NRGની ગપશપ !!

ધૃતિ અમીન
28-01-2013

NRG જ્યારે પણ દેશમાં જાય, અને ત્યાંથી પાછાં ફરે, ત્યારે એમનાં અવાજ પરથી, એમનાં શરીર પરથી, અથવા એમની વાતચીત પરથી ઓળખાઈ જાય કે આ હાલમાં દેશની મુકાલાતે ગયાં જ હશે. વેકેશનમાં દેશમાં જઈને આવેલાં લોકો જ્યારે અહીં કોઈ ફંકશનમાં ભેગા થાય, ત્યારે એમનાં કોમન ટોપિક્સ હોય, જેનાં પર હોટ ચર્ચા થતી હોય.

જે લોકો ખાસ લગ્ન મ્હાલવા ગયાં હોય, એમાંથી તો ઘણાંખરાંની શારીરિક હાલત જ કહી આપે કે એમનું પેટ ૧૦૦% બગાવત પર ઉતાર્યું હશે. પહેલાનાં સમયમાં લગ્નગાળામાં ગુંદરપાક, સફેદ રંગની જલેબી, રવા-મેંદાની જાડી પૂરી, મગસ, મોહનથાળ, બુંદીના લાડુ વગેરે ઘરમાં મહારાજ બોલાવીને લગ્નવાળા ઘરમાં ફ્રેશ બનાવડાવતા. ત્યારે ઘરની દરેક વ્યક્તિ હરતાંફરતાં એ ચકતાં મોઢામાં પધરાવે અને ખુશીનો પ્રસંગ હોવાને લીધે મોટે મોટેથી ગીતો પણ ગાય. ત્યારે એવાં ઘરમાં ખાસ, બહેનોમાંથી બે ત્રણ બહેનો એવાં મળે જ કે જેમનો અવાજ જ બંધ થઈ ગયો હોય. ત્યારે મજાકમાં લોકો કહે પણ ખરા કે,

'બહુ ગીતો ગાયાં કે શું?'

એમને શું ખબર કે એ લોકો કેટલાં ચકતાં અડ્ડાઈ ગયાં !!  હવે બધે આવું નથી રહ્યું, છતાં પણ જાણે જૂની પરંપરાને અનુસરતાં હોય એમ લગ્ન મ્હાલવા ગયેલાં ઢગલો NRGમાંથી થોડાંક તો ઘસાયેલા અવાજે પાછા આવે જ. થોડા પેટની કમ્પ્લેઇન કરે ... ઇન શોર્ટ, બગડેલી શારીરિક હાલત માટે બધા  NRGનાં ઉવાચ લગભગ સરખા જ હોય.

- જવા દે ને મેં તો મેલેરિયાની ગોળી લીધી હતી, ખાલી છેલ્લા વીકે જ રહી ગઈ લેવાની, તો અહીં આવીને મેલેરિયા ... જોબ પર વિધાઉટ પે રજા લેવી પડી ... વેકેશન તો બધું ય વપરાઈ ગયું હતું.

- બોલ ... હું તો બધું જ ગરમ ગરમ ખાતી હતી ... તો પણ ઊલટીઓ બંધ થવાનું નામ જ ના લે !!

- હું તો ત્યાં જઈને ડેરી પ્રોડક્ટ્સ જ બંધ કરી દઉં છું, તો પણ ડાયેરિયાથી હેરાન થઈ ગઈ !!

- હું તો બ્રશ કરીને કોગળા પણ બિસલરીથી કરું, તો યે એક વાર તો બિમાર પડું જ !!

- હું તો ઘરમાં લગ્ન હતું, તો પણ ગ્રનોલા બાર ખાઈને રહી હતી ... તોયે અવાજ જતો રહ્યો ... ત્યાં ધૂળ અને કેરોસીનનો ધુમાડો ... હેરાન થઈ ગઈ !!

આ બધામાં એક એક્સેપ્ટશનલ કેસ હોય, જે છેલ્લે દાઝ્યા પર ડામ દે એવો ડબકો મુકે ...

'આપડે તો પ્લેનમાંથી ઉતરીને સીધા જ લારીનું ખાવા જતાં રહીએ ... કશું જ ન થાય ... તમે બધાં બહુ સાચવો એટલે જ આવું બધું થાય !!

દેશમાંથી પાછા ફરેલાં NRG માટે 'મારા' કે 'મારો' શબ્દ એમનાં સગાંવહાલાં માટે મર્યાદિત નથી રહ્યો. ઈનફેક્ટ હવે સગાંઓને મારાં કે અમારાં સગાં કહીને પણ નથી બોલાવતાં. એ અપનાપન બતાવવાની કેટેગરીમાં હવે દરજી અને સોની આવી ગયાં છે. પછી એમની ફેવરિટ પાર્લરવાળી અને ત્યાર બાદ એમનાં નોકર-ચાકર અને ડ્રાઈવર !!

- મારો ટેલર એકદમ જ પરફેક્ટ ફિટિંગવાળાં કપડાં સીવે !!

- મારો પણ ... પણ, એને મારે પાછી આવવાની ડેટ એક વીક પહેલાંની કહેવી પડે તો જ એ ટાઈમ પર આપે.

- મારા જ્વેલર પાસે આ વખતે એકદમ મસ્ત કલેક્શન હતું.

- મારી પાર્લરવાળીને આ વખતે મે કહ્યું હતું કે હું બે વીકમાં ૪ વાર આવીને મેનીક્યોર પેડીક્યોર કરાવી જઈશ ... મને ત્યાનું બહુ ગમે.

-મારો ડ્રાયવર હોય એટલે મારે તો બહુ ચિંતા જ નહીં ... એને બધી જ ખબર કે ક્યાંથી શું લાવવાનું છે ... એ ફટાફટ કરી જ દે બધાં કામ.

- મારી બાઈ પણ, ... હું જાઉં એટલે એને પણ ખબર જ હોય કે હવે એ બે અઠવાડિયા ઘરે નહીં જઈ શકે.

ત્યાર બાદ ટોપિક બદલાય તે સીધો ડિઝાઈનર ડ્રેસીસ અને સાડીઓ પર જાય. એકબીજાંથી ચડિયાતાં ડિઝાઈનરોનાં નામ અને કામનાં વખાણ તો એવી રીતે થાય કે જાણે એમનો ઘરનો જ ડિઝાઈનર હોય. અને એ વાતનો અંત મોંઘવારી પર આવે.

- સાચે ... હવે ઇન્ડિયામાં બધું જ બહુ મોંઘુ થઈ ગયું છે.

- આઈ નો ... ચંપલ પણ કેટલાં મોંધા ... હું તો હવે અહીંથી જ લઉં છું ચંપલ. ડોલરમાં લઈએ તો એટલામાં જ પડે !!

- મને તો ત્યાંના ચંપલ જ નથી ફાવતાં ... કોઈ ફંકશનમાં પહેરું બે કલ્લાક માટે કે તરત જ એડી દુખવા માંડે.

- તે એ જોયું છે કે આટલી મોંઘવારી છે ત્યાં, તો પણ સોનીની દુકાનમાં તો ગીર્દી ચિક્કાર હોય છે !! ત્યાં કોઈને રિશેસન નડતું જ નથી !!

અને છેલ્લે ...  વેજીટેરિયન હોવાથી અને દારૂ ન પીતા હોવાથી, જે રીતે લોકોનાં શકનાં શિકાર બન્યાં હોય, એવાં ત્રણ ચાર જણની હૈયાવરાળ આ પ્રમાણે નીકળે ...

- અ…રે !! આપણે દસ વાર કહીએ કે અમે નથી પીતાં તો ત્યાં આપણને કહે ... 'શરમાવ નહીં, આપણે અહીં બધી વ્યવસ્થા થઈ જશે ... ઘેર બેઠાં આપી જશે ... બોલો, મંગાવું??'

- યા ... સેમ !! અમે પણ કહ્યું કે અમે નોન વેજ નથી ખાતા તો કહે ... 'જુઠ્ઠું શું કામ બોલો છો? અમે નહીં કહીએ તમારી ઘરે ... ચિકન મંગાવું ? અહીં ફલાણી હોટલનું એકદમ હાઈક્લાસ મળે છે ... મજા પડી જશે ... તમારા અમેરિકામાં ય આવું નહીં મળતું હોય !!'

- રિયલી !! આઈ ટેલ યુ ... આપણને શું સમજે છે એ જ નથી સમજાતું ... ઇવન કોઈ પણ શોપમાં જઈએ તો તરત જ કહે ... 'આવો, બહેન, ... ખાસ તમારા એન.આર.આઈ. માટે સોબર પીસ હમણાં જ આવ્યાં છે ... બતાવું?'

- યુ આર એબ્સોલ્યુટલી રાઈટ !!! હું તો માથામાં તેલ નાખીને પંજાબી પહેરીને શોપિંગ માટે જાઉં, તોયે મને જોઈને સમજી જાય કે આ બેન અહીનાં નથી !!!

અ…રે હાં !!!  જેન્ટ્સ ડિપાર્ટમેન્ટ પણ ઇન્ડિયાથી આવ્યાં પછી, ત્યાં કરેલી મજા અને વધી ગયેલાં વજનની (મોટે ભાગે વધી ગયેલાં પેટની) વાત કરીને ખાવા-પીવામાં બિઝી થઈ જાય. નાના કિડ્સ રસ્તામાં જોયેલી ગાય, ભેંસ અને ઘર આગળ ટોળાંમાં રહેતાં ડોગ્ઝની વાતો કરીને, પાછાં પોતાની વીડિયોગેમ રમવામાં મશગૂલ થઇ જાય અને ટીનેજર્સનાં ટોળાંમાંથી એકદમ જ કોઈનો મોટો અવાજ સંભળાઈ જાય કે ...

'OMG !!! યુ નો વ્હોટ ??  આઈ શો રીતિક ઈન બોમ્બે !!!'

'વાઉ !! યુ આર સો લકી !!'

બસ, હવે,... આનાથી વધારે વાતો કરવાનો ટાઈમ નથી હોતો, NRGને ... ફંકશન પછી બધાંને પોતપોતાની ઘરે પણ જવાનું કે નહીં !! એટલે આટલી કોમન વાતો કરીને દેશને યાદ કરી, સૌ છૂટા પડે … !! 

 

Category :- Opinion Online / Opinion