સૂર-સંવાદ: એક દાયકાની સફર

આરાધના ભટ્ટ
04-07-2017

‘સૂર-સંવાદ’ ગુજરાતી રેડિયોનું પ્રથમ પ્રસારણ રવિવાર ૧૯મી ઓગસ્ટ ૨૦૦૭ના દિવસે કરતાં જે ભાવો હૈયે હતા એની સ્મૃિત આજે પણ એટલી જ જીવંત છે.

આપણા સ્વાતંત્ર્યદિનના વિકેન્ડ સાથે પહેલા પ્રસારણનો યોગ સર્જાયો એનો ઓચ્છવ તો મનમાં ખરો જ, અને સાથે કાર્યક્રમ માટે અનુકૂળ દિવસ-સમય મેળવવા અને રેડિયોના નામકરણથી લઈને આર્થિક અને અન્ય વહીવટી કાર્યો માટે મહિનાઓની દડમજલના અંતે આ અવસર આવ્યો એ પણ નાનીસૂની વાત નહોતી.

‘સૂર-સંવાદ’ એ ઓસ્ટ્રેલિયાનો પ્રથમ અને દસ વર્ષ પછી, હજી પણ, એકમાત્ર ગુજરાતી કોમ્યુિનટી રેડિયો છે. એનું જીવંત પ્રસારણ દર રવિવારે સાંજે ૫ થી ૬ વાગ્યા સુધી સિડનીના એફ.એમ. બેન્ડ ઉપર થાય છે અને દુનિયાભરના શ્રોતાઓ એ જીવંત પ્રસારણ રેડિયોની વેબસાઈટ દ્વારા સાંભળી શકે, એટલું જ જીવંત પ્રસારણ ન સાંભળી શકનાર નહીં વેબસાઈટ ઉપર છેલ્લા ચાર અઠવાડિયાના કાર્યક્રમો ગમે ત્યારે - ઓન ડીમાન્ડ પણ સાંભળી શકે છે. આમ ‘સૂર-સંવાદ’ સિડની અને ઓસ્ટ્રેલિયાના સીમાડા વટાવીને દેશ-વિદેશ પહોંચે છે. ઓસ્ટ્રેલિયાની ‘મીડિયા એન્ડ કોમ્યુિનકેશન ઓથોરિટી’ના નિયમોને આધીન રહીને કાર્યક્રમનું માળખું રચાયું છે અને એ એક સંપૂર્ણ સ્વયંસેવી પ્રકલ્પ છે.

ઘણી વખત પ્રશ્ન પૂછાય છે - ‘રેડિયો કેમ?’ રેડિયો શરૂ કર્યો ત્યારે એ શરૂ કરવા પાછળ એકથી વધુ કારણો હતાં. એક તો બિનસરકારી અને સંપૂર્ણ સ્વાયત્ત માધ્યમની જરૂર વર્તવા લાગી હતી. એવું માધ્યમ જે ગુજરાતીઓ દ્વારા, ગુજરાતીઓ માટે અને ગુજરાતીઓનું હોય, એવું માધ્યમ જે ભાષાનાં ધોરણ જાળવીને માહિતી, મનોરંજન અને સાંસ્કૃિતક જરૂરિયાતને સંતોષે. દાયકાઓના ઓસ્ટ્રેલિયા વસવાટ દરમ્યાન અહીં અને ભારતની બહાર જન્મીને ઉછરતી પેઢીને જોતાં એ પણ જણાયું કે એ પેઢીમાં ગુજરાતીનું વાંચન-લેખન કરે એવા યુવાનો-યુવતીઓ દુષ્પ્રાપ્ય બનતા જાય છે. ભાષાનાં લેખન-વાંચનથી અળગી યુવાપેઢી સુધી ભાષાને પહોંચાડવી હોય તો શ્રાવ્ય માધ્યમ દ્વારા એ શક્ય બને. અને રેડિયો અને એને સંલગ્ન વેબસાઈટ એ રીતે સુલભ અને હાથવગું માધ્યમ લાગ્યું.

‘સૂર-સંવાદ’ની શરૂઆત સાવ એકલપંડે થઇ. વર્ષોના સરકારી રેડિયોના અનુભવે પત્રકારત્વનો અભ્યાસ કરવાની તક આપી અને દાયકાઓના ઓસ્ટ્રેલિયા-નિવાસે અહીંના સમુદાયની નાડ પારખવાની દૃષ્ટિ આપી. આ બંનેએ કાર્યક્રમનાં માળખાંને આકાર આપવામાં મદદ કરી. એક કલાક દરમ્યાન ઓસ્ટ્રેલિયાના સાંપ્રત પ્રવાહો, દેશાંતર કરીને અહીં આવીને વસતા ગુજરાતીઓને સ્થાયી થવા માટે જરૂરી માહિતી, અહીં વસતા ગુજરાતીઓનો ગુર્જરભૂમિ સાથેનો નાતો જળવાયેલો રહે. એ અર્થે ત્યાના સાંસ્કૃિતક પ્રવાહો, મળવા જેવાં નામાંકિત વ્યક્તિત્વો અને વિશ્વગુજરાતીઓ સાથેના વાર્તાલાપો ઉપરાંત ગુજરાતી ગીતો દ્વારા મનોરંજન - આ બધાનો સમાવેશ એમાં કરવો, એમ સમજાયું.

દર અઠવાડિયે એક કલાકના પ્રસારણથી શરૂઆત થઇ. અને એમ ગાડી ચાલી. સરકારી રેડિયોની ‘સ્ટેટ ઓફ ધ આર્ટ’ કહેવાતી ટેકનોલોજીની સરખામણીએ અહીંની આધુનિક છતાં સાદી ટેકનોલોજી પર હાથ બેસતાં વાર ન લાગી અને જેમજેમ વર્ષો જતાં ગયાં તેમતેમ કાર્યક્રમનું સત્ત્વ અને એની સફળતા ટેકનોલોજીની ઝાકઝમાળને આધીન નથી હોતાં, એ સત્ય ય સમજાતું ગયું. દસ વર્ષની આ મજલ દરમ્યાન એક કલાકમાંથી એનું પ્રસારણ વધારીને બે-તારણ કલાકનું કરવાનાં અનેક સૂચનો, એને ચાહનાર શ્રોતાઓ તરફથી થતાં આવ્યાં છે. છતાં એ લાલચ રોકી છે, એનું મુખ્ય કારણ છે ગુણવત્તાસભર સત્ત્વશીલ કાર્યક્રમ રજૂ કરવાનો આગ્રહ. આધુનિક મીડિયામાં હોય છે એવી ટી.આર.પીની પ્રતિયોગિતામાં ઉતર્યા વિના એવું આપવું જે સમયની ટક્કર ઝીલીને એમાંથી પાર ઉતરે, એવી નેમ હતી અને એ રહી છે.

 (ડાબેથી) હેમલ જોશી, ઝરમર જોશી, આરાધના ભટ્ટ, પાર્થ નાણાવટી

છેલ્લો દાયકો એ ઓસ્ટ્રેલિયામાં ભારતીય અને ગુજરાતી વસાહતીઓના મોટાં પ્રમાણમાં આગમનનો રહ્યો છે. સંખ્યાની દૃષ્ટિએ ગુજરાતીભાષકોની વસતી આ દાયકામાં ખાસ્સી વધી. ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સ્ટેટીસ્ટીકસના આંકડા પ્રમાણે ૨૦૦૬થી ૨૦૧૧ના પાંચ વર્ષ દરમ્યાન ગુજરાતીઓના વસતી આંકમાં ૧૪૨.૫ ટકાનો વધારો નોંધાયો અને એ વૃદ્ધિ ત્યાર પછીના સમયગાળામાં થતી રહી છે. આમ, ‘સૂર-સંવાદ’ માટે ખૂબ ફળદ્રુપ વાતાવરણ ઊભું થવા માંડ્યું. શ્રોતાઓની સંખ્યા તો વધી જ, સાથે સાથે કાર્યક્રમના પ્રસારણમાં સહયોગ આપી શકે એવા ગુજરાતીઓ અહીં આવતાં ગયાં. રેડિયો એ બધા માટેનું ચુંબક-કર્મ કરતો આવ્યો છે, સમાન રસ ધરાવનાર આપોઆપ રેડિયો તરફ અને રેડિયો દ્વારા મારા સંપર્કમાં આવતાં થયાં અને એક મજલિસ શરૂ થઇ. હવે મારા જેવા અન્ય પાંચ નિજાનંદી રસિકો પ્રસારણમાં જુદીજુદી ભૂમિકા ભજવે છે - કોઈક વળી અઠવાડિયે એક વાર તો કોઈક મહિને-બે મહિને એકાદ વખત પોતપોતાના રસ કે વિશેષ જાણકારીના ક્ષેત્રના વિષયો પર રજૂઆત કરે છે. આ બધાં કોઈક રીતે માધ્યમો, કળાઓ કે સાહિત્ય સાથે સંકળાયેલાં છે.

વિવિધ ક્ષેત્રોનાં નામાંકિત ગુજરાતી વ્યક્તિત્વો સાથેના વાર્તાલાપો એ ‘સૂર-સંવાદ’નું સબળ પાસું રહ્યું છે. અને કદાચ આ જ એની વિશેષતા છે, જે અન્ય કોમ્યુિનટી રેડિયો પૈકી ‘સૂર-સંવાદ’ની એક અલગ ભાત પાડે છે. ફાધર વાલેસ, નટવર ગાંધી, લોર્ડ ભીખુ પારેખ, મધુ રાય, પ્રીતિ સેનગુપ્તા, પન્ના નાયક, ડો મધુમતિ મહેતા, મનીષા જોષી, વિપુલ કલ્યાણી, આશા બુચ જેવાં અગ્રિમ વિશ્વ ગુજરાતીઓ, સિતાંશુ યશશ્ચંદ્ર, રઘુવીર ચૌધરી, કમલ વોરા, કુન્દનિકા કાપડિયા, અનિલ જોશી, વર્ષા અડાલજા, ચિનુ મોદી, અને ભગવતીકુમાર શર્મા જેવાં સાહિત્યવિદ સર્જકો, વિનોદ ભટ્ટ, તારક મહેતા અને શાહબુદ્દીન રાઠોડ જેવા હાસ્યલેખકો, લોકચાહનાનાં શિખરો સર કરનાર કાજલ ઓઝા-વૈદ્ય, જય વસાવડા, સંજય છેલ, કે પછી વિવિધ કલાઓમાં ઉત્તમ પ્રદાન કરનાર મલ્લિકા સારાભાઈ, કુમુદિની લાખિયા, પુરુષોત્તમ ઉપાધ્યાય, અમર ભટ્ટ, વિરાજ ભટ્ટ, કનુ પટેલ, નાગજી પટેલ, અતુલ ડોડિયા, સૌમ્ય જોશી, અદિતી દેસાઈ, સંજય વૈદ્ય, વિવેક દેસાઈ, ગુજરાતના સમાજજીવનમાં પ્રદાન કરનાર અનુકરણીય વ્યક્તિત્વો ઈલા ભટ્ટ, સ્વામી સચ્ચિદાનંદ, મોરારિ બાપુ, સુદર્શન આયંગર જેવા અસંખ્ય અને સાંપ્રત ગુજરાતનું વૈચારિક ઘડતર કરનાર અગ્રણી ગુજરાતી સામયિકોના સંપાદકો, વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રના ગણમાન્ય વ્યક્તિઓએ ‘સૂર-સંવાદ’ના શ્રોતાઓ સાથે દીલ ખોલીને વાતો કરી છે. મહાનુભાવો સાથેના આ વાર્તાલાપોનો સંગ્રહ થાય એથી આવા વાર્તાલાપોને પુસ્તક સ્વરૂપે પ્રગટ કરવાનો વિચાર આવ્યો અને એમાંથી મારાં નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત ત્રણ પુસ્તકો - ‘સૂરીલા સંવાદ: નામાંકિત ગુજરાતીઓ સાથેના વાર્તાલાપ’, ‘સૂરીલા સંવાદ-૨’, અને ‘પ્રવાસિની - દેશાંતરિત ગુજરાતી નારીઓ સાથેના વાર્તાલાપો’- એ આકાર લીધો.

સ્થાનિક અને અંગત સંદર્ભે આ દસ વર્ષની સૂરીલી યાત્રા એક નાનકડી ચળવળ બનતી ગઈ: ગુણવત્તા સાથે બાંધછોડ કર્યા વિના શ્રોતાઓ સુધી પહોંચવાની ચળવળ, જાત સામે પડકાર નાખીને પોતપોતાનું ઉત્તમ રજૂ કરવાની ચળવળ, અહીંની વ્યસ્તતાઓ વચ્ચે પોતાને મનગમતી પ્રવૃત્તિ માટે સમય મેળવવાની ચળવળ, એકમેકની ખૂબીઓ શોધીને એને પાંગરવાની તક આપવા-લેવાની ચળવળ, સિડનીમાં આવીને વસેલા ગુજરાતીભાષી સમુદાયમાં પ્રચ્છન્નપણે રહેલી સર્જનાત્મકતા કે કોઈક આવડતને એક મંચ પૂરો પાડવાની ચળવળ. કોઈપણ ચળવળ ભલે નિજાનંદે થતી હોય એમાં જ્યારે અન્યો તરફથી સહકાર અને સામેથી એમનો પ્રતિઘોષ મળે ત્યારે એ ચળવળ કરવાનો જુસ્સો વધતો જાય. ‘સૂર-સંવાદ’નું પણ એવું જ થયું. શ્રોતાઓએ દેશ-વિદેશથી પ્રેમ વરસાવ્યો અને આવકાર આપ્યો.

પડકારો અને મુશ્કેલીઓ તો આવે અને ‘સૂર-સંવા’દને પણ આવી, પણ એટલી મુશ્કેલીઓ ન આવી કે સૂર બેસૂર થાય અને સંવાદ વિસંવાદ બને. ‘સૂર-સંવાદે’ અન્ય વ્યક્તિઓ, ગુજરાત અને ગુજરાતીતા સાથે સંવાદ રચી આપ્યો એટલું જ નહીં એનાથી જાત સાથે સંવાદ રચાયો એ આ પ્રવૃત્તિની સૌથી મોટી અંગત ઉપલબ્ધિ છે.

e.mail : [email protected]

Category :- Diaspora / Features