પુસ્તક પરિચય

રમેશ મહેતા
11-07-2017

વિપુલ કલ્યાણીના ડાયસ્પોરા નિબંધોઃ સંપાદનઃ ડૉ. બળવંત જાની, પ્રકાશનઃ પાર્શ્વ પ્રકાશન, પ્રથમ આવૃત્તિ ૨૦૧૨, પૃષ્ઠ સંખ્યાઃ ૨૨૪ મૂલ્યઃ રૂપિયા - ૨૦૦/-

થોડાં વર્ષ પૂર્વે ડૉ. બળવંત જાની દ્વારા રાજકોટમાં ‘ડાયસ્પોરા સાહિત્ય’ અંગે પરિસંવાદ હતો. તેમાં વિપુલ કલ્યાણીને પ્રથમ વાર જોયા, મળવાનું બન્યું હતું. ભોજનવિરામમાં સંવાદ પણ થયેલો. ઊંચા, સપ્રમાણ પાતળું શરીર, શરીર પર કાયમ ખાદી. કોઈ આર્ટ ફિલ્મના અભિનેતા જેવા લાગે. અલબત્ત ‘અભિનય’નો છાંટો એમનામાં નથી. પૂરા માર્ગદર્શક. સચ્ચાઈ (ગાંધીવિચાર) એમના વ્યક્તિત્વની ધરી. સારપ અને સારપમાં તેમની શ્રદ્ધા, અરાજકતા અને અસત્ય પ્રત્યે આક્રોશ, મૂલ્યો માટેની મથામણ, સાદગીનો વૈભવ, ખાદીની ખુમારી અને સંઘર્ષ સાથે સમસંવેદના એમના વ્યક્તિત્વનાં પાસાં. કોઈનાથી અંજાયા વિના અને કોઈને આંજ્યા વિના સત્યનિષ્ઠ બાબતના તરફદાર રહીને બોલે-લખે.

મારે અહીં વાત કરવી છે તેમના નિબંધો વિશે. ડૉ. બળવંત જાનીએ પૂરી ખાંખતથી તેમના નિબંધોનું સંપાદન આપ્યું છે. નિબંધમાં ભાવકે નિબંધકારના વ્યક્તિત્વની સુવાસ પામવાની હોય છે અને એથી પ્રારંભ તેમના વ્યક્તિત્વનાં પાસાથી કર્યો. તેમનું ઉપર કહ્યું વ્યક્તિત્વ આ નિબંધ સંગ્રહના પાને પાને પથરાયું છે.

વિપુલ કલ્યાણી અનુભવ સમૃદ્ધ વ્યક્તિ છે. આફિક્રામાં જન્મ. માધ્યમિક શિક્ષણ ખંભાળિયામાં, મુંબઈમાં સ્નાતક થયા. પત્રકારત્વ સાથે સંકળાયા. ઈ.સ. ૧૯૭૭થી બ્રિટનમાં ‘ગુજરાતી લિટરરી અકાદમી’ની પ્રવૃત્તિ સાથે વિદેશમાં રહીને પણ ભાષા-સંસ્કૃિતના દીપને જલતો રાખવા પ્રયત્નશીલ રહ્યા. ઈ.સ. ૧૯૯૫થી ‘ઓપિનિયન’ નામનું સામયિક શરૂ કર્યું. વિદેશમાં વસવાટ માટે જતા રહેતા લોકો બહુધા આર્થિક ઉપાર્જન દ્વારા અસ્તિત્વને સાબિત કરવા મથતા હોય છે. ત્યારે આ માણસે ગાંઠના ગોપીચંદે સંસ્કૃિતયજ્ઞ આરંભ્યો. આ સામયિક નિમિત્તે તેમ જ અન્ય પ્રસંગે જે બોલાયું - જે લખાયું તે થોકબંધ હતું. તેમાંથી સાંપ્રતતા ગાળીને બળવંત જાનીએ મૂલ્યવાન નિબંધો અહીં મૂકી આપ્યા છે, જે ખરેખર એક માતબર વ્યક્તિત્વના પરિચાયક બને છે.

પ્રસ્તુત સંપાદનમાં વિપુલ કલ્યાણીના વિચાર - સંવેદના સમૃદ્ધ એકત્રીસ નિબંધોને સ્થાન મળ્યું છે. વિચાર પ્રધાન, ચારિત્ર્યમૂલક, પ્રવાસ નિબંધ, અંગત નિબંધ તરીકે ઓખળાવી શકાય તેવા આ નિબંધોમાં લેખકનું વ્યક્તિત્વ પૂરા સામર્થ્ય સાથે ફોરતું રહે છે.

કેટલાંક શીર્ષકો જુઓઃ ‘ઉલ્કાપાતની રંગપૂરણી શોધવા ઘેનલ આંખે બેઠા છીએ!’, ‘આઓ ફિર સે દિયા જલાએ,’ ‘મશાલો સાવ બૂઝી, તેલ ખૂટ્યું, વાત થઈ પૂરી”, ‘શ્વાસથી વિશ્વાસ ભણીનો પથ’, ‘હેતના ટેભા’, ‘પંડ સાથે ગાંધીચિંધ્યા જીવનને જોડીએ!’

પ્રારંભના કેટલાક નિબંધોમાં તેઓએ ‘ડાયસ્પોરા’ સાહિત્યની ચિંતા, ચિંતન વ્યક્ત કર્યાં છે. આટઆટલાં વર્ષથી સમૃદ્ધ રીતે સર્જાતાં સાહિત્ય પ્રત્યે આપણી સાહિત્યિક સંસ્થાઓ, વિવેચકો, સાહિત્યનો ઇતિહાસ તૈયાર કરનાર વિદ્વાનોએ દુર્લક્ષ સેવ્યું છે. તેનો ભારોભાર રંજ અનેક વાર આક્રોશ-કટાક્ષ સાથે રજૂ થયો છે. જ્યારે જ્યારે સાહિત્ય પ્રવાહની, સાહિત્યકારોની, સાહિત્યિક સામયિકોની ગુજરાતમાં ચર્ચા થાય ત્યારે વિદેશના સાહિત્ય, સાહિત્યકારો કે સામયિકોની નોંધ સુદ્ધાં ન લેવામાં આવે તે વાસ્તવિકતા સામે વિપુલભાઈ પૂરા સંદર્ભો સાથે વાત માંડે છે. અહીં તેમનું ડાયસ્પોરા સાહિત્યનું તલસ્પર્શીય જ્ઞાન, સંશોધન કે મૌલિક નિરીક્ષણો પોતીકા ભાષિક મુદ્દા સાથે વ્યક્ત થયા છે. તર્કબદ્ધ દલીલો, પુરાવારૂપ સામગ્રી, ભાષા પરની સહજ હથોટી અને આક્રોશ પણ આસ્વાદ્ય બને છે. વિદેશની ભાષાવાણી રાણીના વકીલ તરીકે તેમની ભાષા-સંસ્કૃિત પ્રત્યેની સંવેદના સ્પર્શક્ષમ છે. આ ઉપરાંત કેટલાક નિબંધોમાં ભારતીય અને બ્રિટિશ સંસ્કૃિતનો સંબંધ અને પ્રશ્નો તપાસે છે. ‘બ્રિટનના રાજકીય પ્રવાહમાં ગુજરાતીઓનું ભાવિ જેવા સાંપ્રત મુદ્દાઓને પણ ચર્ચે છે. તો કેટલાક નિબંધોમાં તેઓ કેટલાક વિદેશમાં વસવાટ કરતાં ચરિત્રોનો પરિચય કરાવે છે.’

વિચારોની પરિપક્વ પારદર્શકતા, ઝીણું કાંતનારી અને લાંબુ જોનારી દૃષ્ટિ, વિષયને તાર્કિક રીતે રજૂ કરવાની સમજ, પોતીકી ભાષા દ્વારા વિચારને સમૃદ્ધ કરતી વ્યક્તિતાને કારણે આ સંપાદન એક સંવેદનશીલ બૌદ્ધિકના આંતરમનની સંવેદના અને સચ્ચાઈને પામવાનો અનોખો ઉપક્રમ રચી આપે છે.

કંપાણી કૉલેજ, માંગરોળ

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, જુલાઈ 2017; પૃ. 18-19

Category :- Diaspora / Reviews