ઘૂઘવાતા દરિયા વચ્ચે ઠાઠમાઠ શા ડાયરા

દીપક બારડોલીકર
19-01-2013

ગુજરાતી ડાયસ્પોરા, યાને ગુજરાત બહારના ગુજરાતી સમાજો, અાજે અાફ્રિકાથી લઈને અમેિરકા સુધીના અનેક નાનામોટા દેશોમાં અસ્તિત્વ ધરાવે છે. અા સમાજો તે ગુજરાતી પ્રજાના છે, જે ક્યાં તો અર્થોપાર્જન ખાતર યા માફકસરની નહીં એવી રાજકીય પરિસ્થિતિ તથા વિપરીત સંજોગોના કારણે દેશવટો કરી ગઈ હતી યા ઉખેડાઈને બીજા અને ત્યાંથી ત્રીજા દેશમાં ફેંકાઈ ગઈ હતી. અાજે એમની મોટી વસ્તી બ્રિટન, અમેિરકા, પાકિસ્તાન, અૉસ્ટૃલિયા તથા અાફ્રિકી દેશોમાં અાવેલી છે.
અામ તો છે એ ગુજરાતી ડાયસ્પોરા, પરંતુ તેમનું કોઈ ચોક્કસ રૂપસ્વરૂપ નથી. દેશે દેશે તથા ધર્મભેદે તેમની ભાત કંઈક નોખનોખી જોવા મળે છે. અા સમાજોને એક તરફ પોતાની મૂળ અોળખ જાળવી રાખવા યા એમ કહો કે તેને રક્ષવા માટે ભારે મથામણ કરવી પડી રહી હોવાનું જોઈ શકાય છે. તો બીજી તરફ તેમને સ્થાનિક પ્રવાહો સાથે પણ કદમ મિલાવવા અાવશ્યક હોય છે. અા સમાજોને ખાસ કરીને પશ્ચિમના દેશોમાં રંગભેદ, સેક્સ, શરાબ, લૂટ તથા અન્ય સામાજિક બદીઅોના નિરંકુશ થપેડાઅોનો પણ સામનો કરવો પડતો હોય છે, જે અનેક પ્રશ્નો ઊભા કરી જાય છે. અાવી વિષમતા વચ્ચે પોતાની મૂળ અોળખ યાને ગુજરાતીતા જાળવવા - રક્ષવાનું સહેલું હોઈ શકે નહીં. અામ માહોલ, પરિસ્થિતિ અને સંજોગોના કઠોર પ્રવાહોની પ્રબળ અસરો હેઠળ તેમના વિભિન્ન ઘાટો ઘડાતા જઈ રહ્યા છે. ગઈ કાલે જે રંગ હતો તે કદાચ અાજે ના પણ મળે. રીતભાત, ખાનપાન, ભાષા વગેરેમાં પણ ફેરફારો દૃશ્યમાન થઈ રહ્યા છે. લિબાસો ય બદલાઈ રહ્યા છે.
વિદેશોમાંના અાપણા સાહિત્યકારો જે તે દેશોમાંના ગુજરાતી ડાયસ્પોરાના જ સભ્યો છે. પોતાના સમાજ, માહોલ, પરિસ્થિતિ અને સંઘર્ષની નીપજ સમા અવનવા અનુભવો, અસરો તેમને અાગવી રીતે વિચારતા અને લખતા કરે એ સ્વાભાવિક છે. અાજે અમેરિકા, બ્રિટન વગેરે દેશોમાં જે ગુજરાતી સાહિત્ય સર્જાઈ રહ્યું છે તેની અંદર ત્યાંના ગુજરાતી સમાજોના, તેમના માહોલના પ્રશ્નોની ચર્ચા હોઈ શકે છે. ઘબકાર પણ એ જ ધરતીનો હોવાનો. ઊડાનને તથા કલાતત્ત્વને લાગેવળગે છે ત્યાં સુધી કહી શકાય કે એનો સંબંધ અભ્યાસ અને સાધના સાથે હોય છે. અને એવી એંધાણી અાપણા અા સાહિત્યકારોની કૃતિઅોમાં અવશ્ય જોવા મળે છે. તેઅો કંઈક નોખી ઢબે, કંઈક નોખી વાત કરે છે. ભાષાની છાંટ પણ નોખી.
અા વિદેશવાસી ગુજરાતી લેખકોએ ઘણું લખ્યું છે, લખી રહ્યા છે. વાર્તા, લેખ, નિબંધ, નાટક, વિવેચન, પ્રવાસવર્ણન બધું તેમની કલમને સાધ્ય છે. તેમના પ્રમાણિક પ્રયાસોથી અાજે જ્યાં વિદેશી ભાષા-સાહિત્યના દરિયા ઘૂઘવાટા મારી રહ્યા છે ત્યાં ગુજરાતી ભાષાના ડાયરા પણ ઠાઠથી જામી રહ્યા છે. ગુજરાતી ગીત-ગઝલ તથા સંગીતની મહેફિલો પણ યોજાઈ રહી છે, અને નાટકોના પડદાયે ઉંચકાઈ રહ્યા છે. અા કંઈ નાનીસૂની વાત નથી. એક નોંધપાત્ર ઐતિહાસિક ઘટના છે.

 

Category :- Opinion Online / Literature