શું મૂલ્ય છે કવિતાનું ?

પ્રવીણ પંડ્યા
01-07-2015

ડઘાઈને સ્તબ્ધ ઊભો છું

કવિઓની ભીડમાં
શબ્દક્ષેત્રે
મરતાં પહેલાં
મારે માત્ર જાણવું છે એટલું જ
કે
શું મૂલ્ય છે કવિતાનું?

કેવા મેધાવી
મહાજ્ઞાની
અવિચળ
દૃઢહૃદયી
આ કવિઓ
રાખે
એક નહીં.
બે-બે જોડી નેત્ર
અને
કરે કવિતા.

ક્યારેક લખતી વખતે
એવી મજબૂત રીતે
ભીડે ચર્મચક્ષુ
કે
એહ -
એમના સ્થિર ચિત્તને
સહેજ પણ ખટકે નહીં
બહાર ચોમેર ધખતો ધોમ,
મનુષ્યના પડછાયાને પણ
કચડીને ચાલતું પાશવી જોમ
સ્લૉટરહાઉસની બહાર ઊભેલાં પશુઓની કતાર,
માણસ જેવા માણસને મળેલો ભૂંડનો અવતાર.
એકાગ્રચિત્ત અર્જુન
તુલાનાં બંને પલ્લાંમાં પગ રાખી
જેમ
શરસંધાન કરે મત્સ્યની આંખનું
એમ
આ કવિ
કરે શબ્દવેધ
મંચસ્થ અંધકાર પર
પાથરે સૌંદર્યનું તેજ
અને જયઘોષ સાથે પામે
અનેક વિજયોનું નૈવેદ્ય.
હું શબ્દક્ષેત્રે
વૈધ-અવૈધની દ્વિધામાં ઝૂલતો
વિચારું
શું મૂલ્ય છે કવિતાનું?

(જોકે એમને મન કશાયનું મૂલ્ય નથી)
મૂલ્ય
હોય લોકતંત્રનાં
કે
સ્વાયત્તતાનાં
કે પછી માનવતાનાં
કે કહો મહાત્માઓની વિચારધારાનાં
એમને મન  ક્યાંક પહોંચવાનાં સાધન માત્ર.

ક્યારેક કવિ,
સફાળા જાગી એકાએક
ખોલે બંને જોડી  નેત્ર
પ્રતિ ચક્રવાતની જેમ
કરે પોતાની ઇર્દગિર્દ બધું એકત્ર
એમની નજરથી અછાનું રહે નહીં એકેય ક્ષેત્ર,
ઘડીમાં દૃષ્ટિ કરે વક્ર
કીકીઓ તો એમ ફેરવે જાણે સુદર્શનચક્ર
બુલંદ સ્વરે ગાય શિવતાંડવસ્તોત્ર અને
એહ -
કવિના પુણ્યપ્રકોપનો તાપ તો એવો
જાણે
શિવના ત્રીજા લોચન જેવો.
થાય
હમણાં ભસ્મીભૂત કરશે બધું
શબ્દાયુધો ફેંકી-ફેંકી
- ને પછી
કરી મૂકશે બધું સમુંનમું
નહીં રહેવા દે
નંદ કે પાલકનો વંશ
બે-બે જોડી નેત્રમાં જે છે
તે તો છે
નર્યા સૂર્યનો અંશ.
હમણા ઝળહળશે શુભથી ગુજરાતી ભાષાના નવેનવ ખંડ
- ને
એહ ....
પણ ત્યાં તો
રૂડા પ્રસંગોનાં
વાગે ઢોલ-ત્રાંસાં
પ્રસરે ચોમેર મંગલ ગાન
કવિનો પ્રણ્યપ્રકોપ ક્યાં?
સુદર્શનચક્રની જેમ ઘૂમતી કીકીઓના સ્થાને
નૃત્યાંગનાની જેમ ગોળગોળ ઘૂમે સ્થિર ઊભેલા કવિનું અચકન
શિવતાંડવસ્તોત્રના સ્થાને
કવિકંઠેથી વહે ઠૂમરી ....
ઉગામેલાં શબ્દાયુધો ક્યાં?
એ તો છોડો
પણ
કવિ પોતે ક્યાં?
અહીં તો દેખાય કુર્નિશ બજાવતો હાથ
ઝૂકેલી કમર
ઊપસેલી પૃષ્ઠભૂમિ!
મૂખ ન દેખાય-
દેખાય કેવળ મનમોહક સ્મિત,
આજુબાજુ દેખાય માત્ર આભામંડળ,
(કે પછી બજવૈયામંડળ?)
રૂમઝૂમ થાતી
પવનપાવડી જેવી
પાલખીઓ આવે.
પલાણે એમાં આખેઆખું આભામંડળ
પાલખીઓ રવાના થયા પછી
મારા મનમાં રચાય,
પ્રસંગ પત્યા પછીના ખલીપાથી ભરેલું વાતાવરણ
આંખમાં ધસી આવે પાણી
અને
ત્યાં જ રસ્તા પરની ધૂળમાં દેખાય
આથમતા તારા જેવાં
બે-બે જોડી નેત્ર
જે પૂછતા હોય
શું મૂલ્ય છે કવિતાનું?

૧ માર્ચ,૨૦૧૫

જે રીતે સાહિત્યકારો સ્વાયત્તતા માટે ઠરાવ કરતી પરિષદની કારોબારીમાં રહીને અસ્વાયત્ત અકાદમીમાં પણ હોદ્દા ગ્રહણ કરી રહ્યા છે એ દયનીય સ્થિતિ જોઈને સ્વાયત્ત અકાદમી-આંદોલન દરમિયાન વારંવાર થયેલી અનુભૂતિ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2015; પૃ. 09 

Category :- Opinion Online / Opinion