પ્રવાસિની : પ્રીતિ સેનગુપ્તા

આરાધના ભટ્ટ
07-09-2014

એમના વિષે સાંભળેલું ઘણું, એમનું વાંચેલું પણ ખરું, પણ કોઈ જ પરિચય નહીં. મિત્ર પાસેથી ઈ.મેઈલ સરનામું લઈને થોડી દ્વિધા સાથે એમને આ મુલાકાત માટે વિનંતી કરી. તરત જ સામો જે ઉષ્ણ અને ઉત્સાહપૂર્ણ ઉત્તર આવ્યો એનાથી દંગ રહી જવાયું. જાણે કોઈ ચિર-પરિચિત બહેનપણીનો પત્ર. પછી રૂબરૂ મુલાકાતનો સુયોગ પણ થયો. એમને મળો તો ચહેરો હાસ્યથી ફૂલગુલાબી હોય, વાતો હળવી ફૂલ, નાની નાની વિગતોમાં રસ, જેને સાવ ‘ડાઉન ટુ અર્થ’ કહેવાય એવું. હંમેશાં એમના વાળમાં ડાબી બાજુ ખોસેલું રંગીન ફૂલ, એ એમના ચિત્તની, આ સ્થિતિનું જાણે પ્રતીક તે ! આ ફૂલ એ એમનો ‘ટ્રેડ-માર્ક’, એમની ઓળખ. છતાં એમની વાતોમાં એક ગૌરવ છે, જીવન અને જગતની તળેટીને ખુંદી વળી, એને જોવાની પ્રૌઢ અને ગૂઢ દૃષ્ટિનો રણકો એમની વાતોમાં સંભળાય. ગુજરાતી સાહિત્યને તેમણે તેમનાં વીસેક પ્રવાસ પુસ્તકો, કાવ્યસંગ્રહ, લલિત નિબંધો, વાર્તાઓથી રળિયાત કર્યું છે, અનેક સાહિત્યિક સન્માનોથી એ વિભૂષિત છે. લેખનમાં અને બોલવામાં ભાષાશુદ્ધિની એમને ભારે ચીવટ, સંગીતની ઊંડી સૂઝ, પોતે અચ્છા ગાયિકા પણ ખરાં. જન્મે ગુજરાતી, લગ્નથી બંગાળી અને ધર્મથી કોલંબસ એવાં પ્રીતિ સેનગુપ્તાએ એકલપંડે કરેલા દેશાંતર, અને પછીના અનેક ભૌગોલિક પ્રવાસોમાં, તેમણે માત્ર સ્થળોને જ નહીં જાતને પણ નવી નવી રીતે જોઈ છે, એની પ્રતીતિ તેમની સાથેનો આ સંવાદ કરાવશે.

પ્રશ્ન : પ્રીતિ સેનગુપ્તા જન્મથી ગુજરાતી, લગ્નથી બંગાળી, અને જીવથી કોલંબસ. બીજા પ્રવાસોની વાત કરીએ તે પહેલાં ‘પ્રવાસી ગુજરાતી’ બન્યાં એની વાત માંડીએ ?

ઉત્તર : હું નાની ઉંમરમાં અમેરિકા આવી, ભણવા જ આવેલી અને એકલી આવેલી. મોટા ભાગની સ્ત્રીઓ જેમ પરણીને આવે તેમ હું નહોતી આવી. નાની ઉંમરમાં કંઈ જ અનુભવ ન હોય એટલે થોડા ભાવશૂન્ય થઈ જવાય, શકાહારી હોઈએ એટલે ખાવાનું સરખું ન મળે. મહિનો-દોઢ મહિનો તો મેંદો ખાઈને ચલાવવું પડેલું. મને ઘરઝુરાપો લાગ્યા કરતો અને દસ વર્ષ સુધી તો હું એને માટે રડતી રહેલી. એકલા હોઈએ એટલે બધા પ્રશ્નો વિષે આપણે જાતે જ વિચારવાનું અને એકલા જ ઉકેલવાના. પણ એ રીતે શરૂઆતથી કદાચ આત્મવિશ્વાસ આવવા માંડ્યો. પછી અહીં જ ચંદનને મળવાનું થયું અને અહીં જ લગ્ન કર્યાં. નાનપણમાં હું રવીન્દ્ર-સંગીત શીખતી, અને બંગાળી નવલકથાઓના ગુજરાતી અનુવાદો વાંચેલા. એટલે બંગાળી ભાષા-સાહિત્ય-સંસ્કૃિત સાથે ઘણો સ્નેહ હતો અને મનમાં એમ હતું કે બંગાળી કવિને પરણવું છે. પછી બંગાળી મળ્યો પણ એ કવિ નથી. ન્યુ યોર્કમાં મારી ઓળખાણ થઈ. લગ્ન કર્યાં પછી મારા પ્રશ્નો, મારી સમસ્યાઓ જાણે કે બધી જ હલ થઇ ગઈ. એની તૈયારી એવી હતી કે ‘હું તારી સંભાળ લેવાનો છું’. એટલે આ દેશમાં હું એકલી જીવતી હોત, નોકરી કરતી હોત તો જે ઘણું બધું શક્ય ન બન્યું હોત તે ચંદન જેવો પતિ મળ્યો એનાથી શક્ય બન્યું.

પ્રશ્ન : તમે તમારી જાતને વટેમાર્ગુ લેખો છો. વટેમાર્ગુને પણ વતનઝુરાપો ? જીવ પહેલેથી પ્રવાસી છે કે પ્રવાસ-ખેવના પાછળથી જાગી ?

ઉત્તર : ના, પહેલેથી જ. એમ કહી શકાય કે પ્રવાસ એ મારી રગોમાં છે. હું જન્મી તે પહેલાં મારાં મા-બાપ ભારતનો પ્રવાસ કરતાં હતાં. એ વખતે રસ્તા નહોતા, કંઈ નહોતું અને એ લોકો રસાલો લઈને બદરી-કેદાર ગયેલાં. અલબત્ત હું જે રીતે પ્રવાસ કરું એમાં એકલાં જ જવાનું અને કોઈ પણ દેશમાં જવાનું, એવું નહીં કે યુરોપ-અમેરિકામાં ઓળખાણો હોય ત્યાં જઈ આવીએ. અને કોઈ લેવા આવશે, મૂકવા આવશે એવું નહીં. દુનિયાના એકસો બાર દેશોમાં ગઈ છું એમાંથી એકસો પંચ દેશોમાં હું મારી મેળે એકલી ગઈ છું. નાનપણથી શોખ હતો, અમેરિકા આવી તે પહેલાં ત્રણેક વાર હું એકલી ભારતમાં ફરેલી. પણ અહીં આવ્યા પછી શરૂઆતનો દોઢ-બે વર્ષ જેટલો સમય સંઘર્ષોનો ગયો. તે પછી સૌથી પહેલાં હું અમેરિકામાં ફરી. પહેલા છ મહિના નોકરી કરી, પછી એ છોડી દીધી. બે સુટકેસમાં સામાન હતો તે ક્યાંક મૂકી દીધો અને પછી છ મહિના હું અમેરિકામાં બસમાં ફરી. પ્રવાસને હું મારો શોખ નથી કહેતી, હવે હું એને મારો ધર્મ કહેતી થઈ છું. મારું જીવન, મારી ફિલસૂફી એ બધું પ્રવાસમાં જ છે. પ્રવાસને હું બહુ ઊંડા અર્થમાં લઉં છું. પ્રવાસ એટલે એવું નથી કે આપણે બધે ફરી આવ્યાં, બધું જોઈ આવ્યાં.

પ્રશ્ન : એક પરિણીત સ્ત્રી એકલપંડે બધે પ્રવાસ કરે એ થોડી અનોખી વાત છે. થોડી અંગત વાત પૂછું તો, તમારા સહજીવન વિષે, પતિના આ બાબતે વલણ વિષે કંઈક કહેશો ?

ઉત્તર : અંગત છે, પણ કહેવાય એવું છે. પહેલેથી જ ચંદન કહે છે કે એ એવું મને કે દરેક વ્યક્તિમાં એક પેશન હોવી જોઈએ, દરેક વ્યક્તિને કોઈક એવો શોખ કે એવી લગન કોઈ પણ ક્ષેત્રમાં હોવી જોઈએ, જેનાથી એનું પોતાનું જીવન સાધારણથી કંઈક વધારે થાય. એટલે મને મારા પ્રવાસમાં, મારા લેખનમાં, વાંચનમાં આટલો ઊંડો અને શાશ્વત રસ છે એનો એને પહેલેથી જ આનંદ રહ્યો છે. મારી પહેલી ચોપડી મેં ચંદનને અર્પણ કરેલી, કે એ મને જવા દે છે જેથી હું પાછી આવી શકું. એણે મને એ વિશ્વાસ આપ્યો કે પાછા આવીને ક્યાં જવું એ હવે મારે ગભરાવાનું નથી. હું જ્યાં જાઉં ત્યાંથી પાછી આવું ત્યારે મારું ઘર અહીં છે જ.

પ્રશ્ન : તમે જ્યારે સંઘર્ષો કરી રહ્યાં હતાં ત્યારે અમેરિકા કેવું હતું અને આજે કેવું છે ?

ઉત્તર : અમેરિકા ઘણું જ બદલાઈ ગયું છે. હું એકલી નહીં, પણ બીજા જે મિત્રો અહીં વીસ-પચીસ વર્ષથી છે એ બધા કહે છે કે તે વખતે અમેરિકા જે હતું તે હવે રહ્યું નથી. એના અર્થતંત્રની શું હાલત થઈ છે એ બધા જાણે છે. રાજકારણમાં પણ અહીં જે ચાલે છે એનાથી લાગે છે કે બધું બહુ પોલું થઈ ગયું છે. જે દેશપ્રેમની વૃત્તિ હોવી જોઈએ, જે દેશને માટે ધ્યેય હોવું જોઈએ તે હવે રહ્યું નથી. બીજા સ્તર પર જોઈએ તો વસતી ઘણી વધી ગઈ છે. એ વસતી વધારાને કારણે અહીંની સામાજિક સેવાઓમાં ઘણી કચાશ આવી ગઈ છે. રસ્તા ઉપર ટ્રાફિક, એને કારણે પ્રદૂષણ વધ્યાં છે. ટેકનોલોજીના વિકાસથી હવે અમેરિકામાં પોસ્ટ-ઓફિસો હજારોની સંખ્યામાં બંધ થઈ રહી છે. મૂલ્યો, શિક્ષણ બધું બગડ્યું છે, મારા પતિ પ્રોફેસર છે એટલે એ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે એ મને થોડી ખબર પડે છે.

પ્રશ્ન : અમેરિકામાં વસતો ભારતીય સમુદાય પણ સંખ્યાની દૃષ્ટિએ ઘણો વિસ્તાર્યો છે.

ઉત્તર : બે-અઢી દાયકા પહેલાંનો એક જમાનો એવો હતો એક અહીં પ્રોફેશનલ્સ જ આવતા. છેલ્લાં દસેક વર્ષમાં એવું બન્યું કે અહીં કુટુંબોનાં કુટુંબો આવવા માંડ્યાં. એમાં ઘણા બ્લુ-કોલર વર્કર પણ હતા, કોઈ સાધારણ નોકરી કરતા, કોઈ દુકાનમાં કામ કરતા, કે કોઈ ફેરિયાગીરી કરે, એવા લોકો આવ્યા. ન્યુ યોર્કમાં આજે એવા પણ મળી જાય કે રસ્તા પર બેસીને કંઈક વેચતા હોય અને ધ્યાનથી મોઢું જોઈએ તો ભારતીય નીકળે, ઇન્ડિયન સ્ત્રીને જુએ એટલે હિન્દી સિનેમાનું ગીત ગણગણવા માંડે. એટલે ઇમિગ્રન્ટ તરીકે આપણું જે ગૌરવ હતું તે ઓછું થવા માંડ્યું છે. હવે ભારતીય સમુદાયમાં જ બધી સેવાઓ ઉપલબ્ધ થવા માંડી છે. તમારી જે જરૂરિયાત હોય તે તમને તમારા પ્રાંતના લોકો તરફથી જ મળી જાય. એટલે પછી ભારતથી આવનારને અંગ્રેજી આવડે કે ન આવડે એનો પ્રશ્ન જ ન રહે. કારણ કે તમે પછી તમારા પોતાના સમુદાયમાં જ રહેવા માંડ્યા. એક જ વિસ્તારમાં બધાનું રહેવાનું, એ જ બધી દુકાનો હોય. એટલે એ લોકો હૈદરાબાદ, સિકન્દરાબાદ કે અમેરિકા રહે, એમને કોઈ જ ફરક પડતો નથી. અત્યારે જે ડાયસ્પોરાની ચર્ચા થાય છે તેમાં એટલું કહીશ કે ફક્ત દરિયાપાર રહેવાથી તમે ડાયસ્પોરા નથી થઈ જતા. પરદેશ પાસેથી જે પામવાનું હોય તેના વિષે કોઈ બહુ વિચારતું નથી, ભૌતિક સુખ-સગવડોનો ખ્યાલ વધારે હોય છે.

પ્રશ્ન : આટલા બધા પ્રવાસો કર્યા એટલે સંસ્મરણો તો અસંખ્ય હશે. પણ તમારો ઉત્તર ધ્રુવનો પ્રવાસ જગ-વિખ્યાત છે. એને યાદ કરીએ ?

ઉત્તર : બહુ સભાનતાથી મેં નહોતું વિચાર્યું કે મારે પ્રવાસી બનવું છે. પણ ઘરઝુરાપો એવો હતો કે એ મને પ્રવાસ પ્રતિ લઈ ગયો. પહેલાં અમેરિકા એ રીતે ફરી કે એ દેશને જોઈ લઉં તો એને માટેની મારી સમજણ વિકસે અને મારું ચિત્ત થોડું સ્થિર થાય. પછી હું થોડા દૂરના દેશોમાં ગઈ - યુરોપ ગઈ, આફ્રિકા ગઈ. જ્યારે હું દક્ષિણ અમેરિકા ગઈ ત્યારે એ મારો પાંચમો ખંડ હતો. ત્યારે મેં એન્ટાર્કટિકા વિશે સાંભળેલું. ત્યારે મને થયું કે પહેલાં ઓસ્ટ્રેલિયા જઈ આવું. ત્યાર પછી હું પાંચ વાર ઓસ્ટ્રેલિયા આવી છું અને મને ખૂબ ગમ્યું. એટલે એમ સાત ખંડના પ્રવાસ પૂરા થયા, પછી મેં ઉત્તર ધ્રુવના પ્રવાસ વિષે ક્યાંક વાંચ્યું અને મને થયું કે એ અભિયાન હું કરું તો સાડા-સાતમો ખંડ થાય. એ ઉત્તર ધ્રુવનો જે સમુદ્રનો ભાગ છે તે એટલો બધો મોટો છે, ભલે એમાં જળ વધારે છે, પણ એને અડધો ખંડ તો કહેવો જ પડે. એટલે સાત ખંડ જોઈને મારું મન સભર થઈ ગયું. પછી થયું કે નોર્થ-પોલ જઈને હું જાણે કે પૃથ્વીને મારા બાહુઓમાં આલિંગન આપું. જાણે હું પૃથ્વીને વહાલી કરું છું એવો ભાવ મનમાં આવતો હતો. સદ્દભાગ્યે એ વખતે ત્યાં જવા માટેનું અભિયાન હતું. ત્યાં જઈને તમને એવું લાગે કે તમે દુનિયાની બહાર નીકળી જાવ છો, પૃથ્વીને તમે છોડી દીધી છે. દેશો, જમીન બધું છોડીને તમારે દરિયા પર જતા રહેવાનું. એ એક બહુ ઊંડો અાધ્યાત્મિક અનુભવ છે. એને વિષે મેં ઘણું લખ્યું છે, અંગ્રેજી અને ગુજરાતીમાં પુસ્તકો થયાં છે. ત્યાં દરિયો થીજેલો એટલે સ્લેજ્માં ગયાં. ત્યાં ચોવીસ કલાક અજવાળું હોય. મેં તો સાથે ઘડિયાળ પણ નહોતી રાખી. હું પ્રવાસમાં ઘણીવાર ઘડિયાળ નથી રાખતી. જ્યાં જાઉં ત્યાંના પ્રકાશ પરથી કેટલા વાગ્યા હશે તે વિચારું. ઉત્તર ધ્રુવ પર સાંજના આઠ-નવ વાગ્યા હોય ત્યારે ત્યાનું અજવાળું જરા સાંજ જેવું લાગે. પછી મધરાતે પણ અજવાળું હોય અને બીજો દિવસ પણ એમ જ શરૂ થાય. આમ તો બધું વૈજ્ઞાનિક છે, પણ મારા જીવનમાં મને એ બધું કંઈક દૈવી, સ્વર્ગીય, કે જાદુઈ લાગ્યું. જાણે મને બહુ મોટો આશીર્વાદ મળી રહ્યો હોય એમ થયું. એના પર મેં કાવ્યો લખ્યાં છે એની બે લીટી મારે કહેવી છે : એક ગીત છે,

‘ચિરપ્રેમના સંવેદનનું ગીત’

કોઈ દરિયાને હૈયે જઈ ચાલ્યું પણ હોય ને ડૂબે નહીં
કોઈ મજધારે મન મૂકી મ્હાલ્યું પણ હોય અને ભૂલે નહીં.

એ થીજેલા દરિયા પર હું ચાલુ છું, એ બરફ એ પાણીનું તત્ત્વ છે. એના પર હું ચાલુ છું, સાત દિવસ સૂઈ જાઉં છું પણ હું ડૂબતી નથી. એટલે એ બહુ મોટી કૃપા કહેવાય. ત્યાં બસ બરફનો સફેદ રંગ હતો. બહુ જ આધ્યાત્મિક અનુભવ થયો હતો. એના જેવી બીજી કોઈ જગ્યા ન હોઈ શકે.

પ્રશ્ન : તમે પ્રવાસ કરો ત્યારે ખરેખર શું જોવા જાવ છો ?

ઉત્તર : પ્રવાસમાં હૃદય, મન અને બુદ્ધિ બધું વપરાય. જો કે મારી બુદ્ધિ થોડી ઓછી વપરાતી હોય છે કારણ કે હું ભાનભૂલી થઈ જાઉં છું. કોઈકવાર ઘેલી થઈ જાઉં અને કંઈક ભૂલ કરી બેસું, એટલે કે સામેની વ્યક્તિ ઉપર વિશ્વાસ કર્યો હોય અને છેતરાઈ જાઉં. પણ કોઈ પણ જગ્યાએ જાઉં તો મને એમ થાય કે એ ત્યાંના લોકોનું ઘર છે. એટલે એ જગ્યા મને ગમવી જ જોઈએ અને એ મને ગમી જ જાય. હું નામિબિયા ગયેલી અને ત્યાં તો રણપ્રદેશ અને હું એ રણ જોવા જ ગયેલી. એટલી બધી ગરમીમાં ત્યાંના લોકોએ ન ટોપી પહેરી હોય, ન ગોગલ્સ પહેર્યા હોય અને સતત બહાર હોય. સૂરજનો તડકો એમને નડે પણ નહીં. તમે પેરીસ જાવ તો એનો એટલો મોટો ઇતિહાસ કે ત્યાનું સ્થાપત્ય તમે આભા બનીને જોયા કરો. પણ મુખ્ય વસ્તુ એ છે કે દરેક જગ્યાનું જે સત્ય છે એ મળવું જોઈએ. મારા મનમાં એવું હોય કે ત્યાંના જીવનને હું સંપૂર્ણપણે જોઈ શકું તો સારું.

પ્રશ્ન : આટલાં બધા દેશોના પ્રવાસોમાં જાતને સૌથી વધુ ક્યાં પામ્યાં ?

ઉત્તર : ગમતા દેશો હોય, ગમતી જગ્યાઓ હોય તો હું ફરીફરીને જાઉં. યુરોપ હું પચાસ વાર ગઈ અને ભારત હું પચીસ વાર ગઈ. પણ મનની ખુલવાની જે પ્રક્રિયા છે તે બહુ શરૂઆતથી થાય. એમાં બે જગ્યાનાં નામ લઉં. પ્રથમ તો ઇઝરાયેલનું જેરુસલેમ. મારો એ પ્રવાસ ઇજિપ્ત અને ઇઝરાયેલનો હતો. હું સાયનાઈ રણમાંથી બસ વાટે આવેલી. મારે હંમેશાં ભૂમિ જોવી હોય છે, એટલે હું બને ત્યાં સુધી બધે બસમાં જાઉં. ઓસ્ટ્રેલિયામાં એટલા ખાતર મેં પિસ્તાળીસ કલાકની ટ્રેન મુસાફરી કરેલી, પર્થથી એડિલેઈડની. એ ખાલી ભૂમિ જેને નલાર્બોર કહે છે એ ઝાડ-પાન વિનાની જગ્યા મારે જોવી હતી. કારણ કે ત્યાંના આદિવાસીઓ માટે એ બહુ જ પુણ્યશાળી ભૂમિ કહેવાય છે. જ્યારે હું જેરુસલેમ ગઈ ત્યારે હું બહુ જ વિહ્વળ થઈ ગઈ. મારું મન એકદમ ચંચળ થઈ ગયું. દુનિયાના ત્રણ મોટા ધર્મો - ઇસ્લામ, ખ્રિસ્તી, અને યહૂદી, એ ત્રણેના મોટાંમોટાં સ્થાનકો જેરુસલેમમાં છે. જેરુસલેમની મસ્જિદમાં એક મોટો પાષાણ છે, અને એવું કહે છે કે મહંમદ સ્વર્ગે ગયા ત્યારે એ પત્થર પરથી ઊડીને સ્વર્ગે ગયેલા. એ પત્થરને સ્પર્શ કરવાનો મહિમા છે. મેં એ સ્પર્શ કર્યો. ઈશુને જ્યારે વધસ્તંભ ઉપરથી ઉતાર્યા ત્યારે એમના લોહિયાળ દેહને જે પાષાણ ઉપર ધોયો હતો એ પાષાણ ઉપર લોકો માથું ટેકવીને પ્રાર્થના કરતા હોય છે. મેં પણ માથું ટેકવ્યું અને પ્રાર્થના કરી. યહૂદી ધર્મની જે દીવાલ છે ત્યા પહેલાં મંદિર હતું. જેને પછી તોડી નાખવામાં આવ્યું. અત્યારે હજારો યહૂદીઓ ત્યાં માથાં પછાડે છે. એટલે એને  હિસ્ટોરિક ગ્રીફ – ઐતિહાસિક પીડા કહે છે. જેરુસલેમની મુસાફરીની અસર મારા મન પર બહુ મોટી અસર થઈ. પહેલીવાર જોયું કે દરેક ધર્મ માટે લોકો કેટલા પેશનેટ છે. એની અસર મારા ચિત્ત ઉપર અત્યાર સુધી એ રીતે રહી છે કે મારો મનોભાવ દરેક ધર્મ પ્રત્યે ઉદાર થઈ ગયો છે. અને બીજો મારો ચિરકાળનો પ્રેમ તે જાપાન. જાપાન જતાં પહેલાં હું એમ વિચારતી હતી કે હું જાપાનમાં જ મરી જાઉં તો સારું, જેથી મારે જાપાન છોડવું ન પડે. ત્યાં જતાં પહેલાં એ દેશ માટે મારો પ્રેમ એટલો તીવ્ર હતો. પછી હું ગઈ અને એના વિષે તો મેં સાડા-ત્રણસો પાનાંનું પુસ્તક લખ્યું છે. પછી તો હું સાત વાર ત્યાં ગઈ અને એ ભાષા પણ શીખી. પછી થયું કે અહીં મરવું નથી, જઉં તો અહીં પાછી આવું ને. આવા નોરમલ ન કહેવાય એવા વિચારો મને આવે છે. મને તો જાપાનીઝ ખાવાનું પણ ભાવી ગયું. શાકાહારી છું, અને રહેવાની છું અને મને ત્યાં જોઈએ એટલું શાકાહારી ખાવાનું મળી ગયું. એટલે આ બે જગ્યાઓની કાયમી અસર લઈને જીવું છું.

પ્રશ્ન : પ્રવાસ સાથે સંકળાયેલી બે સર્જનાત્મક કળા તે પ્રવાસલેખન અને ફોટોગ્રાફી. આ બંને તમારામાં ખૂબ વિકસિત રૂપે છે. લખવા માટે પ્રવાસો થાય છે કે પ્રવાસ કરો છો માટે લાખો છો ?

ઉત્તર : ખબર નથી પહેલું શું આવે છે - મરઘી કે ઈંડું. નાનપણથી લખતી આવી છું અને નાનપણથી પ્રવાસ પણ કરતી આવી છું. નાનપણથી કવિતા લખતી હતી, થોડી મોટી થઈ પછી પ્રવાસવર્ણનો લખતી. અહીં આવીને એને નવો ઝોક મળ્યો, પછી ધીરેધીરે પરિપક્વતા આવી અને શૈલી વિકસી. મારો મનોભાવ સંવેદનશીલ છે, પ્રવાસને હું પ્રેમલક્ષણા ભક્તિ કહું છું. પ્રવાસ મને પ્રેમનું સ્વરૂપ લાગે છે. પ્રેમ એટલે લોકો અને જગ્યાઓ. મને બધી જ જગ્યાએ ઘર જેવું લાગે છે, અને એ નર્યો પ્રેમ જ છે. ફોટોગ્રાફી એ મારો શોખ છે. ભારતના ફોટોગ્રાફ્સનું એક પુસ્તક મેં કર્યું છે. એ બહુ મહેનતપૂર્વક કરેલું કામ છે.

પ્રશ્ન : સંગીતના શોખની પણ વાત કરીએ ?

ઉત્તર : એવું છે ને આરાધના, કે સંગીત પણ નાનપણથી જ હતું. અમારાં ભાઈ-બહેનોમાં કોઈ વાયોલિન વગાડે, કોઈ તબલાં વગાડે, મારાં મોટાં બહેન ગાતાં. મારાં મમ્મી અમને શાસ્ત્રીય સંગીત શીખવતાં પણ ખરાં. પણ શાસ્ત્રીય સંગીતનો રિયાઝ કરવાની મારામાં શિસ્ત અને ધીરજ નહોતાં. પછી હું ઉર્દૂ ગઝલ અને રવીન્દ્ર-સંગીત શીખી. ભારતીય શાસ્ત્રીય સંગીત સાંભળવાનું મને બહુ જ ગમે. આજકાલ હું જાઝ સંગીત બહુ જ સાંભળું છું. શરૂઆતમાં હિન્દી ફિલ્મોનાં ગીતોનું મને જે ખેંચાણ હતું તે મારી નાસોમાંથી મેં પ્રયત્નપૂર્વક કાઢી નાખ્યું, કારણ કે એમાં પણ પાછો ઘરઝુરાપાનો ભાવ આવે છે.

પ્રશ્ન : પ્રીતિબહેન, હવે વાત ભાષાની કરીએ. પહેલાં અંગ્રેજીમાં એમ.એ., પછી અંગ્રેજીમાં અધ્યાપન, બંગાળી માટે ભારોભાર પ્રીતિ અને હવે ગુજરાતીમાં વધુ વ્યક્ત થાવ છો. જોડણી અને ઉચ્ચારો માટેની તમારી ચીવટ જાણીતી છે. આપણી ભાષાની આજની સ્થિતિમાં બિન-નિવાસી ગુજરાતીઓનો કેટલો ફાળો છે ?

ઉત્તર : ખાસ નહીં. શરૂઆતનાં વર્ષો તો બધાં માટે સંઘર્ષનાં હોય છે. પહેલાં પંદર વર્ષ તો કોઈને ઊંચું જોવાનો સમય નથી મળતો. પછી થોડા-ઘણા થોડું-ઘણું લખતા-વાંચતા થાય છે. વંચાય છે ઓછું, લખાય છે વધુ કારણ કે અમે લખીએ છીએ એમ કહેવામાં આનંદ આવતો હોય છે. પણ જે શુદ્ધ ગુજરાતી છે, એટલે કે જે સાહિત્યિક ગુજરાતી, ગુજરાતમાંથી પાકે છે, એ તમે જો વાંચતા ન હો તો એના પ્રવાહો, એનું ઊંડાણ તમે નથી જાણતા. અને તમે તમારી જાતે લખો એ સારી વાત છે પણ જે પરિપેક્ષ્યમાં લખાવું જોઈએ એ નથી લખાતું. એટલે અહીંથી ગુજરાતી ભાષામાં કંઈ પ્રદાન થયું હોય એમ હું નથી માનતી. અમેરિકી વર્ણસંકર ગુજરાતી જેવું કશુંક બને છે. બાકી ગુજરાતમાં ગુજરાતી નથી એવું હું નથી માનતી. અંગ્રેજી માધ્યમવાળી સ્કૂલો હોય છતાં એ લોકો એક સાચું અંગ્રેજી વાક્ય નથી લખી શકતા. અને સામે ગુજરાતીમાં પણ શુદ્ધિનો આગ્રહ નથી. તમે મારે માટે ચીવટ શબ્દ વાપર્યો પણ હું કહીશ કે ચીકાશ. મને જોડણી અને ઉચ્ચારની બાબતમાં બહુ જ ચીકાશ છે. ભાષા બોલવા પ્રત્યે આપણી એક જાતની આળસ થઈ ગઈ છે. અને એ હું સાંભળી શકતી નથી. અને અંગ્રેજીમાં પણ આપણે ખોટા ઉચ્ચારો કરીએ છીએ. મારો આગ્રહ ભાષાની શુદ્ધિ ઉપરાંત એક જાતના પરફેક્શન માટેનો થઈ ગયો છે, જે હું વાંચું, જોઉં, સંભાળું તે એક કક્ષાનું હોવું જોઈએ.

પ્રશ્ન : તમે દર વર્ષે થોડા મહિના ભારતમાં ગાળો છો. આજનું ભારત જોઈને કેવા ભાવો જાગે છે ? ભારતમાં ‘એટ હોમ’ જેવું લાગે છે ?

ઉત્તર : એ મારું ઘર છે એટલે એક રીતે મને ઘર જેવું લાગે છે. મારા મનની ચેતના છે તે હું જે વ્યક્તિ પહેલાં હતી તે વ્યક્તિની નથી રહી. એક વ્યક્તિ તરીકે હું કંઈક બીજું બની છું. ફરતાં ફરતાં મારા મનના ભાવો બહુ ઉદાર થઈ ગયા છે. એટલે ભારત હું જાઉં ત્યારે ત્યાં એ રીતે હું ગોઠવાઈ જાઉં છું કે ત્યાં એવું લાગે પણ નહીં કે હું બહાર રહું છું. ત્યાં સૌથી વધારે દેશી હું લાગું. ત્યાં જઈને હું પરદેશનું નામ જ નથી લેતી. એવી રીતે હું ત્યાં સમાઈ જાઉં છું. પણ હું જાણું છું કે મારા મનથી હું જુદી છું. હું ફક્ત ભારતીય છું એવું નથી, હું વ્યક્તિ છું. હું ભારતીય જ છું, પણ એનાથી પણ કંઈક વધારે છું. પણ અત્યારે ભારતીય લોકોનું જે વલણ થઈ ગયું છે તે મને રોજ કરડ્યા કરે છે, રોજરોજ કનડે છે, રોજરોજ દુઃખ આપે છે. એમનું સ્વાર્થીપણું મને બહુ જ દુઃખી કરે છે. પણ મારી માતૃભાષા સાથે મારો સક્રિય સંપર્ક છે એટલે હું દર વર્ષે ત્યાં જાઉં છું.

પ્રશ્ન : પ્રીતિ સેનગુપ્તા જો અમેરિકા ન ગયાં હોત અને ભારત જ રહ્યાં હોત તો આજે કેવાં હોત ?

ઉત્તર : તો તો સાવ સાધારણ હોત, રોટલા બનાવતાં હોત, રોટલીઓ વણતાં હોત. હું ભારતમાં જેમ શક્ય હોત તેમ કંઈક શીખી હોત, કંઈક કરતી હોત, મેં વિશ્વસાહિત્ય વાંચ્યું હોત. પણ જે વિશ્વમાં પ્રવાસ થયો એ ન થયો હોત. મારું તો એવું છે કે મને જે જગ્યા ગમે ત્યાં હું ફરીફરીને જાઉં. અને ખરેખર તો હવે એવું થયું છે હું મારી જાતને લડંુ છું કે હવે આ જગ્યા ગમાડવાની નથી, અહીં ફરી આવવાનું નથી, એવું મારે મારી જાતને કહેવું પડે છે. કારણ કે એક માણસ કેટલી વાર કેટલી જગ્યાએ જાય ? પણ હું ભારતમાં હોત તો મારા મનનો આવો વિસ્તાર ન થઈ શક્યો હોત.હું એક નિરીક્ષક બની અને એનાથી એક વૈશ્વિક ભાવના બની.

પ્રશ્ન : વિશ્વ-ગુજરાતણોને શું કહેશો, પ્રીતિબહેન ?

ઉત્તર : દરેક મહિલાની એક મજબૂરી હોય, હું પણ મહિલા અને મારી પણ મજબૂરી હોય. પણ એટલું માનું છું કે દરેકે પોતાની જાતને અતિક્રમીને બહાર નીકળવાનું હોય છે. પરણીને પોતાનાં છોકરાં અને એમનાં છોકરાં એ બધું ખરું. પણ પોતાનાં સિવાય બીજાનાં બાળકો પણ હોય. એમને પણ એવી જ રીતે જુઓ, સમજો. બધાએ ફરવા નીકળી પડવું એવું નથી કહેતી, પણ ઘરમાં રહીને પણ વિકસો, તમારા મનની ઉદારતા એટલી તો થવી જ જોઈએ.

e.mail : [email protected]

(પ્રગટ : “નવનીત સમર્પણ”, જૂન 2014; પૃ. 110 - 117)

Category :- Opinion Online / Interview