ગાંધી અને કલાકારો: સંસ્મરણ કથા અથવા 'અસહકાર'ના પ્રયોગો (ભાગ ૧ અને ૨ )

ગાંધી અને કલાકારો: સંસ્મરણ કથા અથવા 'અસહકાર'ના પ્રયોગો (ભાગ ૧)

ગાંધીજીને કળા સાથે શી લેવાદેવા? એમની સાથે વાત કરવી હોય તો સત્ય, અહિંસા, અપરિગ્રહ, ખાદી, ગરીબી, અસ્પૃશ્યતાનિવારણ, રાજકારણ, આસ્તિકતા, ગ્રામસુધાર, વિજ્ઞાન, આરોગ્ય વગેરે જેવા અનેક મુદ્દાઓ વિષે વાત થઈ શકે, પણ કળા?

૧૯૩૬માં અમદાવાદમાં ભરાયેલા સાહિત્ય પ્રદર્શનમાં રવિશંકર રાવળનાં ચિત્રો જોઈને તેમણે કહેલું, “રવિશંકર રાવળ જેવા અમદાવાદમાં બેઠા બેઠા પીંછી માર્યા કરે છે, પણ ગામડામાં જઈ શું કરે છે?.... જો કે, આજે તેનું પ્રદર્શન જોઈને મારી છાતી ઉછળી, કારણ કે પહેલાં અહીં આવા ચિત્રો ન હતા.... અહીં તો રવિશંકર રાવળ ચિત્રોમાં શબ્દોનું જ્ઞાન પૂરતા હતા, પણ સાચી કળા તો તેઓ મૂંગા રહે અને હું સમજી શકું એવી હોવી જોઈએ... છતાં મારી છાતી એમના ચિત્રો જોઈ ઉછળી... કળાને જીહ્‍વાની જરૂર નથી.” આ સંકલિત ઉદ્‍ગારોમાં કળા વિષે ગાંધીજી શું માનતા હતા એનો અંદાજ આવી શકે છે. એમ તો એક વખત કળાને તેમણે ‘ભર્યા પેટના ચાળા’ કહીને પણ નવાજી હતી.

ઉપરના ઉદ્‍ગારો પરથી એવું ફલિત થતું લાગે કે કળા બાબતે ગાંધીજીના મનમાં તેમના વિચારો અને રહેણીકરણી જેટલી જ સાદગીનો આગ્રહ હતો. કળાશાસ્ત્ર કે કળાવિજ્ઞાનને તેમણે ઝાઝું મહત્વ આપ્યું નહોતું. આ બાબતે તેમની સાથે થયેલા સવાલજવાબ જુઓ:

“બાપુ, આપને અતિશય ચાહનારા અને બુદ્ધિમાનો પણ માને છે કે આપે રાષ્ટ્રીય શિક્ષણમાં કળાને જાણે- અજાણે પણ સ્થાન નથી આપ્યું એ વાત સાચી?” શાંતિનિકેતન/ Shantiniketan ના એક વિદ્યાર્થીએ ગાંધીજીને આ પ્રશ્ન પૂછેલો. કળા અને સૌંદર્યને વરેલી કવિવર રવિન્દ્રનાથ ટાગોરની શાંતિનિકેતન વિદ્યાપીઠના વિદ્યાર્થીના મનમાં આવો પ્રશ્ન ન થાય તો જ નવાઈ! ‘સત્યમાં જ સૌદર્ય’ જોનારા બાપુએ જવાબ આપતાં કહેલું, ‘આ બાબતમાં મારા વિશે ફેલાયેલી ગેરસમજ સામાન્ય છે....’ એ પછી તેમણે કળાના આંતર અને બાહ્ય - એમ બે ભાગ પાડી, અંતરના વિકાસની વાત માંડી, બેમાંથી કોના પર કેટલો ભાર મુકવો એ જણાવ્યું અને ઉમેર્યું: “કળા માત્ર અંતરના વિકાસનો આવિર્ભાવ. માણસના આત્માનો જેટલો આવિર્ભાવ બાહ્ય રૂપમાં હોય તેટલી એની કિંમત...”

આનો શો અર્થ થાય? કોશિયો પણ સમજી શકે એવી ભાષાનો આગ્રહ રાખતા ગાંધીજીએ ખુદ કળાની વાત આવતાં કેવું અઘરું બોલવું પડ્યું? તેને સમજવા માટે બીજી વાર વાંચવું પડે કે નહિ? આને લઈને જ સામાન્યપણે એવી માન્યતા વ્યાપેલી છે કે કલાકાર અને ગાંધી? આ બન્નેનો શી રીતે મેળ પડે?

આ સંજોગોમાં અમને કૂતુહલ પેદા થયું કે ગાંધીજીનું ચિત્ર બનાવ્યું હોય, તેમનું શિલ્પ તૈયાર કર્યું હોય કે તેમની તસવીરો લીધી હોય એવા કલાકારોનો ગાંધીજી સાથેનો રૂબરૂ અનુભવ કેવો રહ્યો હશે? આ મુખ્ય વિચારની આસપાસ કામ કરતાં કલાકારોના જે રસપ્રદ અનુભવો જાણવા મળ્યા તેને અહીં આલેખવાનો પ્રયાસ કર્યો છે. આ પોસ્ટની વિશેષતા એ છે કે કુલ ત્રણ જણે તેના વિવિધ પ્રસંગો આલેખ્યા છે. એ ત્રણ જણ એટલે આપના વિશ્વાસુ ઉપરાંત કેતન રૂપેરા અને ઉર્વીશ કોઠારી. મઝા એ થઈ કે ત્રણેય વચ્ચે માત્ર એટલી જ વાત થઈ હતી કે આવું કંઈક આપણે કરવું છે. શી રીતે એનું આલેખન કરવું તેની કશી વાત થઈ નહોતી. અને છતાં જ્યારે ત્રણેય જણના લખેલા પ્રસંગોને ભેગા કર્યા તો લગભગ એક જ પેટર્નમાં તે લખાયેલા. એટલે અહીં તેમને સીધા મૂકી જ દેવામાં આવ્યા છે. ઉપરાંત જે તે કલાકારની કૃતિનો ઉલ્લેખ છે એ કૃતિને પણ અહીં મૂકી છે. એટલે ગાંધીજી/Gandhiji ની દૃષ્ટિએ કળાને થિયરીમાં જઈને સમજવા કરતાં હવે સીધા પ્રેક્ટિકલ પર એટલે કે ગાંધીજી અને કલાકારો વચ્ચે થયેલા નખશિખ અહિંસક એન્કાઉન્ટર્સ પર જ આપણે આવી જઈએ.

‘પાંચ રૂપૈયા બારહ દો આના’

અમદાવાદમાં ઇન્કમટેક્ષ ચાર રસ્તા પાસે ગાંધીજીની જે બેનમૂન પ્રતિમા છે તેના શિલ્પી એટલે કાંતીલાલ બી. પટેલ/ Kantilal B. Patel. નવ વખત ઓસ્કાર માટે નોમિનેટેડ અને બે વખત ઓસ્કાર એવોર્ડ મેળવનાર બ્રિટિશ ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર ડેવીડ લીને/ David Lean આ પ્રતિમા જોઈને કહ્યું હતું, "આટલા આબેહૂબ ગાંધી વિશ્વની બીજી કોઈ પ્રતિમામાં ઝીલાયા નથી. શિલ્પકારે ગાંધીજીના વ્યક્તિત્વને ઉપસાવનાર બધા જ ગુણોનું દર્શન આ શિલ્પમાં કરાવ્યું છે."

હૂબહુ ગાંધી, એવી એ પ્રતિમાથી માત્ર ડેવીડ લીન નહિ, યુ.એસ.એ. અને દક્ષિણ અમેરિકાની સરકાર પણ પ્રભાવિત થયેલી છે. યુએસએમાં ન્યૂયોર્કના મેનહટ્ટન/ Manhattan વિસ્તાર અને દક્ષિણ અમેરિકાના ગુયાનામાં જયોર્જ ટાઉન/ George Town માં કાંતીભાઈએ બનાવેલી ગાંધીજીની આવી જ પ્રતિમા શોભી રહી છે. ૮૮ વર્ષની તેમની ઉંમર અને સાઠેક વર્ષની કારકિર્દીમાં તેમણે અનેક મહાપુરુષોના શિલ્પો બનાવ્યાં છે. પણ ગાંધીજી પ્રત્યેનો તેમનો અનુરાગ તેમના વિચાર-વાણી-વર્તન બધામાં ઝળક્યા વિના ન રહે. એ આપણું સદ્‍ભાગ્ય છે કે કાંતિભાઈ હજીય આપણી વચ્ચે સદેહે છે. (તેમના વિષેની વધુ વિગતો બિનીત મોદીના બ્લોગ ‘હરતાંફરતાં’ પર અહીં http://binitmodi.blogspot.in/2012/09/blog-post_20.html ક્લીક કરવાથી વાંચી શકાશે.) પહેલી વાર તેમને ગાંધીજીનું શિલ્પ બનાવવાની ચાનક ચડી કે એ પહોંચી ગયા સીધા સેવાગ્રામ આશ્રમ/ Sevagram Ashram વર્ધા/ Wardha (મહારાષ્ટ્ર), આગોતરી કોઈ જ જાણકારી આપ્યા વગર. ગાંધીજીના અંગત સચિવની કામગીરી સંભાળતા સુશીલા નાયર/ Sushila Nayar ને મળ્યા. પોતાની ઈચ્છા જણાવી. તરત પરવાનગી મળી પણ ગઈ.

પણ શિલ્પ બનાવતાં અગાઉ ભરપૂર સ્કેચ બનાવવા પડે. આ સ્કેચ બનાવવા માટે કાંતિભાઈ બે-ચાર નહીં, પૂરા અગિયાર દિવસ ત્યાં રહ્યા. ગાંધીજીને દૂરથી નીરખતા રહ્યા અને શક્ય એટલા સ્કેચ દોરતા રહ્યા.

આ આખી ઘટના યાદ કરતાં કાંતિભાઈ કહે છે:

"ગાંધીજી કુટિરમાં રહે. પતલી ગાદીમાં બેસે. પાછળ તકિયો અને આગળ ઢાળિયું રાખે. બાજુમાં દિવાલ અને એક બારી પડતી. એટલે બારીની બહાર ઊભો રહીને હું સ્કેચ કરતો રહેતો. બે-ત્રણ દિવસ પછી બન્યું એવું કે તેમના મુલાકાતીઓની સંખ્યા વધી ગઈ. વાતવાતમાં ગાંધીજી ઘડીકમાં ડાબે ફરે, ઘડીકમાં જમણે ફરે. એને કારણે મને ખાસ્સી અગવડ પડે. આ સંજોગોમાં મને કુટિરની અંદર બેસવાનું મળે તો સારું. બીજા કોઈને આ વિષે કહેવા કરતાં ખુદ બાપુની પરવાનગી જ લઈ લઉં એમ વિચારીને હું અંદર ગયો. ગાંધીજી બેઠેલા હતા. હું ઊભો હતો.”

“મેં કહ્યું, ‘બાપુ, હું બહારથી તમારા સ્કેચ બનાવ્યા કરું છું. પણ મુલાકાતીઓ બહુ આવે છે ને એટલે હું ડિસ્ટર્બ થઈ જાઉં છું...” આગળનું વાક્ય હું પૂરું કરું એ પહેલાં જ આટલું સાંભળતાની સાથે એમણે માથું ઊંચું કર્યું અને બોલી ઉઠ્યા, “ડિસ્ટર્બ એટલે શું? ગાય, ઘોડું, ગધેડું, ભેંસ... ? અંગ્રેજી લોકો એમની ભાષામાં વચ્ચે ગુજરાતી શબ્દો બોલે છે? આપણને આપણી ભાષાનું સ્વમાન હોવું જોઈએ. જાઓ તમને હું બે આના દંડ કરું છું. આશ્રમમાં મેં આ નિયમ દાખલ કર્યો છે ને તમે પહેલા ઝડપાયા છો.”

‘એમ કહી તેમણે મને બે આના દંડ કર્યો. એ વખતે આશ્રમમાં જેઓ પોતાની મૂળ માતૃભાષા કે રાષ્ટ્રભાષામાં વચ્ચે અંગ્રેજી શબ્દો બોલે તેને બાપુ બે આના દંડ કરતા. એ દિવસોમાં બાપુએ બીજો પણ એક નિયમ કર્યો હતો. તેમની પાસે બહુ બધા લોકો ઓટોગ્રાફ લેવા માટે આવતા. એમાં તેમનો સમય બહુ જતો. એટલે એક ઓટોગ્રાફ આપવાની તેમણે પાંચ રૂપિયા ફી લેવાનું શરૂ કર્યું. આ રીતે એકઠું થયેલું ભંડોળ તેઓ હરિજન ફંડમાં જમા કરાવતા. થોડા દિવસ પછી મારા સ્કેચ પૂરા થયા. હવે મારે પાછા આવવાનું હતું. એમાંના એક ચિત્ર પર બાપુની સહી લેવા હું ગયો. એક ચિત્રમાં સહી કરાવવાના પાંચ રૂપિયા તો મેં આપ્યા જ, સાથે પેલા દંડના બે આનાય ભર્યા.

ગાંધીજી સાથે બીજી શી શી વાત થઈ હતી એ પૂછતાં કાંતિભાઈ કહે છે, “બસ, આ એક જ સંવાદ અમારી વચ્ચે થયો ૧૧ દિવસમાં. ” ગાંધીજી સાથેના (ખરેખર તો એમની આસપાસના) એ અગિયાર દિવસને કાંતિભાઈ જીવનના એક મહામૂલા અવસર અને મહાન ઘટના તરીકે મૂલવે છે. આટલા દિવસ ગાંધીજી સાથે રહ્યા તેમાં કળાકારો પ્રત્યેની ગાંધીજીની દૃષ્ટિ અંગે કાંતિભાઈ કહે છે: “એમને કલાકારો માટે બહુ પ્રેમ હતો. હરિપુરા કોંગ્રેસ સંમેલન (૧૯૩૮)ના તો પોસ્ટર્સ પણ તેમણે નંદલાલ બોઝ/ Nandalal Bose જોડે બનાવડાવ્યા હતા.... પણ કળાની એમને મન પ્રાથમિકતા નહોતી. એમને મન પ્રાથમિકતા માનવની હતી.”

ગાંધીજીની સાથે રહ્યા પછી, તેમના અનેક સ્કેચ બનાવ્યા પછી કાંતિભાઈએ તૈયાર કરેલા આ પહેલા શિલ્પમાં ગાંધીજી હિંદની પ્રજાને સ્વરાજ અપાવવાના ગહન ચિંતનમાં જ હોય એવો ભાવ ઉપસી આવે છે.

 

 

 

 

“તમારો લાગ શોધી લેજો.”

ગુજરાતના કલાપ્રેમીઓ માટે કળાગુરુ રવિશંકર રાવળનું નામ અને કામ અજાણ્યા ના હોય. એમની આત્મકથા 'ગુજરાતમાં કલાના પગરણ'માં વર્ણવ્યા મુજબ ગાંધીજી સાથેની પહેલી મુલાકાત એમના માટે તો જીવનનો લહાવો હતી, પણ ગાંધીજી માટે? ખુદ રવિશંકર રાવળ/ Ravishanker Raval ના શબ્દોમાં જ આ વાત વાંચીએ:

‘‘એ વર્ષના ઑક્ટોબરની બીજી તારીખે ગાંધીજીની ૫૦મી વર્ષગાંઠ આવતી હતી. તે નિમિત્તે કવિ ન્હાનાલાલે તેમનું સુપ્રસિદ્ધ કાવ્ય ‘ગુજરાતનો તપસ્વી’ લખ્યું. સ્વામી આનંદ/ Swami Anand ના હાથમાં તે આવતાં જ તેમણે તે હાજી મહમ્મદ/ Haji Mohammed ને ‘વીસમી સદી’/ Visami Sadi માં છાપવા મોકલ્યું. હાજીએ તરત તેનો સ્વીકાર કર્યો અને તાર કર્યો કે ગાંધીજીનો તાજો ફોટો મોકલો, યા સ્કેચ માટે રવિશંકર રાવળની સહાય લ્યો. ગાંધીજી ફોટોગ્રાફ લેવડાવવાની તો વિરુદ્ધ હતા, તેથી સ્વામીએ મહાદેવભાઈ અને નરહરિભાઈની મદદ લઈ ગાંધીજીને સમજાવ્યા કે તેઓ ફોટોગ્રાફની વિરુદ્ધ હશે, પણ હાથે ચિત્રકામ થાય તેનો વાંધો લેવો ન જોઈએ. સ્વામી મને ઘોડાગાડીમાં ચડાવી પહેલી જ વાર આશ્રમે લઈ ગયા.‘વીસમી સદી’નું કામ તો મારો સહજ આનંદ હતો, પણ ગાંધીજીનો સ્કેચ કરવાનો અવસર એ તો જીવનનો લહાવો હતો. અમે આશ્રમે પહોંચ્યા ત્યાં ઓસરીમાં નરહરિભાઈ મળ્યા. સ્વામીએ કહ્યું કે રવિભાઈને સ્કેચ માટે ખેંચી લાવ્યો છું. તેમણે કહ્યું કે જાઓ, અંદર બાપુ મહાદેવભાઈને કૈંક લખાવી રહ્યા છે. સ્વામીએ મને અંદર લઈ જઈ બાપુને કહ્યું કે રવિશંકર રાવળને સ્કેચ માટે લાવ્યો છું. મેં ખૂબ ભાવથી વંદન કર્યું ત્યાં તે બોલ્યા: “આવો રવિશંકરભાઈ, તમારા વિષે મેં ઘણું સાંભળ્યું છે. પણ જુઓ, હું તમારા માટે ખાસ બેઠક નહીં આપી શકું. મારું કામ ચાલુ રહેશે. તમે તમારો લાગ શોધી લેજો.”

મને મનમાં તો ધ્રુજારી છૂટી કે આવા મહાપુરુષનો આબેહૂબ ખયાલ પકડવા આવી સ્થિતિમાં કેમ હાથ ચાલશે. છતાં હિંમત કરી એક ખૂણે બેસી ગયો, અને ગાંધીજીની તે સમયની આખી બેઠકનું ચિત્ર પેન્‍સિલથી કર્યું. તેઓ એક પગ વાળીને ખાટલા પર બેઠા હતા. તે પર લખવાના કાગળોની પાટી હતી, ને બીજો પગ નીચે ચાખડીમાં ભરાવી રાખ્યો હતો. ચિત્ર પૂરું થયું ત્યારે હું ઉઠ્યો કે તરત તેઓ બોલ્યા: ‘બસ, તમારું કામ થઈ રહ્યું હોય તો જાઓ.’ મહાદેવભાઈએ તીરછી નજરે ચિત્ર જોઈ મલકી લીધું. બહાર નરહરિભાઈ કહે, “તમને તક મળી એટલી લ્હાણ માનો.” સહી-બહી મળવાની આશા તો શાની હોય? પણ એ ચિત્ર ‘વીસમી સદી’માં કવિના કાવ્ય સાથે પાનું ભરીને છપાયું.”

રવિશંકર રાવળે ગાંધીજીની સામે બેસીને તેમનો સ્કેચ દોર્યો હતો, તો વિનાયક મસોજીએ ગાંધીજી સાથે સંબંધિત એક ઘટનાનું ચિત્રરૂપે આલેખન કર્યું હતું. કઈ ઘટના હતી એ?

દાંડીકૂચ/ Dandi March ના અંતે ગાંધી દાંડી પહોંચ્યા ત્યારે સ્વાતંત્ર્ય સેનાની તરીકે, ચિત્રકાર નંદલાલ બોસના શિષ્ય વિનાયક એસ. મસોજી/ Vinayak S. Masoji સાબરમતી આશ્રમ પહોંચ્યા. ભારતમાં બ્રિટિશ શાસનના ટીકાકાર તરીકે જાણીતા રેજિનાલ્ડ રેનોલ્ડ્સ/ Reginald Reynolds પણ એ જ બપોરે આશ્રમ પર આવ્યા. બીજા દિવસે તે ગાંધીજીને મળવા દાંડી જવાના હતા. તેમણે વિનાયકને સાથે આવવા કહ્યું. આશ્રમથી મીરાબહેને ગાંધીજી પરના પત્રોનું બંડલ આપ્યું. એ લઇને વિનાયક દાંડી અને દરિયાની વચ્ચે આવેલી સત્યાગ્રહીઓની છાવણીમાં પહોંચ્યા. ગાંધીજીને મળ્યા. ગાંધીજીએ તેમને દાંડીમાં રહેવા અને રોજિંદી ગતિવિધિઓમાં ભાગ લેવા અંગે પૂછ્યું. વિનાયકે ના પાડી એટલે ગાંધીજીએ કહ્યું, ‘એ સારું છે.’ ગાંધીજી ઇચ્છતા હતા કે સૌ પોતપોતાના ઠેકાણે રહીને જ કામ કરે. એ રાત્રે તેમણે અને રેનોલ્ડ્સે વિદાય લીધી. પછી જાણવા મળ્યું કે સવારે બે વાગ્યે સરકારે ગાંધીજીની ધરપકડ કરી હતી. આ ઘટના વિનાયક મસોજીના મનની સ્કેચબુકમાં આબેહૂબ અંકાઈ ગઈ, જેના પરથી ખરેખરું ચિત્ર તો ઘણા વરસ પછી તે દોરવાના હતા. એ વાત વિનાયક મસોજીના શબ્દોમાં જોઈએ:

‘દરિયાકિનારે આંબાવાડિયામાં સત્યાગ્રહી છાવણીમાં ગાળેલા શાંતિપ્રિય જીવનની યાદ મારા મનમાં તાજી હતી... ગાંધીજીની ધરપકડનું ચિત્ર બનાવવાની મારી ઝંખના ઘણાં વર્ષ પછી માઉન્ટ આબુના એકાંતમાં સાકાર થઇ. એ ચિત્ર કોંગ્રેસના પ્રદર્શન દરમિયાન મૂકવામાં આવ્યું હતું. મહાત્માજીએ રાજકુમારી અમૃતકૌર, મહાદેવ દેસાઇ અને બીજા લોકો સાથે પ્રદર્શનની મુલાકાત લીધી હતી. ચિત્ર તરફ જોઇને રાજકુમારીએ ગાંધીજીને પૂછ્યું કે ચિત્ર કેવળ કળાકારની કલ્પના હતું કે ખરેખર એવું બન્યું હતું? ત્યારે મહાત્માજીએ શાંતિથી, ચહેરા પર સ્મિત સાથે કહ્યું, ‘યસ, યસ, એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી...ધે કેમ લાઇક ધેટ.’ (હા, બસ, બરાબર, બિલકુલ આવી જ રીતે, એ લોકો આવ્યા હતા.)

વિનાયક મસોજીનું ચિત્ર જોઈને ગાંધીજીએ રાજીપો બતાવ્યો, પણ વિનાયકે એ દોરવા માટે ગાંધીજીની સમક્ષ બેસવું પડ્યું નહોતું. બીજી રીતે કહીએ તો તેમણે ગાંધીજીનો ‘સામનો’ કરવાનો વખત આવ્યો નહોતો.

કોઈ ચિત્ર યા તસવીર માટે ગાંધીજીનો ‘સામનો’ કરવાનો આવે ત્યારે શી રીતે ‘સજ્જ’ થવું પડે એનો અંદાજ આ અનુભવ પરથી આવશે.

યુદ્ધ ફોટોગ્રાફરની શરણાગતિ

1946માં ગાંધીજી દિલ્હીના એ સમયે ‘ભંગી કોલોની’ તરીકે ઓળખાતા દલિત મહોલ્લામાં રહેવા ગયા ત્યારની વાત છે. ગાંધીજી અને બીજા સાથીદારોના રહેવા માટે જૂની ઝૂંપડીઓ તોડીને નવી, સાદી છતાં વધારે ઊંચી અને સગવડદાયક કુટિર તૈયાર કરવામાં આવી હતી. એવી કુટિરમાં રહેતા ગાંધીજીની તસવીરો લેવા માટે તેમના સચિવ પ્યારેલાલની પરવાનગી લેવાની રહેતી. સૌ પ્રથમ મહિલા યુદ્ધ-પત્રકાર (વૉર કોરસપોન્‍ડન્‍ટ) અને લાઇફ મેગેઝિન/ Life Magazine નાં ફોટોગ્રાફર તરીકેની નામના મેળવેલા માર્ગારેટ બોર્ક-વ્હાઇટ/ Margaret Bourke-white પ્યારેલાલને મળ્યાં, ત્યારે પ્યારેલાલે તેમને પૂછ્યું, ‘કાંતતાં આવડે છે?’ માર્ગારેટે ના પાડી, એટલે પ્યારેલાલે કાંતણના મહત્ત્વ અને મહાત્મ્ય પર લઘુપ્રવચન આપી દીધું. લાંબી ચર્ચા અને પ્યારેલાલ/ Pyarelal પાસેથી મહાપરાણે કાંતણના ક્લાસ લીધા પછી માર્ગારેટને ગાંધીજીની કુટિરમાં જવાની પરવાનગી મળી.

એ દિવસે ગાંધીજીનો મૌનવાર હતો. પ્યારેલાલે કહ્યું કે ગાંધીજી તમારી તરફ બિલકુલ ધ્યાન નહીં આપે - એટલે કે પોઝ નહીં આપે. (મૌન ન હોય એવા વખતે ગાંધીજી રસ્તામાં કે બીજે ક્યાંય માર્ગારેટને જોઇને કહેતા, ‘ધેર’ઝ ધ ટોર્ચરર અગેઇન.’) માર્ગારેટને એનો વાંધો ન હતો, પણ પ્યારેલાલે બીજો ધડાકો કર્યો, ‘તમને ખ્યાલ જ હશે કે તમારાથી ફ્લેશ નહીં વપરાય.’

પ્યારેલાલે કહ્યું કે ફ્લેશથી ગાંધીજીની દૃષ્ટિને ખલેલ પહોંચે છે. પણ કુટિરમાં એટલો ઓછો પ્રકાશ આવતો હતો કે ફ્લેશ વાપર્યા વગર છૂટકો જ ન હતો. થોડા વખત પહેલાં પ્રાર્થનાસભામાં ગાંધીજીએ માતાઓને સલાહ આપી હતી કે બાળકોને સૂરજ સામે જોવા કહેવું, જેથી તેમની દૃષ્ટિ સુધરે. આ અને આવી દલીલો કરીને મહાપરાણે માર્ગારેટે ત્રણ ફ્લેશબલ્બ વાપરવાની પરવાનગી મેળવી. કુટિરમાં પહોંચ્યા પછી માર્ગારેટે શું જોયું? એમના જ શબ્દોમાં :

‘પરિસ્થિતિ ધારણા કરતાં વધારે ખરાબ હતી. સૂર્યપ્રકાશ આવતો હતો ખરો, પણ એ (ફોટોગ્રાફીની દૃષ્ટિએ) સૌથી નકામી જગ્યાએથી આવતો હતો. ગાંધીજીના માથાની ઉપરના ભાગમાં એક ખુલ્લી બારી હતી. તેમાંથી આવતો પ્રકાશનો શેરડો સીધો મારા કેમેરાના લેન્સ પર પડતો હતો. તેમનું બદામી (નટ-બ્રાઉન) શરીર પ્રસરેલા પ્રકાશની ધૂંધળી ચમકમાં એકાકાર થઇ જતું હતું. શેડિંગ કે બીજી કોઈ કરામતથી તેનો ઇલાજ શક્ય ન હતો. એ સહેજ ઝૂકીને છાપાંનાં કટિંગ વાંચી રહ્યા હતા, એટલે તેમના ચહેરાની રેખાઓ (ફીચર્સ) પડછાયામાં અદૃશ્ય થઇ જતી હતી. પ્યારેલાલે કહ્યું હતું તેમ, એમણે મારા ભણી બિલકુલ લક્ષ ન આપ્યું. એ બદલ મેં તેમનો (મનોમન) આભાર માન્યો.

સામાન્ય રીતે સરસ કામ આપતાં મારાં શટર્સ અને સિન્ક્રોનાઇઝર્સ અચાનક એ જ વખતે વંકાયાં. કોઈ મોટા કે અઘરા માણસના ફોટા પાડતી વખતે હંમેશાં આવું થાય છે. ઇજિપ્તના કિંગ ફારુક/King Faroukh, વડાપ્રધાન ચર્ચિલ/ Churchill, ઇથિયોપિઆના રાજા/King of Ethiopia અને પોપ/Popeના ફોટા પાડતી વખતે પણ આવું જ થયું હતું. ઠંડી આબોહવામાંથી ગરમ આબોહવામાં આવવાને કારણે પણ સાધનોની ક્ષમતા પર અસર પડતી હતી. ફ્લેશબલ્બ લગાડતાં પહેલાં મેં સાધનને ‘છૂટું’ કરવા માટે થોડી ક્લિક કરી. ત્યારે શટરના વાંધા પડવા શરૂ થયા. એ ખુલ્યા પછી બંધ થવાનું નામ લેતું ન હતું. એનું ઠેકાણું પડ્યું ત્યારે બ્લેડ-એરેસ્ટર અને ફિલ્મ એડપ્ટર્સને વાંકું પડ્યું. ટ્રાઇપોડ ખોલ્યું ત્યારે તેના બે પાયા ટૂંકા જ રહ્યા ને ત્રીજો તેની મહત્તમ લંબાઇએ પહોંચી ગયો.

એટલી વારમાં ગાંધીજીએ કટિંગ વાંચવાનું પૂરું કરીને ચરખો કાંતવાનું શરૂ કર્યું. એ સાથે જ મને થયું કે પહેલો ફ્લેશબલ્બ વાપરવાનું જોખમ ખેડી નાખવું જોઇએ. પણ શટર ક્લિક અને ફ્લેશના ઝબકારા વચ્ચે સમયનો તફાવત જોઇને સ્પષ્ટ રીતે જ ખબર પડી ગઈ કે બન્ને વચ્ચે તાલમેળ (સિન્ક્રોનાઇઝેશન) ગોઠવાયો ન હતો. બીજો શોટ આબાદ લાગતો હતો અને હું રાજીરાજી થઇ ગઇ, પણ ત્યાં જ ખ્યાલ આવ્યો કે હું સ્લાઇડ ખેંચવાનું ભૂલી ગઇ હતી. ત્રીજી ક્લિક કરતાં પહેલાં મેં ઊંડો શ્વાસ લીધો., બધું બરાબર તપાસી લીધું, ગાંધીજીનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું, એ સૂતરના બારીક તાણાને પોતાના ઘઉંવર્ણા હાથ વડે કસબપૂર્વક, કળાત્મક રીતે પકડીને ઉપર લઇ જતા હતા, એ વખતે મેં ક્લિક કરી. આ વખતસે પણ બરાબર ક્લિક થઇ હોય એવું લાગ્યું. મેં મારો સરંજામ ઉપાડ્યો અને દોડી કુટિરની બહાર. એ વખતે મને લાગ્યું કે હજુ હું પૂરેપૂરી યંત્રો પર આધારિત થઇ ગઇ નથી. અલબત્ત, એ વાત પરનો મારો પૂરેપૂરો ભરોસો તો આખરી પરિણામ જોયા પછી જ પાછો બેઠો.’

એ ફોટો એટલે ગાંધીજીની સૌથી પ્રસિદ્ધ તસવીરોમાંની એક.

 

 

(વધુ સંસ્મરણો ભાગ-ર માં)

(તસવીરો: કાંતિલાલ પટેલની બન્ને તસવીર: કેતન રૂપેરા, રવિશંકર રાવળની તસવીર નેટ પરથી, ગાંધીજીનો સ્કેચ 'વીસમી સદી'ની ડીજીટલ આવૃત્તિમાંથી)

ગાંધી અને કલાકારો: સંસ્મરણ કથા અથવા 'અસહકાર'ના પ્રયોગો (ભાગ ૨)

કલાપ્રેમી ગાંધી

વિખ્યાત બંગાળી ચિત્રકાર નંદલાલ બોઝ/ Nandlal Bose ને 1936માં ગાંધીજીનું કહેણ આવ્યું. લખનૌ કોંગ્રેસના સંમેલન/ Lucknow Congress Session માં તેમણે ચિત્રોનું પ્રદર્શન ગોઠવવાનું હતું. શિષ્ય વિનાયક મસોજીના ચિત્રો જોઈ ગાંધીજીએ છ વર્ષ પહેલાં રાજીપો વ્યક્ત કરી દીધો હતો. (એ પહેલા ભાગમાં જાણ્યું.) એટલે ગાંધીજી ભારે ‘કળાપ્રેમી’ એવું નંદલાલ બોઝ માનતા થઈ ગયા હશે, એમ આપણે ધારી લઈએ તો ખોટા ઠરીએ. ગાંધીજીનો કલા અને કલાકારો પ્રત્યેનો અભિગમ કલાજગતમાં જાણીતો હોવો જોઈએ. ગાંધીજી માટે પોતાના શિષ્ય સિવાયના કળાકારો પાસેથી જાણેલું-સાંભળેલું કદાચ નંદલાલ બોઝ પર વધારે ઘેરી અસર છોડી ગયું હશે, પણ અહીં તેમને થયેલો અનુભવ તેમના જ શબ્દોમાં જોઈએ:

“મેં સાંભળ્યું હતું કે કળાના મામલે એ (ગાંધીજી) બહુ આગ્રહી ન હતા, પણ એ છાપ સંપૂર્ણપણે ખોટી પડી. લખનૌ પ્રદર્શનમાં મુકાયેલું એકેએક ચિત્ર તેમણે કળાત્મક દૃષ્ટિથી જોયું-તપાસ્યું. એ વખતે બનેલા નાનકડા પ્રસંગથી સૌંદર્ય અને પ્રમાણભાનની તેમની વૃત્તિનો મને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો. પ્રદર્શનખંડમાં સાદગીપૂર્ણ સામગ્રીથી સુશોભન કરેલું હતું.... અમારું કામ જોઇને તેમણે રાજીપો વ્યક્ત કર્યો. ખંડની સજાવટમાં ઝીણી ઝીણી વિગતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું, પણ કોઈની ગફલતથી એક ટેબલ નીચે બાલદી રહી ગઇ હતી. એ અમારા ધ્યાન બહાર ગયું હતું, પણ ગાંધીજી ખંડમાં દાખલ થયા એ સાથે જ તેમણે કહ્યું, ‘પેલી બાલદી આખી જગ્યાની સુંદરતામાં ભંગ પાડતી નથી?’ એ રોજ પ્રદર્શનમાં આવતા હતા અને સારો એવો સમય વીતાવતા હતા.”

પણ બધા કલાકારો નંદલાલ બોઝ જેવા નસીબદાર નથી હોતા. સમય વીતાવવાની વાત તો બાજુ પર રહી, કામમાં વ્યસ્ત ગાંધીજી કેટલાક કલાકાર સાથે નજર પણ ન મિલાવે તો? એવા એક શિલ્પકાર એટલે જો ડેવિડસન/Jo Davidson.

 

ગાંધીનું માથું ગબડ્યું

ડેવિડસનના પરિચયમાં એક સમયે એવું કહેવાતું હતું કે તેમણે જેનું શિલ્પ ન બનાવ્યું હોય, તે મોટો માણસ ન કહેવાય. અમેરિકાના ડેવિડસનની કારકિર્દીનો મોટો હિસ્સો ફ્રાન્સમાં વીત્યો, પણ પોતાના સમયના મહાનુભાવોને શિલ્પમાં ઢાળવા માટે તે બહાર ફરતા રહેતા હતા. ગાંધીજી ગોળમેજી પરિષદ (1931)/ Round Table Conference માટે બ્રિટન ગયા ત્યારે ‘એસોસિએટેડ પ્રેસ’/ Associated Press માં કામ કરતા તેમના મિત્ર જિમ મિલ્સે ડેવિડસન વતી ગાંધીજીની પરવાનગી મેળવી. ડેવિડસન લંડન આવ્યા અને મિલ્સ સાથે ગાંધીજીના ઉતારે નાઇટ્સબ્રિજ/Knightsbridge પહોંચ્યા. ત્યાર પછીની વાત ડેવિડસનના શબ્દોમાં :

"અમે દાખલ થયા ત્યારે બ્લેન્કેટમાં વીંટળાયેલા ગાંધીજી ભોંય પર ભીંતને અઢેલીને બેઠા હતા. સામે ચરખો પડ્યો હતો. એ જોઇને મારા મનમાં પહેલી છાપ પડી : ‘આ માણસ કેટલો નિરાંતમાં છે.’ તેમના ચહેરામાં કાન અલગ તરી આવતા હતા અને આગળનો દાંત પડેલો હતો. એ હસતા હતા ત્યારે દાંતની જગ્યાએ ખાલી જગ્યા દેખાતી હતી. આ છબી ક્ષણભર જ ટકી. અચાનક ગાંધી મને સુંદર જણાવા લાગ્યા.

શિલ્પ માટે હું ગાંધીની થોડી તસવીરો લઇ ગયો હતો. એ જોઇને ગાંધીજીએ કહ્યું,’હું જોઉં છું કે તમે માટીમાંથી મહાનુભાવો સર્જો છો.’

મેં પણ વળતી રમૂજ કરી, ’હા, અને ક્યારેક એનાથી ઉલટું પણ.’

ગાંધી હસ્યા અને બીજા દિવસે મને સિટિગ આપવા તૈયાર થયા. મારી અસલ યોજના ફક્ત તેમના માથાનું શિલ્પ બનાવવાની હતી, પણ મેં સફેદ વસ્ત્રોમાં ગાંધીજીને ચરખો ચલાવતા જોયા ત્યારે મને થયું કે તેમનું પૂરા કદનું શિલ્પ બનાવવું જોઇએ. એ નીતાંત પવિત્ર પુરૂષ લાગતા હતા.

એ સાંજે હોટેલ પર જઇને મેં પૂરા કદનું શિલ્પ ઊભું કરી શકાય એવું આર્મેચર બનાવ્યું. બીજા દિવસે સવારે હું કામે પહોંચ્યો. શરૂઆતમાં મહાત્મા મારી હાજરીથી અસવસ્થ જણાતા હતા. જ્યારે પણ અમારી આંખો મળે ત્યારે તેમની આંખમાં વ્યથા દેખાતી હતી. પણ એમણે વચન આપ્યું હોવાથી તે કંઇ બોલ્યા નહીં.

લોકોની અવરજવર ચાલુ રહી અને હું કામ કરતો રહ્યો. ગાંધી એવી રીતે વર્તતા હતા, જાણે રૂમમાં – અરે, રૂમમાં તો શું, અમસ્તું પણ મારું અસ્તિત્ત્વ જ ન હોય. તેમણે મારી અવગણના ચાલુ રાખી. શિલ્પ બનાવવામાં બન્ને પક્ષોની સામેલગીરી જરૂરી છે, પણ આ કિસ્સામાં બધું મારે જ કરવાનું હતું, કારણ કે મારા વિષય તરફથી મને કોઈ જ સહકાર મળતો ન હતો.... સાંજ સુધીમાં હું આખું ફીગર ઊભું કરી શક્યો... એને મેં રૂમના ખૂણે ગોઠવ્યું. એ બહુ નાજુક હતું. માટી હજુ લીલી હતી અને આર્મેચર પણ મજબૂત ન હતું. મેં તેને ઉતાવળે અને ઉત્તેજનાપૂર્ણ મનોદશામાં તૈયાર કર્યું હતું. મેં એને હળવેથી એવી રીતે ઢાંક્યું, જેથી હવા અંદર જઇ શકે અને તે સુકાય તો બીજા દિવસે તેની અવસ્થા સારી બને. તેની પર મેં ‘પ્લીઝ ડુ નોટ ટચ ઓર મૂવ’ ની નિશાની મૂકી અને ભારતીયોને (ગાંધીજીના સાથીદારોને) વિનંતી કરી કે મહેરબાની કરીને તેને અડતા નહીં...

બીજા દિવસે સવારે હું પહોંચ્યો ત્યારે બારણામાં જ ગાંધીજીના પુત્ર દેવદાસ/Devdas Gandhi મળ્યા. તેમણે કહ્યું, ‘તમારા માટે એક ખરાબ સમાચાર છે.’ એ સાંભળીને મારું હૈયું એક ધબકાર ચૂકી ગયું. મને થયું કે દેવદાસ કહેશે કે તેમના પિતાએ (સિટિંગ આપવા અંગેનો) વિચાર બદલી નાખ્યો છે. હું દાદર ચડીને દેવદાસની સાથે ગયો. જોયું તો મારું તૈયાર કરેલું માળખું રૂમની વચ્ચોવચ્ચ હતું અને તેની ઉપરથી માથું ગબડીને ભોંયતળીયે પડ્યું હતું. હું નિરાશ થઇને ઊભો હતો. એવામાં ગાંધી આવ્યા.

ગાંધી ત્યાં ઊભા હતા ત્યારે મને પહેલી વાર ખ્યાલ આવ્યો કે એ કેટલા ટચૂકડા અને દુબળા હતા.

‘યુ સી. તમારે આ ન કરવું જોઇએ.’ એમણે કહ્યું.

મેં જવાબ આપ્યો, ‘યુ આર ક્વાઇટ રાઇટ, સર. હું હવે ફક્ત બસ્ટ કરીશ.’...

ફરી કામ શરૂ થયું... ગાંધીએ મને કહ્યું,’તમે રૂમમાં બહુ જગ્યા રોકો છો. હું કેવળ વામનજી છું ને તમે મને ભીંસી નાખશો. તેમ છતાં, મારું તમારે જે કરવું હોય તે કરો. (ડુ વીથ મી એઝ યુ લાઇક)’.

ગાંધીનો ચહેરો એકદમ ચંચળ હતો, દરેક રેખાતો ધ્રુજતી હતી અને વાત કરતી વખતે સતત તેમનો ચહેરો બદલાતો હતો. મેં કામ કર્યું ત્યાં લગી તેમણે મારી પર પેસિવ રેઝિસ્ટન્સનો પ્રયોગ કર્યો...મારી સામે એક વાર પણ જોયું નહીં. પણ હું કામ વચ્ચે શ્વાસ ખાવા માટે તેમની સાથે બેસતો ત્યારે તે એકદમ સરસ રીતે વાત કરતા. મુલાકાતીઓનો પ્રવાહ સતત ચાલુ હતો... કેટલાક તેમને વિચિત્ર સવાલ પણ પૂછતા. એકે ‘મહાત્મા’નો અર્થ પૂછ્યો, ત્યારે એમણે કહ્યું હતું, ‘નગણ્ય માણસ.’..

કામ પૂરું થયા પછી ડેવિડસને એક પત્રમાં લખ્યું હતું, "હું ઘણાને મળ્યો છું અને ઘણાને (શિલ્પમાં) ઢાળ્યા છે, પણ આવા માણસને હું પહેલી વાર મળ્યો. He merely allowed himself to be `done` And in the end it is I who was ‘done’. " [પોતાની જાતને (શિલ્પમાં) ઢાળવાની તેમણે મને ફક્ત પરવાનગી જ આપી હતી (બીજો કોઈ સહકાર નહીં), છતાં અંતે તો હું જ ઢાળિયો થઇ ગયો.]

આ તસવીર એસોસિએટેડ પ્રેસના એક ફોટોગ્રાફરે, (ડેવિડસનના લખ્યા પ્રમાણે) કેમેરા કરતાં પણ મોટો લેન્સ વાપરીને મકાનની બારીમાંથી લીધી હતી. કારણ કે ગાંધી રૂમમાં ફોટોગ્રાફર કે ફ્લેશલાઇટ માટે પરવાનગી ન આપતા. કલાકારોના મામલે ગાંધીજીને બરાબરના ઓળખી ગયેલા ડેવિડસને જણાવ્યું છે, ‘મને ખાતરી છે કે આ ફોટો વિશે ગાંધીને ખબર ન હતી.’ (નહિ તો?)

ખેર, ડેવિડસને તો માત્ર ગાંધીજીનો અસહકાર જ વેઠવાનો આવ્યો. પણ કોઈએ તેમની આકરી અકળામણનોય ભોગ બનવું પડ્યું હોય, એવું કલ્પી શકાય? હા, લાઠી કે બંદુકને સામી છાતીએ ઝીલતાય ન ડગતા ગાંધીજી કેમેરાના ફ્લેશથી ક્યારેક ગુસ્સે થઈ જતા તો ક્યારેક ભારે અકળાઈ જતા.

યે લડકી....

ભારતના પ્રથમ મહિલા ન્યુઝ ફોટોગ્રાફર હોમાય વ્યારાવાલા/ Homai Vyarawalla ને, પોતે દિલ્હીમાં જ રહેતા હોવાના કારણે ગાંધીજીની તસવીર લેવાના પ્રસંગો બનતા રહેતા. ગાંધીજી સાથે તેમનું ખરું ‘એન્‍કાઉન્‍ટર’ થયું દિલ્હીની ભંગી કોલોનીમાં. અહીં યોજાયેલી પ્રાર્થનાસભામાં ગાંધીજી ઉપસ્થિત રહેવાના હતા. તેમની તસવીરો લેવા માટે હોમાયબેન પહોંચી ગયાં. શિયાળાના દિવસો. સાંજે અંધારું વહેલું થઈ જતું હોવાથી કુદરતી પ્રકાશમાં તસવીરો લેવી શક્ય નહોતી. ફ્લેશગનનો ઉપયોગ ફરજિયાત કરવો પડે એમ હતો. એ સમયની ફ્લેશગન એટલે મીની પાવરહાઉસ જ જોઈ લો. તેના ઝબકારાથી આંખો રીતસરની અંજાઈ જાય. ગાંધીજી પ્રાર્થનાસભામાં પ્રવેશ્યા ને એ સાથે જ હોમાયબહેને ઉપરાઉપરી બે ફોટોગ્રાફ લઈ લીધા. ફ્લેશગનના આંજી દેતા ઉપરાઉપરી બે ઝબકારા થયા.

ગાંધીજી અકળાઈ ગયા અને બોલ્યા, “યે લડકી મુઝે અંધા નહીં બનાયેગી, તબ તક નહીં જાયેગી.” ગાંધીજીનો ગુસ્સો જોઈને તેમની ‘ટેકણલાકડી’ઓમાંની એક દોડીને હોમાયબહેન પાસે આવી અને સમજાવટના સૂરે કહ્યું, “તમે હમણાં ફોટો ન લેતાં. નહીં તો એ ગુસ્સે થઈ જશે તો કેમેરા પણ તોડી નાંખશે.”

હોમાયબહેને આમ પણ કેમેરા ‘મ્યાન’ કરી દીધો હતો. પોતાને જોઈતી તસવીરો તેમને મળી ગઈ હતી. એટલે તે નીકળી ગયાં.

ત્યાર પછી ‘થર્ડ જૂન પ્લાન’/Third June Plan તરીકે ઓળખાતી દેશના વિભાજન માટેનો મત લેવા યોજાયેલી મીટિંગના આગલે દિવસે ઓલ ઈન્‍ડીયા કોંગ્રેસ કમિટી/ All India Congress Committee એ આ બાબતે ચર્ચા કરવા માટે મીટીંગ બોલાવેલી. આ એવી મીટીંગ હતી, જેનું પરિણામ ચર્ચા પહેલાં જ નક્કી હતું. આ મીટીંગમાં હોમાયબહેન ઉપરાંત બીજા એક જ ફોટોગ્રાફર પી.એન.શર્મા/ P.N. Sharma હાજર હતા. કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ આચાર્ય કૃપલાણી/ Acharya Kripalani આ મીટિંગમાં હાજર રહેલા ફોટોગ્રાફર બાબતે નારાજગી વ્યક્ત કરતા હતા. રામમનોહર લોહીયા/ Ram manohar Lohia, જયપ્રકાશ નારાયણ/ Jayaprakash Narayan થી લઈને મૌલાના આઝાદ/ Maulana Azad, ખાન અબ્દુલ ગફારખાન/Khan Abdul Ghaffar Khan અને ગાંધીજી પણ મીટિંગમાં ઉપસ્થિત હતા. ગાંધીજી અને ખાન અબ્દુલ ગફારખાન ડૉ. સુશીલા નાયર/ Dr. Sushila Nayar ની સાથે મીટિંગમાં આવી રહ્યા હતા ત્યારે હોમાયબહેને તેમની તસવીર લીધી હતી.

ગાંધીજીની સામે જઈને તેમને નડે એ રીતે તસવીર લેતાં તે અકળાઈ જાય એમ ઘણી વાર બનતું. પણ ચૂપચાપ, પોતાની જગાએ ઉભા રહીને જોઈતી તસવીર લઈ લેતા ફોટોગ્રાફરને ખાસ વાંધો આવતો નહીં.

 

 

આમ લેવાઈ એ અમર તસવીર

આવું જ બન્યું હતું ગાંધીજીની અનેક યાદગાર તસવીરો ઝડપનાર સ્વાતંત્ર્યસેનાની ફોટોગ્રાફર જગન મહેતા/ Jagan Mehta સાથે. તેમના જ શબ્દોમાં એ બયાન વાંચીએ:

‘1947ના માર્ચ મહિનાનું છેલ્લું અઠવાડિયું હતું. ગાંધીજી ત્યારે બિહારના જહાનાબાદ/Jahanabad માં તોફાનોનો શિકાર બનેલા લોકો વચ્ચે ફરતા હતા. તેમનો ઉતારો ડો. સૈયદ મહેમૂદના બંગલે હતો. ગાંધીજી કયા સમયે ક્યાં ફરે છે, તેનું હું બરાબર ધ્યાન રાખતો હતો. મળસ્કે ફરવા જવાનો તેમનો રૂટ પણ મેં જોઇ લીધો હતો. આ બધું જાણી ગયા પછી એક સવારે હું બરાબર સજ્જ થઇને ગાંધીજીના મોર્નિંગ વોકના માર્ગ પર પહોંચી ગયો અને મારી પોઝિશન લઇને ગોઠવાઇ ગયો. કયા એન્ગલથી દૃશ્ય લેવું અને ફ્રેમમાં શું આવશે, એ તો મેં વિચારી રાખ્યું હતું. મનમાં થોડા ફફડાટ સાથે હું ગાંધીજીની રાહ જોતો હતો અને ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મને સારો ફોટો મળે તેમ કરજો. વાતાવરણમાં પરોઢિયાનો ધુમ્મસમિશ્રિત પ્રકાશ છવાયેલો હતો. નક્કી સમયે મનુબહેન-આભાબહેનના ખભે હાથ મૂકીને મક્કમ ડગલાં ભરતા ગાંધીજી દૃષ્ટિમાન થયા. સાથે પહાડ જેવા પડછંદ પઠાણ બાદશાહખાન હતા. ચાલતાં ચાલતાં જેવા એ લોકો મારી કલ્પેલી ફ્રેમમાં આવ્યા કે તરત મેં ચાંપ દાબી. ત્યાર પછી આ સ્થળે અને સમયે જુદા જુદા દિવસોએ મેં પાંચ-છ ક્લિક કરી. સદ્‍નસીબે તેમાંથી બે-ત્રણ તસવીરો ખરેખર માસ્ટરપીસ થઇ.’

જગનદાદાની આ શ્રેણીની તસવીર એટલે જેના વિના કોઈ પણ ગાંધીસંગ્રહાલય અધૂરું ગણાય એવી ‘ટોવર્ડ્ઝ ધ લાઇટ’/Towards the light (પ્રકાશભણી). ગાંધીજીની શાંતિયાત્રાની ચુનંદી આઠ તસવીરોનો એક સંપુટ પ્રસિદ્ધ થયો. તેના પ્રારંભમાં કાકાસાહેબ કાલેલકરે/Kakasheb Kalelkar લખ્યું હતું, ‘ચિત્રકાર જગન મહેતા કો ભારતવર્ષ કી ઓર સે ધન્યવાદ મિલના ચાહિયે.’

એક વાત છે કે, ગાંધીજીનાં પૂતળાં તેમના જીવતેજીવ બનવા લાગ્યાં હતાં. કદાચ જાહેર સ્થાનોએ મૂકાવાના શરૂ ન થયાં હોય એમ બને. આટલા કલાકારોમાંથી મોટા ભાગનાના અનુભવ પરથી લાગે કે શું ગાંધીજીએ બધા કલાકારોને પણ જાણે એ અંગ્રેજો હોય એમ સમજીને 'અસહકાર' જ કર્યે રાખ્યો? એનો એક શબ્દનો જવાબ ત્વરિત ‘ના’ જ હોય અને ઊંડાણપૂર્વકનો જવાબ આ હોય, જેમાં કલાકારો અને ગાંધીજી બંનેના દૃષ્ટિકોણનો સમાવેશ હોય.

૧૯૪૭ની સાલ. એ સમયે મુંબઈમાં દસ લાખના ખર્ચે તેમનું પૂતળું તૈયાર કરાવીને મૂકવાની હિલચાલ થઈ રહી હતી. આ બાબતે શું માનતા હતા ગાંધીજી પોતે?

મારું પૂતળું?

મુંબઈમાં મારું પૂતળું કોઈ જાહેર જગ્યામાં દસ લાખ રૂપિયાના ખર્ચે મુકવાની વાત ચાલી રહી છે. તે બાબત મારી ઉપર ઠીક તીખા કાગળ આવ્યા છે. કેટલાક વિનયવાળા છે; કેટલાક એવા રોષવાળા છે કે કેમ જાણે હું જ મારું પૂતળું બનાવરાવી ખડું કરવાનો ના હોઉં! કાગનો વાઘ તો થયા જ કરવાનો. મૂળમાં કેટલું તથ્ય છે એ વિચારવાનું કામ શાણાનું છે.... મારે કહેવું જોઈએ કે મને તો મારો ફોટો લેવાય એ પણ પસંદ નથી. ફોટો કોઈ ખેંચે છે તો તે ગમતું નથી. પણ કોઈ કોઈ ખેંચી લે છે. બાવલાં પણ બન્યાં છે. છતાં મારા વિચાર ઉપર પ્રમાણે હોઈ મારું પૂતળું પૈસા ખર્ચીને ખડું કરવાની વાત મને ગમે તેવી નથી. અને આ કાળે જયારે લોકોને ખાવાના સાંસાં છે, પહેરવાનાં કપડાં ના મળે. આપણાં ઘરમાં, ગલીઓમાં ગંદકી હોય, ચાલોમાં માણસ જેમ તેમ ખડકાય, ત્યાં શહેરોના શણગાર શા? એટલે મારું ખરું બાવલું મને ગમતાં કામો કરવામાં હોય. દશ લાખ રૂપિયા ઉપરનાં કામોમાં ખર્ચવાથી લોકોની સેવા થાય ને ખર્ચાયેલા પૈસા ઊગી નીકળે. તેથી મને આશા છે કે મજકૂર પૈસા એથી વધારે લોકસેવાનાં કામોમાં વપરાય. એટલા રૂપિયા નવું અનાજ પેદા કરવામાં વપરાય તો કેટલા ભૂખ્યાનું પેટ ભરાય?”

Reference : http://birenkothari.blogspot.co.uk

Category :- Gandhiana