પેશાવરથી પેરિસ : અંદરની હિંસા અને બહારની હિંસામાં ફર્ક છે? ...

રાજ ગોસ્વામી
20-01-2015

યુરોપ બીજા મહાયુદ્ધમાં ઝુલસ્યું હતું ત્યારે એક અમેરિકન મહિલા જે. કૃષ્ણમૂર્તિને મળવા આવી હતી. એના બે દીકરા હતા. એક ઇટલીમાં ‘શહીદ’ થઈ ગયો હતો અને બીજો જે 16 વર્ષનો હતો એ યુદ્ધની ગિરફતમાં ન આવી જાય તે માટે કૃષ્ણમૂર્તિની મદદ લેવા આવી હતી. એણે એના માનસિક સંતાપ અને ઉકળાટની વાત કરી. કૃષ્ણમૂર્તિએ એને એમના ચિર-પરિચિત અંદાજમાં સૂચન કર્યું કે દીકરાને બચાવવો હોય તો એણે અમેરિકન હોવાની ઓળખ છોડી દેવી પડે, ધન-દોલત અને લાલચ જતી કરવી પડે, બીજા પર પ્રભુત્વ જમાવવાની કોશિશ બંધ કરવી પડે અને માત્ર રહેણી-કરણીમાં જ નહીં, વિચારોમાં, સંબંધોમાં સાવ સાદી જિંદગી જીવવાનું શરૂ કરવું પડે. મહિલાએ કહ્યું, ‘કૃષ્ણજી, આટલું બધું છોડવું તો બહુ અઘરું છે. આ બધી પરિસ્થિતિઓ સામે લડવા હું તો બહુ નાની છું.’

કૃષ્ણમૂર્તિએ આ કિસ્સો યાદ કરીને કહ્યું હતું કે એના દીકરાના વિનાશ માટે એ ખુદ જવાબદાર હતી. દુનિયામાં જે યુદ્ધ ચાલે છે તેના માટે પ્રત્યેક વ્યક્તિ જવાબદાર છે, કારણ કે એની અંદર પૈસાનું, પોઝિશનનું, સંબંધોનું, માન્યતાઓનું અને વિચારોનું યુદ્ધ ચાલે છે. કૃષ્ણમૂર્તિ કહેતા કે વૈચારિક માન્યતાઓમાંથી આતંક પેદા થાય છે. ચાહે એ માન્યતા રાષ્ટ્રવાદમાં હોય, આદર્શમાં હોય, ધર્મમાં હોય કે સંપ્રદાયમાં હોય, એ એકબીજાને તોડવાનું કામ કરે છે અને એ વિભાજન, અલગાવમાંથી ઘર્ષણ પેદા થાય છે.

પેશાવર કે પેરિસની આતંકી ઘટનાને ઇસ્લામિક આતંકવાદના ચશ્માંમાંથી જોઈને એને ‘એ તો એવા જ છે’ અથવા ‘મારે શું લેવા-દેવા?’ એવા સીમિત દાયરામાં મૂકી દેવું આસાન અને અનુકૂળ છે, પરંતુ યુદ્ધ કે આતંક કે હિંસા કે સંઘર્ષને સમજવો હોય તો કેન્દ્રમાં બીજી વ્યક્તિ નહીં, સ્વયં આપણે હોવા જોઈએ. દુનિયામાં જે પણ છે, સારું કે ખરાબ, એ આપણું જ એક્સ્ટેન્શન છે. દુનિયા આપણાથી અલગ નથી, આપણે જ દુનિયા છીએ.

આપણું પૂરું જીવન પસંદગીઓ આધારિત છે. આપણે આપણી જરૂરિયાતો અને માનસિકતા પ્રમાણે કેટલીક બાબતો સ્વીકારીએ છીએ અને કેટલીક બાબતો છોડી દઈએ છીએ. જીવનના વિભિન્ન સ્તર પર પસંદગી-નાપસંદગી, સ્વીકાર-અસ્વીકાર અને લગાવ-અલગવાની પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે. આ અવિરત પ્રક્રિયામાં એક સંઘર્ષ હોય છે.

જેને આપણે મહત્ત્વાકાંક્ષા કહીએ છીએ એ આ પસંદગીની પ્રક્રિયાનું જ બીજું નામ છે. આપણે કંઈક બનવા માગીએ છીએ, આપણે પદ અને પ્રતિષ્ઠા ઇચ્છીએ છીએ, આપણને ઇજ્જત અને વાહવાહી જોઈએ છીએ, આપણને આપણી આજુબાજુમાં મર્યાદિત માણસો પરની સત્તાનો વિસ્તાર કરીને સમાજ કે દેશ પર સત્તા જમાવવી છે, હું અભણ છું તો બુદ્ધિશાળી બનવું છે, અશાંત છું તો પલાંઠી મારી ધ્યાન ધરવું છે, એક પત્નીથી સંતોષ નથી તો બીજી સ્ત્રીનો સંગ શોધવો છે, સિગારેટથી કામ ચાલતું નથી એટલે દારૂની જરૂરિયાત છે, 25 હજારની નોકરી ઓછી પડે છે એટલે એક લાખની કંપનીમાં જવું છે, મોહ-માયાથી પેટ ભરાઈ ગયું છે એટલે ઉત્તમ સાધુ બનવું છે. પૂરી જિંદગી આપણે માનસિક આવેગો પ્રમાણે પસંદગી કરતા રહીએ છીએ. ‘કંઈક કરવાની’ અથવા ‘કંઈક બનવાની’ આ પ્રક્રિયા મહત્ત્વાકાંક્ષા છે. જીવન એટલા માટે સંઘર્ષોની એક લાંબી સાંકળ જેવું છે.

આપણી પોતાની અને આપણે જેને બાહ્ય જગત કહીએ છીએ તે દુનિયાની પૂરી કહાની આવી મહત્ત્વાકાંક્ષાઓની બનેલી છે. માણસે એની ઇચ્છા પ્રમાણે આ દુનિયાનો વિકાસ કર્યો છે. માણસ ગુફામાં રહેતો હતો ત્યાંથી બહાર નીકળીને એણે દુનિયામાં એ બધી જ વસ્તુઓનું સર્જન કર્યું જે એને પૂરા સંસાર, પૂરા બ્રહ્માંડમાં રહેવા લાયક સૌથી શ્રેષ્ઠ જગ્યા તરીકે સાબિત કરે. કૃષિ ક્રાંતિ, ઔદ્યોગિક ક્રાંતિ, ટેક્નોલોજિકલ ક્રાંતિ અને ઇન્ફર્મેશન ક્રાંતિના પડાવો પર માણસે જીવનને બહેતરથી અતિ બહેતર બનાવ્યું છે પરંતુ એને શાંતિ કેમ નથી મળી? વિકાસની આ પૂરી દડમજલના અંતિમ દોર પર એનો સંઘર્ષ કેમ ખતમ થયો નથી?

ચાહે વ્યક્તિગત જીવન હોય, સામાજિક જીવન હોય કે રાષ્ટ્રીય જીવન હોય - અા તમામ સ્તરે માણસ અસંતુષ્ટ, દુ:ખી અને ખિન્ન રહ્યો છે. માણસે જ્યારે જ્યારે નવો વિકાસ, નવી શોધખોળ, નવી સિદ્ધિ કે નવી ક્રાંતિ કરી છે ત્યારે ત્યારે એણે સુખ અને શાંતિના આગલા પડાવ પર જવાની આશા બાંધી છે. વિકાસની સફરમાં માણસને કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, પયગંબર, ગાંધી અને કૃષ્ણમૂર્તિ જેવા માર્ગદર્શક પણ મળ્યા છે પણ માણસનો સંઘર્ષ યથાવત્ રહ્યો છે, શાંતિની ચીસ થમી નથી.

એ આશ્ચર્ય નથી કે જે માણસે કલાકોમાં ઇન્ટરનેશનલ પ્રવાસ કરી શકાય તેવા જેટ પ્લેન બનાવ્યાં છે તે જ માણસે અત્યંત ઘાતક મિલિટરી ફાઇટર પ્લેન પણ બનાવ્યાં છે ? યુ. જી. નામના બીજા એક કૃષ્ણમૂર્તિ બ્રિટિશ ચિંતક બટ્રાન્ડ રસેલને મળ્યા ત્યારે તેમના વિશ્વશાંતિના પ્રયાસોની (સાચી) મજાક કરતાં યુ.જી.એ એમને કહ્યું હતું, ‘તમે જે હાઇડ્રોજન બોમ્બની નિંદા કરો છો અને તેના વિનાશની અપીલ કરો છે એ તમારા પોલીસમેનનું જ એક્સ્ટેન્શન છે. જે જાન-માલની રક્ષા કરવાની જરૂરિયાતમાંથી પોલીસમેનનો જન્મ થયો હતો તે જ જરૂરિયાતમાંથી હાઇડ્રોજન બોમ્બનો જન્મ થયો છે. બોમ્બને કાઢતા પહેલાં પોલીસમનને કાઢો. કાઢશો?’

પેશાવરમાં આતંકવાદીઓએ બંદૂકથી નિર્દોષ માણસને રહેંસી નાખ્યા અને આપણે કકળાટ કરી મૂક્યો. 2008માં અજમલ કસાબ અને એના બીજા 9 ‘ભાઈબંધો’એ ચાર દિવસ સુધી 12 શૂટઆઉટ અને બોમ્બિંગ કરીને 164 મુંબઈગરાને ઉડાવી દીધા હતા તેવી જ રીતે બે બંદૂકધારીઓએ પેરિસમાં બે દિવસમાં 20 માણસોને ઉડાવી દીધા.

આ કત્લેઆમમાં ઇસ્લામિક આતંકની વાસ્તવિકતા તો છે જ પરંતુ એથી ય મોટી વાસ્તવિકતા એ છે પરધર્મીની હત્યા કરવાના ધાર્મિક ઝનૂન પાછળ ગુફાવાસી આદિમાનવની એ સુરક્ષા છે જેના કારણે એણે ગધેડાના હાડકામાંથી ભાલો બનાવીને પાડોશીને માર્યો હતો.

માણસ એની હિંસક સંસ્કૃિતનો વારસદાર છે. દ્વિતીય મહાયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોએ ભેગા મળીને હિટલરનો ખાત્મો કર્યો ત્યારે એવી આશા હતી કે સંસારમાં હવે શાંતિનો સૂરજ ઊગશે. આજે 50 વર્ષ પછી દુનિયા આતંકના યુદ્ધ સામે ઝઝૂમી રહી છે. તમામ વિકાસ પછી પણ મરવાની અને મારવાની માણસની વૃત્તિમાં કોઈ ફરક આવ્યો નથી.

ગુફામાં બેસીને ગધેડાના હાડકાને અણી કાઢનારોએ માણસ આજે વ્હાઇટ હાઉસમાં બેઠો છે, અફઘાનિસ્તાનમાં બેઠો છે, ઇરાક-સીરિયામાં બેઠો છે કે ઉત્તર કોરિયામાં બેઠો છે.

મંચ પર ચઢીને આપણે એક બાજુ શાંતિ અને પ્રેમની વાતો કરીએ છીએ અને બીજી તરફ સેકન્ડોમાં સંહાર કરે તેવાં સાધનો ય બનાવીએ છીએ. આ ગડબડ નથી ? આશ્ચર્ય છે કે માણસ શાંતિ માટે યુદ્ધ કરે છે! જંગલમાં રહેતાં પશુ માણસ કરતાં ય હિંસક છે પરંતુ એ બીજા પશુને ત્યારે જ મારે છે જ્યારે એને ભૂખ મિટાવવાની હોય. પૃથ્વી પર માણસ એકમાત્ર એવું પ્રાણી છે જેની પાસે ભૂખ મિટાવવાનાં તમામ સાધન મોજૂદ હોવા છતાં એ માત્ર માન્યતા, શ્રદ્ધા કે વિચારને લઇને બીજા માણસની હત્યા કરે છે.

1985માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની 40મી વર્ષગાંઠ પર જે. કૃષ્ણમૂર્તિને વિશ્વશાંતિની ચર્ચા કરવા બોલાવાયા હતા. તેમણે ત્યારે કહ્યું હતું કે, ‘આપણે સ્વયંને એ સવાલ પૂછવો જોઇએ કે આપણી અંદર દુ:ખ, સંતાપ અને ચિંતાનું ક્યારે ય સમાપન થશે કે નહીં.’ મોટાભાગના લોકો પોતાના ગિરેહબાનમાં જોતા ડરે છે અને પોતાનામાં પરિવર્તન સામે પ્રતિરોધ પેદા કરી લે છે. વિકાસની લાંબી યાત્રામાં માણસનું મસ્તિક યુદ્ધ, હિંસા, સંઘર્ષ અને નફરત માટે સંસ્કારિત થઈ ગયું છે. માનવીય મસ્તક સંઘર્ષ અને હિંસાના સંસ્કારથી બંધાયેલું છે. આ મસ્તક એની સંસ્કારબદ્ધતાથી મુક્ત થઈ શકે?

મિલિટરી યુદ્ધ કહો કે ધાર્મિક આતંકવાદ, હિંસાની અનિવાર્યતા આપણી અંદર છે. ઘરમાં પતિ-પત્ની વચ્ચે કે પાડોશમાં બે પરિવાર વચ્ચે જે થઈ રહ્યું છે તે જ જુદા અને મોટા સ્વરૂપે બે દેશો કે બે સંપ્રદાયો વચ્ચે થઈ રહ્યું છે. મૂળ સવાલ એ છે કે માણસમાં વૈચારિક ક્રાંતિ કેવી રીતે આવે? નવા વિચારો, નવી માન્યતાઓ, નવા આદર્શો કે નવા ચિંતનોથી માણસની મૂળભૂત વૃત્તિમાં કોઈ ફરક આવ્યો નથી. એક ઉપાય માણસના મસ્તકમાં કેમિકલ પરિવર્તન લાવવાનો છે. એમ તો અમેરિકા જિનેટિક એન્જિનિયરિંગ દ્વારા ‘રોબોટિક સૈનિકો’ પેદા કરવા પર કામ કરી રહ્યું છે. જે મશીનની જેમ આદેશ પ્રમાણે જ કામ કરે. આ જિનેટિક ટેક્નોલોજી ભવિષ્યના આતંકવાદીઓના હાથમાં આવી જાય તો ?

તો ફરી પાછો મુંબઈ, પેશાવર અને પેરિસનો કકળાટ.

https://www.facebook.com/raj.goswami.31/posts/894211883962489:0

Category :- Opinion Online / Opinion