ઘાસ

સુરેશ જાની
19-05-2015

સામે દૂર આંખોને ઠંડક આપતું, લીલીછમ્મ ધરતીનું મનોહારી દૃષ્ય છે. તમે કલ્પનાની પાંખે ઊડીને તેની નજીક ને નજીક જતા જાઓ છો. પ્રતિ ક્ષણ તે લીલો પટ્ટો મોટો ને મોટો થતો જાય છે. તમારું ક્ષિતિજ આ લીલી ઝાંયથી ઘેરાવા માંડે છે. હવે તમારી ચારે બાજુ આ લીલો રંગ છવાઈ જાય છે.

જેમ જેમ આ લીલાશ નજીક આવતી જાય છે; તેમ તેમ તમે નાના ને નાના થતા જાઓ છો. એ હરિયાળીની ઠંડકમાં તમને તમારા સંકોચાતા કદનો ખ્યાલ જ આવતો નથી. હવે તમે ચારે બાજુ આ હરિયાળીની વચ્ચે ઘેરાઈ ગયા છો. તમને હવે લીલા સિવાય બીજો કોઈ રંગ દેખાતો નથી. ઘાસનાં તણખલાં હવે વિશાળ નાળિયેરીનાં પાન જેવાં લાગી રહ્યાં છે. તમે એક જંતુની જેમ તેની ઉપર બેસી તેની ઠંડકનો સ્પર્શ માણી રહ્યા છો. તમારું જગત હવે લીલું છમ્મ બની ગયું છે. પરીકથામાં માણેલા મધુર વિશ્વની અંદર તમે મહાલી રહ્યા છો. ઈડનનો બગીચો તમારી ચારેપાસ હેલ્લારા મારી રહ્યો છે. આ લીલા સાગરના લીલ્લોળે હીલ્લોળે તમારા દિલમાં ય અપરંપાર આનંદનો મહાસાગર ઘૂ ઘૂ કરતો ઘૂઘવી રહ્યો છે. તમે આ આનંદના સાગરમાં ડૂબી જવા, તેની સાથે એકાકાર બની જવા લાલાયિત બની ગયા છો. તમારા ઉત્સાહને પ્રતિધ્વનિત કરતો મંદ મંદ સમીર આ લીલા સાગરને હિંચોળી રહ્યો છે.

અને તમે એક ઠેકડો ભરીને એ લીલાંછમ્મ પાનની અંદર કૂદકો મારો છો. બાજુમાંથી એક વિશાળ નળીમાંથી પાનના કણકણને જીવન સિંચતાં પાણીની નદી વહી રહી છે. લીલાં લીલાં અસંખ્ય કણ સૂર્યના કિરણોથી તપ્ત બની ફૂલી અને સંકોચાઈ રહ્યાં છે; શ્વસી રહ્યાં છે. હરેક શ્વાસે નળીમાંથી પાણી તેમની અંદર પ્રવેશે છે. અને હરેક ઉછ્વાસે તે કણે બનાવેલું મિષ્ટ પકવાન પાણીની સાથે પાછું જાય છે. તમે પાનના હરેક શ્વાસની સાથે તાદાત્મ્ય અનુભવી રહ્યા છો. જીવનનો એ ધડકતો, ફરકતો રાસ તમારા જીવનતાલની સાથે એકતાલ બનવા માંડે છે.

અને આ આનંદનો તીવ્રતમ અનુભવ કરવા તમે હવે બીજો ઠેકડો મારીને એક કણની અંદર પ્રવેશો છો.

અને આ શું? અહીં તો કોઈ ઠંડક જ નથી, બધી શિતળતા વિદાય લઈ ચુકી છે. ગરમ ગરમ ભઠ્ઠીની અંદર તમે શેકાઈ રહ્યા છો. અહીં તો બાળી નાંખે તેવા જલદ તેજાબ ધખધખી રહ્યા છે. તમારા સમગ્ર હોવાપણાંને ગ્રસીને ઓહીયાં કરે તેવી પાનના એ કણની હોવાપણાંની ચિરંતન ભૂખ તમારો કોળિયો કરવા આતુરતાથી તમારી તરફ ધસી રહી છે. એ તેજાબના સાગરની મધ્યમાંથી કોઈક અજાણ્યું જીવન પોતાના અસ્તિત્વ સિવાયના બીજા કોઈ ખયાલ સિવાય, તમારા પ્રાણને ઝબ્બે કરવા આદેશો આપી રહ્યું છે.

તમે એકદમ ગભરાઈને પારોઠનાં પગલાં ભરવા માંડો છો. પણ તમે હવે સાવ અસહાય છો. નાના બનવાની આ પ્રક્રિયા અપરિવર્તનશીલ છે. તમે હવે પાછા તમારા અસલી રૂપમાં નથી આવી શકતા. તમે આ કેદમાંથી ભાગવાનો મરણિયો પ્રયત્ન કરો છો. પણ બહારથી કુમળી અને હરિત લાગતી એ કણની ક્રૂર દિવાલ હવે પોલાદ જેવી બની ગઈ છે. તમે આ કેદમાં થોડીક જ સેકંડો દૂર રહેલા તમારા અંતની નજીક ને નજીક ખસી રહ્યા છો. એ કાળઝાળ તેજાબ તમને ઘેરી વળે છે. એક જ ક્ષણ અને તમે પણ એ ક્લોરોફિલ બની જવાના છો.

——————————————————————————-

અને તમે પસીને રેબઝેબ, આ દિવાસ્વપ્નમાંથી સફાળા ઝબકીને જાગી જાઓ છો.  સામે દૂર એ જ હરિયાળી ફરી પાછી વિલસી રહી છે.

જીવનનું સૌદર્ય શું અને જીવનની ક્રૂરતા શું, એ બધાં સત્યો તમને હવે સાવ નગ્ન રીતે સમજાઈ ગયાં છે. સત્ય બહુ જ કડવું હોય છે; સત્ય બહુ જ અસહ્ય હોય છે; સત્ય બહુ જ કઠોર હોય છે – એ સત્ય સમજી ‘તમારા સત્યશોધનના ધખારા પર પૂર્ણવિરામ મુકવું કે કેમ?’ તેવું તમે વિચારતા થઈ જાઓ છો.

અને આ મામલામાં વધુ ઊંડા ઊતરવા કરતાં ‘આજની ઘડી રળિયામણી’ના તમને મળેલાં મહામૂલ્ય રત્ન જેવાં જીવનસૂત્ર અને જીવનશૈલીમાં તમારો વિશ્વાસ હવે દૃઢ બની ગયો છે.

વિજ્ઞાન અને ફિલસૂફીનો સમન્વય કરતી ‘સત્ય’ વિશેની આ કલ્પના અમેરિકાની એક શાળામાં દીકરીના દીકરાની રાહ જોતાં સૂઝી હતી; અને મારી પોતાની પસંદ રચનાઓમાંની એક છે. મારા બ્લોગ ‘સૂરશાધના’ પર ૨૦૦૮ ફેબ્રુઆરી, ૨૦૦૮ માં આ કલ્પના પ્રકાશિત કરી હતી. [https://gadyasoor.wordpress.com/2008/02/06/life-3/ ]

એકાદ વર્ષ પહેલાં ‘કોડિંગ’ની વિનામૂલ્ય સવલત આપતી એમ.આઈ.ટી.(બોસ્ટન)ની વેબ સાઈટ ‘Scratch’ની જાણ થતાં, તેમાં થોડુંક ખેડાણ કર્યું હતું. એમાં થોડોક મહાવરો થતાં આ કલ્પનાને દૃષ્ય રૂપ આપવા મન થયું હતું. એ પ્રોજેક્ટ ‘અહાહા! અરેરે!’ આ રહ્યો.

https://scratch.mit.edu/projects/23256205/

જો ‘ઓપિનિયન’ પર શક્ય હોય, તો આ પ્રોજેક્ટ ‘Embed’ પણ કરી શકાશે. તે માટેનો કોડ આ છે –

સઘળું, સતત, સદા પરિવર્તનશીલ હોય છે – એ ભાવને આ કલ્પના અનુમોદન આપે છે. પરિવર્તનની એ પ્રક્રિયાને ‘રંગ રંગ વાદળિયાં’ નામના બીજા એક પ્રોજેક્ટમાં દૃષ્યરૂપ આપ્યું હતું. એ પ્રોજેક્ટ આ રહ્યો.

https://scratch.mit.edu/projects/24454950/

અને તેને Embed’   કરવાનો કોડ આ છે.

‘Scratch’ બાબત જાણકારી મેળવવા ….

https://scratch.mit.edu/about/

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion