દૂધ-દહીંમાં કેવી મઝા ?

મનીષી જાની
01-07-2015

 

દૂધ-દહીંમાં તે કેવી મઝા?
મઝા જ મઝા,
દૂધ-દહીંમાં છબછબિયાંની કેવી મઝા?!
એક પગ દૂધમાં,
એક પગ દહીંમા,
છબછબ દૂધ! છબછબ દહીં!
દહીંમાં છબછબ
ને
કાનમાં કાનુડાની વાંસલડી
સળવળી ઊઠે,
દહીંની મટકી,
માખણ કટકી ! 
જે’શી કૃષ્ણ સર !
                    પાયલાગણ !
                    જે’શી કૃષ્ણ મૅડમ !
                    પાયલગણ !
મૅડમ, ચરણસ્પર્શ, અહો-અહો !
સર, ચરણસ્પર્શ, અહો-અહો !
પવિત્ર નમ્રતા ! ધન્ય ! ધન્ય !

દૂધ પવિત્ર, દહીં પવિત્ર,
પવિત્રતાનું પંચામૃત,
બધું જ અમૃત-અમૃત
અમૃત અમૃત પીતા હૈ ઇન્ડિયા!
શુદ્ધ કવિતા
ખીલે પ્યોર કવિતા
તેંત્રીસ કરોડ દેવતાઓને ધારણ કરીને
ઊભેલી
ગૌમાતાના દૂધની ધાર જેવી શુદ્ધ કવિતા.
એક પગ દહીંમાં,
એક પગ દૂધમાં.
પ્રેમની કવિતા કરું છું.
કવિતા સનાતન,
કવિતા ચિરંતન,
માતાની કવિતા, ગૌમાતા કવિતા લખું છું.
વિશેષ કવિતા, વિશેષ વાત, વિશુદ્ધ કવિતા.

એક પગ દૂધમાં, એક પગ દહીંમાં.
દહીં-દૂધ કંઈ દ્વેત ન ભાળ,
અદ્વૈતની કવિતા માંડું છું.
શૂન્યમાંથી શૂન્ય બાદ કરો તો શૂન્ય રહે,
શૂન્યમાં શૂન્ય ઉમેરો તો શૂન્ય.
શૂન્યને ભાગો, ગુણો, બાદબાકી,
બધું શૂન્ય!

ત્યારે મેલને પૈડ! જલસા કર!
ના.
કવિતા તો પરમ આનંદ !
દૂધમાંથી દહીં બનવું શૂન્ય?
ક્યારે દૂધ?
ક્યારે દહીં?
કિસને દેખા? કિતના દેખા?
ઉપરવાળાની કરામત છે સાહેબજી!
બડા સાહબ!
એકમાત્ર-એક માત્ર એક
ઉપરવાળા
રાધેકૃષ્ણ કે જે’શી કૃષ્ણ?
જે કહો તે,
એક કૃષ્ણ,
એક જ આંગળી
એક ચક્ર,
સર સર સર સર સુદર્શનચક્ર!
કોની હત્યા? કેવી હત્યા?
આત્મામાં કંઈ છિદ્રો ન પડે.
શરીર છેદાય કે ન છેદાય.
યુદ્ધમાં હજારો હણાય કે ન હણાય,
વિશ્વયુદ્ધ થાય કે ન થાય.
શું ફેર પડે છે?

એક પગ દૂધમાં, એક પગ દહીંમાં,
              એકત્વની આરાધના
              એક સિવા કછુ નાહીં!
ઊંચું-નીચું, લાંબુ-પહોળું, નાનું-મોટું, કાળુ-ધોળું,
ધર્મ-અધર્મ-વિધર્મ, સ્પૃશ્ય-અસ્પૃશ્ય;
માયા રે ભાઈ માયા!
              આભડછેટમાં નથી માનતા ભઈલા!
હકડેઠઠ, બસમાં ફરતાં રામ!
ને
આપણે અનામતમાં ય નથી માનતા!
શું ફેર પડે છે ?
ગલીએ, ગલીએ શંખ ફૂંકો
માયા છે રે માયા!
માયામાં રમમાણ રહો ને
માયાના શંખ ફૂંકો રે શંખ ફૂંકો
સર્વ ફૂંક
સર્વ શંખ
પંચજન્યને મળે,
સૂનો રે ભઈ સૂનો રે,
પંચજન્યનો શંખ ફૂંકાય.

એક જ શંખ
પંચજન્ય!
એક પગ દહીંમાં, એક પગ દૂધમાં,
આંખનાં કમાડ વાસો સરજી!
પછી જુઓ, સામે જુઓ,
માયા તો માયાના ઘરે!
મળ્યાનો ઘેર મારો ખંભાતી તાળું.
સત્ય-અસત્ય બધું જ માયા,
એક જ સત્ય,
સત્ય તો નિરંતર ગબડતી લખોટી
સત્યના પ્રયોગો તે કંઈ લૅબોરેટરીમાં થાય?
થાય કે ન થાય! શું ફેર પડે?
શું ફેર પડે? શું ન પડે?
સત્ય-અસહ્ય બધું જ માયા.
ગાંધીજીનું મને આ ગમે
ગાંધીજીનું મને પેલું ન ગમે,
પાંચસો રૂપિયાની નોટ પર તો,
બંને બાજુ ગાંધીજી!
આ બાજુ હસતા ગાંધી,
પેલી બાજુ જનતા સાથે,
કૂચ કરતા ગાંધી!
આ પગ દૂધમાં, પેલો પગ દહીંમાં.

નોટ ગમે
બંધારણે આપેલો વોટ ગમે.
‘બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર’,
- હાઈસ્કૂલમાં એવું બધું ભણેલા.
બાકી બંધારણનું આ ન ગમે
બંધારણનું પેલું પણ ન ગમે
આવું ગમે કે ન ગમે?
શું ફેર પડે?
વાદ નહીં વિવાદ નહીં,
એકહથ્થુવાદ સિવા કછુ નહીં! દિલ માંગે મોર!
આવું ન ગમે કે ન જ ગમે,
શું ફેર પડે?
મારા રે માયા,
ઘરના બારણે કંકુવર્ણું સ્વસ્તિક
ચારે દિશામાં ફેલાતાં
સ્વસ્તિકનાં પાંખડાં
પાંખડે-પાંખડે વર્ણ
ચતુવર્ણનાં પાંખડાં
સ્વસ્તિકના ચાર રસ્તાની વચ્ચોવચ્ચ,
ખુરશી,
મોટી ખુરશી,
સૌથી મોટી ખુરશી,
ખુરશીમાં બેઠા દેવ,
એકમાત્ર દેવ,
દેવાધિદેવ.
બીજું કછુ ના ભાયે!
માંસાહાર વિરોધી શાકાહારી હિટલર ગમે
ગમે એટલે ગમે!

એક નેતા,
એક પ્રાણ,
એક અખંડ દેશ,
એક જ ગણવેશ,
બીજું કછું ન ભાયે પ્રીતમ!

કાયાની માયા
ને
માયાની કાયા
કાયામાં મહાલિયે
ને
ખુદ ખુદ કો પ્યાર કરો,
ખુદ ખુદ કો યાર કરો,
ખીસામાં પીસા ને પીસા ને પ્યાર,
નિજકાયા પ્રીતકાયા, હિતકાયા,
બાકી સબ માયા !
આ પગ દહીંમાં, પેલો પગ દૂધમાં.
ના.
આ પગ દૂધમાં, પેલો પગ દહીંમાં.

આ દહીંપુરી
કે
આ દૂધપુરી ?
મારી વાત પૂરી!
પૂરીનો પ્રાસ કેવો મસ્ત લાવ્યો?
દહીંપુરી ખા કે દૂધપુરી આ?
બે યાર! જે પગ જ્યાં
રાખવો હોય ત્યાં રાખ!
બાકી
શુદ્ધ કવિતાનું સત્ય એક જ
અમારું સત્ય એક જ
દૂધ ને દહીં
કે
દહીં ને દૂધ!
બાકી સબકી ઐસી કી તૈસી!

e.mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2015; પૃ. 10-11 

Category :- Opinion Online / Opinion