ઇબ્રાહિમ ઉમ્મરભાઈ રાઠોડ ‘ખય્યામ

વિપુલ કલ્યાણી
04-05-2009

અમે ગુજરાતીઓના નામને રોશન કરી લઈશું; હશું જ્યાં, ત્યાં નવા ગુજરાતનું સર્જન કરી લઈશું.

લાગે છે તો એવું કે ગુજરાતનું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું, તે અરસામાં આ કાવ્યની રચના થઈ હશે. ‘ઑલ ઇન્ડિયા રેડિયો’ના “દીપમાળા” નામક રેડિયો પ્રસારણમાં, પહેલવહેલા, તે માર્ચ ૧૯૬૧ દરમિયાન, રજૂ થયું, અને પછી, “અસ્મિતા”ના, સન ૧૯૮૪માં પ્રકાશિત, પહેલા અંકમાં, તે કાવ્ય સમાવિષ્ટ બન્યું છે. અમદાવાદસ્થિત ‘વિશ્ર્વગુર્જરી’ સંસ્થાના સ્થાપક પ્રમુખ દિવંગત વિનોદચંદ્ર શાહ, તે દિવસોમાં, આ કાવ્યના કવિની શોધમાં હતા. ગુજરાતનું ગૌરવ કરતી કેટલી ય કૃતિઓને સંગીતબદ્ધ કરીકરાવીને તેમની સંસ્થાએ એક ઑડિયો કસેટ બહાર પાડેલી. તેમાં આ કાવ્યને સમાવવાનો તેમનો ઈરાદો હતો. આવું આ મજબૂત કાવ્ય ઇબ્રાહિમ ઉમ્મરભાઈ રાઠોડ ‘ખય્યામ’ નામના એક કવિનું છે. તે દિવસોમાં ‘ખય્યામ’ આફ્રિકા ખંડના મધ્યમાં આવેલા, મલાવી નામના મુલકમાં સ્થાયી હતા. હવે તે અરસાથી પાટનગર લંડનના નૈઋત્ય વિસ્તારમાં વસે છે.

‘ખય્યામ’ વિલાયતસ્થિત એક અચ્છા ગઝલકાર છે અને મુશાયરાઓમાં તેમને સાંભળવા એક લહાવો છે. વર્ષોથી તેમણે વિવિધ સામયિકોમાં લખવાનું રાખ્યું છે. આફ્રિકામાંના સુદીર્ઘ વસવાટ દરમિયાન દક્ષિણ આફ્રિકા, યુગાન્ડા, કેન્યામાંનાં વિધવિધ સામયિકોમાં તેમની કૃતિઓ નિયમિત પ્રગટ થતી હતી. ‘ઑલ ઇન્ડિયા રેડિયો’ના પૂર્વ - મધ્ય આફ્રિકાના દેશો માટેના ‘દીપમાળા’ કાર્યક્રમમાં તેમની અનેક કૃતિઓ પ્રસારિત થવા થવા પામી હતી. બ્રિટનના વસવાટ બાદ, “ગરવી ગુજરાત”, “ગુજરાત સમાચાર”, “નવ બ્રિટન”, “અસ્મિતા”માં તેમની કલમ ઝળકી છે. બી.બી.સી. વરસો પહેલાં, દર રવિવારે, ‘નઈ જિંદગી, નયા જીવન’ નામે એક સામયિક કાર્યક્રમ આપતું. આ ખૂબ જ લોકપ્રિય કાર્યક્રમમાં, એક દા, ગુજરાતી મુશાયરાનો કાર્યક્રમ પેશ થયેલો. આ સૌ પ્રથમ કાર્યક્રમમાં ‘ખય્યામ’ સાહેબે ભાગ લીધો હતો અને “ગરવી ગુજરાત” સાપ્તાહિકે કવિની ભારે સરાહના કરી હતી.

કવિ ‘ખય્યામ’કૃત ‘ઝંખના’ નામક બીજા કાવ્યસંગ્રહનું સ્વાગત કરવાનો એક અવસર, અબીહાલ, દક્ષિણ ઇંગ્લૅન્ડના ક્રૉયડન ખાતે, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની આઠમી ભાષા-સાહિત્ય પરિષદમાં, ઊજવવામાં આવ્યો. આ અવસરે, તેમના વરસો જૂના કવિમિત્ર ‘જય મંગલ’ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા. આ પહેલાં, કવિનો પહેલો કાવ્યસંગ્રહ ‘સુરાલય’ મલાવીથી ‘ગુજરાતી સાહિત્ય મંડળ, બ્લાન્ટાયર (મલાવી)’ હેઠળ પ્રકાશિત થયો હતો. વતન પ્રેમ, ઉન્માદી પ્રણય, માનવતા અને ઉદાત્ત ભાવનાઓથી ધબકતી શાયરની કૃતિઓ દિલમાં ઊંડા સ્પંદનો જગાવી જાય છે.

વેણીભાઈ પુરોહિત, ‘મધુ રાય’ અને ‘ખય્યામ’નું વતન એટલે જામનગર જિલ્લાનું જામ-ખંભાળિયા. ઘી અને તેલી નદીઓને કાંઠે ઘૂઘવતાં આ નગરની મને ય જાનપહેચાન છે. તેને પોતીકો ભાતીગળ ઇતિહાસ પણ છે. જાણીતા અમેરિકી તત્ત્વવેતા, જ્યોર્જ સાન્તાયના(૧૮૬૩-૧૯૫૨)એ કહ્યું જ છે : ‘માણસના પગ પોતાના વતનમાં ખોડાયા હોવા જરૂરી છે, પરંતુ તેમની આંખો જગતને તાકતી ચકળવકળ ફરતી રહેવી જોઈએ.’ ઈબ્રાહિમ રાઠોડ ‘ખય્યામ’નું પણ તેવું જ રહ્યું.

કહે છે કે સદી દોઢ સદી પહેલાં, વિભા જામની રાજગાદીનું મથક આ જ જામ-ખંભાળિયામાં હતું. દરબારગઢ તિલક મેડીમાં ભરાતો. તે દિવસોમાં, મિયાજી દાદુ નામના ‘ખય્યામ’ના એક વડવા વિભા જામના છડીદાર હતા. આ જામ-ખંભાળિયાના ગુંદી ચોકમાં, ૩૧ જુલાઈ ૧૯૩૧ના રોજ,સિપાહી ઘરાણાનાં ઉમ્મરભાઈ અને હવાબાઈને ત્યાં પારણું બંધાયું. માવતરે આ સંતાનને ઈબ્રાહિમ નામ દીધું. આપણા ઈબ્રાહિમભાઈનું બાળપણ જામ-ખંભાળિયામાં જ વીત્યું અને દિવંગત રતનશી રાજડા જેવા યુવક આગેવાનની ભારે અસર હેઠળ, તેની યુવાની ખીલતી ચાલી. શહેરમાં ગોપાલજી વાલજી જેરાજાણી હાઈ સ્કૂલ. તેમાં ભટ્ટસાહેબ નામે આચાર્ય. તેમની નજર હેઠળ ત્યાં ઈબ્રાહિમ નામના આ યુવકે અભ્યાસ કરેલો. એક સમે આ ભટ્ટસાહેબ મારા ય આચાર્ય હતા. તે ભલમનસાઈ માટે, વિદ્વત્તા માટે ય પંકાયેલા. દરમિયાન, ફક્ત નવની વયે તે યુવકનું સાત વરસનાં મરિયમબાઈ સાથે લગ્ન થયેલું.

બીજી બાજુ, ઈબ્રાહિમભાઈના ફૂઆ આફ્રિકે હતા. તેમને સંતાન નહીં. તેમણે ઈબ્રાહિમભાઈને દત્તક લીધા અને મલાવી તેડાવી લીધા. ત્યારે તેમનું ૨૨ વર્ષનું જ વય. અને પછી, ત્યારે ન્યાસાલૅન્ડ તરીકે ઓળખાતા, આજના મલાવી નામે આઝાદ મુલકમાં, તે પણ ગોઠવાઈ ગયા. પૂર્વ તરફ મોઝામ્બિક, પશ્ર્ચિમ બાજુએ ઝામ્બિયા અને ઉપર ટાંઝાનિયા નામે મુલકોની વચ્ચે, તેમ જ મલાવી સરોવરને જાણે કે વળગીને હીલોળા લેતા, પાઘડી પને વિસ્તરેલા, આ નાના અમથા મુલકમાં, આપણા ઈબ્રાહિમભાઈએ નસીબને તેજીમાં ફેરવી કાઢેલું. આ સિલસિલો ૧૯૭૮ સુધી ચાલ્યો. તે પછીથી, પરિવાર સમેત, તે વિલાયત આવી વસ્યા છે.

જામ-ખંભાળિયામાં એક વેળા, લક્ષ્મીદાસ હરિહર ઘેલાણી નામે એક સજ્જન હતા. તેમણે “નોબત” નામે એક ગુજરાતી પત્રક ચલાવેલું. તેમને જોયાનું અને મળ્યાનું મને ય સાંભરણ છે. જામ-ખંભાળિયાનિવાસ વેળા આ “નોબત”ને જોવાવાંચવાનું થયેલું જ હતું. ઈબ્રાહિમભાઈ રાઠોડને યુવાવસ્થાથી કાવ્યો રચવાનો શોખ. આ સામિયકમાં, પોતાના જામ-ખંભાળિયાનિવાસ દરમિયાન, કવિ ‘ખય્યામે’ કવિતાઓ આપવી શરૂ કરેલી. વળી, હાઈ સ્કૂલમાં “જાગૃતિ” નામે સામિયક નીકળતું. તેમાં ય તેમની કૃતિઓ પ્રગટ થયેલી છે. તેમાંની કેટલીક રચનાઓ ‘સુરાલય’માં જોવા મળે છે. મલાવીના બીજા નંબરના નગર બલાન્ટાયરથી આશરે દસેક કિલોમિટરને ફાંસલે ચીલેકા નામે એક ગામ. મુલકના મુખ્ય વિમાનીમથકનો તે વિસ્તાર. તે, વળી, આપણા આ ઈબ્રાહિમભાઈ રાઠોડનું ય થાણું. મલાવીમાં, તે અરસામાં, તેમને જયંતીલાલ કાશીરામ ઠાકર ‘જય મંગલ’ સાથે પરિચય થયો. મલાવીના દખણાદા વિસ્તારમાં, શાયર નદીને કાંઠે, હાલ ન્સાન્જા નામે મોટું નગર વસ્યું છે. એક દા, તે પૉર્ટ હેરલ્ડ તરીકે પ્રખ્યાત. ત્યાં આપણા આ જયંતીભાઈ ઠાકરનો વેપારવણજ ચાલે. મૂળ વાંકાનેરના આ જયંતીભાઈ ઠાકર વ્યવસાયે પત્રકાર અને એક અચ્છા સાહિત્યકાર. અને બંને વચ્ચે મૈત્રીનો પમરાટ કરતો બાગ ફૉરી રહ્યો. દાયકાઓથી દક્ષિણ લંડનના ટુટિંગ વિસ્તારમાં હાલ વસતા, કવિમિત્ર ‘જય મંગલ’ને કારણે પોતાની કવિતા ફૂલીફાલી છે, તેમ કહેતા ‘ખય્યામ”ની જીભ ક્યારે ય સૂકાતી જોઈજાણી નથી. વળી, ત્યાં મલાવી ખાતે, ‘ગુજરાતી સાહિત્ય મંડળ, બ્લાન્ટાયર’ નામની સંસ્થા ઊભી કરેલી તેમ જ આ બેલડી કવિઓએ તથા સાહિત્યરસિક મિત્ર ગોપાળભાઈ પી. પટેલ સરીખા બીજા કેટલાક સાહિત્ય-રસિકોઓએ સહિયારા સાહિત્યનો આંબો રોપી જાણ્યો, જેનો મૉર ત્યાં તેમણે સતત મોર્યો અનુભવ્યો.

મલાવીનિવાસ વેળા ‘ખય્યામ”ની કાવ્યરચનાઓ જેમ ઑલ ઇન્ડિયા રેડિયોના ‘દીપમાળા’માં પ્રસારિત થતી, તેમ, દેશવિદેશના વિવિધ સમસામયિકો, જેવાં કે, યુગાન્ડાનું “જાગૃતિ”, દક્ષિણ આફ્રિકાનાં “પથિક” અને “વ્યૂઝ એન્ડ ન્યૂઝ”, કેન્યાનાં “નવયુગ” અને “આફ્રિકા સમાચાર”, ગુજરાતમાં “રંગ તરંગ” અને “ભૂમિ”, બ્રિટનનાં “ગરવી ગુજરાત”, “ગુજરાત સમાચાર”, “નવ બ્રિટન” તથા “અસ્મિતા” વગેરે વગેરેમાં પ્રકાશિત થયેલી છે. વળી, ‘વૉઇસ ઑવ્ કેન્યા’ના ગુજરાતી વિભાગમાં પણ તેને સ્થાન મળ્યાનું સ્મરણ છે. ‘ખય્યામે’ કેટલીક વાર્તાઓ ય લખી છે. “નવયુગ”, “આફ્રિકા સમાચાર”, “જાગૃતિ” તેમ જ “અસ્મિતા”માં તે પ્રગટ થયેલી છે. તેમની ‘ઉફીટી” નામની એક સરસ વાર્તા ઘણાંને સાંભરતી ય હશે. તેમ ‘ગુલામ’, ‘ઉલ્કાપાત’, ‘વફાદાર !’, ‘લયલા અને મજનૂ’ તેમ જ ‘ઝંખના જાગી ઊઠી ... !’ પણ સારી વાર્તાઓ છે.

ઈબ્રાહિમભાઈ તેમ જ મરિયમબાઈને છ સંતાન. તેમાંથી એક દીકરો ગૂજરી ગયો છે. દીકરો અબ્દુલ મજીદ આશરે ૨૮ વર્ષ પહેલાં મલાવીમાં એક કાર અકસ્માતમાં માર્યો ગયેલો. તેના આઘાતમાંથી ‘ખય્યામ’ અને પરિવાર ક્યારે ય બહાર આવ્યું જ નથી. અબ્દુલ મજીદ વિમાન ચાલક હતો અને તે નવાસવા ચાલકોને તાલીમબદ્ધ કરાવવાની સેવાઓ આપતો હતો. તદુપરાંત, ગઈ સાલ, ૨૮ ફેબ્રુઆરીએ મરિયમબાઈએ પણ આછીપાતળી માંદગી બાદ વિદાય લીધી. દંપતીનો એક દીકરો, ઉમ્મર અમેરિકા સ્થાયી થયો છે અને બીજો, અન્દલીબ, અહીં ઑક્સફર્ડમાં વસે છે. શકીલા નામે એક દીકરી બાજુમાં નૉરબરીમાં સ્થાયી થઈ છે, જ્યારે બીજી દીકરી, નઝાકત વેસ્ટ ડ્રુયટનમાં પરણી છે. અને છેલ્લું સંતાન, ત્રીજી દીકરી, તરન્નુમ પિતા સાથે રહેતાં રહેતાં તેમની સવિશેષ સારસંભાળ લે છે.

એક અવસર, ખાસ સાંભરે છે. જુલાઈ ૧૯૮૦ના એ દિવસો. ‘ખય્યામ’ની મોટી દીકરી, શકીલાનું અહીં લંડનમાં લગ્ન લેવાયું હતું. શાયરે નિજી પ્રસંગે ભારે કમાલ કરી. લગ્નની અલગારી રસમે ઊજવણી તેમણે કરી જાણી. વાચકદોસ્ત, માનશો ? તેમણે યોજ્યો એક મુશાયરો. ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ હેઠળ, દક્ષિણ લંડનના પરાં ટુટિંગના મિલન સેન્ટરમાં દબદબો કર્યો. ઠેરઠેરથી કવિશાયરો ઊમટયાં હતાં. ભાગ લેનારાં કવિઓને ‘જય મંગલ’ દીધી એક પંક્તિ આગોતરી અપાઈ હતી : ‘પી ગયો છું હું !’ − બસ ! ... તેને કેન્દ્રમાં રાખીને જ કાવ્ય-રચના કરી પેશગી કરવાની હતી. ઉમંગ ચોમેરે છવાયો હતો, મુશાયરે શાયરો અને કવિઓ ઠાઠમાઠમાં હતાં અને મન મેલીને મોજે રજૂઆત કરતાં હતાં. સામૂકો ડાયરો પણ હીલોળા લેતો હતો. અને પછી છેવટે કવિ ‘ખય્યામે’ હોંશે હોંશે સૌને જમાડયાં ય હતાં. .... ભલા, આજકાલ, આવું કોણ કરે ?!

કવિ ‘ખય્યામ’માં ગુજરાતીતા સતત વહેતી ભાળી છે. તેમનો ભાષાપ્રેમ, આપણા વારસા માટેનો લગાવ અદકેરો જોવા અનુભવવા મળ્યો છે. ગુજરાતી ભાષાની તરફદારીની વાત કરતા હોય ત્યારે તેમની આંખોના ખૂણા ભીના થયા ન હોય તો જ નવાઈ પામવું. અનેક વખત તેમનું ગળું ય ગળગળું બન્યાનું અનુભવ્યું છે. આવા એક ‘પાંજો માળુ’નો, મારા બાપીકા વતનના ભાઈનો અંગત અંગત એક મીઠો પરિચય છે, તેનું મને સદા ય ગૌરવ છે. ઘણી ખમ્મા, ઈબ્રાહિમભાઈ. કવિ ‘ખય્યામ’ને સદા ય જૂહારપટોળાં હજો.

પાનબીડું :

हम कब तक ख़ुद को ख़ुद से नावाक़िफ़ रखेंगे

बरगद के शजर होकर कब तक गमले में पलेंगे

- मुन्तज़िर

આપણી ખુદની ખરી પહેચાન પ્રત્યે આપણે ક્યાં સુધી બેધ્યાન રહીશું ?

વટવૃક્ષ છીએ, આપણે કૂંડામાં, ભલા, ક્યાં સુધી પડ્યા રહીશું ?

- મુન્તઝિર

Category :- Profile