AMI EK JAJABAR

વનુ જીવરાજે 21 ફેબ્રુઆરી 2018ના કાયમી વિદાય લીધી. ગુજરાત ડાયસ્પોરા જગતને એક ઊંચેરો માણસની ખોટ સહન કરવાનું આવ્યું. તેમને ‘અલવિદા’ કહેતાંક, આશરે દાયકા પહેલાં “જન્મભૂમિ-પ્રવાસી” માટે લખેલ લેખ.

ડાયસ્પોરિક ગુજરાતીઓનું ઘડતર કરવામાં અદકેરો ફાળો આપનારાઓની પહેલી હરોળમાં, એક નામ ગૌરવભેર સોહે છે : વનુ જીવરાજ સોમૈયા. ઇતિહાસવિદ્દ મકરન્દ મહેતાના શબ્દો ઉછીના લઈને કહું તો ખોટું નથી કે વનુ જીવરાજ, આ ગુજરાતને, ‘અરુણું પરભાત’ની દિશામાં દોરનાર એક દૃષ્ટા બની રહ્યા છે. કોમની સામાજિક અને નૈતિક ઉન્નતિ અર્થે કેટલાક લોકસેવકોનાં ટૂંકાં પણ મુદ્દાસર જીવનચરિત્રો આપણાં સમસામયિકોમાં દાયકાઓથી અપાતાં રહ્યાં છે. તેને પરિણામે, વાચકો સમક્ષ, સત્યપ્રેમ, કર્તવ્યનિષ્ઠા અને લોકસેવાનો ઉચ્ચ આદર્શ રજૂ થતો રહે છે. ગુજરાતી ડાયસ્પોરાના એક દૂરંદેશ આગેવાન ને પત્રકાર  મોહનદાસ ગાંધીએ ઠીક સો વરસ પહેલાં “ઇન્ડિયન ઓપીનિયન”માં આ વિશે સિલસિલાબંધ અને મજબૂત લેખમાળાઓ પણ આપી હતી, જે પાછળથી પુસ્તકરૂપે ય પ્રગટ થઈ છે.

ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યના એક મેરુ-શિખર એટલે ભાનુશંકર ઓધવજી વ્યાસ. ૧૯૭૯માં પ્રકાશિત એમના ‘ધરતીના ખપ્પરમાં આભ’ પુસ્તકમાં, ભાનુભાઈ નોંધે છે : ‘બ્રિટનના ગુજરાતી પત્રકારો અને તંત્રીઓમાં વનુભાઈનું આગવું સ્થાન છે. યુગાન્ડા તેમની જન્મભૂમિ. ‘મેનેન્જાઇિટસ’ની બીમારીએ એમની શ્રવણેન્દ્રિયને સર્વથા હરી લીધી. ઘેર અભ્યાસ કરીને ભાષાગૌરવ તેમ જ જીવનના આદર્શોને સચેત રાખનાર વનુભાઈ પાસે અત્યંત નાજુક અને સંવેદનશીલ હૃદય છે. ટૂંકી વાર્તા અને લેખોના સર્જક તરીકે સાહિત્યની દુનિયામાં પ્રવેશ કરી ફાળો આપતાં આપતાં, આત્મપરિશ્રમથી એમણે કમ્પાલામાં પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું, અને દસેક વર્ષના ગાળામાં એનો સારો એવો વિકાસ સાધ્યો. એ, કેવળ વસાહતની હકાલપટ્ટીમાં સામેલ થતી વેળા, એક અનાસક્ત દૃષ્ટિ કરી લેવા ખાતર! ‘આફ્રિકા લોહાણા મહાપરિષદ’ અંક તેમ જ ‘યુગાન્ડા ઇન્ડિપેન્ડન્સ સુવિનર’ના સંપાદક તે જ વનુભાઈ!’

ભા.ઓ. વ્યાસની કલમ ફ્રન્ટિયર મૈલની જેમ ધસમસતી આગળ ધપે છે. આહાહા, આ શબ્દો તો જુઓ : મંજુલાબહેનની ઊંચાઈ આપીને વનુભાઈની શકિતઓની ક્ષિતિજ જાણે કે ભાનુભાઈએ ચિંધી બતાવી છે ! ‘બ્રિટનની ધરતી પરના અઢી વર્ષના વસવાટમાં નિરાશ્રિત વનુભાઈનું નવું સાહસ એ “નવ બ્રિટન”, ગુજરાતીઓનું માનીતું દ્વિભાષી પત્ર! દરમિયાન તૈયાર થયું તેમનું પુસ્તક — ‘યુગાન્ડાનો હાહાકાર’. મંજુલાબહેન, વનુભાઈનાં જીવનસાથી, સાચા અર્થમાં તેમનો આધારસ્તંભ. તેઓ જ વનુભાઈનાં શ્રવણેન્દ્રિયો, તેઓ જ મંત્રી, તેઓ જ એમના સમસ્ત જીવનવ્યવહારની કાર્યકુશળતા !’ ‘જાણું છું’ નામે, શાયર હરજી લવજી દામાણી ‘શયદા’ની એક મશહૂર ગઝલ છે. તેનો મત્લઅ, માંહ્યલીકોર, આથીસ્તો, રમણે ચડ્યો :

હું મૌન રહીને એક અનાહત નાદ ગજાવી જાણું છું,
ભરનિદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું.

યુગાન્ડાના પાટનગર કમ્પાલાથી નેૠત્ય દિશામાં, આશરે ૧૩૭ કિલોમીટર દૂર, યુગાન્ડાની દક્ષિણે, વિક્ટોરિયા સરોવર પાસે મસાકા નામનું ગામ છે. એક જમાનામાં તે યુગાન્ડાનું મોટામાં મોટું બીજું શહેર લેખાતું. નાબુગાબો નામક એક સરોવરને કાંઠે વિસ્તરેલું આ ગામ, ૧૯૭૯ દરમિયાન, યુગાન્ડા - ટાન્ઝાનિયા વચ્ચેના યુદ્ધમાં સારી પેઠે નાશ પામેલું. એ ગામમાં હાથીદાંતનો, એક દા, કુશળ વેપાર કરતા જીવરાજ સોમૈયાને ઘેર, લાધીબહેનની કૂખે, વનુભાઈનો જન્મ ૧૩ ઑગસ્ટ, ૧૯૨૯ના રોજ થયો. જામનગર જિલ્લાના ધ્રાફા ગામના મૂળ વતની જીવરાજ સોમૈયા, છપનિયાના દુષ્કાળ બાદ, રોજગારી અર્થે આફ્રિકે ગયા હોય, તેમ પણ બને. આ દંપતીને છ સંતાનો. ત્રિકમભાઈ, બાલુભાઈ, રમણીકભાઈ, વનુભાઈ, પ્રભાબહેન અને વીમુબહેન. વનુભાઈ છએક વર્ષની ઉંમરના હશે અને એમણે પિતાની ઓથ ખોઈ. માતા લાધીબહેન પર, પરિણામે, છ સંતાનોના ઉછેરનો ભાર આવી પડેલો. તેમાં વળી એક વખત ચોર ત્રાટક્યા. પૈસેટકે સુખી આ પરિવારને સાફ કરી જઈ, ચોર રફુચક્કર થઈ ગયેલા ! જીવરાજ સોમૈયાના મોટાભાઈ અંબારામભાઈ કમ્પાલામાં થાળે પડેલા; તેથી કહે છે કે, ભાઈનાં પરિવારને પડખે લઈ હૂંફટેકો એમણે આપ્યા કર્યો. આપણા આ વનુભાઈ યુવાવસ્થાએ, પછી મૂળ ભાવનગરના પણ ધંધાર્થે ધરમપુર વસેલા પરિવારનાં, ૧ જૂન, ૧૯૩૩ના જન્મેલાં મંજુલાબહેનને ૨૭ માર્ચ ૧૯૫૭ના મુંબઈમાં પરણેલા. માનશો? તે પછી, આજ દી’ લગી, આ મનેખે ભારત જવાનું ટાળ્યા જ કર્યું છે!

વાચન, લેખન માટે ઘર અને લેસ્ટરની લાયબ્રેરીઓમાં, અબીહાલ, ઠીક ઠીક વખત પસાર કરનાર, ગુજરાતી તથા અંગ્રેજીના લેખક વનુ જીવરાજને, ટેલિવિઝન પડદે રમતગમત જોવાનો ય આનંદ આવે છે. ભાઈબંધમિત્રોનું આતિથ્ય કરવામાં પણ, વળી, આ દંપતી, સ્વાભાવિક, પાછું પડતું નથી. મંજુબહેને પકાવેલી ખાસ પ્રકારની બિરયાની આરોગવી તેને જિંદગીનો એક અદ્‌ભુત લહાવો ગણવો. મોટા દીકરા સુનીલ અને પુત્રવધૂ કૌશિકાની હૂંફમાં, મૂડી સાટે વ્યાજને વહાલું લેખતાં લેખતાં, બંને આજકાલ ઘડપણને ઉજમાળું કરતાં રહ્યાં છે. બીજી તરફ, દીકરી સુકેશી ભરત ગણાત્રા પરિવારસહ અહીં લુટન શહેરમાં વસે છે. જ્યારે બીજો દીકરો નીકુંજ ને પુત્રવધૂ હેમાલિની અમેરિકામાં તેમ જ સૌથી નાનો દીકરો નીરજ ને પત્ની ભાવના બ્રિટનના બીજા નંબરના શહેર બર્મિંગમમાં વસે છે. 

લગભગ એક વર્ષ પહેલાં, રામકૃષ્ણ ટી. સોમૈયા નામના એક સજ્જને લોહાણા કોમના ઇતિહાસની ટૂંકી નોંધ મોકલી આપી હતી. આ રઘુવંશી ક્ષત્રિય કોમ વિશે વનુ જીવરાજે દાયકાઓથી ઊંડો અભ્યાસ કર્યો છે. યુગાન્ડાના વસવાટ ટાંકણે જેમ એમણે ‘આફ્રિકા લોહાણા મહાપરિષદ’ અંક પ્રગટ કરેલો, તેમ બ્રિટનના વસવાટ દરમિયાન લોહાણા કોમને કેન્દ્રમાં રાખીને સામયિક બહાર પાડેલાં. આટલું ઓછું હોય તેમ, ૨૦૦૨ના અરસામાં, ‘ધ એન્શન્ટ હિસ્ટ્રી ઑવ્ ‌ધ સોલાર રેઇસ’ નામે ૧૮૪ પાનાં ઉપરાંતનો એક ગ્રંથ અંગ્રેજીમાં પ્રગટ કર્યો હતો. દેશદેશાવરમાં પહોંચી ગયેલા આ પુસ્તકની ઠેર ઠેર સમીક્ષાઓ પણ થઈ છે. વળી ઇન્ટરનેટના માધ્યમે ય તેની વિગતો જોવા મળે છે. આ પુસ્તકમાં, વળી, વનુભાઈએ ‘ઍ ઇન્ડિયન્સ ઑવ્‌ ઇસ્ટ આફ્રિકા’ બાબતની માહિતીવિગતોને આવરી લીધી છે. આ પુસ્તકનો લોકાર્પણ કાર્યક્રમ સ્થાનિક હેરો લેઝર સેન્ટરમાં સમ્પન્ન થયો, તે પ્રસંગે અકડેઠઠ મહેરામણ ઉમટ્યો હતો. તે અવસરે જ છસ્સો ઉપરાંત નકલોનું વેંચાણ થયું હતું, તેમ સાંભરે છે. આવું આ પહેલાં કે પછી બન્યાનું લગીર સાંભરતું નથી.

દર્શક ઇતિહાસ નિધિ દ્વારા, ૨૦૦૧ના અરસામાં, પ્રકાશિત ‘ગુજરાતીઓ અને પૂર્વ આફ્રિકા, ૧૮૫૦-૧૯૬૦ : ગુજરાતીપણાની શોધમાં’, પુસ્તકમાં, ઇતિહાસવિદ્દ લેખક મકરન્દ મહેતા લખે છે : ‘ઇંગ્લૅન્ડમાં વસવાટ કરી રહેલા પ્રભુદાસ માણેકનાં સંસ્મરણો મહત્ત્વનાં છે. તેમના પિતા રૂગનાથ જેરામ, કુટુંબ સહિત પૂર્વ આફ્રિકાથી યુનાઇટેડ કિંગ્ડમમાં સ્થળાંતર કર્યું તે પહેલાં, તેઓ તેમ જ ભ્રમિત જોશી અને છગનબાપા જેવા સારસ્વત ગોરની જેમ લોહાણા જ્ઞાતિના ‘લિવીંગ એન્સાઇક્લોપીડિયા’ સમાન હતા. હરગોવિંદદાસ હીરજી, છગનલાલ જોશી અને લાલજીભાઈ જોશી જેવા પ્રથમ પેઢીના તેજસ્વી ગોરોની પરંપરાઓને ચાલુ રાખનાર આ સારસ્વતો લોહાણા જ્ઞાતિના તળપદા ઇતિહાસકારો હતા. પ્રભુદાસ માણેકે ૫-૧૧-૧૯૯૮ના વનુ જીવરાજ પર લખેલા પત્રની ઝેરૉક્સ નકલ ફરતી ફરતી સુપ્રસિદ્ધ સાહિત્યકાર જયન્ત પંડ્યા પાસે પહોંચી અને તેમના દ્વારા તે મારી પાસે આવી. મુખ્ય મુદ્દો એ છે કે ૨૦મા સૈકાની શરૂઆતથી લોહાણા વ્યાપારીઓ અને તેમના તેજસ્વી પુરોહિતોએ પૂર્વ આફ્રિકામાં શરૂ કરેલી સાંસ્કૃિતક પરંપરાઓ છેક યુગાન્ડાના હાહાકાર સુધી ચાલુ રહી હતી.

ભાનુભાઈએ નોંધ્યું છે તેમ, કમ્પાલાના દિવસો દરમિયાન, વનુભાઈએ પોતાનું છાપખાનું શરૂ કરેલું. અને ત્યાંથી એમના દિવંગત મિત્ર અને જગવિખ્યાત વિચારક તંત્રી રજત નિયોગીનું “ટ્રાન્ઝિશન” નામનું એક જબ્બરુ સામયિક પ્રગટ થવું શરૂ થયેલું. રજત નિયોગી અને આ સામયિક વિશે ક્યારેક નિરાંતવા લખવા જેવું છે. “ટ્રાન્ઝિશન”ની બરોબરી કરી શકે એવાં સામયિકો, આજે, ધોળે દિવસે બત્તી લઈને ય ઢૂંઢવા જઈએ તો ય ક્યાં ય સાંપડે તેમ નથી!

વનુ જીવરાજ સાથે જેમને ‘હૈયાની ગાંઠે ગંઠાઈને પડી’ અતૂટ મૈત્રી રહી છે, તેવા વાર્તાકાર રમેશભાઈ પટેલ લખે છે : ‘જીવનનો અંત એ મૃત્યુ નથી, મહત્ત્વાકાંક્ષાનો અંત એ મૃત્યુ છે.’ આ વાક્ય વનુભાઈના કાર્યાલયના ટેબલ ઉપર કાયમ મોજુદ રહે છે. શૂન્યમાંથી પોતાના પ્રચંડ પુરુષાર્થ વડે પોતાના જ જીવનનું સર્જન કરી જાહોજલાલી અને સુખચેનની એક આગવી ઇમારત પોતાના જીવનમાં એમણે ઊભી કરી. એ મહાલય, એ અદ્યતન છાપખાનું, એ બધું જ ઘડીના છઠ્ઠા ભાગમાં છોડીને દેશ છોડવાનો જ્યારે વારો આવ્યો, ત્યારે વનુભાઈએ, સુણાવસ્થિત આ રમેશભાઈ પટેલના મત અનુસાર, ‘જીગરની સાવ નોખી ખુમારી, ધીરજ અને હિંમતથી બેઠા થઈ ઊભા થવાની શરૂઆત’ આદરી દીધેલી.

વિલાયત આવ્યા કેડે, પહેલવહેલાં, સ્ટોક - ઑન - ટ્રેન્ટમાં અને તે પછી લેસ્ટરમાં, એમણે વસવાટ કરવાનું રાખ્યું. ‘પેરેડાઇઝ પબ્લિકેશન્સ’ હેઠળ, આરંભે, એમણે સ્ટોક - ઑન - ટ્રેન્ટથી “નવ બ્રિટન” સામયિકનો આરંભ કરેલો. અને સાથે સાથે પૂર્વ આફ્રિકાની અનેક લીલીસૂકી જોનાર-અનુભવનાર આ લેખકે, ‘યુગાન્ડાનો હાહાકાર’ નામનું એક હૃદયદ્રાવક પુસ્તક ૧૯૭૭ના અરસામાં આપેલું. લશ્કરી સરમુખત્યાર ઈદી અમીનના યુગાન્ડા બાબતનું તેમ જ એશિયાઈઓની હકાલપટ્ટી વિષયક આ રસપ્રદ અને માહિતીપૂર્ણ પુસ્તક ગુજરાતી ડાયસ્પોરિક ઇતિહાસ સામગ્રી માટેનું બહુ મોટું સાધન હોવાનું અનુભવે લાગ્યું છે.

‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના દશાબ્દી વર્ષ ટાંકણે, ઇ.સ. ૧૯૮૬ના અરસામાં, ‘આહ્‌વાન’ નામે અંકનું મુદ્રણકામ તેમ જ પ્રકાશનકામ એમણે જ એમના બ્રૂઈન સ્ટ્રીટ પર આવેલા ‘સોમિયા પ્રેસ’માં કરેલું. એમના લેસ્ટર નિવાસ કારણે, પછીથી, “નવ-બ્રિટન” અહીંથી પ્રગટ થતું રહેલું. હવે તો જો કે સાપ ગયા અને લિસોટા રહ્યા — શો ઘાટ છે. તે સ્થળે હવે પરિસર બદલાઈ ગયું છે. એ પ્રેસ પણ નથી; “નવ - બ્રિટન” સમેટી લેવાયું તેને ય ઠીક ઠીક વરસો વીતી ગયાં છે. પરંતુ વનુભાઈનું લેખનકામ તેજ લિસોટાની પેઠે ઝગારા મારે છે. લેસ્ટર શહેરના ઇતિહાસ તેમ જ આ શહેરમાંની આપણી વસાહતની દેણગી અંગે એક ગુજરાતી પુસ્તકની તૈયારીમાં વનુભાઈ આજકાલ વ્યસ્ત રહે છે. પાનખરનો તડકો આથી તો જાણે કે હૂંફાળો હોવાનું અનુભવાય છે.

પાનબીડું :

આભાર ભરેલા મસ્તકને ઊંચકવું ‘શયદા’, સ્હેલ નથી,
હું એમ તો  મસ્તીમાં આવી, આકાશ ઉઠાવી જાણું છું.

                                                                        - ‘શયદા’

(૧૬.૦૬. ૨૦૦૮)

E-mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2018; પૃ. 13-14

Category :- Ami Ek Jajabar / Ami Ek Jajabar

એક અજાણ્યા ગાંધીની આત્મકથા

વિપુલ કલ્યાણી
18-12-2017

એક અજાણ્યા ગાંધીની આત્મકથા : નટવર ગાંધી : પ્રકાશક - ઇમેજ પબ્લિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ, મુંબઈ - અમદાવાદ : ISBN - 978-81-7997-732-3 : પ્રથમ આવૃત્તિ - 2016 : પૃષ્ઠ - 344; ફોટાઓ - 16 પાન : મૂલ્ય રૂપિયા 400; અૅરમેલ સાથે વિદેશમાં - $ 15 : કિન્ડલ [Kindle] ‘ઈ-બૂક’ [E-book] આકારમાં ય મેળવી શકાય છે.

°

સને 1984માં સલમાન ઋષદીએ લખ્યું હતું, ‘રાજકારણ અને સાહિત્યની સેળભેળ થયા કરે છે, તેની મેળવણી એટલી હદે થઈ છે કે તેમને બન્નેને છૂટા પાડવા અઘરા પડે, … અને આ મેળવણથી પરિણામો ય સર્જાતાં રહ્યાં છે.’ આજની ઘડીએ ‘1984’નો ગાળો કદાચ આપણને સાદો, સરળ લાગતો હોય, પણ તે વેળા અનેક વમળો ચોમેર ઉછાળા ખાઈ રહ્યાં હતાં. એવેએવે સમયે, રાજકારણ બાબત લેખકગણે વીતરાગભાવ રાખવો જોઇએ, એવી દલીલ કરવા સારુ જ્યૉર્જ અૉરવેલની આલોચના કરતાં ઋષદીએ કહ્યું હતું કે આપણે સૌ ઇતિહાસથી તો પ્રફુલ્લિત બનીએ છીએ, આપણે ઇતિહાસ તેમ જ રાજકારણથી તો તેજોધર્મી (radioactive) થઇએ છીએ.’ અને તે ય ‘આ જગતમાં જ્યારે કોઈ પણ જગ્યાએ નીરવ ખૂણો મળવો ય દુર્લભ થયો છે ત્યારે ઇતિહાસથી, કોલાહલથી, ભયાનક તેમ જ અશાન્ત ધાંધલધમાલથી આપણે સરળતાએ છૂટી શકવાના નથી.’ … આની પછીતે, ઋષદી, સને 2012માં, ‘જૉસેફ એન્ટૉન’ નામે 650 પાનની સમૃદ્ધ સ્મરણકથા લઈને આવે છે.

જ્યૉર્જ અૉરવેલની આ સલાહથી ઊફરેટા ચાલતા રહી, આપણે અહીં જેની વાત માંડવા જઈ રહ્યા છે, તે નટવર ગાંધીની ‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’માંથી પસાર થતાં થતાં આવો કોઈ વીતરાગભાવ આ લેખકમાં જોવાને મળતો નથી. વળી, નટવરભાઈ લેખકરૂપે સતત તેજોધર્મી હોય તેમ પણ લાગ્યા કર્યું છે.

નટવર ગાંધીની આત્મકથામાં એક વાત દીવા જેવી ચોખ્ખીચટ્ટ છે : લેખકે અહીં સાવર કુંડલા, મુંબઈ, ઉપરાંત અમેરિકાના અૅટલાન્ટા, ગ્રિન્સબરો, બેટન રુજ, પિટ્સબર્ગ તેમ જ વૉશિંગ્ટન નગરની ગતિવિધિ અને એમને ખુદને થયેલા જે તે ગામો ને શહેરોના અનુભવોની વિગતે નોંધ કરી છે.

કહેવું હોય તો કહેવાય : સાવર કુંડલાથી ફક્ત દોરીલોટો લઈને નીકળી પડેલા એક મનેખની આ આપવીતી છે. મુંબઈમાં એ ટીચાય છે, ટીપાય છે, ને રિબાય પણ છે. એ વચ્ચે એ ભણે ય છે અને ગૂંજે ગણતર ઊમેરતા જાય છે. તે પછી ય, એમને મુંબઈ તો સદતું નથી; અને મૂછનો દોરો હજુ ફૂટું ફૂટું થતો હોય તેવી ઉમ્મરે, લાગ જોઈને, કૉલેજમિત્ર નવીન જારેચાની સક્રિય સહાયથી અમેિરકાની ખેપ કરે છે. ખાલી હાથે નીકળી પડેલા આ અપાર મહત્ત્વાંકાક્ષી યુવાન અમેરિકે જે પામે છે, મેળવે છે તેની અનુભવ-ઝાંખી આ આપવીતીમાં અહીં થાય છે.

સાતઆઠ દાયકા પહેલાં, કાઠિયાવાડમાં કુટુંબકબીલાની સાધારણ જે ગતિવિધિ હતી તેનું ચિત્રણ લેખકે કર્યું છે. વાસણ પર કલાઈનું જેમ પડ ચડાવાય છે તેમ અમેરિકાના વસવાટે નટવર ગાંધી પર જે પશ્ચિમી સંસ્કારનું સહજ આવરણ બન્યું છે, તેની પછીતે, સાતઆઠ દાયકા પહેલાંની ગતિવિધિની આલોચના ય અહીં જોવા પામીએ છીએ. બા અને બાપુજી માટે એક ટકો ય આદર ઘટાડ્યા વિના લેખક બાપુજીની રીતરસમ અંગે તાજૂબી જ અનુભવે છે.

બ્રિટિશ રાજના એ આથમતા દિવસો છે અને ગાંધી-પટેલ-નેહરુની નેતાગીરી સાથે આઝાદીના ઉષ:કાળનો એ સંધિકાળ. વિશ્વવ્યાપી બજારવાદની હજુ અસર પહોંચી નથી તેવા કાઠિયાવાડના એક સાધારણ ગામની વાત અહીં મંડાઈ છે. ગાયકવાડી રાજના અમરેલી પરગણાનો એ વિસ્તાર. ટેલિફોન સુવિધા નથી, વીજળીના દીવા ય નહીંવત્‌ છે. હજુ ગાડીની અવરજવર પણ ઝાઝેરી નથી. બળદગાડાંની બોલબાલા છે, ક્યારેક એકાની તો કોઈક વાર ઘોડાગાડીની સોઈ હોય તો હોય. પરગામ જવા માટે આઘે રેલગાડી છે અને તેનો વ્યવહાર પણ ઝાઝેરો જોવા મળતો નથી. ગામમાં એકાદ મુખ્ય શેરીમાં આંગળીને વેઢે ગણાય તેટલી દુકાનો ઊભી છે. વસ્તીનું પ્રમાણ પણ સાધારણ. વળી, દરેક એકબીજાને ઓળખે તેવા તેવા તે દિવસો. નાવલી નામે મોસમી નદીની ચોપાસ સાવર અને કુંડલા નામક બે ગામોનું જોડાણથી બનેલું આ સાવર કુંડલા શહેર છે. તેનું રસિક વર્ણન નટવર ગાંધીની કલમે અને અનુભવે અહીં પામીએ છીએ.

પ્રસિદ્ધ રુસી નવલકથાકાર વ્લાડીમીર નેબોકોવની આત્મકથાનો હવાલો આપતાં આપતાં  બાળપણની વાત છેડી, લેખક લખે છે, ‘… નાનપણથી જ મને એવું કેમ થતું કે આ કુટુંબ, આ ઘર, આ ગામ હું ક્યારે છોડું ? અને એ બધું છોડ્યા પછી મને ક્યારે ય એવું થયું નથી કે ચાલો, પાછા જઈએ. ભલે કોઈનો ઉછેર નેબોકોવની જેમ અમીરી કુટુંબના લાડમાં ન થયો હોય, પણ શિશુ સહજ આનંદ અને ઉલ્લાસનો અધિકાર દરેકનો છે. એમાં કંઈ ગરીબ તવંગરના ભેદભાવ ન હોય. છતાં મારા કુટુંબમાં મેં ઉલ્લાસ અને ઉત્સાહનું વાતાવરણ જોયું નથી. માબાપ, દાદાદાદી કે ભાઈબહેનોના પ્રેમ અને લાડ મને નહીં મળ્યા હોય એવું હું કહેતો નથી, પણ એવા કોઈ લાડ કે વ્હાલ આજે યાદ નથી. એ કેવું ? એ પણ યાદ નથી કે મેં ભાઈબહેનો સાથે સંતાકૂકડી કે બીજી કોઈ રમત રમી હોય, કે દાદાદાદી પાસેથી કોઈ પરીકથાઓ સાંભળી હોય. કે કાકા (બાપુજી) સાથે બેસીને પાંચ મિનિટ વાત કરી હોય. અરે, મારો જન્મદિવસ ક્યારે ય ઉજવાયો હોય એવું પણ યાદ નથી !’

આવા વાતાવરણ વચ્ચે આ એકલસૂરા નટવર ગાંધીનો પાયો ઘડાયો છે. એમાં એમને સદ્દનસીબે સંસ્કાર મંદિરની લાઇબ્રેરીની લત લાગે છે. ત્યાં આવતાં ને ખડકાતાં સમસામયિકોને, પુસ્તકોને સહારે સજ્જબદ્ધ થતા ય જાય છે. ખેર ! ગામમાં શાળાંત પરીક્ષાની ત્યારે જોગવાઈ નહીં, તેથી મેટૃિકની પરીક્ષા ભાવનગર જઈ આપી; અને પછી, પિતા મોટી બહેનને સહારે કુંટુંબની જવાબદારી વહેવા મુંબઈની વાટે રવાના કરે છે …

કમાલની વાત તો એ છે કે નટવર ગાંધીને ક્યાંકથી ને ક્યાંકથી સહાયટેકો મળી જ જાય છે. જિંદગીમાં સાવર કુંડલાથી બહાર પણ કદાચ પગ નથી મુક્યો, તેવા આ મનેખને, વિરમગામે એક ‘ભલા માણસે’ સહાય કરી. મુંબઈની ગાડીમાં બેસાડ્યા, ચાનાસ્તો ય કરાવ્યો અને મુંબઈના પાદરે પહોંચતા જગાડ્યા પણ ખરા ! અને પછીનો એક નવો અવતાર શરૂ − ! અને વળી, િફલ્મોને આધારે મુંબઈનું મનમંદિરિયે ગાંધર્વનગર સરીખું ખડું કરેલું ચિત્ર જાણે કે ધડોધડ ખરડાવા લાગ્યું.

તેમ છતાં, લેખક લખે છે, ‘મારા જીવનમાં જે વળાંકો આવ્યાં છે, જે પરિવર્તનો થયાં છે, તેમાં મોટામાં મોટું તે અમારા નાના ગામમાંથી મુંબઈ આવવું તે. દેશમાંથી અમેરિકામાં આવવા કરતાં પણ એ મોટો બનાવ હતો. મુંબઈ મારા માટે માત્ર દેશની જ નહીં, પણ દુનિયાની બારી હતી. અહીં મને પહેલી વાર ભાત ભાતના લોકો જોવા સાંભળવા મળ્યા. દેશવિદેશના અંગ્રેજી છાપાં અને મૅગેઝિન જોવા વાંચવાં મળ્યાં. મારી આખી દૃષ્ટિ બદલાઈ ગઈ. અંધારિયા કૂવાનો દેડકો જાણે કે મોટી માછલી બનીને મહાસાગરમાં તરવા માંડ્યો !’

કવિ, ખુદ, લખે છે :

અહીં ઊઘડી આંખ, પાંખ પ્રસરી, ઊડ્યો આભ હું,
મહાનગર આ, ભણ્યો જીવનના અહીં પાઠ હું.    

દરમિયાન, મહા ત્મા ગાંધીએ મુંબઈને ‘હિંદનું પ્રથમપહેલું નગર’ ગણાવ્યું હોવાનું ભીખુ પારેખે નોંધ્યું છે. ઉષા ઠક્કર તથા સંધ્યા મહેતાના પુસ્તક ‘ગાંધી ઇન બૉમ્બે’ના આમુખમાં ભીખુભાઈ જણાવે છે તેમ, “યન્ગ ઇન્ડિયા”ના 06 જુલાઈ 1921માં, ગાંધીજી, વળી મુંબઈને ‘સુંદર મુંબઈ’ તો કહે જ છે, પણ પછી ઉમેરે છે, મોટાં મોટાં મકાનોને કારણે મુંબઈ સુંદર નથી, કેમ કે મોટા ભાગનાં મકાનો તો ગંદી ગરીબાઈનો ઢાંકપીછોડો કરે છે; વળી, લોકોનું લોહી ચૂસી ચૂસીને એકઠી કરેલી દોલતના આ મકાનો દ્યોતક છે. પરંતુ પોતાની જગપ્રસિદ્ધ ઉદારતાને કારણે મુંબઈ સુંદર છે. …’ નટવર ગાંધીના અનુભવજગતમાં ય આવું જોવા પામીએ જ છીએ ને ? … ખેર !
મુંબઈ માંહેના ગુજરાતી ડાયસ્પોરાનું અહીં, આ ચોપડીમાં, સરસ ચિત્રણ મળે છે. આવું વર્ણન કદાચ આ પહેલાં ક્યાં ય જોવાવાંચવા પામ્યો હોઉં તેમ સાંભરતું નથી. પ્રિન્સેસ સ્ટૃીટ, કાલાઘોડા, ફ્લોરા ફાઉન્ટન, હૉર્નબી રોડ, બોરીબંદર, કાલબાદેવી, ધોબી તળાવ, મૂળજી જેઠા મારકેટ, માટુંગા, અને તેની ચોપાસના વિસ્તારોમાં જે ગુજરાતી વસાહતો હતી, તેની આછીપાતળી વાતો તો અહીં ગુંથાઈ છે, પણ લેખકને જે તાણ અનુભવી પડતી અને પરિચિત લોકો જે પ્રકારની હાડમારી અનુભવતા તેની જાતઅનુભવવાળી છાંટની રજૂઆત જેટલી રોચક છે તેટલી પીડાકારી પણ છે. બીજી પાસ, મૂળજી જેઠા મારકેટના વેપારવાણિજ્યની આવી આડીઅવળી, ઊંડી વિગતો વિશેષ નોંધપાત્ર છે. અને સિડનમ કૉલેજના આ વિદ્યાર્થીને ખરચો કાઢવા જે પ્રકારની નોકરીઓ અહીં કરવી પડેલી તેની દાસ્તાઁ ય સમજવા જેવી છે. મુંબઈમાં રહી શકાય, ભણી શકાય અને ઘેર કંઈક ચપટીમુઠ્ઠી આપી શકાય તે માટેનાં વલખાં નટવર ગાંધીને માટે હાંફકારી નીવડેલાં. એમાં એ નલિનીબહેન વોરાને પરણ્યાં. અને પછીની પરિણામલક્ષી વાતો આટલે વરસે રમૂજ જરૂર પેદા કરે છે, પણ તે સમયે આ જણ હેબતાયેલા રહેતા હશે જ. નલિનીબહેનને સાવર કુંડલા બાબાપુજીની ઓથે રાખવાનો વારો આવ્યો અને પછી એક પછી એક જુદી જુદી સેનેટેરિયમોનો રઝળપાટી નિવાસકાળ. આશરે ત્રણ ત્રણ મહિને ફેરબદલીના આ નિવાસકાળમાં વળી નાના ભાઈને સાથે સાંચવવાની જવાબદારી આવી પડી. તાણીતૂણીને વળી એક ઓરડી ખરીદીની જોગવાઈ થઈ. તેનો ય વળી ભાતીગળ પણ વરવો અનુભવ.

આ બધી હાલાકીઓ વચ્ચે નટવર ગાંધી પોતાની ગમતી પ્રવૃત્તિઓ − લાઇબ્રેરીઓમાં જઈ સમસામયિકો, પુસ્તકો વાંચવાની ટેવ, આ કે તે સિનેમાઘરોમાં જઈ ફિલ્મો જોવાની લત, એ સાઠીના દાયકામાં જે સાહિત્યની તેમ જ રાજકારણ સમેતના જાહેર જીવનની સભાબેઠકો થતી તેમાં અચૂક હાજરી - ચાલુ રાખી શકેલા તેનું અચરજ છે. એ અરસાના મુંબઈનો મને ય પરિચય. નટવર ગાંધી જે જે સભાબેઠકોમાં જતા તેમાં બહુધા હું ય હાજર. પણ ત્યારે અમારે ક્યારે ય મળવાહળવાનું બનેલું જ નહીં !

સિડનમ કૉલેજમાં નટવરભાઈના એક મિત્ર હતા, નામે નવીન જારેચા. નવીનભાઈએ અમેિરકા પ્રયાણ કર્યું, અને લેખક પણ ત્યાં જવાના સ્વપ્ન જોવાં લાગે છે. નવીન જારેચાએ નટવર ગાંધી માટે અૅટલાન્ટા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલો અને તેની ડૉર્મિટરીમાં રહેવાની વ્યવસ્થા કરી આપેલી. વળી, ખંડ સમય માટેની નોકરી પણ નટવરભાઈએ મેળવી કે જેથી બર્સરી સિવાય આ પારથી કંઈક બચત પણ થાય. નલિનીબહેનને અને સાવર કુંડલામાંના પરિવારને કંઈક મોકલી શકાય.

દરમિયાન, અહીંથી એમ.બી.એ.ની ઉપાધિ મેળવે છે. અને ત્યાંથી નૉર્થ કેરોલિના રાજ્યના ગ્રિન્સબરૉની પબ્લિક યુનિવર્સિટીમાં નોકરી કરવાનો આરંભ કરે છે. પ્રૉફેસર બને છે. લોકપ્રિયતા ય મેળવે છે. પીએચ.ડી. ભણવાનો આરંભ કરે છે. દરમિયાન, નલિનીબહેન ભારતથી આવી જાય છે અને પીએચ.ડી. અભ્યાસ પૂરા સમય કરવા સારુ ‘ડેરા તંબૂ ઊપાડીને’ હાલ્યા બૅટન રુજ. અમેરિકાના દક્ષિણ વિસ્તારના રાજ્યોએ આમ લેખકનું ઘડતર કર્યું છે. ડૉક્ટરેટ મેળવ્યા કેડે પીટ્સબર્ગ પહોંચ્યા. અહીં પોતાનું ઘર ખરીદ કરી વસે છે. અમેિરકન નાગરિક પણ બને છે. અને છેવટે, વૉશિંગ્ટન [ડિસ્ટૃીક્ટ અૉવ્‌ કોલમ્બિયા] ખાતે ઠરીઠામ થાય છે. સીડીના એક પછી એક દાદરા ચડતા જઈ, નટવર ગાંધી ચીફ ફાઈનાન્સિયલ અૉફિસરની પદવી પરથી ફાડચામાં ગયેલા દફતરને ખમતીધર પણ કરી બતાવે છે. ત્યાં સુધીમાં એ ‘એક અજાણ્યા ગાંધી’ રહેતા નથી; બલકે વિશ્વપ્રખ્યાત નટવર ગાંધીમાં પરિણમિત બન્યા છે. હવે, આજે નિવૃત્તિ સમયે પોતાનો સમય વાંચનલેખનમાં વ્યતિત કરે છે, વિશ્વ બૅન્કને સલાહકાર તરીકેની સેવાઓ ય આપ્યા કરે છે.          

જેમ મુંબઈ માંહેના ગુજરાતી ડાયસ્પોરાનું તેમ અહીં અમેરિકાનિવાસી ગુજરાતી ડાયસ્પોરાનું વાચકને ચિત્ર મળે છે. અને તેમાંથી કોઈ સંશોધકને જોઈએ એટલી સામગ્રી મળી જાય છે. અમેિરકા ગયેલા ગુજરાતીઓ જ નહીં, બલકે હિન્દવી જમાતના વિધવિધ લોકોની અનેકવિધ ખાસિયતો અને જીવનીની અનેક વાતો જાણવાસમજવા પામીએ છીએ.

આપ્રવાસ, દેશાતંર અધિવાસ [immigration] બાબત લેખક સજાગ રહ્યા હોય અને સતર્કપણે વિચારતા હોય તેમ આ પુસ્તકમાંથી પસાર થતાં લાગ્યા કર્યું છે. પુસ્તકના ભાગ બેમાંથી પસાર થતાં લાગશે કે લેખક, સ્વામી આનંદ કહે છે તેમ, કોઈક જાતના ‘અમરધામાભિમુખ’ પ્રદેશ[‘પ્રૉમિસ્ડ લૅન્ડ’]ની જાણે કે તલાશમાં છે. અને હળુ હળુ અૅટલાન્ટા, ગ્રિન્સબરો, બેટન રુજ, પીટ્સબર્ગ આવતાં આવતાં સુધીમાં એ અમેિરકાને પોતાની કર્મભૂમિ માનતા થઈ ગયા છે. એટલું જ નહીં, વૉશિંગ્ટન પહોંચતા સુધીમાં ગાંધી દંપતી અમેિરકી નાગરિકપદ ઉલ્લાસભેર સ્વીકારે છે. અને પછી પૂરી સમજદારીથી નાગરિક તરીકે પોતાની ફરજ અદા કરવામાં પાછા પડતા નથી. લેખક, ખુદ, લખે છે : ‘દેશમાં, ખાસ કરીને મુંબઈમાં મને જે કડવા અનુભવો થયા હતા તે કારણે દેશમાં પાછા જઈ દેશસેવા કરવી છે એવા શેખચલ્લીના વિચારો મને ક્યારે ય નહોતા આવ્યા. જ્યારે મેં એર ઇન્ડિયાનું ન્યૂ યૉર્ક આવવાનું પ્લેન લીધું ત્યારે જ મેં દેશને રામરામ કરેલા. … જે કાંઈક મારું ભવિષ્ય છે તે મારે અમેિરકામાં જ ઘડવાનું છે.’

અને પછી સ્વગત જાણે બોલતા હોય તેમ, નટવર ગાંધી કહી બેસે છે, ‘આ તો અમારો સગવડિયો ધર્મ હતો.’ આગળ વધી, એ કહેતા રહ્યા, ‘આ તો અમે માત્ર કાયદેસર અમેરિકન થયા, એટલું જ. સાચું કહો તો અમે સોમથી શુક્ર સુધીના અમેરિકન શનિ રવિએ પાછા ઇન્ડિયન થઈ જઈએ. ભલે અમે અમેિરકામાં રહીએ અમે અમારો કામધંધો કરીએ, પણ ઘરે આવીએ ત્યારે પાછું બધું અમારું ઇન્ડિયન જ !’

જેમ અમેિરકામાં તેમ વિલાયતમાં ગુજરાતી વસાહતમાંની આવી વિચારસરણી અને કરણીમાં ઝાઝો તફાવત નથી. દૂધમાં સાકર ભળે તેમ આપણે મુખ્ય પ્રવાહમાં કેટલા ઓગળ્યા છીએ, તે તો તોતેર મણનો કોયડો બની બેઠો છે ! જો કે દેશપરદેશ વસેલી મોટા ભાગની ડાયસ્પોરિક વસાહતોમાં લગભગ આવું જ જોવા અનુભવવા મળવાનું.

લેખકે અમેરિકી જનજીવનમાં અને જાહેર જીવનમાં ઓગળી જઈ ઓતપ્રોત થયેલાં કેટલાંક વ્યક્તિવિશેષોનાં નામોલ્લેખ જરૂર કર્યા છે. આવું અન્યત્ર પણ છે જ છે. અહીં યુરોપમાં પણ તેવા તેવા દાખલા જડી આવે છે; અને અન્યત્ર પણ.

લેખકે આ અંગે પોતાના વિચારમંતવ્યોને પૂરવણીના પહેલા લેખ - ‘અમેિરકામાં વસતા ભારતીયો -માં વિગતે મૂક્યાં છે.

આ આત્મકથામાં લેખકે કેટલાક બહુ જ સરસ આછાંપાતળાં ચરિત્રચિત્રો આપ્યાં છે : બા, કાકા (એમના પિતા), એમના શાળા શિક્ષક મુકુંદભાઈ, એમના પિતરાઈ રતિભાઈ, મિત્ર નવીન જારેચા અને મેઘનાદ ભટ્ટ, સિડનમ કૉલેજ માંહેના ગુજરાતીના પ્રૉફેસર મુરલી ઠાકુર, વૉશિંગ્ટના મેયર મેરિયન બેરી તેમ જ એન્થની વિલિયમ્સ વિશેષ તરી આવે છે.

પુસ્તકમાંથી પસાર થતાં અનેક ઠેકાણે લેખકે ‘રૅટિરક’[rhetoric]યુક્ત વાક્યોનો ભરપેટ ઉપયોગ કર્યો છે. આટઆટલાં વરસો પરદેશમાં રહ્યા તેથી લેખક પર આ રસમની અસર હોય તેમ પણ ક્વચિત, સ્વાભાવિક, બને. પશ્ચિમમાં આનો સવિશેષ ઉપયોગ લખાણોમાં, વક્તવ્યોમાં થતો હોય છે. લેખક પણ અહીં સવાલે છે, પણ તેના ઉત્તર એ સવાલમાં જ સૂચિત છે. આને કારણે લેખક અહીં ખૂબ પૂછી પણ લે છે અને એમને અપેક્ષિત ઉત્તર વાચકને સારુ ગૂંજે ભરતા ય રહે છે.

અમરેલી વિસ્તારની તળપદી ભાષાનો છૂટથી લેખકે ઉપયોગ કર્યો છે. વાક્યો ક્યાંક ટૂંકા ય છે, અને આશરે છ દાયકાના પરદેશ નિવાસને કારણે ઘર બેઠી અંગ્રેજી શબ્દમાળાની રંગોળી પણ જ્યાં ત્યાં પુરાઈ જોવા મળે છે. આ પુસ્તકમાં બીજી એક વાત પણ આંખે વળગે છે : તે લેખકની ખરાઈ. પોતાની પણ આલોચના કરવાનું ય નટવર ગાંધીએ ટાળ્યું નથી. અને આનાં દૃષ્ટાન્તો ઠેરઠેર જોવાવાંચવાં મળે છે. વૉશિંગ્ટન (ડિસ્ટૃિક્ટ અૉવ્ કોલમ્બિયા) રાજ્યમાં નટવર ગાંધી ખુદ ‘ચીફ ફાઈનાન્સિયલ અૉફિસર’ હતા, તે વેળા, રુશવતખોરીની અસરને કારણે નાણાંકીય ઝંઝાવાતનો સપાટો બોલી ગયો. પોતાને ત્રાજવે મૂકતાં મૂકતાં લેખકે પોતાની વાત બેધડક અહીં મૂકી છે. નીરક્ષીરપણે એ પાર પડે છે તેની ગાથા ય અહીં જોવાઅનુભવવા મળે છે.       

ગુજરાતના નીલ કાંઠેથી પરદેશે કમાવાધમાવા ગયેલી આપણી જમાતની, ટૂંકમાં, અહીં અગત્યની ઇતિહાસનોંધ આપણને મળે છે. પ્રભુદાસ ગાંધીનું ‘જીવનનું પરોઢ’, નાનજી કાળિદાસ મહેતાની આત્મકથા, દીપક બારડોલીકરે આપી ‘સાંકળોનો સિતમ’ તથા ‘ઉછાળા ખાય છે પાણી’ તેમ જ અહમદ ગુલની જીવનકથા ‘આલીપોરથી OBE’ સાથે આ પુસ્તક પણ આપણી વસાહતને પામવાનું, સમજવાનું, જાણવાનું ભારે અગત્યનું સાધન બને છે. અને તેથી તેનું ઊંચેરું સ્વાગત છે.

જ્યારે બીજી બાજુ, લેખક ખુદ લખે જ છે : ‘આ લખવાનો મુખ્ય આશય તો જાતને હિસાબ આપવાનો હતો. મનુષ્ય જીવન જીવવાની જે અમૂલી તક મળી છે તે મેં વેડફી નાખી છે કે એ તકનો મેં કંઈ સદુપયોગ કર્યો છે તે ચકાસવું હતું. એ ઉપરાંત આગળ જણાવ્યું છે તેમ હું મહત્ત્વાકાંક્ષાના મહારોગથી સદાય પીડાતો રહ્યો છું, અને હજી પણ પીડાઉં છું. જે કાંઈ ધાર્યું હતું તે સિદ્ધ નથી થયું તે તો સ્પષ્ટ જ છે, પણ એ માટે મેં યથાશક્તિ અને યથામતિ પ્રયત્નો કર્યા છે કે નહીં તે તો વાચકમિત્ર જ નક્કી કરી શકે.’

ચાલો, એમ રાખીએ !  

પાનબીડું :

‘ … જીવનચરિત્ર એ નરું કાવ્ય, નરો રોમાન્સ કે નરો ઇતિહાસ નથી. એવી ચરિત્રકથા જોડે એક ક્ષણેક્ષણ જદોઝદ ખેડતા, બદલાતા અને વિકસતા આત્માની જીવન-જાત્રા સંકળાયેલી હોય છે. ઇતિહાસ, સાહિત્ય, કાવ્ય, રોમાન્સ અને અપૂર્વ વીરતા(Dare-devilry)નાં સાહસ એમાં ઓતપ્રોત થઈને તાણાવાણાની જેમ અકેક તારે ને ત્રાગડે વણાતાં જતાં હોય છે. એને જુદાં પાડીને જોવા કે મૂલવવા જઈએ તો કપડું જ ફાટે. એટલે ઊંચી ઈશ્વરદત્ત બક્ષિસો અને સમગ્ર દૃષ્ટિવાળા માણસે જ એમાં હાથ નાખવો જોઈએ. માણસમાં સાચું સમતોલન, અનુભવ, ન્યાયદૃષ્ટિ અને Perspective પાકટ ઉંમરે જ આવે છે. પચાસી વીતાવી ન હોય એવા માણસે ચરિત્રકારનો role સ્વીકારવામાં જોખમ છે.’

— સ્વામી આનંદ

મકરંદ દવેને 30-07-1960ના લખેલા જવાબનો અંશ.

(હિમાંશી શેલત સંપાદિત ‘સ્વામી અને સાંઈ’ નામે સ્વામી આનંદ - મકરન્દ દવેના પત્રોમાંથી સાભાર, પૃ. 135)

હેરૉ, 17 ડિસેમ્બર 2017

e.mail : [email protected]

[શબ્દો : 2,371] 

Category :- Ami Ek Jajabar / Ami Ek Jajabar