સરાહનીય ‘યજ્ઞ’ કાર્ય

ડંકેશ ઓઝા
09-11-2014

તા. ૧૨-૧૦-’૧૪ને રવિવારના રોજ ગૂજરાત વિદ્યાપીઠના ‘અહિંસા શોધ ભવન’માં યજ્ઞ પ્રકાશનના ઉપક્રમે તાજેતરનાં બાર પ્રકાશનોનો લોકાર્પણ કાર્યક્રમ અને બપોરના ભાગમાં પખવાડિક ‘ભૂમિપુત્ર’ના વાચકોના મિલનનો કાર્યક્રમ યોજાઈ ગયો. શ્રોતાઓની સંખ્યા પ્રમાણમાં બંને કાર્યક્રમોમાં સારી રહી. આજના સમયમાં આ પ્રવૃત્તિનુ જે મહત્ત્વ છે તે દૃઢીભૂત થયું.

૧૯૫૩થી ‘ભૂમિપુત્ર’ સામયિક પ્રગટ થાય છે. શરૂઆતમાં તે દસવારિક હતું. ભૂદાન આંદોલનના એ દિવસોમાં સામયિક શરૂ કરવાનાં બીજ સાબરમતી આશ્રમમાં મળેલી ચારેક મિત્રોની મંડળીમાં રોપાયેલાં, જેમાં પ્રબોધ ચોકસી, નારાયણ દેસાઈ, ચુનીભાઈ વૈદ્ય અને સૂર્યકાંત પરીખ હતા, સાથે ભાઈદાસ પરીખ વગેરે પણ ખરા. ચુનીકાકાએ સંસ્મરણો વાગોળતાં પ્રબોધ ચોકસીને આ મિત્રમંડળીમાં ખરા ‘જિનિયસ’ ગણાવ્યા! આખી પ્રવૃત્તિનો ઘણો બધો યશ તેમને જાય છે એમ પણ કહ્યું. સમયાન્તરે સૂર્યકાન્ત પરીખ સિવાયના આ ત્રણ મિત્રો ઉપરાંત ભીખુ વ્યાસ, મહેન્દ્ર ભટ્ટ, કાંતિ શાહ વગેરે તંત્રીપદે કામ કરતા રહ્યા અને અત્યારે રજનીભાઈ દવે, સ્વાતિ અને પારુલ દાંડીકરની નવી ટીમ આ સંપાદન-પ્રકાશન કાર્યમાં સક્રિય છે.

૧૯૭૫ના કટોકટીકાળમાં ઇન્દિરા ગાંધીની કૉંગ્રેસ સરકારે નાગરિકોની અભિવ્યક્તિને ગળે ટૂંપો દેવાનું પાપકાર્ય કર્યું ત્યારે બાબુભાઈ જશભાઈ પટેલની રાજ્ય સરકારને કારણે ગુજરાત લોકશાહીનો એક ટાપુ બની રહેલું. તે સમયે ‘ભૂમિપુત્ર’ અને ‘સાધના’, આ બે સામયિકોએ પ્રેસની આઝાદીનો ઝંડો ફરકતો રાખેલો. આજે ગુજરાતનાં ત્રણ વિચારપત્રો ગણાય છે : નિરીક્ષક, નયામાર્ગ અને ભૂમિપૂત્ર. બૌદ્ધિક અને શિક્ષિત સમાજમાં તેનાં ગૌરવપૂર્વક ઉલ્લેખ થાય છે. તેમાં ‘ભૂમિપુત્ર’નું ઘણું મોટું યોગદાન રહેલું છે.

સર્વોદય-ભૂદાન-વિનોબાના વિચારને સમર્પિત આ સામયિક વ્યાપક લોકહિતની બાબતોને પણ નિશ્ચિત રીતે ઉજાગર કરતું રહ્યું છે પછી તે આઝાદીની વાત હોય, ખાદી કે બુનિયાદી શિક્ષણની વાત હોય, અણુશક્તિ અને તેનાં દુષ્પરિણામોની વાત હોય, જળ-જમીન-જંગલ કે સમગ્ર પર્યાવરણની વાત હોય કે રાજ્યનાં ગૌચરો અદૃશ્ય થઈ રહ્યાં હોય તેની વાત હોય - આ બધી વખતે ‘ભૂમિપુત્ર’એ આખા સમાજનું ધ્યાન આ પ્રશ્નો અને સમસ્યાઓ પ્રત્યે અભ્યાસપૂર્ણ લેખો લખીને કે નાની-મોટી ચળવળોના અહેવાલો આપીને દોરતાં રહેવાનું પુણ્યકાર્ય સાતત્યપૂર્ણ રીતે કર્યું છે. આ જ વિષય પરનાં પ્રકાશન પણ તેણે કર્યાં છે.

સમગ્ર કાર્યક્રમની નોંધનીય બાબત એ હતી કે પ્રકાશનોના લેખકોએ અને કવચિત ઈન્દુકુમાર જાની અને પ્રકાશ ન. શાહ જેવા સમીક્ષકો, જે આ પૈકી કોઈ પુસ્તક સાથે પ્રસ્તાવના મારફતે જોડાયા હોય તેમને પણ પુસ્તકના લોકાર્પણ અને તેના પરિચયમાં સામેલ કરવામાં આવ્યા હતા. ‘ભૂમિપુત્ર’નાં પૂર્વ સંપાદકો ઉપરાંત ‘નિરીક્ષક’ અને ‘નયા માર્ગ’ના તંત્રીઓનું તથા સામયિક તેમ જ પુસ્તકોના છાપકામ સાથે સંકળાયેલા પ્રેસના મનીષભાઈનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. રોહિત શુક્લ અને સાગર રબારીનાં પુસ્તકો સાંપ્રત સમસ્યાઓ વિશે એક રીતે આંખ ઉઘાડનારાં અને બીજી રીતે માર્ગદર્શક બની રહે એવાં છે. છેલ્લાં પાનાની વાર્તા અને તે પણ પ્રાદેશિકભાષાની વાર્તા ‘ભૂમિપુત્ર’નું ઘરેણું મનાયું છે. અગાઉ હરિશ્ચંદ્ર બહેનો લાંબા સમય સુધી આ કામ સંભાળતી હતી. તે પછી આશા વીરેન્દ્ર સારી રીતે તે કરે છે એવી વાર્તાઓનો ‘તર્પણ-૨’ નામે બીજો સંગ્રહ પણ ખુલ્લો મૂકવામાં આવ્યો.

ચિંતાનો વિષય એ છે કે દેશની સમસ્યાઓ બાબતે આપણે નવી પેઢીને સામેલ કરવામાં ઊણા ઉતર્યા છીએ. શ્રોતાજનોમાં ભાગ્યે જ નવીપેઢીના પ્રતિનિધિઓ દેખાતા હતા. પ્રાધ્યાપક સંજય શ્રીપાદ ભાવે, ચંદુ મહેરિયા (દલિત અધિકાર), ભદ્રાબહેન સવાઈ અને આ લખનાર વગેરેએ વાચકો તરફથી ‘ભૂમિપુત્ર’ના સંપાદનની શક્તિઓ-નબળાઈઓ વિશે નુક્તેચીની કરી હતી.

છએક લાખના રૂપિયાના વાર્ષિક વેચાણ સાથે યજ્ઞ પ્રકાશન પોતાની પ્રવૃત્તિ સમાજના હિતમાં હાથ ધરી રહ્યું છે. ત્રણેક હજાર નકલો સાથે ‘ભૂમિપૂત્ર’ સામયિક સમાજની સમસ્યાઓ બાબતે વાચકોને જાગ્રતિ અને અભ્યાસનું ભાથું પૂરું પાડે છે. યજ્ઞ પ્રકાશનમાં પુસ્તકો સુઘડ રીતે અને પડતર કિંમતે મૂકાતાં હોય તેવું આપણે જોતાં આવ્યાં છીએ. દિગજ્જ સંપાદકોના ગયા પછી પણ આ યજ્ઞકાર્ય બરાબર ગતિએ ચાલતું રહ્યું છે તે આનંદદાયક અને સંતોષજનક બાબત છે, જે માટે ગુજરાત ગૌરવ અનુભવી શકે. આવો રૂડો અવસર યોજવાનું ‘નવી ટીમ’ને સૂઝી આવ્યું તે બદલ સંબંધિત સર્વને અભિનંદન.

આ પ્રસંગે પ્રકાશિત પુસ્તકોની યાદી ...

૧. જીવનની વાતો - વિનોબા ભાવે

૨. નિંદ્રા સમાધિ સ્થિતિ - વિનોબા ભાવે

૩. આધુનિક યુગના આંતરપ્રવાહ - ગોવર્ધન દવે

૪. ખુદાઈ ખિદમતગાર - અનુ. સં. અમૃત મોદી

૫. ચિંતનનો ચંદરવો - રોહિત શુક્લ

૬. મોતનાં વાવેતર - સં. સ્વાતિ દેસાઈ

૭. ખેડૂત : ટકી રહેવાની મથામણ - સાગર રબારી

૮. ગુજરાત સરકારના કાયદા અને ગામડાં - સાગર રબારી.

૯. નર્મદા કિનારો : યાત્રાધામ કે પ્રવાસ ? - લખનભાઈ

૧૦. આપણો સહિયારો સાંસ્કૃતિક વારસો - મોહન દાંડીકર

૧૧. તર્પણ - ૨ (વાર્તાસંગ્રહ) - આશા વીરેન્દ્ર

૧૨. આવો, નવી દુનિયા બનાવીએ - સં. રજની દવે

સ્વાગત સિટી, અડાલજ, ગાંધીનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2014, પૃ. 09

Category :- Opinion Online / Opinion