AMI EK JAJABAR

કોરોના કેર અને આપણી આવતીકાલ

વિપુલ કલ્યાણી
17-04-2020

યુનાઇટેડ કિંગ્ડમને કોરોના વાયરસ ઘમરોળી રહ્યો છે. 31 જાન્યુઆરીએ કોરોના વાયરસના જ્યાં બે દાખલા હતા ત્યાં 15 ઍપ્રિલે 98,476નો આંક બોલતો હોવાનું ‘ડિપાર્ટમેન્ટ ઑવ્ હેલ્થ ઍન્ડ કેર’ વાટે જાણવા મળ્યું. જ્યારે મરણનો આંક 12, 868. વડા પ્રધાન બોરિસ જ્હોનસન કહેતા હતા તેમ અનેક પેઢીઓ સુધી પાછોતરા ડોકાઈએ તો ય આવી મહામારીનો તાગ, આવી વિપદાની ઝાંખી ક્યાં ય જોવાવાંચવા જડતાં નથી.

છેલ્લાં ત્રણચાર વરસ તો અમે અહીં ‘બ્રેક્સિટ’ની માથાકૂટમાં લપેટાયા હતા. અમને બીજું કાંઈ પણ સૂજતું નહોતું. અનેક પ્રકારના સવાલો આવતા, અથડાતા, કૂટાતા પણ અમે ‘બ્રેક્સિટ’ની ચર્ચામાં મશગૂલ હતા, ગૂલતાન હતા, ચકચૂર હતા. છેલ્લી સાર્વત્રિક ચૂંટણીઓ થયા કેડે આમ સભાએ બ્રેક્સિટ પર મહોર મારી પછી જ અમને હાશકારો થયો હતો; તેવાકમાં અમને કોઈ પણ જાતની કળ વડે તે આગોતરા જ કોરોના વાયરસનો કેર સાચૂકલે ખાબક્યો અને અમે સૌ ઊંઘતા ઝડપાયા !

સુખ્યાત ઠઠ્ઠાચિત્રકાર, ક્રીસ રિડલે આપ્યું આ ઠઠ્ઠાચિત્ર : દૈનિક “ધ ગાર્ડિયન”ના 28 માર્ચ 2020ના અંકમાથી સૌજન્યભેર સાદર

અને પછી, દેશમાં સર્વત્ર તેની અસર દેખાવા માંડી. શાસને તાળાબંધી જાહેર કરી. તેને ય હવે આ ચોથું અઠવાડિયું છે. અને બીજા ત્રણ સપ્તાહનું તેમાં ઊમેરણ થાય તેમ સરકારી વર્તુળોમાંથી કહેવાતું રહ્યું છે. ખાધાખોરાકીનાં સીધાંસામાનની દુકાનો સિવાય સઘળું આ તાળાબંધીમાં આમેજ છે. મોટા ભાગના દફતરો પણ સામેલ. હા, નિશાળો, કૉલેજો, યુનિવર્સિટીઓ પણ તાળાબંધીના દાયરામાં. પરિણામે, વિદ્યાર્થીઓ ઘેર, જાણે કે રજાનો માહોલ જોઈ લો. તેની વચ્ચે મોટાં ભાગનાં માવતરો ઘેર બેસી પોતાની રોજિંદી નોકરીઓનો વહીવટ આટોપે.

હા, આ અરસામાં ‘નેશનલ હેલ્થ સર્વિસ’ની કમાલ કામગીરી રહી છે. આ ટૉરી સરકારના દાયકા ભરના શાસનમાં લદાયેલા અનેકાનેક કાપને કારણે કુંઠિત થયેલી આ સેવાએ કલ્પનાતીત રંગ રાખ્યો છે. બધી હોસ્પિટલો, ક્લિનિકો, દવાખાનાંઓ, પરિચારિકાઓ તેમ જ નાનામોટા તમામ દાક્તરોએ રાતદિવસ સેવામાં રત રહેવાનું જ રાખ્યું છે. અને આ કામગીરીને કારણે ચોમેર સગવડ સુવિધા પહોંચ્યાં છે. તેનો નક્કર દાખલો વડા પ્રધાન બોરિસ જ્હોનસનની તાજેતરની માંદગી અને એમને મળેલી સારવાર છે. મરણજીવન વચ્ચે ઝોલા ખાતા બોરિસભાઈને સતત સારવાર સાંપડી તેવી સામાન્યત: દરેક દરદીને અપાતી રહી છે. અને તેની વચ્ચે કેટલાંક દાક્તરોએ તેમ જ પરિચારિકાઓએ પ્રાણ ખોયાં છે. આ દુ:ખદ છે.

“ગાર્ડિયન” દૈનિકના એક વગદાર કટારચી, માર્ટિન કેટલ લખે છે તેમ, બોરિસ જ્હોનસનની આ ટૉરી સરકાર હવે પછી ‘નેશનલ હેલ્થ સર્વિસ’ માટે કૂણું વલણ રાખે અને વિશેષ સહાય કરે તેમ વર્તાય છે.

‘નેશનલ હેલ્થ સર્વિસ’માં મોટે ભાગે કામ કરનારાંઓ BAME - અશ્વૈત, એશિયાઈ તેમ જ વિવિધ લઘુમતી સમાજનાં વંશજો છે અને તેમને આ દાયકા વેળા વર્ણભેદનો સામનો કરવો પડ્યો છે. આનો વળતો જવાબ એટલે આ કર્મચારીઓની તનતોડ, મનતોડ સેવા. અને તેની જોડાજોડ સોશિયલ મીડિયામાં ઘૂમરીએ ચડેલું એમનું રંગભેદ વિરોધી ગીત : You Clap for Me Now. [https://www.youtube.com/watch?v=gXGIt_Y57tc] આજ સવાર સુધીમાં 2,52,051 લોકોએ તે જોયું, સાંભળ્યું અને માણ્યું.

જે કોઈને અમુક પ્રકારના ખાસ કેન્સરના વ્યાધિ હોય, જેમને શ્વાસોચ્છવાસની આકરી પરિસ્થિતિ હોય, હોમોઝિગસ સિકલ સેલ, સિવિયર કમ્બાઇન્ડ ઈમ્યુનોડેફિશિયન્સી જેવી જેવી સ્વાસ્થ્યની ચિંતાજનક હાલત હોય તેવા તેવા લોકોને ત્રણ મહિનાઓ માટે નક્કર ઘરબંધી જાળવવાનો આરોગ્ય ખાતાએ આદેશ આપ્યો છે. બીજાત્રીજા મુલકમાં થયું છે તેમ સિત્તેરની વયની ચોપાસના લોકોને પણ આ તાળાબંધી વેળા ઘરના વાતાવરણમાં સાંચવીને રહેવાનું કહેવાયું છે. અને દેશ ભરમાં આવાં લોકોની આંકડો લાખોમાં જવા જાય છે.

જાહેર પરિવહનનાં સાધનો દોડે છે પણ તેમાં કાપ મુકાયો છે અને બસ, ટૃેનમાં બે મીટરનું અંતર જાળવવાનું હોય છે. આવું ખાધાખોરાકીનાં સીધાંસામાન વેંચતી દુકાનોમાં પણ અંતર તો છે જ છે, પણ તેની કતાર લાંબીચોડ જોવા મળે. અને તેમાં બહુધા શિસ્ત જોવાની સાંપડે. અને છતાં, પોલીસ દળ અને લશ્કરના જવાનો પણ કાયદાનું શાસન જાળવવા હજરાહજૂર જોવા મળે.

સામાન્યપણે શેરીઓ અને મહોલ્લાઓમાં ચિત્રકામ કરતા પલાયનવાદી અજ્ઞાત કળાકાર, બૅન્ક્સી[Banksy]એ, અબીહાલ ‘ઈન્સ્ટાગ્રામ’ વાટે, આવા મથાળા સાથે પાંચ ચિત્રો મુક્યાં : ‘માઈ વાઇફ હેઇટ્સ ઈટ વ્હેન આઈ વર્ક ફ્રોમ હૉમ’ (ઘેરથી જ્યારે જ્યારે કામ કરવાનું મારે થાય છે ત્યારે ત્યારે મારી વહુને અણગમો થઈ આવે છે.).

બૅન્ક્સીની આ આકૃતિઓ પણ અગાઉની આકૃતિઓ પેઠે સ્નાનાગાર માંહેનો અરીસો એક પા ઢળેલો હોય, બત્તીના દોરડા ખેંચાયેલા હોય, હીંચકા લેતા ટુવાલ રાખવાના કડા તેમ જ ટૂથપેસ્ટમાંથી ઊડતું પેસ્ટ દર્શાવે છે. [બૅન્ક્સીએ લીધા ફોટાઓ પૈકી, અહીં, આ ફોટો “ધ ગાર્ડિયન” દૈનિકની 16 ઍપ્રિલ 2020ની આવૃત્તિમાંથી સાદર લેવાયો છે.]

પોસ્ટ ઑફિસોમાં, બેન્કોમાં સ્વાભાવિકપણે કર્મચારીઓ ઓછાં જોવાં મળે, પણ સેવાઓ ચાલુ રખાઈ છે. અને તેમ છતાં દરેકને ‘ઑન લાઈન’ સેવાઓમાં લપેટાવાની વાત સતત કહેવાતી હોય.

મોટા ભાગની બીજી દુકાનો બંધ છે. દેશ માટે, સમાજ માટે અગત્યની ન હોય તેવા મોટા ભાગના દફતરો પણ બંધ રહ્યા છે. અને તેને કારણે અનેક લોકોનાં કામ છૂટ્યાં છે. આમાં રોજડિયા કામદારોને ઊમેરીએ તો કુલ બેકારીની ફોજ મોટી ને મોટી થતી ચાલી છે. મોટા ભાગના લોકોને સારુ તો ભવિષ્યે કોઈ રોજગારી રહેશે કે નહીં તેની કોઈ ખાતરી નથી.  

રમેશ ઓઝાએ 16 ઍપ્રિલ 2020ના “ગુજરાતમિત્ર”માં લખ્યું છે તેમ, ‘જીવન સાથે જીવનનિર્વાહનો સંબંધ અનિવાર્ય છે. જો કે આ તો ઉઘાડું સત્ય છે, પરંતુ આજનો યુગ એટલો બહેરો સંવેદનહીન છે કે જ્યાં સુધી નજરે જુએ નહીં ત્યાં સુધી તેમને ઉઘાડું સત્ય પણ ન સમજાય અને કેટલાકને તો એ પછી પણ નથી સમજાતું. … સામાન્ય બુદ્ધિ કહેશે કે જ્યાં સુધી ભય દૂર ન થાય ત્યાં સુધી. અને ભય ક્યારે દૂર થશે? જ્યારે કોરોનાની રસી અને તેની દવા શોધાશે એ પછી. ત્યાં સુધી એક માણસ બીજા માણસથી ડરતો રહેવાનો. આમ ભયભીત માણસે જીવન બચાવવું હોય તો સહેલામાં સહેલો ઉપાય ઘરમાં પૂરાઈ રહેવાનો છે. લોકોને મળવાનું ટાળો અને કોરોનાને કારણે થનારા સંભવિત મૃત્યુથી પોતાને બચાવો. લાંબો સમય સુધી ક્યાં ય ગયા વિના ઘરમાં પૂરાઈ રહેવાને કારણે સામાજિક-માનસિક પ્રશ્નો પેદા થશે એ વાતને જવા દઈએ, પણ જીવનનિર્વાહનું શું? દરેકની એક મર્યાદા હોય છે. કોઈ બે મહિના ખેંચી કાઢે, કોઈ ચાર મહિના તો કોઈ છ મહિના. બીજું જે લોકો જે કાંઈ કામધંધો કરે છે એનું કોરોના પછીનું ભવિષ્ય કેવું હશે એ કહેવું મુશ્કેલ છે. જે લોકો મોટી કંપનીઓમાં નોકરી કરે છે એ કંપનીની સ્થિતિ કેવી હશે અને નોકરી ટકશે કે નહીં એ પણ પ્રશ્ન છે.’

આ સમયગાળામાં અનેક લોકો મરણને શરણ થયાં છે. પણ અંત્યેષ્ટિ વેળા સગાંસંબંધીઓ સામેલ થઈ શકતાં નથી. કુલ મળીને દશ જણને રજા આપવામાં આવી છે. આ પીડાકારી હાલત જરૂર છે, પણ માણસ તો મુશ્કેલીમાં માર્ગ કાઢવાવાળો છે ને. લોકોએ ઇન્ટરનેટનો લાભ લીધો છે અને તેની સહાયથી આ દશ ઉપરાંત ઘેર રહીને સગાંસંબંધીઓ પોતાના કમ્યુટર વાટે, પોતાના મોબાઇલ વાટે ‘વર્ચ્યુઅલ’ [virtual] હાજરી આપે એવું ચલણ ઊભું કરાયું છે. હવે તો આંતરરાષ્ટૃીય સ્તરે આવી વર્ચ્યુઅલ હાજરીની વિગત પણ જાણવા મળી છે !

શાસકોને ‘અંકુશમાં રાખવા’ અહીં સંસદની બેઠકો સમયાન્તરે થતી રહી છે. પણ આવી ઘડીએ મિલન થાય, બેઠક થાય તેમ કેમ સ્વીકારાય ? તો આમ સભાના સ્પીકર આવતા અઠવાડિયાથી મળનારી બેઠક માટે આવી ‘વર્ચ્યુઅલ’ સભાબેઠક મળે તેની ગોઠવણમાં છે. હવે, આ નવીનક્કોર પદ્ધતિ માટે આપણે સમજવા ‘વર્ચ્યુઅલ’નો અર્થ શો કરશું ? નરહરિ કે. ભટ્ટ ‘વિનયન શબ્દકોશ’માં  : યથાર્થ, વાસ્તવિક, અસલી, (૨) કલ્પિત (૩) સંભાવ્ય (૪) વ્યાવહારિક રીતે અમલી (૫) આભાસી - જેવા અર્થ આપે છે. પણ આ નવા સંદર્ભમાં તેને સારુ, ભલા, આપણે શું શબ્દ બનાવીશું ?

અહીં પણ આ કોરોના વાઇરસને પામવા સારુ બાયોમેટ્રિક જાપ્તાઓનો આધાર લેવાનો રખાયો છે. તેને સારુ દરેક નાગરિકની તબીબી માહિતીનોંધને આવરી લેવાની રાખી છે. ઉપરછલ્લી સમજે આની સામે કોઈના વાંધાવચકા ન હોય. પણ શાસકો ત્યાં જ અટકે તેમ નથી. આજના બજારુ અર્થતંત્રમાં માણસ હવે કદાચ માણસ નથી, તે ગ્રાહક છે. અને ગ્રાહકને રિઝવવા, કાબૂમાં રાખવા જે કંઈ કરવાનો જોગ થાય તેમાં આ જાપ્તાનો ઉપયોગ થાય તેવી દહેશત રહ્યા કરી છે. રાજ ગોસ્વામીએ તાજેતરના એમના “સંદેશ” દૈનિકમાં 05 ઍપ્રિલ 2020ના પ્રગટ લેખમાં એક અત્યન્ત અગત્યની બાબત છેડી છે. એ લખતા હતા : ’કોરોના વાઈરસને પકડવા માટે ગોઠવવામાં આવેલા આવા બાયોમેટ્રિક જાપ્તાઓ કહેવા માટે કામચલાઉ હોય છે, પરંતુ એકવાર મહામારી દૂર થઇ જાય, પછી સરકારો ગોઠવાયેલી વ્યવસ્થાઓને હટાવતી નથી. હરારી કહે છે કે ઇઝરાયેલમાં ૧૯૪૮ના સ્વતંત્રતા યુદ્ધવેળા જાહેર કરવામાં આવેલાં કટોકટીનાં ઘણાં પગલાં આજે પણ અમલમાં છે. માણસોની પ્રાઈવસીને લઈને એક મોટો ઝઘડો ચાલે છે અને કોરોના વાઈરસના સમયમાં સરકારો ‘સ્વાસ્થ્ય-કટોકટી’ ઘોષિત કરીને માણસોની પ્રાઈવસીમાં ઘૂસ મારશે. લોકોને તમે પ્રાઈવસી કે સ્વાસ્થ્ય? એવી ચોઈસ આપો, તો સ્વાભાવિક રીતે જ લોકો સ્વાસ્થ્ય પસંદ કરશે અને પ્રાઈવસી જતી કરશે.’

આવતી કાલે આ વાયરસ જરૂર રજા લેશે; પણ સઘળે સારા વાના થશે તેની ખરેખાત કોઈ ખાતરી નથી.

હૅરો, 16 ઍપ્રિલ 2020

e.mail : [email protected]

પ્રગટ : "નિરીક્ષક" − ડિજિટલ આવૃત્તિ; 17 ઍપ્રિલ 2020

Category :- Ami Ek Jajabar / Ami Ek Jajabar

રમણીકલાલ સોલંકીને 1972ના અરસે પહેલી વાર જોયાનું સ્મરણ છે. એ દિવસોમાં “જન્મભૂમિ”માં પત્રકારત્વ કરતો અને રમણીકભાઈ લંડન બેઠે “જન્મભૂમિ” જૂથનું પ્રતિનિધિત્વ કરતા. પણ મુંબઈ આવે ત્યારે રમણીકભાઈની બેઠકઊઠક તંત્રી જોડે કે તંત્રી ખાતાને બદલે સવિશેષ ‘સૌરાષ્ટૃ ટૃસ્ટ’ના તત્કાલીન વહીવટી સંચાલક રતિલાલભાઈ શેઠ જોડે રહેતી. બીજે માળે રતિભાઈની પણ કૅબિન હતી. રમણીકભાઈ બહુધા ત્યાં જ બેસતા. જ્યારે આજની જેમ તંત્રીખાતું પહેલે માળે. તંત્રીખાતાના દરવાજે આવી પટાવાળાને એ લખાણના કાગળિયા ભળાવી જાય; તે વેળાના તંત્રી મનુભાઈ મહેતાની કૅબિન લગી પહોંચવાનું એ ટાળતા. કેમ હશે ? મને ભારે અચરજ થતું. તેમ છતાં, મનમાં ને મનમાં, રમણીકલાલ સોલંકીને ક્યારેક મળવાનાં પલાખાં માંડતો રહેતો.

એ ત્યારે શક્ય થયું જ નહીં. … સન 1975ના ઉત્તર ભાગે વિલાયત જવાનો જોગ થયો. ગોઠવાઉં એની પળોજણ હતી. પાનખર બેઠી હતી, ને શિયાળાની ઝીંક સહન કરવાની હતી. સનંદી સેવામાં નોકરી સાંપડી હતી અને વળી, જોડાજોડ, પગભર થવાની કસરત થતી. પરિણામવસ, “ગરવી ગુજરાત”ના તંત્રી રમણીકલાલ સોલંકીને મળવાનો જોગ ન જ થયો. પરંતુ મારી કિશોરાવસ્થાના દોસ્ત વિનોદ એમ. પટેલ વાટે “ગુજરાત સમાચાર”નાં તંત્રી કુસુમબહેન શાહને મળવાનો જોગ જરૂર થયો. એ દિવસોમાં એમનું દફતર સાઉથહૉલમાં હતું અને મારો વાસો પડખેના હાન્સલોમાં. કુસુમબહેન કહે, બેત્રણ અઠવાડિયા પહેલાં જો તમે મળ્યા હોત ! … ખેર ! … એ દિવસોમાં કુસુમબહેન શાહ “ગુજરાત સમાચાર”ના કબજા હક અધિકાર વેંચવાની પળોજણમાં હતાં. વાટાઘાટો નિર્ણાયક સ્તરે પહોંચી ગયેલી.

આમ, “ગુજરાત સમાચાર”નો માલિકી હક ચન્દ્રકાન્ત બાબુભાઈ પટેલે મેળવી લીધો. એ પણ વિનોદ પટેલને જાણે. બન્ને વચ્ચે નિજી સંબંધ. વિનોદને કારણે સી.બી.ને નામે જાહેર ઓળખાતા આ ચન્દ્રકાન્તભાઈને મળવાનું થયું. બન્નેના આગ્રહે “ગુજરાત સમાચાર”માં તંત્રી તરીકે જોડાવાનું કબૂલ કર્યું. આ તંત્રીપદ નભ્યું તો માંડ 13 મહિના; પણ તેને પરિણામે રમણીકભાઈને મળવાનું દોહ્યલું થતું ગયું. પરિસ્થિતવસાત્‌ “ગરવી ગુજરાત” અને “ગુજરાત સમાચાર” વચ્ચે ઉગ્ર રસાકસી. જાણે કે એક જાતનો ગરાસ સાંચવવાની મથામણ !

“ગુજરાત સમાચાર”નું પ્રકરણ આટોપાયું; તો બીજી પાસ, વેમ્બલીના એક બડા વ્યાપારી હીરાભાઈ પટેલ “નવજીવન”નો આદર કરે. એમના આગ્રહે જોડાયો. બારેક મહિના આ સાપ્તાહિક ટક્યું હશે; તેમાંથી આરંભે છએક માસ મારે ફાળે હતા. અને પછી, કાયમી નોકરીની તલાશે પૉસ્ટ ઑફિસના કમઠાણમાં જોડાઈ ગયો. આટલું કમ હોય તેમ, 1977/8થી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના એક વરિષ્ઠ અધિકારીપદે નિયુક્ત થયો. અકાદમીના ઉછેરમાં, સંગોપનમાં તેમ જ તેના વિસ્તરણમાં ય ખૂંપી ગયો. બન્ને સાપ્તાહિકોથી અંતર જાળવીને અલિપ્તપણે કારભાર કરવાનો થતો. ઐતિહાસિક કારણોને લીધે “ગુજરાત સમાચાર”માંના સાથીસહોદરો અકાદમીની બેઠકોમાં સામેલ થયા કરતા. કેટલાક વળી કારોબારમાં ય સામેલ થયા.

આ સાડાચાર દાયકાઓની જાણકારી હોવા છતાં, માહિતીવિગતો છતાં, રમણીકલાલ સોલંકી જોડે ઈચ્છિત ઘનિષ્ટતા કેળવી ન જ શકાઈ. પરંતુ છતાં, એક પ્રકારના આદરમાનનું પલ્લું સતત નમતું જ અનુભવાયું છે. ઉભય પક્ષે પરિચિત હતા. ક્યારેક મળવાનું થાય તો વિવેકસભર હળવામળવાનો વ્યવહાર રહેતો. રમણીકભાઈનાં સંતાનોએ પણ આ કેડો જાળવી જાણ્યો છે.

°°°°°

વારુ, આપણા આ રમણીકલાલ સોલંકીનો જન્મ સુરત જિલ્લાના રાંદેરમાં 12 જુલાઈ 1931ના રોજ થયો. એમના પિતાનું નામ છોટાલાલ સોલંકી અને માતાનું નામ ઈચ્છાબહેન. ભાંડુઓમાં એ સૌથી મોટેરા. કિશોરાવસ્થાથી એમને વાંચનનો શોખ અને કહે છે કે શાળાના પુસ્તકાલયમાંનાં મોટાં ભાગનાં પુસ્તકો એમણે વાંચી કાઢેલાં. વળી એમને લેખનમાં ય રસ. અર્થશાસ્ત્રના વિષય સાથે રમણીકલાલે ઉપાધિ મેળવી અને પછી કાયદાનો ય અભ્યાસ કરેલો. નવસારી જિલ્લાના પેથાણનાં વતની મકનજીભાઈ ચાવડાનાં દીકરી પાર્વતીબહેન જોડે રમણીકલાલનું સન 1955માં લગ્ન થયું. અમદાવાદ ખાતે એ વેચાણવેરા વિભાગમાં, દરમિયાન, ઇન્સ્પેકટર તરીકે નોકરીએ લાગેલા. પાલણપુર, ભરૂચ અને વલસાડ ખાતે ય એમની બદલી થયા કરી. આ ગાળામાં દંપતીને ત્યાં સાધના, સ્મિતા અને કલ્પેશ નામે ત્રણ સંતાનો થયાં. આ ત્રિપુટીની પછીતે, છેલ્લે, શૈલેષનો જન્મ થયો.

પાર્વતીબહેનના મોટાભાઈ સુબોધભાઈ ચાવડા લંડન રહેતા હતા. મહિલાઓ માટે તૈયાર કપડાં બનાવવાનો સુબોધભાઈનો વ્યવસાય. જાહેર જીવનમાં આગળ પડતો ભાગ લેનારા સુબોધભાઈ સજ્જન તેમ જ આદરમાન વ્યક્તિ હતા. પાર્વતીબહેનના અતિ આગ્રહને કારણે રમણીકલાલ 1964માં માંડ વિલાયત જવાને તૈયાર થયા. ગુજરાન ચલાવવા નાનીમોટી નોકરી અહીં એ કરતા રહ્યા અને સાળા સુબોધભાઈની નિશ્રામાં ઠરીઠામ થવાનું ગોઠવતા ગયા. પાંચેક વરસે પાર્વતીબહેન અને સંતાનો પણ લંડન પહોંચ્યાં. રમણીકભાઈનાં માતા ઈચ્છાબહેન પણ તેમની સાથે લંડન આવ્યાં.

પાર્વતીબહેન અને સંતાનો આવવાની તૈયારીમાં હતાં તે દરમિયાન, રમણીકભાઈએ સગવડ સાંચવવા એક સાધારણ ઘરની ખરીદ કરી લીધી હતી. રમણીકભાઈની નોકરી પણ ચાલુ હતી. પાર્વતીબહેનને વળી એક લૉન્ડૃીમાં કામ મળી ગયું. આમ ગુજારો થતો ગયો.

રમણીકભાઈનો લેખનનો સળવળાટ ચાલુ હતો. સુરતથી પ્રગટ થતાં “ગુજરાતમિત્ર” માટે નિયમિત ‘લંડનનો પત્ર’ મોકલતા રહેતા. ગુજરાતના પહેલવહેલા મુખ્યપ્રધાન જીવરાજ મહેતા તે દિવસોમાં યુનાઇટેડ કિંગ્ડમ ખાતે ભારતના ઉચ્ચ આયુક્તપદે હતા. જીવરાજભાઈ મહેતા સાથે મુલાકાત થઈ તો જીવરાજભાઈએ એકાદ ગુજરાતી છાપું શરૂ કરવાનું સૂચન રમણીકભાઈને કર્યું, તેમ કહેવાય છે. ‘ઇન્ડિયા હાઉસ’માં અવારનવાર રમણીકભાઈ જતા. ત્યાંના જાહેર કાર્યક્રમોમાં ય હાજરી આપતા. જીવરાજભાઈ સાથેનો પરિચય પણ વધતો ગયો તેમ તેમનું સૂચન પણ દૃઢ થતું ગયું.

એક અહેવાલ મુજબ રમણીકભાઈ જીવરાજભાઈને સવાલતા હતા : ‘આ છાપું ચાલુ તો કરીએ પણ તેનો ખર્ચો કેવી રીતે કાઢવો ?’ આ સૂત્રો અનુસાર, જીવરાજભાઈએ જવાબ આપ્યો : ‘ખર્ચાની ચિંતા કર્યા વિના પહેલાં છાપું ચાલુ કરો.’ કહે છે કે જીવરાજભાઈએ કેટલાક ઉદ્યોગપતિઓ જોડે આ અંગે સહાયક થવાની વાત પણ કરી હોય. અને આમ, રમણીકલાલ સોલંકીએ 01 એપ્રિલ 1968ના આ સૂચિત છાપાનો ઉત્તર વેમ્બલીના પીલ રોડ પરના આવાસેથી આદર કર્યો. નામાભિકરણ પણ થયું : “ગરવી ગુજરાત”. રમણીકભાઈ તેમ જ “ગરવી ગુજરાત” વતી, વડીલ સહાયક, સલાહકાર તરીકે જાણીતા ઉદ્યોગપતિ મૂળજીભાઈ નાગડાએ પહેલા અંકની નકલ તત્કાલીન ઉચ્ચ આયુક્ત એસ.એસ. ધવનને અર્પણ કરેલી. આજ પર્યન્ત પ્રગટ થતાં “ગરવી ગુજરાત”ને હવે 52 વર્ષ થયાં. આ ખુદ એક મોટી સિદ્ધિ છે.

આરંભના એ દિવસોમાં રમણીકલાલભાઈએ નોકરી પણ ચાલુ રાખી અને બાકીના સમયમાં આ આદરેલા સાહસને સંગોપવામાં સમયશક્તિ આપવાનું રાખ્યું. સપ્તાહઅંત દરમિયાન સામયિકના પ્રચાર પ્રસાર સારુ બ્રિટન ભરમાં ઘુમવાનું જરૂરી હતું. અને એમણે શક્ય દોડધામ કરીને લવાજમ ઉઘરાવવાનું રાખ્યું. આરંભે પખવાડિયે નીકળતા આ સામયિકનું વાર્ષિક લવાજમ માત્ર દોઢ પાઉન્ડ હતું. અથાગ પરિશ્રમને કારણે શરૂઆતમાં “ગરવી ગુજરાત” માટે 150 જેટલાં લવાજમો ઉઘરાવી શકાયા હતા. બે વરસની અવધિ બાદ, આ પખવાડિકને અઠવાડિક કરવામાં આવ્યું. લંડનમાં એમને માટે હરવાફરવાનું સરળ હતું, પરંતુ દેશ ભરમાં થોડુંક મુશ્કેલ હતું. કેમ કે એ ગાડી ચલાવતા નહીં. જાહેર પરિવહનનાં વિધવિધ સાધનોનો ઉપયોગ કરતા. પાછળથી પાર્વતીબહેન ગાડી હંકારતાં શીખ્યાં અને એ રમણીકભાઈના સારથિ જ બન્યાં, એમના સાથીસહોદર પણ થયાં. ચાર સંતાનોના ઉછેરમાં પરોવાતાં રહેવા ઉપરાંત લૉન્ડૃીમાંની નોકરી કરવાની તેમ જ રમણીકભાઈને “ગરવી ગુજરાત” માટે અસીમ સહાય કરવી, એ પાર્વતીબહેનનો રોજિંદો વ્યવહાર બની ચુક્યો.

આ સામયિકના પ્રસાર માટે રમણીકલાલ સોલંકી 1970માં નોકરી છોડે છે અને પૂરો સમય તેના વિકાસમાં મચી પડે છે. આ સાપ્તાહિકમાં સામાજિક, રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક, ધાર્મિક બાબતો તેમ જ અનેકવિધ કાર્યક્રમોને આવરી લેવાયા હોઈ, તેની લોકપ્રિયતા વધતી ગઈ. તો બીજી બાજુ, કોઈ પણ આપ્રવાસી અહીંતહીં સર્વત્ર સ્વાભવિકપણે કરતો આવ્યો છે, તેમ રમણીકભાઈએ પણ પરિવારને એક પછી એક પડખે તેડાવી લીધા કે જેથી વિસ્તૃત બનતી જવાબદારીઓ સરળતાએ, વિશ્વાસે નિભાવી શકાય. મોટાં દીકરી, સાધનાબહેન આરંભે જાહેરાત વિભાગનું સંચાલન કરતાં રહેતાં. હવે એ જવાબદારીઓ નાના ભાઈ જયંતીલાલ સોલંકી નિભાવે છે. વળી, બન્ને દીકરાઓ, કલ્પેશભાઈ તેમ જ સૈલેષભાઈ તંત્રી ખાતામાં જવાબદારીઓ સાંચવે છે.

મહારાણી ઇલિઝાબૅથ બીજાંએ 1999માં રમણીકલાલ સોલંકીને ‘ઑર્ડર ઑવ્‌ ધ બ્રિટિશ એમ્પાયર’નું બિરુદ એનાયત કરેલું અને તે પછી 2007માં ‘કમાન્ડર ઑવ્‌ ધ બ્રિટિશ એમ્પાયર’ની નવાજેશ કરી હતી.

આજે “ગરવી ગુજરાત” યુનાઇટેડ કિંગ્ડમનું એક અગ્રણી પ્રકાશનગૃહ બની ગયું છે. આ જ જૂથનું અંગ્રેજી અખબાર “ઇસ્ટર્ન આઇ” તો માત્ર એશિયનો જ નહિ, પણ યુનાઇટેડ કિંગ્ડમના રાજકીય, સામાજિક અગ્રણીઓનું પણ પ્રિય અખબાર બન્યું છે. “એશિયન રિચ લિસ્ટ” એશિયાઈ વ્યાપારી જગતની પારાશીશી સમાન બન્યું છે. “એશિયન ટ્રેડર”, “ફાર્મસી બિઝનેસ” અને “એશિયન હોસ્પિટાલિટી” જેવાં પ્રકાશનો જે તે ક્ષેત્રના વ્યાપારીઓ વચ્ચે સેતુરૂપ બન્યાં છે. “ઇસ્ટર્ન આઈ”ને એમણે “જ્યુઈસ ક્રોનિકલ”ની જેમ રાષ્ટૃીય અખબાર બની રહે તેની ચીવટ રાખી છે. તેને વંશવાદી છાપાનો પાનો ન ચડે તેની તેમણે કાળજી લીધી છે. આ પગલું તેથીસ્તો ભારે સરાહનીય બની રહ્યું છે.

ભારતની અવારનાવ મુલાકાત લેતા, રમણીકલાલ સોલંકીનું અમદાવાદ ખાતે ટૂંકી માંદગી બાદ 01 માર્ચ 2020ના અવસાન થયું.

°°°°°

આરંભના વરસો દરમિયાન, લાગે છે, સમાજના વિવિધ સ્તરે રહી, પહોંચી સાપ્તાહિકને મજબૂત કરવાનું રાખ્યું છે. અનેક વ્યક્તિઓ તથા સમાજના આગેવાનોનો શક્ય સાથ લીધા કરેલો. એક દા પ્રાણલાલ શેઠનું નામ પણ પહેલે પાને તંત્રી તરીકે પ્રકાશિત થયાનું સાંભરે છે. વળી, ગુજરાતી સમાજને એક સાંકળે બાંધી શકાય તે માટે ય રમણીકલાલ સોલંકીએ તનતોડ પ્રયાસ કરેલા છે. પાંચેક દાયકાઓ પહેલાં ‘ફેડરેશન ઑવ્‌ ગુજરાતી ઓર્ગનાઇઝેશન્સ’ની સ્થાપનામાં માત્ર પૂરેવચ્ચ નહોતા રહ્યા, તેની સક્રિયતા માટે ય યોગદાન એમણે આપેલું છે. મારી જન્મભૂમિમાં જેમનો અમને નિજી પરિચય હતો તેવા અરુશાના નામી શહેરી કાશીગર ગોસ્વામીના વડપણ સાથે ફેડરેશનની પ્રવૃત્તિઓમાં રમણીકભાઈ અને “ગરવી ગુજરાત” અગ્રેસર રહ્યાં હતાં. છેલ્લા દસકાઓમાં, જો કે, રમણીકલાલ સોલંકી વિશેષપણે ગુજરાતી સમાજના વિવિધ સ્તરેથી અલિપ્ત બનતા ગયા હતા, તેથી હેરત અનુભવતો હતો.

જીવરાજ મહેતા - હંસાબહેન મહેતાનો રમણીકભાઈએ જેમ સંપર્ક મજબૂત કરેલો, તેમ એ પછીના દરેક ભારતીય ઉચ્ચ આયુક્ત જોડે સંબંધ કેળવેલો. વળી, એમને ત્યાં આ સાપ્તાહિકને પ્રતાપે “કુમાર”ના બચુભાઈ રાવત, ‘પરિચય ટૃસ્ટ’ના એક ટૃસ્ટી તેમ જ “કોમર્સ”ના તંત્રી વાડીલાલ ડગલી, આપણા વરિષ્ઠ સાહિત્યકાર ઉમાશંકર જોશી તથા નિરંજન ભગત પણ મહેમાન તરીકે પધાર્યા હતા. તે રીતે કેટલા ય સાધુસંતોની તથા પારાયણીઓની પણ આવનજાવન થતી રહેતી. આમાંના ઘણા આગંતુકોનો જો કે સમાજને સ્તરે પરિચય કેળવવો શક્ય થતો નહોતો. આના કેટલા ય અનુભવો અકાદમીને સારુ મને થયા છે. ઉમાશંકર જોશી સિવાય એમાંના મોટા ભાગના લોકો અકાદમીને કે મને હળેમળે નહીં તેવી ગોઠવણ પણ સહજ થયા કરતી, તેમ સમજાયું છે.

(ડાબેથી) શૈલેષ સોલંકી, સાધના કારીઆ, પાર્વતીબહેન સોલંકી, રમણીકલાલભાઈ સોલંકી, જયંતીલાલ સોલંકી તેમ કલ્પેશ સોલંકી

આ દેશના જાણીતા પત્રકાર અમિત રોયે અંજલિ આપતા જે લેખ કર્યો છે, તેમાંથી આટોપતાં આટોપતાં આ અવતરણ લેવાનું રાખું છું :

‘એક દિવસ હું તેમની સાથે બેઠો હતો ત્યારે મેં તેમને રોકયા બીબીની વાર્તા અક્ષરસ: સંભળાવવા કહ્યું. 1971ના ઉનાળામાં થેમ્સ નદીમાંથી મળી આવેલા 22 વર્ષની સુંદર મુસ્લિમ મહિલાના મૃતદેહ અને તેની હત્યાના ઉકેલાયેલા તાણાવાણાની તાદૃશ્ય વાત તેમણે એટલી બારીકાઈ અને સ્પષ્ટતાથી કરી હતી. … પોતાના ઉપરના કેટલાક જોખમ છતાં તેમણે ‘સ્કૉટલૅન્ડ યાર્ડ’ને આ કેસ ઉકેલવામાં જે મદદ કરી હતી તે બદલ 2003માં મેટૃોપોલિટન પોલિસના તત્કાલીન નાયબ કમિશનર સર ઇઅન બ્લેરે તેમને જાહેરમાં બિરદાવ્યા હતા.

‘તેમણે કરેલી રોકયા બીબીની વાત મને ફિલ્મની સ્ક્રીપ્ટ જેવી લાગતા મેં રમૂજ પણ કરી હતી કે જો આના ઉપરથી ફિલ્મ બનાવાય તો તમારું પાત્ર કોણ ભજવશે ? આ ક્ષણે રમણીકભાઈ હસી પડ્યા હતા.

‘રોકયા બીબીની હત્યાના 50 વર્ષ પછી પણ મને લાગે છે કે આ હત્યા-કેસ બી.બી.સી. ડૃામાના છ ભાગમાં પરિવર્તિત કરી શકાય તેમ છે. 1964માં 33 વર્ષની વયે ગુજરાતથી યુનાઇટેડ કિંગ્ડમ આવેલા રમણીકભાઈ તેમની કારકિર્દીના પ્રારંભમાં જ આ વાતમાં એક સ્ટોરી નિહાળવાની દાખવેલી રિપોર્ટરની સૂઝ અને તેના તાણાવાણાને ભેગા કરવાની તથા વ્યક્ત કરવાની જે કુનેહ દર્શાવી હતી, તે અદ્દભુત હતી.’

રમણીકલાલ સોલંકી તેમ જ “ગરવી ગુજરાત”ને ઇતિહાસ, વારુ, કઈ રીતે મૂલવશે ? આજના સંદર્ભે, પશ્ચિમના વાતાવરણમાં, ગુજરાતીની ખિદમત કરતાં કરતાં એમણે આજ પર્યન્ત 52 વર્ષ આપ્યા, તે જ સૌથી મોટી મિરાત લેખાય. રમણીકભાઈએ સાપ્તાહિક ચલાવતા ચલાવતા તેની મજબૂતાઈ કરીને વિસ્તાર કર્યો છે; અને હવે તો તે પ્રકાશનગૃહ બની ય ગયું છે. બૃહદ્દ ગુજરાતી ડાયસ્પોરાના પત્રકારત્વમાં આ સાપ્તાહિક તેમ જ રમણીકલાલ સોલંકીનું પહેલી હરોળે નામ અંકિત રહેશે. આ દેશે જે નામી ગુજરાતી પત્રકારો આપ્યાં છે : પ્રાણલાલ શેઠ, કુસુમબહેન શાહ, શિવકુમાર અય્યર, જયંતીલાલ ઠાકર ‘જયમંગલ’, કિશોર કામદાર, વગેરે વગેરે તેમાં રમણીકલાલ સોલંકીનું નામ તેમ જ કામ નિ:શંક સતત સોહતું રહેશે.

પાનબીડું :

બીજી તરફ છે બધી વાતોમાં હિસાબ હિસાબ,
અહીં અમારા જીવનમાં કશું ગણિત નથી.

                                                         − ‘મરીઝ’

હૅરો, 20-24 માર્ચ 2020

[1,719 શબ્દો]

e.mail : [email protected]       

Category :- Ami Ek Jajabar / Ami Ek Jajabar