને perfect symmetry છે. એ symmetry કે સંપૂર્ણ ત્રિગુણાતીત અવસ્થાની અક્ષુણ્ણ્યતા એ અણવીંધ્યાં મોતીની માળા છે. એટલે નરસિંહ સંકેતથી કૃષ્ણ પાસે કહેવડાવે છે કે તારી પાસે વીંધેલાં મોતીની માળા છે તે તારા ગૌરવને અનુરૂપ નથી. ભલે રુક્મિણીની શોભા વધારે. તારે માટે આ અણવીંધ્યાં મોતીની માળા (ઢગલો નહીં) જ યોગ્ય છે. કેવું અદ્દભુત.
આમ નરસિંહથી શરૂ થયેલી રાધાની યશોગાથા આજ સુધી ચાલી આવે છે. જે ગુજરાતી કાવ્ય પ્રેમીઓને સુવિદિત છે. થોડો ચિતાર જોઈએ. પહેલાં નરસિંહને માણીએ.
નરસિંહ મહેતાએ રાધાનાં નામ સાથે અને રાધા ભાવનાં અનેક કાવ્યોમાં પ્રેમના અનેક ચહેરાઓ ઉપસાવ્યા છે. જેમ કે શિવલાલ જેસલપરાની નરસિંહ મહેતાની કાવ્ય કૃતિઓમાં :
પૃ. ૧૬૮. રાસ રમે, રાધાવર રૂડો શામલડાને સંગે રે
              માન મૂકવા કારણ કામ, અનંગર થરતી સંગે રે
પૃ. ૧૭૫. અમને રાસ રમાડ વ્હાલા ....
              એક હસે એક તાળી લે, બીજા તે કુંકુમ – રોળ
              રાધા માધવ રાસ રમે તાંહી ઝામા ઝાકળઝોળ
પૃ. ૧૮૮. રાતીમોલ ધરો, મારા વ્હાલા, રાતી ઋતુ રૂડી રે
          રાતે દાંતે હસે રાધાજી, રાતી કરમાં ચૂડી રે
          રાતાં ફૂલ ખરે ખાખરનાં, રાતી તે રજ ઉડી રે
          રાતી ચાંચ સોહે પંખીજન, સૂડોને વળી સૂડી રે
         રાતા સાળુ સહુ સહિયરને, શિરે છૂટે જૂડી રે
         નરસૈયાના સ્વામી સંગ રમતાં, રહીને રસમાં બૂડી રે
પૃ.૨૦૧. શૈં ન સરજી તારા વદનની વાંસળી અધર-અમૃત રસપાત કરતી
       શોક્ય તણું દુ:ખ દોહ્યલું દેવા, વૈકુંઠ નાથનું મન હરતી
       રાધિકા, રુક્મિણી, લક્ષ્મી, ચંદ્રાવલિ, સત્યભામા એણી પર બોલે
       ‘સોળ સહસ્ત્ર ગોપી પરી તેહમાં નાવે કોઈ નાર એની તોલે
પૃ.૨૬૬  સજની ! શામળિયો વ્હાલો, રાધા ગોરી ને કાન કાળો
             તમે નેણ ભરી નિહાળો, રસપૂરણ છે રઢિયાળો
પૃ. ૩૩૦ મારે આંગણ આવીને કોણે પંચમ ગાયો
             ચાર પહોર રમતાં હજી ન ધરાયો
             ------
             શંખ – ચક્ર – ગદાધર, ને ગરૂડ ગામી
             સેજડીએ રાધાશું મળિયો નરસૈયાનો સ્વામી.
પૃ. ૩૩૬. રોજે રમતાં ખટકે કડલાં, રાધા – માધવ તેવતેવડાં
              બાંહોડીનો લટકો મોડામોડ, રાધા – માધવ સરખી જોડ
કે વળી બીજા પદમાં કહે છે
          વૃંદાવનમાં રાધા માધવ થનક થનક થૈ સારી રે
          ચોપાસા દીપક ઘરી ચોગમ, ઝલલ જ્યોત અભ્યારી રે
આત્મ ચરિત્રના પદોમાં પણ જેમ કે મામેરાનાં પદ પૃ. ૩૪
           રાધિકા સુંદરી સકળ શિરામણી
રાધાનો ઉલ્લેખ હોય જ.
અનેક પદો એવાં છે જેમાં રાધાનું નામ સ્પષ્ટ આવતું ન હોય પણ એ ભાવ ફલિત થાય.
એક બહુ સુંદર પદથી આ પ્રકરણ પૂરું કરીએ. વસંતઋતુમાં ફૂલો ખીલ્યાં છે. રાધાએ કૃષ્ણ સાથે મળવાનું સ્થળ અને કાળ નક્કી કર્યાં છે. એ સમયે પ્રિયતમને મળવા પણ એકલાં ન જવાય, સાથે સખી હોય. રાધા સોળે શણગાર સજી સખીને ત્યાં આવે છે, અને સખી હજી છાશ વલોવતી હોય છે. ત્યારે રાધાની ઉત્કટતાનો, અભિસારિકાની આતુરતાનો અદ્દભુત ભાવ લીધો છે.
ચાલ રમીએ સહી, મેલ મથવું વહી વસંત આવ્યો વનવેલ ફૂલી
મહોરિયા અંબ, કોકિલા લવે કદંબ, કુસુમ, કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી.
પ્હેર શણગારને હાર ગજગામિની ક્યારની કહું છું જે ચાલ, ઊઠી
રસિક મુખ ચુંબિયે, વળગીયે, ઝુંબીયે
આજ તો લાજની દુહાઈ છૂટી
હેતે હરિ વશ કરી, લાવો લે ઊર ધરી
કર ગ્રહી કૃષ્ણજી પ્રીતિ વળશે
નરસૈયો રંગમાં અંગ ઉન્મત્ત થયો
ખોયેલા દિવસનો ખંગ વળશે.
તીવ્ર ભક્તિના ઉદ્રેકમાં મિલનઝંખના વાળો જીવ સંસારમાં રચી-મચી પડેલા જીવને જગાડી પરમાત્માની એકતાનો લ્હાવો લઈ ભવસાગર તરી કાલાતીત અવસ્થામાં ખોયેલા દિવસનો ખંગ વાળવાનો રંગ માણવા પ્રેરે છે.
નરસિંહ પછી પંદરમી સદીના ઉત્તરાર્ધમાં ‘રઘુનાથ ભક્ત’ ભાલણ આખ્યાન કવિ તો છે જ પણ દશમ સ્કંધના પદ રચનામાં રાધા અને રાધાભવનાં પદો મળે છે.
દશસ્કંધ પદ ૨૦૭ :
રાધા કહે : સુણો સુંદર વર તમને કહું હું વાત
અથવા – ૧૮
મુરલી વાય છે રસાલ
લોકલાજ મેં પરહરી, સોંપું રે એહને શરીર
પરવશ થયો આત્મા, રાખ્યો ન રહે ધીર
એ મારે હઈડે વસો, રહો દિન ને રાત
ભાલણ પ્રભુ રઘુનાથ, અંતરગત મલીએ સાથ
ભારતભરમાં અતિ પ્રખ્યાત મીરાંબાઈ સોળમી સદીના પ્રારંભમાં ૧૫૦૩, શરદપૂનમની રાત (અન્ય ૧૪૯૮) મેડતા પ્રાંતના કુકડી ગામે જન્મ. છેલ્લાં દસ વર્ષ ગુજરાતમાં રહ્યાં તેથી અનેક ગુજરાતી પદો તેને નામે છે, જેમ કે
બોલે ઝીણા મોર, રાધે !
તારા ડુંગરિયામાં બોલે ઝીણા મોર
અથવા
બોલમાં બોલમાં બોલમાં રે
રાધાકુષ્ણ વિના બીજું બોલમાં
પરંતુ ઇ.સ. ૧૫૮૫માં ડાકોરના મંદિરના ગર્ભગૃહમાંથી મળેલી હસ્તપ્રતમાં જે ૬૯ પદો છે તે શુદ્ધ મીરાંની મેડતી – રાજસ્થાની ભાષાના છે અને તે પછી કાશીમાં બીજા ૩૪ પદો મળી ૧૦૩ પદો સિવાય મીરાં નામી પદો છે. ભાવ અને ભાષાની દૃષ્ટિએ ખૂબ જાણીતાં પદો પણ તેના નથી, તેમ કહી શકાય.
ઉદાહરણ અર્થે :
પાયોજી મૈને રામ રતન ધન પાયો
એ મીરાંનું પદ ન હોય તેવી શક્યતા વધારે છે. મીરાંનાં ૬૯ પદોમાં ક્યાંય ‘રામ’ શબ્દ આવતો નથી. ‘મ્હારા રે ગિરધર ગોપાલ દૂસરા ન કૂયા’ એ મીરાંનાં જીવન અને કવનનું સત્ય છે. વળી અસ્સલ ભાષા ‘ગોવિંદ રા ગુણ ગાણા, રાજા રૂઠે નગરી ત્યાગાં, હરિ રૂઠે જાણાં’ જેવી ભાષામાં આયો પાયો વાળી ભાષા ન આવે. અને સહુથી ધ્યાન ખેંચે એવી વાત તેમાંની પંક્તિ ‘સત્ કી નાવ કેવટિયા સદ્દગુરુ’ તો નરસિંહ કે મીરાંના કોઈ પદમાં ગુરુની વાત જ નથી. રૈદાસ જીવતા હોય તો મીરાંના જન્મ વખતે ૧૦૫ વર્ષના હોય. તે મીરાંની દાદી સાસુ ઘ્રાંગધાની રતનકુંવરબા અથવા ઝાલી રાણી (ઝાલાવાડની હોવાથી) તરીકે પ્રખ્યાત હતી અને ત્યાં રૈદાસજી અવશ્ય આવતા હતા. પરંતુ ગુરુ બનાવ્યા હોય તો પદમાં અવશ્ય આવે. જે કંઈ પદોમાં નથી.
તેવી જ રીતે ગુજરાતી પદોનું છે. છેલ્લાં દસ વર્ષ ગુજરાતમાં રહી એટલે હોઈ શકે, પણ મને શ્રદ્ધા નથી. જેમ દ્વારકાની મૂર્તિમાં સમાઈ તેમાં નથી. એ મીરાં પહેલાં સાતસો વર્ષ ગૌડા કે આંડાલની પણ વાત હતી કે તે મૂર્તિમાં સમાઈ ગઈ. એ બન્ને વાતો મને ભાવની સ્થિતિમાં અવશય માન્ય છે. ભૌતિક રીતે નહીં.
મીરાંના ૬૯ પદોમાં એક પ્રમુખ ભાવ એ જ ફલિત થાય છે કે તેને કૃષ્ણ સાથે અનેક જન્મોનાં સંબંધ છે. અને શ્રીમદ્દ ભાગવતના દશમ સ્કંધમાં નિભૃત નિકુંજમાં વિરહ પામેલી રાધા અથવા તો રાસમાંથી છૂટા પડેલી ગોપી એ પોતે જ છે. વિષયાંતર ન થાય એટલે અવતરણો મૂકતો નથી પણ ‘મિલ-બિછુડણ મત કીજો’ એ મીરાંની આજીજી કાયમની રહી છે.
મીરાં પછી કબીરના રંગે રંગાયેલા પણ અદ્દભુત વિલિક્ષણ અભિવ્યક્તિ સાથે સત્તરમી સદીના પ્રારંભમાં અખો જ્ઞાન કવિતા અને ધર્મ, સાધના કે જીવનમાં પેસેલા પાખંડ સામે ચાબખા મારી ‘અગમ અગોચર’નો અનુભવ કરવા પ્રેરે છે.
સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં રસ અને ગુજરાતી ભાષાનો અદ્દભુત કવિ પ્રેમાનંદ આશરે (૧૬૪૦-૧૭૧૨) કડવા અને પ્રબંધનો આખ્યાન કવિ છે. પરંતુ ભાલણની જેમ તેણે પણ દશમ સ્કંધની રચના કરી છે. તેની ભ્રમર પચીસીમાં સુંદર પદ કવિતાના અંશો છે. પદ : ૧૫
ગોપીનાથ મથુરા જઈ વસિયા
કુબજા હાથ કમાન ગ્રહીને દોહને બાણે અમને કસિયાં
શું મોહ્યા ચંદનને માધવ ! કપૂર – કાચલી ઘઉંલા ધસિયા
દામોદર ! દાસીને ભેટતાં એમ ન જાણ્યું જે દુરિજન હસિયા
પ્રેમાનંદ પ્રભુ ! ગોકુળ આવો, રાસ રમીયે રાધામાં રસિયા
પ્રેમાનંદના સમકાલીન મૂળદાસજી (૧૬૬૫-૧૭૭૯) નરસિંહની જેમ વેદાંતી કવિ હતા. નિર્ગુણની અનુભૂતિ સાથે પ્રેમલક્ષણા ભક્તિના સુંદર પદો મળે છે. તેમના ૧૨૪ વર્ષના જીવનકાળમાં હજારો પદની રચના કરનાર આ સંતકવિએ ગરબી પ્રકારનાં અને રાસ પ્રકારનાં પદોમાં રાધા-કૃષ્ણનું ગાન કરે છે.
હરિ વેણ વાય છે રે હો વનમાં
તેનો વ્રેહ વાધ્યો મારા તનમાં
....... બીજા પદમાં કહે છે
રંગભંગ રમતાં રે હો રજની
તે સુખ સાંભળ મારી સજની
નરસિંહના ઝૂલણામાં મૂળદાસજી ગીત ગોવિંદ નો અંતભાગ એ પદમાં કહે છે.
આજ મૈં અનુભવ્યા નાથ આનંદમાં
દીન જાણી મને દાન દીધું
કંઠસુ બાંહડી, નાથ ક્રીડા કરી,
કુસુમની સેજમાં સુખે સૂતા
જોબનનો રસ પ્રેમે પીધો ઘણો,
કૂચ કટાક્ષ તે ઉર ખૂતા
ઉર્ઘ્વ આસનનું સુખ બીજું ઘણું
મર્મ જાણી ઘણું માન રાખ્યું
મૂળદાસ માનની માન મોરારશું
દંગ (દ્રગ)ના રૂપમાં સર્વ દાખ્યું
ઉર્ધ્વ આસન એટલે વિપરિત રતિના અર્થમાં અને બ્રહ્મ રંધ્રના શૂન્ય મહેલના પરમાત્માની સાથે એકતાના ભાવમાં પણ લઈ શકાય છે.
સત્તરમી સદીમાં વિશ્વનાથ જાની અને સંત પ્રાણનાથ ‘ઈન્દ્રાવતી’ના પદોમાં રાધાભાવ મળે છે.
અઢારમી સદીમાં રસખાનની જેમ મુસલમાન કવિ રાજે (૧૬૫૦ કે ૭૦ થી ૧૭૨૦ કે ૩૦) રાધાના કૃષ્ણ સાથેના સંબંધની યોગ્યતા વિસારે છે.
ઉગત વહાણે (પરોઢે) રાધાની માડી જાડી રે
એના ચિત્તમાં ચટકી લાગી રે
તેના જવાબમાં રાધા કહે છે
એટલે ત્યાં તો બોલ્યાં છે રાધા વાત
તું સાંભળ મારી માત ! રે બહુ સારું કીધું
માતા મારી શિશ તમારાં નથી વહેર્યાં
પાનેતર પ્રભુનાં પહેર્યાં ! રે બહુ સારું કીધું
રાધા તેની માતાને બરાબર હૈયા ધારણ આપે છે કે મારા લગ્નમાં તેત્રીસ કરોડ દેવતા આવ્યા’તા અને ખુદ જગદંબા ઉમાએ કંસાર જમાડ્યો હતો. મીરાંબાઈના આ પદ સાથે સરખાવો.
માઈ મ્હાને સુપણામાં પરણ્યા રે દીનાનાથ
છપ્પ્ન કોટા (કરોડ) જણા પધાર્યા દુલ્હો શ્રી વ્રજનાથ.
એ સમયમાં સુંદર કવિ રત્નો બારમાસી કાવ્ય પ્રકારમાં મધુર ભાવો વ્યક્ત કરે છે જે ગીત ગોવિંદના પ્રારંભમાં છે.
ફાગણ આવ્યો હે સખી કેશુ ફુલ્યાં રસાળ
હૃદે ન ફૂલી રાધિકા ભ્રમર કનૈયાલાલ
વેરી વિધાતાએ લખ્યો વ્હાલા તણો રે વિજોગ
‘રત્ના’ના સ્વામી શામળા આવી કરો સંજોગ
(પ્રીતમ ૧૭૧૮ – ૯૮) જ્ઞાનમાર્ગ ને અને કૃષ્ણલીલાનાં પદોનો કવિ કહે છે.
રૂપ રાશિ-શી રાધિકા પ્રેમસાગર પ્યારી,
હિંડોળો રળિયામણો ઝૂલે પિયાપ્યારા.
આ તરફ લોકગીતો અને ભજનવાણીમાં રાધા અને રાધાભાવનો મહિમા ગવાવા લાગ્યો. ગોરખપંથી, કબીર પંથી, નિજારી, મહાપંથી વગેરે સંત મતની નિર્ગુણી વાણીના સંત કવિઓ પણ રૂપક – કાવ્યોમાં કટારી, ચુંદડી પ્રભુ મિલનની પરિભાષામાં જ્ઞાન ભક્તિના મૂળ પ્રવાહમાં અને જીવની આરાધનાની અભિવ્યક્તિ રૂપે રાધાભાવનાં સંવેદનો સ્પર્શવા લાગ્યાં.
ખાસ કરીને રવિભાણ પરંપરાના ઉદાહરણ જોઈએ. મોરાર સાહેબ (૧૭૫૮/૧૮૪૯) કહે છે.
ચુંદડી સુંદર શ્યામ સોહાગ, ઓઢે અનુરાગ, ચેતન વરની ચુંદડી
બીજું પદ છે.
    કે’જો સંદેશો ઓધા / શ્યામને અમને તમારો ઓધાર
    નિરખ્યા વિના રે મારા નાથજી સૂનો લાગે છે સંસાર
    મોરાર સાહેબનું એક પદ મીરાંથી લઈ અનેકને નામે ચડ્યું છે.
    લાવો લાવો કાગળિયો હોત કે લખીયે હરિને
    એવો શું છે અમારો દોષ, ન આવ્યા ફરીને
    માથડે ભરિયલ મહી કેરાં માટ, ગોકુળથી આવ્યાં રે
    જાદવ ! ઊભા ‘રો ને જમનાને તીર, બોલડિયે બંધાણા રે
તો જેમણે જીવણ દાસમાંથી નામ બદલી દાસી, જીવણ (૧૭૫૦-૧૮૨૫) રાખ્યું હતું તે સંતના અનેક પદો અદ્દભુત છે.
પ્રેમ કટારી આરંપાર નિકલી મેરે નાથ કી
ઔર કી હોય તો ઓખદ (દવા) કીજે હૈ હરિ કે હાથ કી.
સ્વામીનારાયણ સંપ્રદાયમાં સુંદર પદોની રચના રાધા-કૃષ્ણના અનેક ભાવમાં થઈ છે. બ્રહ્માનંદ(૧૭૭૨-૧૮૬૨)નું અદ્દભુત પદ છે, જેમાં રાધા તેની સખીઓ સાથે બાલકૃષ્ણને પોતાને ત્યાં લઈ જઈ ‘સ્ત્રી’ ‘રાધા’ બનાવે છે.
હરિ કું રાધે નાચ નચાવે, હરિ કું રાધે નાચ નચાવે
પાવનમેં નેપૂર કરી દીને, કર ચૂડી ઠહરાવે
મિલકે જુથ સબે વ્રજનારી લાલકું પ્યારી બનાવે
કછનિ કંબરિયા દૂર બહાય કે, લે લેંઘો પહરાવે
પાઘ ઉતાર, ઓઢાઈ ચૂનરિયાં, નૈનન કજરા લગાવે
માંગ સંભાર ભાલે દે બીંદી, કર ગ્રહી તાલ શિખાવે
રાધે રાધે, કહાન કહાન કહી નચવત તાન મિલાવે
રૂપ બનાય, લગાય કે ઘૂંઘટ, જસોમતી પૈં લેં જાવે
બ્રહ્માનંદ કહે તેરે સૂત કું એહિ કુંવરી પહનાવે
યશોદા પાસે ‘પ્યારી’ કૃષ્ણને લઈ જઈ, કહે છે કે તારા કૃષ્ણ માટે આ યોગ્ય ક્ન્યા છે. આની મસ્તી સ્ત્રી-પુરુષનું અન્યોન્ય ભાવ અને પરમ ઐક્યની રસ લ્હાણ છે.
બીજા એક પદમાં બ્રહ્માનંદ કહે છે
ઝુલત શ્યામ હીંડો રે, રાધે સંગ ઝુલત શ્યામ હીંડો રે
દંપતી વદન વિલોકન કારણ ભીર મચી ચહું ઓરે
ગુજરાતી ભાષી કવિઓ હિંદી, વજ્ર અને મિશ્ર ભાષામાં લખે ત્યારે અનેક ગુજરાતી પદો વચ્ચે વધુ ધ્યાન ખેંચે છે.
બીજા સ્વામીનારાયણ પરંપરાના કવિ પ્રેમસખી પ્રેમાનંદ (૧૭૮૪ – ૧૮૫૫) લખે છે.
રમ્યો રાસ પિયા ઘનશ્યામ રી 
તેમાં મૃદંગના બોલ, સરગમ, નૃત્યુનું વર્ણન વગેરે સુંદર છે. એવું જ બીજું પદ લઈએ જેમાં ઝાંઝર પ્હેરી રાધા રાસ રમે છે.
વારી લાલ નાચત ગત સંગીત ઝનનનનન નૂપર બાજે
તનનનનન લંત તાન બનવારી ... વારી
બ્રજનારી કર ગ્રહી જુગલ જુગલ પ્રતિ કરત ખ્યાલ લાલ લાલ
નાર થોગિડ ગિડ થોગિડ ગિડ બજત મૃદંગ ગત,
ઉધટ થે થે તતત તતત
સરર રરર ભ્રમત ભોમિ પર બ્રજલની ઉનમત બાલ
છોમ છનનન છોમ છનનન ઘુંઘરુ બાજત ગત અત ન્યારી
ઝલલ ઝલલ ઝલકત ભૂજભૂખન હાવભાવ હિતકારી – વાટી
લટક લટક લટકત લટકીલો કરત મુગટ કી છાંઈ
રાધામુખ શ્રમજલ હરિ પોંછત ગ્રહી ભુજ કંઠ લગાઈ બાલ
નિરખત ગગન સુમન સુર બરખત આનંદ ઊર ન સમાત
પ્રેમાનંદ ઘનશ્યામ છબી પર, તન મન ધન બલજાત બાલ
રાસમાં સુંદર નાચવાનો આનંદ આપ્યા બદલ, કૃષ્ણ પોતાના મુગટનો છાંયો કરી રાધાના પ્રસ્વેદ લૂછી ગળે લગાવે છે. અને વર્ણાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ, આંર્તપ્રાસ અને ઝડઝમકથી પદની મધુરતા વધારે છે અને મધ્યાકાલીન યુગના છેલ્લા સૂર્ય સમા દયારામ(૧૭૭૭-૧૮૫૨)ની યાદ આપે છે.
     વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ,
      રાધાકૃષ્ણ રમે રાસ ગોપી લહી લહી લહી,
      બીજું કંઈ નહીં નહીં નહીં રે
     હાં રે નુપુર ચરણ, કનક વરણ, ઝાંઝર જોડો
     હાં રે ઘૂઘરી આળો ઓથે અક્કો તોડો
     હાં રે મોર મુગટ, મણિ, વાંકડો અંબોડો
     હાં રે કુંડલી કાન, ભ્રૂકુટિ બાન, તિલક તાન
     નેન બાણ,  કંપમાન ફફા ફેઈ ફેઈ ફેઈ રે
વૃંદાવનમાં .....
બંસીબોલના કવિ દયારામની લય, ભાષા, ભાવ અને ગીત કવિતાથી ભર્યાં ભર્યાં પદ રસનો ખજાનો છે. નરસિંહ મહેતાના ‘મારે વનરાવન છે રૂંડું વૈકુંઠ નહીં આવું’ના દયારામ પડઘા પાડે છે.
    વ્રજ વહાલું રે વૈકુંઠ નહીં આવું
    મને ન ગમે ચર્તુભુજ થાવું
    ત્યાં શ્રી નંદકુંવર ક્યાંથી લાવું
    જોઈએ લલતિ ત્રિભંગી મારે ગિરધારી,
    સંગે જોઈએ શ્રી રાધે પ્યારી
    તે પિતા નવ આંખ ઠરે મારી ... વ્રજ વહાલે
    રાધાભાવની અનેક સુંદર રચના
    ‘હાંવા હું સખી નહીં બોલું રે નંદકુંવરની સંગ
    મુને ‘શશીવદની’ કહી છે રે ત્યારની દાઝ લાગી છે અંગે
    ‘શ્યામ રંગ સમીપે ન જાવું’
    ‘ઊભા રહો તો કરું વાતડી બિહારીલાલ’
   ‘હું શું જાણું જે વ્હાલ મુજમાં શું દીઠું’
   ‘તું જોને સખી શોભા સલૂણા શ્યામની’
  ઉપદેશના પ્રખ્યાત પદ ‘ચિત્ત તું શીદને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય ને કરે’માં છેલ્લે કહે છે.
    ‘થાવાનું અણચિતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે રે
    રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે.’
લોકગીતોમાં સમાજ નિરૂપણ, પરંપરા, પ્રશ્નો ઉપરાંત મુખ્ય વિષય શ્રીકૃષ્ણની અનેકવિધ લીલાઓની રચના છે જેનો કર્તા અજાણ છે. રાધાભાવની અનેક સુંદર રચનાઓ છે.
રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મોલ
ઝરૂખડે દીવા બળે રે લોલ
રાધા ગોરી ગરબે રમવા આવો
સાહેલી સહુ ટોળે વળે રે લોલ.
ઊંચા મંદિરમાં બળતા દીવા આનંદ, સમૃદ્ધિની સાથે વિરહ કે પ્રતિક્ષામાં બળતા દીવા પણ હોઈ શકે. સહુ સાહેલીઓ પતિને મૂકી ગરબે રમવા આવે છે તો રાધા તમારા ‘મંદિર’માં કૃષ્ણ હોય કે ન હોય તમે પણ સહુની સાથે તાલ મિલાવવા આવો તેનું ઇજન છે. 
‘કાન તારી મોરલીએ માંહીને ગરવો ઘેલો કીધો’ ...
‘ખમ્મા મારા નંદજીના લાલ મોરલી કાં રે વગાડી’ …
‘ઝાલર વાગે ને કાનો હરિરસ ગાય’ …
‘હો રંગસિયા કયાં રમી આવ્યા રાસ રે’ …
‘ઓધવજી મારા ઘર પછવાડે મોહન મોરલી વગાડેજી’ …
‘ટીલ્ડી ચોડીને રાધા મંદિર પધાર્યાં સાસુને પાયે પડિયાંજી’ …
‘રાધા કરસન રમે હોળીએ રે લોલ
ઊડે છે કંઈ અબીલ ગુલાલ કાજ
કરસન વાડીમાં કમળ ઉઘડ્યાં’ …
‘રૂડાં આસો પાલવનાં ઝાડ, કદમની છાયા રે
ત્યાં બેઠાં રાધાજી નાર કસુંબલ પ્હેરીને’ …
“મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન !
ક્યાં રમી આવ્યા’ …
વગેરે અનેક પદોમાં અનેક ભાવોની ઝાકમઝોળ લોકગીતોમાં છે. ગુજરાતી કાવ્યની ઓગણીસમી સદીના પૂર્વાધ સુધીની યાત્રામાં રાધા પ્રમુખ નાયિકા છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પરિસ્થિતિ બદલાય છે. ૧૮૫૭નાં સ્વાતંત્ર્ય સંગ્રામ, રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો, ભારત એકહથ્થુ અંગ્રેજી રાજ્યમાં આવ્યું. મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના અને ગુજરાતી ભાષા પ્રેમી ફાર્બસની ઉપસ્થિતિ વગેરેથી રાધા-કૃષ્ણ કવિતાની ઉત્કટતા ઓછી થઈ ગઈ. સાહિત્યકારો નવલકથા, નિબંધ, હાસ્ય, ચિંતન, જીવનચરિત્ર, આત્મકથા જેવા નવા પ્રકારોમાં શક્તિ અને નિપુણતાનો ઉપયોગ કરતા થઈ ગયા. એક બાજુથી સોનેટ અને બીજી બાજુથી ગઝલનો યુગ આરંભાયો. પંડિત યુગમાં નવી ક્ષિતિજો ખેડવાનો સુંદર પ્રયાસ થયો. તે પહેલાં સુધારક યુગમાં દલપતરામ અને નર્મદની બુદ્ધિ પ્રધાન કવિતાઓ સાથે અન્ય ભાવની કવિતાઓ મળી. બાલાશંકર કંથારિયા, મણિલાલ ન. દ્વિવેદી, કલાપી ગઝલમાં તો કાન્ત અને બ.ક.ઠા. સોનેટમાં ભાવ, બુદ્ધિ અને નવી સૌંદર્યલક્ષીતા સાથે બહાર આવ્યા. તેમાં ‘મહાકવિ’નું બિરુદ પામેલા ન્હાનાલાલ (૧૮૭૭ – ૧૯૪૬) જ્યારે ‘ધાર્મિક’ જેવી ગણાતી કવિતા ‘પછાત’ ગણાવા લાગી ત્યારે  –
મ્હારે સૂની આયુષ્યની શેરીઓ, હરિ આવોને
મ્હારે સૂની સૌ જીવન વાટ હવે તો હરિ આવો ને
મ્હારા કાળજ કેરી કુંજમાં હરિ આવોને
મ્હારા આતમ સરોવર ઘાટ હવે તો હરિ આવો ને
અથવા  તો
હલકે હાથે તે નાથ ! મહીડાં વલોવજો
મહીડાંની રીત નહોય આવી.
‘વિરાટનો હીંડોળા’ લખનાર ન્હાનાલાલના કૃષ્ણમાં બ્રહ્મભાવ અને રાધાભાવમાં જીવ ભાવ સ્પષ્ટ ઉપસી આવે છે.
નીલો કમલરંગ વીંઝણો હો નંદલાલ
રઢિયાળો રતનજડાવ મારા નંદલાલ
બ્રહ્મા વીંઝે બ્રહ્મ વીંઝણો
નરસિંહ મહેતામાં અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ કે નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યાં જેવી બ્રહ્મ અને કૃષ્ણની એકતા રૂપી હરિને હવે તો આવો ને કહે છે.
પંડિત યુગ પછી ગાંધી યુગમાં પણ મહાત્મા ગાંધીને કારણે સ્વાતંત્ર્ય, લોકજાગૃતિ, સત્યાગ્રહ, સ્વરાજ વગેરેમાં રાધા-કૃષ્ણ કાવ્યો પ્રમાણમાં ઓછાં મળે છે. મેઘાણીથી લઈને ઉમાશંકર જોશી સુધી તેમાં ઓછા કાર્યરત દેખાય છે. બન્ને યુગમાં વચગાળામાં કે સાથે ચાલતા નાટકનાં કાવ્યો, શયદા યુગની ગઝલોમાં, ખબરદાર, શ્રીઘરાણી, રા. વિ. પાઠક, શયદા, રઘુનાથ બ્રહ્મભટ્ટ, પ્રભુલાલ દ્વિવેદી, કરસનદાસ માણેક, પૂજાલાલ, સ્નેહરશ્મિ, બાદરાયણ, પતીલ સુંદરજી બેટાઈ, મનસુખલાલ ઝવેરી વગેરેની ટકાવારી ગણો તો અલ્પ સંખ્યામાં મળતી રાધા કવિતા સુંદરમના આવતાં પાછી ગૌરવશાળી થઈ. મનસુખલાલ ઝવેરી(૧૯૦૭ – ૧૯૮૧)ના કાવ્યમાં ...
     ‘ગિરિધર ગોકુલ આવો
     ને તમે રાધા રસિયાજી આબન – ઠન કર અલબેલી
     કહાન ! કહાન ! કરી વન  – નિકુંજ અરે કયા શીએની
     ગિરિધર ગોકુલ આવો.’
        તો સુંદરમ (૧૯૦૮ – ૧૯૯૧) કહે છે
     ‘મારી બંસીમાં બોલ બે વગાડી તું જા.’
       બીજા કાવ્યમાં કહે છે -
    મેં એક અચંબા દીઠો, દીઠો મૈં ઘરઘર કૃષ્ણ કનૈયો
    હૃદય હૃદય મેં રાધા દીઠી હું બન્યાં મુગ્ધ નરસૈંયો.
    સુંદરમનું –
    ‘મોરે પિયા મૈં કુછ નહીં જાનું
    મૈં તો ચુપ ચુપ ચાહ રહી.’
    મેરે પિયા તુમ કિતને સુહાવન
    તુમ બરસો જિમ મેહા સાવન
    મૈં તો ચુપચુપ નાહ રહી
    મેરે પિયા તુમ અમર સુહાગી
    તુમ પાયે મૈં બહુ બડભાગી
    મૈં તો પલપલ બ્યાહ રહી
રાધાના નામ વિના ઉત્કટ રાધાભાવનું ગુજરાતી કવિએ લખેલું ઉત્તમ ગીત છે.  આવી જ રાતે અનુગાંધી ગણાતા યુગમાં રાજેન્દ્ર શાહ (૧૯૧૩ – ૨૦૧૦) શૃંગાર ગાય છે.
હો સાંવર ! થોરી અંખિયન મેં જોબનિયું ઝૂકે લાલ નાગર સાંવરિયાં
મોરી ભીંજે ચોરી ચુંદરિયાં, તું ઐસા રંગન ડાલ નાગર સાંવરિયાં
તું નંદલાલ છકેલ છોરો
મૈ હું આહિર બેટીરી
ફૂલન હાર ગલેમેં, દૂજી
હાર રહેંગી છોટી રી
હો સાંવર લીની કેસર ઝારી મૈને લીનો ગુલાલ નાગર સાંવરિયા
બીજા પદમાં કહે છે
હરિ મારે નયને બંદીવાન
એનો મોર મુગટ શિર મોરે
મુરલી અધર ધર ધારું
રહસિમહીં રસમય, ત્યાંહી રાધા કોણ ?
કોણ વળી કાન ?
રાધા-કૃષ્ણ ઓતપ્રોત થઈ જાય છે. આ વાત ઉમાશંકર જોશીના
       ‘માધવના મુખડે મોરલી / મહીં હૈયું રાધાનું રેલાય’થી આગળ વધે છે એવી જ રીતે ઉમાશંકર(૧૯૧૧ – ૧૯૮૮)ના ‘એક સમે ગોકુળમાં જાગ્યાતા સૂતા મોર’ની વાત માધવ રામાનુજ આગળ વધારે છે.
એકવાર યમુનામાં આવ્યું તું પૂર
કાંઠો તો યમુનાનો, પૂનમ ગોકુળિયાની
વેણ એક વાંસળીનાં વેણ
મારગ તો મથુરાનો, પીંછું તો મોરપીંછ,
નેણ એક રાધાના નેણ,
એવાં તે કેવાં ઓ કહેણ. તમે આવ્યાં કે
લઈ ચાલ્યાં દૂર ... દૂર ... દૂર ...


નિરંજન ભગત (૧૯૨૬) રાધાનું નામ લીધા વિના કહે છે. હરિવર મુજને હરી ગયો. મેં તો વ્હાલ કીધું ન્હોતું તો યે મુજને વરી ગયો. હરિવર મુજને હરી ગયો.
એ પછી હેમંત દેસાઈ, પ્રિયકાંત મણિયાર, હરીન્દ્ર દવે, રાધા ભાવની યમુના વહાવી છે. મણિલાલ દેસાઈ અને લાભશંકર પણ તેમની રીતે રાધાને યાદ કરે છે.
અંતમાં થોડામાં ઝાઝુની કહેવત અને કવિઓના કાવ્યોમાંથી આચમન કરીએ.

સ્નેહરશ્મિ (૧૯૦૩ – ૧૯૭૧)

રૂમઝૂમ પગલે ચાલી
જો ! રાધા ગોપ દુલારી
ઉષાનું સિંદુર સેંથે છલકે
ભાલશશીની ટીલડી પલકે
શરદની તારક ઓઢણી ઢળકે
અંગંશી મતવાલી

વેણીભાઈ પુરોહિત (૧૯૧૬ – ૧૯૮૦)
શ્રાવણ વરસે સરવડે ને ઝરમરિયો વરસાદ
કાના આવે તારી યાદ
ગોપી થઈ ઘૂમૂં કે કાના બનું યશોદા મૈયા
કે રાધા થઈ રીઝવું તુજને
હે સતપત રખવૈયા કાના ! આવે તારી યાદ

મકરંદ દવે (૧૯૨૨ – ૨૦૦૫)

માધવ મોરપીચ્છ અવલોકે શોકે
વારંવાર કંથિત કરથી ધરતા વિરહાકુલ
આતુર અપલક રાધા કેરી ઝાંખી ઉરે જગાડી
મોરપીચ્છ મહીં અનુખન નિરખે અંક્તિ આંખ ઉઘાડી .....
મોરપીચ્છ નિજ શિરે લગાવત ધારી પ્રેમ અગાધ !
માધવ ડોલત વન વન કુંજે બોલત રાધા રાધ.

હરીન્દ્ર દવે (૧૯૩૦ – ૧૯૯૫)
અધમારગડે
(૧) મથુરામાં ઝૂરે માધવ, મધુવનમાં ઝૂરે રાધા
     અધમારગ ઝૂરે ઓધવજી નીરખી નેહ અગાધા
(૨) એક જશોદાના જાયાને માણું
    એ દેવકીના છોરાને જાણે મારી બલ્લા
    હોય ગોરસ તો પરસીને નાણું
    આ નીરના વલોણાને તાણે મારી બલ્લા
    હોય વાંસળીના સૂર તો પિછાણું
    આ કાલી ઘેલી બોલીને જાણે મારી બલ્લા
    રાધાનું નામ એક સાચું, ઓધાજી
    બીજું સાચું વૃંદાવનને ઠામ
    મૂળગી એ વાત નહીં માનો કે કોઈ અહીં
    વારે વારે બદલે ના નામ
    એક નંદના દુલારાને જાણું
    વસુદેવજીના કુંવરને જાણે મારી બલ્લા
   
જગદીશ જોશી (૧૯૩૨ – ૧૯૭૮)
   વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક
    ઢુંઢે કદંબની છાંય
    મારગને ધૂળની ઢંઢોળી પૂછે
    મારા માધવને દીઠો છે ક્યાંય
    યમુનાના વ્હેણ તમે મુંગા છો કેમ
    કેમ રાધાની આંખો ઉદાસ
    વહી જતી લ્હેરખીને વ્યાકુળ કરે છે અહીં
    સરતી આ સાંજના ઉજાસ
    બાવરી વિભાવરીનાં પગલાંથી લાગણીની
    રાતરાણી ઝાકળથી ન્હાય

પ્રિયકાંત મણિયાર (૧૯૨૭ – ૧૯૭૬)

    આ નભ ઝૂક્યું તે કાનજી
    ને ચાંદની તે રાધા રે
    આ સરવર જલ તે કાનજી
    ને પોયણી તે રાધા રે
    આ બાગ ખીલ્યો તે કાનજી ને લ્હેરી જતી તે રાધા રે
    આ પરવત શિખર ને કાનજી ને કેડી ચડે તે રાધા રે
    આ ચાલ્યાં ચરણ તે કાનજી ને પગલી પડે તે રાધા રે
    આ કેશ ગુંથ્યા તે કાનજી ને સેંથી પૂરી તે રાધા રે
    આ દીપ જલે તે કાનજી ને આરતી તે રાધા રે
    આ લોચન મારાં કાનજી ને નજરૂં જુએ તે રાધા રે
   

સુરેશ દલાલ (૧૯૩૨ - ૨૦૧૨)
(૧) રાધાનું નામ તમે વાંસળીના સૂરમાં
     વ્હેતું ના મેલો ઘનશ્યામ
     સાંજ ને સવાર નિત નિંદા કરે છે
     ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ
(૨) રાધા શોધે મોરપીચ્છ ને શ્યામ શોધતાં ઝાંઝરિયાં
    રાધિકાની આંખ જપે છે સાંવરિયા ઓ સાંવરિયા
    ઉજળો દિવસ શ્યામ થયો ને રાધિકા થઈ રાત
    યમુના જળ દર્પણ થઈને કહે હૃદયની વાત
    ભરી ભરીને ખાલી ખાલી કરતી ગોપી ગાગરિયાં
    રાધિકાની આંખ જપે છે સાંવરિયાઓ સાંવરિયા
  
ચંદ્રકાંત દત્તાણી (૧૯૩૩)
    તારી રાધા રહી ન હવે રાધા
    આંસુની લિપિ થઈ આખ્ખા વનરાવનમાં
    રેલાતી ગઈ તારી રાધા
    તારી રાધા રહી ન હવે રાધા

સુરેશ ગાંધી (૧૯૧૨)

     રાધા ચાલી પગલાં જોતી
     જ્યાં જ્યાં હરિપગલાંને જોયાં ફૂલડાં મેલ્યાં ગોતી

હેમંત દેસાઈ (૧૯૩૪)

     વ્રજમાં ઢળી સાંજથી સરી વેદના ભરતી ફાળ
     ચખ રાધાનાં બળતાં એની ગગને અડતી ઝાળ

ઘનશ્યામ ઠક્કર (૧૯૪૬)

     રાધાના ગુસ્સાનું ગીત
     મળવાનું મન પહોંચ્યું જોજનવા દૂર તો ય ખેંચાતી જાઉં પછી તે
     ગોકુળમાં ઓળખેલો શ્યામ, તને દ્વારકામાં ઓળખી શકીશ કઈ રીતે

યશવંત ત્રિવેદી (૧૯૩૪)

(૧) કૃષ્ણ તરૂના વનથી સરતી પ્રેમઘૂસર તવ છાંય
      હે રાધા તવ, મંદ્ર મંદ્ર શ્રાવણને કોરી વર્ષાજલની કાય
(૨) પોતાની છબછબતી છાયા માધવને સોંપીને રાધા સુધબુધ
       પાણી કેરાં વસ્ત્ર પહેરી, વ્હેલું ઓઢે આભ – કુંજગગનમાં વિસરી નિહાળી
    મજીઠ જેવું ચુંબન લઈને આજ કનૈયે લીધી હોય ના ધૂળંટડીની ગોઠ
    હોય નહીં આ અમથા અમથા રાતારાતા ચણોઠડી શા આટલા રાતા હોઠ

મણિલાલ દેસાઈ (૧૯૩૯ – ૧૯૬૬)

    મળે રાધા જો કોઈને તો કહેજો
    કે નીર મને યમુનાનાં વ્હાલાં છે એટલાં જ
    મળે માધવ જો કોઈને તો કહેજો
    કે તીર મને સૂરના વ્હાલાં છે હજુ એટલાં જ

રમેશ પારેખ (૧૯૪૦ – ૨૦૦૬)

રાધાનું ગીત
    સાચા પડેલ કોઈ શમણા સમીરે
    સાંજ વેળાથી શેરીઓ છવાતી
    ફળિયે અણોસરી હું બેસીને જોઉં
    મારી એકલતા આમતેમ વાતી
    વાગે ઓસાણ ઘોર જંગલનાં એમ જેમ છાતી આરપાર ખીલા
    વનરાતે વનની વાટે હો શ્યામ, હવે ફૂંકાતી ઝાંઝવાની લીલા

હર્ષદ ચંદારાણા (૧૯૪૭)

    રાધા એક કોળતું બીજ છે
    શ્યામ તમે તાજી કુંપળ
    અળગા ન થાજો એક પળ
    રાધા કોઈ વણજારી વાવ છે
    શ્યામ તમે ઝંપેલું જળ
   અળગા ન જોમે એક પળ
આમ રાધાના અનેક વિરહ-મિલનની નાયિકાના ભાવ ગુજરાતીમાં સબળ રીતે અને સૌંદર્યથી ભરપૂર ભાષા પ્રતીકો – કલ્પનાઓ અને શબ્દચિત્રમાં ઝીલાયા છે. સમાપનમાં બે કવિતા મૂકું છું.

બાલમુકુંદ દવે (૧૯૧૬ – ૧૯૯૩) રાસમાં કશુંક અનેરૂં તત્ત્વ ઉમેરે છે.

   અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક
   રઢિયાળો જમનાના મલ્લક
   એથી સુંદર રાધા ગોરી
   મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક
   આભે પૂનમ ચાંદ ઊગ્યો છે
   રાસ ચડ્યો છે છમ્મક છમ્મક
   ગોપી ભેળા કાન ઘૂસ્યો છે
   ઢોલક વાગે ઢમ્મક ઢમ્મક
   રાધિકાનો હાર તૂટે છે
   મોતી ચળકે ચલ્લક ચલ્લક
   બધાં જડ્યાં પણ એક ખૂટે છે
   રૂએ રાધિકા છલ્લક છલ્લક
   લીધું હોય તો આલને કાના
   મોતી મારું ચલ્લક ચલ્લક
   તારાં ચરિતર છે ક્યાં છાનાં
   જાણે આખો મલ્લક મલ્લક
   કાને ત્યાંથી દોટ મૂકી છે
   રીસ ચડી ગોપી જન વલ્લભ
   કદંબ છાયા ખૂબ ઝૂકી છે
   બંસી છેડે અલ્લપ ઝલ્લપ
   રાધા દોડે ચિત્ત અધીરે
   રાસ રહ્યાં છે અલ્લક દલ્લક
   સૂર વણાયે ધીરે ધીરે
   ઉર તણાયે પલ્લક પલ્લક
   અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક
   રઢિયાળો જમનાનાં મલ્લક
   એથી સુંદર રાધા ગોરી
   મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક

નરસિંહ મહેતાના નાગરનંદજીના લાલમાં નથણી ખોવાઈ એનો સૂર અહીં મળે છે. એક જ મોતીની રાધા પણ અને છેલ્લે ઉર તણાયે પલ્લક પલ્લક છે.
સમગ્ર ભારતમાં રાધાના પ્રેમ અને આધિભૌતિક, આધિ દૈવિક તથા આધ્યાત્મિક પ્રતિભાનો યશગાન કરતાં કાવ્યોનો હિલ્લોળ ઉઠ્યો તેમાં ગુજરાત પણ ગૌરવભેર અગ્રેસર રહ્યું છે. ગુજરાતી ભાષા તથા સાહિત્યના દરેક યુગમાં રાધા-કૃષ્ણનાં કાવ્યોએ પોતાની વિશિષ્ટ મુદ્રા ઊભી કરી છે. ગઝલમાં અરવિંદ ભટ્ટનો શેર ટાંકી કહું તો


    એક પીછું મોરનું શોધતાં શોધતાં
    છેક પ્હોંચી જવાયું છે ગોકુળમાં
ગની દહીંવાલાની પચાસેક વર્ષ પહેલાં લખાયેલી ગઝલમાંથી - 
    એ રીતે ઝબકી દિલની ઝંખના જાગી હશે
    સૂતી હશે કો રાધિકા ને વાંસળી વાગી હશે


ત્યાંથી લઈ, ગયે વર્ષે, પુષ્પા પારેખના સંગ્રહમાં આવેલી રાધા રદીફવાળી ગઝલ સુધી ક્યાંક ક્યાંક એ સૂર પૂરાતો રહે છે.
અછાંદસના શ્રેષ્ઠ ગણાતા કવિ લાભ શંકર ઠાકરની (૧૯૩૫) તોટક લયની આ અનુપમ કવિતામાં આધુનિક સંવેદના સાથે આપણી આંખની શ્યામલ કીકી રૂપ કૃષ્ણ કનૈયો સમગ્ર સૃષ્ટિના રૂપને રાધા સ્વરૂપે જોઈ ધન્યતા અનુભવે છે.

લાભશંકર ઠાકર
વરસાદ પછી
    જલ ભીંજેલી જોબનવંતી
    લથબથ ધરતી અંગઅંગથી
    ટપકે છે કૈં રૂપ મનોહર
    ને તડકાનો ટુવાલ ધોળો
    ફરી રહ્યો છે ધીમે ધીમે
    યથા રાધિક જમુના જલમાં
    સ્નાન કરીને પ્રસન્નતાથી
    રૂપ ટપકતાં પારસ દેહે
    વસન ફેરવે ધીરે ધીરે
    જોઈ રહ્યાં છે પરમ રૂપના
    ઘૂંટ ભરતાં શું મુજ શ્યામલ
    નેનન માંહે છુપાઈ ને એ કૃષ્ણ કનૈયો


   આમ છ સદીની યાત્રા મારા સ્મરણના સહારે અને તેને આધારે છપાયેલી કૃતિઓમાંથી સાચો પાઠ મેળવી, અહીં રજૂ કરવામાં ખૂબ આનંદ આવ્યો, અને સ્મરણ ચૂક કે શરત ચૂકથી કશું અગત્યનું છૂટી ગયું હોય તો રાધે રાધે !

[૧૨૨, પૂર્ણાનંદ, ડોંગરશી રોડ, વાલકેશ્વર, મલબાર હીલ, મુંબઈ – 400 006, ભારત]

 e.mail : [email protected]

 

 

Category :- Opinion Online / Literature