આપણી કથા, આપણી વ્યથા, આપણો હરખ ઓર …

વિપુલ કલ્યાણી
05-06-2015

‘પૂર્વ આફ્રિકામાં’ નામે, આચાર્ય કાકાસાહેબ કાલેલકરનું એક પ્રવાસવર્ણન છે. આ ચોપડીનું 135મું પાન જોઈએ તો કાકાસાહેબની આ નોંધ વાંચવા મળે છે :

‘કરાટુમાં એક ગુજરાતી ભાઈએ બહુ હેતપૂર્વક અમને કેસરિયા દૂધ પાયું. જતાં એમને ત્યાં થોભ્યાં નહીં એ માટે અમને ઠપકો આપ્યો અને પાકાં કેળાંની એક લૂમ અને જાતજાતના ફળ અમારી મોટરમાં લાદી જ દીધાં ! શો આ લોકોનો નિષ્કામ પ્રેમ ! અમે એમને માટે શું કર્યું હતું ? શું કરી શકવાનાં હતાં ? એમની કે અમારી જિંદગીમાં ફરી વાર મળવાનો સંભવ પણ ઓછો. અને છતાં ઘરનાં કુટુંબી હોઈએ એવા પ્રેમથી અમારી સાથે એ લોકો વર્તતા આવ્યા છે. પોતાની બાહોશી કે બહાદુરીનાં બણગાં ફૂંકવાનું પણ એમને સૂઝતું નથી. આખા પૂર્વ આફ્રિકામાં અમને જ્યાં ત્યાં આવા ગુજરાતી ભાઈઓ મળ્યા છે અને દરેક ઠેકાણે એ જ પ્રેમનો ઊભરો અમે અનુભવ્યો છે.’

લેખકને જેમનું નામ સુદ્ધા યાદ રહ્યું નથી, એવા આફ્રિકે કમાવાધમાવા ગયેલા અસંખ્ય લોકોની આ નિષ્કામી  જમાતમાંના એક, આ તદ્દન સામાન્ય માણસ અબીહાલ જો હયાત હોત, તો આજે પૂરા એકસો વરસના થયા હોત. ઉપરછલ્લું સંશોધન કરીને કહીશું કે પુસ્તકમાં ‘કરાટુ’ સ્થળની વાત લેખક લખે છે, પરંતુ આ ઘટના ‘મ્ટોવામ્બુ’ નામે નાના અમથા ગામની છે. અને એ ગુજરાતી ભાઈનું નામ છે, ભગવાનજી ઓધવજી કલ્યાણી. ન એમને કોઈ બાહોશી કે બહાદુરીનાં બણગાં અને વળી પાછું પોતાનું નામ પણ ઓગળી જાય ત્યાં સુધીનું સરળ સ્ફટિક શું એમનું વ્યક્તિત્વ.

વિક્રમ સંવંત 1956માં, હિંદમાં પડેલા દુકાળને ‘છપ્પનિયો કાળ’ કહે છે. તે સમયે સમગ્ર દેશમાં ચોમાસું નિષ્ફળ ગયેલું. કહે છે કે બસ્સો વરસમાં ન અનુભવેલો એવો એ દુકાળનો કાળ હતો. કાઠિયાવાડમાં ય તેની ભયંકર અસર પડી. ઇતિહાસવિદ્દ જયકુમાર શુક્લના મત અનુસાર, ‘અનાજ અને ઘાસચારાની તંગી પેદા થઈ. નાના ખેડૂતો, કારીગરો અને જમીનવીહોણા મજૂરોને સૌથી વધારે અસર થઈ.’ ‘છન્નવા’માં ય પાછી આવી અસર ઊભી થયેલી. અને તેને કારણે, ફરી પાછા, કઠિયાવાડમાં ય દુકાળના ઓળા ઊતર્યા હશે. લોકોને માટે ખેતર ખેડવાં મુશ્કેલીઓ અનુભવવી પડતી હશે. ચોગમ નજર કરો તો ય ક્યાં પણ રોજગારી નહીં હોય; તેવા તેવા વસમા દિવસોમાં, કાચી વયે હોડકે સવાર થઈ, ભવિષ્યને ઊજમાળું કરવા, જે પેઢી નીકળી પડેલી, તેમાં જામખંભાળિયે જન્મેલા આ ભગવાનજીભાઈ પણ ખરા.

એ દિવસોમાં પિતા ઓધવજીભાઈ, ગામ વચ્ચે આવેલા એક મંદિરમાં, પૂજારીના સહાયક તરીકે સેવા આપે. બદલામાં તેમને ભોજનની એક થાળી પૂજારી દ્વારા મળે. આ વડીલ એ ભરેલી થાળી ઘેર આણે અને બે માણસ પોતે, તેમ જ છૈયાં સંગાથે, એ ભાણું આરોગે. એવા તે કપરા દિવસો હતા. તેવાકમાં, કિશોરાવસ્થામાં જ પિતા પાછા થયા અને મરણના ત્રીજાચોથા દિવસે, મોટાભાઈ મગનલાલભાઈને તદ્દન કાચી ઉંમરે પરદેશે કમાવા ઉપડી જવું પડ્યું. તેમની પાછળ, પછીના બીજા મોટા ભાઈ, કેશવજીભાઈ નીકળી ગયા, અને 1924ના અરસામાં, ભગવાનજીભાઈ પણ આફ્રિકે ગયા. ત્યાં એમણે નસીબ અજમાવવાનું જ રાખ્યું. મોશી - અરુશાના આગળપાછળના દિવસો ઉપરાંત, મન્યારા અને ઈયાસી સરોવરો વચ્ચે આવેલા ડોંગબેશ, ઇન્દલાકાન, મ્બુલુ, મ્ટોવામ્બુ જેવા જેવા વન્યપ્રદેશમાં એ રોજીરોટી સારુ ઊતરી પડેલા. એ દિવસોમાં ચોપાસ કોઈ પોતીકું જડે નહીં. ભજનકીર્તન અને રામાયણવાંચન એ જ એમના ઘટમાં ઘેરાં ગહેકતાં રહ્યાં. એ ભજનમાં રત રહેવા લાગેલા. સરસ હલકે ગાતા અને રમમાણ બની જતા. ક્યારેક એકતારાના સાથમાં એમને ભજનો ગાતા સાંભળ્યા છે. એમનો કંઠ નરવો હતો. એમના કંઠમાં ગવાયેલાં તુલસીકૃત રામાયણનાં ચોપાઈ, છંદ અને દોહા, ઉપરાંત હનુમાનચાળીસાનો પાઠ, આજે આટઆટલા વરસે ય મનમાં સતત પડઘાયા કરે છે. કેમ કે એમનું સમૂળું જીવન ‘ઘરઆંગણે કૂંડામાં રહેલા તુલસીના છોડ’ જેવું હતું.

સુરેશ દલાલે અન્યત્ર લખ્યું છે તેમ, ‘આખું જગત પ્રવૃત્તિના જાયન્ટ વ્હીલ સાથે વ્યામોહથી જોડાયું હોય ત્યારે કામની બધી જ પ્રવૃત્તિઓથી અળગા રહેવું અને દુનિયા જેને નકામની પ્રવૃત્તિ ગણે એવી પ્રવૃત્તિમાં રહેવું એ વિરલ નહીં, પણ મુશ્કેલ તો છે જ.’  ભગવાનજીભાઈના જીવનની પણ એવી જ કોઈક ઘટમાળ હતી. હિંદથી આફ્રિકે ગયેલા આ જીવને મોટી વયે, ભારત સ્થળાંતર કરવાનો વારો આવ્યો; તથા પાછલી વયે, બ્રિટન. જયંત કોઠારીએ ક્યાંક લખેલું છે તેમ, ‘મૃત્યુ હજો એવું મને - કે છેક છેલ્લી પળ સુધી આ જિંદગી જીવી જવા ઉત્સાહ ના ખૂટે ને મોત જ્યાં નજરે પડે ત્યાં દેહ આ તજતાં જરા ઉદ્વેગ ના ઊઠે મૃત્યુ હજો એવું મને.’ અને લગભગ આવું જ કંઈક ભગવાનજીભાઈના જીવનનું કહી શકાય. સપ્ટેમ્બર 2001 દરમિયાન, એમણે પોતાની જીવનલીલા બ્રિટનમાં સંકેલી લીધેલી. ત્યાં લગીના નવ ઉપરાંત દાયકાના પટમાં, ઉત્સાહ અને ઉદ્વેગ વચ્ચેની ભીંસ વચ્ચે પણ, તેમનો માંહ્યલો ઉત્સાહ વિજેતા બનતો અનુભવાયેલો. મકરંદ દવે ‘વિદાય લેતા આત્માની વાણી’ ગીતમાં લખે છે તેમ, ‘આપણી કથા, આપણી વ્યથા, આપણો હરખ ઓર, સૂના સૂના ગઢમાં બોલે મેના, પોપટ, મોર.’  … ખેર !

કાકાસાહેબ ‘પૂર્વ આફ્રિકામાં’ પુસ્તકના આરંભમાં જ લખે છે : ‘અહીંના લોકો આપણા સામા કાંઠાના પાડોશીઓ જ છે. અહીંનાં મોજાંઓ ત્યાં અથડાય છે, ત્યાંનાં અહીં અથડાય છે. તરત આત્મીયતા બંધાઈ ગઈ. અને એ પણ ખ્યાલ આવ્યો કે આ આત્મીયતા આજની નથી, આજના જમાનાની નથી, આપણો પાડોશ હજારો વરસનો જૂનો છે.’ આવી જ કોઈક પાડોશગત સંવેદનશીલ આત્મીયતા સાથે, ભગવાનજીભાઈના વારસદારોએ, એક અદકેરું કામ હમણાં કર્યું છે. ભગવાનજીભાઈને દેશ્ય ભજનોમાં ઊંડો લગાવ હતો. અને, તેથીસ્તો, ભગવાનજી ઓધવજી કલ્યાણીની સ્મૃિતમાં, આપણી વિરાસત સમા ભજન સાહિત્યનાં જ એક સોજ્જા નક્કર કામમાં ચપટી હાથવાટકો થવાનો જોગ શેષ પરિવારવૃંદે ઊભો કરી આપ્યો છે.

સૌરાષ્ટ્રનાં સંતસાહિત્યનું સંશોધન, ધ્વનિમુદ્રણ, સંકલન, અધ્યયન અને સંરક્ષણનું કામ, વીસબાવીસ વરસોથી, રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર પાસેના ઘોઘાવદર ગામે સ્થપાયેલા આનંદ આશ્રમમાંથી, નિરંજન રાજ્યગુરુ કરતા રહ્યા છે. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં નહીં નોંધાયેલા એવા અનેક તેજસ્વી સંત-કવિઓ સોરાષ્ટ્ર પ્રદેશમાં રહ્યા છે. એક એકથી ચડિયાતાં સેવાધામો - સંતસ્થાનો અર્પનારી, ગૌસેવા, માનવસેવા, અન્નદાન અને ઈશ્વરસ્મરણની શીખ આપતી વિવિધ સંતપરંપરાઓ આજે પણ સૌરાષ્ટ્રમાં મોજૂદ છે. સમગ્ર લોકજીવન ઉપર જેની ઘેરી - અમીટ છાયા પથરાયેલી છે અને લોકોના ધર્મ તથા સાહિત્ય વિષયક વિચાર, રહેણીકરણી, આચારવિચાર અને ધાર્મિક ક્રિયાઓ - વિધિવિધાનો ઉપર જેનો વ્યાપક પ્રભાવ આજ સુધી ટકી રહ્યો છે. એવાં સંતસંસ્કૃિત અને સંતવાણી - સંત સાહિત્ય વિશે, સંતોની જીવનપ્રવૃત્તિઓ અને વિભિન્ન પરંપરાઓ વિશે પ્રમાણભૂત કહી શકાય તેવું સંશોધનકાર્ય આજ સુધી થઈ શક્યું નથી. આજ લગીના આ ઉપેક્ષિત કાર્યક્ષેત્રમાં કંઠસ્વરૂપે ઊતરી આવેલું અને ક્યાંક ક્યાંક હસ્તપ્રતોમાં જળવાયેલું આ સાહિત્યધન આજે લુપ્ત થતું જાય છે.

નિરંજન રાજ્યગુરુએ સૌરાષ્ટ્રના 134 જેટલા સંત-કવિઓની વર્ણાનુક્રમે એક યાદી તૈયાર કરી છે. આપણા આ વિસરાતા જતા પરંપરિત વાગ્વારસાને અને લોકસંગીત-ભક્તિસંગીતની લુપ્ત થવાને આરે ઊભેલી વિરાસતને, ભવિષ્યની પેઢી માટે કાયમી જાળવી રાખવા એમણે એક નક્કર યોજના તૈયાર કરી છે. આ અભૂતપૂર્વ કામમાં ‘મેગ્નેટ ટેકનોલોજિસ’ના અશોક કરણિયાની સહાય મળતા, એ યોજનાને હવે ચિરંજીવ કરી શકાય તે માટે ભગવાનજી ઓધવજી કલ્યાણીનાં પત્ની રાધાબહેન તથા શેષ પરિવારે આર્થિક યોગદાન આપવાનું રાખ્યું છે.

દુલા ભાયા કાગ પારિતોષિક વિજેતા તથા શિવમ્ પારિતોષિક વિજેતા નિરંજન રાજ્યગુરુ ખુદ સૌરાષ્ટ્રની આ સંતસાહિત્ય પરંપરાના પરખંદા છે. એમણે આ ક્ષેત્રે સંશોધનકામ કરતાં કરતાં ડૉક્ટરેટપદ પણ હાંસલ કરેલું છે. આ સમૂળા કામનો આદર ગુજરાત સ્થાપન દિને એટલે કે ગઈ 01 મે 2008ના રોજ કરવામાં આવ્યો છે. નિરંજનભાઈના કહેવા મુજબ એમના આ કામને જોમ મળ્યું છે, અને અત્યાર સુધીમાં 45 ઑડિયૉ કસેટ્સ બાબતનું કામ પૂરું થયું છે. આવી બીજી છસ્સો ઉપરાંત કસેટ્સનું કામ હવે હાથ ધરવાનું રહે છે. આ કામ મોટું છે, અટપટું છે અને યાત્રા લાંબી છે. એમ છતાં, એ યાત્રાને સફળ કરવાની તેમ જ જોવાની તાતી આવશ્યક્તા પણ છે. આ સઘળાં ભજનોનું અક્ષરાંકન કરવાનું અને તે દરેકને ડિજિટલાઇઝ્ડ કરવાનું કામ કરવાને સારુ પણ એમણે ત્રણચાર સાથીસહાયકોની ગોઠવણ કરી છે. આટલું કમ હોય તેમ મકરંદ દવે તથા નિરંજનભાઈ વચ્ચે અરસપરસ લખાયેલા 144 પત્રોનું સંકલન - સંપાદનનું કામ પણ આ સંગાથે છોગારૂપ બનવાનું છે. આગામી બેએક વરસના સમયગાળામાં આ સમૂળું સંતસાહિત્ય ચિરંજીવ કરવાનું કામ બનશે, એમ અબીહાલ દેખાઈ રહ્યું છે. મકરન્દ દવેએ કહ્યું હતું તેમ, ‘ભાઈ નિરંજનના અંતરમાં અવધૂતી રંગ ઘોળાયો છે. એ રંગના છાંટણા સહુને મળે એવી મનીષા છે. ’

આવા અવધૂતી રંગમાં રગરગ એકરૂપ બનેલા નિરંજન રાજ્યગુરુ પ્રત્યેની એ મનીષાને સાકાર જોવામાં અહીંનો એક પરિવાર સક્રિયપણે જોડાયો છે, તેથી પણ આ સમૂળા સોજ્જા પ્રકલ્પનું સહૃદય સ્વાગત છે.

(૨૬ મે ૨૦૦૮)

સૌજન્ય : ‘લંડન કૉલિંગ’ નામે “જન્મભૂમિ - પ્રવાસી”માં પ્રગટ થયેલી લેખકની કટાર, “ઓપિનિયન”, 26 જૂન 2008; પૃ. 03-04

Category :- VK / Ami Ek Jajabar