વાક્‌-શક્તિ

વિનોબા
26-07-2016

એક જાણીતી વાર્તા છે. ધ્રુવ તપસ્યા કરતો હતો. તે બાળક હતો. ભગવાનનું ધ્યાન વગેરે કરતો હતો. ભગવાન પ્રસન્ન થયા. તેઓ તેની સામે ઊભા રહ્યા, પરંતુ તેણે જોયા નહીં. આંખો મીંચેલી હતી. ચિંતન કરતો હતો. પ્રભુએ શંખથી તેના ગાલે સ્પર્શ કર્યો. તો એકદમ તેની વાણી પ્રગટી અને બોલ્યો: योऽन्त: प्रविश्य मम वाचमिमां प्रसुप्तां संजीवयति …, नमो भगवते पुरुषाच तुभ्यम्‌ − જેણે મારી અંદર પ્રવેશીને મારી સૂતેલી વાણીને જાગૃત કરી તેવા પરમ પુરુષ આપને હું પ્રણામ કરું છું.

આમ મનુષ્ય જ્યારે મન:પૂર્વક ચિંતન કરે છે ત્યારે પરમ વાક્‌-શક્તિ સ્ફૂર્ત થાય છે. અને તેને ખબર પણ પડતી નથી કે તે ક્યાંથી આવી. તે ઈશ્વરના સ્પર્શથી આવી. આમ જ્યાં ઈશ્વરનો સ્પર્શ થાય ત્યાં સાહિત્ય-શક્તિ, કાવ્ય-શક્તિ પ્રગટે છે તેવો આજ સુધીનો અનુભવ છે.

વાણી ઈશ્વર દ્વારા મનુષ્યને મળેલી એક મોટી દેણ છે. મનુષ્યના ચિંતનનું એ ફલિત છે અને ચિંતનનું સાધન પણ એ જ છે. ચિંતન વગર વાણી નહીં અને વાણી વગર ચિંતન નહીં અને બન્ને વગર મનુષ્ય નહીં.

બીજાં પ્રાણીઓ પાસે પણ પોતાની વાણી છે; પણ તે એટલી સ્ફુટ નથી, સ્પષ્ટ નથી, જેટલી મનુષ્ય પાસે છે. અન્ય પ્રણીઓની વાણીને આપણે સમજી નથી શકતા. કીડી, મકોડા, મધુમાખી વગેરે પણ હળીમળીને સમૂહમાં કામ કરે છે, એટલે સંભવ છે કે એમની પાસે પણ પોતાની કોઈક વાણી હોય. વાણી એટલે વિચાર પ્રકાશનનું સાધન. મનુષ્યને એક વિશેષ પ્રકારની વાણી પ્રાપ્ત થઈ છે. આ એક ભગવાનની દીધેલી બહુ મોટી શક્તિ છે. તેનો ઉપયોગ સારી રીતે થાય, તો તે શક્તિ મનુષ્યની ઉન્નતિ માટેનું સાધન બની શકે છે.

વાણી અને ભાષામાં ફરક છે. ભાષા ભગવાનની દીધેલી નથી, વાણી ભગવાનની દીધેલી છે. ભાષા બદલાય છે, વાણી નહીં. દુનિયામાં જેટલા મનુષ્ય છે, તે બધાને ભગવાને આંખ એટલે કે દર્શનની શક્તિ દીધી છે. તેનું રૂપાંતર ભાષામાં થાય છે. ભાષાઓ અનેકવિધ છે. તે ભાષાઓમાં સાહિત્ય રચાય છે, જે ‘વાડ્‌મય’ કહેવાય છે. તે બધું ગૌણ છે, મુખ્ય વાણી છે. વાણીને આપણે કલ્યાણકારી શક્તિના રૂપમાં પરિણત કરી શકીએ છીએ.

સરસ્વતી કે વાણી બ્રહ્મશક્તિ છે. વાણી બ્રહ્મની બરોબરી કરે છે. તેથી ‘બ્રહ્મ’ શબ્દનો અર્થ વાણી પણ થાય છે. ઋગ્વેદમાં વાક્ય છે કે બ્રહ્મ જેટલું વ્યાપક છે, તેટલી વ્યાપક વાણી છે - यावद्‌ ब्रह्म विष्ठितं तावती, वाक्। અહીં ‘વાણી’ શબ્દનો અર્થ કેવળ તે સ્થૂળ વાણી નથી જેને આપણે બોલીએ છીએ, પરંતુ એ એક બ્રહ્મશક્તિ છે, જેના આધારે મનુષ્ય ચિંતન કરે છે, તેને પ્રકાશિત કરે છે અને તેને સમજે છે. આ ત્રણેય વાણી દ્વારા થાય છે, મન ચિંતન કરે છે, વાણી બોલે છે અને કાન સાંભળે છે. મન, વાણી અને કાન આ ભેદ તો સ્થૂળ જ છે, પરંતુ અહીં તો ‘વાક્‌’ શબ્દનો પ્રયોગ કર્યો છે. તેમાં મન, વાણી અને કાન ત્રણેય સમાયેલાં છે.   

શંકરાચાર્ય પૂછે છે - केषां अमोघ वचनम ? ये च पुन: सत्य-मौन-शम-शीला: − જેનામાં સત્ય છે, જે મૌન રહે છે, જેઓ શન્તિ રાખે છે તેમની વાણી અમોઘ છે.

જો વાણીમાં સત્ય હશે તો તે વાણીનું ફળ પ્રત્યક્ષ પ્રગટે છે. જ્યાં નથી બોલવાનું ત્યાં મૌનની શક્તિ હોવી જોઈએ. એ શક્તિ નથી હોતી ત્યાં શબ્દ વ્યર્થ જાય છે. જે અવસરે ક્ષોભ પેદા થાય, ત્યારે ચિત્તમાં શાન્તિ નથી રહેતી, પરિણામે વાણી ગરબડ કરે છે, સમ્યક્‌ નથી રહેતી. વાણી તો રામબાણ જેવી છે. રામ બાણ બે વાર નથી છોડતા. એક બાણ છોડ્યું કે સફળ જ થવું જોઈએ !

કાળીદાસે ‘રઘુવંશ’માં એક સૂત્ર આપ્યું છે. सत्याय मितभाषिणाम्‌ − સત્યના સંરક્ષણ માટે મિતભાષી બનીએ. આમ તો મુત્સદ્દી લોકો પણ મિતભાષી હોય છે. તેઓ સત્યના સંરક્ષણ માટે નહીં, અસત્ય છુપાવવા માટે મિતભાષી હોય છે. તે અયોગ્ય ભાવ-પ્રકાશન સંયત હોય, તે સત્યાર્થ-પ્રકાશન માટે જરૂરી છે. તેનાથી સમય પણ ખૂબ બચે છે - અને થોડા શબ્દોમાં વિચાર અધિક ખૂલે છે.

અવ્યક્તમાં જે શક્તિ છે, તેનાથી ભિન્ન શક્તિ વ્યક્તમાં છે. અવ્યક્તમાં જે અશક્તિ છે તેનાથી ભિન્ન અશક્તિ વ્યક્તમાં છે. સંયત વાણી વ્યક્ત અને અવ્યક્તની અશક્તિને દૂર કરે છે તથા વ્યક્ત અને અવ્યક્ત શક્તિનો સરવાળો કરે છે. માટે સંયત વાણી. આમ જોઈએ તો પતંજલિના યોગસૂત્રમાં કુલ 195 સૂત્ર છે - નાના અક્ષરે એકાદ પાનામાં બધાં લખી શકાય. પણ આજે અઢી હજાર વર્ષ થયાં છતાં તેનું જોર ઘટ્યું નથી! તે દુનિયા પર અસર કરી રહ્યું છે. એક નાનકડું ‘ઈશાવાસ્યોપનિષદ’. 18 મંત્રોનું ઉપનિષદ છે. કારણ કે બહુ થોડામાં લખીને સંતોષ માન્યો છે.

ધર્મનો સહુથી પહેલો આદેશ છે, ‘સત્યં વદ’. મનુષ્યના બધા વ્યવહાર વાણી ઉપર અવલંબિત છે, અને સત્યનિષ્ઠા જ વાણીના સામર્થ્યનો મૂળ આધાર છે. સત્યપૂત વાણીમાંથી અમોઘ વીર્ય પેદા થાય છે. ‘સત્ય હોય એ જ બોલવું’ - એવા નૈષ્ઠિક સત્યાચરણમાંથી ‘જે બોલવામાં આવશે તે સત્ય થશે’ - એવું સામર્થ્ય પ્રગટ થાય છે. ‘યદ્દ યદ્દ વદતિ તત્તદેવ ભવતિ.’ જેની વાણી સિદ્ધ છે, તે મનુષ્ય જે બોલશે તેવું થશે. ત્યાં સુધી અનુભવ પહોંચ્યો છે કે વાણીની સિદ્ધિ સાક્ષાત્‌ ફળદાયી થાય છે. જે માણસને વાણીની સિદ્ધિ થઈ જાય છે, તે જે શબ્દ બોલે છે, તદનુસાર દુનિયામાં થાય જ છે, એટલી બધી શક્તિ તેનામાં આવે છે. આને આશીર્વાદશક્તિ કહે છે. આ એક સિદ્ધિ છે. જે મનુષ્ય વાણીનો ઉપયોગ વિશેષ પ્રકારે કરે છે, તેને તે સિદ્ધિ મળે છે. જ્વલંત સત્યનિષ્ઠામાંથી કાવ્યનો જન્મ થાય છે. સૃષ્ટિનાં ગૂઢ રહસ્યો અથવા સમાજ-હૃદયની સૂક્ષ્મ ભાવનાઓ ઉકેલી બતાવવાનું સામર્થ્ય જોઈતું હોય, તો સત્યપૂત બોલવું જોઈએ. જે વાચાશુદ્ધ હોય છે, તે વાચાસિદ્ધ થાય છે.

જે સમાજની વાણી દૂષિત છે તે સમાજની ઉન્નતિ નથી થતી. આપણે ત્યાં કહેવાય છે કે જ્યાં  લક્ષ્મી હોય ત્યાં સરસ્વતી નથી હોતી, અને જ્યાં સરસ્વતી હોય ત્યાં લક્ષ્મી નથી રહેતી.

પરંતુ વેદમાં આવે છે - सक्तुमिव तितउना पुनन्त: । यत्र धीरा मनसा वाचमक्रता अत्रा सखाय: सख्यानि जानते। भद्रेषां लक्ष्मीर्निहिताधि वाचि। જે દેશના લોકો ગરણે ગાળીને વાણી બોલે છે, અર્થાત્‌ મનનપૂર્વક અને બુદ્ધિપૂર્વક, શાંતિપૂર્વક વાણી બોલે છે ત્યાં તે સમાજમાં લક્ષ્મી રહે છે - તેવું વર્ણન કર્યું છે. લક્ષ્મી એટલે પૈસો નહીં. લક્ષ્મી અને પૈસાનો ભેદ લોકો સમજતા નથી. લક્ષ્મી એટલે શોભા, શ્રી, કાંતિ, ઉત્પાદન, સૃષ્ટિનું ઐશ્વર્ય, નિર્માણ. પૈસા તો કૃત્રિમ છે. ઋગ્વેદ જે વાત કરે છે તે લક્ષ્મીની આ વાત છે.

સૃષ્ટિ અને માનવની વચ્ચે પડદો નથી. માનવ સૃષ્ટિ પાસેથી સીધો બોધ ગ્રહણ કરી શકે છે, આજ સુધી તેમ કરતો રહ્યો છે. એ જ બોધ વાણીમાં ઊતરીને વાંગ્મય અને સરસ્વતીની કૃપાથી સારસ્વત બને છે.

વિચારનું પ્રકાશન વાણીથી થઈ શકે છે, પરંતુ વાણી કરતાં ય કિમતેરી ચીજ છે જીવન અને આચરણ. તેના દ્વારા વિચારનું પ્રકાશન થાય છે. વાણી તો સારું સાધન છે જ પરંતુ તેનાથી ય સૂક્ષ્મ સાધન છે, જીવન.

બધાં શાસ્ત્રોનો આધાર છે આચાર. આચારમાંથી જ ધર્મની ઉત્પત્તિ થાય છે. અને ધર્મના સ્વામી છે પરમેશ્વર. એ ધર્મ-સ્વામી પરમેશ્વરના નામ-સ્મરણ અને તેમના ગુણોનું ચિંતન કરવાથી સદાચારની પ્રેરણા મળે છે. સ્વાભાવિક જ આ ગુણ-સ્મરણ માટે મનુષ્યએ નિત્ય જાગરૂક રહેવું જોઈએ.

વાણી વિજ્ઞાનથી પણ આગળ વધીને સીધી હૃદય પર અસર કરે છે. આત્મજ્ઞાન અંદર પ્રકાશ પાથરે છે. વિજ્ઞાન બહાર રહે છે, આત્મજ્ઞાન અંદર જાય છે. એ બન્ને વચ્ચે વાણી પુલ રચે છે. સેતુ બાંધે છે. બંને તટનો સંયોગ કરે છે અને બંને કિનારે પ્રકાશ પાથરે છે. તુલસીદાસ કહે છે

राम नाम मनि दीप धरा जीह देहरी द्वार
तुलसी मीतर बाहेरहुँ जौं चाहसि उजिआर।

અગર તું અંદર અને બહાર બંનેને ઉજ્જવળ કરવા ઈચ્છતો હો તો આ રામનામરૂપી દીપ જીહ્વારૂપી દ્વાર પર મૂક. રામનામરૂપી દીવીને પ્રગટાવતા જ અંદર અને બહાર સર્વત્ર પ્રકાશ ફેલાઈ જશે.

વાણીનો સદુપયોગ

ભક્તિમાર્ગની મુખ્ય શીખવણી છે કે વાણીથી હરિનામ લેતા રહો. શરીર સંસારમાં ભલે કામ કરતું રહે પણ વાણીમાં સંસાર ન હોય. વાણીનો મન પર બહુ મોટો સંસ્કાર ઊઠે છે. કોઈ સુંદર ભજન સાંભળીને સૂતા હોઈએ તો સવારે ઊઠતાં જ તે ભજન આપોઆપ યાદ આવી જશે. એવો નાદ એ ઊંઘમાં પણ મનમાં ઘૂમ્યા કરે છે.

આવું જ મૌન પણ એક સાધન છે. આ મૌન એટલે મૂંગા રહેવું એમ જ નહીં. મનનપૂર્વક મૌન સેવવાનું છે. મૌન રાખીને અંદર સતત સદ્ભાવના સેવતા રહેવાની છે. આવા મનનપૂર્વકના મૌનથી વાણીની તાકાત વધે છે. આવી કેટલીક મર્યાદાઓ પાળીએ તો વાક્‌-શક્તિ પ્રબળ થાય છે.

વાણી દ્વારા સખ્ય પણ સાધી શકાય છે અને વેર પણ બાંધી શકાય છે. વાણીનું વેર જેટલું ટકે છે તેટલું શસ્ત્રનુંયે વેર નથી ટકતું. એટલા વાસ્તે આખા વિશ્વની મૈત્રીની ઈચ્છા રાખનાર વિશ્વામિત્રની પ્રાર્થના છે, ‘અમૃતમં મે આસન્‌’ − મારી વાણીમાં અમૃત હો! ક્યારેક એવો અનુભવ થાય છે કે સહૃદય વ્યક્તિના શબ્દો પણ કટુ હોય છે. સાચી વાત તો એ છે કે ઉતાવળા લોકો જ કટુ વાણી બોલી નાખે છે. સાચા માણસોને જ્યારે અક્કલ નથી હોતી, ત્યારે તેઓ ઉતાવળા થઈ જાય છે અને પછી કટુ બોલી નાખે છે. અક્કલ હોય, તે તેઓ મિત અને મધુર બોલે. મધુરતા સત્યનું અનુપાન છે અને મિતતા એનું પથ્ય છે. જેને આપણે નિશ્ચિત વાણી કહીએ છીએ, તે સત્ય, મિત અને મધુર હોય છે, અને એ જ પરિણામકારક પણ નીવડે છે. સમાજનું હિત નિશ્ચિત વાણીથી જ સધાશે. વાણી વિચારનું શરીર છે. અમુક વિચાર અમુક કોઈ ખાસ શબ્દમાં જ સમાય છે. એટલા વાસ્તે ગંભીર ચિંતન કરનારા નિશ્ચિત વાણીની શોધમાં રહે છે.

વાણીના અવગુણો વર્જ્ય

જ્ઞાનદેવે સાહિત્યકારોને સૂચના આપી છે. તેમણે સાહિત્યના વિચારે વાણીના અવગુણોને વર્જ્ય માન્યા છે. વિરોધ, વાક્પટુતા, પ્રાણીમાત્ર સાથે છળ-કપટ, ઉપહાસ, મર્મસ્પર્શી વાતચીત, આવેગયુક્ત વાર્તાલાપ વગેરેને આજે કૌશલ્યો ગણવામાં આવે છે, તેને જ્ઞાનદેવે વાણીના અવગુણો ગણાવ્યા છે. તેમણે એક જગ્યાએ કહ્યું છે કે સંસારમાં થતી લેણદેણ સુખરૂપ થવા દો. મુખમાંથી મંગળ શબ્દો જ સરવા દો. જેમ કોઈ મહામલ્લની સામે નાનું બાળક મલ્લકુસ્તી કરવા ઊભું રહી જાય, ત્યારે તે મહામલ્લ બાળકને કેવી રીતે રમાડતો હોય છે, લડતો નથી હોતો, તેવી રીતે સાહિત્યકારોએ જાણવું જોઈએ કે તેઓ મહામલ્લ છે અને તેની સામે થતો વિરોધ ઉપરછલ્લો હોય છે.

જ્ઞાનદેવે તો કહેલું કે મારો આ જે વાક્‌-યજ્ઞ થઈ રહ્યો છે, તેનાથી તો આ વિશ્વાત્મક પ્રભુની પૂજા થઈ રહી છે. અને તેનાથી તે પ્રસન્ન છે. સાહિત્યકારો આવા વિરાટ કાર્યના દર્શન કરે. અને પ્રશ્નો, ઝઘડા, વાદો તથા તેને લઈને ઉદ્દભવતા અનેક મતભેદોની ઉપેક્ષા કરીને જોવું. નામ-સંકીર્તન, સત્ય વચન, સ્વાધ્યાય વગેરે દ્વારા વાણીને શુદ્ધ કરી શકાય છે, તેનાથી ચિંતન અને આચરણ બેઉનું નિયમન કરવું સરળ બને છે.

વાણીનું સામર્થ્ય

લોકો મને છે કે તપથી શરીર ક્ષીણ થાય. પણ તે ખોટી ધારણા છે. શરીર તો ભોગથી ક્ષીણ થાય છે. તપથી તો શરીર પુષ્ટ થાય છે. તપનું ધ્યેય શરીરને પુષ્ટ, મજબૂત કરવાનું છે. શરીરમાં મન અને બુદ્ધિ છે. શરીર, વાણી અને મનને મજબૂત બનાવવા માટે ગીતાએ શારીરિક, વાચિક અને માનસિક એવા ત્રિવિધ તપનો ઉલ્લેખ કર્યો છે. તે ત્રણેય અલગ ક્રિયાઓ છે પણ આ ત્રણેયને સ્થૂળ અર્થમાં મજબૂત બનાવવાની અહીં વાત નથી. ત્રણેયને સામર્થ્યવાન બનાવવાની અહીં વાત છે. શરીરનું સામર્થ્ય તનના આરોગ્ય અને સ્ફુિર્તમાં છે. મનનું સામર્થ્ય તેની નિર્મળતામાં છે. વાણીનું સામર્થ્ય જ્ઞાન પ્રાપ્ત કરવામાં અને સત્ય બોલવામાં છે. તપસ્વીની વાણીમાંથી જે પ્રગટે તે સત્ય જ હોય. તેની વાણીમાંથી અસત્ય નીકળે જ નહીં. સત્યનિષ્ઠા એક મહાન શક્તિ છે.

[સંકલિત]

સહયોગ : “ભૂમિપુત્ર”, 16 જુલાઈ 2016; પૃ. 01-02 & 19

મુદ્રાંકન સૌજન્ય : આશાબહેન બૂચ

Category :- Opinion / Opinion